Market Summary 30 Dec 2021

નીચા પાર્ટિસિપેશન વચ્ચે બીજા દિવસે માર્કેટમાં રેંજ બાઉન્ડ ટ્રેડ
જોકે નિફ્ટી 17200ની સપાટી જાળવી રાખવામાં સફળ
આઈટી, ફાર્મા અને એફએમસીજી જેવા ડિફેન્સિવ સેક્ટર્સમાં અન્ડરટોન મજબૂત
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ તેની સર્વોચ્ચ સપાટી ભણી
એશિયા-યૂરોપના બજારોમાં નવા વર્ષના આગમન પૂર્વે રજાનો માહોલ
સુસ્તી વચ્ચે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાઈ

શેરબજારમાં કેલેન્ડરના આખરી ટ્રેડિંગ સત્રોમાં પાર્ટિસિપેશન નીચું રહેવા સાથે રેંજ બાઉન્ડ ટ્રેડ જોવા મળી રહ્યું છે. દેશમાં નોંધપાત્ર સમયબાદ કોવિડ કેસિસમાં જોવા મળેલા ઉછાળાને કારણે પણ થોડી ચિંતા ઊભી થઈ હતી. જોકે બજાર પર તેની ખાસ અસર જોવા મળી નહોતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 12 પોઈન્ટ્સના સાધારણ ઘટાટે 57794 પર જ્યારે નિફ્ટી 10 પોઈન્ટ્સના ઘટાડે 17204 પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા સુધરી 16.56 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 22 પોઝીટીવ જ્યારે 28 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં.
વૈશ્વિક બજારોમાં બુધવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે 90 પોઈન્ટ્સના સુધારે 36489ની તેની સર્વોચ્ચ સપાટી પર બંધ દર્શાવ્યું હતું. જોકે આમ છતાં એશિયન બજારોમાં સુસ્ત માહોલ જોવા મળ્યો હતો. જાપાન, સિંગાપુર, તાઈવાન અને કોરિયા જેવા મહત્વના બજારો નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. આ વચ્ચે ભારતીય બજારે ફ્લેટ ઓપનીંગ દર્શાવ્યાં બાદ સાંકડી રેંજમાં ટ્રેડિંગ જાળવ્યું હતું. નિફ્ટી 17146નું તળિયું બનાવીને બાઉન્સ થયો હતો અને 17200 પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. જે સૂચવે છે કે તેજીવાળાઓ ઢીલું મૂકવા તૈયાર નથી. એનાલિસ્ટ્સના મતે વૈશ્વિક તેમજ ઘરઆંગણે કોવિડ કેસિસમાં વૃદ્ધિની સ્થિતિ વચ્ચે બજાર હાલમાં થોડું અવઢવમાં જણાય છે. જોકે સંક્રમણને કારણે ક્યાંય કોઈ વેચવાલીનો સંકેત જોવા મળી રહ્યો નથી. આ સ્થિતિમાં કોન્સોલિડેશન કેટલાંક વધુ સત્રો સુધી જળવાય શકે છે. એક મજબૂત બેઝ બનાવી નિફ્ટી 17500-17800ના સ્તર તરફ ગતિ દર્શાવી શકે છે એમ તેઓ માને છે. માર્કેટમાં ઘટાડે ખરીદીનો વ્યૂહ જાળવી રાખવાનું સૂચન પણ તેઓ કરે છે.
ગુરુવારે માર્કેટને ડિફેન્સિવ્સ તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં આઈટી સેક્ટર મુખ્ય હતું. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકા સુધારા સાથે 38658.80ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. તેણે 38897.60ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી હતી. કોફોર્જ, એચસીએલ ટેક, માઈન્ડટ્રી, વિપ્રો, એમ્ફેસિસ, ટીસીએસમાં એક ટકાથી ચાર ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. ફાર્મા અને એફએમસીજી સેક્ટર્સ પણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. ફાર્મા કાઉન્ટર્સમાં આલ્કેમ લેબોરેટરી, કેડિલા હેલ્થકેર, સિપ્લા અને ડો. રેડ્ડીઝ લેબો સુધરવામાં અગ્રણી હતાં. જ્યારે એફએમસીજીમાં પીએન્ડજી અને મેરિકો એક ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ મેટલ અને એનર્જી ઈન્ડાઈસિસમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. એનર્જીમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 1.81 ટકાનો ઘટાડો હતો. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જીમાં 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ ક્ષેત્રે મોઈલ 6.24 ટકા તૂટ્યો હતો. જ્યારે સ્ટીલ શેર્સ પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
લાર્જ-કેપ્સમાં ફ્લેટ ટ્રેડ વચ્ચે બ્રોડ માર્કેટમાં પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી જળવાય રહી હતી. જેમાં ગ્રેફાઈટ ઈન્ડિયા, હેગ જેવા કાઉન્ટર્સ દ્વિઅંકી ઉછાળો સૂચવતાં હતાં. બીએસઈ ખાતે 3461 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1785 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1584 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. 610 કાઉન્ટર્સે ઉપલી સર્કિટ્સમાં બંધ આપ્યું હતું. જ્યારે 120 કાઉન્ટર્સે લોઅર સર્કિટ્સમાં બંધ દર્શાવ્યું હતું. 418 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 15 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ નેગેટિવ બંધ સૂચવતો હતો. જોકે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.24 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.


બેંક્સની એસેટ ક્વોલિટીને લઈને RBIએ ફરી વ્યક્ત કરેલી ચિંતા
રેગ્યુલેટરના મતે સપ્ટેમ્બર 2022 સુધીમાં ગ્રોસ એનપીએ 8 ટકાને પાર કરી શકે
જોકે બીજી બાજુ લેન્ડર્સ પાસે પૂરતી મૂડી હોવાથી તેઓ કોઈપણ આંચકાને પચાવવા સક્ષમ હોવાનું રટણ

ભારતીય બેંકિંગ પ્રણાલી માટે આગામી ત્રણ ક્વાર્ટર્સ ફરી એકવાર પડકારદાયી બની રહેવાની શક્યતાં બેંક રેગ્યુલેટર આરબીઆઈએ દર્શાવી છે. તેણે હાથ ધરેલા દ્વિ-વાર્ષિક ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ આગામ સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી બેંક્સનું ગ્રોસ એનપીએ લેવલ 8 ટકાના સ્તરને પાર કરી શકે છે. જો સ્થિતિ ખૂબ ખરાબ રહી તો તે 9.5 ટકાના સ્તર સુધી પણ જોવા મળે તેમ આરબીઆઈએ ઉમેર્યું છે. હજુ એક દિવસ અગાઉ જ એક અન્ય રિપોર્ટમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય બેંકિંગ કંપનીઓ માટે 2020-21 ખૂબ સારુ રહ્યું હતું અને સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટર અંતે તેમણે છ વર્ષોમાં સૌથી નીચી 6.9 ટકાની ગ્રોસ એનપીએ દર્શાવી હતી.
ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જણાવે છે કે વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલો નીતિવિષયક માહોલ, પુનરાવર્તિત સપ્લાય શોક અને ઈન્ફ્લેશન જેવી સમસ્યાઓ મુખ્ય જોખમ છે. જ્યારે ઓમિક્રોન નજીકના સમય માટે અસર કરી શકે છે. રિપોર્ટની પ્રસ્તાવનામાં આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્ર કોવિડના બીજા વેવ બાદ મજબૂતી પરત મેળવી રહ્યું છે. વેક્સિનેશન બાદ કન્ઝ્યૂમર કોન્ફિડન્સ અને બિઝનેસ સેન્ટીમેન્ટ સુધારાતરફી છે. સમસ્યાઓ છતાં આઉટલૂકમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. જોકે રિકવરી માટે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ખૂબ મહત્વનું પરિબળ બની રહેશે. સાથે પ્રાઈવેટ કન્ઝ્મ્પ્શન પણ કોવિડ અગાઉના સ્તરને પાર કરે તે જરૂરી છે.
આરબીઆઈએ મેક્રો-સ્ટ્રેસ ટેસ્ટ્સમાં નોંધ્યું છે કે બેંકિંગ સિસ્ટમનો ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ રેશિયો સપ્ટેમ્બર 2021માંના 6.9 ટકાના છ વર્ષના તળિયાના સ્તરેથી બેઝલાઈન વૃદ્ધિના કિસ્સામાં સપ્ટેમ્બર 2022માં 8.1 ટકા પર જોવા મળી શકે છે. જ્યારે તીવ્ર સ્ટ્રેટના કિસ્સામાં તે 9.5 ટકાના સ્તર સુધી જઈ શકે છે. જોકે ડિસેમ્બર એફએસઆર મુજબ તમામ બેંક્સ તીવ્ર સ્ટ્રેસના કિસ્સામાં પણ લઘુત્તમ કેપિટલ જરૂરિયાતના ધોરણોનું પાલન કરવામાં સક્ષમ રહેશે. કેમકે તેમની પાસે પૂરતી મૂડી પર્યાપ્તતા ઉપલબ્ધ છે. જો પીએસયૂ બેંક્સની વાત કરીએ તો સપ્ટેમ્બર 2021ની આખરમાં 8.8 ટકાનો ગ્રોસ એનપીએ રેશિયો સપ્ટેમ્બર 2022ની આખરમાં બેઝલાઈન વૃદ્ધિના કિસ્સામાં વધીને 10.5 ટકા પર જોવા મળી શકે છે. પ્રાઈવેટ બેંક્સના કિસ્સામાં તે 4.6 ટકા પરથી વધી 5.2 ટકા પર જોવા મળી શકે છે. જ્યારે વિદેશી બેંકિંગ કંપનીઓના કિસ્સામાં તે 3.2 ટકા પરથી વધી 3.9 ટકા સુધી વધી શકે છે. આનાથી વિપરીત શક્યતામાં બેંક રિપોર્ટ સૂચવે છે કે જો સ્ટ્રેસ જોવા નથી મળતો તો શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સનો જીએનપીએ રેશિયો સુધારો પણ દર્શાવી શકે છે.
બેઝલાઈન વૃદ્ધિની સ્થિતિમાં બેંક્સનો મૂડી પર્યાપ્તતા દર સપ્ટેમ્બર 2022ના ક્વાર્ટરના અંતે ઘટીને 15.4 ટકા પર જોવા મળી શકે છે. જ્યારે મધ્યમથી તીવ્ર સ્ટ્રેટના કિસ્સામાં તે 13.8 ટકા સુધી નીચો જઈ શકે છે. જોકે તમામ 46 બેંકિંગ કંપનીઓ આરબીઆઈના લઘુત્તમ કેપિટલ લેવલ 9 ટકાના સીઆરએઆરનું પાલન કરી શકશે એમ એફએસઆર જણાવે છે. ગમે તેવી પ્રતિકૂળ સ્થિતિમાં પણ એકપણ બેંક લઘુત્તમ અનિવાર્ય 5.5 ટકાના સીઈટી 1 કેપિટલ રેશિયો સુધીનો ઘટાડો નહિ દર્શાવે એમ તે ઉમેરે છે.

રિટેલ આધારિત ક્રેડિટ ગ્રોથ મોડેલ મુશ્કેલીમાં
આરબીઆઈનો એફએસઆર રિપોર્ટ ચેતવણી આપતાં જણાવે છે કે કન્ઝ્યૂમર ફાઈનાન્સ પોર્ટફોલિયોને લઈને જોખમ વધી રહ્યું છે અને તેથી રિટેલ-લેડ ક્રેડિટ ગ્રોથ મોડેલ પરેશાનીઓનો સામનો કરી રહ્યું છે. કોવિડ અગાઉના સમયગાળામાં કન્ઝ્યૂમર ક્રેડિટ ગ્રોથ માટે મહત્વનું ચાલકબળ એવું ન્યૂ-ટુ-ક્રેડિટ સેગમેન્ટ ઘટાડો દર્શાવી રહ્યું છે. રૂ. 1000 કરોડથી વધુનું એક્સપોઝર ધરાવતી કંપનીઓએ તેમના બોરોઈંગને ઘટાડ્યું છે. જ્યારે રૂ. 5 કરોડથી રૂ. 1000 કરોડ સુધીની લોન સાઈઝ ધરાવતી કંપનીઓએ ક્રેડિટ માટેનો એપેટાઈટ જાળવી રાખ્યો છે.

ચાલુ નાણા વર્ષ માટેનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ થવો મુશ્કેલ
BPCLના ખાનગીકરણને લઈ અનિશ્ચતતાને જોતાં એલઆઈસી આઈપીઓ પછી પણ સરકાર રૂ. 1.75 લાખ કરોડ ઊભા નહિ કરી શકે
સરકાર તેના સુધારેલા બજેટ અંદાજમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટમાં ઘટાડો કરે તેવી શક્યતાં

સતત ત્રીજા નાણાકિય વર્ષ દરમિયાન સરકાર બજેટમાં નિર્ધારિત ડિસઈન્વેસ્ટમેન્ટના અંદાજને પૂરો કરવામાં નિષ્ફળ જાય તેવી શક્યતાં જણાય રહી છે. નાણા વર્ષ 2021-22ને પૂરું થવામાં ત્રણ મહિના બાકી છે ત્યારે સરકાર તેણે બજેટમાં રજૂ કરેલાં રૂ. 1.75 લાખ કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટની સામે કોઈ મોટી રકમ ઊભી કરી નથી. જેને જોતાં સરકાર તેના સુધારેલા બજેટ અંદાજોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને ઘટાડી શકે છે.
સરકારના ચાલુ વર્ષ માટે ઊંચા ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ માટેના બે મુખ્ય કારણોમાં એક એલઆઈસીનો મેગા આઈપીઓ અને બીજું ઓઈલ માર્કેટિંગ કંપની બીપીસીએલનું પ્રાઈવેટાઈઝેશન હતું. સરકાર એલઆઈસીના આઈપીઓના ચાલુ વર્ષના ચોથા ક્વાર્ટરમાં લાવવા માટે અડગ જણાય છે. જોકે ભારત પેટ્રોલિયન કોર્પોરેશના ખાનગીકરણને લઈને અનિશ્ચિતતા ઊભી થઈ રહી છે. જેને લઈને સરકાર સુધારેલા બજેટ અંદાજોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને ઘટાડવો પડે તેવું જણાય છે. સરકાર સફળ રીતે એલઆઈસીનો આઈપીઓ લાવીને તેના ટાર્ગેટ મુજબ રૂ. એક લાખ કરોડ ઊભા કરશે તો પણ ડિસઈન્વેસ્ટમેન્ટ માટેના કુલ રૂ. 1.75 લાખ કરોડના ટાર્ગેટને હાંસલ કરવો મુશ્કેલ બનશે. આ માટે બીપીસીએલનું પ્રાઈવેટાઈઝેશન અનિવાર્ય બનશે. જોકે આ મોરચે હજુ સુધી કોઈ મહત્વનું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું નથી. વર્તુળોના જણાવ્યા મુજબ તે આગામી નાણા વર્ષ પર શિફ્ટ થવાની પૂરી શક્યતાં છે. તેઓ ઉમેરે છે કે પ્રાઈવેટાઈઝેશન એક જટિલ પ્રક્રિયા છે. એર ઈન્ડિયાનું ખાનગીકરણ થઈ ગયું એનો અર્થ એવો નથી કે અન્ય મોટા પ્રાઈવેટાઈઝેશન પ્લાન્સ ઝડપથી હાથ ધરી શકાશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બીપીસીએસના વેચાણ મુદ્દે કોઈ મોટી પ્રગતિ હાથ નથી ધરી શકાય તેનું મુખ્ય કારણ ઘણા બીડર્સ ડિલને ફાઈનાન્સ કરવા માટે કોન્સોર્ટિયમ બનાવવા માટે ભાગીદાર મેળવી શક્યાં નથી. આ માટે તેઓ વૈશ્વિક બજારમાં કોવિડને લઈને અનિશ્ચિતતા તથા એનર્જી માર્કેટ્સમાં વોલેટિલિટીને કારણભૂત ગણાવી રહ્યાં છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ(દિપમ)ના અધિકારીના જણાવ્યા મુજબ તેમનું વિભાગ પીએસયૂ કંપનીઓને સફળ રીતે બજારમાં લિસ્ટ કરાવવાનો અનુભવ ધરાવે છે અને તેથી એલઆઈસીના આઈપીઓને લઈને પણ તેઓ પૂરતો વિશ્વાસ ધરાવે છે. બજેટમાં સરકારના ટાર્ગેટ મુજબ જ તે ચાલુ વર્ષે એલઆઈસીનો આઈપીઓ લાવશે એમ તેઓ ઉમેરે છે. એલઆઈસી આગામી મહિને ડીઆરએચપી ફાઈલ કરે તેવી શક્યતાં છે. ડિસેમ્બર સુધીમાં તેની એમ્બેડેડ વેલ્યૂ નિર્ધારિત ગઈ હોય એવું માનવામાં આવી રહ્યું છે. જોકે સરકાર આઈપીઓ મારફતે એક સાથે રૂ. એક લાખ કરોડ મેળવી શકે છે કે કેમ તેને લઈને પણ એનાલિસ્ટ્સ ચિંતિત છે. તેઓના મતે સરકાર બે તબક્કામાં રૂ. 50-50 હજાર મેળવવાનો પ્રયાસ કરશે. જોકે ચાલુ વર્ષે આમ કરવું શક્ય બને તેમ નથી જણાતું.


ચીનથી ડેકોર પેપરની આયાત પર એન્ટી-ડમ્પીંગ લાગુ પડાઈ
ભારત સરકારે ચીન ખાતેથી આયાત થતાં ડેકોર પેપરની આયાત પર એન્ટી-ડમ્પીંગ ડ્યુટી લાગુ પાડી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝની ભલામણોને આધારે સરકારે 110 ડોલરથી 542 ડોલર પ્રતિ ટનની રેંજમાં એન્ટી-ડમ્પીંગ લાદી છે. આઈટીસીના પેપરબોર્ડ્સ અને સ્પેશ્યાલિટી પેપર્સ ડિવિઝને ડેકોરેટીવ ઈન્ડસ્ટ્રીમાં વપરાતાં આ મુખ્ય રો મટિરિયલ્સ પર એન્ટી-ડમ્પીંગ લાગુ પાડવા માટે સરકારમાં પિટિશન ફાઈલ કરી હતી. ભારતમાં 24227 ટન ડેકોર પેપરનું ઉત્પાદન થાય છે. જેમાંથી 80 ટકા હિસ્સો આઈટીસી ધરાવે છે.
2021માં રિઅલ્ટી ક્ષેત્રે સૌથી અફોર્ડેબલ ભાવ જોવા મળ્યાં
પૂરું થઈ જવા રહેલું કેલેન્ડર રિઅલ એસ્ટેટ એફોર્ડેબિલિટી રીતે છેલ્લાં દાયકામાં શ્રેષ્ઠ હોવાનું નાઈટફ્રેન્ક ઈન્ડિયાનો રિપોર્ટ સૂચવે છે. તેના અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ મુજબ દેશમાં મુંબઈ સિવાયના અન્ય તમામ બજારોમાં ભાવ અફોર્ડેબિલિટી માટે નિર્ધારિત 50 ટકા રેશિયોથી નીચે જોવા મળ્યાં હતાં. જેમાં અમદાવાદ 20 ટકા સાથે સૌથી સસ્તું બજાર જણાયું હતું. જ્યારે પૂણે 24 ટકા અને ચેન્નાઈ 25 ટકા સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવતાં હતાં. એકમાત્ર મુંબઈ બજાર એફોર્ડેબિલિટી રેશિયો 50 ટકાથી ઉપર 53 ટકા પર જોવા મળ્યો હતો. કેલેન્ડર 2011 બાદ તેમાં 2021માં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ બાયર ગ્રાહકના પરિવારની આવક અને ઈએમઆઈના ગુણોત્તર પરથી નક્કી કરવામાં આવે છે. વર્ષોથી રિઅલ એસ્ટેટના ભાવોમાં સ્થિરતા અને વ્યાજ દરો તળિયા પર હોવાના કારણે ભાવ અફોર્ડેબલ જોવા મળ્યાં હતાં.
રૂપિયો 29 પૈસા વધુ સુધારી 74.42ના સ્તરે બંધ
ભારતીય ચલણમાં કેલેન્ડરનું આખરી સપ્તાહ તીવ્ર બાઉન્સનું જોવા મળ્યું છે. દસેક ટ્રેડિંગ સત્રો અગાઉ ગ્રીનબેક સામે 76ની નીચે ટ્રેડ દર્શાવનાર રૂપિયો દોઢ સપ્તાહમાં લગભગ બે ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. ગુરુવારે તે ડોલર સામે વધુ 29 પૈસાના સુધારે 74.42ની સપાટીએ બંધ રહ્યો હતો. બેંક્સ અને નિકાસકારો તરફથી વર્ષાંતને ધ્યાનમાં રાખી ડોલરનું વેચાણ જળવાતાં રૂપિયામાં મજબૂતી આગળ વધી હતી. ઈન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 74.56ના સ્તરે મજબૂત ઓપનીંગ દર્શાવ્યાં બાદ વધુ સુધરી 74.38ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી 74.42 પર બંધ રહ્યો હતો. બુધવારે તે એક પૈસાની નરમાઈ સાથે 74.71 પર બંધ રહ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage