Market Summary 30 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


તેજડિયા હાવી બનતાં માર્કેટમાં તેજીની હેટ્રિક
શોર્ટ સેલર્સે પોઝીશન કવર કરવા દોટ મૂકી
વૈશ્વિક બજારોમાં પણ પોઝીટીવ માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા તૂટી 19.98ના સ્તરે
આઈટી, ઓટો, એનર્જીમાં સારી લેવાલી
બ્રોડ માર્કેટમાં બીજા દિવસે ખરીદી જળવાય
નિફ્ટીના 50માંથી 45 કાઉન્ટર્સ પોઝીટીવ
સતત બીજા સપ્તાહે ભારતીય શેરબજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. તેજીવાળાઓએ મજબૂત પકડ જાળવી રાખતાં સતત ત્રીજા સત્રમાં સુધારા સાથે તેજીની હેટ્રીક રચાઈ હતી. બીએસઈ સેન્સેક્સ 1041 પોઈન્ટ્સના સુધારે 55926ના સ્તરે જ્યારે નિફ્ટી 309 પોઈન્ટ્સ ઉછળી 16661ના સ્તરે બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 45 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 5માં ઘટાડો જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાઈ હતી. બીએસઈ ખાતે 2 શેર્સથી વધુમાં ખરીદી સામે એક શેરમાં ઘટાડો જોવા મળતો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા તૂટી 20ના સ્તરની નીચે 19.98 પર બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહાંતે યુએસ બજાર ખાતે મજબૂતી જળવાતાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ રહેશે તે નિશ્ચિત હતું. જોકે તેજીવાળાઓ બજાર પર એકહથ્થુ જમાવટ કરશે તેવી કલ્પના કોઈએ નહોતી કરી. એશિયન બજારોમાં પોઝીટીવ ટોન વચ્ચે ભારતીય બજાર ગેપ-અપ ખૂલ્યાં બાદ સતત સુધરતું રહ્યું હતું. નિફ્ટીએ 16400ની સપાટી પાર કરતાં શોર્ટ સેલર્સે કાપણી માટે દોટ મૂકતાં જોતજોતામાં નિફ્ટી 16696ની સપાટી સુધી ઉછળી ગયો હતો અને બ્રેકઆઉટ સાથે બંધ રહ્યો હતો. ભારતીય બજારે અત્યાર સુધી જૂન સિરિઝના પ્રથમ ત્રણ સત્રોમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે. જે આગામી સમયગાળામાં પણ સરવાળે તેજીનું મોમેન્ટમ જળવાય રહે તેવો મજબૂત સંકેત આપે છે. માર્કેટ નિરીક્ષકોના મતે નિફ્ટી માટે 16400-16500ની રેંજમાં મજબૂત સપોર્ટ બની રહેશે. જ્યારે ઉપરમાં 17000 આસપાસ અવરોધ જોવા મળી શકે છે. જે પાર થતાં બે મહિનાના સમયગાળામાં નિફ્ટી ફરી 18 હજારના સ્તરે ટ્રેડ થતો જોવા મળી શકે છે. જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તે નવી ટોચ પણ દર્શાવી શકે છે. ચોથા ક્વાર્ટરના પરિણામોની સિઝન સારી રહી છે અને તેથી ત્યાંથી કોઈ નેગેટિવ્સ જોવા મળ્યાં નથી. લાર્જ-કેપ્સ ઉપરાંત અનેક મીડ-કેપ્સ કંપનીઓ તરફથી અસાધારણ દેખાવ જોવા મળ્યો છે. જેની પાછળ બજારમાં મોમેન્ટમ ટકી શકે છે.
સોમવારે બજારને સપોર્ટ કરવામાં આઈટી, ઓટો અને એનર્જી મુખ્ય હતાં. સતત ત્રીજા દિવસે આઈટી કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી 3.88 ટકા ઉછળ્યો હતો. ઊંચો સુધારો દર્શાવનારા આઈટી કાઉન્ટર્સમાં કોફોર્જ, માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી અને ટીસીએસનો સમાવેશ થાય છે. તે તેમામ 3 ટકાથી લઈને 6 ટકા સુધીનો ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો 2 ટકા મજબૂતી સાથે ત્રણ મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં એમએન્ડએમ સારા પરિણામો પાછળ 5 ટકા ઉછળ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તે ફરીવાર રૂ. 1000ની સપાટીને પાર કરી ગયો હતો. આ સિવાય ટાટા મોટર્સ, બાલક્રિષ્ણ ઈન્ડ., ટીવીએસ મોટરમાં 2 ટકાથી વધુ સુધારો જોવા મળ્યો હત. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ એનર્જી ઈન્ડેક્સ 1.6 ટકા જેટલો સુધર્યો હતો. આરઆઈએલ 3.5 ટકા સુધરી રૂ. 2665ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત ટાટા પાવર, બીપીસીએલ અને આઈઓસીમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 4 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી એફએમસીજી એક ટકા મજબૂતી દર્શાવતો હતો.
બ્રોડ માર્કેટ પર નજર કરીએ તો બીએસઈ ખાતે કુલ 3615 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2368 પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. જ્યારે 1091 ઘટાડો દર્શાવતાં હતાં. 65 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 53 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં જોવા મળ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 2.42 ટકા ઉછળ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 3.08 ટકા જેટલો ઉછળ્યો હતો. કેટલાંક નિફ્ટી ડેરિવેટિવ્સ કાઉન્ટર્સ તીવ્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેમાં ડિક્સોન ટેક્નોલોજી(11 ટકા), જ્યુબિલિઅન્ટ ફૂડ(10 ટકા), સિટી યુનિટન બેંક(9.5 ટકા) અને ઈન્ટેલેક્ટ ડિઝાઈન(8 ટકા)નો સમાવેશ થાય છે. બીજી બાજુ ડો. લાલ પેથલેબ્સ(5 ટકા), જિંદાલ સ્ટીલ(2.4 ટકા) અને કોટક મહિન્દ્રા(2.21 ટકા)નો ઘટાડો સૂચવી રહ્યાં હતાં.


માર્કેટ બાઉન્સમાં ઈન્શ્યોરન્સ, ઓટો અને બેંકિંગ સેક્ટર્સમાં જોવા મળેલી ખરીદી
નિફ્ટમાં 19મેના તળિયેથી 5.6 ટકા સુધારા સામે ઈન્શ્યોરન્સ કાઉન્ટર્સમાં 15 ટકા અને ઓટો કાઉન્ટર્સમાં 13 ટકાથી વધુ સુધારો
બીજી બાજુ મેટલ, સિમેન્ટ અને પેઈન્ટ કાઉન્ટર્સમાં વેચવાલી
છેલ્લાં કેટલાંક ટ્રેડિંગ સત્રો દરમિયાન સ્ટોકમાર્કેટમાં જોવા મળી રહેલા બાઉન્સમાં બ્લ્યૂ-ચિપ્સમાં ઈન્શ્યોરન્સ અને ઓટોમોબાઈલ હોટ ફેવરિટ જોવા મળે છે. અગ્રણી ખાનગી બેંકિંગ શેર્સમાં પણ રોકાણકારોની ખરીદી જોવા મળે છે. આના પરથી આગામી સમયગાળામાં માર્કેટમાં કયા ક્ષેત્રો આઉટપર્ફોર્મન્સ દર્શાવી શકે છે તેનો ખ્યાલ આવે છે.
ગઈ 19મેના રોજ બેન્ચમાર્ક નિફ્ટીએ 15775ના તળિયાના સ્તરેથી સાત સત્રોમાં નોંધપાત્ર બાઉન્સ નોંધાવ્યો છે. સોમવારે 16661ના બંધ ભાવે નિફ્ટી 5.6 ટકાનું રિટર્ન દર્શાવતો હતો. સમાનગાળામાં તેના ઘટક કાઉન્ટર્સે કેવો દેખાવ દર્શાવ્યો છે તેના પર નજર નાખીએ તો જણાય છે કે ઈન્શ્યોરન્સ અને ઓટો કાઉન્ટર્સે ઊંચું આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું છે. તેમણે અન્ય સેક્ટર અગ્રણીઓને પણ વળતરમાં પાછળ રાખી દીધાં છે. આમ ઈન્વેસ્ટર્સે બજારમાં મંદી વખતે આ બંને સેક્ટર્સમાં તેમની પોઝીશનમાં ઉમેરો કર્યો હોય તેમ જણાય છે. એફએમસીજી ક્ષેત્રે પસંદગીના કાઉન્ટર ઉપરાંત પ્રાઈવેટ બેંકિંગ ક્ષેત્રે ટોચની કંપનીઓમાં પણ નીચા મથાળે ખરીદી નીકળી હોય તેમ અભ્યાસ સૂચવે છે. જેમકે છેલ્લાં સાત સત્રોમાં નિફ્ટીના ટોચના 10 આઉટપર્ફોર્મર્સમાં એચડીએફસી બેંક(8.85 ટકા) અને આઈસીઆઈસીઆઈ બેંક(8.58 ટકા)નો સમાવેશ થાય છે. આ બંને કાઉન્ટર્સ છેલ્લાં કેટલાંક મહિનાઓથી રેંજ બાઉન્ડ જોવા મળી રહ્યાં હતાં. જોકે તેમનું આઉટપર્ફોર્મન્સ સૂચવે છે કે તેઓ આગામી સમયગાળામાં બજારમાં તેજીનું નેતૃત્વ લેવા સજ્જ થઈ રહ્યાં છે. બંને કંપનીઓએ ચોથા ક્વાર્ટર માટે સારા પરિણામો દર્શાવ્યાં હતાં. પ્રોવિઝન્સમાં નોંધપાત્ર ઘટાડા પાછળ બોટમલાઈન ખૂબ મજબૂત જોવા મળી હતી.
ઈન્શ્યોરન્સ ક્ષેત્રે એચડીએફસી લાઈફે નિફ્ટી કાઉન્ટર્સમાં 14.81 ટકા સાથે સૌથી ઊંચું વળતર નોંધાવ્યું છે. આ જ રીતે ઓટો ક્ષેત્રે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 13.31 ટકાનું રિટર્ન નોંધાવ્યું છે. આમ નોંધપાત્ર સમયગાળા બાદ બંને અન્ડરપર્ફોર્મર સેક્ટર પર પંટર્સની નજર પડી હોય તેમ જણાય છે. ઓટો ક્ષેત્રે ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પે પણ અનુક્રમે 11 ટકા અને 10 ટકાનું નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. એફએમસીજી ક્ષેત્રે નેસ્લે ઈન્ડિયાએ 10.4 ટકા જ્યારે ઈન્શ્યોરન્સ ક્ષેત્રે એસબીઆઈ લાઈફે 8.55 ટકાનું રિટર્ન આપ્યું છે. આનાથી વિપરીત મેટલ, પેઈન્ટ્સ અને પસંદગીના ફાર્મા શેર્સમાં વેચવાલી જોવા મળી છે. જેમાં ડિવિઝ લેબોરેટરી 15 ટકા સાથે ઘટાડામાં ટોચ પર જોવા મળે છે. જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને હિંદાલ્કોમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળે છે. જે સૂચવે છે કે સરકારે સ્ટીલ પર નિકાસ ડ્યુટી લાગુ પાડ્યા બાદ રોકાણકારોનો સ્ટીલ ક્ષેત્રે રસ ઘટતો જોવા મળી રહ્યો છે અને તાજેતરના માર્કેટ બાઉન્સમાં તેઓ જોડાયાં નથી.
તાજેતરના બાઉન્સમા સુધારો દર્શાવનાર નિફ્ટી કાઉન્ટર્સ
સ્ક્રિપ્સ 19મેનો બંધ ભાવ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ઘિ(ટકામાં)
HDFC લાઈફ 528.7 607 14.81%
M&M 882.55 1000 13.31%
ડો. રેડ્ડીઝ 3929.45 4364.3 11.07%
ટાટા મોટર્સ 398.65 442.4 10.97%
HDFC 2136.3 2367 10.80%
નેસ્લે ઈન્ડિયા 16094.25 17770.05 10.41%
હીરો મોટોકોર્પ 2515.5 2775.5 10.34%
HDFCBANK 1287.05 1401 8.85%
ICICIBANK 690.3 749.5 8.58%
SBI લાઈફ 1056.65 1147 8.55%


તાજેતરના બાઉન્સમા ઘટાડો દર્શાવનાર નિફ્ટી કાઉન્ટર્સ

સ્ક્રિપ્સ 19મેનો બંધ ભાવ(રૂ.) બજારભાવ(રૂ.) ઘટાડો(ટકામાં)
ડિવિઝ લેબો. 4199.2 3572.95 -14.91%
JSW સ્ટીલ 600.2 537.7 -10.41%
ONGC 160 143.9 -10.06%
ટાટા સ્ટીલ 1122.15 1047 -6.70%
એશિયન પેઈન્ટ્સ 3046.9 2847.4 -6.55%
UPL 814 781 -4.05%
ગ્રાસિમ 1457.8 1442 -1.08%
હિંદાલ્કો 417 416.05 -0.23%


મેટ્રો કેશ એન્ડ કેરી માટે રિલાયન્સ અને અદાણી આમને-સામને
હોલસેલ માર્કેટર્સની ખરીદીમાં ત્રીજો ખેલાડી થાઈલેન્ડનો ચેરોન પોકફંડ છે

જર્મનીના મેટ્રો એજીના ભારત ખાતેના યુનિટ મેટ્રો કેશ એન્ડ કેરીમાં રોકાણ માટે ત્રણ બિઝનેસ હાઉસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. ઉદ્યોગના જાણકારો અનુસાર રિલાયન્સ, અદાણી ગ્રૂપ અને થાઇલેન્ડના અગ્રણી સમૂહ ચેરોન પોકફંડ (સીપી) ગુરુગ્રામમાં મુખ્યાલય ધરાવતા મેટ્રો કેશ એન્ડ કેરીમાં આંશિક અને સંપૂર્ણ હિસ્સો હસ્તગત કરવા પ્રયત્નશીલ છે. મેટ્રો કેશ એન્ડ કેરી દેશભરમાં 31 સ્ટોર્સ તથા 5,000 કર્મચારીઓ ધરાવે છે.
સ્ટ્રેટેજીક અને પ્રાઇવેટ ઇક્વિટી ઈન્વેસ્ટર્સ સહિતની આશરે 20 કંપનીઓનો જર્મન ચેઇન દ્વારા સંપર્ક કરાયો છે અને તેમને ભારત ખાતેના હોલસેલ બિઝનેસ માટે બીડ કરવા આમંત્રિત કર્યાં છે. જોકે, આ બાબતે હજૂ સ્પષ્ટતા મળી નથી. જો રિલાયન્સ બીડ જીતે તો તેનાથી રિટેઇલ ક્ષેત્રે કંપનીની ઉપસ્થિતિ વધુ મજબૂત બનશે તથા તે વોલમાર્ટ, ઉડાન, ડી-માર્ટ અને એમેઝોન જેવી મોટી કંપનીઓ સાથે વધુ સ્પર્ધામાં ઉતરી શકશે. આ ડીલ દ્વારા અદાણી તેના સ્પર્ધકો સામે વધુ એક મોરચો ખોલી શકે છે. હાલમાં અદાણી ગ્રૂપ તાજેતરમાં લોંચ કરાયેલા ફોર્ચ્યુન માર્ટ મારફતે રિટેઇલ સેક્ટરમાં ઉપસ્થિતિ ધરાવે છે, જ્યાં અદાણી વિલ્મરની પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવે છે. કંપની ઓઇલ અને ફૂડ બિઝનેસ ઉપરાંત વિસ્તરણની મહાત્વાકાંક્ષી યોજનાઓ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે જર્મન ચેઇન યુરોપિયન માર્કેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તે ચીન સહિતના એશિયન માર્કેટ્સમાંથી બહાર નીકળી રહી છે. હાલમાં મેટ્રો ભારતને ટોચના 10 વૈશ્વિક માર્કેટ્સમાં ગણે છે. જેપી મોર્ગન અને ગોલ્ડમેનને મેટ્રો કેશ એન્ડ કેરી એમએન્ડએ ડીલ માટે બેન્કર્સ તરીકે નિમવામાં આવ્યાં છે. આ પ્રક્રિયામાં થોડાં મહિનાનો સમય લાગી શકે છે અને તે ઘણાં પરિબળોને આધીન રહેશે.


લાર્જ-કેપ સામે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવતાં મીડ અને સ્મોલ-કેપ ફંડ્સ
છેલ્લાં મહિનામાં લાર્જ-કેપ ફંડ્સમાં 5.33 ટકા ઘટાડા સામે સ્મોલ-કેપ ફંડ્સમાં 10 ટકાનું ગાબડું
ભારતીય શેરબજારોમાં તાજેતરમાં થયેલી નોંધપાત્ર પીછેહઠને કારણે લાર્જ-કેપ ફંડ્સની સરખામણીમાં મીડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સનું પ્રદર્શન નબળું પડ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ (એમએફ) ઉદ્યોગના જાણકારો મૂજબ વર્તમાન પરિસ્થિતિને જોતાં રોકાણકારોએ સાવચેતીભર્યો અભિગમ અપનાવવો જોઇએ.
તાજેતરના આંકડા અનુસાર છેલ્લાં એક મહિનામાં મીડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સ અનુક્રમે સરેરાશ 7.54 ટકા અને 9.77 ટકા ઘટ્યાં છે, જેની સામે લાર્જ-કેપ ફંડ્સે સમાન સમયગાળામાં 5.33 ટકા જેટલું નેગેટિવ વળતર આપ્યું છે. આગામી મહિનાઓમાં વ્યાજદરોમાં હજૂ વધારો તથા ફુગાવાના ઉંચા દરને જોતાં મીડ-કેપ અને સ્મોલ-કેપ સ્ટોક ઉપર દબાણ જળવાઇ રહેવાની સંભાવનાઓ પ્રવર્તી રહી છે.
છેલ્લાં એક મહિનામાં એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ લગભગ 4.31 ટકા ઘટ્યો છે, જ્યારે કે એસએન્ડપી બીએસઇ મીડ-કેપ ઇન્ડેક્સ તથા એસએન્ડપી બીએસઇ સ્મોલ-કેપ ઇન્ડેક્સે અનુક્રમે 8.58 ટકા અને 11.4 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે.
આ પહેલાં બે વર્ષમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન વચ્ચે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો તથા નજીકના સમયગાળામાં નફાકારકતા સંબંધિત ચિંતાઓ, કાચા માલના ભાવમાં વધારાની સ્થિતિને જોતાં રોકાણકારો મીડ અને સ્મોલ-કેપ ફંડ્સમાં રોકાણ કરવામાં સાવચેતી રાખે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે સરકારની નીતિગત પહેલો જેમકે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ જેવી સ્કીમો અને નીચા વ્યાજદરોને કારણે મીડ-કેપ અને સ્મોલ-કેપમાં જોરદાર તેજી આવી હતી.
જાણકારોનું માનવું છે કે બજારોની વર્તમાન સ્થિતિને જોતાં રોકાણકારો મીડ-કેપ અને સ્મોલ-કેપની તુલનામાં લાર્જ-કેપને વધુ પ્રધાન્ય આપી રહ્યાં છે, જેથી વોલેટાલિટીમાં પણ તેમનું રોકાણ ઘણાં અંશે સુરક્ષિત રહી શકે.
એમેઝોન તરફથી રૂ. 20K કરોડના રોકાણના અહેવાલે વોડાફોનમાં 5 ટકાનો ઉછાળો
દેશમાં ત્રીજા ક્રમના ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાનો શેર સોમવારે 5 ટકાનો ઉછાળો દર્શાવતો હતો. ઊંચું ડેટ ધરાવતી કંપનીમાં ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન રૂ. 20 હજાર કરોડનું રોકાણ કરે તેવા અહેવાલોને પગલે શેરમાં મજબૂતી જોવા મળી હતી. જોકે હજુ સુધી આ અહેવાલને એકપણ કંપની તરફથી સમર્થન આપવામાં આવ્યું નથી. સોમવારે વોડાફોનનો શેર અગાઉના રૂ. 8.90ના બંધ ભાવ સામે 5 ટકાથી વધુ સુધરી રૂ. 9.45ની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 30 હજાર કરોડ આસપાસ જોવા મળતું હતું. કંપની છેલ્લાં ઘણા સમયથી નવેસરથી મૂડી ઊભી કરવા માટે રોકાણકારની શોધ ચલાવી રહી છે. જેથી ઊંચા ઋણને ચૂકવવામાં સરળતા મળી રહે તેમજ નેટવર્કમાં નવું રોકાણ હાથ ધરી શકાય. જોકે સતત ખોટને કારણે અત્યાર સુધી તે રોકાણકારને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી.
ગૂગલની પેરન્ટ આલ્ફાબેટે શેરચાટમાં રોકાણ કર્યું
ભારતની શેરચાટની પેરન્ટ કંપનીએ 30 કરોડ ડોલરના ફ્રેશ ફંડીંગ રાઉન્ડમાં ગૂગલની માલિક કંપની આલ્ફાબેટ પાસેથી રોકાણ મેળવ્યું છે. ગુગલ ઉપરાંત અગ્રણી મિડિયા જૂથ તથા સિંગાપુરની ટેમાસેક હોલ્ડિંગ્સે પણ ફંડિગ રાઉન્ડમાં રોકાણ કર્યું છે. ગૂગલે શેરચાટમાં 5 અબજ ડોલરના વેલ્યૂએશન પર 30 કરોડ ડોલરના રોકાણમાં ભાગ લીધો હોવાનું જાણકારો જણાવે છે. આ ડીલ અંગે આગામી સપ્તાહે જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. શેરચાટની માલિક કંપની મોહલ્લા ટેકે આ અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. ગૂગલનું ભારતીય શોર્ટ વિડિયો સ્પેસ ક્ષેત્રે આ બીજું રોકાણ છે. અગાઉ તે જોશમાં રોકાણ કરી ચૂકી છે. જે શેરચાટની ભગિની કંપની મોજ સાથે સીધી સ્પર્ધામાં છે. હાલમાં મંદીમાંથી પસાર થઈ રહેલા ભારતીય સ્ટાર્ટ-અપ સેક્ટરમાં ગુગલનું રોકાણ આ ક્ષેત્રે હજુ પણ રોકાણ માટે એપેટાઈટ હોવાનું સૂચવે છે.
એપ્રિલમાં સ્ટીલ નિકાસમાં 22 ટકા ઘટાડો
નાણાકિય વર્ષ 2021-22માં સતત તેજી બાદ નવા નાણાકિય વર્ષમાં સ્ટીલ નિકાસમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલ 2022માં દેશમાંથી સ્ટીલની નિકાસ વાર્ષિક ધોરણે 22 ટકા ઘટાડો દર્શાવે છે. ગયા વર્ષે એપ્રિલમાં 9.52 લાખ ટનની નિકાસ સામે ચાલુ વર્ષે દેશમાંથી 7.43 લાખ ટન સ્ટીલની નિકાસ જોવા મળી હતી. નાણાકિય વર્ષ 2021-22માં દેશમાંથી સ્ટીલની નિકાસ 25 ટકા વૃદ્ધિ સાથે 1.35 કરોડ ટન પર જોવા મળી હતી. ગયા મહિને તૂર્કી, બેલ્જિયમ અને નેપાળ જેવા દેશ ખાતેથી ઓર્ડર્સમાં 12 ટકાથી 42 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો એમ સ્ટીલ મંત્રાલયનો ડેટા સૂચવે છે. જોકે વાર્ષિક ધોરણે ભારતીય સ્ટીલના ભાવમાં 27 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.


કોર્પોરેટ હેડલાઈન્સ

એજિસ લોજિસ્ટીક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2104 કરોડની આવક નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1011 કરોડ પર હતી. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના રૂ. 70 કરોડના સ્તર પરથી ઉછળી રૂ. 102 કરોડ પર જોવા મળ્યો હતો.
શારદા મોટર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 617.8 કરોડની આવક નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 604.1 કરોડ પર હતી. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના રૂ. 25.9 કરોડના સ્તર પરથી ઉછળી રૂ. 43.9 કરોડ પર જોવા મળ્યો હતો.
સિટી યુનિયન બેંકઃ પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 208.95 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 111.8 કરોડના સ્તરેથી 88 ટકા વૃદ્ધિ સાથે રૂ. 209 કરોડ પર જોવા મળે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 429 કરોડ પરથી 17 ટકા વૃદ્ધિ સાથે રૂ. 501 કરોડ પર રહી હતી.
ટિમકેનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 121.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 53 કરોડના સ્તરે જોવા મળતો હતો. કંપનીની આવક રૂ. 474.4 કરોડ પરથી વધી રૂ. 667.4 કરોડ પર રહી હતી.
એક્સેલ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 44.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 20.1 કરોડના સ્તરે જોવા મળતો હતો. કંપનીની આવક રૂ. 218.6 કરોડ પરથી વધી રૂ. 364.6 કરોડ પર રહી હતી.
ગૂડલક ઈન્ડિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 24.30 કરોડનો વિક્રમી નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8.18 કરોડ કરતાં 197 ટકા વધુ છે. વેચાણ રૂ. 484 કરોડ સામે 45 ટકા વધી રૂ. 702 કરોડ રહ્યું હતું. વાર્ષિક ધોરણે તેણે રૂ. 2617 કરોડનું ટર્નઓવર અને રૂ. 75 કરોડનો નફો નોંધાવ્યો હતો.
ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનઃ લોજિસ્ટીક સોલ્યુશન પ્રોવાઈડર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 267 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે તે રૂ. 135 કરોડ પર હતો. કંપનીની આવક 19 ટકા વધી રૂ. 2905 કરોડ રહી હતી. કંપનીએ શેરદીઠ રૂ. 2નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
કર્ણાટક બેંકઃ પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 130.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 31.4 કરોડના સ્તરેથી 4 ગણી વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 459.1 કરોડ પરથી 43 ટકા વૃદ્ધિ સાથે રૂ. 656.5 કરોડ પર જોવા મળી હતી.
3M ઈન્ડિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 111 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 70.4 કરોડના સ્તરે જોવા મળતો હતો. કંપનીની આવક રૂ. 827.2 કરોડ પરથી વધી રૂ. 925.5 કરોડ પર રહી હતી.
હિટાચી એનર્જીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 51.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 39.4 કરોડના સ્તર સામે 31 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 1015.5 કરોડ પરથી 10 ટકા વધી રૂ. 1113.5 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage