Market Summary 30 October 2020

માર્કેટ સમરી

ભારતીય બજાર બે બાજુની વધ-ઘટે 0.35 ટકા ઘટીને બંધ આવ્યું હતું. નિફ્ટી 28 પોઈન્ટ્સ ઘટી 11642ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે તળિયાથી નોંધપાત્ર રિકવરી દર્શાવવા સાથે 34-ડીએમએનો સપોર્ટ જાળવ્યો હતો. માર્કેટમાં રિઅલ્ટી, મેટલ અને એનર્જી ઈન્ડેક્સમાં 1.5 ટકાથી લઈ 2.2 ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. જ્યારે ઓટો અને બેંકેક્સ ઘટ્યાં હતાં. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. 1334 શેર્સમાં સુધારા સામે 1246 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સાપ્તાહિક વધ-ઘટ

વિતેલું સપ્તાહ અંતિમ પાંચ સપ્તાહમાં સૌથી પ્રતિકૂળ જોવા મળ્યું હતું. નિફ્ટી 11930ના ગયા સપ્તાહના બંધથી 2.4 ટકા ગગડી 11642ના સ્તરે બંધ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન મંગળવારને બાદ કરતાં અન્ય ચારેય સત્રોમાં બેન્ચમાર્કે ઘટાડો નોંધાવ્યો હતો. આ અગાઉ બે સપ્તાહ પહેલાના સપ્તાહે નિફ્ટીએ સાધારણ ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર સિરીઝ એક્સપાયરી દરમિયાન નિફ્ટીએ 3.9 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો.

વૈશ્વિક બજારો સામે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ

  • કોવિડ બીજા રાઉન્ડના ગભરાટ વચ્ચે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
  • યુરોપીય બજારોમાં અંતિમ સપ્તાહમાં 8 ટકાના તીવ્ર ઘટાડા સામે ભારતીય બેન્ચમાર્ક માત્ર એક ટકો તૂટ્યો
  • સિંગાપુર, હોંગ કોંગ, ચીન, જાપાન, કોરિયા સહિતના એશિયન બજારોએ 3-4 ટકા ઘટાડો દર્શાવ્યો

 

ઓક્ટોબરના ત્રીજા સપ્તાહથી ઊભા થયેલા કોવિડ સંક્રમણના બીજા રાઉન્ડના ગભરાટ બાદ વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર વેચવાલી જોવા મળી છે. જોકે હરિફ બજારોની સરખામણીમાં ભારતીય બજારનો દેખાવ ચઢિયાતો જોવા મળ્યું છે. એટલેકે યુરોપ અને એશિયન બજારોમાં 3 ટકાથી લઈને 8 ટકા સુધીના ઘટાડાની સરખામણીમાં સ્થાનિક બજારે માત્ર 1.07 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. વિદેશી રોકાણકારો તરફથી મોટી વેચવાલીના અભાવ અને સ્થાનિક ફંડ્સના સપોર્ટને કારણે ભારતીય બજારે કોવિડના પ્રથમ રાઉન્ડ જેવી તીવ્ર પ્રતિક્રિયા નથી દર્શાવી એમ એનાલિસ્ટ્સનું માનવું છે. સ્થાનિક કંપનીઓએ ત્રીજા ક્વાર્ટરમાં અપેક્ષાથી સારા પરિણામો દર્શાવવાને કારણે પણ બજારને સપોર્ટ મળ્યો છે.

લગભગ 22 ઓક્ટોબરથી યુરોપ ખાતે કોવિડના બીજા રાઉન્ડના અહેવાલો રજૂ થયા હતા. તેમજ ત્યાં આંશિક લોકડાઉનની શક્યતા ઊભી થઈ હતી. જેની પાછળ વૈશ્વિક બજારોમાં પાંચેક મહિના લાંબા સુધારાના દોર બાદ ફરી ગભરાટ જોવા મળ્યો હતો. યુરોપના બજારોમાં અંતિમ કેટલાક સત્રોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. જેમાં જર્મનીનું માર્કેટ અગ્રણી હતું. માર્ચ મહિના બાદ તીવ્ર સુધારો દર્શાવનાર જર્મન બેન્ચમાર્ક ડેક્સ અંતિમ સાત ટ્રેડિંગ સત્રોમાં 7.9 ટકા સાથે વિશ્વના અગ્રણી બેન્ચમાર્ક્સમાં સૌથી ખરાબ દેખાવકાર રહ્યો છે. ફ્રાન્સનો કેક પણ 5.77 ટકા સાથે બીજો સૌથી પ્રતિકૂળ દેખાવ દર્શાવે છે. યુરોપની અસર એશિયાઈ બજારો પણ જોવા મળી હતી અને સિંગાપુરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ ગણતરીના દિવસોમાં 4.14 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત સાઉથ કોરિયાનો કોસ્પી 3.73 ટકા અને હેંગ સેંગ પણ 2.74 ટકા ઘસાયા હતા. જાપાન, ચીન, તાઈવાન સહિતના બજારો 2-4 ટકા ઘસાયાં છે. જ્યારે માત્ર ભારતીય બજાર જ એક ટકો ઘટાડો દર્શાવી રહ્યો છે.

બજાર નિરીક્ષકોના મતે ભારતીય બજારના આઉટપર્ફોર્મન્સ પાછળ મુખ્ય બે કારણો રહેલાં છે. એક તો સ્થાનિક બજારમાં માર્ચ મહિનામાં કોવિડના પ્રથમ રાઉન્ડ વખતે જોવા મળેલી વિદેશી સંસ્થાકિય રોકાણકારોની તીવ્ર વેચવાલી હાલમાં જોવા મળી રહી નથી. જ્યારે બીજા ક્વાર્ટરના પરિણામો ઘણા ખરા અપેક્ષાથી સારા જોવા મળ્યાં છે. આમ રોકાણકારોમાં પ્રોફિટ બુકિંગનો માહોલ નથી. એક અન્ય કારણ દેશમાં છ મહિના બાદ કોવિડ કેસિસની સંખ્યામાં જોવા મળતો નોંધપાત્ર ઘટાડો છે. આમ યુરોપ અને યુએસ ખાતે સંક્રમણ વધી રહ્યું છે તેમ છતાં સ્થાનિક સ્તરે તેની કોઈ અસર જોવા મળે તેવી શક્યતા નથી. સરકાર પણ આર્થિક રિકવરીને મહત્વ આપી રહી છે અને તેથી દેશમાં નવેસરથી લોકડાઉનની સંભાવના નથી. જેણે ભારતીય બજારને અન્ય હરિફ બજારોની સરખામણીમાં વેચવાલીમાંથી ઘણે અંશે મુક્ત રાખ્યું છે.

 

વૈશ્વિક બેન્ચમાર્ક્સ     સાપ્તાહિક ઘટાડો(%)

ડેક્સ(જર્મની)          -7.9

કેક(ફ્રાન્સ)     -5.77

સ્ટ્રેઈટ ટાઈમ્સ(સિંગાપુર)      -4.14

ફૂટ્સી(યૂકે)             -3.98

કોસ્પી(સાઉથ કોરિયા)         -3.73

નાસ્ડેક(યુએસ)        -2.78

હેંગ સેંગ(હોંગ કોંગ)           -2.74

શાંઘાઈ કંપોઝીટ(ચીન)        -2.66

નિફ્ટી                  -1.07

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage