કેલેન્ડરના આખરી સત્રમાં મંદીવાળા હાવી રહ્યાં
નિફ્ટી માટે 18200 મહત્વનો અવરોધ બન્યો
2022માં સેન્સેક્સે 4.4 ટકા રિટર્ન દર્શાવ્યું
ઈન્ડિયા વિક્સ ફ્લેટ જળવાયો
નવી સિરીઝની શરૂમાં નિફ્ટી ફ્યુચર્સમાં 115 પોઈન્ટ્સનું પ્રિમીયમ
કેનેરા બેંક, આરબીએલ બેંકમાં વાર્ષિક ટોચ
પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, ચોલા ફીન.માં વાર્ષિક તળિયું
કેલેન્ડર 2022ના આખરી ટ્રેડિંગ સત્રમાં શેરબજારમાં મંદીવાળાઓ આખરે ફાવ્યાં હતાં. વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક શેરબજાર ઈન્ટ્રા-ડે ટોચ પરથી ઊંધા માથે પટકાયું હતું અને બેન્ચમાર્ક્સ અડધા ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 293.14 પોઈન્ટ્સ ગગડી 60840.70ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 86 પોઈન્ટ્સ ગગડી 18105.30ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 31 નેગેટિવ બંધ જળવાયાં હતાં. જ્યારે 19 પોઝીટીવ રહ્યાં હતાં. બીજી બાજુ બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ ઘણી સારી જોવા મળી હતી. જે સૂચવે છે કે ટ્રેડર્સે લાર્જ-કેપ્સમાં પ્રોફિટ બુક કરી રહ્યાં છે. જ્યારે મીડ-કેપ્સમાં બાર્ગેન હંટીંગ ચાલુ છે. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.34 ટકા સુધારા સાથે બંધ જળવાયો હતો.
ગુરુવારે યુએસ બજારમાં મજબૂતી પાછળ એશિયન બજારો પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. જેને કારણે ભારતીય બજારે પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી 18191ના બંધ સામે 18259ની સપાટીએ ખૂલી ઉપરમાં 18265ની ટોચ પર ટ્રેડ થઈ ધીમો ઘસારો દર્શાવતો રહ્યો હતો. જોકે બંધ થવાના અડધા કલાક અગાઉ બજારમાં તીવ્ર વેચવાલી નીકળી હતી. જેની પાછળ નિફ્ટી 18200નું સ્તર તોડી 18080 સુધી નીચે ઉતરી ગયો હતો. જાન્યુઆરી સિરિઝ ફ્યુચર્સ જોકે કેશ નિફ્ટી સામે 115 પોઈન્ટ્સ પ્રિમીયમ પર 18220ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બેન્ચમાર્કને સપોર્ટ આપનાર મુખ્ય ઘટકોમાં બજાજ ફિનસર્વ 2.4 ટકા સાથે ટોચ પર હતો. આ સિવાય ટાઈટન કંપની, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ, બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ, તાતા સ્ટીલ અને હિંદાલ્કો મુખ્ય હતાં. આમ મેટલ કાઉન્ટર્સે બજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો. જ્યારે બીજી બાજુ એસબીઆઈ લાઈફ 2.2 ટકા સાથે સૌથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, ગ્રાસિમ, આઈશર મોટર્સ, એચડીએફસી, લાર્સન, તાતા કન્ઝ્યૂમર્સ, આઈટીસી અને સિપ્લા પણ નોંધપાત્ર ઘટાડો સૂચવી રહ્યાં હતાં. પીએસયૂ બેંક શેર્સમાં નવેસરથી ખરીદી નીકળી હતી અને નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.51 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં પંજાબ એન્ડ સિઁધ બેંક 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત કેનેરા બેંક, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંકમાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી, નિફ્ટી મેટલ, નિફ્ટી મિડિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. જોકે આ સિવાય તમામ સેક્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જેમાં નિફ્ટી એફએમસીજી ટોચ પર હતો. ઈન્ડેક્સ 0.76 ટકા તૂટ્યો હતો. તેના ઘટકોમાં વરુણ બેવરેજીસ 2.55 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગોદરેજ કન્ઝ્યૂમર, મેરિકો, નેસ્લે, બ્રિટાનિયા, કોલગેટ સહિતના કાઉન્ટર્સ નરમાઈ સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા, નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો અને નિફ્ટી બેંક પણ નેગેટિવ જોવા મળતાં હતાં. બેંકનિફ્ટી દિવસની શરૂઆતથી જ નરમાઈ દર્શાવી રહ્યો હતો. પ્રાઈવેટ બેંકિંગ કાઉન્ટર્સમાં ઘટાડા પાછળ આમ જોવા મળતું હતું. ICICI બેંક ઉપરાંત એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, બંધન બેંક, એક્સિસ બેંક પણ નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.3 ટકા ડાઉન જોવા મળતો હતો. જોકે ઝાયડસ લાઈફ, બાયોકોન, ઓરોબિંદો ફાર્મા અને સન ફાર્મા જેવા કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. ઓટો સેગમેન્ટમાં આઈશર મોટર્સ, ટીવીએસ મોટર, એમએન્ડએમ, અશોક લેલેન્ડ અને મારુતિમાં નરમાઈ જોવા મળતી હતી. જ્યારે અમરરાજા બેટરીઝમાં બાઉન્સ જોવા મળ્યું હતું. એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, એમઆરએફ, બોશમાં પણ મજબૂતી જળવાય હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કેટલાંક કાઉન્ટર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી રહી હતી. જેમાં શ્રીરામ ફાઈનાન્સ 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત મણ્ણાપુરમ ફાઈનાન્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈડીએફસી, એનએડીસી, ડેલ્ટા કોર્પ, એમએન્ડએમ ફાઈ., આઈઓસી, આરઈસી, ઓબેરોય રિઅલ્ટી, એમ્ફેસિસ અને પાવર ફાઈનાન્સ 2 ટકાથી વધુનો સુધારો સૂચવી રહ્યાં હતાં. બીજી બાજુ પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, ગ્રામિસ, અબોટ ઈન્ડિયા, જિંદાલ સ્ટીલ, એચડીએફસી, એલટીઆઈમાઈન્ડટ્રી અને ક્યુમિન્સ સહિતના કાઉન્ટર્સ નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ગુજરાત પીપાવાવ 7.6 ટકા ઉછળી રૂ. 100ની સપાટી કૂદાવી ગયો હતો. આ ઉપરાંત સોલાર ઈન્ડ, ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ, કેનેરા બેંક, આરઈસી અને આરબીએલ બેંક પણ વાર્ષિક ટોચ પર જોવા મળ્યાં હતાં. જ્યારે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને ચોલા ફિન હોલ્ડિંગે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી પાછળ બ્રોડ માર્કેટમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3632 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2150 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1350 નેગેટિવ જોવા મળતાં હતાં.
સરકારે દાળો અને વેજિટેબલ ઓઈલની નીચા દરે આયાતને લંબાવી
ભારત સરકારે દાળો અને વેજિટેબલ ઓઈલ્સ જેવાકે પામ તેલ, સોયાબિન ઓઈલ અને સનફ્લાવર ઓઈલની નીચા દરે આયાતને માર્ચ 2024 સુધી લંબાવી છે. દેશમાં ખાદ્ય ફુગાવો નીચા દરે જળવાય રહે તે માટે સરકારે આમ કર્યું છે. ભારત વિશ્વમાં સૌથી મોટો ખાદ્યતેલ આયાતકાર છે. સરકારે 2021ના મધ્યાંતરથી ખાદ્ય તેલો પરની આયાત જકાતને ઘટાડી હતી. જેની મુદત 31 માર્ચ, 2023ના રોજ પૂરી થતી હતી. ખાદ્ય તેલોના ભાવ વિક્રમી સપાટી પર પહોંચવાને કારણે સરકારે આમ કર્યું હતું. ભારત તેની 60-65 ટકા ખાદ્ય તેલ જરૂરિયાત આયાત મારફતે પૂરી કરે છે. હાલમાં ક્રૂડ પામ તેલ પર 5.5 ટકાની આયાત જકાત લાગુ પડે છે. જે 2021ની શરૂમાં 35.75 ટકા પર હતી. દેશ મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયાથી પામ તેલ આયાત કરે છે. જ્યારે આર્જેન્ટીના અને બ્રાઝિલથી સોયાતેલ અને યૂક્રેન તથા રશિયા ખાતેથી સનફ્લાવર તેલની આયાત કરે છે. જ્યારે કઠોળ પાકોની આયાત મ્યાનમાર અને આફ્રિકન દેશો ખાતેથી થાય છે.
ક્રિપ્ટોઝને લઈને કોમન આંતરરાષ્ટ્રીય અભિગમ જરૂરીઃ RBI
ક્રિપ્ટોને ‘સેમ-રિસ્ક-સેમ-રેગ્યુલેટરી-આઉટકમ’નો સિધ્ધાંત લાગુ પાડવાનાં તથા પરંપરાગત ફાઈનાન્સિયલ ઈન્ટરમિડિયરીઝ અને એક્સચેન્જિસને લાગુ પડતાં રેગ્યુલેશન હેઠળ લાવવાનાં વિકલ્પો પર બેંકર કામ કરી રહ્યો છે
સેન્ટ્રલ બેંકરના મતે ક્રિપ્ટો ઊંચી વોલેટિલિટી ધરાવવા સાથે ઈન્ફ્લેશન સામે હેજનો દાવો પોકળ
ક્રિપ્ટો માર્કેટ ઊંચી વોલેટિલિટી ધરાવે છે તેમજ ક્રિપ્ટોકરન્સિઝS ‘એન અનસ્ટેબલ ઈકોસિસ્ટમ’ ઊભી કરી છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ(FSR)માં નોંધ્યું છે. ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિસ્ક્સને પહોંચી વળવા તથા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે ક્રિપ્ટો એસેટ્સને લઈને વૈશ્વિક સ્તરે એક કોમન અભિગમની જરૂર હોવાનું આરબીઆઈએ ઉમેર્યું છે.
ક્રિપ્ટો એસેટ્સ માર્કેટ વોલેટાઈલ બની રહ્યું હોવા છતાં હજુ સુધી ઔપચારિક ફાઈનાન્સિયલ સિસ્ટમની સ્થિરતા પર તેની વિપરીત અસર જોવા નથી મળી. જોકે અત્યાર સુધીનો અનુભવ સૂચવે છે કે તે એક અસ્થિર ઈકોસિસ્ટમ ધરાવે છે અને સમયાંતરે એવા પુરાવા વધી રહ્યાં છે જે સૂચવે છે કે ક્રિપ્ટોઝ ઊંચા કોન્સન્ટ્રેશન અને ઈન્ટરકનેક્ટેડ જળવાય રહી છે. આરબીઆઈએ ઉમેર્યું હતું કે એફટીએક્સની નાદારી સૂચવે છે કે ક્રિપ્ટો ઊંચી વોલેટિલિટી ધરાવે છે અને તે ઈક્વિટીઝ સાથે ઊંચો સહસંબંધ ધરાવે છે. જોકે તે ઈન્ફ્લેશન સામે હેજિંગ તરીકે કામ કરતી નથી. રિપોર્ટ નોંધે છે કે ક્રિપ્ટો ઈન્ફ્લેશન સામે હેજિંગ બેનિફિટ્સને કારણે વેલ્યૂ માટે વૈકલ્પિક સ્રોત હોવાના દાવાથી વિરુધ્ધ ઈન્ફ્લેશન વધવા છતાં ક્રિપ્ટો એસેટ્સની વેલ્યૂમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બર 2021માં ટોચ બનાવ્યાં બાદ બિટકોઈનના વેલ્યૂમાં 70 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ક્રિપ્ટો ઈકોસિસ્ટસમાં લેવરેજ એક સતત ચાલતું થીમ છે અને તેથી તે ઝડપથી મોટી નુકસાનીમાં લઈ જાય છે એમ રિપોર્ટ ઉમેરે છે. ક્રિપ્ટોઝને કારણે વધુ રકાસને અટકાવવા માટે આરબીઆઈ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ વિકલ્પોની વિચારણા કરી રહી છે. જેમાં પ્રથમ વિકલ્પ ‘સેમ-રિસ્ક-સેમ-રેગ્યુલેટરી-આઉટકમ’ના સિધ્ધાંતને લાગુ પાડવાનો છે તથા