બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સે વળતો હુમલો કરતાં શેરબજારમાં 3 ટકાનો ઉછાળો
તેજીવાળાઓ માટે બમ્પર દિવસ
શોર્ટ સેલર્સ ઊંઘતા ઝડપાયાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 18.70ની સપાટીએ
બેંકિંગ, ઓટો, આઈટી, મેટલ, એફએમસીજીમાં 2 ટકાથી ઊંચો સુધારો
નિફ્ટીના તમામ 50 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું
બ્રોડ માર્કેટમાં પણ ભારે લેવાલી
220 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો
ભારતીય શેરબજારમાં તેજીવાળાઓએ રીતસરનો હુમલો કરતાં મંદીવાળાઓ ભરાઈ પડ્યાં હતાં. સોમવારે શોર્ટ પોઝીશન ઊભી કરીને ગયેલાઓ માટે મંગળવાર દુઃસ્વપ્ન સમાન બની રહ્યો હતો. તેજીવાળાઓએ સમગ્ર સત્ર દરમિયાન બજાર પર મજબૂત પકડ જાળવી રાખી હતી અને બેન્ચમાર્ક્સ નવી ઊંચાઈઓ સર કરતું રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 1564 પોઈન્ટ્સ ઉછળી 59537ની સપાટીએ જ્યારે નિફ્ટી 446 પોઈન્ટ્સ ઉછળી 17759ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે લેવાલી પાછળ નિફ્ટીના તમામ કાઉન્ટર્સે ગ્રીન ઝોનમાં બંધ દર્શાવ્યું હતું. છેલ્લાં અનેક મહિનાઓમાં પ્રથમવાર આમ જોવા મળ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ ભારે લેવાલી વચ્ચે બીએસઈ ખાતે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી અને બેથી વધુ શેર્સમાં સુધારા સામે એક શેરમાં નરમાઈ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ગગડી 18.70ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે વ્યાપક અપેક્ષાથી વિપરીત માર્કેટમાં તીવ્ર સુધારો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં સ્થિરતા વચ્ચે તથા એસજીએક્સ નિફ્ટી તરફથી પોઝીટીવ ઓપનીંગના સંકેતો મળતાં હતાં. જોકે માર્કેટ માટે બમ્પર દિવસ બની રહેશે તેની કોઈને કલ્પના પણ નહોતી. નિફ્ટી 17313ના અગાઉના બંધ સામે 17415ની સપાટીએ લગભગ 100 પોઈન્ટ્સ મજબૂતી સાથે ખૂલ્યા બાદ અવિરત વધતો રહ્યો હતો. માર્કેટમાં વેચવાલીના અભાવે તેજીવાળાઓને કોઈ અવરોધ નડ્યો નહોતો અને બંધ થતાં અગાઉ સુધીમાં બેન્ચમાર્ક 17778ની ટોચ પર ટ્રેડ થયો હતો. કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 60 પોઈન્ટ્સથી વધુના પ્રિમીયમ સાથે ટ્રેડ દર્શાવતો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17600ની સપાટી પાર કરતાં તે ફરી મજબૂતી દર્શાવી રહ્યો છે. હવે તેના મતે 17800 અને ત્યારબાદ 18000ના અવરોધ સ્તરો છે. જે પાર થશે તો બેન્ચમાર્ક 18600ની અગાઉની ટોચ દર્શાવે તેવી પૂરી સંભાવના છે. જોકે ફંડામેન્ટલ એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં વેલ્યૂએશન જસ્ટીફાઈ થાય તે માટેનું કોઈ કારણ નથી. હાલના વેલ્યૂએશન ટકી શકે તેમ નથી. કેમકે બીજા ક્વાર્ટર માટેના પરિણામો નબળા આવશે તેવી ઊંચી શક્યતાં છે. બીજું ફેડ પાછળ આરબીઆઈ પણ વધુ બે રાઉન્ડ રેટ વૃદ્ધિ કરશે અને તેથી માર્કેટમાં લિક્વિડીટીની તંગી ઊભી થશે. છેલ્લાં ત્રણ મહિનામાં માર્કેટમાંથી મોટી લિક્વિડીટી દૂર થઈ છે. આ સ્થિતિમાં માર્કેટમાં તેજીની અપેક્ષા રાખવી અસ્થાને છે. તેમના મતે માર્કેટમાં ઊંચી વોલેટિલિટી જોવા મળશે.
મંગળવારે માર્કેટને બહોળો સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં બેંકિંગે આગેવાની લીધી હતી. નિફ્ટી બેંક 3.3 ટકા ઉછળ્યો હતો અને ફરી 39 હજારની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. બેંકિંગ ક્ષેત્રે અગ્રણી સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં ઈન્ડ્સઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા, ફેડરલ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક મુખ્ય હતાં. તે તમામ 3 ટકાથી વધુ મજબૂતી સૂચવી રહ્યાં હતાં. તમામ બેંક શેર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં પણ 3.42 ટકાનો ઉછાળો નોઁધાયો હતો. બજાજ ફિનસર્વ અને બજાજ હિંદુસ્તાનમાં 5 ટકાથી વધુ સુધારા પાછળ ઈન્ડેક્સ ઉછળ્યો હતો. એચડીએફસીનો શેર પણ 3.24 ટકા જેટલો ઉછળ્યો હતો. આ સિવાય એસબીઆઈ લાઈફ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયનલ વગેરેમાં 2 ટકાથી વધુ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 2.6 ટકા મજબૂતી સાથે ફરી તેની સર્વોચ્ચ સપાટી નજીક જોવા મળ્યો હતો. ઓટો કાઉન્ટર્સમાં ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત અશોક લેલેન્ડ 4 ટકા, ટાટા મોટર્સ 4 ટકા, ટીવીએસ મોટર 3 ટકા, બોશ 3 ટકા, મારુતિ સુઝુકી પણ 3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. મારુતિ સુઝુકીનો શેર તેની વાર્ષિક ટોચ નજીક પહોંચ્યો હતો. નિફ્ટી એફએમસીજી પણ 2 ટકાથી વધુ મજબૂતી સૂચવી રહ્યો હતો. એફએમસીજી અગ્રણી હિંદુસ્તાન યુનિલીવરનો શેર 3.26 ટકા મજબૂતી સાથે તાજેતરની ટોચ પર બંધ રહ્યો હતો. તેણે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. આ ઉપરાંત વરુણ બેવરેજીસ, કોલગેટ, આઈટીસી, જ્યુબિલિઅન્ટ ફૂડ, યુનાઈટેડ બ્રૂઅરીઝ, ડાબર ઈન્ડિયા અને ગોદરેજ કન્ઝ્યૂમરમાં પણ 2 ટકાથી વધુની ખરીદી જોવા મળતી હતી. નિફ્ટી મેટલ 2.11 ટકા સુધારા સાથે તેજીમાં ભાગીદાર બન્યો હતો. મેટલ કાઉન્ટર્સમાં સ્ટીલ શેર્સમાં મોટી તેજી હતી. જેમાં જિંદાલ સ્ટીલ 4 ટકા, ટાટા સ્ટીલ 3 ટકા અને જેએસડબલ્યુ સ્ટીલ 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. આ ઉપરાંત હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, સેઈલ અને વેદાંત જેવા મેટલ કાઉન્ટર્સ પણ 1.5 ટકાથી વધુ સુધારો દર્શાવતાં હતાં. એનર્જી શેર્સમાં ખરીદી પાછળ નિફ્ટી એનર્જી 2 ટકા પોઝીટીવ જોવા મળ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, ઓએનજીસી, એનટીપીસી, ટાટા પાવર, ગેઈલ, એચપીસીએલ અને રિલાયન્સનો સમાવેશ થાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 2600ની સપાટી પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 1.2 ટકા સુધારો સૂચવી રહ્યો હતો. ફાર્મા કાઉન્ટર્સમાં આલ્કેમ 2.2 ટકા સાથે ટોપ પર્ફોર્મર હતો. આ સિવાય બાયોકોન, સિપ્લા, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, લ્યૂપિન, ઓરોબિંદો ફાર્મા એક ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ડીએલએફ 5.4 ટકા સુધારો દર્શાવતો હતો. આ સિવાય એસઆરએફ, ઈન્ડિયા સિમેન્ટ્સ, ઈન્ફો એજ, ગોદરેજ પ્રોપર્ટીઝ, માઈન્ડટ્રી, જીએમઆર ઈન્ફ્રા, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ અને એપોલો ટાયર્સમાં 3 ટકાથી વધુનો સુધારો નોંધાયો હતો. બીજી બાજુ એનએમડીસી, ડો. લાલ પેથલેબ્સ, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ભારત ઈલેક્ટ્રીક, ભેલમાં નરમાઈ જોવા મળી હતી. બ્રોડ માર્કેટમાં બીએસઈ ખાતે 3552 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2328 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1095 નેગેટિવ જોવા મળ્યાં હતાં. 220 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 22 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું.
ડોલર સામે રૂપિયો 47 પૈસા ઉછળ્યો
ઈક્વિટી માર્કેટમાં ભારે તેજી અને વૈશ્વિક ડોલરમાં નરમાઈ પાછળ સ્થાનિક ચલણમાં મજબૂતી જોવા મળી હતી. મંગળવારે કામકાજની શરૂઆતમાં 80.15ની ઐતિહાસિક નીચી સપાટી દર્શાવી રૂપિયામાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યું હતું. ડોલરમાં વેચવાલી પાછળ રૂપિયો સુધરીને 79.44ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો અને ત્યાં જ બંધ રહ્યો હતો. આમ અગાઉના 79.91ના બંધ સામે તે 47 પૈસા ઉછળ્યો હતો. જે છેલ્લાં ચાર સપ્તાહનો સૌથી ઊંચો સુધારો હતો. સોમવારે રૂપિયાએ 80.13નું ઐતિહાસિક તળિયું દર્શાવ્યું હતું. વૈશ્વિક બજારમા ક્રૂડમાં નરમાઈએ પણ રૂપિયાને સપોર્ટ કર્યો હતો.
બોફા સિક્યૂરિટીઝે નિફ્ટીનો ટાર્ગેટ સુધાર્યો
વૈશ્વિક બ્રોકરેજ હાઉસ બોફા સિક્યૂરિટીઝે એનએસઈના બેન્ચમાર્ક નિફ્ટીના ટાર્ગેટમાં ચાલુ મહિને બીજીવાર સુધારો કર્યો છે. બ્રોકરેજે જણાવ્યું છે કે તેની અપેક્ષા મુજબ કેલેન્ડર 2022માં નિફ્ટી 17000-19500ની રેંજમાં ટ્રેડ દર્શાવશે. જ્યારે તેનો બેઝ 18500નો રહેશે. જે વર્તમાન સ્તરેથી 7 ટકા જેટલા સુધારાની શક્યતા દર્શાવે છે. અગાઉ 11 ઓગસ્ટે બોફાએ નિફ્ટીનો ટાર્ગેટ સુધારી 14500થી 15600 કર્યો હતો. કંપનીના તાજા રિસર્ચ રિપોર્ટમાં એનાલિસ્ટ નોંધે છે કે જેકસન હોલ ઘટના બાદ ચાલુ કેલેન્ડર માટેની મોટાભાગની મેક્રો ઈવેન્ટ્સ સમાપ્ત થઈ ચૂકી છે અને બજાર તેને ગણનામાં લઈ ચૂક્યું છે. જ્યારે ભારતમાં સ્થાનિક સ્તરે નવેમ્બર 2023 સુધી ગુજરાત અને કર્ણાટક, બે જ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવાની છે. જે આર્થિક સુધારાઓ માટેની અનૂકૂળતા પૂરી પાડે છે.
ઓગસ્ટમાં FPIsનું રૂ. 50 હજાર કરોડનું રોકાણ
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ભારતીય શેરબજારમાં ઓગસ્ટ દરમિયાન લગભગ રૂ. 50 હજાર કરોડનું ચોખ્ખુ રોકાણ નોંધાવ્યું છે. જે 20 મહિના બાદનું સૌથી મોટું રોકાણ છે. અગાઉ ડિસેમ્બર 2020માં તેમણે 60 હજાર કરોડનું રોકાણ ઠાલવ્યું હતું. જોકે ઓક્ટોબર 2021થી જૂન 2022 સુધીના નવ મહિના દરમિયાન તેમણે સતત વેચવાલી દર્શાવી હતી અને માર્કેટમાંથી રૂ. 2.5 લાખ કરોડ પરત ખેંચ્યાં હતાં. ચાલુ કેલેન્ડરમાં જુલાઈમાં રૂ. 5 હજાર કરોડ બાદ ઓગસ્ટમાં તેમણે આક્રમક ખરીદી દર્શાવી હતી.
ક્રૂડ, ગોલ્ડ, બેઝ મેટલ્સ અને ડોલર ઈન્ડેક્સમાં સાર્વત્રિક ઘટાડો
બ્રેન્ટ ક્રૂડ વાયદો 104 ડોલરની નજીક જઈ ફરી 100 ડોલર નીચે ઉતર્યો
કોમેક્સ ગોલ્ડ 1750 ડોલર પર ટકવામાં નિષ્ફળ
ડોલર ઈન્ડેક્સ સોમવારે 109.44ની 20 વર્ષની ટોચ બનાવી પાછો પડ્યો
યુએસ ફેડ ચેરમેનની રેટ વૃદ્ધિને લઈને ટિપ્પણી બાદ વૈશ્વિક કોમોડિટીઝ માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. બેઝ મેટલ્સ, બુલિયન અને ડોલર ઈન્ડેક્સમાં મંગળવારે સાર્વત્રિક નરમાઈ જોવા મળી હતી. એવુ ભાગ્યે જ બને છે જ્યારે ગોલ્ડ અને ડોલર એક દિશામાં ટ્રેડ દર્શાવતાં હોય. બંને વચ્ચે વ્યસ્ત સંબંધને કારણે ડોલરમાં મજબૂતી વખતે ગોલ્ડમાં નરમાઈ જોવા મળતી હોય છે.
જેક્સન હોલ ખાતે ફેડ ચેરમેનની રેટ લાંબો સમય ઊંચા સ્તરે જળવાય રહેશે એ પ્રકારના નિવેદન બાદ ઈક્વિટીઝે તરત પ્રતિક્રિયામાં તીવ્ર ઘટાડો નોઁધાવ્યો હતો. જ્યારે ક્રૂડ અને ડોલરમાં મજબૂતી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો સોમવારે 100 ડોલરની સપાટી કૂદાવી ગયો હતો અને 3 ટકાથી વધુ સુધારો સૂચવતો હતો. બેઝ મેટલ્સમાં પણ કોઈ ખાસ ઘટાડો જોવા નહોતો મળ્યો. જ્યારે ડોલર ઈન્ડેક્સે સોમવારે અગાઉના 109.14ની 20-વર્ષોની ટોચને પાર કરી સોમવારે 109.44ની નવી ટોચ દર્શાવી હતી. જેની પાછળ ભારતીય ચલણે પણ નવુ તળિયું દર્શાવ્યું હતું. જોકે મંગળવારે કોમોડિટી એક્સચેન્જિસ ખાતે જાતે-જાતમાં વેચવાલી જોવા મળતી હતી. એલ્યુમિનિયમ, કોપર, ઝીંક સહિતની ધાતુઓ 3 ટકા સુધીનો ઘટાડો દર્શાવતી હતી. જ્યારે ક્રૂડના ભાવ પણ 3 ટકા જેટલા તૂટ્યાં હતાં. બ્રેન્ટ ક્રૂડ વાયદો 103 ડોલર ઉપર ટ્રેડ દર્શાવ્યા બાદ 99 ડોલરની નીચે ઉતરી ગયો હતો. તે સપ્તાહ અગાઉના 92 ડોલરના તળિયાના ભાવથી 10થી વધુ ડોલરની તેજી દર્શાવી પાછો પડ્યો હતો. એનાલિસ્ટ્સના મતે ક્રૂડના ભાવ દિશાહિન ટ્રેડ દર્શાવી રહ્યાં છે. તે ન્યૂઝ બેઝ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. હાલમાં ટોચના અર્થતંત્રો ખાતે મંદીના ડરને કારણે ક્રૂડમાં સેન્ટિમેન્ટ નરમાઈનું છે. જોકે ભાવને ઘટતાં અટકાવવા માટે ઓપેક તરફથી ઉત્પાદન પર નિયંત્રણની હિલચાલ પાછળ તેને નીચા મથાળે સપોર્ટ સાંપડ્યો હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. બ્રેન્ટ ક્રૂડ માટે 90 ડોલર એક મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો તે 75 ડોલર સુધીનો ઘટાડો દર્શાવી શકે છે. જ્યારે નેચરલ ગેસના ભાવમાં પણ સેન્ટિમેન્ટ નરમાઈનું જોવા મળે છે. ઈયુ ખાતે સોમવારે ગેસ વાયદામાં સેલર સર્કિટ લાગી હતી. કેમકે વપરાશમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
બુલિયનમાં પણ અન્ડરટોન નરમ છે. ફેડ તરફથી ચાલુ કેલેન્ડરમાં ઓછામાં ઓછા બે રાઉન્ડ રેટ વૃદ્ધિની શક્યતાને જોતાં ગોલ્ડના ભાવ નરમાઈ સૂચવે છે. મંગળવારે કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 5 ડોલર નરમાઈએ 1745 ડોલર પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે સ્પોટ ગોલ્ડ 1732 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. ભારતીય બજારમાં ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે ગોલ્ડને સપોર્ટ સાંપડ્યો છે અને તે રૂ. 50 હજારની સપાટીને જાળવી શક્યું છે. મંગળવારે એમસીએક્સ ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 356ના ઘટાડે રૂ. 50900ની આસપાસ જ્યારે એમસીએક્સ સિલ્વર ફ્યુચર્સ રૂ. 400 ઘટી રૂ. 53920ના સ્તરે ટ્રેડ દર્શાવતો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સ વૈશ્વિક ગોલ્ડમાં 1700 ડોલરનો સપોર્ટ જોઈ રહ્યાં છે. જેની નીચે સોનુ 1690 ડોલર સુધી ગગડી શકે છે. જો ડોલર ઈન્ડેક્સ ઘસારો જાળવશે તો ગોલ્ડમાં સુધારો સંભવ છે. સોમવારે 109.44ની 20-વર્ષોની ટોચ દર્શાવ્યા બાદ મંગળવારે ડોલર ઈન્ડેક્સ 108.36 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વધુ 2 લાખ હેકટર વિસ્તાર સાથે 95 ટકા વાવેતર પૂર્ણ
ગયા સપ્તાહે એરંડામાં 74 હજાર હેકટર, ઘાસચારામાં 56 હજાર હેકટર અને ડાંગરમાં 14 હજાર હેકટરનો ઉમેરો થયો
ખરિફ અનાજ પાકોનું વાવેતર છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર નોંધાયું
ગઈ ખરિફમાં સમાનગાળાની સરખામણીમાં વાવેતરમાં 1.1 લાખ હેકટરની વૃદ્ધિ
ગુજરાતમાં ખરિફ વાવેતર 82 લાખ હેકટર સાથે 95 ટકા વિસ્તારમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે પ્રથમવાર ગઈ સિઝનની સરખામણીમાં તે 1.1 લાખ હેકટરની નોંધપાત્ર વૃદ્ધિ સૂચવી રહ્યું છે. ગયા સપ્તાહે ખરિફ વાવેતરમાં 1.96 લાખ હેકટરનો ઉમેરો જોવા મળ્યો હતો. જેમાં મુખ્યત્વે એરંડા, ઘાસચારા અને ડાંગર જેવા અનાજ પાકોના વાવેતરનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સમાનગાળામાં 80.90 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર જોવા મળતું હતું.
રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 86.32 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર નોંધાયું હતું. જેની સરખામણીમાં હજુ પણ 4.32 લાખ હેકટર નીચું વાવેતર જોવા મળે છે. ખરિફ સિઝન લગભગ પૂરી થવા આવી છે. કૃષિ નિષ્ણાતોના મતે વાવેતરમાં વધુ 2-3 લાખ હેકટરનો ઉમેરો આગામી બે સપ્તાહમાં નોંધાશે. જેમાં એરંડા, શોર્ટ સ્ટેપલ કપાસ, ઘાસચારા અને શાકભાજી પાકો મુખ્ય હશે. છેલ્લાં સપ્તાહ દરમિયાન પણ એરંડાના વાવેતરમાં 74 હજાર હેકટરની વૃદ્ધિ જોવા મળી હતી અને તે 5.4 લાખ હેકટર પર પહોંચ્યું હતું. અગાઉના સપ્તાહાંતે તે 4.66 લાખ હેકટર પર જોવા મળતું હતું. જ્યારે ગયા વર્ષે સમાનગાળામાં 4.26 લાખ હેકટરમાં જ વાવેતર જોવા મળતું હતું. ચાલુ વર્ષે એરંડાનું વાવેતર ઊંચું જોવા મળી રહ્યું છે. જેને જોતાં તે છેલ્લાં ત્રણ વર્ષોની 6.77 લાખ હેકટરની સરેરાશને પાર કરી જાય તેવી સંભાવના છે. આમ એરંડાના વાવેતરમાં જ હજુ 1.4 લાખ હેકટર વૃદ્ધિની સંભાવના છે. રાજ્યમાં એરંડાના મુખ્ય વાવેતર વિસ્તાર બનાસકાંઠામાં વ્યાપક વરસાદને જોતાં એરંડાનું વાવેતર ઊંચું રહેવા માટે અનૂકૂળતા પણ છે. આ ઉપરાંત કોમોડિટીના ભાવ સારા જોવા મળી રહ્યાં છે અને તેને કારણે ખેડૂતો એરંડો વાવવાનું પસંદ કરશે. ધાન્ય પાકોમાં ડાંગરનું વાવેતર પણ ઘણુ ખરુ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં હજુ 20-30 હજાર હેકટરની વૃદ્ધિ સંભવ છે. ગઈ સિઝનમાં સમાનગાળામાં 8.04 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 8.64 લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર થઈ ચૂક્યું છે. જે સૂચવે છે કે ડાંગરનુ વાવેતર 9 લાખ હેકટરને પાર કરી શકે છે. જે છેલ્લાં ઘણા વર્ષોનો વિક્રમ હશે. છેલ્લાં એક સપ્તાહમાં પાકના વાવેતરમાં 14 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી. ડાંગર ઉપરાંત બાજરીમાં પણ વર્તમાન સિઝનમાં વાવેતર નોંધપાત્ર ઊંચું રહેવાથી ખરિફ અનાજની વાવણી વિક્રમી જોવા મળી રહી છે. ગઈ સિઝનમાં 13.04 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં તે 13.65 લાખ હેકટર પર જોવા મળી રહી છે. છેલ્લાં એક સપ્તાહમાં ઘાસચારાનું વાવેતર 56 હજાર હેકટર વૃદ્ધિ સાથે 9.94 લાખ હેકટર પર પહોંચ્યું હતું. જોકે ગયા વર્ષે સમાનગાળામાં 10.10 લાખ હેકટરની સરખામણીમાં તે નીચું હતું. શાકભાજીનું વાવેતર 12 હજાર હેકટર વધી 2.38 લાખ હેકટર પર પહોંચ્યું હતું. જોકે ગયા વર્ષના 2.45 લાખ હેકટરની સામે તે નીચું જોવા મળે છે. મુખ્ય ખરિફ પાકો કપાસના વાવેતરમાં વધુ 7 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 25.38 લાખ હેકટરે પહોંચ્યું હતું. જ્યારે મગફળીમાં પણ 7 હજાર હેકટર ઉમેરા સાથે વાવેતર વિસ્તાર 17.08 લાખ હેકટર પર જોવા મળતો હતો. કઠોળ પાકોના વાવેતરમાં 10 હજાર હેકટરનો ઉમેરો નોંધાયો હતો અને તે 4.07 લાખ હેકટરે પહોંચ્યો હતો. જોકે ગઈ સિઝનમાં સમાનગાળામાં 4.95 લાખ હેકટર સામે તે તીવ્ર ઘટાડો દર્શાવે છે. ચાલુ સિઝનમાં અડદનું વાવેતર 96 હજાર હેકટરમાં જ જોવા મળે છે. જે ગઈ સિઝનમાં 1.54 લાખ હેકટરમાં જોવા મળતું હતું. તુવેરનું વાવેતર પણ 10 હજાર હેકટરના ઘટાડે 2.17 લાખ હેકટરમાં નોંધાયું છે. જ્યારે મગનું વાવેતર 98 હજાર હેકટર સામે 79 હજાર હેકટર પર જોવા મળે છે.
ઓગસ્ટ આખર સુધી ખરિફ વાવણીનું ચિત્ર(લાખ હેકટરમાં)
પાક ખરિફ 2022 ખરિફ 2021
કપાસ 25.45 22.51
તેલિબિયાં 17.08 19.10
અનાજ 13.65 13.04
કઠોળ 4.07 4.95
ઘાસચારો 9.94 10.10
શાકભાજી 2.38 2.45
કુલ 82.00 80.90
કોર્પોરેટ હેડલાઈન્સ
પ્રાઈવેટ બેંક્સઃ આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકે તેના ડિપોઝીટ્સ રેટ્સમાં વૃદ્ધિ કરી છે. જેમાં આઈસીઆઈસીઆઈ બેંક તરફથી રૂ. 2-5 કરોડની ડિપોઝીટ્સ પર 3.5-6.05 ટકા રેટ ઓફર થઈ રહ્યો છે. એક્સિસ બેંક 1થી 5 વર્ષ અને 10 વર્ષ સુધીની મુદતની એફડી પર 6.5 ટકા સુધીનો રેટ ઓફર કરી રહી છે. જ્યારે આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ. 2-5 કરોડ સુધીની ડિપોઝીટ્સ પર 4.5-7 ટકા રેટ ઓફર કરી રહી છે. પીએસયૂ બેંક્સ તરફથી આક્રમક ડિપોઝીટ રેટ્સ બાદ પ્રાઈવેટ બેંક્સે પણ તેમને અનુસરવું પડ્યું છે.
બેંક ઓફ ઈન્ડિયાઃ પીએસયૂ બેંકે ફ્યુચર લાઈફસ્ટાઈલ સામે ઈન્સોલ્વન્સીની અરજી ફાઈલ કરી છે. બેંકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ મંગળવારે અરજી કરી હતી. અગાઉ ફ્યુચર રિટેલને પણ એસબીઆઈ એનસીએલટીમાં લઈ ગઈ હતી. આ સિવાય કંપનીને એક ક્રેડિટર કેટાલિસ્ટ ટ્રસ્ટીશીપ તથા લોટસ લાઈફસ્પેસ એલએલપી પણ એનસીએલટીમાં લઈ ગયા છે. કંપની પાસેથી બંનેએ અનુક્રમે રૂ. 452 કરોડ અને રૂ. 150 કરોડનો દાવો કર્યો છે.
સન ફાર્માઃ ટોચની ફાર્માસ્યુટીકલ કંપનીના અધિકારીના જણાવ્યા મુજબ કંપનીની ટોપલાઈનમાં નીચો દ્વિઅંકી વૃદ્ધિ દર જોવા મળશે. જ્યારે કંપની ગ્લોબલ સ્પેશ્યાલિટી બિઝનેસમાં વૃદ્ધિ જાળવી રાખશે.
બીપીસીએલઃ કંપનીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે વિસ્તરણ કંપનીની અગત્યતા રહેશે. પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપની કોચી રિફાઈનરીઝમાં બીના ખાતે બે પેટકેમ પ્રોજેક્ટસનું આયોજન કરી રહી છે.
આઈઆરસીટીસીઃ રેલ્વેની પેટાકંપનીએ પેસેન્જર્સ માટે વોટ્સએપ મારફતે ફૂડ ડેલિવરી સુવિધા શરૂ કરી છે. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે ઓફર ફોર સેલને પડતી મૂકવામાં આવી હોવા અંગે તેને સરકાર તરફથી કોઈ માહિતી મળી નથી.
તાતા સ્ટીલઃ તાતા જૂથની સ્ટીલ કંપનીના ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ડેવિડ ક્રેને બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાં જોડાવાના કારણસર રાજીનામુ આપ્યું છે.
પાવર કંપનીઝઃ કેન્દ્રિય વીજ મંત્રાલયે ગ્રીડ-કનેક્ટેડ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પાસેથી પાવરની ખરીદી માટે ટેરિફ-બેઝ્ડ બિડીંગ નિયમોની જાહેરાત કરી છે.
ઓરિએન્ટ ઈલેક્ટ્રીકઃ પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડે કન્ઝ્યૂમર ઈલેક્ટ્રીક કંપનીના 13.08 લાખ શેર્સનું ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે વેચાણ કર્યું છે.
સેફાયર ફૂડ્ઝઃ એડલવેઈસ ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સે કંપનીના 3.43 લાખ શેર્સનું પ્રતિ શેર રૂ. 1220.22ના ભાવે વેચાણ કર્યું છે.
એમએન્ડએમઃ યૂટિલિટી વ્હીકલ ઉત્પાદક કંપનીની પેટા કંપની મહિન્દ્રા ઈલેક્ટ્રીક મોબિલિટીએ ન્યૂ કાર્ગો ઈલેક્ટ્રીક થ્રી-વ્હીલર ઝોર ગ્રાન્ડ લોંચ કર્યું છે.
મેક્રોટેક ડેવલપર્સઃ મુંબઈ સ્થિત રિઅલ્ટી ડેવલપર્સ પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસીસ પર નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ લોચ કરી રૂ. 250 કરોડ સુધીનું ફંડ ઊભું કરશે.
વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝઃ એન્જીનીયરીંગ કંપની પ્રેફરન્શિયલ બેસીસ પર રૂ. 46.86 કરોડના મૂલ્યના શેર્સ ઈસ્યૂ કરશે.
ક્રિષ્ણા ઈન્સ્ટીટ્યુટઃ કંપનીએ સ્પાનવ મેડિસર્ચ લાઈફસાઈન્સિઝમાં 51 ટકા હિસ્સાની ખરીદી કરી છે. કંપનીએ રૂ. 80 કરોડમાં આ ડિલ કર્યું છે.
Market Summary 30 August 2022
August 30, 2022
