Market Summary 30 June 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

ચીન સિવાયના વૈશ્વિક બજારો ફરી મંદીની ઝપેટમાં
તાઈવાન, જર્મની, ફ્રાન્સના બજારોમાં 3 ટકા સુધીનો ઘટાડો
ફેડ તરફથી આક્રમક રેટ વૃદ્ધિનું રટણ થતાં ડોલર સિવાય તમામ એસેટ ક્લાસમાં નરમાઈ
બેંકિંગ અને એનર્જિ સિવાય તમામ સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ
મેટલ ઈન્ડેક્સ 2 ટકા ગગડ્યો, ઓટો-આઈટીમાં 1-1 ટકા ઘટાડો
વોલેટિલિટી ઈન્ડેક્સમાં નજીવો ઘટાડો નોંધાયો
ગોલ્ડ ગગડીને 1811 ડોલર પર જ્યારે બ્રેન્ટ ક્રૂડ 112 ડોલર પર બોલાયાં
વૈશ્વિક શેરબજારો ફરી એકવાર મંદીમાં ગરકાવ થઈ ચૂક્યાં છે. ગુરુવારે એકમાત્ર ચીનને બાદ કરતાં તમામ અગ્રણી શેરબજારોમાં નરમાઈ જોવા મળી હતી. વર્તમાન સપ્તાહે સોમવારેને બાદ કરતાં બજારો ઘસારાતરફી બની રહ્યાં છે. યુએસ ફેડે બુધવારે ફરી એકવાર આક્રમક રેટ વૃદ્ધિનું રટણ કરતાં બજારોમાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 8 પોઈન્ટ્સ ઘટી 53018ની સપાટીએ જ્યારે નિફ્ટી 19 પોઈન્ટ્સ ગગડી 15780ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50માંથી 35 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 15 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ સૂચવતાં હતાં. સેન્સેક્સના 30 કાઉન્ટર્સમાંથી માત્ર 11 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 19 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. બ્રોડ માર્કેટમાં પણ ખરીદારો દૂર હોવાથી માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.27 ટકાની સાધારણ નરમાઈએ 21.84ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત સાધારણ નરમાઈ સાથે જોવા મળી હતી. જોકે બે સત્રોથી મંદીવાળાઓ સામે નમતું નહિ જોખી રહેલા તેજીવાળાઓ મક્કમ બની રહેતાં માર્કેટ ગ્રીન ઝોનમાં પરત ફર્યું હતું અને એક તબક્કે નિફ્ટી અગાઉના 15799ના બંધની સરખામણીમાં ઈન્ટ્રા-ડે 15890ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ત્યારબાદ વૈશ્વિક બજારોમાં વેચવાલી વધતાં સ્થાનિક બજારે સુધારો ગુમાવ્યો હતો અને કામકાજની આખરમાં સાધારણ નરમાઈ સાથે ફ્લેટિશ બંધ દર્શાવ્યું હતું. માર્કેટમાં બેંકિંગને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકોમાં નરમાઈ જોવા મળી રહી હતી. જેમાં મેટલ, ઓટો અને આઈટી મુખ્ય હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ છેલ્લાં કેટલાંક સત્રોના સુધારાતરફી ટ્રેન્ડને ત્યજી 2 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં વેદાંતા 4 ટકા ઘટાડે ટોચ પર હતો. આ સિવાય નાલ્કો, જિંદાલ સ્ટીલ, એપીએલ એપોલો, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ અને વેલસ્પન કોર્પ જેવા કાઉન્ટર્સ 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. સ્ટીલ શેર્સ સવારના ભાગમાં પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. જોકે પાછળથી તેઓ મંદીમાં સરી પડ્યાં હતાં અને રેડ ઝોનમાં જ જળવાયાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ 1.26 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં બજાજ ઓટો 4.2 ટકા સાથે ઘટવામાં અગ્રેસર હતો. આ સિવાય આઈશર મોટર્સ 3.2 ટકા, બોશ 1.9 ટકા, અમરા રાજા બેટરીઝ 1.8 ટકા, એમએન્ડએમ 1.7 ટકા અને ટાટા મોટર્સ 1.24 ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં. અગાઉથી જ મંદીમાં ડૂબેલાં આઈટી કાઉન્ટર્સે પણ બજારને સાથ નહિ આપતાં ઘટાડાતરફી આગેકૂચ જાળવી રાખી હતી. જેમાં કોફોર્જ 3.4 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એલએન્ડટી ઈન્ફોટેક 2.8 ટકા, ટેલ મહિન્દ્રા 2 ટકા, માઈન્ડટ્રી 2 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 1.9 ટકા અને એચસીએલ ટેક્નોલોજી 1.5 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક અને નિફ્ટી એનર્જી અડધા ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બેંકિંગ શેર્સમાં એક્સિસ બેંક 1.8 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ સિવાય એસબીઆઈ, કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પણ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી એનર્જીમાં સુધારો મુખ્યત્વે અદાણી ગ્રીન એનર્જી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળનો હતો. બંને કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. આ ઉપરાંત પીએસયૂ એનર્જી કાઉન્ટર્સ આઈઓસી અને એનટીપીસી પણ સુધારો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ 4.7 ટકા સાથે નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત આરઈસી, ઈન્ડસ ટાવર્સ, એચડીએફસી એએમસી, એમસીએક્સ ઈન્ડિયા, યુનાઈટેડ સ્પિરિટ્સ, બ્રિટાનિયા વગેરેમાં સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ ડેલ્ટા કોર્પોરેશન 8 ટકા જેટલો તૂટ્યો હતો. જ્યારે બિરલા સોફ્ટ 5 ટકા, સ્ટ્રાઈડ્સ ફાર્મા 5 ટકા, બજાજ ઓટો 4 ટકા, આઈઆરસીટીસી 4 ટકા, વેદાંતા 4 ટકા, કન્ટેનર કોર્પોરેશન 4 ટકા, બેંક ઓફ બરોડા 3.7 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો સ્થિતિ બુધવાર જેવી જ હતી. ખરીદારો સાઈડલાઈન રહેવાથી મીડ અને સ્મોલ-કેપ્સમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નહોતો. બીએસઈ ખાતે 4808 લિસ્ટેડ કંપનીઓમાંથી કુલ 3358 શેર્સમાં ટ્રેડિંગ થયું હતું. જેમાંથી 1772 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1432માં સુધારો નોંધાયો હતો. 149 કાઉન્ટર્સ ફ્લેટ બંધ સૂચવતાં હતાં. બીજી બાજુ 62 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 34 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે ટ્રેડ થઈ રહ્યાં હતાં. 229 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 144 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યા હતાં.

બેંક્સની ગ્રોસ NPAs છ વર્ષના તળિયેઃ RBI રિપોર્ટ
રિઝર્વ બેંકના ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ બેંક્સની એસેટ ક્વોલિટીમાં જોવા મળતો સુધારો
નેટ NPA રેશિયો સુધરીને 1.7 ટકાના સ્તરે
સરકાર તરફથી પોલિસી સપોર્ટ તથા રેગ્યુલેટર તરફથી જરૂરી સુવિધા મળી રહેવાથી ભારતીય બેંકિંગ સેક્ટર કોવિડ-19 મહામારીની અસરને સરળતાથી ખાળી તેમાંથી બહાર આવવા સાથે નાણાકિય વર્ષ 2021-22માં એસેટ ક્વોલિટીમાં સુધારો દર્શાવી શક્યું છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ સૂચવે છે.
આરબીઆઈએ 30 જૂન પ્રગટ કરેલા અહેવાલ મુજબ ભારતીય શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ ઘટીને માર્ચ 2022ની આખરમાં છ વર્ષના તળિયા પર જોવા મળી હતી. માર્ચ 2021માં 7.4 ટકાના સ્તર પરથી ગ્રોસ એનપીએનો રેશિયો ઘટીને માર્ચ 2022ની આખરમાં 5.9 ટકાના સ્તર પર નોંધાયો હતો. જ્યારે નેટ નોન-પર્ફોર્મિંગસ એસેટ્સનો રેશિયો 2021-22માં 70 બેસીસ પોઈન્ટ્સ ઘટી 1.7 ટકા પર રહ્યો હતો. 2021-22માં એનપીએમાં નવા ઉમેરો દર્શાવતાં સ્લીપેજ રેશિયોમાં તમામ બેંકિંગ કંપનીઓએ ઘટાડો દર્શાવ્યો હતો. 2021-22માં બેંક્સ તરફથી રાઈટ-ઓફ રેશિયો પણ સતત બીજા વર્ષે ઘટીને 20 ટકા પર રહ્યો હોવાનું આરબીઆઈનો રિપોર્ટ દર્શાવે છે.
ભારતીય બેંક્સ મહામારીમાંથી ધીમે-ધીમે બહાર આવી રહ્યું છે. કોવિડને કારણે બોરોઅર્સની આવક પર ગંભીર અસર જોવા મળી હતી અને તેથી બેંકિંગ સિસ્ટમ પર સ્ટ્રેસ પણ જોવા મળ્યો હતો. આ સ્થિતિમાં બેંક રેગ્યુલેટર તરફથી આરબીઆઈ તરફથી હાથ ધરવામાં આવેલા પ્રયાસો અને સરકાર તરફથી રજૂ કરવામાં આવેલી ક્રેડિટ ગેરંટી સ્કિમ્સ સંયુક્તપણે બોરોઅર્સ અને બેંક્સની સમગ્ર મહામારી દરમિયાન સહાયરૂપ બન્યાં હતાં. બેંક્સ તરફથી તેમની બેલેન્સ શીટ્સને પૂરતો સપોર્ટ મળી રહે તે માટે પર્યાપ્ત પ્રોવિઝન્સ કરવામાં આવ્યાં હતાં. તેમજ તેમણે મૂડી પણ ઊભી કરી હતી જેથી લિક્વિડિટીની સમસ્યા નડે નહિ. મોટાભાગની બેંકિંગ કંપનીઓની નોન-પર્ફોર્મિંગ એસેટ્સમાં ઘટાડો નોંધાયો હતો. ચાલુ મહિનાની શરૂમાં આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નર એમ રાજેશ્વર રાવે જણાવ્યું હતું કે લેન્ડર્સ અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સે એસેટ્સને મજબૂત બનાવવા તથા ક્રેડિટ રિસ્ક્સને ઓળખી કાઢવા માટે પોતાની રીતે જ સ્ટ્રેસ ટેસ્ટ્સ હાથ ધરવા જોઈએ.

ક્રિપ્ટો એક્સચેન્જિસના વોલ્યુમમાં 80 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો
ડિજિટલ કરન્સિઝ ટ્રેડિંગ પ્લેટફોર્મના માર્જિન્સ 60 ટકા જેટલા તૂટ્યાં
એક્સચેન્જિસ ખર્ચ ઘટાડવા જોબ્સ, ટ્રેડેડ કોઈન્સની સંખ્યા ઘટાડવા સાથે સસ્તી ઓફિસમાં શિફ્ટ થયાં
ગયા કેલેન્ડર સુધી વૈશ્વિક ટ્રેડર્સની મનપસંદ બની રહેલી ક્રિપ્ટોકરન્સિઝે તેમના ટ્રેડિંગ પ્લેટફોર્મ એવા એક્સચેન્જિસ માટે મોટી પરેશાની ઊભી કરી છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી બિટકોઈન જેવી મધર ક્રિપ્ટોકરન્સિઝના ભાવમાં તીવ્ર ઘટાડા પાછળ ક્રિપ્ટો એક્સચેન્જિસના વોલ્યુમ્સ, વેલ્યૂ અને નફાકારક્તામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જાણકાર વર્તુળોના મતે ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ ખાતે કામકાજ 80 ટકા જેટલા ઘટી ગયાં છે જ્યારે તેમના પ્રોફિટ માર્જિનમાં 60 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઉદ્યોગ વર્તુળોના મતે એક્સચેન્જિસ માટે કપરો સમય હજુ પૂરો થયો નથી. કેમકે 1 જુલાઈથી ભારત સરકાર ટીડીએસ શરૂ કરવા જઈ રહી છે. જે ક્રિપ્ટો એસેટ્સની ખરીદી કિંમતમાં વૃદ્ધિ કરશે. વઝિરએક્સના કો-ફાઉન્ડર અને સીઈઓના જણાવ્યા મુજબ વાર્ષિક ધોરણે દૈનિક કામકાજમાં 70-80 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સચેન્જિસ તેમના ખર્ચ ઘટાડા માટે જોબ્સમાં ઘટાડો કરવા ઉપરાંત પ્લેટફોર્મ્સ પર ટ્રેડેડ કોઈન્સમાં પણ ઘટાડો કરી રહ્યાં છે તેમજ માર્કેટિંગ ખર્ચ ઘટાડી રહ્યાં છે. સાથે સસ્તી ઓફિસિસમાં શિફ્ટ થઈ રહ્યાં છે. અન્ય એક્સચેન્જિસની માફક જ ટ્રેડિંગ વોલ્યુમ સાથે નફા માર્જિન જોડાયેલા હોય છે. વોલ્યુમમાં તીવ્ર ઘટાડાને કારણે માર્જિન્સ પર ઊંડી અસર પડી છે. જે એક્સચેન્જિસ આવી રહેલા પડકારોને ઓળખી ગયા હતા તેમણે મૂડીના ઉપયોગમાં કન્ઝર્વેટીવ અભિગમ દાખવ્યો હતો અને તેથી તેઓ પ્રમાણમાં હાલના સમયને સારી રીતે સાચવી શક્યાં છે. જ્યારે કેટલાક માટે સ્થિતિ ઘણી ખરાબ જોવા મળી રહી છે. જાણકારોના મતે નવેમ્બર 2021નો મહિનો ક્રિપ્ટો માટે પિક પિરિયડ હતો. જે દરમિયાન ક્રિપ્ટો એક્સચેન્જિસ નવા ગ્રાહકો મેળવવા માટે મહિને રૂ. 5 કરોડનો ખર્ચ હાથ ધરતાં હતાં. જોકે ક્રિપ્ટો માર્કેટમાં મંદી અને ભારત સરકાર તરફથી ક્રિપ્ટોકરન્સિઝ પર વળતર પર 30 ટકા ટેક્સને કારણે ભારતમાં મોટાભાગના રોકાણકારો ક્રિપ્ટોકરન્સિઝમાંથી બહાર નીકળી રહ્યાં છે અથવા તો તેમની પોઝીશન્સ જાળવીને બેઠાં છે. સરકાર તરફથી ગયા બજેટમાં ટેક્સ લાગુ પાડવાથી ભારતીય પ્લેટફોર્મ્સની સ્થિતિ વૈશ્વિક હરિફો કરતાં વધુ ખરાબ જોવા મળી રહી છે. જુલાઈથી લાગુ પડનારા 1 ટકા ટીડીએસને કારણે ક્રિપ્ટો ટ્રેડિંગ પર કેવી અસર પડશે તેને લઈને ઉદ્યોગ વર્તુળો ચિંતિત છે. તેમના મતે જો ટ્રેડર્સ તરફથી ટેક્સને લઈને નેગેટિવ વલણ જોવા મળશે તો પ્લેટફોર્મ્સ પર લિક્વિડીટીમાં ઓર ઘટાડો જોવા મળી શકે છે.

ડુંગળીની નિકાસ 22 ટકા ઉછળી 46 કરોડ ડોલર પર રહી
દેશમાંથી ડુંગળીની નિકાસમાં 2021-22 દરમિયાન 22 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે ત્રણ વર્ષોની ટોચ પર જોવા મળી હતી. ડોલર સંદર્ભમાં શીપમેન્ટ્સ 22 ટકા વધી 46 કરોડ ડોલર પર રહ્યાં હતાં. જે અગાઉના વર્ષે 37.8 કરોડ ડોલર પર જોવા મળ્યાં હતાં. જો વોલ્યુમ સંદર્ભમાં સરખામણી કરીએ તો 2020-21માં 15.78 લાખ ટનની સરખામણીમાં ગયા વર્ષે નિકાસ સાધારણ ઘટી 15.37 લાખ ટન પર જોવા મળી હતી. જોકે 2019-20માં 11.49 લાખ ટનની સામે નિકાસ જથ્થામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળતી હતી. રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો નિકાસ 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3432 કરોડ પર નોંધાઈ હતી. જે 2020-21માં રૂ. 2826 કરોડ પર હતી. બાંગ્લાદેશ ભાગતીય ડુંગળીના સૌથી મોટા ખરીદાર તરીકે ઊભર્યું હતું. તેણે એક વર્ષ અગાઉ 55.2 લાખ ટન સામે ગયા વર્ષે 19 ટકા વૃદ્ધિ સાથે 6.58 લાખ ટન ડુંગળીની ખરીદી કરી હતી. મૂલ્યના સંદર્ભમાં બાંગ્લાદેશ ખાતે નિકાસ 10.1 કરોડ ડોલર પરથી 72 ટકા ઉછળી 17.4 કરોડ ડોલર પર રહી હતી.
વૈશ્વિક ડોલરમાં મજબૂતી વચ્ચે રૂપિયો 13 પૈસા સુધર્યો
વૈશ્વિક સ્તરે ડોલરમાં મજબૂતી વચ્ચે ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે સાધારણ મજબૂતી દર્શાવી રહ્યો હતો. ફેડ તરફથી બુધવારે આક્રમક રેટ વૃદ્ધિ તરફી નિવેદન બાદ ડોલર ઈન્ડેક્સમાં ફરી મજબૂતી જોવા મળી હતી. આ લખાય છે ત્યાર તે 0.41 ટકા સુધારા સાથે 105.273ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જે તેની 105.56ના ઐતિહાસિક સપાટી નજીકનું સ્તર છે. જોકે ભારતીય રૂપિયો ડોલર સામે 13 પૈસા સુધરી 78.90ના સ્તરે ટ્રેડ થયો હતો. બુધવારે રૂપિયાએ 79.03ની ઐતિહાસિક નીચી સપાટી દર્શાવી હતી. ગુરુવાર તે નીચામાં 78.90થી 78.94ની રેંજમાં ટ્રેડ થયો હતો. ફેડ ચેરમેન જણાવ્યું હતું કે તેના તરફથી રેટ વૃદધિને કારણે યુએસ અર્થતંત્રમાં નોંધપાત્ર ઘટાડાનું જોખમ જળવાયેલું રહેશે. તેમના નિવેદન પાછળ શેરબજારોમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે ક્રૂડ સહિતની કોમોડિટીઝ પણ ઘટાડો દર્શાવતી હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો 112 ડોલર પર જ્યારે કોમેક્સ ગોલ્ડ 1811 ડોલર પર નરમ ટ્રેડ સૂચવી રહ્યાં હતાં. આ સિવાય બેઝ મેટલ્સમાં ઝીંક, કોપરમાં એક ટકાથી વધુ જ્યારે નેચરલ ગેસ અને કોટનમાં પણ એક ટકાથી વધુ ઘટાડો જોવા મળતો હતો.

પામ તેલ માર્કેટ પર મંદીવાળાઓનો અંકુશ
29 એપ્રિલે 7100 મલેશિયન રિંગીટ વાળો પામ તેલ વાયદો 5000 રિંગીટની નજીક
લગભગ બે મહિના અગાઉ ઐતિહાસિક ટોચ પર ટ્રેડ થયેલા પામતેલના વળતાં પાણી થયાં છે અને વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદિત ખાઘ્ય તેલ પર મંદીવાળાઓનું નિયંત્રણ જોવા મળી રહ્યું છે. ચાલુ સપ્તાહે શરૂઆતી બે દિવસોમાં મજબૂતી પાછળ બુધવારે મલેશિયા ખાતે ક્રૂડ પામ તેલ ફ્યુચર્સ 5000 મલેશિયન રિંગીટની નીચે ઉતરી ગયો ગતો. ઓગસ્ટ ડિલિવરી કોન્ટ્રેક્ટ્સ માટેના ભાવ 4964 રિંગીંટ પ્રતિ ટન પર જોવા મળી રહ્યાં હતાં. વાયદાએ ઈન્ડોનેશિયા તરફથી પામ તેલ નિકાસ પ્રતિબંધ બાદ 29 એપ્રિલના રોજ 7069 રિંટીગની ટોચ દર્શાવી હતી.
હાલમાં પામ તેલના ભાવ તેમની છ મહિનાની સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં છે અને તે આગામી સમયગાળામાં વધુ ઘટાડો દર્શાવે તેવી શક્યતાં બજાર નિરીક્ષકો જોઈ રહ્યાં છે. તેમના મતે એકબાજુ ઊંચી ઈન્વેન્ટરી જોવા મળી રહી છે. બીજી બાજુ નવી સિઝન શરૂ થવામાં છે આમ ખાદ્ય તેલ પર દબાણ જોવા મળશે. વધુમાં અગ્રણી આયાતકર્તા દેશો તરફથી ખરીદી ખૂબ મર્યાદિત જોવા મળી રહી છે. જેમાં ચીન અને ભારત મુખ્ય છે. મલેશિયા ખાતેથી નિકાસ માગ ખૂબ ઓછી જળવાય છે. બીજી બાજુ એપ્રિલની આખરમાં પામ તેલની નિકાસ પર પ્રતિબંધ મૂકી પાછળથી તેને ઉઠાવી લેનાર ઈન્ડોનેશિયા હવે નિકાસ બજારમાં તેની પેદાશના વેચાણ માટે આક્રમક બન્યું છે. તેણે 24 જૂન સુધીમાં 17 લાખ ટન પામ તેલની રવાનગી માટે મંજૂરી આપી હતી એમ નામ નહિ જણાવવાની શરતે ટ્રેડર જણાવે છે. બુધવારે મલેશિયન સત્તાવાળાઓએ મિલર્સને કેટલુંક પામ તેલ ઉત્પાદન શરૂ કરવા માટે અને પામ તેલના ફ્રેશ ફ્રૂટ બંચિસ(એફએફબી) ખરીદવા મનાવ્યાં હતાં. આમ કરવા પાછળનું કારણ હાલમાં જોવા મળી રહેલી અન્ડરરિકવરી છે. એફએફબીના ભાવ ક્રૂડ પામ તેલની સરખામણીમાં ઊંચા ચાલી રહ્યાં છે અને તેથી પિલાણમાં નુકસાન સહન કરવાનું બની રહ્યું છે.
હાલમાં એકમાત્ર ચીન પામ તેલની મર્યાદિત ખરીદી કરી રહ્યું છે. ઈન્ડોનેશિયા ખાતે સ્ટોકની સ્થિતિ ઊંચી છે. એપ્રિલમાં તે 70 લાખ ટનના ઊંચા સ્તરે હતો. મે મહિનામાં તેમાં ઓર ઉમેરો જોવા મળ્યો હતો એમ વર્તુળો જણાવે છે. જેને કારણે ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. ભારત તેમજ પાકિસ્તાને તેમની ખરીદી ખૂબ મર્યાદિત જાળવતાં ભાવ ઝડપથી તૂટ્યાં છે અને હવે નવી સિઝન શરૂ થતાં ભાવ પર વધુ દબાણ સંભવ છે. ટ્રેડર્સના જણાવ્યા પ્રમાણે ભાવ ઘટવાને કારણે ફ્યુચર્સ સામે કેશના ભાવમાં જોવા મળતું પ્રિમિયમ હાલમાં તૂટીને 150 રિંગીટ આસપાસ જોવા મળી રહ્યું છે. જે એક તબક્કે 250-300 રિંગીટ જેટલું ઊંચું હતું. ભારત સરકારે જૂન 2024 સુધી 20 લાખ ટન સોયાબિન તેલની ડ્યુટી ફ્રી આયાતની છૂટ આપવાને કારણે પણ પામ તેલની ખરીદી ધીમી જોવા મળી શકે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ
જેબી કેમિકલ્સઃ ફાર્મા કંપનીના બોર્ડે ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ પાસેથી રૂ. 98 કરોડના ખર્ચે ચાર પિડિયાટ્રીક બ્રાન્ડ્સની ખરીદના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રોડક્ટ્સના ભારતમાં વેચાણના અધિકારો કંપનીને પ્રાપ્ય રહેશે. આ પ્રોડક્ટ્સમાં ઝેડએન્ડડી, પેડિક્લોરિલ, પેસેફ અ એઝીનાપીનો સમાવેશ થાય છે. આ ચાર બ્રાન્ડ્સ કુલ રૂ. 1800 કરોડની માર્કેટ સાઈઝ ધરાવે છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ દેશમાં ટોચની પ્રિમિયમ સ્ટીલ પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપનીના ચેરમેને જણાવ્યું છે કે કંપની કાર્બન એમિશન ઘટાડવા માટેના પ્રયાસોને ભાગરૂપે રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરશે. કંપની વિશ્વમાં પ્રથમ સ્ટીલ કંપની છે જેણે બે યુએસ ડોલર-ડિનોમિનેટેડ સસ્ટેનેબિલિટી લિંક્ડ બોન્ડ્સ મારફતે એક અબજ ડોલર ઊભા કર્યાં છે.
તાતા મોટર્સઃ કંપની તેના ઈલેક્ટ્રીક વ્હીકલ્સના માર્કેટિંગ માટે નવા સ્ટેન્ડ-અલોન ઈવી શોરુમ્સ સ્થાપશે. જોકે હાલમાં કંપની પાસે માત્ર બે જ ઈવી ઓફરિંગ છે અને તેથી આમ કરવામાં થોડો સમય લાગશે. કંપનીના એમડીએ જણાવ્યું હતું કે તેઓ ઈવી સ્પેસમાં રૂ. 15 હજાર કરોડનું રોકાણ કરશે.
સુંદરમ ફાસ્ટનર્સઃ ઓટો પાર્ટ્સ કંપની આગામી 2-5 વર્ષોમાં રૂ. 750 કરોડનું રોકાણ કરશે. જેમાં પીએલઆઈ સ્કીમ હેઠળ થનારા રોકાણનો સમાવેશ પણ થશે. કંપની ડિફેન્સ અને વિન્ડ એનર્જિ પાર્ટ્સ બિઝનેસિસમાં તથા ઈમર્જિંગ ટેક્નોલોજિ સેગમેન્ટ્સમાં રોકાણ કરશે.
અલ્ટ્રાટેક સિમેન્ટઃ બિરલા જૂથની સિમેન્ટ કંપનએ રશિયન કોલ કાર્ગો માટે ઓર્ડર આપ્યો છે. દેશની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક આ કોલ કાર્ગોનું પેમેન્ટ ચીની ચલણ યુઆનમાં કરશે.
તેજસ નેટવર્ક્સઃ તાતા મોટર્સ અને તેજસ નેટવર્ક્સે રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.
જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સઃ કંપનીએ ઈપીસી બેસીસ પર ઉત્તરપ્રદેશમાં મોજરાપૂરથી બિજૌરા વચ્ચેના પૂર્વાંચલ એક્સપ્રેસવેની ડેવલપમેન્ટ કામગીરી પૂર્ણ કરી છે.
જેએસપીએલઃ સ્ટીલ કંપનીના પ્રમોટરે ઓપન માર્કેટ ઓપરેશન મારફતે કંપનીના 23.08 લાખ શેર્સની ખરીદી કરી છે.
બાયોકોનઃ ફાર્મા કંપનીએ એમ્પિર રિન્યૂએબલ સાથે 26 ટકા હિસ્સાની ખરીદી માટે કરાર કર્યાં છે.
આઈઓસીઃ દેશમાં સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીએ આસામમાં દિગ્બોઈ સ્થિત રિફાઈનરીની ક્ષમતા 6.5 લાખ ટન પ્રતિ વર્ષથી વધારી 10 લાખ ટન પ્રતિ વર્ષ કરવા માટે રૂ. 720 કરોડની વિસ્તરણ યોજના માટે મંજૂરી મેળવી છે.
તાતા મોટર્સઃ દિલ્હી સરકારે તેની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં 1500 તાતા મોટર્સ ઈલેક્ટ્રીક બસોને સમાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
મિંડા ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ જર્મનીની ફ્રિવોમાં 1.499 કરોડ યૂરોમાં 5.24 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
ઈન્ફોસિસઃ અગ્રણી આઈટી સર્વિસ કંપની વેન્ચર કેપિટલ ફર્મ હાઉસ ફંડ, હાઉસ ફંડ થ્રીમાં 1 કરોડ ડોલરનું રોકાણ કરશે.
હિકલઃ સ્મોલકેપ વર્લ્ડ ફંડ ઈન્કે કેમિકલ કંપનીમાં રૂ. 249.02 પ્રતિ શેરના સરેરાશ ભાવે 25 લાખ શેર્સની ખરીદી કરી છે.
હોમ ફર્સ્ટઃ રેટિંગ એજન્સીએ કંપનીની લોંગ ટર્મ બેંક ફેસિલિટીઝ માટે રેટિંગને એએ- પરથી અપગ્રેડ કરી એએ પ્લસ કર્યું છે. જ્યારે આઊટલૂક સ્ટેબલ જાળવ્યું છે.
વંડરલાઃ એન્ટરટેઈનમેન્ટ કંપનીએ ઓડિસ્સા સરકાર સાથે એમ્યૂઝમેન્ટ પાર્ક પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે 50 એકર્સ લેન્ડના લિઝીંગ માટે કરાર સાઈન કર્યો છે.
આરઈસીઃ જાહેર ક્ષેત્રની કંપનીનું બોર્ડ બોનસ ઈસ્યુના પ્રસ્તાવ પર વિચારણા અને મંજૂરી માટે બેઠક યોજશે.
ફેડરલ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંક સિક્યૂરિટીઝ ઈસ્યુ કરીને ફંડ ઊભું કરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage