Market Summary 30 April 2021

માર્કેટ સમરી

ઊંચા મથાળે વેચવાલીએ 14700નું સ્તર તોડ્યું

એશિયન બજારોમાં નરમાઈ પાછળ ભારતીય બજારમાં પણ વેચવાલી ફરી વળી હતી અને નિફ્ટી 14700ના સપોર્ટની નીચે ઉતરી ગયો હતો. આમ ચાર દિવસોમાં નિફ્ટીમાં જોવા મળેલા સુધારાનો 50 ટકા સુધારો એક જ દિવસમાં ધોવાઈ ગયો હતો.

બેંક નિફ્ટી 3 ટકા તૂટ્યો

બેંકિંગે ફરી એકવાર બજારમાં ઘટાડાની આગેવાની લીધી હતી અને તે 2.8 ટકા તૂટી 33 હજારની નીચે ઉતરી ગયો હતો. ખાનગી ક્ષેત્રના બેંક શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક અગ્રણી હતાં.

બ્રોડ માર્કેટમાં નરમાઈ વચ્ચે PSU શેર્સમાં ભારે લેવાલી નીકળી

તમામ સેક્ટરલ સૂચકાંકોમાં નરમાઈ વચ્ચે નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પોણા બે ટકા ઉછળી બંધ રહ્યો

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ, સ્ટીલ, કોલ, ઓઈલ-ગેસ સહિતના પીએસયૂમાં જોવા મળેલો સુધારો

શુક્રવારે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં વેચવાલી વચ્ચે પબ્લિક સેક્ટર યુનિટ્સ(પીએસયૂ) શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી અને એનએસઈના સેક્ટરલ સૂચકાંકોમાં ફાર્મા ઈન્ડેક્સ ઉપરાંત માત્ર નિફ્ટી પીએસઈ જ પોઝીટીવ બંધ રહ્યો હતો. પીએસઈ ક્ષેત્રે તમામ વર્ટિકલ્સમાં અગ્રણી કંપનીઓના શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જે સૂચવે છે કે આગામી દિવસોમાં સરકાર બજેટમાં પ્રસ્તાવિત ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંગે કોઈ મહત્વની જાહેરાત કરી શકે છે.

જાહેર સાહસોમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને રિફાઈનરી શેર્સ સુધારો દર્શાવવામાં અગ્રણી રહ્યાં હતાં. પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ તેઓ વધુ સુધારો દર્શાવતાં રહ્યાં હતાં અને માર્કેટ રેડ ઝોનમાં સરી પડ્યું ત્યારે પણ તેઓ પોઝીટીવ રહ્યાં હતાં. ઓઈલ માર્કેટિંગ કાઉન્ટર્સમાં ઊંચા કામકાજ પણ જોવા મળ્યાં હતાં. દેશમાં સૌથી મોટી ઓએમસી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનો શેર એક તબક્કે 4 ટકાથી વધુનો સુધારો દર્શાવી રૂ. 93.10 પર ટ્રેડ થયો હતો. જોકે બજારમાં 2 ટકાથી વધુના ઘટાડા બાદ તેનો કેટલોક સુધારો ભૂંસાયો હતો અને તે 2.19 ટકાના સુધારે 90.85ના સ્તરે બંધ રહ્યો હતો. આ જ રીતે બે અન્ય ઓએમસી એચપીસીએલ તથા બીપીસીએલના શેર્સમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એચપીસીએલનો શેર ઈન્ટ્રા-ડે ટોચ પરથી પરત ફર્યાં બાદ પણ 2.2 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે બીપીસીએલનો શેર 0.54 ટકા સુધારા સાથે બંધ આવ્યો હતો. રિફાઈનરી કંપની એમઆરપીએલનો શેર સતત ત્રીજા દિવસે પોઝીટીવ ટ્રેડ દર્શાવતો હતો. સરકારે બીપીસીએલ માટે ખાનગીકરણની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે.

આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે ખાનગી સ્ટીલ ઉત્પાદક કંપનીઓના શેર્સ ટોચના ભાવથી કરેક્ટ થઈ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં ત્યારે એકમાત્ર જાહેર સાહસ સ્ટીલ ઓથોરિટીનો શેર 6 ટકાથી વધુના સુધારે બંધ આવ્યો હતો. કંપનીનો શેર 6.22 ટકા ઉછળી રૂ. 121.35ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે કેલેન્ડર 2008 બાદની ટોચ હતી. આમ તેણે 13 વર્ષની ટોચ દર્શાવી હતી. સેઈલનો શેર રૂ. 80ના સ્તરેથી સતત સુધારો દર્શાવતો રહ્યો છે. આમ ટૂંકાગાળામાં તેણે 50 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. ઊંચી ખરીદી દર્શાવનારા કેટલાક અન્ય પીએસયૂ સાહસમાં કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(6 ટકા), ઓએનજીસી(4 ટકા), કોલ ઈન્ડિયા(4 ટકા), ભેલ(2.33 ટકા), ઓઈલ ઈન્ડિયા(2.2 ટકા), એચપીસીએલ(2 ટકા), ગેઈલ(2 ટકા), ભેલ(1.5 ટકા)નો સમાવેશ થતો હતો. માર્કેટ નિરિક્ષકોના મતે પીએસઈ શેર્સમાં સુધારાનું કારણ સસ્તાં વેલ્યૂએશન છે. મોટાભાગના જાહેર સાહસોએ છેલ્લા એક દાયકામાં તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટની જાહેરાત બાદ જાહેર સાહસોમાં તીવ્ર સુધારો નોંધાયો હતો. જ્યાંથી તેઓ નોંધપાત્ર કરેક્શન દર્શાવી ચૂક્યાં છે. આમ અન્ય ક્ષેત્રો કરતાં પીએસયૂ શેર્સમાં રિસ્ક-રિવોર્ડ રેશિયો ઘણો પોઝીટીવ જણાય રહ્યો હોવાથી ઈન્વેસ્ટર્સ મોટી પોઝીશન લઈ રહ્યાં છે.

શુક્રવારે પીએસઈ શેર્સનો દેખાવ

કંપની વૃદ્ધિ(ટકામાં)

સેઈલ 6.2

કન્ટેનર કોર્પોરેશન 6.0

ઓએનજીસી 4.0

કોલ ઈન્ડિયા 4.0

ભેલ 2.4

આઈઓસી 2.2

ઓઈલ ઈન્ડિયા 2.2

એચપીસીએલ 2.2

ગેઈલ 1.8

ભારત ઈલેક્ટ્રિક 1.5ગાઈડન્સ સુધારતાં વિપ્રોનો શેર રૂ. 500 કૂદાવી ગયો

અગ્રણી આઈટી કંપની વિપ્રોએ ગયા સપ્તાહે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યાં ત્યાં રજૂ કરેલા ગાઈડન્સમાં પોઝીટીવ સુધારો કરતાં કંપનીનો શેર ગેપ-અપ ઓપનીંગ સાથે ખૂલ્યાં બાદ પ્રથમવાર રૂ. 500ની સપાટી કૂદાવી ગયો હતો. આઈટી કંપનીનો શેર અગાઉના રૂ. 490ના બંધ સામે રૂ. 512ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. કંપનીએ રૂ. 2.7 લાખ કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. કંપનીનો શેર તેના રૂ. 178ના વાર્ષિક તળિયા સામે સતત સુધરતો જોવા મળ્યો છે. માર્ચ ક્વાર્ટરના પરિણામ બાદ તે લગભગ 18 ટકા જેટલો ઉછાળો દર્શાવી રહ્યો છે.

ટોચના બે ફાર્મા શેર્સમાં લેવાલી જોવા મળી

દેશમાં માર્કેટ-કેપની રીતે ટોચની બે ફાર્મા કંપનીઓ સન ફાર્મા અને ડિવિઝ લેબોરેટરીઝમાં શુક્રવારે નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. સન ફાર્માનો શેર અગાઉના રૂ. 644.60ના બંધ સામે 3 ટકાથી વધુ ઉછળી રૂ. 666.50ની બે વર્ષની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 1.60 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીનો શેર છેલ્લા પાંચ વર્ષથી અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. ડિવીઝ લેબનો શેર બીજી બાજુ ઝડપથી સુધરી રહ્યો છે. શુક્રવારે તેણે અગાઉના રૂ. 3910ના બંધ સામે રૂ. 4134ની ટોચ દર્શાવી હતી. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.1 લાખ કરોડ પર પહોંચ્યું હતું. કંપનીનો શેર છેલ્લા એક વર્ષમાં 100 ટકથી વધુ રિટર્ન સૂચવી રહ્યો છે.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે હેલ્થકેર ઇટીએફ લોંચ કર્યું

અગ્રણી મ્યુચ્યુલ ફંડ એક્સિસ એમએફે શુક્રવારે એક્સિસ હેલ્થકેર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ લોંચ કર્યું હતું. જે નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સને ટ્રેક કરતું ઓપન એન્ડેડ ફંડ છે. તે દેશની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં રોકાણની તક પૂરી પાડે છે. એનએફઓ 10 મે સુધી ખૂલ્લો રહેશે. જેમાં લઘુત્તમ રૂ. 5 હજારનું રોકાણ કરવાનું રહેશે.

ટાટા મેટાલિકનો શેર 14 ટકા ઉછળી રૂ. 1000ને પાર નીકળ્યો

ટાટા જૂથની સ્ટીલ અને આર્યન પ્રોડક્ટ્સ બનાવતી કંપની ટાટા મેટાલિકનો શેર 14 ટકા ઉછળી રૂ. 1000ને પાર નીકળી ગયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 920ના બંધ સામે 14 ટકાથી વધુ ઉછળી રૂ. 1041ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. ચીને ઘણી બધી સ્ટીલ પ્રોડ્કટ્સની નિકાસ પરના પ્રોત્સાહનો નાબૂદ કરતાં ભારતીય કંપનીઓને વૈશ્વિક બજારમાં તેમની પ્રોડક્ટ્સના વેચાણમાં નોંધપાત્ર લાભ થશે. જેની પાછળ અંતિમ બે ટ્રેડિંગ સત્રો દરમિયાન અનેક સ્ટીલ કંપનીઓના શેર્સમાં તીવ્ર લેવાલી જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage