Market Summary 30 July 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી
વૈશ્વિક બજારોની અસરથી મુક્ત રહેવામાં બજાર સફળ
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય બજાર તેના એશિયન હરિફોના પ્રભાવથી મુક્ત રહી શક્યું હતું. જોકે બંધ થતાં અગાઉ તે રેડ ઝોનમાં સરી પડ્યું હતું અને સાધારણ નરમાઈ સાથે બંધ આવ્યું હતું પરંતુ એશિયન બજારોની માફક નોંધપાત્ર ઘટાડાથી દૂર રહ્યું હતું. બજારમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જોવા મળી હતી. લાર્જ-કેપ્સમાં પણ ફાર્માએ અગાઉના બે દિવસોની સરખામણીમાં સારો દેખાવ દર્શાવ્યો હતો. જોકે બેંકિંગ, એનર્જી અને ફાઈન્સિયલ સર્વિસિઝમાં નરમાઈ જોવા મળી હતી. મેટલે પણ શુક્રવારે વિરામ દર્શાવ્યો હતો. જોકે સ્મોલ-કેપ્સ અને મીડ-કેપ્સ તેમની સર્વોચ્ચ સપાટીએ બંધ રહેવામાં સફળ રહ્યાં હતાં.
ઓયોમાં આઈપીઓ પહેલાં માઈક્રોસોફ્ટ હિસ્સો ખરીદી શકે
હોટેલ એગ્રીગેટર ઓયોમાં અગ્રણી ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ કોર્પ હિસ્સો ખરીદે તેવા અહેવાલ છે. વર્તુળો જણાવે છે કે ઓયો આઈપીઓ સાથે બજારમાં પ્રવેશે તે પહેલાં આ ડીલ પૂર્ણ થઈ શકે છે. માઈક્રોસોફ્ટ 9 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે ઓયોમાં હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. અગાઉ કંપનીના ફાઉન્ડરે તેઓ આઈપીઓ અંગે વિચારશે એમ જણાવ્યું હતું જો કે કોઈ સમયમર્યાદા નહોતી આવી. ઓયો 2013માં સ્થપાયેલું ભારતના મોટા સ્ટાર્ટ-અપ્સમાંનું એક છે. હાલમાં ઓયોમાં સોફ્ટબેંક ગ્રૂપ કોર્પ 46 ટકા હિસ્સો ધરાવવા સાથે સૌથી મોટા રોકાણકાર છે. કોવિડને કારણે ઓયોની કામગીરી પર ખૂબ પ્રતિકૂળ અસર પડી છે અને તેણે ખર્ચ ઘટાડવા મોટા પ્રમાણમાં છટણી કરી હતી.
પારલે પ્રોડક્ટ્સ સૌથી પસંદગીની FMCG બ્રાન્ડ

ફૂડ કંપની પારલે પ્રોડક્ટ્સ દેશની એફએમસીજી કંપનીઓમાં સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ તરીકે ઊભરી છે, એમ માર્કેટિંગ રિસર્ચ કંપની કાંતારના બ્રાન્ડ ફૂટપ્રિન્ટ રિપોર્ટમાં જણાવાયું છે. પારલે પછી અમૂલ, બ્રિટાનિયા, ક્લિનિક પ્લસ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ક્રમ છે. કાંતાર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે પારલે પ્રોડ્ક્ટ્સ કન્ઝ્યુમર રિચ પોઈન્ટ્સ (CRPs)ના આધારે સૌથી વધુ પસંદ કરાયેલી એફએમસીજી બ્રાન્ડ તરીકે આ વર્ષના રેન્કિંગમાં સૌથી આગળ છે. સીઆરપીમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી વાસ્તવિક ખરીદી અને કેલેન્ડર વર્ષમાં આ ખરીદીની ફ્રીકવન્સી ધ્યાનમાં લેવામાં આવે છે.

IOCનો નફો 174 ટકા ઉછળી રૂ. 6110 કરોડ
જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જૂન ક્વાર્ટરમાં રૂ. 6109.69 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાના રૂ. 2226.80 કરોડની સરખામણીમાં 174 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જૂન ક્વાર્ટરમાં આટલો ઊંચો નફો નોંધાવનાર તે પ્રથમ કંપની છે. કંપનીની કુલ આવક રૂ. 1,57,018 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 90,775.15 કરોડ પર હતી. ઊંચા નફાનું મુખ્ય કારણ ઈન્વેન્ટરી પર ઊંચો લાભ તથા ઊંચા પેટ્રોકેમિકલ્સ માર્જિન હોવાનું કંપનીએ જણાવ્યું હતું. જૂન ક્વાર્ટરમાં કંપનીના ગ્રોસ રિફાઈનીંગ માર્જિન પ્રતિ બેરલ 6.58 ડોલર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.98 ડોલર કરતાં ઊંચું હતું. ઈન્વેન્ટરીના નફા-નુકસાનને બાદ કરતાં જૂન માટે જીઆરએમ 2.24 ડોલર પર બેસતાં હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
મહિન્દ્રા મેન્યૂલાઈફનું નવી ફ્લેક્સિ કેપ ફંડ
મહિન્દ્રા જૂથની એએમસી મહિન્દ્રા મેન્યૂલાઈફે 30 જુલાઈએ નવી ફંડ ઓફરિંગ રજૂ કરી છે. જે 13 ઓગસ્ટના રોજ બંધ થશે. મહિન્દ્રા મેન્યુલાઈફ ફ્લેક્સિ કેપ નામે નવી સ્કીમ એક બેલેન્સ્ડ ફંડ હશે. તેને યોગ્ય જણાય ત્યારે તે મીડ અને સ્મોલ-કેપ્સમાં સ્વિચ થવાની અનૂકૂળતા ધરાવે છે. ઓપન એન્ડેડ સ્કીમ 65 ટકા રોકામ ઈક્વિટીઝમાં કરશે. જ્યારે બાકીનું રોકાણ કોમોડિટીઝ વગેરેમાં કરી શકશે.
સમગ્ર જુલાઈમાં ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘસાયો
ભારતીય ચલણે જુલાઈ દરમિયાન ડોલર સામે સૌથી ઓછી વોલેટિલિટી દર્શાવી હતી. જૂન મહિનાના અંતે 74.33ના સ્તરે બંધ રહેલો રૂપિયો 9 પૈસા ઘટાડે 74.42ના સ્તરે બંધ રહ્યો હતો. શુક્રવારે પૂરા થતાં સપ્તાહની વાત કરીએ તો તેણે ડોલર સામે માત્ર એક પૈસાનો ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે શુક્રવારે તે ડોલર સામે 13 પૈસા જેટલો નરમ રહ્યો હતો. મહિનાના છેલ્લા પખવાડિયામાં રૂપિયો બે બાજુની વધ-ઘટ દર્શાવતો રહ્યો હતો. અગાઉ તેણે એપ્રિલમાં અને મેમાં મોટી વધ-ઘટ દર્શાવી હતી.

ઓગસ્ટમાં જુલાઈ કરતાં બમણુ IPO કલેક્શન જોવા મળશે
જુલાઈમાં રૂ. 14629 કરોડ સામે ઓગસ્ટમાં રૂ. 28000 કરોડની રકમ એકઠી કરવામાં આવશે

પ્રાઈમરી માર્કેટ માટે ઓગસ્ટ મહિનો જુલાઈ કરતાં પણ વધુ એક્ટિવ જોવા મળે તેવું દેખાય રહ્યું છે. માર્કેટ વર્તુળોના મતે ઓગસ્ટમાં આઈપીઓ મારફતે રૂ. 28000 કરોડની માતબર રકમ ઊભી કરવામાં આવે તેવી શક્યતા છે. જે જુલાઈ મહિનામાં રૂ. 14629 કરોડથી લગભગ બમણી હશે. જ્યારે માસિક ધોરણે બજારમાંથી ફંડ ઊભું કરવાનો તે એક નવો વિક્રમ હશે.
બજારમાં એક પછી એક સારા લિસ્ટીંગને કારણે જોવા મળતાં ઉન્માદનો લાભ લેવા માટે ઓગસ્ટ મહિનામાં લગભગ 18 જેટલી કંપનીઓ બજારમાંથી નાણા એકત્ર કરશે એમ માનવામાં આવે છે. બજારમાં લાંબા સમય બાદ એક મહિનામાં એકસાથે આટલી મોટી સંખ્યામાં કંપનીઓ પ્રવેશ કરશે. બજારમાં આઈપીઓ સાથે પ્રવેશવા માટે ધસારાનું કારણ ઘણો વર્ષો બાદ પીઈ રોકાણકારોને મળી રહેલી એક્ઝિટની તક છે એમ વર્તુળો જણાવે છે. હાલમાં બજારમાં પ્રવેશી રહેલા આઈપીઓમાં મોટો હિસ્સો ઓફર-ફોર-સેલનો હોય છે. એટલેકે જે રોકાણકારોએ કેટલાંક વર્ષો અગાઉ કંપનીમાં રોકાણ કર્યું હતું. તેઓ હવે પ્રોફિટ બુક કરી રહ્યાં છે. જુલાઈમાં સૌથી મોટા આઈપીઓ ઝોમેટોમાં રૂ. 9200 કરોડના ભરણામાંથી રૂ. 8300 કરોડ ઓફર-ફોર-સેલનો હિસ્સો હતો. જ્યારે પેટીએમના સંભવિત આઈપીઓમાં આ રકમ સૌથી ઊંચી બની રહેશે. 2021માં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં વિવિધ કંપનીઓએ આઈપીઓ મારફેતે રૂ. 53 હજાર કરોડ એકત્ર કર્યાં છે. જ્યારે ઓગસ્ટમાં જ આના 50 ટકાથી વધુ રકમ રોકાણકારો પાસેથી મેળવવામાં આવશે. જો સેકન્ડરી માર્કેટમાં કોઈ મોટી તકલીફ ઊભી નહિ થાય તો કંપનીઓ તેમના આઈપીઓ પ્લાન સાથે આગળ વધશે તે નક્કી છે. પુષ્કળ લિક્વિડીટી જોતાં દરેક સેગમેન્ટના રોકાણકારો પાસેથી ઊંચું સબસ્ક્રિપ્શન જોવા મળી રહ્યું છે. આગામી સપ્તાહે 4 ઓગસ્ટે ચાર આઈપીઓ ખૂલી રહ્યાં છે. જેમાં વિંડલાસ બાયોટેક, દેવ્યાની ઈન્ટરનેશનલ, એક્સારો ટાઈલ્સ અને ક્રસ્ના ડાયગ્નોસ્ટીક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાંક અન્ય નામોમાં કારટ્રેડ ટેક, નૂવોકો વિસ્ટાસ કોર્પ, મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસિસ, કેમપ્લાસ્ટ સાન્માર, અમી ઓર્ગેનિક્સ, વિજય ડાયગ્નોસ્ટીક સેન્ટર, પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી, ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક, ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક, પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજિસ, સેવન આઈલેન્ડ્સ શીપીંગનો સમાવેશ થાય છે.

જૂન ક્વાર્ટરમાં રિટેલ લોન બુકમાં ઊંચા સ્લીપેજિસ નોંધતી બેંક્સ
અગ્રણી રિટેલ બેંકોએ એપ્રિલ-જૂનમાં સબસ્ટાન્ડર્ડ ગણાવેલી લોનમાં રિટેલ લોનનો મોટો હિસ્સો
જેવેલ લોન, વેહીકલ લોન અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવા પોર્ટફોલિયોમાં સૌથી વધુ સ્લીપેજ જોવા મળ્યું

છેલ્લા દાયકામાં કોર્પોરેટ ક્ષેત્રે શ્રેણીબધ્ધ નાદારીના કિસ્સાઓ વચ્ચે રિટેલ એટલેકે વ્યક્તિગત લોન સૌથી સુરક્ષિત લોન તરીકે જોવા મળતી હતી. જોકે કોવિડના બીજા રાઉન્ડ સ્થિતિ બદલાઈ છે. એપ્રિલ-જૂન 2021ના ક્વાર્ટરમાં અગ્રણી રિટેલ બેંકિંગ કંપનીઓએ તેમના વ્યક્તિગત લોન સેગમેન્ટમાં પરત ચૂકવણી પર દબાણનો અનુભવ કર્યો છે અને તેને કારણે તેમના સ્લીપેજિસમાં વૃદ્ધિ થઈ છે.
જૂન ક્વાર્ટરમાં ખાનગી બેંકિંગ કંપનીઓ એચડીએફસી, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે સબસ્ટાન્ડર્ડ તરીકે વર્ગીકૃત કરેલી લોનમાં મોટો હિસ્સો રિટેલ સેગમેન્ટ લોનનો છે. એપ્રિલ-મે દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિને કારણે લોન કલેક્શનની કામગીરી પર પડેલી અસર આ માટેનું એક કારણ હોય શકે છે. દેશની બીજા ક્રમની પ્રાઈવેટ સેક્ટર લેન્ડર આઈસીઆઈસીઆઈ બેંકે જૂન ક્વાર્ટરના પરિણામોમાં ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સમાં રૂ. 7231 કરોડની વૃદ્ધિ નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5523 કરોડ પર હતી. રિટેલ અને બિઝનેસ બેંકિંગ પોર્ટફોલિયોસમાં તેણે રૂ. 6773 કરોડનો ઉમેરો કર્યો છે. જે ગયા માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4355 કરોડ પર હતો. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો તરફથી રૂ. 961 કરોડ અને જેવેલ લોન પોર્ટફોલિયોમાંથી રૂ. 1130 કરોડનો ઉમેરો જોવા મળ્યો હતો. ઉપરાંત કમર્સિયલ વેહીકલ પોર્ટફોલિયો પર પણ સ્ટ્રેસ જોવા મળ્યો હતો. 30 જૂને ઉપરોક્ત બંને પોર્ટફોલિયો બેંકના કુલ લોન પોર્ટફોલિયોમાં 3-3 ટકાનો હિસ્સો ધરાવતાં હતાં. આઈસીઆઈસીઆઈની કુલ લોન બુકમાં 50 ટકા હિસ્સો રિટેલ લોનનો છે. કંપનીના અધિકારીના જણાવ્યા મુજબ એપ્રિલ અને મે મહિના દરમિયાન લોન કલેક્શન્સ અને રિકવરીઝ પર નોંધપાત્ર અસર થઈ હતી. ઉપરાંત ચાલુ વર્ષે ગયા વર્ષની જેમ મોરેટોરિયમ જેવી રાહત પણ ઉપલબ્ધ નહોતી. જેને કારણે પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોસ એનપીએમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. દેશમાં ત્રીજા ક્રમની રિટેલ બેંક એક્સિસે એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન રૂ. 6518 કરોડની લોનને સબ-સ્ટાન્ડર્ડ ગણાવી હતી. માર્ચ ક્વાર્ટરમાં આ આંકડો રૂ. 5285 કરોડ પર હતો. અગ્રણી બ્રોકરેજ હાઉસના રિપોર્ટ મુજબ એક્સિસની સ્લીપેજિસમાં 85 ટકા હિસ્સો રિટેલ લોન્સનો છે. રિટેલ સેગમેન્ટમાં 6.5 ટકાનો સ્ટ્રેડ જોવા મળી રહ્યો છે. જેમાં સિક્યોર્ડ(55 ટકા) અને અનસિક્યોર્ડ(45 ટકા), બંનેનો સમાવેશ થાય છે. રિટેલ બુકમાં 0.2 ટકાનું સાધારણ રિસ્ટ્રક્ચરિંગ પણ સ્લીપેજિસમાં ઊંચી વૃદ્ધિનું કારણ છે. બેંકના જણાવ્યા મુજબ એપ્રિલ-જૂનમાં ઘણા કર્મચારીઓ ઘરની બહાર નહિ નીકળી શક્યાં હોવાથી કલેક્શન્સમાં ઘટાડો નોંધાયો હતો.
એચડીએફસી બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 7300 કરોડના નવા સ્લીપેજિસ નોંધાવ્યાં હતાં. જેમાં કુલ લોન્સના 2.54 ટકા જેટલાં હતાં. બેંકની 9 ટકાની વાર્ષિક નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વૃદ્ધિ પણ તેની છેલ્લા દાયકાની સૌથી નીચી વૃદ્ધિ હતી. જેને કારણે બેંકનો અર્નિંગ્સ ગ્રોથ 16 ટકા પર જોવા મળ્યો હતો. જે છેલ્લા છ વર્ષોમાં સરેરાશ 18-20 ટકા રહ્યો હતો. કુલ લોનમાં રિટેલ સેગમેન્ટનો 56 ટકા હિસ્સો ધરાવતી ઈન્ડસઈન્ડ બેંકે પણ જૂન ક્વાર્ટરમાં રૂ. 2762 કરોડના સ્લીપેજિસ નોંધ્યાં હતાં. જેમાંથી રૂ. 2342 કરોડ કન્ઝ્યૂમર લોન બુકમાંથી આવ્યાં હતાં. આમાંથી 38 ટકા વેહીકલ ફાઈનાન્સ બુક, 24 ટકા માઈક્રોફાઈનાન્સ બુક તથા 22 ટકા અન્ય રિટેલ લોનમાંથી આવ્યાં હતાં.

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પ્રાઈવેટ બેંક્સના સ્લીપેજિસ

બેંક ગ્રોસ સ્લીપેજિસ(રૂ. કરોડમાં) કુલ સ્લીપેજમાં રિટેલનો હિસ્સો(ટકામાં)
આઈસીઆઈસીઆઈ બેંક 7231 93
એક્સિસ બેંક 6518 85
એચડીએફસી બેંક 2762 85

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage