બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
યુએસ બજારમાં ઘટાડો અટકવા છતાં એશિયા-યૂરોપ નરમ
RBI પોલિસી પૂર્વે ભારતીય શેરબજારમાં નરમ અન્ડરટોન
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 21.30ની સપાટીએ
ફાર્મા, એફએમસીજી,મેટલ અને પીએસઈમાં મજબૂતી
પ્રાઈવેટ બેંકિંગ, આઈટી, એનર્જીમાં નરમાઈ
રાઈટ્સ, કોચીન શીપયાર્ડ, સિપ્લા સર્વોચ્ચ સપાટીએ
પિરામલ એન્ટરપ્રીઝ, સનોફી ઈન્ડિયા વાર્ષિક તળિયા પર
બ્રોડ માર્કેટમાં ધીમી ખરીદીએ બ્રેડ્થ પોઝીટીવ
યુએસ બજારો બુધવારે બાઉન્સ આપવામાં સફળ થવા છતાં એશિયા અને યુરોપના બજારોમાં પ્રત્યાઘાતી સુધારાનો અભાવ જોવા મળ્યો હતો. ભારતીય બજારો પણ અન્ય ઈમર્જિંગ માર્કેટ્સને અનુસર્યાં હતાં અને સપ્ટેમ્બર સિરિઝ એક્સપાયરીના દિવસે ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 188 પોઈન્ટ્સ ગગડી 56410ની સપાટીએ જ્યારે નિફ્ટી 41 પોઈન્ટ્સના ઘટાડે 16818ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ખરીદી અને વેચવાલી લગભગ સરખી જળવાય હતી. જેની પાછળ નિફ્ટી કાઉન્ટર્સમાં માર્કેટ-બ્રેડ્થ ન્યૂટ્રલ રહી હતી. એટલેકે બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 25 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 25 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ નીચા સ્થળે ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ઉછળી 21.30ની સપાટીએ જોવા મળ્યો હતો.
ગુરુવારે એશિયન બજારોએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવવા સાથે ટોચ પર બનાવી દીધી હતી અને બાકીના દિવસ દરમિયાન તેઓ સતત ઘસાતાં રહ્યાં હતાં. જેની પાછળ હોંગ કોંગ જેવા બજારોએ નેગેટિવ બંધ દર્શાવ્યું છે. હેંગ સેંગ કોવિડ વખતના તળિયાની પણ નીચે ઉતરી જવા સાથે છેલ્લાં અનેક વર્ષોના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. કોરિયા અને તાઈવાનના બજારો પણ ફ્લેટ બંધ સૂચવતાં હતાં. બપોરે યુરોપના બજારોને બેંક ઓફ ઈંગ્લેન્ડે બોન્ડ બાઈંગ કરવાની વાત કરતાં થોડી રાહત સાંપડી હતી અને તળિયાથી સાધારણ બાઉન્સ દર્શાવી રહ્યાં હતાં. જોકે તેઓ નેગેટિવ ઝોનમાં જ ટ્રેડ જાળવ્યું હતું. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે ધોરણે 16800ની નીચે ઉતરી ગયો હતો. જોકે બંધની રીતે તેણે આ સપોર્ટ જાળવ્યો હતો. જેણે લોંગ ટ્રેડર્સને રાહત આપી હતી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બજાર માટે 17000 અને 17200ના બે લેવલ્સ અવરોધક બની રહેશે. જ્યારે તે પાર કરશે તો 17400નો અવરોધ જોવા મળશે. જ્યારે ઘટાડે 16800 નજીકમાં મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો બેન્ચમાર્ક 16500 સુધી ગગડી શકે છે. જૂન મહિના બાદ ભારતીય બજારે પ્રથમવાર સતત સાત સત્રોમાં નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. જે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ અતિ સાવધાની વર્તી રહ્યાં હોવાનું સૂચવે છે. વૈશ્વિક આર્થિક મોરચે મંદીની પાછળ ટ્રેડર્સ નવી પોઝીશન લેવામાં ખચકાવા સાથે સુધારે તેમના લોંગ્સને લિક્વિડ કરી રહ્યાં છે. ચાલુ કેલેન્ડરમાં નિફ્ટી સતત ત્રીજી વાર 18 હજારની સપાટીને સ્પર્શી પરત ફર્યો છે. આમ આ સપાટી નજીકના સમયગાળામાં પસાર થવી ખૂબ કઠિન જણાય છે. પખવાડિયા અગાઉ બજારમાં મોટાભાગનો વર્ગ દિવાળી સુધીમાં નવી ટોચની અપેક્ષા રાખતો થયો હતો. જો હાલમાં નિરાશ થયો છે. વૈશ્વિક સ્તરે રેટ વૃદ્ધિ ચાલુ રહેવાની ગણતરીએ નિફ્ટી નજીકના સમયગાળામાં નવી ટોચ બનાવે તેવી શક્યતાં નહિ હોવાનું ફંડામેન્ટલ એનાલિસ્ટ્સનું માનવું છે. તેઓ નિફ્ટી 16000 સુધી ગગડે તેવી શક્યતાં પણ વ્યક્ત કરી રહ્યાં છે.
માર્કેટને ગુરુવારે સપોર્ટ આપવામાં ફાર્મા અને એફએમસીજી મુખ્ય હતાં. ફાર્મા શેર્સ વાજબી વેલ્યૂએશન્સ ધરાવતાં હોવાના કારણે ફંડ્સ તેમાં ડિફેન્સિવ બેટ લઈ રહ્યાં હોવાનું વર્તુળો જણાવે છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.33 ટકા સુધરી છ સપ્તાહની ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં ઝાયડસ કેડિલાએ 3.7 ટકા સુધારા સાથે મુખ્ય યોગદાન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત ટોરેન્ટ ફાર્મા, ડો. રેડ્ડીસ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, સન ફાર્મા અને બાયોકોન પણ નોંધપાત્ર સુધારે બંધ જોવા મળ્યાં હતાં. જોકે લ્યુપિનમાં 2.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી પણ 0.9 ટકા ઉછળી બંધ જળવાયો હતો. જેને સપોર્ટ આપવામાં ગોદરેજ કન્ઝ્યૂમર, આઈટીસી, ડાબર ઈન્ડિયા, કોલગેટ, ઈમામી અને યુનાઈટેડ બ્રૂઅરીઝ મુખ્ય હતાં. જ્યારે પીએનજી 4.4 ટકા જેટલો તૂટ્યો હતો. મેરિકો અને યુનાઈટેડ સ્પિરિટ્સ પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જાહેર સાહસોમાં મજબૂતી પાછળ નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ એક ટકા જેટલો મજબૂત હતો. જેમાં આઈઆરસીટીસી 4 ટકા ઉછાળે સૌથી વધુ સુધારો સૂચવતો હતો. આ ઉપરાંત ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, ભેલ, એનએમડીસી, કોલ ઈન્ડિયા, કોન્કોર, હિંદુસ્તાન એરોનોટિક્સમાં પણ એક ટકાથી લઈ 4 ટકા સુધી સુધારો જોવા મળતો હતો. મેટલ સેગમેન્ટમાં સ્ટીલ શેર્સ મજબૂતી સૂચવતાં હતાં. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 3.6 ટકા સુધારા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત હિંદાલ્કો, એનએમડીસી, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, વેદાંતા, નાલ્કો, હિંદુસ્તાન ઝીંકમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો. બીજી બાજુ એનર્જી શેર્સમં ઘટાડો અગળ વધ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.83 ટકા ઘટી બંધ જોવા મળ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 2.3 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવતો હતો. ઉપરાંત એચપીસીએલ, બીપીસીએલ, ટાટા પાવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પણ નરમાઈ જોવા મળતી હતી. ઓઈલ પીએસયૂ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન વાર્ષિક તળિયું બનાવી પોઝીટીવ બંધ રહ્યો હતો. બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ શેર્સમાં ઘટાડો આગળ વધ્યો હતો. બેંકનિફ્ટી 0.3 ટકા ગગડી બંધ જોવા મળ્યો હતો. જેમાં કોટક મહિન્દ્રા 1.52 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવતો હતો. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એચડીએફસી બેંક પણ નરમ બંધ જોવા મળ્યાં હતાં. બીજી બાજુ એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 3.2 ટકા ઉછળ્યો હતો. બંધન બેંક, આઈડીએફસી બેંક, ફેડરલ બેંક અને બેંક ઓફ બરોડા પણ 3 ટકા સુધી સુધારો સૂચવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં અબોટ ઈન્ડિયા 6 ટકા સાથે સૌથી ઊંચો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત પીવીઆર, ટાટા કેમિકલ્સ, આઈઆરસીટીસી, ઓએનજીસી, એસ્કોર્ટ્સ કુબોટા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, હિંદાલ્કો, એપોલો હોસ્પિટલ, પોલીકેબમાં 3 ટકાથી વધુનો સુધારો નોંધાયો હતો. જ્યારે બીજી બાજુ આરતી ઈન્ડસ્ટ્રીઝ, વોડાફોન આઈડિયા, એશિયન પેઈન્ટ્સ, ડો. લાલ પેથલેબ, માઈન્ડટ્રી, દિપક નાઈટ્રેટ, કોફોર્જ અને પિડિલાઈડ ઈન્ડસ્ટ્રીઝમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3562 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1884 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1543 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 110 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 70 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર ટ્રેડ થયાં હતાં.
ભાવ ઘટે તે પહેલા માલ વેચવા માટે ખેડૂતો અધીરાં
સામાન્યરીતે ઓક્ટોબરના બીજા પખવાડિયાથી જોવા મળતી ઊંચી આવકો સપ્ટેમ્બર આખરમાં નોંધાઈ
મગફળીમાં દૈનિક લાખ ગુણીથી વધુ જ્યારે કોટનમાં પાંચ હજાર ગાંસડીની આવકો
નવી ખરિફ માર્કેટિંગ સિઝનની સત્તાવાર શરૂઆત શનિવારથી થશે. જોકે તે પહેલાં ગુજરાતના ગંજ બજારોમાં અગ્રણી ચોમાસુ પાકોની નોંધપાત્ર આવકો શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને મગફળીની આવકો ઘણી ઊંચી જોવા મળી રહી છે. જ્યારે કપાસની આવકો પણ સામાન્ય કરતાં વધુ થઈ રહી છે. ખેડૂતોમાં ખરિફ પાકોના ભાવ ગગડી જવાને લઈને ડર જોવા મળી રહ્યો છે અને તેથી જ તેઓ તેમની ઉપજોને બજારમાં ઠાલવી રોકડી કરી લેવા આતુર હોવાનું વર્તુળો જણાવે છે.
સામાન્યરીતે ઓક્ટોબરની શરૂઆતથી નવુ ખરિફ માર્કેટિંગ વર્ષ શરૂ થતું હોય છે. જોકે ચાલુ સિઝનમાં ખેડૂતોએ વહેલું વાવેતર કરવા સાથે સપ્ટેમ્બરમાં જોવા મળતાં ભારે પાછોતરા વરસાદના મહ્દઅંશે અભાવને કારણે મોટા પ્રમાણમાં ખેડૂતો પાકની કાપણી કરી શક્યાં છે. જેમાં મગફળીમાં ઘણા વિસ્તારોમાં ખેડૂતોએ પાક લેવાનું શરૂ કરી દીધું છે. જેની પાછળ આવકો ત્રણેક સપ્તાહ વહેલી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અગ્રણી બજારોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી દૈનિક એક લાખ ગુણી મગફળીની આવકો જોવા મળી રહી છે. જેમાં ગોંડલ, રાજકોટ, હળવદ, હિંમતનગર અને ડીસા જેવા બજારોનો સમાવેશ થાય છે. માત્ર ગોંડલમાં જ દૈનિક એક લાખ ગુણીની આવકો આવી હતી. જેમાંથી 30 હજાર ગુણીના કામકાજ થઈ શક્યાં હતાં અને બાકીની હરાજી પેન્ડિંગ રાખવી પડી હતી. જેને કારણે યાર્ડે નવી આવકો બંધ રાખી હતી. જે શુક્રવારથી ફરી શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર રાજકોટ યાર્ડમાં 12 હજાર ગુણી, હળવદમાં 15 હજાર ગુણી આસપાસ જોવા મળે છે. જ્યારે સાબરકાંઠામાં હિંમતનગરમાં 10-12 હજાર ગુણી મગફળી અને બનાસકાંઠામાં ડીસામાં 5 હજાર ગુણી આસપાસ આવકો થઈ રહી છે. નવરાત્રીના આરંભે આટલી આવકો છેલ્લાં અનેક વર્ષોમાં પ્રથમવાર જોવા મળી છે. જેનું એક મહત્વનું કારણ સિઝનની શરૂમાં મળી રહેલાં આકર્ષક ભાવ પણ છે. ખેડૂતોને તેમની ઉપજના રૂ. 1100-1350 પ્રતિ મણની રેંજમાં ભાવ મળી રહ્યાં છે. જે ગઈ સિઝનમાં સમાનગાળાની સરખામણીમાં રૂ. 100-150 ઊંચા હોવાનું વર્તુળો જણાવે છે. મગફળીમાં કેટલેક ઠેકાણે નુકસાનને બાદ કરતાં પાકની સ્થિતિ સારી છે અને તેથી વાવેતરમાં ઘટાડા છતાં ઉત્પાદન ગઈ સિઝન જેટલું જ જોવા મળવાની શક્યતાં છે. રાજ્ય સરકારે 2022-23 ખરિફમાં મગફળીનું ઉત્પાદન 35 લાખ ટન રહેવાનો અંદાજ બાંધ્યો છે. ચાલુ સિઝનમાં તેલિબિયાંનું વાવેતર ગઈ સિઝનના 19 લાખ હેકટર સામે 17 લાખ હેકટર પર નોંધાયું હતું.
રાજ્યમાં સૌથી વધુ વવાતાં કપાસની વાત કરીએ તો વાવેતર 3 લાખ હેકટરમાં વધવા સાથે પાકની સ્થિતિ પણ સારી છે. નવી સિઝનમાં ઊંચા ઉત્પાદનની શક્યતાં પાછળ ભાવ છેલ્લાં મહિનામાં રોજના ધોરણે ઘટતાં રહ્યાં છે અને રૂ. 70-72 હજાર પર આવી પહોંચ્યાં છે. જેને જોતાં ખેડૂતો ચાલુ સિઝનમાં માલ પકડી રાખવાને બદલે વેચવા માટે ઉતાવળા જણાય છે. તેમને સારી ક્વોલિટીના રૂ. 1800 પ્રતિ મણ સુધી ઉપજી રહ્યાં છે. જે ખૂબ સારા ભાવ માનવામાં આવે છે. સામાન્યરીતે શરૂઆતી આવકો ભેજવાળી હોવાથી ભાવ ઊંચા મળવા મુશ્કેલ હોય છે. જોકે તેમને રૂ. 1500-1700ની રેંજમાં ભાવ મળે છે. જે સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઊપર છે. હાલમાં રાજ્યમાં 5 હજાર ગાંસડીની આવકો જોવા મળે છે. જે દશેરા સુધીમાં વધી 10 હજાર ગાંસડીને પાર કરી જાય તેવી શક્યતાં છે. કેમકે હાલમાં ખેડૂતો પહેલી વીણી પતાવી ભાગિયાને નાણા આપવાની વેતરણમાં છે એમ વર્તુળો જણાવે છે. મગફળી, કપાસ ઉપરાંત અડદ, સોયાબિન જેવા ખરિફ પાકોની આવકો પણ ચાલુ થઈ ચૂકી છે.
રૂપિયોમાં ઘટાડાએ ગ્લોબલ ફંડ્સને આંશિક રાહત આપી
યુએસ માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટને કારણે રૂપિયાની નરમાઈનો લાભ મળ્યો
નાસ્ડેક જેવા બેન્ચમાર્કમાં 26 ટકા ઘટાડા સામે સ્થાનિક એએમસીના ફંડ્સમાં 17 ટકા જ નેગેટિવ રિટર્ન
કોવિડ બાદ ભારતીય રોકાણકારોને વૈશ્વિક શેરબજારોમાં એક્સપોઝર આપવાના હેતુસર ઝડપથી વૃદ્ધિ દર્શાવનાર સ્થાનિક ફંડ મેનેજર્સ કંપનીઓની ગ્લોબલ સ્કિમ્સને ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે મોટી રાહત મળી છે. ડોલર કરન્સીમાં ઈન્વેસ્ટ કરતાં આ ફંડ્સ વાર્ષિક ધોરણે 17 ટકા ઘટાડો સૂચવે છે. જે યુએસ બેન્ચમાર્ક્સ નાસ્ડેકમાં જોવા મળી રહેલા 26 ટકાની સરખામણીમાં નોંધપાત્ર નીચું છે. ડોલર સામે ભારતીય રૂપિયો સમાનગાળામાં 9 ટકા જેટલો ગગડ્યો છે અને તેને કારણે જ ફંડ્સ પ્રમાણમાં ચઢિયાતો દેખાવ જાળવી શક્યાં છે.
એક અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીના સીઈઓના જણાવ્યા મુજબ ડોલર સામે રૂપિયામાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. તે સામાન્યરીતે જોવા મળતાં ઘટાડો કરતાં મોટો છે. જેને કારણે ઈન્ટરનેશનલ ફંડ્સનો ઘટાડો મર્યાદિત જળવાયો છે. જો રૂપિયો તીવ્ર ઘટાડો ના દર્શાવતો હોત તો ફંડ્સ પણ નાસ્ડેક અને એસએન્ડપી 500ની માફક જ 25 ટકા આસપાસનું મૂડીધોવાણ નોંધાવી રહ્યાં હોત એમ તેઓ ઉમેરે છે. જેમ ભારતમાં ગોલ્ડ રોકાણકારને રૂપિયામાં નરમાઈને કારણે લાભ થાય છે એ જ રીતે વૈશ્વિક બજારોમાં નાણા રોકાણ કરનારાઓને ડોલરમાં મજબૂતીને કારણે સીધો લાભ મળે છે. જો ત્રણ વર્ષના વળતરની સરખામણી કરીએ તો રૂપિયામાં નરમાઈને કારણે નાસ્ડેક-100ને બેન્ચમાર્ક તરીકે ઉપયોગમાં લેનારા ફંડ્સ નિફ્ટી-50ની સરખામણીમાં સહેજ ઊંચું વળતર આપી રહ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં નાસ્ડેક-100એ 45 ટકા સુધારો દર્શાવ્યો છે. જ્યારે નિફ્ટી50એ 47 ટકા વળતર આપ્યું છે. એક અગ્રણી એએમસી કંપનીના ગ્લોબલ ફંડે છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ વાર્ષિક 18 ટકાનું રિટર્ન પૂરું પાડ્યું છે. જે નિફ્ટીમાં સરેરાશ 15 ટકાની સરખામણીમાં 3 ટકા જેટલું ઊંચું છે. આમ થવામાં ડોલર સામે રૂપિયામાં નરમાઈએ પણ યોગદાન આપ્યું હોવાનું વેલ્યૂ રિસર્ચનો રિપોર્ટ જણાવે છે. તેના મતે ઈન્ટરનેશનલ ફંડ્સે મુખ્યત્વે યુએસ સ્થિત કંપનીઓમાં રોકાણ કર્યું હોવાથી વૈશ્વિક ડોલરમાં તેજીનો તેમને લાભ મળ્યો છે. જો તેમણે યુરો કરન્સી બજારોમાં રોકાણ કર્યું હોત તો તેમને ડોલર તેજીનો સંપૂર્ણ લાભ થયો ના હોત. કેમકે યુરો અને બ્રિટિશ પાઉન્ડમાં ડોલર સામે સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
ડોલર ઈન્ડેક્સમાં નરમાઈએ રૂપિયો 13 પૈસા સુધર્યો
વૈશ્વિક બજારમાં બુધવારે રાતે ડોલર ઈન્ડેક્સ તેની સર્વોચ્ચ સપાટીએથી તૂટતાં ગોલ્ડ સહિત ઈમર્જિંગ માર્કેટ ચલણોને રાહત મળી હતી. ગુરુવારે ભારતીય રૂપિયો 13 પૈસા સુધરી 81.80ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તે 81.58ની સપાટી પર મજબૂત ટ્રેડ દર્શાવતો હતો. જોકે શેરબજારમાં નરમાઈ પાછળ તે આ મજબૂતી જાળવી શક્યો નહોતો. છેલ્લાં કેટલાંક સત્રોથી વિદેશી રોકાણકારો તરફથી અવિરત વેચવાલી જોવા મળી રહી છે. કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ બુધવારે 1621 ડોલરની તેની અઢી વર્ષોની બોટમ પરથી ઉછળઈ 1670 ડોલર પર ટ્રેડ થયું હતું. ગુરુવારે તે 10 ડોલર નરમાઈ સાથે 1657 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું.
ભારતમાં 35 ટકા ઓર્ગેનાઈઝ્ડ જ્વેલરી માર્કેટઃ WBC
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ ભારતના જ્વેલરી માર્કેટમાં ચેઈન સ્ટોર્સ 35 ટકા હિસ્સો ધરાવે છે. ‘જ્વેલરી માર્કેટ સ્ટ્રક્ચર’ નામે અહેવાલમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે નોંધ્યું છે કે સ્મોલ ઈન્ડિપેન્ડન્ટ રિટેલ જ્વેલર્સ હજુ પણ જ્વેલરી બજાર પર તેમનું પ્રભુત્વ ધરાવે છે. જ્યારે નેશનલ અને રિજિયોનલ હાજરી ધરાવતી રિટેલ ચેઈન્સનો હિસ્સો ધીમે-ધીમે વધતો જોવા મળી રહ્યો છે. દેશમાં જ્વેલરી ઉત્પાદન સેક્ટર પણ ઓર્ગેનાઈઝ્ડ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઓર્ગેનાઈઝ્ડ જ્વેલરી રિટેલના વિકાસમાં હોલમાર્કિંગે પણ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કાઉન્સિલ જણાવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એસબીઆઈઃ ટોચના બેંકરે કન્સ્ટ્રક્શન કંપની જયપ્રકાશ એસોસિએટ્સ સામે કોર્પોરેટ ઈન્સોલ્વન્સી પિટિશન દાખલ કરી છે. જયપ્રકાશ એસોસિએટ્સે રૂ. 6892.48 કરોડ ચૂકવવામાં નાદારી નોંધાવી છે. પિટિશન અલાહાબાદ સ્થિત એનસીએલટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
સ્ટીલ કંપનીઓઃ ભારતમાં ઓગસ્ટ મહિનામાં સ્ટીલના વપરાશમાં વાર્ષિક 13 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. દેશમાં સ્ટીલનો કુલ વપરાશ વધી 93 લાખ મેટ્રીક ટન પર જોવા મળ્યો હતો. જોકે દેશમાંથી સ્ટીલની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો.
કેનફિન હોમ્સઃ વિદેશી સંસ્થાકિય રોકાણકાર પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડે હાઉસિંગ ફાઈનાન્સ કંપનીમાં 10 લાખ ઈક્વિટી શેર્સ અથવા 0.75 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે.
ફર્ટિલાઈઝર્સ કંપનીઃ દેશની ત્રણ ફર્ટિલાઈઝર્સ કંપનીઓ ઈન્ડિયન પોટાશ, કોરોમંડલ ઈન્ટરનેશનલ અને ચંબલ ફર્ટિલાઈઝર્સે ભિન્ન કરારોમાં કેનેડા સ્થિત કેન્પોટેક્સ સાથે 15 લાખ ટન પોટાશના સપ્લાય માટે સમજૂતી કરી છે. કેન્પોટેક્સ વિશ્વમાં ટોચની પોટાશ સપ્લાયર છે.
એક્સેન્ચર સોલ્યુશન્સઃ અગ્રણી આઈટી કંપનીએ નાણા વર્ષ 2021-22 માટે નેટ પ્રોફિટમાં 56 ટકા ઉછાળો નોંધાવ્યો છે અને તે રૂ. 4246 કરોડ પર રહ્યો છે. કંપનીની આવક 44 ટકા ઉછળી રૂ. 47919 કરોડ પર રહી છે. કંપનીનો કુલ ખર્ચ રૂ. 42070 કરોડ પર રહ્યો હતો.
મધરસન સુમી વાયરિંગઃ કંપનીનું બોર્ડ 30 સપ્ટેમ્બરે બોનસ શેર્સ ઈસ્યુ કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
પાવરગ્રીડ કોર્પોરેશનઃ પીએસયૂ ટ્રાન્સમિશન કંપની જામનગર સ્થિત રિફાઈનરી સુધી ટ્રાન્સમિશન લાઈનનું બાંધકામ કરશે.
જીઓસીએલ કોર્પોરેશનઃ કંપનીએ 12.25 એકર્સ જમીનનું વેચાણ પૂર્ણ કર્યું છે. જેમાંથી રૂ. 125.11 કરોડ ઊભા કર્યાં છે.
ભેલઃ પીએસયૂ એન્જિનીયરીંગ કંપનીએ 2×660 મેગાવોટ તાલ્ચર થર્મલ પાવર પ્રોજેક્ટ સ્ટેજ-3 માટે ઈપીસી ઓર્ડર મેળવ્યો છે.
નાયકાઃ બ્યૂટી પ્રોડક્ટ્સના ઓનલાઈન સેલર કંપનીનું બોર્ડ 3 ઓક્ટોબરે બોનસ શેર્સના ઈસ્યુ માટે વિચારણા માટે મળશે.
બ્લ્યૂ ડાર્ટઃ કંપનીએ કેલેન્ડર 2023 માટે તેના સરેરાશ શીપમેન્ટ પ્રાઈસમાં 9.6 ટકા વૃદ્ધિની જાહેરાત કરી છે. જેની પાછળ કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી.
એસએચ કેલકરઃ કંપનીની સબસિડિયરી કેવા યૂરોપ બીવીએ નેધરલેન્ડ્સ સ્થિત પ્રોવિએર બેહિર બીવીમાં 19 ટકા ઈક્વિટી હિસ્સાની ખરીદી કરી છે.
જેનેસિસ ઈન્ટરનેશનલઃ કંપનીએ બેન્ટલી સિસ્ટમ્સ સાથે ભારતભરમાં તમામ અગ્રણી શહેરોમાં 3ડી મેપિંગ કેપેબિલિટીઝ પૂરી પાડવા માટે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે.