Market Summary 30 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્કેટમાં તીવ્ર વોલેટિલિટીઃ સેન્સેક્સ દિવસની ટોચથી 1316 પોઈન્ટ્સ ગગડ્યો

નિફ્ટી આખરે 17 હજારની સપાટી નીચે સરકી પડ્યો, મેટલ-બેંકિંગમાં વેચવાલી જળવાય

બ્રોડ માર્કેટમાં જોવા મળેલી લેવાલી, બીએસઈ ખાતે 1778 શેર્સમાં સુધારા સામે 1471 શેર્સમાં ઘટાડો

ઈન્ડિયા વિક્સ 1.6 ટકા ઉછળી 21.15ના છેલ્લાં છ મહિનાની ટોચ પર બંધ રહ્યો

ગો ફેશનનો શેર 81 ટકા પ્રિમીયમે લિસ્ટ થઈ 82 ટકા પ્રિમીયમે બંધ રહ્યો



ભારતીય શેરબજારમાં નરમાઈનો ટ્રેન્ડ જળવાયો છે. મંગળવારે ઈન્ટ્રા-ડે ઊંચી વોલેટિલિટી વચ્ચે બેન્ચમાર્ક્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જેમાં સેન્સેક્સ 195.71 પોઈન્ટ્સ ગગડી 57064.87ના સ્તરે જ્યારે નિફ્ટી 70.75 પોઈન્ટ્સ ઘટી 16983.20ના સ્તરે બંધ રહ્યો હતો. સતત બે ટ્રેડિંગ સત્રોથી નિફ્ટી 17 હજારની નીચે જઈ પરત ફરી જતો હતો. જોકે મંગળવારે તે આમ કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને આખરે તેણે 17 હજારની સપાટી તોડી હતી. નિફ્ટીના 50માંથી 29 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 21 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 1.6 ટકા ઉછળી 21.15ની છેલ્લી છ મહિનાથી વધુની ટોચ પર જોવા મળ્યો હતો. જૂન મહિનામાં 10ની નીચે ઉતરી ગયા બાદ તાજેતરમાં તેણે ઝડપી સુધારો દર્શાવ્યો છે.

વૈશ્વિક બજારોમાં સવારના ભાગમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારની શરૂઆત સારી રહી હતી. જોત-જોતામાં બંને બેન્ચમાર્ક્સે તેની સોમવારની ટોચને પાર કર્યું હતું અને એવું જણાતું હતું કે માર્કેટ પર તેજીવાળાઓ તેમની પકડ ફરી મજબૂત બનાવી રહ્યાં છે. જોકે શરૂઆતી દોઢ કલાકમાં ટોચ બનાવી બજાર પરત ફર્યું હતું અને ફરી રેડ ઝોનમાં પ્રવેશ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ તેના 58183.77ના દિવસના ટોચના સ્તરેથી 1316 પોઈન્ટ્સ ગગડી 56867.51ના તળિયા પર ટ્રેડ થયા બાદ 57064.87ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 17324.65ની ટોચ પરથી ગગડી 16931.40ના તળિયા પર ટ્રેડ થયો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.94 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. જ્યારબાદ બેંક નિફ્ટી પણ 0.78 ટકા સાથે નોંધપાત્ર ઘટાડો સૂચવતો હતો. નિફ્ટી એનર્જી પણ 0.99 ટકા સાથે નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી 0.50 ટકા સાથે જ્યારે નિફ્ટી ફાર્મા 0.10 ટકા અને એફએમસીજી 0.17 ટકા સાથે સુધારો દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં નવીન ફ્લોરિન 5.38 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો હતો. આ સિવાય મેટ્રોપોલિસ હેલ્થ(5 ટકા), ઈન્ડિયન હોટેલ્સ(4.5 ટકા), આરઈસી(4.38 ટકા), ગુજ સ્ટેટ પેટ્રો(4.17 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે ઘટવામાં ટાટા સ્ટીલ(3.91 ટકા), ગોદરેજ પ્રોપર્ટીઝ(3.17 ટા), એમ્ફેસિસ(3.12 ટકા) અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ(2.88 ટકા)નો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3402 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1778 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1471 નેગેટિવ રહ્યાં હતાં. 284 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 277 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો અનુક્રમે 0.46 ટકા અને 1.63 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં.


માર્કેટમાં છેલ્લાં પાંચ ટ્રેડિંગ સત્રો વર્ષના સૌથી વોલેટાઈલ રહ્યાં
22 નવેમ્બરે ઈન્ટ્રા-ડે 525 પોઈન્ટ્સ બાદ મંગળવારે 393 પોઈન્ટ્સની વધ-ઘટ જોવા મળી
ભારતીય બજાર જબરદસ્ત વોલેટિલિટીમાંથી પસાર થઈ રહ્યું છે. મંગળવારે નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 393.25 પોઈન્ટ્સની વધ-ઘટ દર્શાવી હતી. જે 22 નવેમ્બરે દિવસ દરમિયાન જોવા મળેલી 524.8 પોઈન્ટ્સની વધ-ઘટ બાદ બીજા ક્રમની ઊંચી વોલેટિલિટી સૂચવતી હતી. જો છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોનો અભ્યાસ કરીએ તો ચાલુ કેલેન્ડર દરમિયાન તેમણે સૌથી ઊંચી વોલેટિલિટિ દર્શાવી છે. જેની પાછળ ભારતીય વોલેટિલિટી ઈન્ડેક્સ વિક્સ પણ 21ની સપાટી વટાવી છ મહિનાની ટોચ પર પહોંચ્યો છે.
મંગળવારે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી 17053.95ના અગાઉના બંધ સામે 17051.15ના સ્તરે ફ્લેટ ઓપનીંગ બાદ ઝડપથી ઉછળી 17324.65ના સ્તરે પહોંચ્યો હતો. જ્યાંથી ઊંધા માથે પટકાઈને 16931.40ના તળિયા પર ટ્રેડ થયો હતો. આ સાથે સતત પાંચમા ટ્રેડિંગ દિવસ દરમિયાન નિફ્ટીએ 300 પોઈન્ટસથી વધુની વધ-ઘટ દર્શાવી હતી. અગાઉ સોમવારે તેણે 378.3 પોઈન્ટસની વધ-ઘટ નોંધાવી હતી. જ્યારે અન્ય ત્રણ ટ્રેડિંગ સત્રો 26 નવેમ્બરે(369.7 પોઈન્ટ્સ), 23 નવેમ્બર(337.6 પોઈન્ટ્સ) અને 22 નવેમ્બર(524.8 પોઈન્ટ્સ)નો સમાવેશ થાય છે.
બજારના પાંચ સૌથી વોલેટાઈલ સત્રો
તારીખ ઈન્ટ્રા-ડે વધ-ઘટ
22/11/2021 524.8
30/11/2021 393.25
29/11/2021 378.3
26/11/2021 369.7
23/11/2021 337.6


RBI આગામી વર્ષથી રેટ વૃદ્ધિ કરે તેવી શક્યતાઃ ગોલ્ડમેન સાચ
2022માં રેપો રેટમાં 75 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિની શક્યતાં જોતી સંસ્થા
સપ્લાય સાઈડ અવરોધોને કારણે ભારતીય કંપનીઓના માર્જિન્સ પર દબાણ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી નાણાકિય વર્ષથી મોનેટરી પોલિસીમાં ફેરફાર લાવે અને રેટ વૃદ્ધિની શરૂઆત કરે એમ ગોલ્ડમેન સાચ ગ્રૂપ ઈન્ક જણાવે છે. તેના માનવા મુજબ કન્ઝ્યૂમર પ્રાઈસમાં વૃદ્ધિને જોતાં ભારતીય મધ્યસ્થ બેંક માટે પોલિસી ટાઈટનીંગ જરૂરી બનશે.
ગોલ્ડમેન સાચ ખાતે સિનિયર ઈન્ડિયા ઈકોનોમિસ્ટના જણાવ્યા મુજબ આગામી વર્ષે આરબીઆઈ કેવું પગલું ભરશે તેનો આધાર ઈન્ફ્લેશન ડેટા પર રહેલો છે. અર્થતંત્ર ખૂલી રહ્યું હોવાથી અને પ્રાઈસિંગ પાવર પરત ફરી રહ્યો હોવાથી મેન્યૂફેક્ચરર્સ માટે ઈનપુટ કોસ્ટમાં થઈ રહેલી વૃદ્ધિ ગ્રાહકો પર પસાર કરવામાં આવશે. જેને કારણે કન્ઝ્યૂમર ઈન્ફ્લેશનમાં વૃદ્ધિ જોવા મળશે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ફૂડ પ્રોડક્ટ્સના ભાવમાં સ્થિરતાને કારણે કન્ઝ્યૂમર ઈન્ફ્લેશન રેંજ બાઉન્ડ જોવા મળી રહ્યું છે. જે ફરીથી ઊંચકાય શકે છે. વૈશ્વિક સ્તરે કોમોડિટીઝના ભાવમાં વૃદ્ધિને કારણે ઈનપુટ કોસ્ટ્સમાં વૃદ્ધિ જોવા મળી છે. જેને કારણે ભારતીય કંપનીઓ માર્જિન્સ પર દબાણ જોઈ રહી છે. આમાંની કેટલી કંપનીઓએ તેમના ગ્રાહકો માટે ભાવ વધારો શરૂ કરી દીધો છે. જેને કારણે સમગ્રતયા ઈન્ફ્લેશન પર દબાણ જોવા મળી રહ્યું છે. ગોલ્ડમેન સાચના અર્થશાસ્ત્રીના મતે સૌપ્રથમ આરબીઆઈ લિક્વિડીટી ટાઈટનીંગ શરૂ કરે તેવી અપેક્ષા છે. જ્યારબાદ તે રિવર્સ રેપો રેટમાં 40 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરશે. જ્યારે કેલેન્ડર 2022માં તે રેપો રેટમાં 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરશે તેવી આગાહી તેઓ કરી રહ્યાં છે. આગામી વર્ષે તેઓ સીપીઆઈ 5.8 ટકા આસપાસ રહે તેમ તેઓ માને છે. જે ચાલુ વર્ષ માટેના 5.2 ટકાના અંદાજ કરતાં ઊંચું રહેશે. આરબીઆઈ આગામી સપ્તાહે મળનારી તેની બેઠકમાં વ્યાજ દર સ્થિર જાળવી રાખે તેવી વ્યાપક અપેક્ષા જોવા મળી રહી છે.
નવેમ્બરમાં એશિયન-યુરોપ બજારોનું અન્ડરપર્ફોર્મન્સ, યુએસ બજારોનો ચઢિયાતો દેખાવ
વૈશ્વિક શેરબજારોના દેખાવની સરખામણી કરીએ તો એશિયન બજારોએ નવેમ્બરમાં તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જ્યારે એનાથી ઊલટું યુએસ બજારોએ આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું છે. જો એશિયન બજારોની વાત કરીએ તો રશિયન આરટીએસે મંગળવાર સુધીમાં માસિક ધોરણે 11.60 ટકા ઘટાડા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવ્યો હતો. જ્યારે હોંગ કોંગ 7.49 ટકા સાથે અન્ડરપર્ફોર્મન્સની રીતે બીજા ક્રમે હતો. મંગળવારે તે 1.58 ટકા ઘટાડા સાથે વાર્ષિક તળિયા પર ટ્રેડ થયું હતું. કોરિયન બજારે પણ 4.43 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી 3.90 ટકા સાથે ઘટવામાં ચોથા ક્રમે છે. યુરોપિય બજારોમાં જર્મનીનો ડેક્સ ઈન્ડેક્સ પણ 3.84 ટકા સાથે નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. જ્યારે જાપાનનો નિક્કાઈ 3.7 ટકા તથા યૂકેનો ફૂટ્સી 2.88 ટકા સાથે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવે છે. યુએસનો નાસ્ડેક 1.84 ટકા સુધારા સાથે પોઝીટીવ રિટર્ન આપી રહ્યો છે. જ્યારે એકમાત્ર એશિયાઈ બજાર તાઈવાન 2.59 ટકા સાથે પોઝીટીવ દેખાવ દર્શાવી રહ્યું છે.

શ્રીરામ જૂથે ઉત્તરાધિકારી નક્કી કરવામાં ટ્રસ્ટ માર્ગ અપનાવ્યો

નાણાકિય સર્વિસિસ ક્ષેત્રે અગ્રણી જૂથે પ્રમોટરશીપને શ્રીરામ ઓઉનરશીપ ટ્રસ્ટને ટ્રાન્સફર કરી, જેના નવા ચાર સભ્યો જૂથન બિઝનેસનું સંચાલન કરશે

દેશમાં નાણાકિય સેવા ક્ષેત્રે અગ્રણી એવા શ્રીરામ જૂથના ફાઉન્ડર આર ત્યાગરાજને તેમના ઉત્તરાધિકારી નિર્ધારિત કરવા માટે ટ્રસ્ટ રૂટનો ઉપયોગ કર્યો છે. મંગળવારે તેમણે આ અંગે જાણ કરી હતી. જે હેઠળ શ્રીરામ ઓવનરશીપ ટ્રસ્ટના બોર્ડની રચના કરી હતી. જે જૂથના બિઝનેસનું સંચાલન કરશે.
શ્રીરામ જૂથની પ્રમોટરશીપને શ્રીરામ ઓવનરશીપ ટ્રસ્ટ(એસઓટી)ને ટ્રાન્સફર કરવામાં આવી છે. ટ્રસ્ટના નવા ચાર-સભ્યોનું બનેલું મેનેજમેન્ટ બોર્ડ જૂથના બિઝનેસનું સંચાલન રશે. ત્યાગરાજને નવા મેનેજમેન્ટ બોર્ડના મેન્ટર તરીકે કામગીરી બજાવવાનો નિર્ણય લીધો છે. શ્રીરામ ઓઉનરશીપ ટ્રસ્ટનો બોર્ડમાં શ્રીરામ કેપિટલના એમડી ડીવી રવિ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સના એમડી ઉમેશ રેવાંકર, શ્રીરામ જનરલ ઈન્શ્યોરન્સના એમડી જસ્મિત ગુજરાત અને શ્રીરામ સિટી યુનિયન ફાઈનાસના ભૂતપૂર્વ એમડી આર ગૂરુવાસનનો સમાવેશ થાય છે. અહેવાલના જણાવ્યા મુજબ એસઓટી જૂથની હોલ્ડિંગ કંપની શ્રીરામ કેપિટલનો 30 ટકા હિસ્સો ધરાવે છે. ત્યાગરાજને જણાવ્યું હતું કે અમારા જેવા મોટા જૂથનું સંચાલન કોઈ એક વ્યક્તિ કરી શકે નહિ. તેના સંચાલન માટે વિવિધ આવડત ધરાવતાં વ્યક્તિઓનું જૂથ જરૂરી છે. જે જૂથના વિઝન અને સ્ટ્રેટેજીને આગળ ધપાવી શકે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage