Market Summary 3 June 2021

માર્કેટ સમરી

 

નિફ્ટીએ જાળવેલું આઉટપર્ફોર્મન્સ

હરિફ બજારોની સરખામણીમાં ભારતીય શેરબજારમાં આઉટપર્ફોર્મન્સ જળવાયું છે. નિફ્ટી 15705ની ટોચ બનાવી 15690ના સ્તરે બંધ રહ્યો હતો. બજારને ઓટો અને ફાર્મા શેર્સ સિવાય અન્ય તમામ સેક્ટર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટીમાં હવેનો ટાર્ગેટ 15900નો છે. વૈશ્વિક બજારો સાથ આપશે તો આગામી સપ્તાહે આ સ્તર જોવા મળી શકે છે.

મીડ અને સ્મોલ-કેપ્સમાં આગઝરતી તેજી જોવાઈ

છેલ્લા ચારેક સત્રોથી લાર્જ-કેપ્સની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહેલાં મીડ અને સ્મોલ-કેપ શેર્સમાં ગુરુવારે ભારે તેજી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3300 શેર્સમાં કામકાજ સામે 2100થી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 400 કાઉન્ટર્સે ઉપલી સર્કિટ જ્યારે 500 કાઉન્ટર્સે અપર સર્કિટ્સ દર્શાવી હતી.

કોન્કોરના શેરે રૂ. 700ની સપાટી કૂદાવી

જાહેર ક્ષેત્રની કંપની કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો શેર ગુરુવારે તેની છેલ્લા ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 691ના બંધ સામે 3 ટકા સુધારે રૂ. 711.70ની ટોચ પર ટ્રેડ થયા બાદ 2.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 707 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 43 હજાર કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર રૂ. 575ની સપાટીએથી સતત સુધરી રહ્યો છે. કંપની ડિસઈન્વેસ્ટમેન્ટ માટેનો હોટ કેન્ડિડેટ છે અને ઘણા કોર્પોરેટ જૂથોને કંપનીમાં રસ છે. જેની પાછળ કંપનીના શેરમાં લેવાલી જોવા મળી રહી હોવાનું બજાર વર્તુળો માને છે. દેશમાં કન્ટેનર હેન્ડલીંગમાં કંપની નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

ટાઈટને રૂ. 1.5 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું

ટાટા જૂથની ટાઈટનનો શેર તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1585ના બંધ ભાવ સામે 8 ટકા ઉછળી રૂ. 1702ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ કામકાજના અંતે રૂ. 1691 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.5 લાખ કરોડને પાર કરી ગયું હતું. જે ટીસીએસ બાદ ટાટા જૂથ કંપનીઓમાં બીજા નંબરની કંપની છે. કંપનીનો શેર રૂ. 909ના વાર્ષિક તળિયાના સ્તરેથી 60 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. રાકેશ ઝૂનઝૂનવાલા જેવા જાણીતા ઈન્વેસ્ટર કંપનીમાં રોકાણ ધરાવે છે.

સારા પરિણામો પાછળ ગુજરાત ગેસનો શેર નવી ટોચે

માર્ચ ક્વાર્ટર માટે અપેક્ષાથી સારા પરિણામો જાહેર કરતાં ગુજરાત ગેસનો શેર સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. ગુરુવારે કંપનીનો શેર રૂ. 567ના અગાઉના બંધ સામે 3 ટકાથી વધુ મજબૂતી પાછળ રૂ. 584ની ટોચ પર ટ્રેડ થયો હતો અને કામકાજના અંતે 2.5 ટકા સુધારા સાથે રૂ. 581ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટકેપ રૂ. 40 હજારના સ્તર પર પહોંચ્યું હતું. કંપનીનો શેર રૂ. 254ના વાર્ષિક તળિયાથી 120 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. કંપની ગેસ ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે સક્રિય છે.

ત્રણ દિવસના ઘટાડા બાદ રૂપિયો 18 પૈસા સુધર્યો

ચાલુ સપ્તાહની શરૂઆતથી સતત ઘસાતાં રહેલાં રૂપિયાએ ગુરુવારે સુધારો દર્શાવ્યો હતો. ગ્રીનબેક સામે ભારતીય ચલણ 18 પૈસા મજબૂત બની 72.91ની સપાટી પર બંધ જોવા મળ્યું હતું. બુધવારે તે 73.09ના સ્તરે બંધ રહ્યો હતો. એક સમયે દિવસ દરમિયાન રૂપિયો ડોલર સામે 73.40ની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે વૈશ્વિક બજારમાં ડોલરમાં અગ્રણી ચલણો સામે નરમાઈએ રૂપિયાને સપોર્ટ કર્યો હતો અને વિદેશી રોકાણકારોના ફ્લોની ગેરહાજરીમાં રૂપિયો સુધર્યો હતો. ટૂંકાગાળા માટે રૂપિયો ઓવરબોટ જણાય છે એમ એનાલિસ્ટ્સ માને છે. જોકે વૈશ્વિક બજારના સપોર્ટને કારણે તે મજબૂતી જાળવી રાખે તેવી શક્યતા હોવાનું ફોરેક્સ માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે.

 

મલ્ટીનેશનલ કંપનીઓના શેર્સમાં મજબૂતીએ નિફ્ટી એમએનસી નવી ટોચ પર

ગુરુવારે નિફ્ટી એમએનસી 17099ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો

માર્કેટમાં એક પછી એક સેક્ટર તેજીને સપોર્ટ કરવા માટે આગળ આવી રહ્યું છે. મેટલ, ઓટો અને બેંકિંગ જેવા ક્ષેત્રો વિરામ લઈ રહ્યાં છે ત્યારે ગુરુવારે બજારમાં બહુરાષ્ટ્રીય કંપનીઓના શેર્સે સપોર્ટ કર્યો હતો. એમએનસી કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર સુધારા પાછળ નિફ્ટી એમએનસીએ 17099ની નવી ટોચ દર્શાવી હતી અને 17087 પર બંધ આપ્યું હતું.

છેલ્લા એક મહિનામાં નિફ્ટી એમએનસી 7 ટકા જેટલો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે સપ્તાહની વાત કરીએ તો 1.6 ટકાનો સુધારો નોંધાવ્યો છે. જોકે અન્ય સેક્ટર્સની સરખામણીમાં નિફ્ટી એમએનસી અન્ડરપર્ફોર્મર રહ્યો છે. વાર્ષિક 12309ના તળિયા સામે ગુરુવારે તે લગભગ 5000 પોઈન્ટ્સનો સુધારો દર્શાવતો હતો. જ્યારે બેન્ચમાર્ક નિફ્ટી વાર્ષિક તળિયા સામે 90 ટકા સુધારો દર્શાવતો હતો. ગુરુવારે નિફ્ટી એમએનસીને મુખ્ય સપોર્ટ ટેલિકોમ અને કેપિટલ ગુડ્ઝ કંપનીઓ તરફથી સાંપડ્યો હતો. જેમાં વોડાફોન આઈડિયા, સિમેન્સ, કમિન્સ, બોશ, કેસ્ટ્રોલ, એસકએફ બેરિંગ્સ વગેરેનો સમાવેશ થાય છે. વોડાફોનનો આઈડિયા 6.25 ટકા ઉછળી રૂ. 9.35ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સિમેન્સ 2.44 ટકા સુધારે રૂ. 2141ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. તેણે દિવસ દરમિયાન 2157ની ટોચ દર્શાવી હતી. તાજેતરમાં એન્જિનીયરીંગ અને કેપિટલ ગુડ્ઝના શેર્સમાં તીવ્ર સુધારો જોવા મળ્યો છે. જેમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉપરાંત સ્થાનિક કંપનીઓના શેર્સમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. રેટિંગ એજન્સી ક્રિસિલનો શેર પણ 2 ટકાથી વધુ સુધરી રૂ. 2169ની ટોચ બનાવી રૂ. 2043 સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર છેલ્લા ત્રણ મહિનાઓમાં સતત ધીમો સુધારો દર્શાવતો રહ્યો છે. અન્ય એમએનસી શેર્સમાં બોશનો શેર રૂ. 15500ના સ્તરને પાર કરી ગયો હતો. જ્યારે  એસકેએફ ઈન્ડિયાએ રૂ. 2400ની સપાટી પાર કરી હતી. કન્ઝ્યૂમર ડ્યૂરેબલ કંપની વ્હર્લપુલનો શેર પણ રૂ. 2200ના સ્તર નજીક બંધ રહ્યો હતો.

 ADAG શેર્સમાં રોકાણકારોનો રસ પરત ફરતાં 500 ટકાથી વધુનું રિટર્ન

રિલાયન્સ પાવર, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ગુરુવારે બે વર્ષની ટોચ પર બંધ દર્શાવ્યું

બંને કાઉન્ટર્સમાં છેલ્લા એક મહિનામાં દૈનિક ધોરણે કામકાજમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો

શેરબજારમાં તેજીનો સમય સહુને સાથે લઈને ચાલતો હોય છે. જે વાત છેલ્લા બે મહિનામાં અનિલ ધીરુભાઈ અંબાણી જૂથ(એડીએજી)ના શેર્સના દેખાવથી સાબિત થાય છે. છેલ્લા ત્રણ વર્ષોથી રોકાણકારોએ જેમની અવગણના કરી હતી તે એડીએજી જૂથના શેર્સે તેમના વાર્ષિક તળિયાના ભાવથી 500 ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું છે. ગુરુવારે જૂથના તમામ લિસ્ટેડ શેર્સ ઉપલી સર્કિટમાં બંધ રહેવા સાથે તેમની બે વર્ષથી વધુની ટોચ પર બંધ જોવા મળ્યાં હતાં અને કાઉન્ટર્સમાં લાખો શેર્સની ખરીદીના ઓર્ડર્સ જોવા મળતાં હતાં.

એડીએજી જૂથના શેર્સમાં રિલાયન્સ પાવરના શેરે સૌથી સારો દેખાવ કર્યો છે. જાન્યુઆરી 2008માં બજારમાં રૂ. 10 હજાર કરોડ એકત્ર કરવા પ્રવેશેલી અને આઈપીઓ માર્કેટમાં વિક્રમ સર્જનાર કંપનીએ રોકાણકારોના લાખના એક હજાર કર્યાં હતાં. જોકે તાજેતરમાં કંપનીનો શેર તેના રૂ. 1.7ના વાર્ષિક તળિયાથી સુધરતો રહી ગુરુવારે રૂ. 9.5ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેની ત્રણ વર્ષની ટોચ છે. આરપાવરનો શેર છેલ્લા ત્રણેક દિવસથી 5 ટકાની ઉપલી સર્કિટમાં બંધ જોવા મળી રહ્યો છે. ગુરુવારે એનએસઈ ખાતે સર્કિટના ભાવે 1.22 કરોડ બાયર્સ જ્યારે બીએસઈ ખાતે 70 લાખ શેર્સની ખરીદી માટેના ઓર્ડર્સ જોવા મળતાં હતાં. જોકે આટલા સુધારા બાદ પણ આરપાવરનું માર્કેટ-કેપ રૂ. 2665 કરોડના સાધારણ સ્તર પર જોવા મળતું હતું. જોકે તમામ જૂથ કંપનીઓમાં તે સૌથી વધુ માર્કેટ-કેપ ધરાવતી કંપની છે. જોકે અન્ય પાવર કંપનીઓની સરખામણીમાં તે ખૂબ જ સાધારણ વેલ્યૂએશન કહી શકાય ડેટ-ટુ-ઈક્વિટીની રીતે હરિફ પાવર કંપનીઓ કરતાં સારી સ્થિતિ ધરાવતી હોવા છતાં જૂથની ઈમેજને કારણે માર્કેટ કંપનીને ખૂબ જ નીચું વેલ્યૂએશન આપી રહ્યું છે અને તે પ્રાઈસ-ટુ-બુકની રીતે ખૂબ જ સસ્તો જોવા મળી રહ્યો છે. કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે સારા પરિણામો જાહેર કર્યાં હતાં. તેણે 2020-21માં તેના કુલ ઋણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો અને તે કારણથી જ રોકાણકારોનો એક વર્ગ રિલાયન્સ પાવર સહિતના એડીએજી જૂથના શેર્સ તરફ નજર દોડવી રહ્યો હોવાનું માર્કેટ નિરીક્ષકો માની રહ્યાં છે.

એક સમયે જૂથની ફ્લેગશિપ એવી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર પણ ગુરુવારે 5 ટકાની અપર સર્કિટમાં રૂ. 66.55ના સ્તરે બંધ રહ્યો હતો. જે સ્તરે એનએસઈખાતે 11 લાખ શેર્સ ખરીદવાના ઓર્ડર્સ જોવા મળતાં હતાં. ગયા સપ્તાહાંતે કંપનીએ જાહેર કરેલા પરિણામોમાં ખોટ ગયા વર્ષના સમાનગાળામાં રૂ. 160 કરોડ સામે માત્ર રૂ. 50 કરોડ આસપાસ જોવા મળી હતી. તેમજ કંપનીએ 2021-22માં તેના ઋણને સંપૂર્ણપણે દૂર કરવાનું જણાવ્યું હતું. જેની પાછળ શેરમાં ઘટાડા બાદ નીચા સ્તરે ખરીદી જોવા મળી હતી અને તે બે વર્ષની ટોચ પર બંધ રહ્યો હતો. કંપનીએ ગઈકાલે એક જાહેરાતમાં જણાવ્યું છે કે 6 જૂનના રોજ તે શેર્સ ઈસ્યુ કરીને ફંડ ઊભું કરવા માટે વિચારણા કરશે. જેણે પણ ગુરુવારે રોકાણકારોને શેર ખરીદવા માટે પ્રેર્યાં હતાં. જોકે રૂ. 400ની બુકવેલ્યૂ ધરાવતો શેર હજુ પણ વેલ્યૂએશનના માપદંડોથી સસ્તો જણાય છે. કંપનીનું માર્કેટ-કેપ માત્ર રૂ. 1750 કરોડ બેસે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં હજુ નોંધપાત્ર તેજી જોઈ રહ્યાં છે અને રૂ. 85નું ટાર્ગેટ જુએ છે. જે પાર થશે તો રૂ. 120 સુધીની તેજી પણ દર્શાવે તેવી શક્યતા વ્યક્ત કરે છે. જૂથના અન્ય શેર્સમાં આરકોમનો શેર છેલ્લા એક સપ્તાહમાં રૂ. 1.7ના સ્તરેથી સુધરતો રહી રૂ. 2.7 પર પહોંચ્યો છે. આમ તેણે 60 ટકા જેટલું રિટર્ન દર્શાવ્યું છે. ગુરુવારે કંપનીના કાઉન્ટરમાં 1.2 કરોડ બાયર્સ ઊભાં હતાં. આ સિવાય રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ નાવલના શેર્સ પણ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. છેલ્લાં કેટલાક સમયગાળાની તેજી બાદ પણ એડીએજી જૂથની તમામ કંપનીઓનું માર્કેટ-કેપ રૂ. 6000 કરોડની આસપાસ જોવા મળે છે. જે કોઈ મીડ-કેપ કંપનીના માર્કેટ કેપ સમકક્ષ પણ નથી.

અંતિમ સવા મહિનામાં એડીએજી શેર્સનો દેખાવ

કંપની       26/4/2021નો બંધ(રૂ.) 3/6/2021નો બંધ(રૂ.)  ફેરફાર(ટકામાં)        

આરપાવર 4.44 9.53   115    

રિલા. ઈન્ફ્રા.      33.15  66.75 101    

આરકોમ    1.57 2.81   79    

રિલા. કેપિટલ    9.48   16.23  71     

રિલાયન્સ હોમ   2.71   3.38   25   

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage