માર્કેટ સમરી
સતત ત્રીજા દિવસે મંદીવાળાઓની પકડ જળવાય
વૈશ્વિક બજારોમાં નિરસતા અને સ્થાનિક બજારમાં પોઝીટીવ ટ્રિગર્સના અભાવે સતત ત્રીજા દિવસે શેરબજાર દિવસની ટોચ પરથી પાછું પડી તળિયા પર બંધ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 15839ની ટોચ દર્શાવ્યાં બાદ દિવસ દરમિયાન ઘસાતો રહી 15709ના તળિયા પર ટ્રેડ થયો હતો અને આખરે 15722 પર બંધ રહ્યો હતો. બેંકિંગ સહિતન તમામ મહત્વના ક્ષેત્રો સપોર્ટ કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં. એકમાત્ર આઈટી ઈન્ડેક્સ 0.63 ટકા સુધારા સાથે પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. એ સિવાય ફાર્મા, એફએમસીજી, મેટલ, રિઅલ્ટી, એનર્જિ તમામ ઘટાડો સૂચવતાં હતાં.
ડોલર સામે રૂપિયો 9 પૈસા નરમ પડ્યો
યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. અગાઉ 74.23ના સ્તરે બંધ રહેલો રૂપિયો બુદવારે 74.24ના સ્તરે ખૂલી વધુ ગગડી 74.45ના નીચા સ્તરે જોવા મળ્યો હતો. જોકે ત્યાં રૂપિયાને સપોર્ટ મળ્યો હતો અને કેટલોક ઘટાડો ભૂંસીને 74.32ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે રૂપિયામાં આ તાજેતરનું બીજું નીચું બંધ છે. જે રૂપિયામાં નરમાઈ દર્શાવે છે અને આગામી સમયગાળામાં રૂપિયો 74.70-75ની રેંજ દર્શાવે તેવું એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. એફઆઈઆઈએ જૂનના અંતિમ સપ્તાહમાં ભારતીય બજારમાં સતત વેચવાલી દર્શાવી છે. જે પણ રૂપિયામાં નરમાઈ માટેનું એક મહત્વનું પરિબળ છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી યથાવત
સતત ત્રીજા દિવસે નિફ્ટી તેની ટોચ પરથી ગગડીને આખરે નેગેટિવ બંઘ રહ્યો હતો. જોકે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. એનએસઈ ખાતે મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો અનુક્રમે 0.3 ટકા અને 0.22 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. એક્સચેન્જ ખાતે કુલ 3359 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1707 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1530 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. 495 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 461 શેર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી.
પ્રાઈમરી માર્કેટે રૂ. 39000 કરોડ ઊભાં કર્યાં
કેલેન્ડર 2021ના પ્રથમ છ મહિના દરમિયાન પ્રાઈમરી માર્કેટે રૂ. 39 હજાર કરોડનું ભરણું એકત્ર કર્યું છે. જે રકમ 2020ના સમાનગાળાની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળામાં ગયા વર્ષની સરખામણીમાં આઈપીઓની સંખ્યા નીચી રહી છે. જોકે ભરણામાં રકમ ઊંચું મેળવવામાં આવી છે. ગયા વર્ષે સમાનગાળામાં 16 કંપનીઓએ રૂ. 31128 કરોડની રકમ મેળવી હતી. જોકે એપ્રિલથી લઈને મે 2020 સુધી એકપણ કંપની બજારમાં પ્રવેશી શકી નહોતી. જ્યારે ચાલુ વર્ષે સેકન્ડરી માર્કેટમાં સતત મજબૂતીને કારણે પ્રાઈમરી માર્કેટ પણ સક્રિય રહ્યું હતું. એકમાત્ર મે મહિનામાં તેણે થોડો વિરામ દર્શાવ્યો હતો.
જૂન મહિનામાં નેચરલ ગેસ ફ્યુચરમાં 24 ટકા ઉછાળો
ઓનલાઈન કોમેક્સ એમસીએક્સ ખાતે નેચરલ ગેસમાં ભાવે તેજી જોવા મળી રહી છે. નેચરલ ગેસ જુલાઈ ડિલિવરી ફ્યુચર્સના ભાવ સતત છઠ્ઠા દિવસે વધ્યાં હતાં. બુધવારે તે 1.25 ટકા અથવા રૂ. 3.40ના સુધારા સાથે રૂ. 276.20ની ઓલ-ટાઈમ ટોચ પર ટ્રેડ થયાં હતાં. કુલ 19000 લોટ્સનું કામકાજ નોંધાયું હતું. ન્યૂયોર્ક મર્કેન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગેસના ભાવમાં સતત વૃદ્ધિ પાછળ સ્થાનિક બજારમાં કોમોડિટી સુધરતી રહી છે. નાયમેક્સ ખાતે નેચરલ ગેસ 3.81 ડોલર પ્રતિ એમએમબીટીયુની ડિસેમ્બર 2018 પછીની ટોચ પર ટ્રેડ થયો હતો. જૂન મહિમાં તેણે 24.5 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવ્યો છે. સ્થાનિક બજારમાં પણ તે રૂ. 200ના સ્તરેથી સુધરતો રહ્યો છે.
ભારતીય બેંક્સ સિસ્ટમિક રિસ્કનો સામનો કરી રહી છેઃ એસએન્ડપી
કોવિડના બીજા રાઉન્ડ બાદ બેંક્સની નબળી લોનનું પ્રમાણ 12-18 મહિના સુધી ઊંચા સ્તરે જોવા મળી શકે છે
એચએફસી અને ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓ પર પ્રમાણમાં ઓછી અસર થવાની શક્યતા
વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ભારતીય બેંકિંગ સેક્ટર સિસ્ટમિક જોખમનો સામનો કરી રહ્યું હોવાનું જણાવ્યું છે. તેના કહેવા મુજબ કોવિડના બીજા વેવને કારણે બેંકિંગ પ્રણાલી પર ગંભીર અસર પડી છે અને તે આગામી એકથી દોઢ વર્ષ સુધી જોવા મળી શકે છે. બીજી બાજુ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ(એચએફસી) અને ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓ પર અસર ઓછી રહેવાની શક્યતા તેણે વ્યક્ત કરી છે. જોકે અન્ય એનબીએફસી કંપનીઓ પર બેંક્સ કરતાં વધુ અસર જોવા મળી શકે છે.
બુધવારે એસએન્ડપીએ જણાવ્યું હતું કે કોવિડના બીજા વેવ બાદ દેશની બેંકિંગ કંપનીઓ સિસ્ટમિક રિસ્કનો સામનો કરી રહી છે. તેણે એક નિવેદનમાં જણાવ્યા મુજબ કોવિડના બીજા વેવને કારણે નાણાકિય વર્ષે 2021-22ના પ્રથમ છ મહિના દરમિયાન દેશની નાણાકિય સંસ્થાઓના દેખાવ પણ પ્રતિકૂળ અસર જોવા મળશે. જેમાં બેંકિંગ ક્ષેત્ર મુખ્ય હશે. જ્યારે એનબીએફસી પર પણ નોંધપાત્ર અસર જોવા મળશે. એજન્સીના મતે બેંકિંગ સેક્ટરની નબળી લોન્સમાં વૃદ્ધિ જોવા મળશે અને આગામી 12-18 મહિના સુધી તે 11-12 ટકાના ઊંચા સ્તરે જોવા મળે તેવી શક્યતા છે. સાથે ક્રેડિટ લોસિસ પણ 2.2 ટકાના ઊંચા સ્તરે રહી શકે છે. જે નાણા વર્ષ 2022-23માં રિકવર થઈને 1.8 ટકા પર જોવા મળશે. નવા નાણા વર્ષ 2021-22ના પ્રથમ બે મહિના દરમિયાન બેંકોની ક્રેડિટમાં 1 ટકા ઘટાડાને એજન્સીએ સિઝનલ ફેક્ટર ગણાવ્યું હતું. તેના મતે એપ્રિલ અને મે મહિના દરમિયાન અનેક ફાઈનાન્સ કંપનીઓની ઊઘરાણી માટેની કાર્યદક્ષતામાં 5 ટકાથી 15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. વધુમાં કુલ લોન પોર્ટફોલિયોમાં 17 ટકા હિસ્સો ધરાવતાં એસએમઈ ક્ષેત્ર તથા નીચી આવક ધરાવતાં ઘરગથ્થુ લોન ધારકો પર સૌથી વધુ અસર જોવા મળી હતી. એસએન્ડપીના મતે આગામી સમયગાળામાં ઊંચી નોન-પર્ફોર્મિંગ એસેટ્સમાં ટુરિઝમ તથા તેની સાથે સંકળાયેલા ક્ષેત્રો, કમર્સિયલ રિઅલ એસ્ટેટ અને અનસિક્યોર્ડ રિટેલ લોન્સનો હિસ્સો મોટો હશે. જોકે તેણે ઉમેર્યું હતું કે ગઈ ડાઉન સાઈકલ કરતાં બેંકિંગ કંપનીઓ બીજા વેવમાંથી બહાર આવવા માટે વધુ સારી રીતે તૈયાર છે.
નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ વિશે પોઝીટીવ નોંધમાં તેણે જણાવ્યું હતું કે અફોર્ડેબલ હાઉસિંગ સિવાયની હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પર બેંકિંગ જેટલી અસર નહિ થાય. જ્યારે ગોલ્ડ લોન્સ પર પણ ઓછી અસર થશે.
કંપની સમાચારઃ
ટાટા કોફીઃ રેટિંગ એજન્સી ઈકરાએ કંપનીના લોંગ ટર્મ રેટિંગને એએ સ્ટેબલ પરથી એએપ્લસ સ્ટેબલમાં અપગ્રેડ કર્યું છે. જ્યારે શોર્ટ ટર્મ રેટિંગને એ1પ્લસ જાળવ્યું છે.
ભારત ઈલેક્ટ્રોનિક્સઃ ભારતીય નૌકાદળે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ અને રોબોટીક્સ સંબંધી ટેક્નોલોજીના વિકાસ માટે ભારત ઈલેક્ટ્રોનિક્સ સાથે કરાર કર્યાં છે.
સ્ટીલ કંપનીઝઃ સરકારે અલોય અથવા નોન-અલોય સ્ટીલની કોલ્ડ-રોલ્ડ ફ્લેટ પ્રોડક્ટ્સ પરની એન્ટી-ડમ્પીંગ ડ્યુટી લંબાવી છે.
એફએમસીજી કંપનીઝઃ સરકારે ક્રૂડ પામ ઓઈલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીને ત્રણ મહીના માટે 15 ટકા પરથી ઘટાડી 10 ટકા કરી છે. જેનાથી એફએમસીજી કંપનીઓને લાભ થશે.
ગોદરેજ પ્રોપર્ટીઝઃ પ્રમોટર જૂથ ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝે કંપનીમાં 70,42,374 ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
ગોદરેજ એગ્રોવેટઃ પ્રમોટર જૂથ ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝે કંપનીમાં 31,26,102 ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
કેઆરબીએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 139 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 142.5 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 1062 કરોડ પરથી વધી રૂ. 973 કરોડ પર જોવા મળી હતી
એમટીએનએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 602.1 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 623.6 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 319 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 316 કરોડ રહી હતી.
સિન્ટેક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 144 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 296 કરોડ પર હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 444.7 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 721.6 કરોડ રહી હતી.
મેકલોઈડ રસેલઃ ઈન્ડસઈન્ડ બેંકે મેકલોઈડ રસેલમાં 70 લાખ શેર્સનું વેચાણ કર્યું છે. બેંક પાસે પ્લેજ્ડ શેર્સના ભાગરૂપે આ શેર્સ આવ્યાં હતાં.
એસ્ટ્રેઝેનેકા ફાર્માઃ કંપનીએ તેની દવા ટેગ્રીસ્સો 80 એમજી ટેબ્લેટ્સ માટે ઓવરચાર્જિંગ બદલ એનપીપીએ તરફથી મળેલી નોટિસને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે.
ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝઃ ગોદરેજ સીડ્સ અન્ડ જેનેટિક્સે કંપનીના 84,86,859 ઈક્વિટી શેર્સ રૂ. 575 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યાં છે.