Market Summary 3 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

જાતે-જાતમાં લાવ-લાવ વચ્ચે માર્કેટનો 2022ને બમ્પર આવકાર
નિફ્ટી 271.65 પોઈન્ટ્સ ઉછળી લગભગ મહિનાની ટોચ નજીક બંધ રહ્યો
બીએસઈ ખાતે 2672 કાઉન્ટર્સ પોઝીટીવ જ્યારે માત્ર 894માં નરમાઈ
916 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 136 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં
નિફ્ટી હેલ્થકેર 3.9 ટકા અને બેંક નિફ્ટી 2.65 ટકા ઉછળ્યાં
વૈશ્વિક સ્તરે મોટાભાગના બજારોમાં રજા વચ્ચે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
શેરબજારે કેલેન્ડર 2022ની શરૂઆત ધૂમ-ધડાકા સાથે કરી હતી. બીએસઈ સેન્સેક્સ 929 પોઈન્ટ્સ ઉછળી 59183 પોઈન્ટ્સ પર જ્યારે નિફ્ટી 271.65 પોઈન્ટ્સ ઉછળી 17625.70ના સ્તરે બંધ રહ્યો હતો. માર્કેટમાં સૌથી મહત્વની બાબત લાંબા સમયગાળા બાદ બેંકિંગ શેર્સમાં ખરીદી પાછળ બેંક નિફ્ટીમાં જોવા મળેલો 2.65 ટકાનો ઉછાળો હતો. વ્યક્તિગત બેંક શેર્સમાં 5 ટકા સુધીની વૃદ્ધિ નોંધાઈ હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.42 ટકા સુધારે 16.45 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50માંથી માત્ર છ કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બાકીના તમામ કાઉન્ટર્સે ગ્રીન ઝોનમાં ટ્રેડ નોંધાવ્યો હતો.
વૈશ્વિક બજારોમાં હજુ પણ રજાનો માહોલ વચ્ચે ભારતીય બજારની શરૂઆત મજબૂત રહી હતી. નિફ્ટી 17354.05ના અગાઉના બંધ સામે 17387.15ના સ્તરે ગેપ-અપ ઓપનીંગ બાદ દિવસ દરમિયાન સતત સુધારાતરફી બની રહ્યો હતો અને તેણે બંધ થવાના કેટલાંક મિનિટ્સ પહેલા 17646.65ની દૈનિક ટોચ દર્શાવી હતી અને આખરે તેનાથી 20 પોઈન્ટસ છેટે બંધ જોવા મળ્યો હતો. ગયા શુક્રવારે કેલેન્ડરના આખરી ટ્રેડિંગ દિવસની માફક જ નવા કેલેન્ડરના પ્રથમ દિવસે પણ બાઈંગ બ્રોડ બેઝ જોવા મળ્યું હતું. બીએસઈ ખાતે 3698 કાઉન્ટર્સમાં ટ્રેડ સાથે ઊંચું પાર્ટિસિપેશન જોવા મળ્યું હતું. જેમાંથી 2672 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 894 કાઉન્ટર્સે રેડ ઝોનમાં બંધ આપ્યું હતું. આમ લગભગ ત્રણ શેર્સમાં સુધારા સામે એક શેર્સમાં ઘટાડો નોઁધાયો હતો. બાઈંગ એટલું તીવ્ર હતું કે પ્લેટફોર્મ પર 916 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. આમ ટ્રેડેડ કાઉન્ટર્સનો ચોથો હિસ્સો 5 ટકાથી લઈ 20 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યો હતો. જ્યારે 136 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ રહ્યો હતો. એક્સચેન્જ ખાતે 541 કાઉન્ટર્સે તેની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 12 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.13 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.35 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
લાર્જ-કેપ્સની વાત કરીએ તો બેંકિંગ ક્ષેત્રે બ્રોડ બેઝ ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બેંક નિફ્ટી 2.65 ટકા ઉછળી 36421.90ના સ્તરે બંધ રહ્યો હતો. આ સિવાય મેટલ ઈન્ડેક્સ 1.93 ટકા, ઓટો ઈન્ડેક્સ 1.65 ટકા, પીએસઈ ઈન્ડેક્સ 1.41 ટકા, આઈટી 1.09 ટકા, એનર્જી 0.96 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટીમાં 1.14 ટકાનો સુધારો નોઁધાયો હતો. એકમાત્ર ફાર્મા ઈન્ડેક્સ 0.5 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સ 3.9 ટકા ઉછળી 8928.85ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. એમાં ફોર્ટિસ હેલ્થકેર 4.10 ટકા, નેટકો ફાર્મા 1.81 ટકા અને ડો. લાલ પેથલેબ 1.02 ટકા સાથે સુધરવામાં અગ્રણી હતાં.
નિફ્ટી લાર્જ-કેપ્સની વાત કરીએ તો કોલ ઈન્ડિયા 6.33 ટકા સાથે સૌથી શ્રેષ્ઠ દેખાવ દર્શાવી રહ્યો હતો. જે સિવાય આઈશર મોટર્સ(4.9 ટકા), બજાજ ફિનસર્વ(3.51 ટકા), બજાજ ફાઈ.(3.47 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(3.32 ટકા), ટાટા મોટર્સ(3.15 ટકા) અને ટાટા સ્ટીલ(2.8 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
કેટલાંક મીડ-કેપ કાઉન્ટર્સમાં વિદ્યા ટેલિલીંક 18 ટકાનો સુધારો દર્શાવી રહ્યો હતો. જ્યારે બ્લેક બોક્સ, જેપી પાવર, ગ્રિવ્સ કોટન, મિંડા કોર્પ, રાજેશ એક્સપોર્ટ્સ, એવરેડી ઈન્ડસ્ટ્રીઝ, સોલારા ઈન્ટરનેશનલ, રામ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈક્લર્ક્સ, બાલાજી એમાઈન્સ, સોમાણી સિરામિક્સ, એડલવેઈસ ફાઈનાન્સિયલ, દિપક ફર્ટિલાઈઝર્સ પણ નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં.



માર્કેટમાં સિલેક્ટિવ બાઈંગ પાછળ પસંદગીના શેર્સ અગાઉની ટોચ વટાવી ગયાં
લાર્જ-કેપ્સમાં ઈન્ફોસિસ જેવા કાઉન્ટરે તો મીડ-કેપ્સમાં અનેક કાઉન્ટર્સે તાજેતરમાં ઓક્ટોબરની ટોચને પાર કરી નવી ટોચ દર્શાવી

સોમવારે બેન્ચમાર્ક નિફ્ટી 19 ઓક્ટોબરની તેની 18606ની સર્વોચ્ચ ટોચથી લગભગ 1000 પોઈન્ટ્સ નીચે 17627ના સ્તરે બંધ જોવા મળી રહ્યો હતો. જોકે શેરબજારમાં કેટલાંક પસંદગીના શેર લગભગ બે મહિના અગાઉ તેમણે દર્શાવેલી ટોચ બાદ કરેક્શનમાંથી ઝડપથી બહાર આવીને નવી ટોચ દર્શાવી રહ્યાં છે. આમાં ઈન્ફોસિસ જેવા લાર્જ-કેપ્સ સહિત ઘણા મીડ-કેપ કાઉન્ટર્સનો સમાવેશ થાય છે.
ભારતીય શેરબજાર 19 ઓક્ટોબરે તેની લાઈફ-હાઈ દર્શાવ્યાં બાદ બે મહિનાથી વધુ સમયથી કરેક્શનના મૂડમાં જોવા મળી રહ્યો છે. જે દરમિયાન ઊંચી વોલેટિલિટી સાથે તેણે બે બાજુની વધ-ઘટ દર્શાવી છે. નિફ્ટી તેની 18606ની ટોચથી દસેક સત્રો અગાઉ 16410ના તળિયા પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યાંથી તેણે 1000 પોઈન્ટ્સથી વધુનું બાઉન્સ દર્શાવ્યું છે. જોકે આમ છતાં તે ટોચના સ્તરેથી 5 ટકાથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તેમજ ઘણા લાર્જ-કેપ અને મીડ-કેપ કાઉન્ટર્સ તેમના સપ્ટેમ્બર-ઓક્ટોબરના ટોચના સ્તરેથી નોંધપાત્ર કરેક્શન દર્શાવી રહ્યાં છે. જેની વચ્ચે કેટલાંક પસંદગીના કાઉન્ટર્સ રોકાણકારોના રડાર પર હોવાના કારણે ઝડપી બાઉન્સ દર્શાવવા સાથે નવા ઝોનમાં પ્રવેશ્યાં છે. સોમવારે આવા મોટાભાગના કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી રહ્યાં હતાં.
આવા મોટાભાગના કાઉન્ટર્સ ત્રિઅંકી કે ચતુર્અંકી ભાવ સપાટી દર્શાવી રહ્યાં છે. જે એમ પણ સૂચવે છે કે મોટાભાગનો ફ્લોટિંગ હિસ્સો કદાચ રિટેલના હાથમાંથી મજબૂત હાથોમાં ચાલ્યો ગયો છે. સામવારે ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટનો શેર રૂ. 1929.35ની ટોચ પર ટ્રેડ થયાં બાદ 8 ટકા સુધારા સાથે રૂ. 1888.60ના સ્તરે બંધ રહ્યો હતો. અગાઉ સપ્ટેમ્બરમાં રૂ. 1700ની આસપાસ ટ્રેડ દર્શાવી શેર કરેક્ટ થયો હતો અને 20 ડિસેમ્બરે તે રૂ. 1520ના તળિયા પર ટ્રેડ થયો હતો. જ્યાંથી તેણે 23 ટકાથી વધુનો ઝડપી ઉછાળો દર્શાવ્યો છે. કાર્બોરન્ડમ યુનિવર્સનો શેર પણ સોમવારે રૂ. 1035ની ટોચ દર રૂ. 1006.10ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લાં દસેક ટ્રેડિંગ સત્રોમાં તે રૂ. 850 આસપાસના સ્તરેથી 15 ટકા જેટલો સુધારો દર્શાવી ચૂક્યો છે. સોમવારે તેમની નવી ટોચ પર ટ્રેડ થયેલાં કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં શેફલર, ઈન્ફોસિસ, વીટીએલ, અનુપમ રસાયણ, બિરલા સોફ્ટ, રાજેશ સોફ્ટ, ટીટીએમએલ, કેપીઆઈટી ટેક્નોલોજી, જિંદાલ સ્ટેનલેસ સ્ટીસ હિસ્સાર, ગ્રાઈન્ડવેલ તથા ફોર્ટિસ હેલ્થકેરનો સમાવેશ થાય છે. દેશમાં બીજા ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસનો શેર સોમવારે રૂ. 1914.05ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ અડધો ટકો પોઝીટીવ રૂ. 1898.45ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 8 લાખના માર્કેટ-કેપથી માત્ર રૂ. 2 હજાર ઓછું માર્કેટ-કેપ દર્શાવતો હતો. જોકે આગામી પરિણામ સિઝન અગાઉ તે આ સીમાચિહ્ન હાંસલ કરે તેવી પૂરી શક્યતાં છે. એનાલિસ્ટ્સના મતે આઈટી કંપનીઓમાં મોમેન્ટમને જોતાં ઈન્ફોસિસનો શેર રૂ. 2 હજારની સપાટી કૂદાવી શકે છે અને હાલમાં માર્કેટ-કેપમાં ત્રીજા ક્રમ પર જોવા મળતી એચડીએફસી બેંકને પાછળ રાખે તેવી પૂરી શક્યતાં છે. તેઓ ઉમેરે છે કે બેન્ચમાર્ક્સમાં કોન્સોલિડેશન વચ્ચે બ્રોડ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક સુધારો ચાલુ રહેશે. નવા કેલેન્ડરમાં નિફ્ટી તગડું રિટર્ન ના આપે તેવું બની શકે પરંતુ વ્યક્તિગત શેર્સમાં તેજી જળવાશે.

નવી ટોચ દર્શાવનારા મીડ-કેપ્સ

સ્ક્રિપ્સ સોમવારનો ટોચના ભાવ(રૂ.)

ટ્યુબ ઈન્વેસ્ટ. 1929.35
કાર્બોરન્ડમ યુનિવર્સલ 1035
શેફલર 9250
ઈન્ફોસિસ 1914.05
VTL 2518.65
અનુપમ રસાયણ 1087.8
બિરલા સોફ્ટ 570.95
રાજેશ સોફ્ટ 867
ટીટએમએલ 216.65
KPIT ટેક્નોલોજી 631
જિંદાલ સ્ટેનલેસ 378.45
ગ્રાઈન્ડવેલ 1973.95
ફોર્ટિસ 311.3
KPR મિલ્સ 709.7
ઈક્લર્ક્સ 2953
લાર્સન ટેક્નોલોજી 7570
પર્સિસ્ટન્ટ 4987.5


ચીનની એવરગ્રાન્ડે તેના શેર્સનું સોમવારથી ટ્રેડિંગ અટકાવ્યું
દેવાના ડુંગર હેઠળ ડૂબેલા ચીનના અગ્રણી ડેવલપર એવરગ્રાન્ડે કોઈપણ કારણ આપ્યા વિના કંપનીના શેરમાં સોમવારથી ટ્રેડિંગ અટકાવ્યું હતું. વિશ્વમાં સૌથી વધુ ઋણ ધરાવતાં ડેવલપરે તેની જવાબદારીઓ પેટે 300 અબજ ડોલર ચૂકવવાના થાય છે. જેમાં ઈન્ટરનેશનલ બોન્ડ્સ માર્કેટમાં 20 અબજ ડોલરની ચૂકવણીમાં કંપની નાદાર બની હતી. કંપની ગયા મંગળવારે વધુ 25.5 કરોડ ડોલરના ન્યૂ કૂપન પેમેન્ટ્સની ચૂકવણીમાં નાદાર બની હતી. જેમાં તેની પાસે 30 વર્ષનો ગ્રેસ પિરિયડ હજુ બાકી છે. કંપનીએ ચીન સરકારની કંપનીઓના ઘણા સભ્યોને ધરાવતી રિસ્ક મેનેજમેન્ટ કમિટિની સ્થાપના કરી છે અને જણાવ્યું છે કે તે સક્રિયપણે ક્રેડિટર્સ સાથે કામ કરી રહી છે. શુક્રવારે એવરગ્રાન્ડનો શેર 1.59 હોંગકોંગ ડોલર પર બંધ રહ્યો હતો. ગયા વર્ષે કંપનીનો શેર 89 ટકા ઘસાયો હતો. સોમવારે સવારે એવરગ્રાન્ડનો એવરગ્રાન્ડ ન્યૂ એનર્જી વેહીકલ ગ્રૂપનો શેર 10 ટકા તૂટ્યો હતો. જ્યારે પ્રોપર્ટી મેનેજમેન્ટ યુનિટ એવરગ્રાન્ડ સર્વિસિસ 2.3 ટકા ગગડ્યો હતો.
2021માં ટોચના સાત શહેરોમાં હાઉસિંગ વેચાણમાં 71 ટકા વૃદ્ધિ
દેશના ટોચના સાત શહેરોમાં ગયા કેલેન્ડર 2021માં હાઉસિંગ વેચાણમાં 71 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 2,36,530 યુનિટ્સ પર રહ્યું હતું. જોકે કોવિડ અગાઉના સ્તરની સરખામણીમાં માગ હજુ પણ 10 ટકા નીચે જોવા મળી હતી. કેલેન્ડર 2020ની વાત કરીએ તો હાઉસિંગનું વેચાણ 1,38,350 પર જોવા મળતું હતું. જ્યારે 2019માં તે 2,61,358 યુનિટ્સ પર હતું. મુંબઈ સ્થિત કંપનીના અભ્યાસ મુજબ હાઉસિંગ સેલ્સમાં વૃદ્ધિનું મુખ્ય કારણ વિક્રમી નીચા સ્તરે ઈન્ટરેસ્ટ રેટ હતું. જ્યારે બીજું એક કારણ પેન્ટ-અપ ડીમાન્ડ હતી. જ્યારે અગ્રણી રાજ્યોએ સ્ટેમ્પ ડ્યુટીમાં કરેલો ઘટાડો પણ ઘરોના વેચાણમાં વૃદ્ધિ પાછળનું મહત્વનું પરિબળ બની રહ્યું હતું. કેટલાંક કિસ્સાઓમાં બિલ્ડર્સે ડિસ્કાઉન્ટ્સ પણ ઓફર કર્યાં હતાં. જેને કારણે તેમની જૂની ઈન્વેન્ટરી ઝડપથી ખાલી થઈ હતી. કેલેન્ડરના કુલ વેચાણમાં ચોથા ક્વાર્ટરનો હિસ્સો લગભગ 39 ટકા જેટલો હતો. જેનું મુખ્ય કારણ તહેવારોની ઊંચી માગ અને ઝડપી આર્થિક રિકવરી હતું.
રૂપિયો સાત પૈસા સુધરીને બંધ રહ્યો
યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં નવા વર્ષની શુભ શરૂઆત રહી હતી. શુક્રવારે 74.33ના સ્તરે બંધ રહેલો રૂપિયો ડોલર સામે 74.3425ના સ્તરે ખૂલી 74.24 પર ટ્રેડ થયો હતો. નીચામાં તે 74.46ના સ્તરે જોવા મળ્યો હતો. કામકાજના આખરે તે 74.26ના સ્તરે છેલ્લાં દોઢ મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. ફોરેક્સ ડિલર્સના મતે બજારમાં ડોલરની માગ નીચી રહેવાના કારણે રૂપિયામાં નોંધપાત્ર બાઉન્સ જોવા મળી ચૂક્યું છે અને આગામી સત્રોમાં તે કોન્સોલિડેશન સાથે સાધારણ કરેક્શન દર્શાવી શકે છે.

ડિસેમ્બરમાં ઓટો વેચાણનો મિશ્ર દેખાવ, આઈશર-ટાટા મોટર્સનો પોઝીટીવ દેખાવ
ટાટા મોટર્સે સ્થાનિક બજારમાં વાર્ષિક ધોરણે 24 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી હ્યુન્ડાઈ પાસેથી બીજું સ્થાન છીનવ્યું
મારુતિનું વેચાણ અંદાજ કરતાં સાધારણ ઊંચું જોવા મળ્યું
ડિસેમ્બર માટે ઓટોમોબાઈલ ક્ષેત્રે મિશ્ર દેખાવ જોવા મળ્યો છે. સમગ્રતયા વાત કરીએ તો સતત ચોથા મહિને દેશમાં વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જોકે કેટલીક કંપનીઓએ વાર્ષિક ધોરણે સારો દેખાવ પણ દર્શાવ્યો છે. જેમાં ટાટા મોટર્સ અને આઈશર મોટર્સ મુખ્ય છે. ટાટા મોટર્સે પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં છેલ્લાં દાયકામાં પ્રથમવાર હ્યુન્ડાઈ ઈન્ડિયાને પાછળ રાખી બીજું સ્થાન મેળવ્યું હતું. ઈવી સેગમેન્ટમાં ટાટા મોટર્સે 44 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી.
ટાટા જૂથની ટાટા મોટર્સે ડિસેમ્બરમાં સ્થાનિક બજારમાં 66307 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 53430 યુનિટ્સની સરખામણીમાં 24 ટકા વૃદ્ધિ દર્શાવે છે. એનાલિસ્ટ્સ કંપની દ્વારા 66 હજાર યુનિટ્સના વેચાણનો અંદાજ રાખતાં હતાં. જેની સરખામણીમાં વેચાણ સાધારણ ઊંચું જોવા મળ્યું હતું. દેશમાં સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીની વાત કરીએ તો તેણે ડિસેમ્બરમાં 1.53 લાખ યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જે માર્કેટના 1.52 લાખના અંદાજ કરતાં વધુ હતું. સેમીકંડક્ટર્સની અછતને કારણે છેલ્લાં ત્રણેક મહિના દરમિયાન પૂરતી ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ નહિ કરી શકેલી કંપનીઓને ડિસેમ્બરમાં થોડી રાહત સાંપડી હતી. ડિસેમ્બરમાં મારુતિના ડિસ્પેચમાં માસિક ધોરણે 10 ટકા વૃદ્ધિ જોવા મળ્યું હતું. જોકે હજુ પણ ઉત્પાદન સંપૂર્ણપણે ચાલુ નહોતું જ થઈ શક્યું. જોકે 2022માં ચીપ શોર્ટેજની સ્થિતિ ધીમે-ધીમે હળવી થવાની ધારણા છે અને તેથી કંપનીઓ ગ્રાહકોની માગને પૂરી કરી શકશે. દેશમાં અગ્રણી યુટિલિટી વેહીકલ ઉત્પાદક એમએન્ડએમ ઓટોનું ડિસેમ્બરમાં કુલ વેચાણ 39157 યુનિટ્સ પર રહ્યું હતું. જે વાર્ષિક ધોરણે 11 ટકા ઉપર હતું. જોકે એનાલિસ્ટ્સના 40102 યુનિટ્સના અંદાજની સરખામણીમાં નીચું જોવા મળ્યું હતું. કંપનીએ નવેમ્બર દરમિયાન ઘણો સારો દેખાવ દર્શાવ્યો હતો.
દ્વિ-ચક્રિય કંપનીઓની વાત કરીએ તો તેમણે ડિસેમ્બરમાં અપેક્ષાથી સારો દેખાવ દર્શાવ્યો હતો. સૌથી મોટી બાઈક ઉત્પાદક કંપની હીરોમોટોકોએ તેના વેચાણમાં 13 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. તેણે ડિસેમ્બર 2020માં 4.47 લાખ યુનિટ્સ સામે 2021માં 3,94,773 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. ટીવીએસ મોટર્સે 8 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જોકે કંપનીના સ્થાનિક વેચાણમાં 17 ટકા ઘટાડો નોંધાયો હતો. જ્યારે તેના નિકાસ વેચાણમાં 8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ટીવીએસે ડિસેમ્બરમાં કુલ 2,50,993 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે 2,72,084 યુનિટ્સ પર હતું. એનાલિસ્ટ્સ 2,75,000 યુનિટ્સના વેચાણનો અંદાજ રાખી રહ્યાં હતાં. ટ્રેકટર ઉત્પાદક એસ્કોર્ટ્સનું વેચાણ પણવાર્ષિક ધોરણે ઘટાડો સૂચવતું હતું. કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં 7733 યુનિટ્સ સામે ચાલુ વર્ષે માત્ર 4695 ટ્રેકટર્સનું વેચાણ કર્યું હતું.
આઈશર મોટર્સની વાત કરીએ તો ડિસેમ્બરમાં તેણે 74 હજાર યુનિટ્સ રોયલ એનફિલ્ડનું વેચાણ કર્યું હતું. જે અગાઉના મહિનાની સરખામણીમાં 43 ટકા વૃદ્ધિ સૂચવે છે. ચીપ શોર્ટેજ વચ્ચે નવી પ્રોડક્ટના લોંચમાં અવરોધ છતાં વેચાણ વધ્યું હતું. 350 સીસી સેગમેન્ટ મોટરસાઈકલનું વેચાણ માસિક ધોરણે 44 ટકા વધી 62.5 હજાર યુનિટ્સ રહ્યુ હતું. જ્યારે નિકાસમાં 25 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage