Market Summary 30 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી



ઓક્ટોબર સિરિઝની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 1017 પોઈન્ટ્સ ઉછળ્યો
RBIએ અપેક્ષિત રેપો રેટ વધારતાં શોર્ટ કવરિંગ પાછળ તેજી
યુએસ પાછળ એશિયન બજારોમાં નરમ અન્ડરટોન
બેંકિંગ, એનર્જી, મેટલ, ઓટોમાં ભારે લેવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.3 ટકા ગગડી 19.96ની સપાટીએ
ભારતી એરટેલ, સિપ્લાએ સર્વોચ્ચ ટોચ દર્શાવી
માસ્ટેક, આઈઈએક્સમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું
બ્રોડ માર્કેટમાં પણ વ્યાપક લેવાલી નીકળી

ભારતીય શેરબજારમાં સાત સત્રોથી જોવા મળી રહેલા ઘટાડા પર બ્રેક લાગી હતી અને બજારમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અપેક્ષા મુજબ જ રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવી હતી. તેમજ સ્થાનિક આર્થિક વૃદ્ધિ દરને લઈ મજબૂત અંદાજ જાળવી રાખતાં બજારમાં શોર્ટ કવરિંગ પાછળ ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1017 પોઈન્ટ્સના સુધારે 57427ની સપાટીએ જ્યારે નિફ્ટી 276 પોઈન્ટ્સ ઉછળી 17094 પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે લેવાલીને કારણે નિફ્ટી કાઉન્ટર્સમાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 41 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 9 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બે શેર્સમાં ખરીદી સામે એક શેરમાં ઘટાડો જોવા મળતો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.3 ટકા ગગડી 19.96ની સપાટીએ બંધ રહ્યો હતો.
શુક્રવારે ભારતીય બજારની શરૂઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 16818ના અગાઉના બંધ સામે 16798ની સપાટીએ ખૂલ્યો હતો. યુએસ બજારોમાં ગુરુવારે 2 ટકાથી વધુ નરમાઈ પાછળ એશિયન બજારો મંદ જોવા મળતાં હતાં. જેને કારણે ભારતીય બજારે સુસ્તી સાથે ઓપનીંગ દર્શાવ્યુ હતું. જોકે તે તરત જ ગ્રીન ઝોનમાં જોવા મળ્યું હતું. આરબીઆઈએ રેપો રેટમાં અપેક્ષિત વૃદ્ધિ કર્યાં બાદ ગવર્નરે ગ્રોથ અને ઈન્ફ્લેશનને લઈને રાહતજનક ટિપ્પણીઓ કરતાં બજારમાં ઓચિંતો ઉછાળો જોવા મળ્યો હતો અને તે બંધ થવાના અડધા કલાક અગાઉ સુધી સુધરતું રહ્યું હતું. સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર્સ 12 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17106ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ફરી 17000 પર બંધ આવતાં લોંગ ટ્રેડર્સને મોટી રાહત સાંપડી હતી. માર્કેટ વર્તુળોના મતે બેન્ચમાર્ક માટે હવે 17200નું સ્તર એક પ્રતિકાર સપાટી બની શકે છે. જોકે વૈશ્વિક બજારોની ઓવરસોલ્ડ સ્થિતિ જોતાં આગામી સપ્તાહે તેઓ બાઉન્સ દર્શાવે તેવી પૂરી શક્યતાં છે. જેની પાછળ ભારતીય બજાર પણ સુધારો જાળવી શકે છે. ઓક્ટોબર સિરિઝમાં બીજા ક્વાર્ટરના પરિણામોની પણ અસર જોવા મળશે. ઓક્ટોબરના બીજા સપ્તાહથી કંપનીઓ અર્નિંગ્સ રજ કરશે. ફંડામેન્ટલ એનાલિસ્ટ્સના મતે પરિણામો તરફથી કોઈ ખાસ અપેક્ષા નહિ હોવાથી માર્કેટને પોઝીટીવ સરપ્રાઈઝ મળશે તો તે સુધારો દર્શાવી શકે છે.
