Market Summary 29 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

નવેમ્બર સિરિઝની નરમાઈ સાથે શરૂઆતઃ આઈટી, એનર્જીની આગેવાનીમાં ત્રીજા દિવસે ઘટાડો

જોકે બેન્ચમાર્ક્સની સરખામણીમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ઘટાડો હળવો રહ્યો

શુક્રવારે નવેમ્બર સિરિઝની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. આઈટી અને એનર્જી ક્ષેત્રે વેચવાલી પાછળ બેન્ચમાર્ક્સમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 677.77 પોઈન્ટ્સના ઘટાડે 59306.93ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 185.60 પોઈન્ટ્સ ગગડી 17671.65ના સ્તરે બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક 17613.10ના તળિયેથી પરત ફર્યો હતો. એનાલિસ્ટ્સ 17600ને મજબૂત સપોર્ટ તરીકે જોઈ રહ્યાં છે.

ઓક્ટોબર એક્સપાયરીના રોજ માર્કેટમાં છ મહિનાના સૌથી મોટા ઘટાડા બાદ બજાર હાલ પૂરતી રાહત દર્શાવે તેવું માનવામાં આવતું હતું. જોકે યુએસ બજારમાં મજબૂતી વચ્ચે એશિયન બજારોમાં નરમાઈ પાછળ ભારતીય બજારે ગેપ ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જેણે ટ્રેડર્સને ઊઁઘતા ઝડપ્યાં હતાં. લાંબા સમયગાળા બાદ ભારતીય બજારે એક ટકાનું ગેપ-ડાઉન ઓપનીંગ જોયું હતું. જોકે ઈન્ટ્રા-ડે વોલેટિલિટીમાં ઊંચી વૃદ્ધિ પાછળ જોતજોતામાં બજારમાં શોર્ટ કવરિંગ પાછળ રિકવરી જોવા મળી હતી અને 17857.25ના અગાઉના બંધ સામે નિફ્ટી 17915.85ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી વેચવાલીનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો અને બજાર કામકાજ પૂરું થાય ત્યાં સુધી ઘટાડો દર્શાવતું રહ્યું હતું. જોકે તેણે સવારે દર્શાવેલી બોટમને તોડી નહોતી. આમ આગામી સત્રો માટે આ સ્તર એક મહત્વના સપોર્ટ તરીકે કામ કરી શકે છે. માર્કેટમાં મંદીની આગેવાની એનર્જી અને આઈટી સેક્ટર્સે લીધી હતી. નિફ્ટી એનર્જી 1.46 ટકા ઘટાડો દર્શાવતો હતો. એનટીપીસીમાં 3.42 ટકા જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 2.4 ટકા અને એચપીસીએલમાં 2.10 ટકાના ઘટાડા પાછળ એનર્જી ઈન્ડેક્સ તૂટ્યો હતો. જ્યારે આઈટી ઈન્ડેક્સમાં 1.45 ટકા ઘટાડાનું કારણ ટેક મહિન્દ્રામાં 3.62 ટકા, કોફોર્જમાં 3.23 ટકા, ઈન્ફોસિસમાં 2.12 ટકાનો ઘટાડો હતું. ગુરુવારે 5 ટકાનો ઘટાડો દર્શાવનાર પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.45 ટકા સુધારા સાથે બંધ આવ્યો હતો. કેનેરા બેંકમાં 9.77 ટકાનો તીવ્ર ઉછાળો આ માટે કારણભૂત હતો. બેંકનો શેર તેની ત્રણ વર્ષોની ટોચ પર પહોંચ્યો હતો. અન્ય પીએસયૂ બેંક્સમાં નરમાઈ જોવા મળી હતી. બેંક નિફ્ટીમાં બીજા દિવસે એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 39115.6ના સ્તરે બંધ રહ્યો હતો. ફાર્મા, એફએમસીજી, મેટલ, રિઅલ્ટી અને મિડિયા જેવા સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ બંધ રહેવામાં સફળ રહ્યાં હતાં.
બ્રોડ માર્કેટમાં પસંદગીની લેવાલી જોવા મળતી હતી. જેને કારણે માર્કેટ બ્રેડ્થ ગુરુવાર કરતાં સારી જળવાય હતી. બીએસઈ ખાતે 3399 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1347 સુધારા સાથે જ્યારે 1902 ઘટીને બંધ દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.15 ટકાના જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.46 ટકાના સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.74 ટકા ગગડી 17.42 પર બંધ રહ્યો હતો.



IRCTCના શેરમાં મોટી ઈન્ટ્રા-ડે મોટી ઉથલ-પાથલ જોવાઈ

ગુરુવારે રૂ. 913.50ના બંધ ભાવ સામે રૂ. 822.15ના સ્તરે ખૂલી ગગડી રૂ. 639.45 પર 25 ટકા ગગડ્યાં બાદ રૂ. 906.45ની ટોચ દર્શાવી શેર રૂ. 845.70 પર બંધ રહ્યો

કાઉન્ટરમાં 8.28 કરોડ શેર્સનું જંગી વોલ્યુમ જોવા મળ્યું

રિટેલ ટ્રેડર્સે છેલ્લા પખવાડિયામાં કાઉન્ટરમાં જંગી નુકસાન ઉઠાવ્યું


રેલ્વેની પેટાકંપની આઈઆરસીટીસીના શેરમાં શુક્રવારે ઈન્ટ્રા-ડે મોટી ઉથલ-પાથલ જોવા મળી હતી. ગુરુવારે માર્કેટ બંધ થયા બાદ સરકારે કંપનીને કન્વેયન્સ ફીમાં 50 ટકા હિસ્સો રેલ્વે મંત્રાલયને આપવો પડશે તેવું જણાવતાં શુક્રવારે આઈઆરસીટીસીનો શેર 10 ટકા સેલર સર્કિટમાં રૂ. 822.15 સ્તરે ઓપન થયો હતો. જ્યાંથી 5-5 ટકાની વધુ સર્કિટ લિમિટ્સ લાગુ પડી હતી. જોતજોતામાં તે 25 ટકા ઘટાડા સાથે રૂ. 639.45ના તળિયા પર ટ્રેડ થયો હતો. જે તેણે આંઠ ટ્રેડિંગ સત્રો અગાઉ દર્શાવેલા રૂ. 6396ની સર્વોચ્ચ સપાટીથી 50 ટકા ધોવાણ દર્શાવતું હતું. કંપનીનો શેર બે સત્રો અગાઉ પાંચ ટુકડામાં વિભાજીત થયો હતો.

જોકે રેલ્વે મંત્રાલયે આઈઆરસીટીસી પાસેથી કન્વેયન્સ ફીમાં 50 ટકા શેરિંગના નિર્ણયને પરત ખેંચવાની ઓચિંતી જાહેરાત કરતાં શેરમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યો હતો અને તળિયાના ભાવેથી તે 267ના ઉછાળે રૂ. 906 પર ટ્રેડ થયો હતો. જ્યારબાદ સ્થિર બન્યો હતો અને આખરે 7.42 ટકા ઘટાડા સાથે રૂ. 84.570ના સ્તરે બંધ રહ્યો હતો. માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર સિરિઝમાં આઈઆરસીટીસી કાઉન્ટરમાં શોર્ટ સેલર્સ ભરાઈ પડ્યાં હતાં અને તેમણે મોટી ખોટ દર્શાવી હતી. જ્યારે ઓક્ટોબરમાં છેલ્લાં બે સપ્તાહમાં લોંગ પોઝીશન લઈને બેઠેલાઓએ મોટી નુકસાની ઉઠાવવાની થઈ છે. કાઉન્ટરમાં મોટાપાયે ઈન્સાઈડર ટ્રેડિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં સામાન્ય રોકાણકાર ફસાઈ ગયો હોવાનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની બાબત એ હતી કે રેલ્વે મંત્રાલયના નિર્ણયને પરત ખેંચ્યો હોવાનો ખૂલાસો દિપમ સેક્રેટરી તુહીન કાંતા પાંડેએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કંપનીના લઘુમતી શેરધારકોના હિતને ધ્યાનમાં રાખીને રેલ્વેએ તેના ગુરુવારના નિર્ણયને પરત ખેંચી લીધો છે. સરકાર દ્વારા આગામી મહિનાઓમાં જંગી ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને ઘ્યાનમાં રાખીને દિપમ મંત્રાલયે દરમિયાનગીરી કરી હોવાનું વર્તુળો જણાવે છે.


રિલાયન્સ જીઓએ સરકારને સ્પેક્ટ્રમ પેટે રૂ. 10792 કરોડ ચૂકવ્યાં

અગ્રણી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જીઓએ તેણે 2016માં મેળવેલા 269.2 એમએચઝેડ સ્પેક્ટ્રમ માટે ટેલિકોમ ડિપાર્ટમેન્ટને રૂ. 10792 કરોડ ચૂકવ્યાં છે. જીઓએ અપફ્રન્ટ પેમેન્ટ્સ કર્યું હતું. જોકે 2014-2015માં તેણે ખરીદેલાં સ્પેક્ટ્રમ માટે રૂ. 15-16 હજાર કરોડનું ચૂકવણું બાકી હતું. બાકીના પેમેન્ટ્સ માટે જીઓએ ડોટને પોતે મોરેટોરિયમ લેશે કે નહિ તે જણાવવાનું રહેશે. ભારતી એરટેલે અગાઉ સ્પેક્ટ્રમ તથા એજીઆર પેટે ચૂકવવાના થતાં નાણા પેટે ચાર વર્ષ માટે મોરેટોરિયમનો માર્ગ અપનાવ્યો હતો.

મારુતિએ 2021-22 માટે મૂડીખર્ચ પ્લાન વધારીને રૂ. 6700 કરોડ કર્યો

દેશમાં સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિએ નાણા વર્ષ 2021-22 માટે તેની મૂડી ખર્ચ યોજનામાં વૃદ્ધિ કરી તેને રૂ. 6700 કરોડ કરી છે. કંપનીએ એક નવા ઉત્પાદન એકમ સ્થાપવાનું નક્કી કર્યું હોવાનું અગ્રણી અધિકારી જણાવે છે. છેલ્લા 15 વર્ષોમાં કંપની દ્વારા પ્રથમવાર નવી ક્ષમતા ઉભી કરવામાં આવશે. અગાઉ તેણે હરિયાણામાં માનેસર ખાતે 2007માં નવો પ્લાન્ટ સ્થાપ્યો હતો. ગુજરાત સ્થિત પ્લાન્ટ નવો છે. જોકે તે સુઝુકી મોટર ગુજરાત નામની મારુતિની પેરન્ટ કંપની સુઝુકી મોટરની પેટાકંપનીની માલિકીનો છે. કંપનીના 10 વર્ષોના રૂ. 17-18 હજાર કરોડના ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં જ રૂ. 2200 કરોડના નવા ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે.

પીબી ફિનટેક આઈપીઓમાંથી સોફ્ટબેંક રૂ. 1900 કરોડ ઊભા કરશે

પોલિસીબઝાર અને પૈસાબઝારડોટકોમની માલિક કંપની પીબી ફિનટેકમાં 20 ટકા હિસ્સાનું વેચાણ કરી સોફ્ટબેંક રૂ. 1900 કરોડથી વધુની રકમ ઊભી કરશે. આઈપીઓ 1 નવેમ્બરે ખૂલશે. કંપની રૂ. 940-980ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરી રહી છે. રિટેલ માટે લઘુત્તમ 15 શેર્સનો અરજી લોટ રહેશે. કંપની કુલ રૂ. 5625 કરોડ એકત્ર કરશે. આઈપીઓ 3 નવેમ્બરે બંધ થશે.

ડો.રેડ્ડીઝ લેબોનો નફો 30 ટકા ઉછળી રૂ. 992 કરોડ

અગ્રણી ફાર્મા કંપની ડો. રેડ્ડીઝ લેબોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 992 કરોડનો કોન્સોલિડેટેડ નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 762 કરોડ પર જોવા મળતો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 74 ટકા ઉછળ્યો હતો. જૂન ક્વાર્ટરમાં તેણે રૂ. 571 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 18 ટકા ઉછળી રૂ. 5763 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4897 કરોડ પર હતી. જૂન ક્વાર્ટરમાં રૂ. 4919 કરોડની આવક સામે 17 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.


દેશની અગ્રણી કંપનીઓ વેલ્યૂએશનની રીતે વિશ્વમાં સૌથી મોંઘી

વૈશ્વિક સ્તરે ટોચની 500 કંપનીઓમાં સમાવેશ પામતી 13 ભારતીય કંપનીઓનું મૂલ્ય વૈશ્વિક સરેરાશ કરતાં 50 ટકા ઊંચું

ચીનની ટોચની કંપનીઓની સરખામણીમાં 1.5 ગણી મોંઘી જોવા મળતી ભારતીય કંપનીઓ

યુએસની સરખામણીમાં ભારતીય ઈક્વિટી વેલ્યૂએશન 33 ટકા ઊંચા, જ્યારે પશ્ચિમ યુરોપની સરખામણીમાં 67 ટકા અને જાપાન કરતાં બમણાં જોવા મળી રહ્યાં છે


ભારતની ટોચની લિસ્ટેડ કંપનીઓ પ્રાઈસ-ટુ-અર્નિંગ્સ(પીઈ)ની રીતે વૈશ્વિક સ્તરે સૌથી મોંઘી જોવા મળે છે. વિશ્વની ટોચની 500 કંપનીઓના સરેરાશ પીઈની સરખામણીમાં તેઓ 50 ટકા ઊંચો પીઈ ધરાવે છે. જ્યારે દેશના તીવ્ર સ્પર્ધક ચીનની ટોચની કંપનીઓ કરતાં તેઓ 1.5 ગણા ભાવે ટ્રેડ દર્શાવી રહી છે.

માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે વિશ્વની ટોચની 500 કંપનીઓમાં હાલમાં ભારતની 13 કંપનીઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 9 કંપનીઓની સરખામણીમાં ચાલુ વર્ષે 4 કંપનીઓનો ઉમેરો થયો છે. આ 13 કંપનીઓ વર્તમાન બજારભાવે સરેરાશ 37ના પીઈ પર ટ્રેડ દર્શાવે છે. જ્યારે ટોચની 500 વૈશ્વિક કંપનીઓનો સરેરાશ પીઈ 22.5 છે. જો ચીનની કંપનીઓની સાથે સરખામણી કરીએ તો વિશ્વની ટોચની 500 કંપનીઓમાં 57 ચીની કંપનીઓ સ્થાન ધરાવે છે. 500 કંપનીઓના કુલ માર્કેટ-કેપમાં તેઓ 9.7 ટકા હિસ્સો ધરાવે છે. જે તેમના પ્રોફિટ અને આવકની સરખામણીમાં ઘણો નીચો છે. ટોચની 500 કંપનીઓની આવકમાં તેઓ 14.1 ટકા જ્યારે નફામાં 14.3 ટકા હિસ્સો ધરાવે છે. આની સરખામણીમાં ભારતીય કંપનીઓ માર્કેટ-કેપિટલાઈઝેશનમાં 1.82 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે આવકમાં 1.2 ટકા અને પ્રોફિટમાં 1.1 ટકાનો હિસ્સો ધરાવે છે. અન્ય ઇમર્જિંગ માર્કેટ્સ હરિફ જેવાકે સાઉથ કોરિયા, તાઈવાન, હોંગ કોંગ અને સિંગાપુરની સરખામણીમાં પણ ભારતીય કંપનીઓ ઊંચો વેલ્યૂએશન દર્શાવી રહી છે. સ્થાનિક બજારના ઊંચા વેલ્યૂએશન્સને જોતાં તાજેતરમાં ઘણા વિદેશી બ્રોકરેજ હાઉસિસે ભારતીય બજાર માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે.

નોંધપાત્ર બાબત એ છે કે ભારતીય કંપનીઓના વેલ્યૂએશન્સ વિકસિત બજારો જેવાકે યુએસ, યુરોપ ને જાપાનની સરખામણીમાં પણ ઊંચા જોવા મળી રહ્યાં છે. વિકસિત બજારોમાં યુએસ બજાર હાલમાં સૌથી મોંઘુ માર્કેટ છે. જેનું મુખ્ય કારણ ટેક જાયન્ટ્સ એપલ, ગુગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવા ટેક જાયન્ટ્સના તોતિંગ વેલ્યૂએશન્સ છે. યુએસ બજારની સરખામણીમાં ભારતીય ઈક્વિટીના વેલ્યૂએશન 33 ટકા ઊંચા છે. જ્યારે પશ્ચિમ યુરોપની સરખામણીમાં ભારતીય વેલ્યૂએશન 67 ટકા ઊંચા છે. જ્યારે જાપાન કરતાં તે બમણાં જોવા મળી રહ્યાં છે. એક અન્ય બાબત એ પણ છે કે છેલ્લાં એક વર્ષમાં અન્ય બજારોની માફક ભારતીય બજારના વેલ્યૂએશન્સમાં સાધારણ તફાવત જોવા મળ્યો છે.
વૈશ્વિક સ્તરે કોવિડને કારણે કોર્પોરેટ પ્રોફિટ્સ પર અસર થતાં પીઈ મલ્ટિપલ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમકે વિશ્વની ટોચની 500 કંપનીઓનો પીઈ વાર્ષિક 20 ટકાનો ઘટાડો દર્શાવે છે. જેનું મુખ્ય કારણ છેલ્લાં એક વર્ષમાં આ કંપનીઓના સંયુક્ત પ્રોફિટમાં વાર્ષિક 59 ટકાનો ઉછાળો હતું. જોકે ભારતમાં પીઈ મલ્ટિપલમાં વાર્ષિક ધોરણે માત્ર 4 ટકાનો ઘટાડો જોવા મળે છે. વૈશ્વિક સ્તરે તે 530 બેસીસ પોઈન્ટ્સ સામે 150 બેસીસ પોઈન્ટસન ઘટાડો દર્શાવે છે.

વિશ્વની ટોચની 500 કંપનીઓમાં સમાવિષ્ટ ભારતીય કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચયૂએલ, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, ભારતી એરટેલ, વિપ્રો અને એચસીએલ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે 2.5 ટ્રિલિયન ડોલરના માર્કેટ-કેપ સાથે એપલ સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી કંપની છે. જ્યારબાદના ક્રમે 2.3 ટ્રિલીયન ડોલર સાથે માઈક્રોસોફ્ટ અને 2 ટ્રિલિયન ડોલર સાથે સાઉદી અરામ્કો આવે છે. ટોચની પ00 કંપનીઓમાં યુએસની 221 કંપનીઓનો સમાવેશ થાય છે. જે આંક ગયા વર્ષે 206 પર હતો. કુલ માર્કેટ-કેપમાં તેમનો હિસ્સો 33.4 ટ્રિલિયન ડોલર છે. જ્યારે વાર્ષિક રેવન્યૂ 9.3 ટ્રિલિયન ડોલર અને નફો 1.2 ટ્રિલિયન ડોલર જોવા મળે છે. યુરોપિયન યુનિયનની 90 કંપનીઓ ટોચની 500 કંપનીઓમાં સમાવિષ્ટ છે. જે આંક ગયા વર્ષે 84 પર હતો. તેમનું સંયુક્ત માર્કેટ-કેપ 8.6 ટ્રિલિયન ડોલર જોવા મળે છે.

વૈશ્વિક અગ્રણી કંપનીઓના વેલ્યૂએશન્સ

દેશ પીઈ મલ્ટિપલ(ચાલુ વર્ષ)

ભારત 37
યુએસ 28
ઈયુ 22
યૂકે 17.2
ચીન 15.4
જાપાન 13.0
તમામ 500 કંપનીઓ 22.5
અન્ય ઈમર્જિંગ માર્કેટ્સ 33.2




પ્રાઈવેટ સેક્ટર બેંક્સે બીજા ક્વાર્ટરમાં 26 ટકા પ્રોફિટ વૃદ્ધિ દર્શાવી

ત્રિમાસિક ધોરણે પ્રોવિઝન્સમાં 30.2 ટકાના નોંધપાત્ર ઘટાડે નફામાં 21.9 ટકાનો સુધારો નોંધાયો

અત્યાર સુધી પરિણામ જાહેર કરી ચૂકેલી 12 ખાનગી બેંક્સની ગ્રોસ એનપીએમાં એક ટકા વૃદ્ધિ નોંધાઈ


આર્થિક મોરચે રિકવરી અને ક્રેડિટ માગમાં વૃદ્ધિ પાછળ જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં ખાનગી બેંકિંગ કંપનીઓના નફામાં 26 ટકા વૃદ્ધિ જોવા મળી છે. નાણા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં તેમણે 21.9 ટકા નફા વૃદ્ધિ દર્શાવી છે. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે ખાનગી બેંકિંગ કંપનીઓએ અપેક્ષાથી સારા પરિણામ દર્શાવ્યાં છે.

વર્તમાન પરિણામ સિઝનમાં 12 જેટલી પ્રાઈવેટ બેંક્સના પરિણામોનું એનાલિસિસ સૂચવે છે કે તેમની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ(એનઆઈઆઈ) 10.8 ટકા વધી છે. જ્યારે ત્રિમાસિક ધોરણે તે 2.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જોકે બેંકર્સના જણાવ્યા મુજબ સિસ્ટમાં પુષ્કળ લિક્વિડિટીને કારણે માર્જિન પર પ્રેશન જોવા મળ્યું હતું. જેમાં હોલસેલ લોન્સ પરના માર્જિનમાં વિશેષ દબાણ નોંધાયું હતું. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં રૂપી લોન્સ પરના વેઈટેડ એવરેજ લેન્ડિગ રેટ્સ 9.09 ટકા પર જોવા મળ્યાં હતાં. જે સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં 9.59 ટકા પર હતાં. જ્યારે જૂન ક્વાર્ટરમાં 0.1 ટકા પર હતાં એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા સૂચવે છે. બેંક્સની ફી, કમિશન્સ અને રિકવરી સહિતની અન્ય આવકમાં વાર્ષિક ધોરણે 15.7 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 7.9 ટકા વૃદ્ધિ સૂચવી રહ્યાં છે.

જો પ્રોવિઝન્સ અને કન્ટિજેન્સિસની વાત કરીએ તો ખાનગી બેંકિંગ કંપનીઓએ વાર્ષિક ધોરણે 22 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 30.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પ્રોવિઝન્સનો કેટલોક હિસ્સો આરબીઆઈએ આપેલા વન-ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ પેકેજ-2 હેઠળમાં ગયો હતો. જેમાં મુખ્યત્વે વ્યક્તિગત લોન્સ, હાઉસહોલ્ડ લોન્સ તથા એમએસએમઈ એડવાન્સિસનો સમાવેશ થતો હતો. રેગ્યુલેટરી જરૂરિયાતો ઉપરાંત ઘણી બેંક્સે સંભવિત જોખમો સામે કેટલુંક અધિક પ્રોવિઝન્સ પણ કર્યું હતું. એક્સિસ બેંકે જણાવ્યું હતું કે ખૂબ મર્યાદિત રિસ્ટ્રક્ચરિંગ જોવા મળી રહ્યું છે અને એસેટ ક્વોલિટીમાં સુધારો નોંધાઈ રહ્યો છે. બેંકનો કુલ કવરેજ રેશિયો 124 ટકા રહ્યો હતો. જેમાં સ્ટાન્ડર્ડ કોવિડ પ્રોવિઝન્સનો સમાવેશ થતો હતો.

અભ્યાસમાં લીધેલી બેંક્સની એસેટ ક્વોલિટીમાં સાધારણ વૃદ્ધિ સાથે મહ્દઅંશે સ્થિરતા જોવા મળી હતી. તેમની ગ્રોસ એનપીએ વાર્ષિક ધોરણે 1.1 ટકા વધી રૂ. 1.73 લાખ કરોડ રહી હતી. જોકે ત્રિમાસિક ધોરણે તે 3.5 ટકાનો ઘટાડો દર્શાવતી હતી. જૂન ક્વાર્ટરમાં જીએનપીએ રૂ. 1.8 લાખ કરોડ પર રહી હતી. નેટ એનપીએ વાર્ષિક ધોરણે 27.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 42895 કરોડ પર રહી હતી. જ્યારે ત્રિમાસિક ધોરણે 7.3 ટકા ઘટી રૂ. 46280 કરોડ પર જોવા મળી હતી.

રેટિંગ એજન્સી ઈકરાના ફાઈનાન્સિયલ સેક્ટર હેડના જણાવ્યા મુજબ ખાનગી બેંક્સનો દેખાવ સારો રહ્યો છે પરંતુ મહામારીને કારણે અવરોધોનો સામનો કરનાર બોરોઅર્સ તરફથી જોખમ ઊભું છે. લોન બુકની વાત કરીએ તો બેંક્સનો કુલ એડવાન્સિસમાં વાર્ષિક ધોરણે 11.8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ત્રિમાસિક ધોરણે 3.9 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. આરબીઆઈ ડેટા મુજબ ઓક્ટોબર 2021ની શરૂઆત સુધીમાં બેંકિંગ સિસ્ટમની ક્રેડિટમાં 6.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage