Market Summary 29 July 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બજાર એક્સપાયરી દિવસે બંધ રહેવામાં સફળ
ભારતીય બજારે વૈશ્વિક બજારો સાથે સાથ મિલાવતાં જુલાઈ સિરિઝ એક્સપાયરીના દિવસે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. નિફ્ટી 69 પોઈન્ટ્સના સુધારે રૂ. 15778.45 પર બંધ રહ્યો હતો. તે 15817ની ટોચ દર્શાવી પરત ફર્યો હતો. બ્રોડ માર્કેટમાં ભારે તેજી જોવા મળી હતી અને તે માર્કેટ-બ્રેડ્થ ખૂબ પોઝીટીવ હતી. ત્રણમાંથી લગભગ બે શેર્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં.મેટલમાં આગઝરતી તેજીઃ સ્ટીલ-એલ્યુમિનિયમ શેર્સ ઐતિહાસિક ટોચ પર
નિફ્ટી મેટલ ઈન્ડેક્સ ગુરુવારે 5 ટકાથી વધુ ઉછળી સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો
હિંદાલ્કો રૂ. એક લાખ કરોડની કંપની બની, ટાટા સ્ટીલે ટાટા ગ્રૂપમાં ટીસીએસ બાદનો ક્રમ મેળવ્યો

મેટલ શેર્સમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. ગુરુવારે સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતની મેટલ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં જંગી કામકાજ વચ્ચે 10 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો અને તેઓ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયાં હતાં. એ વાત ઉલ્લેખનીય છે કે ચીનના કોમેક્સ ખાતે ગયા સપ્તાહે સ્ટીલના ભાવમાં ઘટાડા વચ્ચે ભારતીય સ્ટીલ ઉત્પાદક કંપનીઓના શેર્સની મજબૂત માગ જોવા મળી રહી છે. વપરાશકારોની અપેક્ષાથી વિરુધ્ધ મેટલ્સના ભાવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે. જેની પાછળ ઉત્પાદકો અગાઉ ક્યારેય ના જોઈ હોય તેવી તેજીનો અનુભવ કરી રહ્યાં છે.
ગુરુવારે માર્કેટમાં મેટલ્સ શેર્સ પોઝીટીવ ઓપનીંગ બાદ ફોલોઅપ બાઈંગ પાછળ જોતજોતામાં નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ તેણે એપ્રિલમાં દર્શાવેલી 5550ની ટોચને પાર કરી ગયો હતો અને દિવસના અંતે 5.02 ટકા અથવા તો 277.95 પોઈન્ટ્સના ઉછાળે 5811ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. જોકે આનાથી પણ વધુ સુધારો વ્યક્તિગત શેર્સમાં જોવા મળ્યો હતો. જેમાં બિરલા જૂથની એલ્યુમિનિયમ કંપની હિંદાલ્કો હિંદાલ્કો એક લાખ કરોડની કંપની બની હતી. હિંદાલ્કોનો શેર પ્રથમવાર આ સપાટી પર જોવા મળ્યો હતો. હિંદાલ્કોનો શેર ગુરુવારે 10 ટકાના ઉછાળે રૂ. 458.10ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે દિવસ દરમિયાન રૂ. 474ની ટોચ દર્શાવી હતી. બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.02 લાખ કરોડ પર જોવા મળતું હતું. કંપનીનો શેર 52-સપ્તાહના રૂ. 154.40ના તળિયાની સરખામણીમાં લગભગ 200 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો હતો. પીએસયૂ એલ્યુમિનિયમ ઉત્પાદક નાલ્કોનો શેર પણ 8.71 ટકાના ઉછાળે દાયકાની ટોચ પર પહોંચ્યો હતો. આ અગાઉ તે 2011માં રૂ 90ની સપાટી પર ટ્રેડ થયો હતો. નાલ્કોએ બુધવારે અગાઉ તેના ઉત્પાદનના ભાવમાં પ્રતિ ટન રૂ. 3900ની વૃદ્ધિની જાહેરાત કરી હતી. કંપનીનો શેર છેલ્લા એક વર્ષમાં 3 ગણાથી વધુ રિટર્ન દર્શાવી રહ્યો છે. સ્ટીલ ક્ષેત્રે ટાટા સ્ટીલનું આઉટપર્ફોર્મન્સ જળવાયું છે. કંપનીનો શેર 7 ટકા જેટલો ઉછળી રૂ. 1459ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 1482ની ટોચ દર્શાવી હતી. જ્યારે ટાટા જૂથની કંપનીઓમાં તે ટીસીએસ બાદ હવે બીજા ક્રમની કંપની બની છે. ગુરુવારે તેણે ટાઈટન કંપનીને પાછળ એમ-કેપમાં પાછળ રાખી દીધી હતી. છેલ્લા એક વર્ષમાં કંપનીનો શેર ચાર ગણુ રિટર્ન દર્શાવી રહ્યો છે. પીએસયૂ સ્ટીલ ઉત્પાદક સેઈલનો શેર પણ 6 ટકા ઉછળી રૂ. 142ની ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે એનએમડીસી, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, હિંદ કોપર જેવા મેટલ કાઉન્ટર્સ પણ 3-5 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. ગુરુવારે ફાર્મા, ઓટો, એફએમસીજી અને એનર્જી જેવા ક્ષેત્રો નેગેટિવ ટ્રેડિંગ દર્શાવતાં હતાં ત્યારે મેટલ સેક્ટરના સપોર્ટ પાછળ બજાર પોઝીટીવ આપવામાં સફળ રહ્યું હતું. મેટલ શેર્સ નવા ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે અને તેથી તેઓ બુલીશ ટ્રેન્ડ જાળવે તેવી શક્યતા એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે.

ગુરુવારે મેટલ કંપનીઓનો દેખાવ
સ્ક્રિપ્સ ભાવમાં વૃદ્ધિ(ટકામાં)
હિંદાલ્કો 10.04
નાલ્કો 8.71
ટટા સ્ટીલ 6.86
વેદાંતા 6.85
સેઈલ 6.05
એનએમડીસી 4.91
જિંદાલ સ્ટીલ 4.26
જેએસડબલ્યુ સ્ટીલ 3.70
હિંદ ઝીંક 2.31
હિંદ કોપર 2.18
જુલાઈ સિરિઝે ચાર વર્ષોમાં સૌથી નીચી વધ-ઘટ દર્શાવી
જૂન સિરિઝના અંતે 15790.45ના સ્તરે બંધ રહેલો નિફ્ટી જુલાઈ સિરિઝના અંતે 0.08ના ઘટાડે 15778.45ના સ્તરે બંધ રહ્યો

ગુરુવારે પૂરી થયેલી જુલાઈ ડેરિવેટિવ્સ સિરિઝે છેલ્લા ચાર વર્ષો અને એક મહિનામાં બેન્ચમાર્કમાં સૌથી ઓછો ફેરફાર નોંધાવ્યો છે. એટલેકે જૂન સિરિઝના અંતે 15790.45ના સ્તરે બંધ રહેલો નિફ્ટી ગુરુવારે જુલાઈ સિરિઝ એક્સપાયરીના દિવસે 15778.45ના સ્તરે બંધ રહ્યો હતો. આમ તે માત્ર 12 પોઈન્ટ્સ અથવા તો 0.08 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. અગાઉ જૂન 2017 ડેરિવેટીવ્સ સિરિઝમાં આ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી હતી.
એ વાત ઉલ્લેખનીય છે કે જુલાઈ સિરિઝ દરમિયાન ઈન્ડિયા વોલેટાઈલ ઈન્ડેક્સ પણ 10ના આંકની નીચે એકઅંકમાં જોવા મળ્યો હતો. જે લગભગ છેલ્લા બે વર્ષોથી વધુનું તળિયું દર્શાવતો હતો. જુલાઈ સિરિઝમાં રોકાણકારોના મૂડમાં આંતરે દિવસે ફેરફાર જોવા મળ્યાં હતાં અને તેથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. એક સત્ર દરમિયાન તેઓ રિસ્ક-ઓફ મૂડમાં તો બીજા સત્રમાં તેઓ રિસ્ક-ઓન મૂડમાં જોવા મળતાં હતાં. જેની પાછળ સમગ્ર સિરિઝ દરમિયાન બેન્ચમાર્ક 15600-15900ની નેરો રેંજમાં જ ટ્રેડ થતો રહ્યો હતો. જે છેલ્લી છ સિરિઝમાં સૌથી સાંકડી રેંજ સૂચવે છે. ફેબ્રુઆરી 2021થી જોઈએ તો નિફ્ટીએ ચાર સિરિઝમાં પોઝીટીવ બંધ દર્શાવ્યું છે. જ્યારે બે સિરિઝમાં નેગેટિવ બંધ દર્શાવ્યું છે. જેમાં જુલાઈ સિરિઝ પણ એક છે. અગાઉ તેણે માર્ચ સિરિઝમાં 5.12 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે ચાર પોઝીટીવ સિરિઝ પર નજર નાખીએ તો બજેટ બાદ જોવા મળેલા તીવ્ર ઉછાળા પાછળ ફેબ્રુઆરી સિરિઝમાં નિફ્ટી 9.26 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે એપ્રિલ સિરિઝમાં તેણે 3.98 ટકાનો, મે સિરિઝમાં 2.97 ટકાનો અને જૂન સિરિઝમાં 2.95 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જોકે આ તમામ સિરિઝમાં જુલાઈ સિરિઝમાં કામકાજ નોંધપાત્ર નીચું જોવા મળ્યું હતું. જેનું મુખ્ય કારણ બજારમાં જોવા મળતી ઊંચી અનિશ્ચિતતા હતું. વૈશ્વિક બજારોમાં પણ બે બાજુની વધ-ઘટ જોવા મળી હતી. જેણે ટ્રેડર્સને બજારની દૂર રાખ્યાં હતાં. ગુરુવારે માર્કેટ પોઝીટીવ બંધ રહ્યું હતું. જોકે નવી સિરિઝમાં પણ સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળશે કે કેમ તેને લઈને ડેરિવેટિવ્સ એનાલિસ્ટ શંકા વ્યક્ત કરી રહ્યાં છે. તેમના મતે નિફ્ટી 15600-15900માં જે બાજુ બ્રેકઆઉટ દર્શાવશે તે બાજુ ઝડપથી સુધારો જોવા મળશે.


તત્વ ચિંતન ફાર્માનું પ્રથમ દિવસે 130 ટકા રિટર્ન
જુલાઈ મહિનો આઈપીઓ લિસ્ટીંગની બાબતમાં બમ્પર કહ્યો છે. ગયા સપ્તાહે ઝોમેટોના લિસ્ટીંગ પર 80 ટકા સુધીના રિટર્ન બાદ ગુરુવારે સ્પેશ્યાલિટી કેમિકલ કંપની તત્વ ચિંતન ફાર્માએ 130 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. રૂ. 1083ના ભાવે ઓફર થયેલો શેર ઉપરમાં રૂ. 2534.20ની સર્કિટ લિમિટ્સ સુધી ટ્રેડ થયો હતો અને આખરે 114 ટકા પ્રિમીયમે રૂ. 2312.20ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 2111.85ના તળિયા પર જોવા મળ્યો હતો. કંપનીનો આઈપીઓ 185 ગણો છલકાયો હતો. જે તાજેતરના આઈપીઓમાં બીજા ક્રમે ભરાયેલું ભરણું હતું. અગાઉ એમટાર ટેક્નોલોજીનો આઈપો 200 ગણા છલકાયો હતો.
PSU બેંક ઈન્ડેક્સ 3.25 ટકા ઉછળ્યો
જુલાઈ એક્સપાયરીના આખરી દિવસે બજારમાં સૌથી સારો સુધારો દર્શાવનાર સેક્ટરમાં પીએસયૂ બેંક ઈન્ડેક્સનો સમાવેશ પણ થતો હતો. નિફ્ટી પીએસયૂ બેંક 3.25 ટકા ઉછળી 2449.30ના સ્તરે બંધ રહ્યો હતો. દેશની સૌથી મોટી બેંક અને પીએસયૂ અગ્રણી એસબીઆઈનો શેર તો તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો જ હતો. જોકે બીજી અને ત્રીજી હરોળની બેંક્સમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. એસબીઆઈ 3.77 ટકાના ઉછાળે રૂ. 441.55ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે કેનેરા બેંક 4.5 ટકાના ઉછાળે રૂ. 149.65 અને યુનિયન બેંક 6.62 ટકાના ઉછાળે રૂ. 37.85ના સ્તરે બંધ જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયામાં પણ 2 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો.
ટાટા સન્સ તેજસ નેટવર્ક્સનો 43.4 ટકા હિસ્સો ખરીદશે
દેશમાં ટાટા જૂથના માલિક ટાટા સન્સની પેટાકંપની તેજસ પેનાટોન ફિનવેસ્ટ તેજસ નેટવર્ક્સમાં 43.3 ટકા હિસ્સો ખરીદશે. તે રૂ. 1850 કરોડના ખર્ચે આ હિસ્સાની ખરીદી કરશે. તેજસ નેટવર્ક્સના જણાવ્યા અનુસાર ટાટા જૂથની પેનાટોન તથા અન્ય કંપનીઓ 4.03 કરોડ શેર્સ ખરીદ્યાંની ટૂંકમાં જાહેરાત કરશે. તેજસ નેટવર્ક્સ એ ગ્લોબલ ઓપ્ટિકલ, બ્રોડબેન્ડ અને ડેટા નેટવર્કિંગ પ્રોડક્ટ્સ કંપની છે. પેનાટોન એ ટાટા સન્સની ઈન્વેસ્ટમેન્ટ પાંખ છે. તેમજ તે ટાટા કોમ્યુનિકેશન્સની પ્રમોટર કંપની છે. તેણે તાજેતરમાં જ સરકાર પાસેથી ટાટા કોમનો બાકીનો હિસ્સો ખરીદ્યો હતો.
કોટનનો ભાવ રૂ. 57000ની ટોચ પર પહોંચ્યો
કોટનના ભાવમાં ધીમી ગતિએ મજબૂતી જળવાય છે. ચાલુ સપ્તાહે તે રૂ. 1000ની વૃદ્ધિ સાથે રૂ. 57 હજારના સ્તરે પહોંચ્યું છે. છેલ્લાં એક વર્ષમાં તે રૂ. 35 હજારના સ્તરેથી રૂ. 57000ના સ્તર સુધી સુધારો દર્શાવતું રહ્યું છે. દેશમાં ક્વોલિટી માલોની અછત તેમજ દેશ સહિત વૈશ્વિક સ્તરે કોટનના વાવેતરમાં ઘટાડો ભાવમાં મજબૂતીનું એક કારણ છે. બજાર વર્તુળોના મતે સપ્ટેબરમાં નવા સિઝનની શરૂઆત સુધી ભાવમાં મજબૂતી જળવાય રહેશે. સરકારી એજન્સી સીસીઆઈ પાસે હાલમાં માત્ર 10 લાખ ગાંસડીનો સ્ટોક બચ્યો છે. જે ટૂંક સમયમાં ખાલી થઈ જશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage