Market Summary 29 March 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક બજારોના ટેકાથી બીજા દિવસે બજારમાં મજબૂતી
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા તૂટી 21.30ની સપાટીએ
ફાર્મા, એનબીએફસી અને બેંકિંગ સેક્ટરનો સપોર્ટ
હિરો મોટોકોર્પના શેરમાં 7 ટકાનું ગાબડું
એશિયન બજારોમાં ચીન સિવાય મજબૂતી, યુરોપમાં 3 ટકાનો ઉછાળો
અદાણી વિલ્મેરે બીજા દિવસે 10 ટકાની ઉપલી સર્કિટ દર્શાવી

શેરબજારમાં બીજા દિવસે તેજી ટકી રહી હતી. દિવસ દરમિયાન રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે આખરે બંને બેન્ચમાર્ક્સ તાજેતરની ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 350 પોઈન્ટ્સ ઉછળી 57944ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 103 પોઈન્ટ્સના સુધારે 17325.30ની સપાટી પર બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 21.30ના મહિનાના તળિયા પર જોવા મળ્યો હતો. નિફ્ટીના 50-ઘટક કાઉન્ટર્સમાંથી 35 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 15 નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે નરમાઈ જોવા મળતી હતી.
યુએસ બજારોમાં સોમવારે મજબૂતી વચ્ચે એશિયન બજારોમાં કામકાજની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. એકમાત્ર ચીનને બાદ કરતાં તમામ બજારો પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જાપાન, હોંગ કોંગના બજારો એક ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં. જેની અસરે ભારતીય બજારમાં પણ કામકાજની શરૂઆત પોઝીટીવ રહી હતી. સોમવારે ક્રૂડના ભાવમાં નરમાઈને કારણે પણ ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર પોઝીટીવ અસર પડી હતી. બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં બાદ દિવસ દરમિયાન ગ્રીન ઝોનમાં જ રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવતો હતો. બંધ થવાના એક કલાકમાં ઝડપી સુધારે તેણે ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી હતી અને 17300ના સ્તર પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17300 પર બંધ દર્શાવી બ્રેકઆઉટ આપ્યો છે. તેનું હવેનું ટાર્ગેટ 17700નું છે. જે પાર થશે તો 18000નું સ્તર જોવા મળી શકે છે. મંગળવારના બંધ ભાવે બેન્ચમાર્ક્સ ચાલુ કેલેન્ડરમાં પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યાં હતાં. આમ ત્રણ મહિના દરમિયાન બે બાજુની વધ-ઘટ બાદ સરવાળે તેઓ ઠેરના ઠેર જોવા મળ્યાં હતાં. માર્કેટ નિરીક્ષકોના મતે કેલેન્ડર 2022માં માર્કેટ કોઈ મોટુ રિટર્ન આપે તેવી શક્યતા નહિવત છે. બેન્ચમાર્ક 16000થી 19000ની રેંજમાં અથડાતો જોવા મળી શકે છે. કેટલાંક પસંદગીના કાઉન્ટર્સ સિવાય બજાર પાસેથી રિટર્નની અપેક્ષા રાખવી યોગ્ય નથી. જેઓ નીચા સ્તરે ખરીદશે તેમને ઊંચા સ્તરે એક્ઝિટની તક મળશે. જોકે માર્કેટમાં ઊંચી વોલેટિલિટીની શક્યતાં જોતાં પોઝીશનને ઝડપથી સુલટાવનાર જ ફાવશે.
છેલ્લાં બે સત્રોથી લાર્જ-કેપ્સ પર જ ફોકસ જોવા મળી રહ્યું છે. મંગળવારે બીએસઈ ખાતે કુલ 3518 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2031 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1396 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 91 કાઉન્ટર્સ ફ્લેટિશ જળવાયા હતાં. 129 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 106 કાઉન્ટર્સે તળિયું નોંધાવ્યું હતું એનએસઈ મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો અનુક્રમે 0.4-0.4 ટકાના સુધારે બંધ રહ્યાં હતાં. નાણાકિય વર્ષાંતને કારણે માર્કેટમાં ટ્રેડર્સ દ્વારા શોર્ટ-ટર્મ લોસ બુક કરવાના કારણે પણ બ્રોડ માર્કેટ પર દબાણ જોવા મળ્યું હોવાનું વર્તુળો જણાવતાં હતાં. તેમના મતે ટ્રેડર્સ માટે આમ કરવાનો મંગળવારે આખરી દિવસ હતો. આગામી દિવસોમાં તેઓ પોઝીશન ફરી ખરીદવાં બજારમાં આવશે અને તેથી બ્રોડ માર્કેટ પોઝીટીવ જોવા મળી શકે છે. સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી ફાર્મા 1.54 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળ્યો હતો. ફાર્મા કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ 3.3 ટકા, ટોરેન્ટ ફાર્મા 3 ટકા અને સિપ્લા 2 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતાં હતાં. ફાઈનાન્સિયલ સર્વિસ કંપનીઓમાં એચડીએફસીમાં મજબૂતી પાછળ ઈન્ડેક્સ 1 ટકા મજબૂતી સૂચવતો હતો. જોકે હીરો મોટોકોર્પમાં 7 ટકાના તીવ્ર ઘટાડા પાછળ ઓટો ઈન્ડેક્સ નરમાઈ દર્શાવતો હતો. જાહેર સાહસોમાં નરમાઈને કારણે નિફ્ટી પીએસઈ 1 ટકા ડાઉન હતો.

ગોલ્ડમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ રૂ. 51 હજારનું સ્તર તૂટ્યું
વૈશ્વિક કોમેક્સ ખાતે ભાવ ગોલ્ડના ભાવ 32 ડોલર તૂટી 1908 ડોલર
એમસીએક્સ ચાંદીમાં રૂ. 1700નું ગાબડું

વૈશ્વિક સ્તરે ઈન્ફ્લેશનમાં તીવ્ર વૃદ્ધિની આશંકા વચ્ચે પણ ગોલ્ડના ભાવ ઊંચા સ્તરે ટકવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો મંગળવારે 32 ડોલરના ઘટાડે 1908 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડના ભાવ રૂ. 51000ના તાજેતરના તળિયાની નીચે ઉતરી ગયા હતા. એનાલિસ્ટ્સના મતે ગોલ્ડ માટે રૂ. 50 હજારનું સ્તર એક મહત્વનો સાયકોલોજિકલ સપોર્ટ છે અને તે મધ્યમથી લાંબાગાળે તેજી માટે તેનું ટકવું જરૂરી છે.
છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ડોલર અને યુએસ બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી સાથે ગોલ્ડ પણ મક્કમ જોવા મળી રહ્યું હતું. તે 1900-1950 ડોલરની રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જોકે મંગળવારે ગોલ્ડમાં ઊંચા સ્તરે ભારે પ્રોફિટ બુકિંગ નીકળ્યું હતું. જેના કારણોમાં કિંમતી ધાતુની ફિઝીકલ માગમાં ઘટાડાને કારણભૂત ગણાવવામાં આવે છે. ફેબ્રુઆરીમાં ચીનની આયાતમાં 14 ટકાના ઘટાડો નોંધાયો હતો. જ્યારે ભારતીય બજારમાં પણ ગોલ્ડમાં ઊંચા ભાવે સ્ક્રેપના મોટાપાયે વેચાણને કારણે આયાત નીચી રહી હોવાનું વર્તુળો જણાવે છે. આ સ્થિતિમાં ગોલ્ડની સમગ્રતયા માગ નીચે રહેવાની શક્યતાં છે. ઈટીએફ્સ તરફથી ગોલ્ડની બાઈંગમાં પણ કોઈ મોટો ઉછાળો જોવા મળી રહ્યો નથી. ચાંદીના ભાવમાં પણ મંગળવારે રૂ. 1700નું ગાબડું પડ્યું હતું. એમસીએક્સ ખાતે સિલ્વર વાયદો રૂ. 66408 પ્રતિ કિગ્રાના સ્તરે જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડમાં નરમાઈ પાછળ એમસીએક્સ ક્રૂડ વાયદો 5.5 ટકા ગગડી રૂ. 7690ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 4 ટકા ગગડી 105 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન તે બે બાજુની વધ-ઘટ દર્શાવી રહ્યો હતો. જોકે બપોર બાદ એકાએક વેચવાલી નીકળી હતી અને તે 104.33 ડોલર સુધી પટકાયો હતો. બે ટ્રેડિંગ સત્રોમાં તે 20 ડોલર જેટલો ગગડી ચૂક્યો છે.

TCSના શેર્સ વેચાણ પેટે તાતા સન્સે રૂ. 11164 કરોડ મેળવ્યાં
ટોચની આઈટી સર્વિસ કંપની ટીસીએસના શેર્સ વેચાણ પેટે તાતા સન્સે રૂ. 11164 કરોડ મેળવ્યાં છે. કંપનીએ કુલ 2.481 કરોડ શેર્સ ટેન્ડર કર્યાં હતાં. જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની એલઆઈસીએ પણ ટીસીએસના શેર્સના વેચાણ મારફતે રૂ. 528 કરોડ મેળવ્યાં હતાં. ટીસીએસના રૂ. 18 હજાર કરોડના બાયબેક પ્રોગ્રામને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. રૂ. 2 લાખથી નીચું શેર હોલ્ડિંગ ધરાવતાં રિટેલ રોકાણકારોએ બાયબેકમાં 2.53 કરોડ શેર્સ ટેન્ડર કર્યાં હતાં. બાયબેકમાં તેમના માટે 4.22 ગણા 60 લાખ શેર્સ રિઝર્વ્ડ રાખવામાં આવ્યાં હતાં. અન્ય શેરધારકોએ 57 લાખ શેર્સ ટેન્ડર કર્યાં હતાં. રિટેલ રોકાણકારોએએ કુલ 9.77 લાખ વેલીડ એપ્લેકેશન્સ કરી હતી. જ્યારે અન્ય કેટેગરીઝ તરફથી 1.51 લાખ અરજીઓ થઈ હતી. કંપનીએ રૂ. 4500 પ્રતિ શેરના ભાવે 4 કરોડ શેર્સનું બાયબેક કર્યું હતું.
ફેબ્રુઆરીમાં 21 મહિનાના સૌથી ઊંચા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ થયાં
ફેબ્રુઆરી મહિનામાં ક્રેડિટ કાર્ડ ઈસ્યુ થવાની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે 21-મહિનાની ટોચ પર જોવા મળ્યું હતું. ફેબ્રુઆરીમાં કુલ 14.5 લાખ નવા કાર્ડ્સ ઈસ્યુ થયા હતાં અને કુલ કાર્ડ સંખ્યા જાન્યુઆરી આખરમાં 7.02 કરોડ પરથી ઉછળી 7.17 કરોડ પર પહોંચી હતી. વાર્ષિક ધોરણે ક્રેડિટ કાર્ડની સંખ્યામાં 16.3 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ફેબ્રુઆરી 2021ની આખરમાં કુલ ઈસ્યુડ ક્રેડિટ કાર્ડની સંખ્યા 6.16 કરોડ પર હતી. ફેબ્રુઆરીમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકે ઈસ્યુ કર્યાં હતાં. જે સાથે તેની કુલ ક્રેડિટ કાર્ડ સંખ્યા 86 લાખ પર પહોંચી હતી. એચડીએફસીએ 2.27 લાખ કાર્ડ ઈસ્યુ કર્યાં હતાં. જ્યારે અન્ય ખાનગી બેંક્સે પણ સારો દેખાવ કર્યો હતો.
સપ્લાય ખોરવાતાં ખાતરના ભાવમાં 43 ટકા ઉછાળો
રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધના કારણે વિશ્વમાં ફર્ટિલાઈઝર સપ્લાય પર પ્રતિકૂળ અસર પડતાં ભાવમાં 43 ટકાનો તીવ્ર ઉછાળો નોઁધાયો છે. નાઈટ્રોજન ફર્ટિલાઝર એમ્મોનિયા માટેનો માપદંડ એવા ટેમ્પાનો ભાવ 43 ટકા ઉછળી 1625 ડોલર પ્રતિ ટન પર પહોંચ્યો છે. જે 29-વર્ષીય ઈન્ડેક્સ માટે વિક્રમી ભાવ છે. ઉત્પાદનમાં અવરોધ અને ટાઈટ સપ્લાય આ માટેના મુખ્ય કારણો છે. વોરને કારણે નેચરલ ગેસની કિંમત પણ વધી છે. જેને કારણે યુરોપ ખાતે ઘણા ફર્ટિલાઈઝર ઉત્પાદકોને ઉત્પાદનમાં ઘટાડ કરવાની ફરજ પડી છે. રશિયા તમામ પ્રકારના ફર્ટિલાઝર્સનું સસ્તું સપ્લાયર છે. જેના પર પ્રતિબંધને કારણે સપ્લાય ખોરવાયેલો રહી શકે છે.
ડુંગળીનું ઉત્પાદન 17 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં
દેશમાં બાગાયતી પાકોનું ઉત્પાદન 2021-22(જુલાઈ-જૂન)માં સમગ્રતયા 0.4 ટકા ઘટાડો દર્શાવે તેવી શક્યતાં છે. જેમાં શાકભાજી, ફળો અને પ્લાન્ટેશન પાકોનો સમાવેશ થાય છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ ચાલુ સિઝનમાં બટાટા અને ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે જ્યારે ડુંગળીના ઉત્પાદનમાં 17 ટકા વૃદ્ધિ જોવા મળશે. ડુંગળીનું ઉત્પાદન 3.11 કરોડ ટન રહેશે. જે ગયા વર્ષે 2.66 કરોડ ટન કરતાં 35 લાખ ટનથી ઊંચું હશે. બટાટાનું ઉત્પાદન ગઈ સિઝનમાં 5.62 કરોડ ટન સામે ચાલુ સિઝનમાં 5.36 કરોડ ટન જ્યારે ટામેટાનું ઉત્પાદન 2.11 કરોડ ટન સામે 2.03 કરોડ ટન રહેવાનો અંદાજ છે.




કોટનના ભાવમાં અસાધારણ તેજી પાછળ ટેક્સટાઈલ સેક્ટર ચિંતામાં
બે વર્ષ બાદ પ્રથમવાર સ્પીનીંગ ઉદ્યોગે ડિસ્પેરિટીનો અનુભવ કર્યો
યાર્ન ઉત્પાદકોને વિવિધ પ્રકારના યાર્નમાં પ્રતિ કિગ્રા રૂ. 10-15નું નુકસાન
કોટનના ભાવમાં 10 દિવસોમાં રૂ. 10000નો તીવ્ર ઉછાળો
મંગળવારે રનીંગ માલના રૂ. 90-91 હજાર સામે સ્ટોકના લોટના રૂ. 93 હજાર બોલાયાં

કોટનના ભાવમાં ઝંઝાવાતી તેજીએ ટેક્સટાઈલ ઉદ્યોગને ચિંતામાં મૂકી દીધો છે. માત્ર 10 દિવસોમાં કોટનના ભાવ ખાંડીએ રૂ. 10000 જેટલાં ઉછળી ગયા છે. જેને કારણે યાર્ન ઉત્પાદકોને સીધો ફટકો પડ્યો છે. સિઝનની શરૂઆતથી કોટનના ભાવમાં તેજીને કારણે નફામાં નુકસાન જોઈ રહેલા સ્પીનર્સ હવે ડિસ્પેરિટીનો સામનો કરી રહ્યાં છે. વર્તુળોના મતે મંગળવારના ભાવે યાર્ન કંપનીઓ વિવિધ કાઉન્ટ મુજબ યાર્નમાં પ્રતિ કિગ્રા રૂ. 10-15નું નુકસાન ઉઠાવવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ફેબ્રિક અને ગાર્મેન્ટ ફેક્ટરીઓએ કામગીરી બંધ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે અને તેને કારણે રોજગારી પર ગંભીર અસર જોવા મળી શકે છે.
સોમવારે રૂ. 90 હજાર પ્રતિ ખાંડીએ પહોંચેલા ભાવ મંગળવારે પણ મજબૂત જળવાયા હતા અને સ્ટોકના માલોના રૂ. 93 હજાર જેટલા ઊંચા ભાવ જોવા મળ્યાં હતાં. જ્યારે રનીંગ માલોના રૂ. 90-91 હજારના ભાવ બોલાતાં હતાં. ઈન્ટરનેશનલ કોટન વાયદો ઉછળીને 141 સેન્ટ્સ પાર કરી જતાં સ્થાનિક બજારમાં ભાવ ટકી રહ્યાં હતાં વર્તુળોના મતે વર્તમાન ભાવ સપાટી ટકી શકે તેમ નથી. કેમકે માગ સાવ ઠપ્પ થઈ ગઈ છે. જોકે ભાવમાં મજબૂતીનું કારણ સપ્લાય શોર્ટેજ પણ છે. ચાલુ સિઝનમાં કોટનનો પાક અંદાજ કરતાં નોંધપાત્ર નીચો જોવા મળી રહ્યો છે. જિનર્સ સહિતના વર્તુળોના મતે કોટનનો પાક 3 કરોડ ગાંસડીનો આંક પણ પાર કરશે કે કેમ તે ચિંતા છે. કેમકે બજારમાં જોઈએ એવી આવકો નથી. ઊંચા ભાવને કારણે ફર્ધર કોટનની આવકો સારી રહેવા પાછળ 3 કરોડ ગાંસડી સુધી માલ આવશે. જોકે તે પૂરતો નથી. તેમના મતે આ સ્થિતિમાં પણ બે મહિના માટે માલ ક્યાંથી લાવવો તે ચિંતાનો વિષય છે અને તેથી જ ભાવમાં મોટા ઘટાડાની શક્યતાં નથી. વિવિધ ટેક્સટાઈલ સંગઠનો તરફથી સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે. જોકે ચાલુ સિઝનમાં સરકારી સંસ્થાઓ પણ ચિત્રમાં નથી અને તેથી સરકાર કેવી રીતે સહાયરૂપ બની શકે છે તે જોવું રહ્યું. કોટન આયાત પર લાગુ 10 ટકાની ડ્યુટીને દૂર કરવામાં આવે તો પણ તત્કાળ વિદેશથી માલ મળી રહે તેવી શક્યતા ઓછી છે. કેમકે આયાતી માલને આવતાં આવતાં સહેજે ત્રણથી ચાર સપ્તાહ લાગતા હોય છે. આમ સ્પીનર્સે ટર્નઓવર જાળવી રાખવા માટે સ્થાનિક બજારમાંથી માલ ખરીદવાનો ચાલુ રાખવો પડશે. ખેદની બાબત એ છે કે છેલ્લાં સપ્તાહોમાં કોટનના ભાવમાં મજબૂતી સામે યાર્ન, ફેબ્રિક અને ગાર્મેન્ટમાં સામે એટલી ખપત જોવા નથી મળી અને તેથી આજે ઘણા ફેબ્રિક ઉત્પાદકો તેમની પાસે પડેલા યાર્નને વેચવામાં શાણપણ સમજી રહ્યાં છે એમ વર્તુળો જણાવે છે.
ભારતીય બજારમાં બે વર્ષો બાદ પ્રથમવાર યાર્ન ઉત્પાદકો માટે ડિસ્પેરિટી જોવા મળી રહી છે. કોવિડ બાદ ઓગસ્ટ 2020થી ચાલુ કેલેન્ડરની શરૂઆત સુધીના દોઢ વર્ષ તેમને માટે ખૂબ સારા બની રહ્યાં હતાં. એક તબક્કે 2021માં તેઓને પ્રતિ કિગ્રા રૂ. 50-60નું વળતર મળી રહ્યું હતું. જોકે ધીમે-ધીમે કોટનના ભાવમાં મજબૂતી પાછળ તેમના માર્જિન ઘસાતાં રહ્યાં હતાં. ચાલુ સિઝનની શરૂઆતમાં કોટનના ભાવ રૂ. 55 હજારના સ્તરે ઓપનીંગ દર્શાવતાં હતાં. જે હાલમાં રૂ. 45 હજારની વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. ખેડૂતોને પણ સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવોની સરખામણીમાં બમણા ભાવ મળી રહ્યાં છે.

સાઉથની મિલોએ 15 લાખ ગાંસડી આયાતના સોદા કર્યાં
સ્થાનિક સ્તરે કોટનના ઊંચા ભાવોને કારણે સ્થાનિકની સ્પીનીંગ મિલ્સે 15 એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં દેશમાં 15 લાખ ગાંસડી માલ આયાત થાય તે માટે સોદા કર્યાં હોવાનું જાણવા મળે છે. તેમણે લગભગ 122-125 સેન્ટ્સ પ્રતિ પાઉન્ડના ભાવે આ સોદાઓ કર્યાં છે. જોકે હાલમાં વૈશ્વિક બજારમાં ભાવ ઉછળી 141 સેન્ટ્સ પર પહોંચ્યો છે. જો સ્થાનિક બજારમાં ભાવ તૂટશે તો જ તેઓ આયાતને અટકાવી શકે છે એમ વર્તુળો જણાવે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

એલેમ્બિક ફાર્માઃ ફાર્મા કંપનીએ એલીઓર ડર્માસ્યુટીકલ્સમાં 100 ટકા હિસ્સાની ખરીદી પૂર્ણ કરી છે. એલીઓર યૂએસએફડીએ એપ્રૂવ્ડ સ્ટેટ-ઓફ-ધ-આર્ટ સુવિધા ધરાવે છે. સાથે 15 પ્રોડક્ટ ડેવલપમેન્ટના વિવિધ તબક્કામાં રહેલી છે. કંપની 30 એએનડીએ ધરાવે છે.
રૂચિ સોયાઃ પતંજલિ આયૂર્વેદની માલિકીની રૂચિ સોયાએ એફપીઓ માટેના ભાવના નિર્ધારણ માટે 29 માર્ચે યોજેલી બેઠકને મોકૂફ રાખી 31 માર્ચ પર નિર્ધારિત કરી હતી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ રૂચિ સોયાને રોકાણકારોને એફપીઓમાંથી અરજી પરત ખેંચવાનો વિકલ્પ આપવાનું જણાવ્યા બાદ કંપનીએ આમ કર્યું હતું.
આઈડીબીઆઈ બેંકઃ પીએસયૂ બેંકના બોર્ડે મંગળવારે નાણા વર્ષ 2022-23માં રૂ. 8000 કરોડના રૂપિ બોન્ડ બોરોઈંગ્સના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બેંક એક કે વધુ તબક્કામાં આ નાણા ઊભા કરશે. જેમાં રૂ. 3 હજાર કરોડના એટી-વન બોન્ડ્સનો સમાવેશ પણ થાય છે. જ્યારે રૂ. 1 હજાર કરોડના સિનિયર બોન્ડ્સ પણ સામેલ છે.
લાર્સન એન્ડ ટુબ્રોઃ લાર્સન એન્ડ ટુબ્રો સ્માર્ટ વર્લ્ડ એન્ડ કોમ્યુનિકેશન અને વોડાફોન આઈડિયાએ જણાવ્યું છે કે તેઓ સાથે મળીને ભારતમાં પ્રાઈવેટ એલટીઈ એન્ટરપ્રાઈઝ નેટવર્ક ઊભું કરશે. આ કન્સેપ્ટનો પુરાવો એલએન્ડટીના હઝિરા હેવી એન્જિનીયરીંગ કોમ્પલેક્સ ખાતે હાથ ધરવામાં આવશે.
તાતા પાવરઃ કંપનીએ મુંબઈમાં તમામ રેસિડેન્શિયલ અને કમર્સિયલ પ્રોજેક્ટ્સને એન્ડ-ટુ-એન્ડ ઈલેક્ટ્રિક વેહીકલ ચાર્જિંગ સોલ્યુશન્સ પૂરી પાડવા માટે રુસ્તમજી ગ્રૂપ સાથે જોડાણ કર્યું છે.
ઉડ્ડયન કંપનીઓઃ નવા નાણાકિય વર્ષ 2022-23માં સમગ્રતયા પેસેન્જર ટ્રાફિક 2021-22ની સરખામણીમાં 68-70 ટકા વધી 31.7-32 કરોડ રહેવાનો અંદાજ છે.
સુદર્શન કેમિકલઃ સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીના બોર્ડે પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 200 કરોડનું ફંડ ઊભું કરવા માટે મંજૂરી આપી છે.
વોખાર્ડઃ ફાર્મા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વર્ષની શરૂઆતમાં જાહેર કરેલા રાઈટ્સ ઈશ્યૂમાં પ્રતિ શેર રૂ. 225ના ભાવે 3.32 કરોડ ઈક્વિટી શેર્સની ફાળવણીને મંજૂરી આપી છે.
એસબીઆઈ લાઈફઃ કંપનીએ 28 માર્ચે એક બ્લોક ડીલ લોંચ કરી હતી. જેમાં કેનેડા પેન્શન ફંડ રૂ. 1039-1077 પ્રતિ શેરના ભાવે કંપનીમાં 0.56 ટકા હિસ્સાનું વેચાણ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage