Market Summary 30 Dec 2020

Market Summary 30 Dec 2020

નિફ્ટી 14000થી 3 પોઈન્ટ છેટે પહોંચી પોઝીટીવ બંધ આપવામાં સફળ

બેન્ચમાર્ક નિફ્ટીએ ઈન્ટ્રા-ડે કરેક્શન દર્શાવી પોઝીટીવ ટોન જાળવી રાખ્યો હતો. નિફ્ટી 14 હજારથી સાવ નજીક 13997ને સ્પર્શ કરી 13982 પર બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ પણ 133 પોઈન્ટ્સ સુધરી 47746 પર બંધ રહ્યો હતો.

માર્કેટમાં સિમેન્ટ શેર્સમાં ભારે લેવાલી

બુધવારે લાર્જ સાઈઝથી લઈને સ્મોલ સિમેન્ટ ઉત્પાદકોના શેર્સમાં જોવા મળેલી ભાર લેવાલી પાછળ શેર્સ મલ્ટી-યર ટોચ પર

આગામી કેન્દ્રિય બજેટની સંભવિત જાહેરાતોને બજાર ડિસ્કાઉન્ટ કરવા લાગ્યુ છે. બુધવારે આવી જ એક ઘટનામાં સિમેન્ટ શેર્સમાં ચારેબાજુથી લેવાલી જોવા મળી હતી અને કોમોડિટી ઉત્પાદક કંપનીઓના શેર્સમાં 20 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. લાર્જ સિમેન્ટ ઉત્પાદકો સહિત મિડિયમ અને મિની સિમેન્ટ પ્લાન્ટ કંપનીઓના શેર્સમાં પણ તેજી જોવા મળી હતી અને તેઓ સર્વોચ્ચ અથવા તો અંતિમ ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયાં હતાં અને સુધારા સાથે બંધ આપવામાં પણ સફળ રહ્યાં હતાં.

છેલ્લા કેટલાક દિવસોથી રિઅલ એસ્ટેટ ક્ષેત્ર તેજી દર્શાવી રહ્યું હતું. સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાં પણ ખરીદી જોવા મળતી હતી. જ્યારે આ બંને ક્ષેત્રો માટે મુખ્ય કાચી સામગ્રી એવા સિમેન્ટ ઉત્પાદકોના શેર્સ લગભગ સ્થિર જળવાયા હતા. જોકે બુધવારે સિમેન્ટ સેક્ટર પણ તેજીમાં જોડાઈ ગયું હતું અને અલ્ટ્રાટેક જેવા દેશમાં સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક સહિતના શેર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. અલ્ટ્રાટેકનો શેર દિવસ દરમિયાન 5.5 ટકા જેટલો ઉછળી રૂ. 5398 સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો અને આખરે 4.11 ટકા અથવા રૂ. 212ના સુધારે રૂ. 5355 પર બંધ રહ્યો હતો. જે સ્તરે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.55 લાખ કરોડ પર પહોંચ્યું હતું. માર્ચ મહિનામાં રૂ. 2900ના તળિયાથી કંપનીનો શેર સતત સુધરતો રહ્યો છે અને તે રૂ. એક લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ દર્શાવતી એક માત્ર સિમેન્ટ કંપની છે. તાજેતરમાં કંપનીએ વિસ્તરણ માટેની જાહેરાત કરી હતી. દક્ષિણ સ્થિત ઈન્ડિયા સિમેન્ટનો શેર બુધવારે 20 ટકા ઉછળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 145.10ના બંધ ભાવ સામે રૂ. 29 ઉછળી રૂ. 174.10 પર બંધ રહ્યો હતો. જે તેની અંતિમ પાંચ વર્ષોની ટોચનો ભાવ છે. માર્ચ મહિનાના રૂ. 70ના તળિયાથી તે નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો છે. નોંધપાત્ર ખરીદી દર્શાવનાર મધ્યમ કદની સિમેન્ટ કંપનીઓમાં સાંઘી સિમેન્ટ(10 ટકા), મંગલમ સિમેન્ટ(7 ટકા), કાકટિયા સિમેન્ટ(5 ટકા), હેડલબર્ગ સિમેન્ટ(5 ટકા), રામ્કો સિમેન્ટ(5 ટકા), જેપી એસોસિએટ્સ(4.5 ટકા) તથા એનસીએલ ઈન્ડ.(4.5 ટકા)નો સમાવેશ થતો હતો. લાર્જ-કેપ સિમેન્ટ કંપની જેવીકે અંબુજા સિમેન્ટનો શેર પણ 3 ટકાથી વધુના સુધારે રૂ. 252.5ની વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો.

હાઉસિંગ ક્ષેત્રે અંતિમ ત્રણ મહિનાઓમાં માગ ગયા વર્ષની સરખામણીમાં ઊંચી રહેવાના કારણે સિમેન્ટના ભાવમાં નોંધપાત્ર સમય બાદ મજબૂતી જોવા મળી છે. જોકે હાલમાં ભાવ સ્થિર છે અને સપ્લાયની સ્થિતિ સારી હોવાના કારણે તેમાં મોટી વૃદ્ધિની સંભાવના નથી પરંતુ આગામી બજેટમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ટર પાછળ જંગી ફાળવણી કરે તેવી શક્યતા પાછળ સ્ટીલ, સિમેન્ટ સહિત બેઝિક રો-મટિરિયલ્સ ઉત્પાદકોને લાભ મળશે તેવું રોકાણકારો માની રહ્યાં છે અને તેઓ ખરીદી કરી રહ્યાં છે. માર્કેટમાં ફાર્મા અને એફએમસીજી જેવા ક્ષેત્રોનું સાઈડલાઈન રહેવું સૂચવે છે કે માર્કેટ હવે બજેટ ઓરિએન્ટેડ બન્યું છે. નાણાપ્રધાન 1 ફેબ્રુઆરીએ બજેટની જાહેરાત કરતાં હોય છે.

 

સિમેન્ટ શેર્સનો બુધવારે દેખાવ

સ્ક્રિપ્સ    વૃદ્ધિ(%)

ઈન્ડિયા સિમેન્ટ          19.99

સાંઘી ઈન્ડ.           9.53

મંગલમ સિમેન્ટ  6.89

કાકટિયા સિમેન્ટ     4.92

હેડલબર્ગ સિમેન્ટ               4.77

રામ્કો સિમેન્ટ        4.62

જેપી એસોસિએટ્સ            4.44

અલ્ટ્રાટેક સિમેન્ટ                4.42

એનસીએલ ઈન્ડ.               4.38

વિસાકા ઈન્ડ.       4.06

ઓરિએન્ટ સિમેન્ટ              3.9

શ્રીદિગ્વિજય સિમેન્ટ         3.64

સાગર સિમેન્ટ     652.4 674    3.31

અંબુજા સિમેન્ટ    244.4 252.5 3.31

 

 કોટક મહિન્દ્રા બેંકનો રૂ. 4 લાખ કરોડ ક્લબમાં પ્રવેશ

ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકે બુધવારે રૂ. 4 લાખ કરોડના માર્કટ-કેપનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. અગાઉ એકમાત્ર એચડીએફસી બેંક રૂ. 4 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવે છે. કંપનીનો શેર અગાઉના રૂ. 2002ના બંધ ભાવે સામે રૂ. 2023ની સર્વોચ્ચ સપાટીએ બોલાયો ત્યારે તેનું માર્કેટ-કેપ રૂ. 4 લાખ કરોડને પાર કરી ગયું હતું ને માર્કેટ-કેપની રીતે આ સિધ્ધિ મેળવનાર તે બીજી બેંક બની હતી. જ્યારે લિસ્ટેડ કંપનીઓમાં આટલું ઊંચું માર્કેટ-કેપ દર્શાવનાર સાતમી કંપની બની હતી. રિલાયન્સ ઈન્ડ., ટીસીએસ, એચડીએફસી બેંક, હિંદુસ્તાન યુનીલિવર, ઈન્ફોસિસ અને એચડીએફસી રૂ. 4 લાખ કરોડથી વધુનું  માર્કેટ-કેપ ધરાવતી અન્ય છ કંપનીઓ છે.

બજાજ ઓટો રૂ. 1 લાખ કરોડની કંપની બની

દેશમાં બીજા ક્રમની ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોનો શેર લિસ્ટીંગ ઈતિહાસમાં પ્રથમવાર બુધવારે રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 3431ના બંધ ભાવે સામે રૂ. 40ના સુધારે રૂ. 3472ની સપાટી પર બંધ રહ્યો હતો. જે વખતે તેણે રૂ. એક લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. ઓટોમોબાઈલ કંપનીઓમાં માત્ર મારુતિ સુઝુકી રૂ. એક લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવતી હતી. જ્યારે હવે બજાજ ઓટો આવી બીજી કંપની બની છે. જૂથ કંપની બજાજ ફાઈનાન્સ રૂ. 3.21 લાખ કરોડ સાથે ટોચની 10 માર્કેટ-કેપ કંપનીઓમાં સમાવેશ પામે છે. બુધવારે બજાજ ફાઈનાન્સના શેરે રૂ. 5342ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી.

સ્ટીલ ઓથોરિટીનો શેર 8 ટકા ઉછળ્યો

સરકારી સાહસ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(સેઈલ)નો શેર 8 ટકા ઉછળ્યો હતો અને તેણે અંતિમ બે વર્ષની ટોચ દર્શાવી હતી. કંપનીનો શેર અગાઉના રૂ. 64.50ના બંધ સામે બુધવારે બંધ થતાં અગાઉ રૂ. 70.90ના સ્તરે જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોથી કંપનીના શેરમાં સતત ખરીદી જોવા મળી રહી છે. અંતિમ મહિનામાં તેણે 40 ટકાનું રિટર્ન નોંધાવ્યું છે. માર્ચ મહિનાના રૂ. 20ના તળિયાથી શેર 250 ટકા રિટર્ન દર્શાવી રહ્યો છે.  જ્યારે તેનું માર્કેટ-કેપ રૂ. 28 હજાર કરોડ પાર કરી ગયું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage