Market Summary 3 October 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


સપોર્ટ નહિ મળતાં નિફ્ટી ફરી 17k નીચે ઉતર્યો
ક્રેડિટ સ્વીસ તકલીફમાં હોવાના અહેવાલે વૈશ્વિક બજારોમાં દબાણ યથાવત
હોંગ કોંગ, કોરિયા, તાઈવાન, ચીન સહિતના બજારો નરમ
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ઉછળી 21.36ની સપાટીએ
એકમાત્ર ફાર્મા સેક્ટરમાં મજબૂતી
મેટલ, ઓટો, બેંકિંગ, એફએમસીજી, એનર્જીમાં ભારે વેચવાલી
બ્રોડ માર્કેટમાં નરમ સેન્ટિમેન્ટ પાછળ દબાણ
સિપ્લા, ઈન્ડિયન હોટેલ્સ, ભારતી એરટેલ સર્વોચ્ચ સ્તરે
પિરામલ એન્ટરપ્રાઈઝ વાર્ષિક તળિયે પહોંચ્યો

શેરબજાર માટે નવા સપ્તાહની શરૂઆત ફરી એકવાર મંદી સાથે જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં એકધારી વેચવાલી પાછળ ભારતીય બજારે શુક્રવારે જોવા મળેલા બાઉન્સનો ઘણો ખરો હિસ્સો ગુમાવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 638 પોઈન્ટ્સ ગગડી 56789ની સપાટીએ જ્યારે નિફ્ટી 207 પોઈન્ટ્સના ઘટાડે 16887ના સ્તરે બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલીને કારણે નિફ્ટી કાઉન્ટર્સમાં માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બેન્ચમાર્કના 50 કાઉન્ટર્સમાંથી 41 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 9 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે વેચવાલીનું પ્રમાણ એટલું તીવ્ર નહોતું. બીએસઈ ખાતે દોઢ કાઉન્ટર્સમાં ઘટાડા સામે એક કાઉન્ટરમાં સુધારો જોવા મળતો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ઉછળી 21.36ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા શુક્રવારે યુએસ બજારમાં શરૂઆતી સુધારો ટક્યો નહોતો અને માર્કેટ ગગડીને બે વર્ષના નવા તળિયા પર બંધ જોવા મળ્યાં હતાં. જેનું મુખ્ય કારણ બહુરાષ્ટ્રીય બેંક ક્રેડિટ સ્વીસના સીએફઓ તરફથી બેંકની સ્થિતિ ક્રિટીકલ હોવા અંગેનુ નિવેદન હતું. નવા સપ્તાહે એશિયન બજારો પણ આ કારણથી જ દબાણ અનુભવી રહ્યાં હતાં અને તેઓ બાઉન્સ દર્શાવી શક્યાં નહોતાં. જોકે ભારતીય બજારે અગાઉના બંધની સરખામણીમાં સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી 17094ના અગાઉના બંધ સામે 17102ની સપાટી પર ખૂલી ઈન્ટ્રા-ડે 17115ની ટોચ દર્શાવી 16856ના તળિયા પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્કને 17600-17700ની રેંજમાં નોંધપાત્ર સપોર્ટ છે અને માર્કેટ ત્યાંથી પરત ફરી શકવાની ધારણા છે. હાલમાં વેચવાલીનું દબાણ જળવાય શકે છે. જોકે માર્કેટમાં પેનિક સેલીંગની શક્યતા ઓછી છે. સોમવારે અનેક કાઉન્ટર્સમાં ફ્રિ ફોલ જોવા મળ્યો હતો અને તેથી આગામી સત્રોમાં આવા કાઉન્ટર્સ વધુ નરમાઈ દર્શાવી શકે છે. ખાસ કરીને એફએન્ડઓ કાઉન્ટર્સમાં પોઝીશન લિક્વિડેટ થઈ રહી હોય તેવા સંકેતો મળ્યાં હતાં. એની સામે કેશ સેગમેન્ટમાં સ્થિતિ પ્રમાણમાં સારી હતી.
સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટને એકમાત્ર સપોર્ટ ફાર્માસ્યુટિકલ સેક્ટર તરફથી સાંપડ્યો હતો. જાહેર સાહસોના શેર્સ શરૂઆતમાં મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જોકે પાછળથી તેઓ પણ રેડ ઝોનમાં સરી પડ્યાં હતાં. નિફ્ટી ફાર્મા 1.2 ટકા સુધારા સાથે 13 હજારની સપાટી પાર કરી ગયો હતો. તેને સપોર્ટ પૂરો પાડવામાં લ્યુપિનનું મુખ્ય યોગદાન હતું. શેર 6.2 ટકા ઉછળી રૂ. 700ની સપાટી વટાવી ગયો હતો. આ ઉપરાંત ઝાયડસ લાઈફ પણ 6 ટકા ઉછળ્યો હતો. ઓરોબિંદા ફાર્મા 5 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ 2 ટકા અને સિપ્લા 1.5 ટકા સુધારો દર્શાવતાં હતાં. સિપ્લાનો શેર રૂ. 1144.90ની સર્વોચ્ચ સપાટી દર્શાવી રૂ. 1130.75 પર ઓલ-ટાઈમ હાઈ ક્લોઝ દર્શાવતો હતો. સન ફાર્મા અને આલ્કેમે વિરામ રાખ્યો હતો અને સાધારણ નેગેટિવ ટ્રેડ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈ ફ્લેટ બંધ સૂચવી રહ્યો હતો. જોકે સરકાર તરફથી વિન્ડફોલ ટેક્સમાં રાહત પાછળ ઓઓનજીસીમાં 4.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓઈલ ઈન્ડિયા 3.3 ટકા, બીપીસીએલ 1.31 ટકા અને કોલ ઈન્ડિયા 1.3 ટકા ઉછળ્યાં હતાં. ભેલ, એનટીપીસી અને આઈઆરસીટીસી પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ નાલ્કો, કોન્કોર, ભારત ઈલે., આરઈસી, હિંદુસ્તાન એરોનોટિક્સ, ગેઈલ, એનએમડીસી, સેઈલમાં નરમાઈ જોવા મળતી હતી. માર્કેટમાં મેટલ શેર્સ ઊંચી વેચવાલી દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ નિફ્ટી મેટલ 3 ટકાથી વધુ ગગડ્યો હતો. મેટલ કાઉન્ટર્સમાં નાલ્કો 4 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ, ટાટા સ્ટીલ અને વેદાંત જેવા કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજીમાં પણ વ્યાપક વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી એફએમસીજી 2.09 ટકા ગગડ્યો હતો. જેના પ્રતિનિધિઓમાં ટાટા કન્ઝ્યૂમરનો શેર 3 ટકાથી વધુ ગગડ્યો હતો. જ્યારે કોલગેટ, એચયૂએલ, બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયા અને આઈટીસી-તમામ 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ 2 ટકાથી વધુ નરમાઈ દર્શાવતો હતો. જેમાં આઈશર મોટર્સ 6 ટકા, ટીવીએસ મોટર 4 ટકા, મારુતિ સુઝુકી 3 ટકા, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 2 ટકા, અમર રાજા બેટરીઝ 2 ટકા અને ટાટા મોટર્સ પણ 2 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક 2.7 ટકા ગગડ્યો હતો. જેમાં ઈન્ડિયન બેંક 4 ટકા, યુનિયન બેંક 4 ટકા અને બેંક ઓફ બરોડા 3 ટકા, પીએનબી 3 ટકા, કેનેરા બેંક 3 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એસબીઆઈ પણ 2 ટકાથી વધુ ગગડ્યો હતો. નિફ્ટી એનર્જીમાં 1.5 ટકાનું ગાબડું પડ્યું હતું. જેમાં અદાણી ગ્રીન એનર્જી 8 ટકા ઘસાયો હતો. જ્યારે ગેઈલ 2 ટકા, તાતા પાવર 1.6 ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈઓસી, રિલાયન્સ અને એચપીસીએલમાં નરમાઈ જોવા મળી હતી. બેંક નિફ્ટી 37 હજારની નીચે ઉતરી ગયા બાદ તે લેવલને જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. પ્રાઈવેટ બેંક્સમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક, ફેડરલ બેંક, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.24 ટકા નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 5 ટકા, ગોદરેજ પ્રોપર્ટી 2.5 ટકા, ડીએલએફ 2.5 ટકા, સનટેક રિઅલ્ટી 2 ટકા, હેમિસ્ફિયર 2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસના શેરમાં 1.6 ટકા અને પ્રેસ્ટીજ એસ્ટેટમાં 1.4 ટકા મજબૂતી જોવા મળી હતી. બ્રોડ માર્કેટ પર નજર નાખીએ તો બીએસઈ ખાતે બ્રેડ્થ નેગેટિવ રહી હતી. જોકે કોઈ નોઁધપાત્ર વેચવાલીના સંકેતો સાંપડ્યા નહોતા. પ્લેટફોર્મ પર કુલ 3704 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2120 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1431 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. 129 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 64 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 14 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. કેટલાંક એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ગ્લેનમાર્ક, એમસીએક્સ ઈન્ડિયા, ઈપ્કા લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઈન્ડિયન હોટેલ્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે ઈન્ડિયા સિમેન્ટ્સ, આઈશર મોટર્સ, એપોલો ટાયર્સ, અંબુજા સિમેન્ટ્સ નરમાઈ દર્શાવતાં હતાં.


અદાણી જૂથ શેર્સમાં ભારે વેચવાલીએ M-capમાં રૂ. 1.21 લાખ કરોડનું ધોવાણ
ગ્રૂપ શેર્સનું કુલ માર્કેટ-કેપ રૂ. 18.03 લાખ કરોડ પરથી ગગડી રૂ. 16.81 લાખ કરોડે પહોંચ્યું
અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ગ્રીનના શેર્સમાં 8 ટકાથી વધુનો ઘટાડો

શેરબજારમાં વેચવાલીએ અદાણી જૂથના શેર્સમાં પણ પ્રવેશ કર્યો છે. સોમવારે જૂથના લિસ્ટેડ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને તેઓએ છેલ્લાં એક વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોઁધાવ્યો હતો. જેની પાછળ જૂથના કુલ માર્કેટ-કેપમાં રૂ. 1.21 લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. જૂથ કંપનીઓમાં પ્રમોટર્સ બહુમતી હિસ્સો ધરાવતાં હોવાથી તેમની માર્કેટ-વેલ્થમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
છેલ્લા બે વર્ષોમાં માર્કેટમાં અસાધારણ વેલ્થ ઊભી કરનાર અદાણી જૂથના શેર્સે ઘણીવાર બ્રોડ માર્કેટમાં ઘટાડાથી વિપરીત મજબૂતી દર્શાવી હોવાનું જોવા મળ્યું છે. અગાઉ શોર્ટ સેલર્સ માટે અદાણી કાઉન્ટર્સ ખૂબ જોખમી સાબિત થયાં છે અને તેથી જૂથ કંપનીઓમાં શોર્ટ પોઝીશન લેવાની હિંમત ભાગ્યે જ કોઈ કરે એમ બજાર વર્તુળો જણાવે છે. જોકે સોમવારે જે રીતે શેર્સમાં વેચવાલીનું દબાણ જોવા મળતું હતું તે સૂચવતું હતું કે ઈન્વેસ્ટર્સ વર્તમાન ભાવે પ્રોફિટ બુક કરી રહ્યાં છે એમ તેઓ ઉમેરે છે. અદાણી જૂથ કંપનીઓમાં કામકાજ પણ ઊંચા જોવા મળ્યાં હતાં અને તેથી જ અગાઉ શેર્સ લઈ ગયેલાઓએ પ્રોફિટ બુકિંગ કર્યું હોય એમ માનવામાં આવે છે. અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 8.51 ટકા ગગડી રૂ. 3157.15ની સપાટીએ બંધ રહ્યો હતો. શેર્સ તેની સર્વોચ્ચ ટોચ પરથી 15 ટકા જેટલો કરેક્ટ થઈ ચૂક્યો છે. પખવાડિયા અગાઉ રૂ. 4 લાખ કરોડના માર્કેટ-કેપ પરથી ગગડી તે રૂ. 3.6 લાખ કરોડ પર આવી ગયું છે. અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ સોમવારે 8 ટકાથી વધુ ગગડ્યો હતો. જ્યારે સિટી ગેસ કંપની અદાણી ટોટલનો શેર 7 ટકા, અદાણી ટ્રાન્સમિશનનો શેર 5 ટકા અને અદાણી પોર્ટનો શેર 4 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જૂથ કંપનીઓમાં તેજી દર્શાવવામાં છેલ્લો એવો અદાણી પોર્ટનો શેર તેની તાજેતરની ટોચ પરથી 15 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. સોમવારે જૂથનું કુલ માર્કેટ-કેપ 6.75 ટકા અથવા રૂ. 1.21 લાખ કરોડ ગગડી રૂ. 16.81 લાખ કરોડ પર રહ્યું હતું. ડોલર સંદર્ભમાં જૂથનું માર્કેટ-કેપ 15 અબજ ડોલરનો ઘટાડો દર્શાવતું હતું.

અદાણી જૂથના શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ સોમવારનો બજારભાવ(રૂ.) માર્કેટ-કેપ ઘટાડો(ટકામાં)
અદાણી એન્ટર. 3157.15 359915 -8.51
અદાણી ગ્રીન 2076.65 328948 -8.09
ATGL 3104.65 341452 -6.96
અદાણી ટ્રાન્સ. 3120.65 348106 -5.17
અદાણી પાવર 355.15 136979 -4.99
અદાણી પોર્ટ 785.45 165916 -4.34
કુલ માર્કેટ-કેપ 1681316 -121707 -6.75


બ્રેન્ટ ક્રૂડમાં 4 ટકાનો ઉછાળો નોંધાયો
ઓપેક સહિત અન્ય ક્રૂડ ઉત્પાદક દેશોએ કોમોડિટી ઉત્પાદનમાં પ્રતિ દિવસ દસ લાખ ટનના ઘટાડા માટે વિચારણા ચલાવી રહ્યાં હોવાના અહેવાલ પાછળ ક્રૂડના ભાવમાં તાજેતરના તળિયાથી ઉછાળો નોઁધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 4 ટકા ઉછળી 88.98 ડોલરની ટોચ પર ટ્રેડ થયો હતો. તેણે ગયા સપ્તાહે 82 ડોલરનું નવ મહિનાનું તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી તે સુધારાતરફી બન્યો છે. જોકે જૂન મહિનાની 139 ડોલરની ટોચ પરથી તે હજુ પણ 35 ટકાથી વધુ ઘટાડો સૂચવી રહ્યો છે. ઉત્પાદક દેશોની આ વિચારણા અંગેનો આખરી નિર્ણય તેમના મુખ્યાલય વિયેના ખાતે મળનારી બેઠકમાં જ લઈ શકાશે એમ વર્તુળો જણાવતાં હતાં. દરમિયાનમાં કોમેક્સ ગોલ્ડ સાધારણ પોઝીટીવ ટ્રેડ સાથે 1675 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

રૂપિયો 49 પૈસા ગગડી તળિયા નજીક પહોંચ્યો
વૈશ્વિક ડોલરમાં મજબૂતી વચ્ચે ભારતીય ચલણમાં ઘસારો જોવા મળ્યો હતો. રૂપિયો અગાઉના બંધ સામે 49 પૈસા ગગડી 81.8725ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 81.9175નું તળિયું બનાવ્યું હતું. આમ તે ગયા સપ્તાહના 81.95ના ઐતિહાસિક સ્તર નજીક જઈ સાધારણ પરત ફર્યો હતો. ફોરેક્સ એનાલિસ્ટ્સના મતે ક્રૂડના ભાવમાં મજબૂતીને કારણે રૂપિયા પર દબાણ વધ્યું હતું. વૈશ્વિક ડોલરે સપ્તાહની શરૂઆત પોઝીટીવ દર્શાવી છે. જોકે તે ઓવરબોટ છે અને તેથી ટૂંકાગાળામાં કોન્સોલિડેશનમાં જળવાય તેવી શક્યતાં ઊંચી છે. રૂપિયો પણ ડોલર સામે 81-82ની રેંજમાં અથડાયેલો રહે તેમ મનાય છે.દેશનું સૌથી મોટું ફિનટેક M&A ડીલ રદ થયું
કેટલી શરતો પૂર્ણ નહિ થવાથી PayUએ બિલડેસ્ક ખરીદીનો સોદો મોકૂફ રાખ્યો

દેશમાં ફાઈનાન્સિયલ ટેક્નોલોજી સ્પેસમાં સૌથી મોટા મર્જર એન્ડ એક્વિઝીશન ડિલને રદ કરવામાં આવ્યું છે. પ્રોસૂસ-બેક્ડ PayUએ બિલડેસ્કની ખરીદીના સોદાને મોકૂફ રાખ્યો છે. તેણે લગભગ વર્ષ અગાઉ 31 ઓગસ્ટ 2021ના રોજ 4.7 અબજ ડોલરના કુલ મૂલ્ય સાથે આ એક્વિઝીશન માટે જાહેરાત કરી હતી.
સોમવારે એક નિવેદનમાં પ્રોસૂસે જણાવ્યું હતું કે ટ્રાન્ઝેક્શનને પૂર્ણ કરવા માટે વિવિધ શરતો પૂર્ણ કરવાની રહેતી હોય છે. જેમાં કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(સીસીઆઈ)ની મંજૂરીનો પણ સમાવેશ થતો હોય છે. PayUએ 5 સપ્ટેમ્બર, 2022ના રોજ સીસીઆઈની મંજૂરી મેળવી લીધી હતી. જોકે ડિલ માટેની લોંગ સ્ટોપ ડેટ 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં કેટલીક શરતોનું પાલન નહિ થતાં શરતોને આધીન એગ્રીમેન્ટ આપોઆપ નાબૂદ થયો હતો. આમ પ્રસ્તાવિત ટ્રાન્ઝેક્શન્સનો અમલ નહિ થઈ શકે.
ગયા કેલેન્ડરમાં 31 ઓગસ્ટે પ્રોસૂસે તેની પેટાકંપની PayU પેમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને ભારત સ્થિત ડિજિટલ પેમેન્ટ્સ પ્રોવાઈડર બિલડેસ્કના શેરધારકો વચ્ચે એગ્રીમેન્ટ થયો હોવાની જાહેરાત કરી હતી. ગયા સપ્ટેમ્બરમાં સીસીઆઈ તરફથી ડિલને લીલી ઝંડી મળી હતી પરંતુ તેને રિઝર્વ બેંક ઈન્ડિયા તરફથી મંજૂરી મળવાની બાકી હતી. જે માટેની પ્રક્રિયામાં ઓછામાં ઓછા 45 દિવસોનો સમય લાગી શક્યો હોત. ભારતમાં લાંબા ગાળાના રોકાણકાર અને ઓપરેટર પ્રોસૂસે 2005થી અત્યાર સુધીમાં 6 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તેણે જણાવ્યું હતું કે તે ભારતીય બજાર માટે પ્રતિબધ્ધ છે અને તે તેના હયાત બિઝનેસને વધારી રહી છે. તેના કેટલાંક અન્ય રોકાણોમાં મિશો, બાઈજુસ, ડેહાટ, મેન્સા બ્રાન્ડ્સ અને ગુડ ગ્લેમ ગ્રૂપનો સમાવેશ થાય છે. જો આ એક્વિઝિશન શક્ય બન્યું હોત તો PayU બી2બી સેગમેન્ટમાં ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટમાં સૌથી મોટો ખેલાડી બન્યો હોત.


કોર્પોરેટ હેડલાઈન્સ
અદાણી પોર્ટ્સ/વેદાંત જૂથઃ અદાણી પોર્ટ્સ તથા વેદાંત જૂથ કંપનીએ કરાઈકાલ પોર્ટ માટે 30 સપ્ટેમ્બરના રોજ ફાઈનાન્સિયલ બીડ્સ કર્યાં હોવાનું જાણવા મળે છે. 600 એકરના પોર્ટ માટે ઓગસ્ટમાં એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ દર્શાવનારી પાંચ કંપનીઓમાં આ બંને કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
એવિએશન કંપનીઓઃ ઉડ્ડયન કંપનીઓ માટે સારા અહેવાલમાં જેટ ફ્યુઅલના પ્રાઈસમાં 4.5 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે જેટ ફ્યુઅલના ભાવ રૂ. 1.21 લાખ પ્રતિ કિલોલિટર પરથી ઘટાડી રૂ. 1.15 લાખ કરાયાં છે.
લ્યુપિનઃ ફાર્મા કંપનીએ યુએસએફડીએ તરફથી તેની અંકલેશ્વર મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટી માટે એસ્ટાબ્લિશમેન્ટ ઈન્સ્પેક્શન રિપોર્ટ(ઈઆઈઆર) મેળવ્યો છે. જેની પાછળ કંપનીનો શેર 6 ટકા ઉછળ્યો હતો.
હિંદુસ્તાન એરોનોટિક્સઃ ભારતની સ્થાનિક એરોનોટિક્સ કંપની ઉત્પાદિત પ્રથમ ડેડિકેટેક એટેક હેલિકોપ્ટર લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરને ઈન્ડિયન એરફોર્સના જોધપુર એર ફોર્સ સ્ટેશન ખાતેથી એરફોર્સમાં સમાવવામાં આવશે.
એપીએલ એપોલોઃ સ્ટીલ ટ્યુબ ઉત્પાદકે નાણા વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં 6.02 લાખ ટન સાથે સૌથી ઊંચું સેલ્સ વોલ્યુમ નોંધાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 41 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
લિથિકા ઈન્ફ્રાઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ વિવિધ ઓઈલ એન્ડ ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ તરફથી રૂ. 177 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે.
એનટીપીસીઃ દેશમાં સૌથી મોટી વીજ ઉત્પાદક એવા જાહેર સાહસ એનટીપીસીએ એપ્રિલ-સપ્ટેમ્બરના છ મહિના દરમિયાન વાર્ષિક ધોરણે 15.1 ટકા વૃદ્ધિ સાથે 203.5 અબજ યુનિટ્સનું ઉત્પાદન કર્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 176.8 અબજ ડોલર પર હતું.
આઈસીઆઈસીઆઈ બેંકઃ બીજા ક્રમની પ્રાઈવેટ બેંકે તમામ મુદત માટેના લેન્ડિંગ રેટ્સમાં 10 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. તેણે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ 15 બેસીસ પોઈન્ટ્સ વધારી 9.25 ટકા કર્યો છે.
એનએમડીસીઃ જાહેર ક્ષેત્રની માઈનીંગ કંપનીએ સપ્ટેમ્બરમાં 27.3 લાખ ટનનું આયર્ન ઓરનું ઉત્પાદન નોંધાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 26.9 લાખ ટનની સરખામણીમાં 1.5 ટકા ઊંચું છે.
કોલ ઈન્ડિયાઃ જાહેર ક્ષેત્રના કોલ ઉત્પાદકે સપ્ટેમ્બરમાં 4.57 કરોડ ટન કોલ ઉત્પાદન હાથ ધર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 4.07 કરોડ ટનની સરખામણીમાં 12.3 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
શ્રેઈ ગ્રૂપઃ શ્રેઈ જૂથની બે કંપનીઓ માટે આર્સેલરમિત્તલ જૂથની એએમ માઈનીંગ ઈન્ડિયા પ્રાઈવેટ તરફથી કરવામાં આવેલા બીડીંગનો કમિટી ઓફ ક્રેડિટર્સે સ્વીકાર કર્યો છે.
ઈપ્કા લેબ્સઃ કંપનીનો ડ્રગ એપીઆઈના ઉત્પાદન માટેનો બીજો ગ્રીન ફિલ્ડ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ મધ્ય પ્રદેશમાં દેવાસ ખાતે બની રહ્યો છે.
સિપ્લાઃ ટોચની ફાર્મા કંપનીએ એમ્ટ્રીસિટાબીન, રિલ્પીવાઈરિન, ટેનોફોવિર આલ્ફેનામાઈડ માટે યુએસએફડીએ તરફથી મંજૂરી મેળવી છે.
63મૂન્સઃ એમસીએક્સે તેના વર્તમાન ટ્રેડિંગ અને ક્લિઅરીંગ પ્લેટફોર્મ માટે ત્રણ મહિના માટે 62મૂન્સ સાથે સપોર્ટ અને મેનેજ્ડ સર્વિસિસને લંબાવી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage