Market Summary 3 Feb 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સ્ટોરી

સેન્સેક્સે 50 હજાર કૂદાવ્યું, નિફ્ટી 14800 નજીક સર્વોચ્ચ ટોચ પર બંધ

ભારતીય બજારમાં સતત ત્રીજા દિવસે તેજી જળવાય હતી અને સેન્સેક્સ 50 હજારના સ્તરને પાર કરવામાં સફળ રહ્યો હતો. તે 458 પોઈન્ટ્સ ઉછળી 50456 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ એક ટકા ઉછળી 14790ની સપાટી પર બંધ રહ્યો હતો.

 

બજારે ફાર્મા શેર્સની સહાયે તેજીની હેટ્રીક નોંધાવી

 

પ્રથમ હરોળની ફાર્મા કંપનીઓમાં ખરીદી પાછળ નિફ્ટી ફાર્મા 4 ટકાથી વધુ ઉછળ્યો

 

સન ફાર્માનો શેર ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થયો

 

 

બુધવારે બજારમાં તેજીની હેટ્રીકને સમર્થન આપવા માટે ફાર્મા કંપનીઓ મેદાનમાં આવી હતી. અંતિમ કેટલાક ટ્રેડિંગ સત્રોથી ડલ ટ્રેડિંગ દર્શાવતી તેમજ બજેટના દિવસે બજારમાં પાંચ ટકાની તીવ્ર વૃદ્ધિ વચ્ચ નેગેટિવ ટ્રેડ દર્શાવનાર ફાર્મા શેર્સમાં સારી ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને પ્રથમ હરોળના ફાર્મા શેર્સે 6 ટકા સુધીનો ઉછાળો દર્શાવ્યાં બાદ 3-5 ટકા સુધારા સાથે બંધ પણ દર્શાવ્યું હતું. નિફ્ટી ફાર્મા 2.8 ટકા અથવા 345 પોઈન્ટ્સ ઉછળી 12708ની સપાટી પર બંધ રહ્યો હતો. ફાર્મા ઈન્ડેક્સે ગયા મહિને 13477ની ટોચ દર્શાવી હતી. જ્યાંથી તે એક હજાર પોઈન્ટ્સ જેટલો કરેક્ટ થયો હતો.

 

દેશમાં સૌથી મોટી ફાર્મા કંપની સન ફાર્માસ્યુટીકલનો શેર 6 ટકાથી વધુ ઉછળી રૂ. 648ની ત્રણ વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર છેલ્લા ઘણા સમયની રેંજની બહાર નીકળ્યો હતો અને 3.24 ટકાના સુધારે રૂ. 629.20ના ભાવે બંધ આવ્યો હતો. અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માનો શેર 4 ટકાથી વધુ ઉછળી રૂ. 2677 પર બંધ રહ્યો હતો. ટોચની 10 ફાર્મા કંપનીઓમાં તેણે સૌથી સારો સુધારો દર્શાવ્યો હતો. બલ્ક ડ્રગ્ઝ ઉત્પાદક ડિવિઝ લેબનો શેર પણ સતત બીજા દિવસે સુધરીને બંધ આવ્યો હતો. પ્રતિકૂજેટ્ ળ પરિણામો પાછળ ઝડપી કરેક્શન દર્શાવનાર ડો.રેડ્ડીઝ લેબોરેટરીનો શેર 3.75 ટકા ઉછળ્યો હતો. જ્યારે સિપ્લાનો શેર પણ 3 ટકાથી વધુ સુધરી બંધ આવ્યો હતો. અમદાવાદ સ્થિત કંપની કેડિલા હેલ્થકેરના શેરમાં કોવિડ વેક્સિનને લઈને ખરીદી જળવાય હતી. સરકારે બજેટમાં વેક્સિનેશન માટે રૂ. 35000 કરોડની ફાળવણી કરી છે અને તેનો લાભ સ્થાનિક વેક્સિન ઉત્પાદક કંપનીઓને સૌથી વધુ થશે એમ માનવામાં આવે છે. કંપની હાલમાં વેક્સિનને લઈને ત્રીજા તબક્કાનું પરિક્ષણ હાથ ધરી રહી છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ વેક્સિનની માગ જોતાં વેક્સિન ઉત્પાદક કંપનીઓને લાભ મળવાની અપેક્ષા છે. કેડિલાનો શેર 2 ટકાથી વધુના સુધારે રૂ. 477ની સપાટી પર બંધ રહ્યો હતો.

 

 

બુધવારે ફાર્મા શેર્સનો દેખાવ

 

સ્ક્રિપ્સ          વૃદ્ધિ(%)

 

ટોરેન્ટ ફાર્મા     4.10

ડો. રેડ્ડીઝ લેબ્સ 3.73

ડિવિસ લેબ્સ    3.71

સિપ્લા          3.37

સન ફાર્મા       3.24

બાયોકોન       2.48

કેડિલા હેલ્થકેર  2.08

આલ્કેમ લેબ    1.34

 

ભારતી એરટેલનો શેરે સર્વોચ્ચ સપાટી બનાવી

 

દેશમાં બીજા ક્રમના ટેલિકોમ પ્લેયર ભારતી એરટેલનો શેર બુધવારે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 599ના બંધ સામે દિવસ દરમિયાન રૂ. 622ની ટોચ બનાવી રૂ. 609ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 3.32 લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. છેલ્લા કેટલાક સત્રોથી ટેલિકોમ કંપનીનો શેર આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. કંપનીનો શેર માર્ચ મહિનામાં રૂ. 381ના તળિયેથી 70 ટકા કરતાં વધુ રિટર્ન આપી ચૂક્યો છે.

 

ટ્રેકટર્સ ઉત્પાદકોનો શેર્સમાં જળવાયેલી ખરીદી

 

બજેટમાં કૃષિ ધિરાણ માટે રૂ. 16 લાખ કરોડની ફાળવણી પાછળ ટ્રેકટર કંપનીઓના શેર્સમાં મજબૂતી જળવાય છે. બુધવારે અગ્રણી ટ્રેકટર ઉત્પાદક મહિન્દ્રાનો શેર અગાઉના રૂ. 817ના બંધ સામે 5 ટકાના ઉછાળે રૂ. 859ની અંતિમ કેટલાક વર્ષોની ટોચ બનાવીને રૂ. 833ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ ફરી એકવાર રૂ. એક લાખ કરોડની સપાટી પાર કરી ગયું છે. અન્ય એક ટ્રેકટર ઉત્પાદક એસ્કોર્ટ્સનો શેર પણ 4 ટકા ઉછળી રૂ. 1384ની સપાટી પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 1424ની ટોચ દર્શાવી હતી.

 

વૈશ્વિક બજાર પાછળ ચાંદીમાં સાધારણ સુધારો

 

ચાંદીમાં મોટી વધ-ઘટ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં એકાંતરે દિવસે બે બાજુની વધઘટ વચ્ચે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે પણ ભાવ ઝડપથી બદલાય રહ્યાં છે. મંગળવારે 8 ટકા અથવા રૂ. 6000થી વધુના ઘટાડા બાદ એમસીએક્સ માર્ચ વાયદો બુધવારે 0.7 ટકાના સુધારા સાથે રૂ. 68020ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે ખૂલતામાં તે રૂ. 69000ની સપાટી પર ટ્રેડ થયો હતો કેમને વૈશ્વિક બજારમાં ચાંદી પોણા બે ટકા જેટલી મજબૂતી દર્શાવતી હતી.

 

 

 

એનડીએ-2 દરમિયાન બજેટ બાદ 8.5 ટકા સાથે બજારમાં શ્રેષ્ઠ રિટર્ન

 

અગાઉ નાણા વર્ષ 2016-17ના બજેટ બાદના પ્રથમ સપ્તાહ બાદ બજારે 7.2 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું હતું

 

વડાપ્રધાન તરીકે મોદીની આગેવાનીમાં રજૂ થયેલા આંઠ બજેટમાંથી છમાં બજેટ બાદના સપ્તાહમાં પોઝીટીવ રિટર્ન

 

છેલ્લાં 10 વર્ષોમાં બજેટ બાદના પ્રથમ સપ્તાહ દરમિયાન બજારે સરેરાશ 1.12 ટકા પોઝીટીવ રિટર્ન આપ્યું

 

 

સોમવારે નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા નાણા વર્ષ 2021-22 માટેના બજેટના ત્રણ દિવસ દરમિયાન 8.5 ટકા રિટર્ન સાથે શેરબજારે શ્રેષ્ઠ સપ્તાહ દર્શાવ્યું છે. અગાઉ ક્યારેય બજેટ બાદના પ્રથમ સપ્તાહમાં આટલું તીવ્ર રિટર્ન જોવા મળ્યું નથી. એનડીએ-2એ અત્યાર સુધીમાં રજૂ કરેલા કુલ આંઠ બજેટનો અભ્યાસ કરીએ તો વર્તમાન બજેટ પછી શેરબજાર બેન્ચમાર્ક્સે સૌથી સારો દેખાવ નોંધાવ્યો છે. અગાઉ નાણા વર્ષ 2016-17 માટે બજેટની રજૂઆત પછીના એક સપ્તાહ દરમિયાન બજારમાં 7.2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જેને પાર કરીને ચાલુ વર્ષે નવો રેકર્ડ બન્યો છે.

 

સોમવારે બજેટ રજૂ થયું ત્યાંથી લઈ બુધવારે બંધ સુધીમાં બેન્ચમાર્ક નિફ્ટી 8.5 ટકા જેટલો ઉછળ્યો છે. ગયા શુક્રવારે તે 13635ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે બુધવારે સતત ત્રીજા દિવસે વધુ 142 પોઈન્ટ્સના સુધારા સાથે તે ત્રણ દિવસમાં 1155 પોઈન્ટ્સ સુધરી 14790ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. આમ બજેટના પ્રથમ ત્રણ ટ્રેડિંગ સત્રોમાં જ બજારે અગાઉના વિક્રમો વટાવી દીધાં હતાં. અગાઉ સેન્સેક્સ જ્યારે 23000 આસપાસના સ્તર પર ટ્રેડ થતો હતો ત્યારે ફેબ્રુઆરી 2016માં વર્ષ 2016-17 માટે રજૂ થયેલા બજેટના પ્રથમ સપ્તાહમાં બેન્ચમાર્ક બજેટની પોઝીટીવ અસરે  7.2 ટકા ઉછળ્યો હતો. જે તેનો તે વખતનો ઉત્તમ દેખાવ હતો. ગયા વર્ષે પ્રથમ ફેબ્રુઆરીએ બજેટની રજૂઆત બાદ પ્રથમ સપ્તાહ દરમિયાન બજારમાં 3.54 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે એ સિવાયના પાંચ કિસ્સાઓમાં બજાર બજેટ બાદના પ્રથમ સપ્તાહમાં 0.7 ટકાથી વધુ રિટર્ન દર્શાવી શક્યું નહોતું. જ્યારે બે કિસ્સામાં તો તેણે નેગેટિવ રિટર્ન દર્શાવ્યું હતું. જેમાં બે વર્ષ અગાઉ લોકસભા ચૂંટણીમાં બીજી વાર વિજય બાદ નાણાપ્રધાન નિર્મળા સીતારામને રજૂ કરેલા તેમના પ્રથમ બજેટ અને નાણા વર્ષ 2019-20 માટેના બજેટ બાદ બેન્ચમાર્ક 2.1ટકા તૂટ્યો હતો. જ્યારે તે અગાઉ 2018-19 માટેની બજેટ રજૂઆત બાદ પ્રથમ સપ્તાહ દરમિયાન બજારોમાં 4.2 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આંઠમાંથી ચાર કિસ્સાઓમાં બજારે એક ટકાથી પણ નીચો સુધારો દર્શાવ્યો હતો. જેમની સરખામણીમાં ચાલુ વર્ષે બજારની પ્રતિક્રિયા ખૂબ જ આક્રમક જોવા મળી રહી છે.

 

છેલ્લાં 10 વર્ષોમાં બજેટ બાદના પ્રથમ સપ્તાહ દરમિયાન બજારે સરેરાશ 1.12 ટકા પોઝીટીવ રિટર્ન આપ્યું છે. જ્યારે ગયા વર્ષ સુધીના અંતિમ પાંચ વર્ષમાં તેણે માત્ર 0.36 ટકાનું રિટર્ન નોંધાવ્યું છે. અગાઉ 1991-92થી અત્યાર સુધીમાં કુલ 38 બજેટ બાદ 22 કિસ્સાઓમાં બજારની પ્રતિક્રિયા પોઝીટીવ રહી છે. જ્યારે 14 કિસ્સાઓમાં તેણે નેગેટિવ દેખાવ દર્શાવ્યો છે.

 

 

બજેટ વર્ષ      બજેટના પ્રથમ સપ્તાહ દરમિયાન વૃદ્ધિ(%)

2014-2015                    0.7

2015-2016                    0.3

2016-2017                    7.2

2017-2018                    0.7

2018-2019                    -4.2

2019-2020                    0.21

2019-2020                    -2.01

2020-2021                    3.54

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage