Market Summary 3 March 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

ક્રૂડમાં અવિરત તેજીથી માર્કેટની અકળામણમાં વૃદ્ધિ

મેટલ અને એનર્જીમાં મજબૂતી, ઓટો-સિમેન્ટમાં રકાસ

વોલેટિલિટી ઈન્ડેક્સ 3.7 ટકા ઘટી 28.15ના સ્તરે

બ્રોડ માર્કેટમાં રસ જળવાતાં માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ

વૈશ્વિક બજારોમાં યુએસ-એશિયામાં સુધારો, યુરોપ નેગેટીવ

પીએસયૂ કંપનીઓમાં મજબૂત અન્ડરટોન

 

ક્રૂડના ભાવમાં ત્રણ ટ્રેડિંગ સત્રોમાં 25 ડોલર સુધીના તીવ્ર ઉછાળા પાછળ ભારતીય શેરબજારની બેચેની વધી ગઈ છે. વૈશ્વિક બજારમાં સ્થિરતા વચ્ચે સ્થાનિક બજારમાં નીચા મથાળે ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે ગુરુવારે પોઝીટીવ ઓપનીંગ બાદ પણ માર્કેટ નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું અને આખરે રેડિશ બંધ દર્શાવતું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 366 પોઈન્ટ્સના ઘટાડે 55103ના સ્તરે જ્યારે નિફ્ટી 108 પોઈન્ટ્સ ગગડી 16498 પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.7 ટકા ગગડી 28.15ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 32 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 18માં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેમાં મોટાભાગના જાહેર સાહસો તથા મેટલ કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો.

બુધવારે ફેડ તરફથી એક રાહતદાયી કોમેન્ટના ભાગરૂપે યુએસ બજારોમાં મજબૂત બાઉન્સ જોવા મળ્યું હતું. ફેડે જણાવ્યું હતું કે તે આક્રમક રેટ વૃદ્ધિ નહિ દર્શાવે. જેની પાછળ ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ લગભગ 600 પોઈન્ટ્સ જેટલો ઉછળ્યો હતો. નાસ્ડેક પણ 2 ટકાથી વધુ સુધર્યો હતો. એશિયન બજારો પણ પોઝીટીવ કામકાજ દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 400 પોઈન્ટ્સના ગેપ-અપ સાથે ખૂલ્યો હતો. જોકે શરૂઆતી સુધારો ટકી શક્યો નહોતો અને એકાદ કલાકમાં બજાર નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું. જે દિવસ દરમિયાન નેગેટિવ જ જોવા મળ્યું હતું. માર્કેટમા ઘટાડાનું મુખ્ય કારણ ક્રૂડમાં મજબૂતી હતું. ભારતીય ટાઈમ ઝોન વખતે બ્રેન્ટ ક્રૂડ વાયદો 119 ડોલરની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યાં સુધી ક્રૂડના ભાવ ગગડીને 100 ડોલર નીચે નહિ જોવા મળે ત્યાં સુધી બજારને રાહત નહિ મળે. કેમકે બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં પણ નરમાઈ જોવા મળી રહી છે. ગુરુવારે રૂપિયો ડોલર સામે વધુ 15 પૈસા ગગડી 75.95ના સ્તરે જોવા મળ્યો હતો. બજાર નિરીક્ષકોના મતે સરકાર ક્રૂડ પરની એક્સાઈઝમાં ઘટાડો કરવા સાથે ભાવમાં વધારો કરવાની બેલેન્સ્ડ નીતિ અપનાવશે. જેથી વર્તમાન સ્થિતિમાંથી હેમખેમ પાર નીકળી શકાય. રશિયા સાથે ચીન અને ભારતે રૂબલમાં વેપાર કરવાની તૈયાર દર્શાવી છે. જેને કારણે આર્થિક પ્રતિબંધોને કેટલેક અંશે બાયપાસ કરી શકાશે એમ માનવામાં આવે છે.

ભારતની વાત છે તો મેટલ અને કૃષિ કોમોડિટીઝની નિકાસને લાભ થશે એમ માનવામાં આવે છે. જેને કારણે સતત પાંચમા દિવસે મેટલ કંપનીઓના શેર્સમાં ખરીદી જળવાય હતી. બીજી બાજુ ડિફેન્સિવ એવા આઈટી કાઉન્ટર્સમાં પણ નોંધપાત્ર ખરીદી નીકળી હતી. યુએસ ખાતે ફેડ તરફથી રાહત પાછળ આઈટી કંપનીઓમાં નીચા મથાળે આકર્ષણ વધ્યું હતું. જાહેર સાહસોના શેર્સમાં પણ સારી ખરીદી જોવા મળી રહી હતી. જેમાં કોલ ઈન્ડિયા, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પો જેવા કાઉન્ટર્સ મુખ્ય છે. તેઓ તેમના બે વર્ષોના ટોચના સ્તર નજીક ટ્રેડ થઈ રહ્યાં છે. જોકે બીજી બાજુ ઓટો, સિમેન્ટ, રિઅલ્ટી અને એફએમસીજી કંપનીઓમાં વેચવાલી જોવા મળી હતી. સિમેન્ટ કાઉન્ટર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટ 6 ટકાથી વધુ ગગડી રૂ. 6000ની નીચે ઉતરી ગયો હતો. શ્રી સિમેન્ટ પણ 4.5 ટકા તૂટ્યો હતો. પેઈન્ટ્સ કંપનીઓને ક્રૂડનો ભાવ વધારો કનડી રહ્યો છે. જેની પાછળ એશિયન પેઈન્ટ્સ 5 ટકા ગગડ્યો હતો. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી જોવા મળી હતી. જેને કારણે બીએસઈ ખાતે 3440 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1981 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1347માં ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સે સતત બીજા દિવસે પોઝીટીવ બંધ આપ્યું હતું. જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સે 0.4 ટકા ઘટાડો દર્શાવ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં વોડાફોન, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, એચપીસીએલ અને ગેઈલ 4-6 ટકા સુધીનો સુધારો સૂચવતાં હતાં.

 

વણથંભી તેજી પાછળ બ્રેન્ટ વાયદો 120 ડોલરને સ્પર્શી પાછો ફર્યો

ક્રૂડના ભાવમાં સતત ત્રીજા દિવસે મજબૂતી જોવા મળી હતી. બુધવારે 112.93 ડોલરની સપાટી પર બંધ રહેલો બ્રેન્ટ ક્રૂડ વાયદો ગુરુવારે 114.63 ડોલરની સપાટી પર ખૂલ્યાં બાદ વધુ ઉછળી 119.78 ડોલરની આંઠ વર્ષની નવી ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યાં પ્રોફિટ બુકિંગ પાછળ તે ઘસારો હતો અને આ લખાય છે ત્યારે 114.16 ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન તે હજુ પણ પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. એનાલિસ્ટ્સના મતે ક્રૂડના ભાવ ઓવરબોટ છે અને તેથી તેઓ વર્તમાન સપાટીએથી કરેક્શન દર્શાવી શકે છે. જોકે જ્યાં સુધી રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધ ચાલુ છે ત્યાં સુધી ક્રૂડમાં ઝડપી ઘટાડાની શક્યતાં ઓછી છે. એમસીએક્સ ખાતે ક્રૂડ વાયદો 6 ટકા ઉછળી રૂ. 8817ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે આ લખાય છે ત્યારે 3.48 ટકા વૃદ્ધિ સાથે રૂ. 8530ના સ્તરે દિવસની તળિયા નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.

નીકલમાં 6 ટકા, એલ્યુમિનિયમમાં 4 ટકાનો ઉછાળો

બેઝ મેટલ્સના ભાવમાં પણ અવિરત તેજી જોવા મળી રહી છે અને તેઓ તેમની સર્વોચ્ચ સપાટી પર અથવા તો વર્ષોની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એમસીએક્સ ખાતે નીકલ વાયદો 7 ટકા જેટલો ઉછળી રૂ. 2115ની છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે એલ્યુમિનિયમ ફ્યુચરના ભાવ 4 ટકા ઉછાળે રૂ. 299.80ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થતાં જોવા મળ્યાં હતાં. ઝીંક ફ્યુચર્સ 3.26 ટકા જ્યારે કોપર 2.19 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે નેચરલ ગેસમાં એક ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

સોનું-ચાંદીમાં એક ટકા સુધીનો સુધારો

કિંમતી ધાતુઓના ભાવમાં વધ-ઘટ વચ્ચે મજબૂતી જળવાય રહી છે. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો અગાઉના 1922 ડોલરના બંધ ભાવ સામે 1930 ડોલરની સપાટી પર મજબૂત ખૂલી 1941 ડોલર સુધી ઉછળ્યાં બાદ 16 ડોલરના સુધારે 1938 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. એમસીએક્સ એપ્રિલ વાયદો રૂ. 650ના સુધારે રૂ. 51951ની ટોચ દર્શાવી રૂ. 51870 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર માર્ચ વાયદો 0.6 ટકા સુધારા સાથે રૂ. 67361ના સ્તરે ટ્રેડ દર્શાવતો હતો. એનાલિસ્ટ્સના મતે બેઝ મેટલ્સમાં તીવ્ર ઉછાળાને જોતાં ચાંદીના ભાવમાં આગામી સત્રોમાં તીવ્ર ઉછાળાની શક્યતાં છે.

 

યૂક્રેન યુધ્ધ પછીના પાંચ સત્રોમાં મેટલ શેર્સનું 107 ટકા સુધી રિટર્ન

માર્કેટમાં લિસ્ટેડ 64 લિસ્ટેડ કંપનીઓમાંથી 25 કંપનીઓએ 15 ટકાથી વધુ વળતર આપ્યું

નિફ્ટી મેટલ 17 ટકા ઉછળી તેની સર્વોચ્ચ ટોચની નજીક પહોંચ્યો

રશિયા-યૂક્રેન વચ્ચેનો જંગ મેટલ કંપનીઓના રોકાણકારો માટે પોઝીટીવ બની રહ્યો છે. યુક્રેન પર હુમલા બાદ શેરબજારમાં સમગ્રતયા ઘટાડો જોવા મળ્યો છે ત્યારે મેટલ કંપનીઓના શેર્સે 107 ટકા સુધીનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું છે. જેમાં લાર્જ-કેપ્સ ઉપરાંત મીડ અને સ્મોલ-કેપ્સ કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યૂક્રેન પર હુમલો કર્યો તે દિવસના બંધ ભાવથી ગુરુવાર સુધીના પાંચ સત્રોમાં બેન્ચમાર્ક નિફ્ટી 4 ટકા આસપાસનો ઘટાડો દર્શાવી રહ્યો છે ત્યારે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 17 ટકા સાથે આઉટપર્ફોર્મન્સ સૂચવે છે. ગુરુવારે એનએસઈ મેટલ ઈન્ડેક્સ વધુ 1.2 ટકા સુધારા સાથે 6210ના સ્તરે બંધ રહ્યો હતો. જે 6312.20ની પાંચ મહિના અગાઉની તેની ટોચથી 100 પોઈન્ટ્સ છેટે જોવા મળતો હતો. જ્યારે ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 6294.65ની ટોચ દર્શાવી હતી. 24 ફેબ્રુઆરીએ તે 5313.65 પર બંધ રહ્યો હતો. રશિયા પર પ્રતિબંધોનો ભારતીય મેટલ કંપનીઓને સીધો લાભ થશે તેમ જોવામાં આવી રહ્યું છે. અરબ દેશો એ રશિયા અને યૂક્રેનના સૌથી મોટા મેટલ બાયર્સ છે. રશિયાનો સપ્લાય બંધ થતાં તેઓ નજીકમાં તેમના માટે ભારત નેચરલ ચોઈસ બની રહેશે એમ માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે. આના કારણે ક્રૂડના ભાવમાં તીવ્ર વૃદ્ધિ વચ્ચે મેટલ કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી છે અને જોત-જોતામાં સહુના આશ્ચર્ય વચ્ચે તેમણે તીવ્ર ઉછાળો નોઁધાવ્યો છે.

લાર્જ-કેપ્સની વાત કરીએ તો ખાનગી ક્ષેત્રની કંપની તાતા સ્ટીલના શેરે 21 ટકાનું તગડું દર્શાવ્યું છે. કંપનીનો શેર 24 ફેબ્રુઆરીના રૂ. 1074ના બંધ ભાવથી ઉછળી ગુરુવારે રૂ. 1303.5ના સ્તરે બંધ રહ્યો હતો. જિંદાલ સ્ટીલ, જેએસપીએલ, સેઈલ ઈન્ડિયા જેવા અન્ય સ્ટીલ ઉત્પાદક કંપનીઓના શેર્સ પણ 20થી 25 ટકાની રેંજમાં સુધારો સૂચવી રહ્યાં છે. જ્યારે સ્મોલ-કેપ પ્લેયર્સમાં એમસીએલનો શેર રૂ. 23થી ઉછળી રૂ. 47.6 થઈ 107 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે. આ ઉપરાંત જીપીઆઈએલ, સારડા એનર્જી, મનક્સિયા સ્ટીલ જેવા નાના કાઉન્ટર્સ 26-28 ટકાનો સુધારો સૂચવી રહ્યાં છે. પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ, શાહ એલોયઝ, વિસા સ્ટીલ જેવા ક્યારેક જ ચાલતા કાઉન્ટર્સ પણ મેટલ સેક્ટર માટે પોઝીટીવ સેન્ટિમેન્ટ પાછળ ઉછળી ગયા છે. ભાવમાં ઝડપી સુધારાને જોતાં રોકાણકારોએ મેટલ કાઉન્ટર્સમાં ઘટાડે જ ખરીદવાનું વિચારવું જોઈએ એમ એનાલિસ્ટ સૂચવે છે.

મેટલ કંપનીઓનો દેખાવ

સ્ક્રિપ્સ 24 ફેબ્રુ.નો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)

નિફ્ટી મેટલ 5313.65 6209.7 17%

MCL 23 47.6 107%

GPIL 284.1 362.3 28%

સારડા એનર્જિ 765.35 968 26%

મનક્સિયા સ્ટીલ 32.9 41.5 26%

કોલ ઈન્ડિયા 150 188.6 26%

ટાટા મેટાલિક 697.95 855 23%

ટાટા સ્ટીલ 1074 1303.5 21%

પ્રકાશ ઈન્ડ. 54.3 65.9 21%

શાહ એલોયઝ 59.65 72.35 21%

વિસા સ્ટીલ 13.35 16.15 21%

જિંદાલ સ્ટીલ 369.8 444.9 20%

MSPL 10.6 12.7 20%

 

ફેબ્રુઆરીમાં ટુ-વ્હીલર્સના વેચાણમાં 25 ટકાનો ઘટાડો

ફેબ્રુ.-2021માં 14.29 લાખ યુનિટ્સના વેચાણ સામે ચાલુ વર્ષે 10.74 લાખ યુનિટ્સનું જ વેચાણ

બજાજ ઓટોના વેચાણમાં 35 ટકા જ્યારે હોન્ડા મોટરસાઈકલના વેચાણમાં 31 ટકાનો ઘટાડો

દેશમાં ટુ-વ્હીલર્સના વેચાણ પર દબાણ જોવા મળી રહ્યું છે. ફેબ્રુઆરી 2022માં દ્વિ-ચક્રિય વાહનોના વેચાણમાં ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 25 ટકાનો તીવ્ર ઘટાડો નોઁધાયો હતો. નબળી માગને કારણે કંપનીઓએ ડિલર્સને ડિસ્પેચિસમાં ઘટાડો કરવો પડ્યો હતો.

ટોચના પાંચ ટુ-વ્હીલર્સ ઉત્પાદકોએ ફેબ્રુઆરી 2022માં 10,74,303 યુનિટ્સ ટુ-વ્હીલર્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 14,28,884 યુનિટ્સ પર હતું. આમ વેચાણમાં 3.5 લાખ યુનિટ્સ આસપાસનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્પાદકોના જણાવ્યા મુજબ સેમીકંડક્ટર શોર્ટેજે પણ વેચાણ ઘટાડામાં ભૂમિકા ભજવી છે. તેના કારણે પ્રિમીયમ ટુ-વ્હીલર્સનું વેચાણ ઘટ્યું છે. બજાજ ઓટોએ વાર્ષિક ધોરણે 35 ટકા સાથે સૌથી મોટો વેચાણ ઘટાડો નોંધાવ્યો છે. કંપનીનું વેચાણ 2021 ફેબ્રુઆરીમાં 1,48,934 યુનિટ્સ પરથી ગગડી 96,523 યુનિટ્સ પર રહ્યું હતું. બીજા ક્રમે જાપાની કંપની હોન્ડાના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. કંપનીએ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં 2,85,677 યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 4,11,622 યુનિટ્સ પર હતું. વિશ્વમાં સૌથી મોટી બાઈક ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પનું વેચાણ 3,58,254 યુનિટ્સ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 5,05,467 યુનિટ્સ પર હતું. ટીવીએસ મોટરના વેચાણમાં 11 ટકા સાથે સૌથી નીચો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ગયા વર્ષના 2,97,747 યુનિટ્સ સામે 2,87,714 યુનિટ્સ પર રહ્યું હતું.

રશિયા-યૂક્રેન તંગદિલી પાછળ ક્રૂડના ભાવમાં અસાધારણ વૃદ્ધિ ટુ-વ્હીલર્સના વેચાણમાં રિકવરીને પરત ઠેલી શકે છે એમ રેટિંગ એજન્સી ઈકરા જણાવે છે. તેના જણાવ્યા મુજબ કોર્પોરેટ્સ અને એજ્યૂકેશન સંસ્થાઓના શરૂ થવાથી તથા સરકાર તરફથી ઈન્ફ્રા. ક્ષેત્રે ઊંચા ખર્ચ જેવા પરિબળો પોઝીટીવ અસર ઉપજાવશે. જોકે જીઓપોલિટીકલ તણાવો અને ઊંચા ફ્યુઅલ પ્રાઈસ ચિંતાનું કારણ બનશે.

 

એમેઝોનની કાનૂની જંગના અંત માટે ફ્યુચર ગ્રૂપને મંત્રણાની ઓફર

સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને 15 માર્ચ સુધી ચર્ચા-વિચારણા મારફતે સમાધાન શોધવાનો ટાઈમ આપ્યો

યૂએસ ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને અદાલતમાં ચાલી રહેલી લડાઈના અંત માટે ફ્યુચર ગ્રૂપને ફરી એકવાર ચર્ચા-વિચારણાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેની પ્રતિક્રિયામાં કિશોર બિયાણીની આગેવાની હેઠળના ફ્યુચર જૂથે કોઈ ઉકેલ પર આવવા સહમતિ પણ દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને મંત્રણા મારફતે સમસ્યાનો ઉકેલ શોધવા માટે 15 માર્ચ સુધીનો સમય પણ આપ્યો છે. ગુરુવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ત્રણેય પક્ષોને સમાધાન માટેનો માર્ગ શોધવા માટે જણાવ્યું હતું. ત્રણ પક્ષોમાં એમેઝોનડોટકોમ, ફ્યુચર રિટેલ(એફઆરએલ) અને તેની પ્રમોટર ફ્યુચર કૂપન્સ પ્રા. લિ.નો સમાવેશ થાય છે. કોર્ટના આ પ્રસ્તાવ સાથે ફ્યુચર જૂથ કંપનીઓના વકિલોએ સહમતિ દર્શાવી હતી.

એમેઝોને તેના વકિલ મારફતે ફ્યુચર રિટેલ સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કાનૂની પ્રક્રિયાની આંટીઘૂંટીને કારણે કેસ ઘણો લંબાઈ ગયો છે. આ સ્થિતિમાં વાતચીત જરૂરી છે. જેના જવાબમાં ફ્યુચર ગ્રૂપના વકિલે એમેઝોન સાથે વાતચીત માટે સહમતિ આપી હતી. કોર્ટે પણ આને શેરધારકોના હિતની બાબત ગણાવી આવકારી હતી. ન્યાયાધીશોએ બંને પક્ષોને શક્ય ઉકેલ સુધી પહોંચવા માટે 10 દિવસોનો સમય પણ આપ્યો હતો. એમેઝોન અને ફ્યુચર જૂથનો મુદ્દો ઓગસ્ટ 2019થી ચાલુ છે. જ્યારે એમેઝોને ફ્યુચર રિટેલની પ્રમોટર કંપની ફ્યુચર કૂપન્સમાં રૂ. 1500 કરોડમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. એક વર્ષ બાદ ઓગસ્ટ 2020માં ફ્યૂચર જૂથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે 3.4 અબજ ડોલરનું એસેટ-સેલ સોદો કર્યો હતો. જેને કારણે એમેઝોને ફ્યુચર જૂથ સાથે કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સિંગાપુર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરે એમેઝોનની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. જેને ફ્યૂચર જૂથે દિલ્હી કોર્ટમાં પડકાર્યો હતો.

 

ખેડૂતો તેમની આવકમાં વૃદ્ધિ માટે કાર્બન ક્રેડિટ્સનું ટ્રેડિંગ કરી શકશે

ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ભારતીય ખેડૂતો માટે આ પ્રકારના પ્રથમ માર્કેટપ્લેસને ઊભું કરશે

દેશના ખેડૂતો માટે કાર્બન ક્રેડિટમાં ટ્રેડિંગ કરવા માટે માર્કેટ પ્લેસ ઊભું કરવા ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ(આઈએઆરઆઈ) પ્રાઈવેટ કંપનીઓ સાથે ભાગીદારી કરશે.પ્લેટફોર્મ તૈયાર થયા બાદ દેશના ખેડૂતો પ્રથમવાર કાર્બન ટ્રેડિંગ કરી શકશે. કેટલાંક દિવસો અગાઉ ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ(આઈપીસીસી)નો અહેવાલ રજૂ થયો હતો. જેમાં ભારતીય કૃષિ ક્ષેત્ર પર પર્યાવરણીય પરિબળોના ગંભીર પરિણામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

દેશમાં કૃષિ ક્ષેત્રે જાણીતી કંપની માહ્યકો અને ઈન્ડિગો એજીના સંયુક્ત સાહસ એવું ગ્રોઈન્ડિગો ઈન્ડિયા લિ. આઈએઆરઈ અને ઈન્ટરનેશનલ વ્હીટ એન્ડ મેઈટ ઈમ્પ્રૂવમેન્ટ સેન્ટર(સીઆઈએમએમવાયટી) સાથે મળીને ભારતીય ખેડૂતો માટે સૌપ્રથમ કાર્બન ટ્રેડિંગ માર્કેટપ્લેસ વિકસાવી રહ્યાં છે. આઈએઆરઆઈ અને સીઆઈએમએમવાયટી તરફથી આ પ્રયાસને રિસર્ચ અને સાયન્સ-બેઝ્ડ બેકઅપ પૂરો પાડવામાં આવશે. આ અંગે ઔપચારિક એગ્રીમેન્ટ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે. ભારતમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે કાર્બન ટ્રેડિંગ હજુ પ્રમાણમાં શરૂઆતી તબક્કામાં છે. જોકે આઈએઆરઆઈના ખાનગી કંપની સાથે હાથ મેળવવાને કારણે આ ક્ષેત્રને વેગ મળશે. જે ખેડૂતોને કમાણીનો એક વૈકલ્પિક સ્રોત પણ પૂરો પાડશે. ખેડૂતો તેમની રિજનરેટીવ એગ્રીકલ્ચર પ્રેકટિસિસ માટે કાર્બન ક્રેડિટનો દાવો કરી શકશે. આવી કામગીરીમાં પેડીનું ભૂંસુ નહિ સળગાવવા, જમીનમાં ખોટુ ખેડાણ નહિ કરવું, જમીનનું ઓછું લેવલીંગ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરીઓના બદલામાં ક્રેડિટ્સ જનરેટ કરવામાં આવશે. જેનું મોનીટરિંગ થઈ શકશે. ત્યારબાદ સ્ટાન્ડર્ડ ઈન્ટરનેશનસ પ્રેસટિસિસ મુજબ તેનું મૂલ્ય નિર્ધારિત કરવામાં આવશે. જે કંપનીઓ તેમની કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા ઈચ્છતી હશે તેઓ ખેડૂતો પાસેથી પ્લેટફોર્મનો ઉપયોગ કરી કાર્બન ક્રેડિટની સીધી ખરીદી કરી શકશે. આવી કંપનીઓમાં ફર્ટિલાઈઝર કંપનીઓ અથવા એરલાઈન્સ કંપનીઓનો સમાવેશ થાય છે. તેઓ તેમના કાર્બન પ્રોડક્શનને ઘટાડવા ઈચ્છે છે પરંતુ તેમના બિઝનેસના નેચરને કારણે આમ કરી શકતાં નથી. આ પ્લેટફોર્મ ખેડૂતો અને કંપનીઓ માટે ઘણીરીતે વિન-વિન સ્થિતિ બની રહેશે. એક તો ખેડૂતો આદર્શ કૃષિ પધ્ધતિઓનો ઉપયોગ કરશે. જેથી કાર્બન એમિશન ઘટશે. તેઓ જમીન અને પર્યાવરણને સહાયરૂપ બનશે. જ્યારે બીજી બાજુ કંપનીઓ તેમના ટાર્ગેટેડ એમિશનના સ્તરને હાંસલ કરી શકશે એમ આઈએઆરઆઈના ડિરેક્ટર જણાવે છે. એકવાર માર્કેટપ્લેસનો વિકાસ થયા બાદ ખેડૂતો સ્વૈચ્છિકપણે પોતાને રજિસ્ટર્ડ કરાવી શકે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage