માર્કેટ સમરી
સતત ત્રીજા દિવસે બેન્ચમાર્ક્સ નવી ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. નિફ્ટીએ ઓપનીંગમાં 13217નું નવું ટોચ દર્શાવી ઈન્ટ્રા-ડે 13108નું બોટમ બનાવ્યું હતું. જ્યાંથી તે સાધારણ પરત ફરી 13134ના સ્તરે પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યો હતો. આમ ત્રણ દિવસથી તે કોન્સોલિડેશન દર્શાવી રહ્યો છે.
પીએસયૂ બેંક, મેટલ, મિડિયા અને ઓટોની બોલબાલા
પીએસયૂ બેંક ઈન્ડેક્સ 4.81 ટકા ઉછળવા સાથે સતત ચોથા દિવસે પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. એસબીઆઈર, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક અને કેનેરા બેંક પાછળ તેણે તીવ્ર સુધારો દર્શાવ્યો હતો. સ્ટીલ શેર્સમાં ખરીદી પાછળ નિફ્ટી મેટલ પણ 2.5 ટકા ઉછળી 3126 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, જેએસપીએલ અને સેઈલ જેવા કાઉન્ટર્સ સતત બીજા દિવસે નવી ટોચ પર જોવા મળ્યા હતા. નિફ્ટી મિડિયા 2.8 ટકા ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી ઓટો 1.7 ટકા ઉછળ્યો હતો. મારુતિ સુઝુકીએ 7.5 ટકા સાથે મહત્વનું યોગદાન કર્યું હતું.
મારુતિ સુઝૂકી, ઓએનજીસી, હિંદાલ્કો અને એશિયન પેઈન્ટ્સમાં લેવાલી
બેન્ચમાર્ક્સમાં સમાવિષ્ટ ઉપરોક્ત ચારેય કાઉન્ટર્સે 4 ટકાથી વધુનો ઉછાળો દર્શાવ્યો હતો. મારુતિ સુઝુકી. રૂ. 7777ના વર્ષના ટોચ પર ટ્રેડ થયો હતો. એશિયન પેઈન્ટ્સ રૂ. 2400ની સપાટી કૂદાવી ગયો હતો. હિંદાલ્કો રૂ. 242 પર બંધ રહ્યો હતો. ઓએનજીસી રૂ. 88.70ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂ. 90 પર તે ઓર મજબૂત થશે.
ટાઈટન કંપનીનો શેર સર્વોચ્ચ ઊંચાઈને સ્પર્શ્યો
ટાટા જૂથની એપરલ્સ અને જ્વેલરી સહિતની બ્રાન્ડ્સમાં સક્રિય કંપની ટાઈટનનો શેર ગુરુવારે તેની નવી ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર 2 ટકાથી વધુના સુધારે રૂ. 1420 પર ટ્રેડ થયો હતો. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ શેરનું માર્કેટ-કેપ પણ રૂ. 1.26 લાખ કરોડ પર પહોંચ્યું હતું અને ટીસીએસ બાદ ટાટા જૂથની માર્કેટ-કેપની રીતે બીજી મોટી કંપની બન્યો હતો. માર્ચ મહિનામાં કંપનીનો શેરરૂ. 720ની સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યાંથી લગભગ બમણો જોવા મળી રહ્યો છે.
ટાટા કેમિકલ્સના શેર્સમાં સવા બે મહિનામાં 70 ટકાની વૃદ્ધિ
ટાટા જૂથની સોડાએશ ક્ષેત્રની કંપની ટાટા કેમિકલ્સના શેરમાં છેલ્લા બે મહિનાથી અવિરત સુધારો નોંધાઈ રહ્યો છે. 24 સપ્ટેમ્બરે રૂ. 270ના સ્તરે ટ્રેડ થતો શેર ગુરુવારે રૂ. 465ની તેની વાર્ષિક ટોચ પર ટ્રેડ થયો હતો. આમ તેણે લગભગ સવા બે મહિના દરમિયાન 70 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવ્યો છે. ગુરુવારે કાઉન્ટર તેના અગાઉના બંધથી 8 ટકા કરતાં વધુની વૃદ્ધિ દર્શાવી રહ્યું હતું. છેલ્લા કેટલાક સત્રોથી ટાટા જૂથની પ્રમોટર કંપની ટાટા સન્સ પણ કંપનીના શેરમાં ખરીદી કરી રહી છે.
રિઅલ્ટી, ઈન્ફ્રા. અને હોટેલ્સ શેર્સમાં મજબૂતી
લાંબા સમયથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યાં બાદ અંતિમ કેટલાક સત્રોથી રિઅલ્ટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હોટેલ્સ શેર્સમાં સુધારો જોવા મળી રહ્યો છે. રિઅલ્ટી અગ્રણી ડિએલએફનો શેર ગુરુવારે રૂ. 200ની સપાટીને પાર કરી ગયો હતો. કંપનીનો શેર અગાઉના બંધની સરખામણીમાં 2 ટકાના સુધારે રૂ. 204ના સ્તરે બોલાયો હતો. જે અંતિમ નવ મહિનાની ટોચ છે. ઓબેરોય રિઅલ્ટીનો શેર 6 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 531 પર ટ્રેડ થયો હતો. હોટેલ્સ શેરમાં ઈઆઈએચ હોટેલ્સ 5 ટકા ઉછળી રૂ. 99 પર બોલાયો હતો.
બેન્ચમાર્કમાં સ્થિરતા વચ્ચે 440 શેર્સ અપર સર્કિટમાં બંધ
ગુરુવારે બેન્ચમાર્કમાં કોન્સોલિડેશન વચ્ચે સતત છઠ્ઠા દિવસે મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદીનો જુવાળ જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે ટ્રેડેડ 3086 કાઉન્ટર્સમાંથી 1961 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે માત્ર 968માં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મહત્વની બાબત તો 440 કાઉન્ટર્સનું અપર સર્કિટમાં બંધ રહેવું હતું. જે બીજી અને ત્રીજી હરોળમાં અવિરત આક્રમક ખરીદી સૂચવી રહી છે. 251 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી.