Market Summary 30 March 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બુલ્સની મજબૂત પકડ વચ્ચે નિફ્ટીએ 17400 કૂદાવ્યું
ત્રણ સત્રોમાં સેન્સેક્સમાં 1300 પોઈન્ટ્સનો ઉછાળો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.24 ટકા ગગડી 20.61 ટકાના સ્તરે
બ્રોડ માર્કેટમાં પણ પરત ફરેલી લેવાલી
એશિયન બજારોમાં મજબૂતી, યુરોપ ખાતે નરમાઈ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રૂ. 18 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું
નાણાકિય વર્ષ 2021-22ની સમાપ્તિ પોઝીટીવ નોંધ સાથે થવા જઈ રહી છે. શેરબજારમાં તેજીવાળાઓની પકડ મજબૂત બનતાં સતત ત્રીજા દિવસે પોઝીટીવ બંધ સાથે બેન્ચમાર્ક નિફ્ટીએ બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 740 પોઈન્ટ્સના સુધારે 58684ના સ્તરે જ્યારે નિફ્ટી 173 પોઈન્ટ્સ સુધરી 17498ના સ્તરે બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ છેલ્લાં ત્રણ સત્રોમાં 1300 પોઈન્ટ્સ જેટલો ઉછાળો દર્શાવે છે. વોલેટિલિટી ઈન્ડેક્સ વધુ 3.24 ટકા ગગડી 20.61ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 32 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 18 નેગેટિવ જોવા મળ્યાં હતાં.
રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆત બાદ ચાલુ સપ્તાહે પ્રથમવાર વૈશ્વિક સ્તરે બજારોમાં સાર્વત્રિક તેજીનું માહોલ જોવા મળી રહ્યું છે. યુએસ બજારો તેમની મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જયારે યુરોપ બજારો પણ નોંધપાત્ર બાઉન્સ દર્શાવી રહ્યાં છે. જ્યારે એશિયન બજારોમાં પણ મજબૂતી જોવા મળી છે. આ વચ્ચે બુધવારે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ બાદ પોઝીટીવ ઝોનમાં ટકી રહેવા સાથે દિવસની ટોચ નજીક બંધ આપવામાં સફળ રહ્યું હતું. નિફ્ટીએ 17300-17400ની રેંજમાં અવરોધને પાર કરી બ્રેકઆઉટ દર્શાવ્યો હતો. આમ આગામી સત્રોમાં તે વધુ સુધારો દર્શાવવા માટે તૈયાર હોવાનું એનાલિસ્ટ્સ માની રહ્યાં છે. નિફ્ટીનો હવેનો ટાર્ગેટ 17700નો રહેશે. જે પાર થતાં 18000-18200ની રેંજ જોવા મળી શકે છે. માર્કેટ અનેક નેગેટિવ્સને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. એનાલિસ્ટ્સના મતે ફુગાવાની ચિંતા વચ્ચે પણ ચોથા ક્વાર્ટરના પરિણામો અપેક્ષાથી સારા જોવા મળે તેવી શક્યતાં છે. જે બજારને આગામી સપ્તાહોમાં સપોર્ટ પૂરો પાડી શકે છે. ઉપરાંત ક્રૂડ અને કોમોડિટીઝમાં તાજેતરમાં જોવા મળેલું કરેક્શન સૂચવે છે કે ભાવ ઊંચા સ્તરે ટકવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે અને તેથી ઉછાળા ઉભરા જેવા સાબિત થઈ રહ્યાં છે. રશિયાએ યૂક્રેનની રાજધાની નજીક સૈન્ય કામગીરી ઘટાડવાની જાહેરાત કરવાને કારણે પણ બજારના સેન્ટિમેન્ટ પર પોઝીટીવ અસર જોવા મળી હતી.
માર્કેટને હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી સતત સપોર્ટ સાંપડી રહ્યો છે. બુધવારે રિલાયન્સ વધુ બે ટકા ઉછળી રૂ. 2673ની સપાટીએ બંધ રહ્યો હતો. જે તેની સર્વોચ્ચ ટોચ નજીકનું સ્તર છે. કંપનીએ રૂ. 18 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. નિફ્ટી કાઉન્ટર્સમાં બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, ટાટા કન્ઝ્યૂમર, બજાજ ફાઈનાન્સ અને હીરોમોટોકો 3 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ મેટલ શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ હિંદાલ્કો અને જેએસડબલ્યુ સ્ટીલ 5-5 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. આઈટીસી અને ટાટા સ્ટીલ પણ 2 ટકાથી વધુ ગગડ્યાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં બેંક નિફ્ટી 1.4 ટકા સુધાર સાથે સારો દેખાવ દર્શાવતો હતો. ઓટો ઈન્ડેક્સ પણ 1.21 ટકા જ્યારે આઈટી 0.9 ટકા સુધારો સૂચવતાં હતાં. મિડિયા ઈન્ડેક્સ 2.3 ટકા અને રિઅલ્ટી 1.5 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં.
લગભગ એક સપ્તાહ બાદ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3507 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2121 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1281 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 105 કાઉન્ટર્સ ફ્લેટ જોવા મળ્યાં હતાં. 136 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 62 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.85 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.97 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એલએન્ડટી ઈન્ફોટેક 5 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ સિવાય ગોદરેજ કન્ઝ્યૂમર(5 ટકા), રામ્કો સિમેન્ટ(4.4 ટકા), દાલમિયા ભારત(4.3 ટકા) અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ(4.3 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં.

