ભારતીય બજાર સતત બીજા દિવસે નરમ બંધ જળવાયું હતું. જોકે નિફ્ટી તેની 34-ડીએમએની 11600ની સપાટીએથી સપોર્ટ મેળવી 11671 પર બંધ રહ્યો હતો અને તેથી તેણે તેજીવાળાઓને માટે હજુ આશા જીવંત રાખી હતી. ઓક્ટોબર સિરિઝમાં નિફ્ટીએ 8 ટકાનું ઊંચું રિટર્ન દર્શાવ્યું હતું અને અંતિમ ચાર સિરિઝમાં સૌથી સારી સિરિઝ પુરવાર થઈ હતી.
યુરોપ બજારો
ડાઉ ફ્યુચર્સ 200 પોઈન્ટ્સનો સુધારો દર્શાવતો હોવા છતાં યુરોપના બજારો સતત ચોથા દિવસે નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ડેક્સ સહિતના બેન્ચમાર્ક્સમાં 0.8 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો.
ઓક્ટોબર સિરિઝ
- ટોચથી ત્રણ ટકા ઘટવા છતાં ઓક્ટોબર સિરિઝમાં નિફ્ટી 8 ટકા ઉછળ્યો
- નિફ્ટીએ ઓક્ટોબર સિરિઝમાં 12025ની ટોચ દર્શાવી હતી, જોકે બંધ 3 ટકા નીચે 11671 પર રહ્યો હતો
- અગાઉ જૂન સિરિઝમાં 8.42 ટકાનો મોટો સુધારો દર્શાવ્યો હતો જ્યારે સપ્ટેમ્બરમાં 6.52 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો
- બેંક નિફ્ટીએ 17.8 ટકા સાથે માસિક ધોરણે તીવ્ર સુધારો દર્શાવ્યો, બીજા ક્રમે 10 ટકા સાથે નિફ્ટી આઈટીનો ઊચ્ચ દેખાવ
અમદાવાદ
અંતિમ પાંચ સત્રોમાંથી ચારમાં નોંધપાત્ર ઘટાડા બાદ પણ ઓક્ટોબર સિરિઝમાં નિફ્ટી 8 ટકાના સુધારા સાથે બંધ આપવામાં સફળ રહ્યો છે અને તે રીતે છેલ્લા ઘણા વર્ષોની શ્રેષ્ઠ ઓક્ટોબર સિરિઝ જોવા મળી છે. ગુરુવારે સિરિઝ એક્સપાયરીના દિવસે બેન્ચમાર્ક 11671ના સ્તર પર બંધ રહ્યો હતો. જે સપ્ટેમ્બર એક્સપાયરીના 10805ના તેના બંધથી 866 પોઈન્ટ્સનો સુધારો દર્શાવે છે. સિરિઝ દરમિયાન બેન્ચમાર્કે બે વાર ઈન્ટ્રા-ડે ધોરણે 12000ના બંધને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં અવરોધ નડતાં બેન્ચમાર્ક પાછો પડ્યો હતો અને સિરિઝની ટોચથી 3 ટકા નીચે બંધ દર્શાવ્યું હતું.
અંતિમ ચાર ડેરિવેટિવ્સ સિરિઝની સરખામણી કરીએ તો ઓક્ટોબર સિરિઝ શ્રેષ્ઠ રહી હતી. અગાઉ જૂન સિરિઝમાં નિફ્ટીએ 8.42 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારબાદ જુલાઈ(7.90 ટકા), ઓગસ્ટ(4.12 ટકા) અને સપ્ટેમ્બર(-6.52) ટકાનું રિટર્ન જનરેટ કર્યું હતું. અગાઉ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને મે સિરિઝમાં 0.2 બેસીસ પોઈન્ટ્સથી લઈને 26 ટકા સુધીના નેગેટિવ રિટર્ન જોવા મળ્યાં હતાં. જ્યારે એપ્રિલમાં 14.02 ટકાનું કેલેન્ડર 2020નું સૌથી ઊંચું રિટર્ન મળ્યું હતું. ઓક્ટોબર સિરિઝમાં બજારમાં સુધારો બ્રોડ બેઝ હતો એમ કહી શકાય. જેમાં બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સ દેખાવમાં અગ્રણી રહ્યાં હતાં. નિફ્ટી બાદ બીજા ક્રમે ટ્રેડ થતો બેંક નિફ્ટી ઈન્ડેક્સ 17.8 ટકા સાથે શ્રેષ્ઠ પર્ફોર્મર રહ્યો હતો. સપ્ટેમ્બર એક્સપાયરીના 20457ના સ્તરેથી સુધરીને ગુરુવારે તે 24100ના સ્તર પર બંધ રહ્યો હતો. આમ તેણે 3643 પોઈન્ટ્સની તેજી દર્શાવી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ પણ 15.6 ટકા ઉછળ્યો હતો. ઊચ્ચ દેખાવ દર્શાવનારા અન્ય સેક્ટરલ ઈન્ડાઈસીસમાં આઈટી(10 ટકા), મેટલ(9.3 ટકા), નિફ્ટી 100(7.8 ટકા), નિફ્ટી કોમોડિટીઝ(7.6 ટકા), નિફ્ટી મિડ-કેપ(6.3 ટકા), નિફ્ટી સ્મોલ-કેપ(6 ટકા) અને નિફ્ટી ઓટો(5.6 ટકા)નો સમાવેશ થાય છે. માત્ર નિફ્ટી ફાર્મા અને નિફ્ટી મિડિયાએ અનુક્રમે એક ટકો અને 2.5 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. ઓક્ટોબર દરમિયાન જ નિફ્ટી આઈટીએ તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. ઓક્ટોબર સિરિઝ દરમિયાન વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ રૂ. 13000 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો અને બજારને સપોર્ટ મળ્યો હતો. જોકે અંતિમ પાંચ સત્રોમાં એકને બાદ કરતાં બેન્ચમાર્કે ઘટાડો દર્શાવ્યો ના હોત તો દ્વિઅંકી સુધારા સાથે તે બંધ જોવા મળ્યો હોત.
ઓક્ટોબર મહિનામાં વિવિધ સેક્ટરલ સૂચકાંકોનો દેખાવ
સૂચકાંકો વૃદ્ધિ(%)
બેંક નિફ્ટી 17.8
નિફ્ટી ફાઈ. સર્વિસિસ 15.6
નિફ્ટી આઈટી 10
નિફ્ટી મેટલ 9.3
નિફ્ટી રિઅલ્ટી 9.0
નિફ્ટી 50 8.0
નિફ્ટી 100 7.8
નિફ્ટી કોમોડિટીઝ 7.6
નિફ્ટી 500 7.2
નિફ્ટી મીડ-કેપ 50 6.3