ક્રિપ્ટોઝને પરંપરાગત ફાઈનાન્સિયલ ઈન્ટરમિડિયરીઝ અને એક્સચેન્જિસને લાગુ પડતાં રેગ્યુલેશન હેઠળ લાવવાનો છે. બીજો વિકલ્પ ક્રિપ્ટો પર પ્રતિબંધનો છે. કેમકે તેમનો રિઅલ-લાઈફ ઉપયોગ લગભગ નગણ્ય છે. જોકે આ અભિગમ સામે સૌથી મોટો પડકાર વિવિધ દેશોમાં ભિન્ન લિગલ સિસ્ટમ્સનું તથા વ્યક્તિગત અધિકારોનું હોવું છે. ત્રીજો વિકલ્પ ક્રિપ્ટોના બોંબને તેની જાતે જ ફૂટવા દઈને સિસ્ટેમેટિકલી અસંબંધિત બનાવવાનો છે. તેની સ્વાભાવિક અસ્થિરતા અને જોખમીપણું સેક્ટરને આખરે આગળ વધતું અટકાવશે એમ આરબીઆઈ નોંધે છે.
2023માં ટેલિકોમ ક્ષેત્રે 1.5 લાખ કરોડના રોકાણનો અંદાજ
રિલાયન્સ જીઓ દેશવ્યાપી રોલઆઉટમાં રૂ. 1 લાખ કરોડથી વધુ રોકાણ કરશે
ભારતી એરટેલ રૂ. 27000-28000 કરોડનું રોકાણ કરવા તૈયાર
સરકારી ઓપરેટર બીએસએનએલ 4જી નેટવર્સમાં રૂ.16 હજાર કરોડનું રોકશે
ટેલિકોમ ગિઅર ઉત્પાદકોની કામગીરીમાં વૃદ્ધિ
નોકિયાના મતે ભારતમાં વિશ્વમાં સૌથી ઝડપી 5જી રોલઆઉટ થઈ રહ્યું છે
ટેલિકોમ કંપનીઓ ટેરિફના દરોમાં પણ વૃદ્ધિ કરે તેવી સંભાવના
લોકોને 5જી સાથે જોડવાથી લઈ ઓપરેશન્સ ખર્ચમાં ઘટાડા સુધી દેશનું ટેલિકોમ સેક્ટર એકથી વધુ સુધારાઓમાંથી પસાર થઈ રહ્યું છે. નવા કેલેન્ડરમાં તે 1.5 લાખ કરોડથી વધુનું રોકાણ આકર્ષવા માટે તૈયાર જણાય છે. જેમાં મોટાભાગનો ખર્ચ 5જી નેટવર્ક ઊભું કરવામાં થશે.
એક તબક્કે ભારતની ગ્રોથ સ્ટોરીના હિરો સમાન ટેલિકોમ સેક્ટર કેટલાક સમય માટે જંગી ડેટમાં ડૂબ્યું હતું. જે દરમિયાન ઘણા ખેલાડીઓએ એક્ઝિટ લેવી પડી હતી. હવે તે સુધારાના નવા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, તેમજ જંગી ઈન્વેસ્ટમેન્ટ્સ માટે તૈયાર છે. અદાણી જૂથે ટેલિકોમ બિઝનેસમાં મોટાપાયે પ્રવેશવા માટેની તેની યોજના જાહેર કરવાની બાકી છે, પરંતુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર દેશમાં 5જી સેવાઓની શરૂઆત માટે રૂ. 2 લાખ કરોડના રોકાણની પ્રતિબધ્ધતા દર્શાવી છે. કેલેન્ડર 2022 ટેલિકોમ સેક્ટર માટે એક મહત્વનું બની રહ્યું હતું. કેમકે છેલ્લાં 4-5 વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે 5જીનું લોંચિંગ શક્ય બન્યું હતું. જે ટેલિકોમ માટે એક મોટી ફલાંગ સમાન છે એમ અંબાણીએ જણાવ્યું હતું. કંપની આગામી વર્ષે 5જીના મજબૂત રોલઆઉટ માટે આશાવાદી છે.
ટેલિકોમ સચિવે જણાવ્યું હતું કે તેઓ યુઝ કેસિસ પર કામ કરી રહ્યાં છે. તેઓ રાજ્ય સરકારો, મંત્રાલયો, સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સને ભારતીય સંદર્ભમાં ઈનોવેટિવ યુઝ કેસિસ રજૂ કરવા જણાવી રહ્યાં છે. જે બિઝનેસના અનલોકિંગ સાથે જાહેર જનતાની કેટલીક સમસ્યાઓ અને કેટલાંક પડકારોનું નિરાકરણ પણ લાવે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર કેટલાંક એવા ઉપાયો પણ હાથ ધરશે જેથી કરીને ટેલિકોમ ઓપેરટર્સ માટે ઓપરેશન ખર્ચમાં ઘટાડો લાવી શકાય. જે સેક્ટર માટે ઊંચા માર્જિન્સનું કારણ બને અને દસકાથી વધુ સમયથી જંગી ડેટમાં ડૂબેલાં સેક્ટરને થોડી રાહત મળે. રિલાયન્સ જીઓએ સરકારને સ્પેક્ટ્રમ પેટે રૂ. 87,946.93 કરોડ કમિટ કર્યાં છે. જે તેણે આગામી 20 વર્ષોમાં ચૂકવવાના થાય છે. જે રૂ. 1.12 લાખ કરોડનું બેલેન્સ દર્શાવે છે. કંપનીએ તેના 5જી કોરને ઊભું કરવામાં આંશિક રકમનું રોકાણ કર્યું છે. જ્યારે 5જી માટેના રૂ. 1.12 લાખ કરોડના બાકી વધતાં રોકાણના મહત્તમ હિસ્સાનું રોકાણ 2023માં કરવામાં આવશે. બીજા ક્રમની ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલ 5જી માટે રૂ. 27000-28000 કરોડનું રોકાણ કરે તેવી અપેક્ષા છે. જ્યારે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ 2023માં સ્વદેશીરીતે વિકસાવવામાં આવેલા 4જી નેટવર્સની લોંચિંગમાં રૂ. 16 હજાર કરોડનું રોકાણ કરશે. પાછળથી સિસ્ટમને 5જીમાં અપગ્રેડ કરવામાં આવશે. આમ, તમામ કંપનીઓ મળી રૂ. 1.5 લાખ કરોડનું રોકાણ ટેલિકોમ સેક્ટરમાં જોવા મળશે.
સરકારે ટેલિકોમ સેક્ટર માટે સ્ટ્રક્ચરલ તથા પ્રોસિજરલ સુધારાઓને ગયા વર્ષે મંજૂરી આપી હતી. જેમાં ઈ-કેવાયસી સહિત ભાવિ ઓક્શનમાં સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જિસને દૂર કરવાની તથા ઓટોમેટીક રૂટ મારફતે 100 ટકા એફડીઆઈ તેમજ બેંક ગેરંટીના રેશનલાઈઝેશન જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ(એજીઆર), ઈન્ટરેસ્ટ રેટ્સ અને પેનલ્ટીઝમાં પણ રાહતો આપી હતી. જેને કારણે 2022માં ટેલિકોમ સેક્ટરને મોટી રાહત સાંપડી હતી. મોટાભાગની રાજ્ય સરકારો પણ કેન્દ્ર સરકારની આગેવાનીમાં સુધારાઓને અનુસરી રહી છે અને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-ફ્રેન્ડલી નીતિઓ ઘડી રહી છે. તાજેતરમાં જ ટેલિકોમ પ્રધાને આપેલા આંકડા મુજબ દેશમાં પ્રતિ સપ્તાહ 5જી સર્વિસિસ માટે સરેરાશ 2500 બેઝ સ્ટેશન્સ સ્થાપવામાં આવી રહ્યાં છે. 26 નવેમ્બર 2022 સુધીમાં કુલ 20,980 બેઝ સ્ટેશન્સ ઈન્સ્ટોલ થઈ ચૂક્યાં હતાં. ટેલિકોમ ગિઅરના અગ્રણી ઉત્પાદકો નોકિયા અને એરિક્સને ભારતમાં તેમની મેન્ચૂફેક્ચરિંગ કામગીરીમાં વૃદ્ધિ કરી છે. ટેલિકોમ ગિઅર્સના ઉત્પાદન માટેની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ(પીએલઆઈ) સ્કિમ હેઠળ 42 કંપનીઓએ રૂ. 4115 કરોડના ઈન્વેસ્ટમેન્ટની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. નોકિયાએ જણાવ્યા મુજબ ભારતમાં તે વિશ્વનું સૌથી ઝડપી 5જી રોલઆઉટનો અનુભવ કરી રહી છે. નોકિયા ઉપરાંત એરિક્સન સહિત ટેક મહિન્દ્રા જેવી ટેલિકોમ સેક્ટરમાં અગ્રણી કંપનીઓ 5જી રોલઆઉટને લઈને ખૂબ જ પોઝીટીવ જોવા મળી રહી છે.
ટેરિફમાં વૃદ્ધિ
ટેલિકોમ ઓપરેટર્સ ભારતી એરટેલ, વોડાફોન અને જીઓએ 18-42 ટકાની રેંજમાં ટેરિફ વૃદ્ધિ કરી તેમના એવરેજ રેવન્યૂ પર યુઝર(આર્પૂ)માં નોંધપાત્ર વૃદ્ધિ નોઁધાવી હતી. વોડાફોને નવેમ્બર 2019માં મોબાઈલ સર્વિસિઝના દરોમાં વૃદ્ધિ માટે આગેવાની લીધી હતી. ભારતી અને રિલાયન્સ તેમને અનુસર્યાં હતાં. 2019માં લગભગ પાંચ વર્ષો બાદ ટેરિફમાં વૃદ્ધિ કરવામાં આવી હતી. 2014માં ડેટા પ્રાઈસ પ્રતિ જીબી રૂ. 269 પરથી 2017માં પ્રતિ જીબી રૂ. 11.78ના રેટે 95 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતી હતી. ભારતી એરટેલ તેના એન્ટ્રીલેવલ મોબાઈલ પ્લાનમાં 57 ટકા વૃદ્ધિ માટે પાયલોટ રન કરી રહી છે. વોડાફોન 2022ના આકરા વર્ષને સુખરુપ પસાર કરવામાં સફળ રહી છે. જોકે 2023 કંપની માટે મેક-ઓર-બ્રેક જેવું રહેશે. હાલમાં તે સરકાર તરફથી કંપનીમાં 33 ટકા હિસ્સો ખરીદવામાં આવે તેની રાહ જોઈ રહી છે. ગયા વર્ષે સરકારે કંપનીને રાહતના ભાગરૂપે ઈન્ટરેસ્ટ પેટે નીકળતી રકમને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાને મંજૂરી આપી હતી.
બેંક્સની NPA 10-વર્ષોના તળિયેઃ RBI
બેંકિંગ કંપનીઓ નવી મૂડી વિના જ આંચકાઓ પચાવી શકવાની સ્થિતિમાં
છેલ્લાં બે ક્વાર્ટર્સથી નફાકારક્તામાં તીવ્ર વૃધ્ધિને કારણે બેંકિંગ કંપનીઓની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 10-વર્ષોના તળિયે હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવે છે. જેના કારણે એનપીએ-ટુ-નેટ એડવાન્સિસ રેશિયો સપ્ટેમ્બર 2022માં ઘટીને 1.3 ટકા પર રહ્યો હતો. જે 10-વર્ષોનો સૌથી નીચો હતો.
હાલમાં ભારતીય બેંક્સનું એનપીએ લેવલ માર્ચ 2012ના સ્તરે જોવા મળી રહ્યું છે એમ આરબીઆઈનો રિપોર્ટ ઉમેરે છે. સપ્ટેમ્બરની આખરમાં પ્રાઈવેટ બેંક્સની એનપીએનું સ્તર ઘટીને 0.8 ટકા પર જોવા મળ્યું હતું. જ્યારે જાહેર ક્ષેત્રની બેંક્સનું એનપીએ લેવલ 1.8 ટકા પર રહ્યું હતું. ડિસેમ્બર 2021થી વધી રહેલો ત્રિમાસિક સ્લીપેજ રેશિયો પણ 2022-23ના બીજા ક્વાર્ટરથી ઠંડો પડ્યો હતો. જેનું મુખ્ય કારણ પીએસયૂ બેંક્સ તરફથી પરિણામોમાં સતત સુધારો હતો. માર્ચ 2021થી વધી રહેલો પ્રોવિઝન કવરેજ રેશિયો સપ્ટેમ્બર 2022માં 71.5 ટકા પર પહોંચ્યો હતો. ગ્રોસ એનપીએમાં સતત ઘટાડાનો દોર જળવાયો હતો અને સપ્ટેમ્બરની આખરમાં તે 5 ટકા પર પહોંચ્યો હતો. જે સાત વર્ષનું તળિયું હતું. સપ્ટેમ્બર 2023 સુધીમાં તે વધુ ઘટી 4.9 ટકા પર જોવા મળે તેવી શક્યતાં છે. સ્લીપેજિસમાં ઘટાડા, રાઈટ-ઓફ્સમાં વૃદ્ધિ તથા ઊંચા ક્રેડિટ ગ્રોથ પાછળ આમ શક્ય બન્યું છે. બેંક્સના નવા સ્લિપેજિસમાં ઘટાડાને કારણે બેંક્સના GNPA રેશિયોમાં ઘટાડાનું વલણ ચાલુ રહેવાની શક્યતાં છે એમ બેંક ઉમેરે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ રિટેલઃ રિલાયન્સ જૂથની કંપનીએ એક વર્ષમાં 2 લાખ જોબ્સ ઊભી કરી હોવાનું RILના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. દરમિયાનમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સની સબસિડિયરી કંપની રિલાયન્સ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સે લોટસ ચોકલેટ કંપનીમાં રૂ. 74 કરોડમાં 51 ટકા હિસ્સો ખરીદવાનું નક્કી કર્યું છે. કંપની અન્ય 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર પણ કરશે. કંપની લોટસનો શેર રૂ. 113ના ભાવે ખરીદશે.
ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પ્રા. લિ. અને ડીએસપી ટ્રસ્ટી પ્રાઈવેટ લિ.ને ડીએસપી મ્યુચ્યુલ ફંડની બુક્સમાં ટોટલ એક્સપેન્સ રેશિયો(ટીઈઆર) ચાર્જ કરવા બદલ રૂ. 1-1 લાખની પેનલ્ટી ફટકારી છે. સેબીએ તેના આદેશમાં નોંધ્યું હતું કે ડિફોલ્ટર્સે ડીએસપી નિફ્ટી 50 ઈટીએફના કિસ્સામાં તેમની પોતાની બુક્સમાં 0.16 ટકામાંથી 0.09 ટકાના સ્કીમ ખર્ચનું પેમેન્ટ કર્યું હતું. સેબીએ નોંધ્યું છે કે આ પ્રકારની પ્રેકટીસ મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગમાં વિસંગતિ ઊભી કરી શકે છે.
ખનીજ કંપનીઓઃ દેશમાં ઓક્ટોબર મહિનામાં ખનીજોનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 2.5 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. મહિના માટે મિનરલ પ્રોડક્શન એન્ડ માઈનીંગ ઈન્ડેક્સ 112.5 પર જળવાયો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 110 પર જોવા મળતો હતો. એપ્રિલ-ઓક્ટોબરના સાત મહિનામાં ઈન્ડેક્સમાં વાર્ષિક 4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
રેલીગેર એન્ટરપ્રાઈઝિસઃ કંપનીની એનબીએફસી પાંખ રેલીગેર ફિનવેસ્ટે તેના 16 લેન્ડર્સ સાથે બાકી નીકળતાં દેણાને લઈને વન-ટાઈમ સેટલમેન્ટ હાથ ધર્યું હતું. રેલીગેર ફિનવેસ્ટે 16 લેન્ડર્સને રૂ. 5344 કરોડ ચૂકવવામાં થાય છે. જેમાં એસબીઆઈ, બીઓબી અને પીએનબીનો સમાવેશ પણ થાય છે. રેલીગેર એન્ટરપ્રાઈઝિસે શુક્રવારે વન-ટાઈમ સેટલમેન્ટ તરીકે રૂ. 2320 કરોડની ઓફર કરી હતી.
આઈડીબીઆઈ બેંકઃ પીએસયૂ બેંકે તેની સબસિડિયરી આઈડીબીઆઈ મ્યુચ્યુલ ફંડની સ્કિમ્સને એલઆઈસી મ્યુચ્યુલ ફંડને ટ્રાન્સફર કરવા માટે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. જે સાથે આઈડીબીઆઈ એમએફ હવેથી એલઆઈસી એમએફમાં ભળી છે. એલઆઈસીએ જાન્યુઆરી 2019માં આઈડીબીઆઈ બેંકને ટેકઓવર કરી હતી. જોકે એલઆઈસી પાસે પોતાની એસેટ મેનેજમેન્ટ કંપની હતી. અગાઉના નિયમ મુજબ એક જ પ્રમોટર એકથી વધુ એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં 10 ટકાથી વધુ હિસ્સો ધરાવી શકે નહિ. જોકે આઈડીબીઆઈ એમએફની પેરન્ટ કંપની આઈડીબીઆઈ બેંકનો બહુમતી હિસ્સો એલઆઈસી પાસે હોવાથી ટ્રાન્સફર જરૂરી બન્યું હતું.
આઈશર મોટર્સઃ કંપની સ્પેન સ્થિત ઈવી ઉત્પાદક સ્ટાર્ક ફ્યુચર્સ એસએલમાં 10.35 ટકા હિસ્સો ખરીદશે એમ જણાવ્યું છે. કંપની 5 કરોડ યુરોમાં આ હિસ્સો ખરીદશે. કંપનીનું ઈવી સ્પેસમાં આ પ્રથમ જોડાણ છે.
વેલસ્પન એન્ટરપ્રાઈઝિસઃ કંપનીના બોર્ડે શુક્રવારે બાયબેકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જે હેઠળ કંપની રૂ. 200ના ભાવે 1.17 કરોડ શેર્સની ટેન્ડર પ્રક્રિયા મારફતે ખરીદી કરશે. કંપની રૂ. 235 કરોડનું બાયબેક કરશે. જે પેઈડ-અપ કેપિટલનો 14.22 ટકાથી 15.74 ટકા દર્શાવે છે. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 7.50ના સ્પેશ્યલ ડિવિડન્ડની પણ મંજૂરી આપી હતી.
ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સઃ કંપનીએ રૂ. 123 કરોડનો નવો ઓર્ડર મેળવ્યો છે. જે સાથે તેની કુલ ઓર્ડર બુક રૂ. 1513 કરોડ પર પહોંચી છે.
સિપ્લાઃ ફાર્મા કંપનીની યૂકે સ્થિત સંપૂર્ણ માલિકીની પેટાકંપની સિપ્લા(ઈયૂ) લિમિટેડે એથરિસ જીએમબીએચમાં 1.5 કરોડ યૂરોના રોકાણ માટે ડેફિનેટિવ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.