ગોલ્ડમેન સાચના મતે હવે 2022માં FPI ફ્લો 5 અબજ ડોલર જ રહેશે
વૈશ્વિક બ્રોકરેજે અગાઉ ભારતમાં 30 અબજ ડોલરના વિદેશી રોકાણના અંદાજને 80 ટકા ઘટાડ્યો

ભારતમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર(એફપીઆઈ) તરફી 2022માં 5 અબજ ડોલરનો ઈનફ્લો જોવા મળશે એમ ગોલ્ડમેન સાચે સુધારેલો અંદાજ રજૂ કરતાં જણાવ્યું છે. વર્ષની શરૂમાં દેશમાં 30 અબજ ડોલરના ઈનફ્લોનો અંદાજ મૂકનાર વૈશ્વિક બ્રોકરેજે સુધારેલા અંદાજમાં 80 ટકા ઘટાડો કર્યો છે.
ગોલ્ડમેન સાચના એશિયા-પેસિફિક વિસ્તાર માટેના ચીફ ઈકોનોમિસ્ટે એક રિપોર્ટમાં નોંધ્યું છે કે ભારતમાં માર્ચ ક્વાર્ટરમાં અત્યાર સુધીમાં 15 અબજ ડોલરનો આઉટફ્લો નોઁધાઈ ચૂક્યો છે. બીજી બાજુ કેન્દ્રિય બજેટમાં વૈશ્વિક બોન્ડ ઈન્ડાઈસિસમાં ભારતનો ક્યારે સમાવેશ કરવામાં આવશે તેનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નહોતો. જેને જોતાં 2022ના ચોથા ક્વાર્ટરમાં ભારતના જીબીઆઈ-ઈએમ ગ્લોબલ ડાયવર્સિફાઈડ બોન્ડ ઈન્ડેક્સમાં સમાવેશની ધારણા સામે જોખમ રહેલું છે. ભારતમાં મોનેટરી પોલિસી નોર્મલાઈઝેશનના અમારા મત તથા યુએસ ફેડ દ્વારા વધુ 200 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની શક્યતા જોતાં ભારતમાં ફિક્સ્ડ ઈન્કમ ઈનફ્લો ઘણો મંદ જળવાશે એમ તેઓ ઉમેરે છે.
એ વાત ઉલ્લેખનીય છે કે કેલેન્ડર 2019થી 2021ના ત્રણ વર્ષોમાં ભારતમાં 40 અબજ ડોલરનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જેમાંથી 14 અબજ ડોલર જેટલો ફ્લો ચાલુ કેલેન્ડરના પ્રથમ ક્વાર્ટરમાં બહાર નીકળતો જોવા મળ્યો હોવાનું એક અન્ય વિદેશી બ્રોકરેજ બોફાએ નોંધ્યું છે. ભારતમાં ફ્લો સરકારના ટેક્સ રિફોર્મ્સથી ચલિત જોવા મળી શકે છે. આરબીઆઈ 2022ના મધ્યભાગથી રેટ વૃદ્ધિ શરૂ કરે તેવી અમારી ધારણાને નવી ફાળવણીને આકર્ષવા માટે ગ્રોથ મોમેન્ટમ જળવાય રહે તે જરૂરી છે એમ તેઓ નોંધે છે. તાજેતરમાં વૈશ્વિક ઘટનાઓને જોતાં ગોલ્ડમેન સાચના મતે 2022માં ભારતની કુલ કેપિટલ એકાઉન્ટ સરપ્લસ 65 અબજ ડોલર જ રહેશે. જે 2021માં 88 અબજ ડોલર પર હતી.

યુધ્ધ અને ફુગાવાની ચિંતા વચ્ચે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
માર્ચ ક્વાર્ટરમાં વિકસિત અને ઈમર્જિંગ સૂચકાંકોમાં નિફ્ટીએ 0.8 ટકા પોઝીટીવ રિટર્ન આપ્યું
ચીન, યુએસ, જર્મની અને જાપાન સહિતના બજારોમાં 10થી વધુ ઘટાડો

જો કેલેન્ડર 2022ના માર્ચ ક્વાર્ટરમાં વૈશ્વિક શેરબજારોના દેખાવની ચર્ચા કરીએ તો ભારતીય બજારે રશિયા-યૂક્રેન યુધ્ધ અને ક્રૂડના ભાવમાં અસાધારણ વૃદ્ધિ પાછળ ફુગાવાની ચિંતા વચ્ચે પણ ચઢિયાતો દેખાવ નોંધાવ્યો છે. સ્થાનિક બેન્ચમાર્ક નિફ્ટીએ કેલેન્ડરની શરૂઆતથી બુધવારના બંધ ભાવ સુધીમાં 0.8 ટકાનું પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું છે. તેણે ઈમર્જિંગ માર્કેટ્સ ઉપરાંત વિકસિત બજારોને પણ પાછળ રાખી દીધાં છે. એકમાત્ર કોમોડિટી આધારિત અર્થતંત્ર બ્રાઝિલે ભારતીય બજાર કરતાં સારો દેખાવ નોંધાવ્યો છે.
છેલ્લાં બે સપ્તાહ દરમિયાન ભારતીય બજારે દર્શાવેલા બાઉન્સ બાદ સ્થાનિક સૂચકાંકો કેલેન્ડરમાં અત્યાર સુધી પોઝીટીવ ઝોનમાં ટ્રેડ જોવા મળી રહ્યાં છે. બુધવારે 17498.25ની બંધ સપાટીએ નિફ્ટી 0.8 ટકાનું પોઝીટીવ રિટર્ન દર્શાવતો હતો. ડિસેમ્બર 2021ની આખરમાં તે 17354.05ના સ્તરે બંધ રહ્યો હતો. માર્ચના પ્રથમ સપ્તાહમાં બેન્ચમાર્ક 15671ના સાત મહિનાના તળિયા પર ટ્રેડ થયા બાદ બુધવારે 17523ની દોઢ મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે કેલેન્ડરના પ્રથમ ક્વાર્ટરમાં પોઝીટીવ રિટર્ન દર્શાવતાં હોય તેવા બેન્ચમાર્ક્સ જૂજ છે. ભારત ઉપરાંત કોમોડિટી આધારિત બ્રાઝિલનો બોવેસ્પા અને યૂકેનો ફૂટ્સી, આ બે જ બેન્ચમાર્કસ 2021ના બંધ ભાવથી સુધારો દર્શાવી રહ્યાં છે. જ્યારે યુએસ, ચીન, જર્મની, જાપાન, હોંગ કોંગ, કોરિયા સહિતના બજારો નેગેટિવ જોવા મળી રહ્યાં છે. જેમકે ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ તો 2022માં અત્યાર સુધી 10.3 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ રજૂ કરી રહ્યો છે. બેન્ચમાર્કે લગભગ દસેક સત્ર અગાઉ વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી તે થોડો બાઉન્સ થયો છે. વિકસિત અર્થતંત્રોમાં જર્મનીનો ડેક્સ 8 ટકા ઘટાડે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવવામાં બીજા ક્રમે છે. રશિયા પર 50 ટકા જેટલી એનર્જી અવલંબનને કારણે યુક્રેન યુધ્ધ બાદ જર્મનીનું બજાર તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યું છે. 5 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહેલાં કેટલાંક વૈશ્વિક સૂચકાંકોમાં કોરિયાનો કોસ્પી 7.8 ટકા, નાસ્ડેક 6.6 ટકા, કેક 6 ટકા અને હેંગ સેંગ 5 ટકાનો સમાવેશ થાય છે. યૂએસનો ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 2.9 ટકા અને જાપાનનો નિક્કાઈ 2.7 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જે સૂચવે છે કે રશિયા-યૂક્રેન યુધ્ધને કારણે ક્રૂડના ભાવમાં તીવ્ર વૃદ્ધિ વચ્ચે આયાતી ક્રૂડ પર આધારિત ભારતીય અર્થતંત્રના વૃદ્ધિ દરને લઈને ઊભી થયેલી ચિંતા છતાં રોકાણકારોએ સ્થાનિક બજારમાં ખરીદી દર્શાવી છે. આશ્ચર્યની બાબત એ પણ છે કે માર્ચ મહિનામાં જ એફઆઈઆઈની રૂ. 45 હજાર કરોડથી વધુની વેચવાલી છતાં ભારતીય બજાર દેખાવ દર્શાવવામાં ટોચ પર છે. આમ કેલેન્ડર 2019થી 2021 સુધી વૈશ્વિક બજારોની સરખામણીમાં ચઢિયાતો દેખાવ નોંધાવતું રહેલું ભારત સતત ચોથા વર્ષે પણ તેમને પાછળ રાખી દે તેવા સંકેતો સાંપડી રહ્યાં છે. એનાલિસ્ટ્સના મતે જો ક્રૂડના ભાવ ઝડપથી પાછા પડશે અને 80 ડોલર આસપાસ સ્થાયી થશે તો ભારતીય બજાર આગામી મે મહિના સુધીમાં નવી ટોચ દર્શાવી શકે છે.

વૈશ્વિક શેરબજારોનો માર્ચ ક્વાર્ટરનો દેખાવ

વૈશ્વિક સૂચકાંકો 31 ડિસે. 2021નો બંધ બજારભાવ ફેરફાર(ટકામાં)

નિફ્ટી 50 17354.05 17498.25 0.8%
BSE સેન્સેક્સ 58253.82 58683.99 0.7%
તાઈવાન 18218.84 17740.56 -2.6%
નિક્કાઈ 225 28791.71 28027.25 -2.7%
ડાઉ જોન્સ 36338.3 35294.19 -2.9%
હેંગ સેંગ 23397.67 22232.03 -5.0%
કેક 40 7153.03 6728.68 -5.9%
નાસ્ડેક 15644.97 14619.64 -6.6%
કોસ્પી 2977.65 2746.74 -7.8%
ડેક્સ 15884.86 14614.27 -8.0%
શાંઘાઈ કંપોઝીટ 3639.775 3266.596 -10.3%

એક્સિસ બેંક રૂ. 12200 કરોડમાં સિટિગ્રૂપનો કન્ઝ્યૂમર બિઝનેસ ખરીદશે
દેશમાં પ્રાઈવેટ સેક્ટરની એક્સિસ બેંક સિટિગ્રૂપના ભારતમાંના કન્ઝ્યૂમર બિઝનેસની 1.6 અબજ ડોલર એટલેકે લગભગ રૂ. 12200 કરોડમાં ખરીદી કરશે. યૂએસ બેંક 13 દેશોમાં તેની રિટેલ કામગીરીનું વેચાણ કરી બહાર નીકળશે. આ ડીલમાં સિટી ગ્રૂપના 3600 એમ્પ્લોઈને એક્સિસ બેંકમાં ટ્રાન્સફરનો સમાવેશ પણ થાય છે. સિટીએ જણાવ્યું છે કે આ ડીલમાં તેના ભારતમાંના ઈન્સ્ટીટ્યુશ્નલ ક્લાયન્ટ બિઝનેસિસનો સમાવેશ નથી થતો. સિટીગ્રૂપ-એક્સિસ ડિલનો ક્લોઝર પિરિયડ જાન્યુઆરી-જૂન 2023નો હોવાનું જાણવા મળે છે. આ ડીલ વધુ આકર્ષક સંસ્થાકિય વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસિસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ભાગરૂપ છે. સિટીના રિટેલ બિઝનેસની ખરીદી બાદ એક્સિસ બેંકને 25.5 લાખ નવો ક્રેડિટ કાર્ડ બેઝ મળશે. હાલમાં એક્સિસ 86 લાખ ક્રેડિટ કાર્ડ્સ ધરાવે છે. સિટી જૂથ ભારતમાં 35 શાખાઓ ધરાવે છે.
હેમાની ઈન્ડસ્ટ્રીઝે રૂ. 2000 કરોડના IPO માટે DRHP ફાઈલ કર્યું
એગ્રોકેમિકલ્સ અને સ્પેશિયાલ્ટી કેમિકલ્સ ઉત્પાદક હેમાની ઈન્ડસ્ટ્રીઝે પ્રાઈમરી માર્કેટમાંથી રૂ. 2000 કરોડ ઊભા કરવા માટે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું છે. આઈપીઓમાં રૂ. 1500 કરોડની ઓફર-ફોર-સેલ અને રૂ. 500 કરોડના ફ્રેશ ઈસ્યૂનો સમાવેશ થતો હશે. કંપનીની આવકનો 60-70 ટકા હિસ્સો નિકાસમાંથી પ્રાપ્ત થાય છે. તે પાયરેથ્રોઈડ માર્કેટમાં ટોચની કંપની છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage