Market Summary 3 May 2021

માર્કેટ સમરીએશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે તીવ્ર બાઉન્સ દર્શાવ્યું
અમદાવાદ સોમવારે ઉઘડતાં સપ્તાહે એશિયન બજારોમાં નરમાઈ પાછળ ભારતીય બજારની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. નિફ્ટી અગાઉના 14631ના બંધ સામે 150થી વધુ પોઈન્ટ્સ ગેપ-ડાઉન ઓપન થયો હતો. નિફ્ટીએ 14416નું બોટમ દર્શાવ્યું હતું. જોકે ત્યાંથી બજારમાં સતત સુધારો જોવા મળ્યો હતો અને બેન્ચમાર્ક બજાર બંધ થતાં અગાઉ પોઝીટીવ ઝોનમાં પરત ફરવા સાથે 14674ની ટોચ પર પરત ફર્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે એકપણ એશિયન બજારમાં બાઉન્સ જોવા મળ્યું નહોતું અને તેઓ બે ટકા નરમાઈ સાથે બંધ આવ્યાં હતાં. જેમાં તાઈવાન 2 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતું હતું. જ્યારે હોંગ કોંગ 1.3 ટકા, સિંગાપુર 1 ટકા, ચીન 0.8 ટકા, કોરિયા 0.7 ટકા અને જાપાન 0.8 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બપોરે એશિયન બજારો સાધારણ મજબૂતી સાથે ખૂલ્યાં હતાં.
અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 9 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ
અમદાવાદ સ્થિત અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર સોમવારે 8 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 1159ના બંધ ભાવ સામે રૂ. 105ના સુધારે રૂ. 1264ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.38 લાખ કરોડની સપાટી પાર કરી ગયું હતું. આમ અદાણી ગ્રીન અને અદાણી પોર્ટ બાદ તે માર્કેટ-કેપની રીતે જૂથની ત્રીજા ક્રમની કંપની બની હતી. કંપનીનો શેર રૂ. 127ના તેના વાર્ષિક તળિયા સામે લગભગ 10 ગણા ભાવે ટ્રેડ થયેલો જોવા મળી રહ્યો છે. જૂથની અન્ય કંપનીઓમાં જોકે વશેષ લેવાલીનો અભાવ હતો.
સોનું-ચાંદી અને બેઝ મેટલ્સમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં સુધારા પાછળ સ્થાનિક બજારમાં પણ કિંમતી ધાતુઓમાં સુધારો જોવા મળ્યો હતો. એમસીએક્સ ખાતે ગોલ્ડ જૂન વાયદો 0.54 ટકા અથવા રૂ. 251ના સુધારે રૂ. 46988ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 47197ની ટોચ દર્શાવી હતી. જોકે રૂ. 47 હજાર પર તે ટકી શક્યો નહોતો. સિલ્વર મે વાયદો એક ટકો અથવા રૂ. 676ના સુધારે રૂ. 68200ના સ્તરે ટ્રેડ થતો હતો. બેઝ મેટલ્સમાં નીકલ, લેડ અને એલ્યુમિનિયમમાં પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો હતો. જ્યારે કોપર સાધારણ નરમાઈ દર્શાવતું હતું. ક્રૂડમાં પણ વૈશ્વિક બજાર પાછળ ઘટાડ જોવા મળતો હતો.
ડોલર સામે રૂપિયો 15 પૈસા સુધરીને બંધ આવ્યો
યુએસ ડોલર સામે રૂપિયામાં નવા સપ્તાહે સુધારાનો ટ્રેન્ડ જળવાયો હતો. ગયા સપ્તાહાંતે 74.08ના બંધ સામે રૂપિયો 74.25 પર ખૂલી ઘટીને 74.33 જોવા મળ્યો હતો. જોકે પાછળથી તે સુધરીને 73.90ના સ્તરે ટ્રેડ થયો હતો અને આખરે 73.93 પર 15 પૈસા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. આમ બે સપ્તાહ અગાઉના 75.05ના તળિયા સામે તેણે નોંધપાત્ર બાઉન્સ દર્શાવ્યું છે. ઈક્વિટી માર્કેટ્સમાં ગેપ-ડાઉન ઓપનીંગ બાદ જોવા મળેલા બાઉન્સ પાછળ રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. ઉપરાંત ગયા શુક્રવારે વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ચોખ્ખી લેવાલી દર્શાવી હતી. જેને કારણે સેન્ટિમેન્ટ સુધારાતરફી રહ્યું હતું.


સુગર શેર્સમાં લાવ-લાવ પાછળ જાતે-જાતમાં ઉપલી સર્કિટ્સ
સોમવારે લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે સુગર શેર્સમાં સાર્વત્રિક ખરીદી નીકળતાં ભાવ નવી ટોચ પર
ધામપુર સુગર, બલરામપુર ચીની, ઈઆઈડી પેરી, બન્નારી અમાન સુગર્સ સહિતના શેર્સમાં દ્વિઅંકી સુધારો નોંધાયો
વૈશ્વિક તેમજ સ્થાનિક બજારમાં સુગરના ભાવમાં મજબૂતી ઉપરાંત બાયોફ્યુઅલ તરીકે ઈથેનોલ મિશ્રણમાં સરકારની હકારાત્મક નીતિને કારણે સુગર શેર્સમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. સોમવારે બેન્ચમાર્ક્સમાં નરમાઈ વચ્ચે સુગર સેક્ટરના શેર્સમાં સાર્વત્રિક આક્રમક લેવાલી વચ્ચે મોટાભાગના શેર્સ 5, 10 કે 20 ટકાની ઉપલી સર્કિટ લિમિટના સ્તરે ટ્રેડ થયાં હતાં અને લગભગ તેની આસ-પાસ જ બંધ રહ્યાં હતાં. લગભગ ત્રણેક વર્ષ બાદ સુગર શેર્સમાં વ્યાપક ખરીદી જોવા મળી રહી છે. અગાઉ 2017માં સુગર શેર્સે નોંધપાત્ર તેજી દર્શાવી હતી.
મોટાભાગના બ્રોકરેજિસ હાઉસ છેલ્લા કેટલાક સમયગાળાથી સુગર શેર્સ માટે પોઝીટીવ વ્યૂ રજૂ કરી રહ્યાં હતાં. જોકે માર્ચ-એપ્રિલ દરમિયાન બજારમાં કોન્સોલિડેશન વચ્ચે સુગર સેક્ટરમાં એકલ-દોકલ શેરમાં ખરીદી જોવા મળી હતી પરંતુ સમગ્ર ક્ષેત્રે લેવાલી જોવા નહોતી મળી. સોમવારે લગભગ ત્રણેક વર્ષ બાદ સુગર શેર્સમાં જંગી લેવાલી નોંધાઈ હતી. જેના મુખ્ય કારણોમાં વૈશ્વિસ સ્તરે કોમોડિટીના ઓછા ઉત્પાદનને કારણે ભારતીય ઉત્પાદકોને થનારો ફાયદો છે. ભારત સિવાય અન્ય તમામ અગ્રણી ઉત્પાદકો જેવાકે બ્રાઝિલ, થાઈલેન્ડ અને યુરોપમાં ઉત્પાદન નીચું રહેવાનું છે. જેને કારણે વૈશ્વિક સપ્લાય ટાઈટ રહેશે. જે ભારતીય કંપનીઓને તેમની પાસેના સરપ્લસ સ્ટોકને ઊંચા ભાવે નિકાસની સાનૂકૂળતા કરી આપશે. સાથે સ્થાનિક બજારમાં હકારાત્મક નીતિને કારણે ઈથેનોલની માગમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. હાલમાં 8 ટકા મિશ્રણને સરકાર કેલેન્ડર 2025 સુધી 20 ટકા કરવા માગે છે. આમ કંપનીઓ તેમની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરી રહી છે. જે ભવિષ્યમાં તેમના અર્નિંગ્સમાં નોંધપાત્ર ઉમેરો કરશે.
આ ઉપરાંત ગયા મહિને સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં 7-8 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. એનાલિસ્ટ્સ માને છે કે આગામી સમયગાળામાં પણ કોમોડિટીના ભાવ મજબૂત જળવાઈ રહેશે. કેમકે નિકાસ માગ ઊંચી છે અને તેથી કંપનીઓ ઊંચા માર્જિનને કારણે નિકાસ બાબતે આક્રમક જોવા મળી રહી છે. અંતિમ બે મહિનામાં વૈશ્વિક સ્તરે સુગરના ભાવમાં 15 ટકા વૃદ્ધિ જોવા મળી છે. રૂપિયો પણ ઘસાય છે. આમ નિકાસ આકર્ષક બની છે. બીજી બાજુ ઈથેનોલનું પ્રોડક્શન વધારવા માટે શેરડીનો ઉપયોગ તે બાજુ ફંટાઈ રહ્યો છે. તે સુગરના ભાવ ઊંચા જાળવી રાખવામાં સહાયરૂપ બનશે.
સોમવારે ધામપુર સુગર્સ, બલરામપુર ચીની, ઈઆઈડી પેરી, દ્વારિકેશ સુગર, ઉત્તમ સુગર, બજાજ હિંદુસ્તાન, શક્તિ સુગર્સ સહિતના શેર્સમાં 20 ટકાની ઉપલી સર્કિટ લિમિટ જોવા મળી હતી. જંગી લેવાલી હોય ત્યારે જ કોઈ એક સેક્ટરલ શેર્સમાં ઉપલી સર્કિટ્સ જોવા મળે. બલરામપુર ચીનીનો શેર અગાઉના રૂ. 279.25ના બંધ સામે 20 ટકા અપર સર્કિટમાં રૂ. 328.90ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો અને 16 ટકા સુધરી બંધ રહ્યો હતો. આ જ રીતે ધામપુર સુગરનો શેર પણ રૂ. 226.65ના અગાઉના બંધ સામે રૂ. 271.95ની 20 ટકાની સર્કિટમાં ટ્રેડ થયા બાદ 19.32 ટકા સુધારા સાથે રૂ. 270.45 પર બંધ રહ્યો હતો. દક્ષિણ સ્થિત ઈઆઈડી પેરીનો શેર રૂ. 346ના અગાઉના બંધ સામે રૂ. 414ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યારે જંગી દેવામાં ડૂબેલી બજાજ હિંદુસ્તાનનો શેર પણ રૂ. 7.27ના બંધ સામે 20 ટકા સુધરી રૂ. 8.72ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત દાલમિયા ભારત સુગર્સ 20 ટકા, ઉગર સુગર વર્ક્સ 20 ટકા, બન્નારી અમ્માન 15 ટકા, રાણા સુગર્સ 10 ટકા, રાજશ્રી સુગર 5 ટકા, મવાના સુગર 5 ટકાની ઉપલી સર્કિટ લિમિટમાં બંધ જોવા મળ્યાં હતાં.
સોમવારે સુગર શેર્સનું પર્ફોર્મન્સ
કંપની ભાવમાં વૃદ્ધિ(%)
ધામપુર સુગર 20
બલરામપુર ચીની 20
દાલમિયા ભારત સુગર 20
શક્તિ સુગર્સ 20
બજાજ હિંદુસ્તાન 20
પોન્ની સુગર 20
ઉગર સુગર્સ 20
ઉત્તમ સુગર્સ 20
કેએમ સુગર્સ 20
ઈઆઈડી પેરી 19
બન્નારી અમ્માન સુગર 15
રાણા સુગર્સ 10
રાજશ્રી સુગર્સ 5
મવાના સુગર્સ 5
થીરુ અરુરન સુગર્સ 5
સ્ટીલની આગેવાનીમાં મેટલ્સમાં આગળ વધતો તેજીનો દોર
પીએસયૂ સાહસો સેઈલ અને નાલ્કોના શેર્સ 7 ટકા સુધી ઉછળી દાયકાની નવી ટોચ પર ટ્રેડ થયા
વૈશ્વિક સ્ટીલના ભાવોમાં મજબૂતી પાછળ સ્ટીલ શેર્સમાં તેજી જળવાયેલી છે ત્યારે બેઝ મેટલ્સની તેજી પાછળ અન્ય મેટલ શેર્સમાં પણ લેવાલી જોવા મળી રહી છે. સોમવારે ભારતીય શેરબજારમાં મેટલ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ સુધારા સાથે આઉટપર્ફોર્મન્સ દર્શાવતો હતો. તેણે ગયા સપ્તાહે 9 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાવ્યો હતો. મોટાભાગના સૂચકાંકો નરમ બંધ રહ્યાં હતાં ત્યારે પીએસયૂ મેટલ કંપનીઓ પાછળ તેણે નવી ટોચ દર્શાવી હતી.
સોમવારે સેઈલ અને નાલ્કો જેવા જાહેર ક્ષેત્રના મેટલ શેર્સમાં તીવ્ર લેવાલી પાછળ ડિસઈન્વેસ્ટમેન્ટ જેવું એક વધારાનું કારણ પણ જવાબદાર હતું. ગયા શુક્રવાર બાદ સતત બીજા દિવસે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસના શેર્સમાં બ્રોડ બેઝ ખરીદી જોવા મળી હતી. જોકે મેટલ શેર્સ તેમની દાયકાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જેનું કારણ બિઝનેસમાં તેજીની સાઈકલ મુખ્ય જવાબદાર પરિબળ છે. સેઈલનો શેર એક તબક્કે 9 ટકા ઉછળી રૂ. 130.60ની ટોચ પર જોવા મળ્યો હતો. શેરમાં તે કેલેન્ડર 2009 બાદની ટોચ હતી. કામકાજના અંતે તે 7 ટકા સુધારા સાથે રૂ. 127.75 પર બંધ રહ્યો હતો. એલ્યુમિનિયમ ઉત્પાદક નાલ્કોનો શેર પણ 6 ટકા ઉછળી રૂ. 68.50ની ટોચ પર ટ્રેડ થયો હતો અને 5 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. ખનીજ કંપની મોઈલનો શેર 5 ટકા ઉછળી રૂ. 172.55 પર બંધ જોવા મળ્યો હતો. આર્યન ઓર ઉત્પાદક એનએમડીસીનો શેર 2 ટકા સુધરી રૂ. 159 પર બંધ રહ્યો હતો. ખાનગી મેટલ કંપનીઓમાં ટાટા સ્ટીલનો શેર 3 ટકા સુધારા સાથે રૂ. 1065ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે હિંદાલ્કો 1.5 ટકા, વેલસ્પન કોર્પ 1.4 ટકા, જિંદાલ સ્ટીલ 0.9 ટકા અને જેએસડબલ્યુ સ્ટીલ 0.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. ગયા સપ્તાહે 9 ટકાના ઉછાળા બાદ મેટલ શેર્સે સોમવારે નરમ બજારમાં મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો. જો છેલ્લા ત્રણ મહિનાની વાત કરીએ તો મેટલ ઈન્ડેક્સ 48 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. જ્યારે છ મહિનામાં તેણે 107 ટકાનો ઉછાળો દર્શાવ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage