બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓ હેટ્રીક આપવામાં નિષ્ફળઃ બેન્ચમાક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો
વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, બેંકિંગ અને એફએમસીજી શેર્સે ઘટાડાની આગેવાની જાળવી
બ્રોડ માર્કેટમાં જોકે સ્થિતિ પ્રમાણમાં સારી જળવાય, બીએસઈ ખાતે 1765 કાઉન્ટર્સમાં સુધારા સામે 1500માં ઘટાડો
વોડાફોન આઈડિયાનો શેર 14 ટકા ઉછળ્યો, ટાટા ટેલિ મહારાષ્ટ્રમાં 14મા સત્રમાં 5 ટકાની અપર સર્કિટ
શેરબજાર તેજીની હેટ્રિક દર્શાવવામાં નિષ્ફળ રહ્યું હતું. સપ્તાહના આખરી દિવસે પોઝીટીવ ઓપનીંગ બાદ શરૂઆતી સમય દરમિયાન ફ્લેટ જોવા મળેલું બજાર બાકીના સમયગાળા દરમિયાન સતત ઘસાતું જોવા મળ્યું હતું. જેની પાછળ બેન્ચમાર્ક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 764.83 પોઈન્ટ્સના ઘટાડે 57696.46 અને નિફ્ટી 204.95 પોઈન્ટ્સની નરમાઈ સાથે 17196.70 પર બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50માંથી 12 કાઉન્ટર્સ જ પોઝીટીવ બંધ દર્શાવી શક્યાં હતાં. જ્યારે 38 કાઉન્ટર્સમાં 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક બજારો જોકે મહ્દઅંશે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ગુરુવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 600 પોઈન્ટ્સથી વધુના સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. એશિયન બજારો પણ લગભગ પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં હતાં. બપોર બાદ યુરોપ પણ ગ્રીન ઝોનમાં જોવા મળતું હતું. જોકે આમ છતાં ભારતીય બજાર બે દિવસથી જોવા મળેલી મજબૂતીને આગળ લઈ જઈ શક્યું નહોતું. જેનું મુખ્ય કારણ હેવીવેઈટ કાઉન્ટર્સમાં વેચવાલી હતું. નિફ્ટી શેર્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 3 ટકા ઘટાડા સાથે ઘટનાર શેર્સમાં બીજા ક્રમે હતો. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક(2.55 ટકા), ટેક મહિન્દ્રા(2.3 ટકા), એશિયન પેઈન્ટ્સ(2.2 ટકા) અને એચડીએફસી લાઈફ(2 ટકા)નો ઘટાડો દર્શાવતાં હતાં. ભારતી એરટેલ, સન ફાર્મા, આઈટીસી, એચયૂએલ, મારુતિ સુઝુકી જેવા કાઉન્ટર્સ પણ એકથી બે ટકાનો ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બેંક નિફ્ટી 0.85 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી એફએમસીજી એક ટકાથી વધુ ગગડ્યો હતો. નિફ્ટી એનર્જી પણ એક ટકો ડાઉન હતો.
જોકે લાર્જ-કેપ્સમાં વેચવાલી વચ્ચે બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સમાં કોઈ મોટી વેચવાલી જોવા મળી નહોતી. બીએસઈ ખાતે 3397 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1765 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1500 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ સામે નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 359 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 203 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ જોવા મળતાં હતાં. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.82 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં વોડાફોન 14 ટકા ઉછળી આખરે 13 ટકા સુધારા સાથે છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. સરકાર તરફથી કંપનીને ગેરંટીની રકમ પેટે નોંધપાત્ર રકમ પરત કરવામાં આવે તેવા અહેવાલ વચ્ચે કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી. ટાટા જૂથની ટેલિસર્વિસિસ કંપની ટીટીએમએલનો શેર 14મા સત્ર દરમિયાન 5 ટકાની સર્કિટમાં બંધ રહ્યો હતો. તેણે રૂ. 129.45ના ભાવે બંધ દર્શાવ્યું હતું. 12 નવેમ્બરે રૂ. 65.70ના બંધ ભાવથી તે 14 દિવસોમાં 97 ટકા સુધારો દર્શાવી રહ્યો છે.
નવેમ્બરમાં વાર્ષિક ધોરણે હાયરિંગમાં 26 ટકા વૃદ્ધિ નોંધાઈ
દેશમાં નોકરીવાંચ્છુકો માટે સારો સમય પરત ફરી રહ્યો હોય તેમ જણાય છે. નવેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે હાયરિંગ કામગીરીમાં 26 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. શુક્રવારે રજૂ કરવામાં આવેલો નૌકરીજોબસ્પિક ઈન્ડેક્સ નવમ્બર 2021માં 2173 પર જોવા મળતો હતો. જે નવેમ્બર 2020માં 1727 પર હતો. જોબ ક્ષેત્રે આગેવાની ટેલિકોમ સેક્ટરે લીધી હતી. જેણે 91 ટકા વૃદ્ધિ દર નોઁધાવ્યો હતો. મેટ્રો સિટીઝની વાત કરીએ તો બેંગલૂરૂ 49 ટકા વૃદ્ધિ સાથે ટોચ પર હતું. જ્યારે ઈમર્જિંગ શહેરોમાં અમદાવાદ 61 ટકા સાથે ટોચ પર હતો. ટેલિકોમ બાદ બીજા ક્રમે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને એરલાઈન્સ સાથે હોસ્પિટાલિટી સેક્ટર બીજા ક્રમે રહ્યું હતું. જે 58 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જ્યારે એજ્યૂકેશન અને ટિચીંગ 54 ટકા સાથે નવેમ્બરમાં ત્રીજા ક્રમે જોવા મળતું હતું. 50 ટકા સાથે આઈટી ક્ષેત્રે ચોથો ક્રમ નોંધાવ્યો હતો. પાંચમા અને છઠ્ઠા ક્રમે રિટેલ અને બીએફએસઆઈ અનુક્રમે 47 ટકા અને 30 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ફાર્મા, બાયોટેક અને ક્લિનિકલ રિસર્ચ 12 ટકા તથા એફએમસીજી 6 ટકા ગ્રોથ દર્શાવતાં હતાં.
નવેમ્બરમાં સર્વિસ ક્ષેત્રે જુલાઈ 2011 પછીનૌ બીજો સૌથી ઝડપી ગ્રોથ દર્શાવ્યો
દેશના સર્વિસ ક્ષેત્રે કામગીરી નવેમ્બર મહિનામાં 58.1 પર મજબૂત જળવાય હોવાનું આઈએચએસ માર્કિટે તૈયાર કરેલો સર્વિસ પરચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ સૂચવતો હતો. ઓક્ટોબરમાં 58.4ની સામે તે સાધારણ ઘટાડો સૂચવતો હતો. જે તેને જુલાઈ 2011 બાદ આઉટપૂટમાં બીજો સૌથી ઝડપી મહિનો બનાવે છે. આઈએચએસ માર્કિટના જણાવ્યા મુજબ મોનિટર કરવામાં આવેલા કંપનીઓના જણાવ્યા મુજબ સર્વિસ ઈન્ડેક્સમાં સુધારો નવા કામમાં વૃદ્ધિ અને માર્કેટની સ્થિતિમાં જળવાયેલો સુધારો દર્શાવે છે. નવા ઓર્ડર્સમાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે સર્વિસ ક્ષેત્રે સારો દેખાવ નોંધાવ્યો છે. 10 વર્ષોમાં ઈનપુટ ખર્ચમાં બીજી સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ચાર્જ ઈન્ફ્લેશનનો રેટ તાજેતરમાં ઓક્ટોબરમાં બનેલી ટોચ પરથી નરમ બન્યો છે.
નોન-સ્ટ્રેટેજિક સેક્ટર્સની ખાનગીકરણ પ્રક્રિયાનું પુનર્ગઠન કરશે
કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારત માટે ન્યૂ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ પોલિસી હેઠળ ઓળખી કાઢવામાં આવેલા નોન-સ્ટ્રેટેજિક ક્ષેત્રો જેવાકે સ્ટીલ, ટુરિઝમ, અર્બન ડેવલપમેન્ટ અને હેલ્થકેરમાં પ્રાઈવેટાઈઝેશન પ્રક્રિયાને પુનર્ગઠિત કરશે. કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાના વડપણ હેઠળની કોર ગ્રૂપ ઓફ સેક્રેટરીઝ ઓન ડિસઈન્વેસ્ટમેન્ટ(સીજીડી)એ પ્રક્રિયાને મંજૂરી આપી છે. આ પ્રક્રિયામાં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઈઝિસ પણ સામેલ થશે. જે નોન-સ્ટ્રેટેજિક ક્ષેત્રોનું પરિક્ષણ કરશે અને આ ક્ષેત્રે રહેલા જાહેર સાહસોને પ્રાઈવેટાઈઝેશન માટે ઓળખી કાઢશે એમ અધિકારીએ જણાવ્યું હતું.
સ્ટાર હેલ્થનો IPO એક દિવસ માટે લંબાવ્યા બાદ પણ પૂરો ના ભરાયો
કંપની તેના આઈપીઓ માટે ઓફર-ફોર-સેલના હિસ્સાને ઘટાડશે
રાકેશ ઝૂનઝૂનવાલા સમર્થિત સ્ટાર હેલ્થ ઈન્શ્યોરન્સનો આઈપીઓ એક દિવસ માટે મુદત લંબાવ્યા બાદ પણ પૂરો ભરાઈ નહિ શકતાં કંપની તેના ઓફર-ફોર-સેલ હિસ્સામાં ઘટાડો કરશે. કંપનીનો આઈપીઓ માત્ર 79 ટકા જ ભરાય શક્યો હતો અને આઈપીઓની મુદત લંબાવવા છતાં તેણે 42.73 કરોડ ડોલરના મૂલ્યનું જ બીડિંગ મેળવ્યું હતું. કંપની લગભગ રૂ. 7200 કરોડ ઊભા કરવા માટે બજારમાં પ્રવેશી હતી. આઈપીઓમાં રિટેલ તથા સંસ્થાકિય હિસ્સો સંપૂર્ણ ભરાઈ ગયો હતો. જોકે એચએનઆઈ ભરણામાં આમ થઈ શક્યું નહોતું. જે સૂચવે છે કે એચએનઆઈમાં આઈપીઓની માગ પાઁખી જોવા મળી હતી. જેને કારણે ભરણુ 10 કરોડ ડોલરનો શોર્ટફોલ જોઈ રહ્યું હતું. વર્તુળોના જણાવ્યા મુજબ જેટલો હિસ્સો ભરાઈ શક્યો નહોતો તેટલા પ્રમાણમાં આઈપીઓનું કદ ઘટાડવામાં આવશે. જોકે કંપનીએ સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર અને રિટેલ સેગમેન્ટ્સનો હિસ્સો અનુક્રમે 1.03 ગણો અને 1.1 ગણો ભરાયો હતો. રોકાણકારોનો સામાન્ય પ્રતિભાવ કંપનીનું પ્રાઈસિંગ ઊંચું હોવાનો હતો. જેને કારણે લિસ્ટીંગ બાદ કોઈ નોંધપાત્ર લાભની શક્યતા નહિ હોવાનો મત પ્રવર્તી રહ્યો હતો. આ કારણે જ ફંડિંગ મેળવીને આઈપીઓ સબસ્ક્રાઈબ કરતાં એચએનઆઈને તે આકર્ષી શક્યો નહોતો. અગાઉ પેટીએમના આઈપીઓના નબળા લિસ્ટીંગે તથા સેકન્ડરી માર્કેટમાં ઊંચી વધ-ઘટને જોતાં રોકાણકારોમાં ખચકાટ જોવા મળતો હતો. સ્ટાર હેલ્થ ઈન્શ્યોરન્સ એ પેટીએમ અને ઝોમેટો બાદ ચાલુ કેલેન્ડરમાં ત્રીજો સૌથી મોટો આઈપીઓ હતો.
ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગે મહિનામાં પ્રથમવાર રૂ. એક લાખ કરોડનો આંક વટાવ્યો
સપ્ટેમ્બરમાં રૂ. 80,477 કરોડ સામે ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ મારફતે રૂ. 1.01 લાખ કરોડનો ખર્ચ કરાયો
બેંક્સ દ્વારા ઓક્ટોબરમાં 13.3 લાખ નવા ક્રેડિટ કાર્ડ્સ તથા સપ્ટેમ્બરમાં 10.9 લાખ નવા કાર્ડ્સ ઈસ્યુ કરવામાં આવ્યાં
તહેવારોની સિઝનમાં મજબૂત કન્ઝ્યૂમર માગને જોતાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ ઓક્ટોબરમાં પ્રથમવાર રૂ. એક લાખ કરોડને પાર કરી ગયું હતું. દેશમાં કોઈ એક મહિનાના સમયગાળા માટે તે વિક્રમી ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ હતું એમ આરબીઆઈએ ગુરુવારે રજૂ કરેલો ડેટા સૂચવે છે. માસિક ધોરણે ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડથી થયેલા ખર્ચમાં 25 ટકાની ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગનો બેઝ ઊંચો હોવા છતાં ઓક્ટોબરમાં વૃદ્ધિ દર ઊંચો રહ્યો હતો. જેણે ઉદ્યોગ ક્ષેત્રે આશ્ચર્ય સર્જ્યું હતું.
જો વાર્ષિક ધોરણે જોઈએ તો ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં 56 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. ગયા વર્ષે ઓક્ટોબર મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડ મારફતે રૂ. 64,891.96 કરોડનો ખર્ચ નોંધાયો હતો. આ અગાઉ ક્રેડિટ કાર્ડ થકી સૌથી ઊંચો માસિક ખર્ચ સપ્ટેમ્બર 2021માં જોવા મળ્યો હતો. જે રૂ. 80,477.18 કરોડ પર હતો. જ્યારે ઓગસ્ટ 2021 દરમિયાન તે રૂ. 77981 કરોડ પર હતો. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ક્રેડિટ કાર્ડ મારફતે થઈ રહેલો ખર્ચ કોવિડ મહામારી અગાઉના સમયગાળામાં જોવા મળતાં ટ્રેન્ડ કરતાં ઘણો ઊંચો છે. જેમકે કોવિડની શરૂઆત અગાઉના બે મહિનાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020માં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ અનુક્રમે રૂ. 67402.25 કરોડ અને રૂ. 62902.93 કરોડ પર જોવા મળતું હતું. એક બેંકરના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન અર્થતંત્રમાં મજબૂત બાઉન્સને કારણે ક્રેડિટ કાર્ડથી થતાં ખર્ચમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. નાણાકિય વર્ષ 2021-22ની વાત કરીએ તો મે મહિનામાં રૂ. 52200 કરોડનો સૌથી નીચો ખર્ચ જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદના મહિનાઓ દરમિયાન ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમા ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે. એક બ્રોકરેજના બેંકિંગ સેક્ટર એનાલિસ્ટના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન ક્રેડિટ કાર્ડ એક્વિઝિશન્સમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. જે સ્પેન્ડિંગ પાવર વધ્યો હોવાનું સૂચવે છે. ગઈ તહેવારોની સિઝનમાં ઓનલાઈન ઉપરાંત ઓફલાઈન ખરીદીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. એચડીએફસી બેંક ફરીથી બજારમાં પ્રવેશતાં તથા એસબીઆઈ કાર્ડ્સ અને આઈસીઆઈસીઆઈ બેંકે તંદુરસ્ત ગ્રોથ જાળવી રાખતાં કાર્ડ એક્વિઝીશન ક્ષેત્રે પણ દ્વિઅંકી ગ્રોથ જોવા મળે તેવી શક્યતાં તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. ફેડરલ બેંકના સીઈઓના જણાવ્યા મુજબ રિટેલ લોન્સમાં વૃદ્ધિ જોવા મળી રહી છે અને તેથી ક્રેડિટ કાર્ડથી થતાં ખર્ચમાં પણ વૃદ્ધિ થઈ રહી છે.
બેંકિંગ ઉદ્યોગે સતત બીજા મહિને દસ લાખથી વધુ નવા ક્રેડિટ કાર્ડ્સનો ઉમેરો નોંધાવ્યો હતો. જેની સાથે સિસ્ટમમાં કુલ કાર્ડ્સની સંખ્યા 6.63 કરોડ પર પહોંચી હતી. ગયા ઓક્ટોબરમાં જ 13.3 લાખ નવા ક્રેડિટ કાર્ડ્સનો ઉમેરો થયો હતો. જ્યારે સપ્ટેમ્બરમાં 10.9 લાખ ક્રેડિટ કાર્ડ્સ ઉમેરાયાં હતાં. ઓગસ્ટમાં જોકે આ આંક 5.20 લાખ પર હતો. ઓક્ટોબરમાં એસબીઆઈ કાર્ડ્સે નવા 1,83,960 કાર્ડ્સ, એક્સિસ બેંકે 2,19,553 કાર્ડ્, આઈસીઆઈસીઆઈ બેંકે 2,78,189 કાર્ડ્સ અને એચડીએફસીએ 2,58,285 કાર્ડ્સ ઈસ્યુ કર્યાં હતાં.
Market Summary 3 Dec 2021
December 03, 2021