Market Summary 29 July 2022


બ્લોગ કન્ટેન્ટ



માર્કેટ સમરી


તેજીવાળાઓ આક્રમક રહેતાં નિફ્ટી 17K કૂદાવી ચાર મહિનાની ટોચે
ભારતીય બજાર માટે સતત બીજુ બમ્પર સપ્તાહ
એશિયામાં હોંગ કોંગ, ચીન, સિંગાપુર અને જાપાનમાં નરમાઈ
મેટલ, એનર્જી, પીએસઈ આઈટી સેક્ટર્સ તરફથી સપોર્ટ
ટાટા સ્ટીલમાં ટુકડા બાદ બીજા દિવસે 7 ટકાનો ઉછાળો
બેંકિંગ શેર્સમાં તેજીને વિરામ, પીએસયૂ બેંકમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.7 ટકા ગગડી 16.55ની સપાટીએ

ફેડ તરફથી રેટ વૃદ્ધિ ધીમી પડવાના સંકેતો મળ્યા પછી ભારતીય બજારમાં તેજીવાળાઓનો ઉત્સાહ સતત બીજા દિવસે જળવાયો હતો અને બેન્ચમાર્ક્સ તેમની ચાર મહિનાની ટોચ પર પહોંચી ગયા હતાં. એનએસઈનો નિફ્ટી 229 પોઈન્ટ્સ ઉછળી 17158ના સ્તરે બંધ રહ્યો હતો. અગાઉ તે 21 એપ્રિલના રોજ આ સ્તર પર જોવા મળતો હતો. બીએસઈ સેન્સેક્સ પણ 712 પોઈન્ટ્સના સુધારા સાથે 57 હજારને કૂદાવી 57570ની સપાટી પર બંધ રહ્યો હતો. જાન્યુઆરી, એપ્રિલ અને હવે જુલાઈમાં નિફ્ટી ફરી 17 હજારની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. લાર્જ-કેપ્સમાં ભારે તેજી પાછળ નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 42 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 8 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.7 ટકા ગગડી 16.55ના મહિનાના તળિયા નજીક બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ જાળવ્યું હતું અને સતત બીજા દિવસે એક ટકાથી વધુ સુધારો દર્શાવ્યો હતો. જ્યારે ત્રીજા સત્રમાં તેજી જાળવી હતી. એશિયન બજારોમાં હોંગ કોંગ તો 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવતું હતું. જ્યારે ચીન, જાપાન, સિંગાપુર પણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. ભારતીય બજારે સતત બીજા સપ્તાહે તેજીનો દોર જાળવ્યો હતો. બે સપ્તાહમાં નિફ્ટી 1100 પોઈન્ટ્સથી વધુની તેજી દર્શાવી ચૂક્યો છે. જે સૂચવે છે કે બજારમાં સેન્ટિમેન્ટ બદલાતાં ટ્રેન્ડ પણ બદલાય ચૂક્યો છે. નિફ્ટીએ 17 હજારનું સ્તર કૂદાવતાં તે તેજીના દોરમાં પ્રવેશ્યો છે. જોકે શોર્ટ ટર્મ માટે તે ઓવરબોટ છે અને તેથી આગામી સત્રોમાં તે કરેક્શન સાથે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્કને 16800નો મહત્વનો સપોર્ટ ગણાશે. જેની નીચે 16500નો સપોર્ટ રહેશે. જ્યારે ઉપરમાં 17300નું સ્તર પાર કરશે તો એપ્રિલની ટોચ સુધી તે સુધારો દર્શાવી શકે છે. માર્કેટને તમામ સેક્ટર્સ તરફથી મળી રહેલો સપોર્ટ સૌથી મહત્વની બાબત છે. છેલ્લા છ મહિના દરમિયાન પર્ફોર્મન્સ દર્શાવવામાં નિષ્ફળ રહેલાં સેક્ટર્સમાં સારુ બાઉન્સ જોવા મળી રહ્યું છે અને તેઓ તેજીમાં યોગદાન આપી રહ્યાં છે.
સપ્તાહના આખરી સત્રમાં શુક્રવારે મેટલ સેક્ટરે તેજીનું સુકાન સંભાળ્યું હતું. સ્ટીલ અને એલ્યુમિનિયમ કાઉન્ટર્સ 8 ટકા સુધીની તેજી દર્શાવી રહ્યાં હતાં. ગુરુવારે જુલાઈ એક્સપાયરીના રોજ સ્પ્લિટ થયેલા ટાટા સ્ટીલમાં સતત બીજા દિવસે તેજી જળવાય હતી અને તે 7.70 ટકા ઉછળી રૂ. 108.05ના સ્તરે બંધ રહ્યો હતો. આ સિવાય હિંદાલ્કો 5.8 ટકા, સેઈલ 4.5 ટકા, કોલ ઈન્ડિયા 4.2 ટકા, વેદાંત 3.6 ટકા અને નાલ્કો 3.25 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી 1.8 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં એચપીસીએલ 3.3 ટકા, ઓએનજીસી 3 ટકા અને હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2.13 ટકા સુધારો સૂચવતાં હતાં. એનટીપીસી અને ટાટા પાવર, બંને 1.7 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જાહેર સાહસોના શેર્સમાં સુધારા પાછળ નિફ્ટી પીએસઈ પણ 1.9 ટકા મજબૂતી સૂચવતો હતો. જ્યારે નિફ્ટી આઈટી પણ 1.71 ટકા સુધારા સાથે સતત ત્રીજા દિવસે પોઝીટીવ જોવા મળ્યો હતો. જેમાં મીડ-કેપ્સ શેર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. એલએન્ડટી ટેક્નોલોજી 3.3 ટકા, એમ્ફેસિસ 2.8 ટકા, કોફોર્જ 2.8 ટકા, માઈન્ડટ્રી 2.7 ટકા જ્યારે ઈન્ફોસિસ 2.13 ટકા, વિપ્રો 1.9 ટકા અને ટીસીએસ 1.3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. ગયા સપ્તાહે સાઈડલાઈન રહ્યાં બાદ છેલ્લાં બે સત્રોમાં ઓટો શેર્સ ફરી તેજીમાં જોડાયા હતાં. જેમાં ટીવીએસ મોટર્સ 4.3 ટકા ઉછળી રૂ. 908.05ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. આ સિવાય બોશ, અમર રાજા બેટરી, અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો વગેરેમાં એક ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હતો. ફાર્મા ઈન્ડેક્સ લગભગ એક ટકા મજબૂતી દર્શાવી રહ્યો હતો. જેમાં સન ફાર્મા 5.4 ટકા ઉછળી રૂ. 943.20ની તેની છેલ્લાં અનેક વર્ષોની ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. ટોરેન્ટ ફાર્મા 1.7 ટકા, સિપ્લા એક ટકાનો સુધારો દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ 9 ટકા ઉછળી રૂ. 1294.40ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. ડો. લાલ પેથલેબ્સ 7.42 ટકા, ઈન્ફો એજ 6.12 ટકા, જીએમઆર ઈન્ફ્રા 6 ટકા, આઈઆરસીટીસી 6 ટકા અને રેઈન ઈન્ડસ્ટ્રીઝ 5.32 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. ઈન્ડિયા સિમેન્ટ્સ 5 ટકા, એચડીએફસી લાઈફ 4.5 ટકા અને મેટ્રોપોલીસ પણ 4.5 ટકા સુધારે મજબૂત જોવા મળ્યા હતાં. બ્રોડ માર્કેટમાં બીએસઈ ખાતે 3471 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2100 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં અને 1227 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. પ્લેટફોર્મ ખાતે 123 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 23 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. 144 કાઉન્ટર્સે તેમની અગાઉની બંધ સપાટી પર ફ્લેટ જોવા મળ્યાં હતાં.

ડોલર સામે રૂપિયામાં 49 પૈસાનો 10 મહિનાનો સૌથી મોટો ઉછાળો

સ્થાનિક ચલણ ગ્રીન બેક સામે 79.27ના ત્રણ સપ્તાહની ટોચ પર બંધ રહ્યું



વૈશ્વિક ડોલરમાં નરમાઈ પાછળ ભારત સહિતના ઈમર્જિંગ ચલણોમાં બીજા દિવસે મજબૂતી જોવા મળી હતી. સ્થાનિક ચલણે ગ્રીન બેક સામે 49 પૈસાનો 10 મહિનાનો સૌથી મોટો સુધારો દર્શાવ્યો હતો. ગુરુવારે ડોલર સામે 79.76ની સપાટી પર બંધ રહેલો રૂપિયો શુક્રવારે 79.27ના સ્તરે બંધ રહ્યો હતો. જે એક દિવસમાં 0.62 ટકા સુધારો સૂચવતો હતો. અગાઉ તેણે 20 ઓક્ટોબર 2021ના રોજ 0.63 ટકા સુધારો નોંધાવ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ સપ્તાહથી વધુ સમયના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેણે ઈમર્જિંગ માર્કેટ કરન્સિઝને બળ પૂરું પાડ્યું હતું.

બુધવારે ફેડે રેટ વૃદ્ધિ ધીમી પડવાનો સંકેત આપ્યા બાદ એશિયન ચલણોમાં સાર્વત્રિક તેજી જોવા મળી હતી. જેમાં કોરિયન વોને એક ટકાથી વધુ સુધારો નોંધાવ્યો હતો. ગુરુવારે રૂપિયો જોકે મોટો સુધારો દર્શાવી શક્યો નહોતો, પરંતુ શુક્રવારે શોર્ટ કવરિંગ પાછળ રૂપિયાને સપોર્ટ મળ્યો હતો અને તે લગભગ ત્રણ સપ્તાહની ટોચ પર બંધ રહ્યો હતો. છેલ્લાં બે સપ્તાહથી વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી જોવા મળી રહેલાં નેટ ઈનફ્લોને કારણે પણ કરન્સિ માર્કેટમાં સેન્ટિમેન્ટ સુધર્યું છે. ફોરેક્સ એનાલિસ્ટ્સના મતે ડોલરને 79.20ના સ્તરે સપોર્ટ સાંપડી શકે છે અને રૂપિયો ત્યાંથી પાછો પડી શકે છે. જો આ સ્તર પાર કરવામાં રૂપિયો સફળ રહેશે તો 78.90 સુધીનો સુધારો સંભવ છે. ડોલરને ઉપરમાં 79.70નો અવરોધ નડી શકે છે. આમ નજીકમાં રૂપિયો 80ની નીચે ટ્રેડ દર્શાવે તેવી શક્યતાં ઓછી છે.







દોઢ મહિનામાં નિફ્ટી ઘટકોએ 41 ટકા સુધીનું તગડું રિટર્ન આપ્યું

બેન્ચમાર્ક 17 જૂનના 15183ના તળિયાથી 13 ટકા વળતર સાથે 17158 પર પહોંચ્યો

નિફ્ટીના 50માંથી 15 કાઉન્ટર્સે 20 ટકાથી ઊંચું રિટર્ન દર્શાવ્યું

બજાજ ટ્વિન્સ પર્ફોર્મન્સમાં ટોચ પર રહ્યાં

માત્ર ઓએનજીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નરમ દેખાવ



જુલાઈ મહિનો ભારતીય બજાર માટે તેજીનો બની રહ્યો છે. જૂનના મધ્યમાં વર્ષથી વધુ સમયના તળિયા પર પટકાયેલો નિફ્ટી લગભગ દોઢ મહિનામાં 13 ટકા જેટલો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં સમાવિષ્ટ કાઉન્ટર્સ 41 ટકા જેટલું તગડું રિટર્ન સૂચવી રહ્યાં છે. જે ચાલુ કેલેન્ડરમાં પ્રથમવાર જોવા મળ્યું છે. વર્ષની શરૂઆતથી માર્કેટમાં બે બાજુની મૂવમેન્ટને કારણે લાર્જ-કેપ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નહોતો.

નિફ્ટી-50 શેર્સનો 17 જૂનથી 29 જુલાઈ સુધીના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે 50માંથી 15 કાઉન્ટર્સે 20 ટકાથી 41 ટકા સુધીનું ઊંચું રિટર્ન આપ્યું છે. જ્યારે પછીના 25 કાઉન્ટર્સે 10 ટકાથી 20 ટકા સુધીનું રિટર્ન નોંધાવ્યું છે. જ્યારે 8 કાઉન્ટર્સે એક ટકાથી 10 ટકા સુધીનું વળતર આપ્યું છે. માત્ર બે કાઉન્ટર્સ નેગેટિવ દેખાવ દર્શાવી રહ્યાં છે. જેમાં ઓએનજીસી 4.6 ટકાનો ઘટાડો સૂચવે છે. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.91 ટકા ડાઉન જોવા મળી રહ્યો છે. આમ નિફ્ટીના 50માંથી 40 ઘટક સભ્યો બેન્ચમાર્કથી સારુ રિટર્ન સૂચવી રહ્યાં છે. નિફ્ટી કેલેન્ડરમાં નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યો છે. જ્યારે ગણતરીના કાઉન્ટર્સ કેલેન્ડરમાં પોઝીટીવ દેખાવ સૂચવી રહ્યાં છે. જેમાં ટાઈટન જેવા કાઉન્ટર્સ સામેલ છે.

નિફ્ટીના શ્રેષ્ઠ દેખાવ દર્શાવનારા કાઉન્ટર્સમાં બજાજ ફાઈનાન્સ 40.92 ટકા સાથે ટોચ પર છે. કંપનીનો શેર 17 જૂને રૂ. 5114ના સ્તરે પટકાયો હતો. જ્યાંથી સુધરી શુક્રવારે રૂ. 7206.10ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. તેની પેરન્ટ કંપની બજાજ ફિનસર્વનો શેર 34.41 ટકા રિટર્ન દર્શાવે છે. આ સિવાય ઈન્ડસઈન્ડ બેંકનો શેર જૂન મહિનાના તળિયાથી 31 ટકા સુધારો સૂચવે છે. જ્યારે એશિયન પેઈન્ટ્સ પણ 30.21 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. ક્રૂડના ભાવમાં રાહતને કારણે પેઈન્ટ કંપનીના શેરમાં સારુ બાઉન્સ નોંધાયું છે. એલ્યુમિનિયમ કંપની હિંદાલ્કોનો શેર છેલ્લાં એક મહિનામાં સૌથી સારુ પર્ફોર્મન્સ દર્શાવનાર મેટલ શેર બની રહ્યો છે. તેણે 28 ટકાનું તગડું રિટર્ન આપ્યું છે. સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક અલ્ટ્રાટેકનો શેર પણ 27 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. સારો દેખાવ દર્શાવનારા નિફ્ટી કાઉન્ટર્સે જૂન ક્વાર્ટરમાં અપેક્ષાથી સારા પરિણામ દર્શાવ્યાં છે અને તેથી છેલ્લાં બે સપ્તાહ દરમિયાન તેમણે બેન્ચમાર્કની આગેકૂચ જાળવી રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું છે એમ માર્કેટ નિરીક્ષકો જણાવે છે. બે ટોચના બેંકિંગ કાઉન્ટર્સ આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ પણ મહિનાના સમયગાળામાં 20 ટકાથી વધુ રિટર્ન દર્શાવનારા શેર્સમાં સમાવિષ્ટ છે. જ્યારે કેપિટલ ગુડ્ઝ અગ્રણી લાર્સન એન્ડ ટુબ્રોનો શેર 23.44 ટકા રિટર્ન સાથે ટોચના 10 નિફ્ટી પર્ફોર્મર્સમાં સામેલ છે.



નિફ્ટી કાઉન્ટર્સનો સવા મહિનાનો દેખાવ

સ્ક્રિપ્સ 17 જૂનનું તળિયું (રૂ) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
નિફ્ટી 15183 17158 13.01

બજાજ ફાઈ. 5113.67 7206.10 40.92

બજાજ ફિનસર્વ 11168.15 15011.00 34.41

ઈન્ડસઈન્ડ બેંક 796.75 1041.10 30.67

એશિયન પેઈન્ટ્સ 2560.00 3333.35 30.21

હિંદાલ્કો 325.85 416.50 27.82

અલ્ટ્રાટેક 5157.05 6539.70 26.81

HUL 2100.00 2631.75 25.32

લાર્સન 1462.14 1804.90 23.44

ટાઈટન 1910.55 2355.00 23.26

ગ્રાસિમ 1276.60 1573.25 23.24

ICICI બેંક 669.95 818.00 22.10

SBI 437.25 527.60 20.66







કોર્પોરેટ હેડલાઈન્સ

ઈક્વિટાસ એસએફબીઃ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 97 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11.9 કરોડ પર હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 26 ટકા ઉછળી રૂ. 461 કરોડ સામે રૂ. 580.6 કરોડ પર રહી હતી.

MRPL: કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 4714 કરોડનો એબિટા નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2941 કરોડની સરખામણીમાં 60.3 ટકા વધુ છે. જ્યારે તેની આવક ગયા વર્ષે રૂ. 24815.4 કરોડની સામે 30.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 32389.7 કરોડ પર રહી હતી.

શ્રીરામ ટ્રાન્સપોર્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 965.3 કરોડનો નફો નોંધાવ્યો છે. જે રૂ. 1012 કરોડની અપેક્ષા સામે થોડો નીચો રહ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 20 ટકા ઉછળી રૂ. 2107 કરોડની સરખામણીમાં રૂ. 2689 કરોડ પર રહી હતી.

ડો. રેડ્ડીઝ લેબોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1188 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 853 કરોડની સરખામણીમાં 39.4 ટકા વધુ છે. ફાર્મા કંપનીની આવક રૂ. 5346 કરોડની અપેક્ષા સામે રૂ. 100 કરોડથી વધુના ઘટાડે રૂ. 5215 કરોડ પર રહી હતી.

ટીવીએસ મોટર્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 320.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે રૂ. 305 કરોડની અપેક્ષા સામે ઊંચો રહ્યો હતો. કંપનીની આવક રૂ. 5921 કરોડની અપેક્ષા સામે રૂ. 85 કરોડથી વધુ વૃદ્ધિ સાથે રૂ. 6008 કરોડ પર રહી હતી.

વેદાંતઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 4421 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4224 કરોડની સરખામણીમાં 4.73 ટકા વધુ છે. જ્યારે તેની આવક ગયા વર્ષે રૂ. 28105 કરોડની સામે 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 38251 કરોડ પર રહી હતી.

સોના બીએલડબલ્યુઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 75.8 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 82.2 કરોડની સરખામણીમાં 7.8 ટકા નીચો છે. જ્યારે તેની આવક ગયા વર્ષે રૂ. 498.7 કરોડની સામે 17.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 584.2 કરોડ પર રહી હતી.

શેલે હોટેલ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 28.5 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 41.6 કરોડની ખોટ દર્શાવી હતી. તેની આવક ગયા વર્ષે રૂ. 67.4 કરોડની સામે ત્રણ ગણાથી વધુ વૃદ્ધિ સાથે રૂ. 253 કરોડ પર રહી હતી.

એસબીઆઈ લાઇફઃ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 5,591 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ મેળવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3,345 કરોડ પર હતું. ક્વાર્ટર દરમિયાન કંપનીનો નફો રૂ. 263 કરોડ રહ્યો હતો. જ્યારે સોલ્વન્સી રેશિયો 2.21 પર મજબૂત જોવા મળ્યો હતો.



Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage