બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ 13700નો સપોર્ટ તોડ્યો
બેન્ચમાર્ક નિફ્ટી 13700નો સપોર્ટ તોડી ચૂક્યો છે. શુક્રવારે અંતિમ એક કલાકમાં ભારે વેચવાલી પાછળ બજારે તેનો મહત્વનો સપોર્ટ તોડ્યો હતો. હવે તેના માટે 13130નો સપોર્ટ છે. જે વર્તમાન 13635ના બંધ ભાવથી 500 કરતાં વધુ પોઈન્ટ્સ છેટે છે. આમ બજારમાં ઘટાડાની શક્યતા ઊંચી છે. સોમવારે કેન્દ્રિય બજેટ રજૂ થવાનું છે અને તેની પાછળ પણ ટ્રેડર્સ તેમના લેણ ફૂંકીને ગયા હોવાનું માનવામાં આવે છે.
બેંક અને રિઅલ્ટી સિવાય અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકોમાં નરમાઈ
શુક્રવારે બજારના સપોર્ટમાં બેકિંગ ક્ષેત્ર આવ્યું હતું. નિફ્ટી બેંકમાં 0.7 ટકાનો સુધારો જોવા મળ્યો હતો અને તે 30566ના સ્તરે બંધ રહ્યો હતો. પીએસયૂ બેંક શેર્સમાં સારી ખરીદી પાછળ બેંક નિફ્ટી મજબૂત રહ્યો હતો.
મીડ અને સ્મોલ-કેપ્સનું આઉટપર્ફોર્મન્સ
લાર્જ-કેપ્સમાં વેચવાલી વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સે આઉટપર્ફોર્મન્સ જાળવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ માત્ર 0.4 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.6 ટકા તૂટ્યો હતો. નિફ્ટી 1.26 ટકા ઘટી બંધ રહ્યો હતો.
સરકારી એનબીએફસી આઈઆરએફસીનું નબળું લિસ્ટીંગ
નવા કેલેન્ડરના પ્રથમ આઈપીઓ એવા ઈન્ડિયન રેલ્વે ફાઈનાન્સિયલ કોર્પોરેશન(આઈઆરએફસી)નું શુક્રવારે શેરબજાર પર નબળું લિસ્ટીંગ જોવા મળ્યું હતું. આમ પ્રાઈમરી માર્કેટ માટે શરૂઆત પ્રતિકૂળ જોવા મળી હતી. રૂ. 26ના ભાવે રોકાણકારોને ઓફર કરવામાં આવેલો શેર લિસ્ટીંગ દિવસે તેના ઓફર ભાવને સ્પર્શી શક્યો નહોતો અને કામકાજના અંતે ઓફરભાવથી 4.42 ટકા અથવા રૂ. 1.15ના ઘટાડે રૂ. 24.30ના સ્તરે બંધ આવ્યો હતો. દિવસ દરમિયાન તે રૂ. 25.80ની ટોચ અને રૂ. 24.30ના તળિયાં વચ્ચે અથડાયો હતો. કંપનીએ માર્કેટમાંથી રૂ. 4600 કરોડ એકત્ર કર્યાં હતાં.
ટીવીએસ મોટરનો શેર 10 ટકા ઉછળ્યો
દેશમાં ત્રીજા નંબરની ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ટીવીએસનો શેર શુક્રવારે 10 ટકાથી વધુ ઉછળ્યો હતો. અગાઉના રૂ. 528.65ના બંધભાવ સામે કંપનીનો શેર રૂ. 589ના સ્તરે ટ્રેડ થયો હતો અને તેણે વાર્ષિક ટોચ દર્શાવી હતી. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 27 હજારને પાર કરી ગયું હતું. કંપનીએ ગુરુવારે માર્કેટ બંધ થયા બાદ ત્રીજા ક્વાર્ટર માટે પરિણામ જાહેર કર્યું હતું. જે અપેક્ષાથી સારુ રહેવા પાછળ કાઉન્ટરમાં મજબૂતી જોવા મળી હતી.
આઈઆઈએફએલ ફાઈ.નો શેર 20 ટકાની અપર સર્કિટમાં બંધ
ફાઈનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર કંપની આઈઆઈએફએલનો શેર ત્રીજા ક્વાર્ટરના સારા પરિણામો પાછળ 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 122.45ના બંધ ભાવ સામે રૂ. 24.45ના ઉછાળે રૂ. 146.90ની સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીએ વાર્ષિક ધોરણે ત્રીજા ક્વાર્ટર પ્રોફિટમાં 47 ટકાની વૃદ્ધિ દર્શાવવા સાથે રૂ. 268 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ પણ 57 ટકા ઉછળી રૂ. 573 કરોડ રહી હતી. જ્યારે તેની ગ્રોસ એનપીએ 1.81 ટકાથી ઘટી 1.61 ટકા જોવા મળી હતી.
સોલારા એક્ટિવ ફાર્મા સાયન્સિઝમાં 15 ટકાથી વધુ ઉછાળો
ફાર્મા ઉદ્યોગ માટે એપીઆઈ સહિતની ઉત્પાદક સોલારા એક્ટિવ ફાર્માનો શેર બ્રોડ બજારમાં નરમાઈ વચ્ચે 16 ટકાથી વધુનો ઉછાળો દર્શાવતો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1335ના બંધ સામે રૂ. 207ની મજબૂતી સાથે રૂ. 1542ના ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થયો હતો અને રૂ. 5000 કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં શેરમાં સતત ખરીદી જોવા મળી છે અને તે માર્ચ મહિનાના રૂ. 367ના તળિયા સામે ચાર ગણાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે.
કેલેન્ડરના પ્રથમ મહિનામાં ભારતીય બજારનો સૌથી નબળો દેખાવ
એશિયન હરિફ બજારોમાં જાન્યુઆરીમાં 4 ટકાના સુધારા સામે સેન્સેક્સે 3 ટકાથી વધુ ઘટાડે સૌથી ખરાબ પર્ફોર્મન્સ દર્શાવ્યું
ભારત ઉપરાંત જર્મની, ફ્રાન્સ, રશિયા અને બ્રાઝિલના બજારો ગગડ્યાં
જ્યારે હોંગ કોંગ, કોરિયા, તાઈવાન, જાપાન અને ચીન પોઝીટીવ જળવાયાં
ભારતીય બજાર માટે 2021ની શરૂઆત નબળી રહી છે. નવા કેલેન્ડરના પ્રથમ મહિના દરમિયાન તેણે વૈશ્વિક હરિફોની સરખામણીમાં તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. શુક્રવાર સુધીમાં સતત છ ટ્રેડિંગ સત્રોમાં 7.5 ટકાથી વધુનો ઘટાડો દર્શાવવા સાથે તેણે જાન્યુઆરીમાં સૌથી ખરાબ દેખાવ કર્યો છે. જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 3.07 ટકા જેટલું ચોખ્ખું નુકસાન દર્શાવે છે. જ્યારે નિફ્ટી 2.48 ટકાનો ઘટાડો દર્શાવે છે. આશ્ચર્યની વાત એ છે કે હરિફ ઈમર્જિંગ બજારો પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. ભારત સાથે નેગિટિવ રિટર્ન આપવામાં વિકસિત એવા યુરોપીય બજારો જ જોડાયાં હતાં.
લગભગ પખવાડિયા અગાઉ સુધી ચઢિયાતો દેખાવ દર્શાવનાર ભારતીય બેન્ચમાર્ક્સ માટે અંતિમ સપ્તાહ છેલ્લા નવ મહિનાનું સૌથી પ્રતિકૂળ સપ્તાહ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 50184ની તેની ટોચથી 7.5 ટકા જેટલો ગગડ્યો હતો અને શુક્રવારે 46200ની સપાટી નીચે ઉતરી ગયો હતો. જ્યારે ડિસેમ્બર 2020ના 47751ના બંધ ભાવ સામે તે 3.07 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. નિફ્ટીની વાત કરીએ તો તે 13982ના ડિસેમ્બર આખરના બંધ ભાવથી ગગડીને 13635ના સ્તરે 2.48 ટકાના ઘટાડે બંઘ રહ્યો હતો. તેણે 21 જાન્યુઆરીએ 14753ની ઐતિહાસિક ટોચ નોંધાવી હતી. જ્યાંથી તે લગભગ 1200 પોઈન્ટ્સ જેટલો ગગડી ચૂક્યો છે. સપ્ટેમ્બર બાદ પ્રથમવાર ભારતીય બજારે સતત છ ટ્રેડિંગ સત્રોમાં વેચવાલીનો અનુભવ કર્યો છે. આની સરખામણીમાં અન્ય એશિયન બજારોનો દેખાવ પોઝીટીવ જળવાયો છે. જેમાં હોંગ કોંગના બજારે 3.87 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવ્યો છે. જોકે હજુ પણ તે વાર્ષિક ટોચથી તેમજ કેલેન્ડર 2007માં દર્શાવેલી સર્વોચ્ચ સપાટીથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. હોંગ કોંગ બાદ કોરિયા અને તાઈવાનના બજારોએ અનુક્રમે 3.58 ટકા અને 2.75 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. કોરિયાનો કોસ્પી બેન્ચમાર્ક તેની 3266ની સર્વોચ્ચ સપાટી દર્શાવી કરેક્ટ થયો છે. જોકે જાન્યુઆરીમાં તેનો દેખાવ સારો જળવાયો છે. 2020માં પણ તેણે એશિયન બજારોમાં શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો હતો. તાઈવાન અને જાપાન બજારોએ પણ જાન્યુઆરીમાં પોઝીટીવ દેખાવ જાળવ્યો છે. એકમાત્ર વિકસિત બજાર નાસ્ડેકે 3.5 ટકા સાથે ઈમર્જિંગ બજારોને પણ પાછળ રાખ્યાં છે. જોકે યુએસ શેરબજારનો અન્ય બેન્ચમાર્ક ડાઉજોન્સ 0.1 ટકાનું નેગેટિવ રિટર્ન દર્શાવે છે. યુરોપિય બજારો પણ જાન્યુઆરીમાં ખરાબ શરૂઆત દર્શાવી રહ્યાં છે. જેમાં ફ્રાન્સ 1.9 ટકાના ઘટાડા સાથે ટોચ પર છે. જર્મની અને યુકે પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.
જાન્યુઆરીમાં અગ્રણી વૈશ્વિક બેન્ચમાર્ક્સનો દેખાવ
સૂચકાંક વધ-ઘટ(%)
સેન્સેક્સ -3.07
નિફ્ટી -2.48
કેક(ફ્રાન્સ) -1.87
ડેક્સ(જર્મની) -1.39
રશિયા -1.34
ફૂટ્સી(યૂકે) -0.05
શાંઘાઈ કંપોઝીટ 0.29
નિક્કાઈ 0.80
તાઈવાન 2.75
નાસ્ડેક 3.48
કોસ્પી(કોરિયા) 3.58
હોંગ કોંગ 3.87