સપ્તાહના આખરી સત્રમાં બેંકિંગમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મેટલ, ઓટો અને એનર્જી શેર્સ પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. આરબીઆઈએ રેટ વધારતાં બેંકિંગ તથા ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપનીઓના શેર્સ ઉછળ્યાં હતાં. નિફ્ટીબેંક 2.61 ટકા ઉછળી બંધ જોવા મળ્યો હતો. તેણે 38 હજારની સપાટી પાર કરી હતી. બેંકિંગ શેર્સમાં નોંધપાત્ર સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં બીજી અને ત્રીજી હરોળની બેંક્સનો સમાવેશ થતો હતો. પીએસયૂ બેંક્સનો દેખાવ પણ સારો જળવાયો હતો. બેંકિંગ કાઉન્ટર્સમાં ફેડરલ બેંક 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત પીએનબી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક, બંધન બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક 2 ટકાથી 5 ટકા સુધીનો સુધારો દર્શાવી રહી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સ 2.24 ટકા ઉછળ્યો હતો. જેમાં બજાજ ફાઈનાન્સે 3.25 ટકા સાથે મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત બજાજ ફિનસર્વ, પિરામલ એન્ટરપ્રાઈઝ, એચડીએફસી, એચડીએફસી એએમસી, એસબીઆઈ કાર્ડ્સ વગેરેમાં પણ ખરીદી જોવા મળી હતી. જોકે શ્રીરામ ટ્રાન્સપોર્ટ, આરઈસી, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત પીએસયૂ કાઉન્ટર્સમાં મજબૂતી પાછળ નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2.04 ટકા ઉછળ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 13 ટકા સાથે સુધારમાં ટોચ પર હતો. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2.3 ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન 2 ટકા, ટાટા પાવર 2 ટકા, આઈઓસી 1.6 ટકા, ગેઈલ 1.34 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. એલ્યુમિનિયમ અને સ્ટીલ શેર્સ પાછળ નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.2 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં નાલ્કો 5.24 ટકા, હિંદાલ્કો 5.21 ટકા, વેદાંત 4 ટકા, સેઈલ 4 ટકા, ટાટા સ્ટીલ 2.5 ટકા, જિંદાલ સ્ટીલ 2.5 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 2.2 ટકા, એનએમડીસી 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. રેટ વૃદ્ધિ વચ્ચે રેટ સેન્સિટિવ ગણાતાં ઓટો સેક્ટરમાં પણ તેજી જોવા મળી હતી. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 6.2 ટકા, એમઆરએફ 2.6 ટકા, મારુતિ સુઝુકી 2.4 ટકા, અશોક લેલેન્ડ 2.2 ટકા, ટીવીએસ મોટર 2 ટકા સુધારો દર્શાવતાં હતાં. ડિફેન્સિવ ગણાતાં ફાર્મા અને આઈટી સેક્ટર્સ પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. ફાર્મા સેક્ટર શરૂથી જ સારી શરૂઆત દર્શાવી રહ્યું હતું. નિફ્ટી ફાર્મા 0.76 ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો. જેમાં લ્યુપિન 4 ટકા, સન ફાર્મા 2 ટકા, બાયોકોન 1.4 ટકા, ઝાયડસ લાઈફ 1 ટકો અને ટોરેન્ટ ફાર્મા 1 ટકો સુધારો દર્શાવી રહ્યાં હતાં. આઈટી કાઉન્ટર્સમાં માઈન્ડસ્ટ્રી 2.3 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 2 ટકા, ઈન્ફોસિસ 1 ટકા અને એચસીએલ ટેક 1 ટકા સુધારે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી જોકે 0.11 ટકાનું સાધારણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. જેમાં જ્યુબિલિઅન્ટ ફૂડ 3.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. પીએન્ડજી 2.11 ટકા, કોલગેટ 1.6 ટકા અને ટાટા કન્ઝ્યૂમર 1.3 ટકા સુધારો દર્શાવતાં હતાં. જ્યારે બીજી બાજુ બ્રિટાનિયા, ડાબર ઈન્ડિયા, આઈટીસી અને એચયૂએલ નરમાઈ સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ડિયા સિમન્ટ્સ 10 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 6.5 ટકા, ઈન્ડુસ ટાવર્સ 6.21 ટકા, કેનેરા બેંક 6.2 ટકા, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ 4.8 ટકા, હિંદ કોપર 4 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 4 ટકા, આરબીએલ બેંક 4 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. આનાથી ઉલટું આઈજીએલ 6 ટકા ગગડ્યો હતો. મહાનગર ગેસ પણ 5 ટકા ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત ડો. લાલ પેથલેબ્સ 3 ટકા, ગુજરાત ગેસ, એસઆરએફ, એશિયન પેઈન્ટ્સ, શ્રી સિમેન્ટ્સ, ઈન્ફો એજ વગેરેમાં પણ એક ટકાથી વધુ ઘટાડો જોવા મળતો હતો. બીએસઈ ખાતે કુલ 3538 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2254 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1174 નેગેટિવ જોવા મળતાં હતાં. 101 કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચ પર બંધ રહ્યાં હતાં. જ્યારે 68 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું.



કેલેન્ડર 2022માં ભારતના ફોરેક્સ રિઝર્વ્સમાં સૌથી વધુ ઘટાડો
ભારતીય રૂપિયાએ યુએસ ડોલર સામે અન્ય હરિફ કરન્સિઝની સરખામણીમાં સારો દેખાવ દર્શાવ્યો છે. જોકે બીજી બાજુ દેશના વિદેશી હૂંડિયામણમાં ચાલુ કેલેન્ડરમાં અન્યો કરતાં ઊંચો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ 2022 સુધીમાં ચીનનું ફોરેક્સ રિઝર્વ્સ 6.01 ટકા ઘટાડો દર્શાવતો હતું. જ્યારે ઈન્ડોનેશિયાનું ફોરેક્સ રિઝર્વ્સ 9.19 ટકા, સાઉથ કોરિયાનું રિઝર્વ્સ 5.76 ટકા, મલેશિયા 7.73 ટકા, થાઈલેન્ડ 5.14 ટકા, બ્રાઝિલ 6.28 ટકા જ્યારે રશિયાનું ફોરેક્સ રિઝર્વ્સ 10.12 ટકા જેટલું ગગડ્યું હતું. જેની સામે ભારતના વિદેશી હૂંડિયામણમાં 11.45 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. યુએઈના ફોરેક્સમાં 6.32 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડોલર સામે ચલણોમાં ઘટાડો જોઈએ તો 27 સપ્ટેમ્બર સુધી ચીનનું ચલણ ડોલર સામે 11.36 ટકા, સાઉથ કોરિયાનું ચલણ 16.37 ટકા, મલેશિયાનું ચલણ 9.64 ટકા, તાઈવાનનું ચલણ 12.54 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. જેની સરખામણીમાં રૂપિયો 8.9 ટકાનો ઘટાડો દર્શાવતો હતો.
IT ઉદ્યોગમાં ઊંચો એટ્રિશન રેટ જળવાયેલો રહેશે
ભારતીય આઈટી ઉદ્યોગ ઊંચો એટ્રિશન રેટ જાળવી રાખે તેવી શક્યતાં છે. 2021-22માં 25.2 ટકાનો વિક્રમી એટ્રિશન રેટ દર્શાવનાર આઈટી કંપનીઓને ટૂંકાગાળામાં રાહત મળે તેવી શક્યતાં નહિ હોવાનું એક રિસર્ચ રિપોર્ટ જણાવે છે. ‘બ્રેઈન ડ્રેઈનઃ ટેકલિંગ ધ ગ્રેટ ટેલેન્ટ એક્સોઝસ ઈન આઈટી સેક્ટર’ નામે એક રિપોર્ટમાં જણાવ્યાં મુજબ કોન્ટ્રેક્ટ સ્ટાફિંગ ઈન્ડસ્ટ્રી 2022-23માં 50 ટકા એટ્રિશન રેટને સ્પર્શી શકે છે. જે 2021-22માં 49 ટકા પર હતો. કંપનીની પોલિસીસ, વર્ક ફ્લેક્સિબિલિટી અને મેકિંગ ટેલેન્ટ મૂવ જેવા કારણો એટ્રીશન માટે મુખ્ય જવાબદાર છે. આગામી વર્ષોમાં નોન-ટેક કંપનીઓમાં ટેક ટેલેન્ટની માગ ત્રણ ગણી વધવાની શક્યતાં છે. 2025 સુધીમાં નવી 10 લાખ ટેક જોબ્સના ઓપનીંગનો અંદાજ છે. જેને કારણે ટ્રેડિશ્નલ આઈટી કંપનીઓ નજીકના ભવિષ્યમાં આઈટી ટેલેન્ટનું બ્રેઈન ડ્રેઈન જોઈ શકે છે.


લિક્વિડીટી ટાઈટ બનતાં બેંક્સે બલ્ક ડિપોઝીટ્સ પર રેટ વધાર્યાં
સપ્તાહ અગાઉની સરખામણીમાં કોર્પોરેટ ડિપોઝીટ રેટ્સમાં 30-35 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ

બેંકિંગ સિસ્ટમમાંથી સરપ્લસ લિક્વિડીટીની સ્થિતિ દૂર થવાથી તેમજ ડિપોઝીટ ગ્રોથ પણ ધીમો રહેવાને કારણે બેંક્સે બલ્ક ડિપોઝીટ્સ પર ઈન્ટરેસ્ટ રેટ્સ વધારવાની ફરજ પડી છે. ત્રણથી છ મહિના માટેની કોર્પોરેટ ડિપોઝીટ્સ પરના રેટમાં સપ્તાહ અગાઉની સરખામણીમાં 30-35 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ નોંધાઈ છે અને તે 6.3-6.5 ટકા પર જોવા મળી રહ્યાં છે. લિક્વિડીટીની સ્થિતિ તંગ બનવાના કારણે બેંકિંગ કંપનીઓએ ફરીથી સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝીટ્સ(સીડી) તરફ પણ વળવું પડ્યું છે. જેને કારણે 9 સપ્ટેમ્બર 2022ના રોજ કુલ આઉટસ્ટેન્ડિંગ ડિપોઝીટ્સ રૂ. 2.44 લાખ કરોડ પર રહી હતી. જે એક વર્ષ અગાઉ માત્ર રૂ. 70 હજાર કરોડ પર હતી. આમ તે વાર્ષિક 250 ટકાનો તીવ્ર ઉછાળો સૂચવે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજા રિપોર્ટ મુજબ ક્રેડિટ ગ્રોથ નવ વર્ષની ટોચ પર જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં તે 16.2 ટકા પર રહ્યો હતો. જેની સામે ડિપોઝીટ ગ્રોથ 9.5 ટકા પર ખૂબ નીચો જોવા મળી રહ્યો છે. આને કારણે બેંક્સ પાસે લિક્વિડીટીની અછત ઊભી થઈ છે. તેમણે દૈનિક ધોરણે આરબીઆઈ પાસેથી નાણા લેવાના બની રહ્યાં છે. સિસ્ટમમાં નીચા ડિપોઝીટ્સ ગ્રોથને કારણે બેંકિંગ કંપનીઓ ભવિષ્યમાં ક્રેડિટ ગ્રોથ રેટને લઈને ચિંતિત બની છે અને અત્યારથી પાણી પહેલા પાળ બાંધવા માટે તૈયારી કરી રહી હોવાનું વર્તુળો જણાવે છે. ક્રેડિટ અને ડિપોઝીટ ગ્રોથ વચ્ચે 7 ટકા આસપાસના મોટા ગેપને જોતાં તેઓ કોર્પોરેટ ડિપોઝીટ્સને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યાં છે. આ ગાળો છેલ્લાં 10 વર્ષોમાં સૌથી ઊંચો છે. જેનું મુખ્ય કારણ છેલ્લાં ત્રણ વર્ષોમાં નીચા રેટ્સને કારણે નોંધપાત્ર સેવિંગ્સનું ઈક્વિટી જેવા એસેટ ક્લાસિસમાં શિફ્ટ થવું છે.
છેલ્લાં એક મહિનામાં જ ઘણી બેંક્સે સ્પેશ્યલ ડિપોઝીટ સ્કિમ્સ જાહેર કરી છે. તેઓ 6 ટકાનો ડિપોઝીટ રેટ્સ ઓફર કરી રહ્યાં છે. એપ્રિલ 2022ની શરૂમાં બેંકિંગ સિસ્ટમમાં રૂ. 8 લાખ કરોડથી વધુની સરપ્લસ લિક્વિડીટી જોવા મળી રહી હતી. જે હાલમાં ડેફિસિટમાં ફેરવાઈ છે. ત્રણ વર્ષ બાદ આમ જોવા બન્યું છે. આરબીઆઈએ તેની શુક્રવારની રેટ સમીક્ષામાં વધુ 50 બેસીસ પોઈન્ટ્સ રેપો રેટ વૃદ્ધિ સાથે લૂઝ ફાઈનાન્સિયલ પોલિસી દૂર થયાનો સંકેત આપ્યો હતો. ટોચના પ્રાઈવેટ બેંક એક્ઝીક્યૂટીવ જણાવે છે કે લિક્વિડીટી પર દબાણ વધતું રહેવાની શક્યતાં છે. હાલમાં બેંકિંગ ક્ષેત્રે કોર લિક્વિડીટી પોઝીટીવ જોવા મળે છે. જોકે ડિસેમ્બર સુધીમાં તે ન્યૂટ્રલ બને તેવી સંભાવના છે. ઈન્ટરબેંક લિક્વિડીટીની સ્થિતિ ટાઈટ જળવાય રહેશે એમ તેઓ ઉમેરે છે. હવેના સમયગાળામાં સીડી રેટ્સમાં વધ-ઘટ રેપો રેટ્સની સાથે એકરૂપ જોવા મળશે. એટલેકે બેંકર્સે રેપો રેટના પ્રમાણમાં જ ક્રેડિટ અને ડિપોઝીટ રેટ્સમાં ફેરફાર કરવો પડશે. આરબીઆઈ તરફથી સતત પાંચવાર રેટ વૃદ્ધિ છતાં બેંકર્સે ડિપોઝીટ્સમાં ખૂબ ધીમો વધારો જાળવ્યો છે અને તે કારણે જ તેઓ ડિપોઝીટર્સને આકર્ષી શક્યાં નથી એમ ટ્રેઝરી ટ્રેડર જણાવે છે. અગાઉ બેંકિંગ સિસ્ટમ 6-7 લાખ કરોડની લિક્વિડીટી જાળવતી હતી. જોકે હાલમાં તે સાવ સૂકાઈ ગઈ છે. ક્રેડિટ લેનાર રાહ જોવાનું પસંદ નથી કરતો અને તેથી જ બેંકિંગ કંપનીઓએ ડિપોઝીટ્સ પ્રાઈસિંગ ઊંચું લઈ જવું પડી રહ્યું છે. જે ક્રમ આગળ પર લંબાઈ શકે છે.

ક્રેડિટ ઈમ્પેક્ટ
16.2 ટકાના દરે ક્રેડિટ ડિમાન્ડ સામે ડિપોઝીટ્સમાં માત્ર 9.5 ટકા વૃદ્ધિ
એપ્રિલ 2022 આખરમાં સિસ્ટમમાં રહેલી રૂ. 8 લાખ કરોડની લિક્વિડીટી સરપ્લસ દૂર થઈ
કોર લિક્વિડીટી ડિસેમ્બર સુધીમાં પોઝીટીવમાંથી ન્યૂટ્રલ બનતાં સ્થિતિ વધુ તંગ બનશે
અત્યાર સુધી ક્રેડિટ રેટ સામે ડિપોઝીટ રેટ્માં ધીમી વૃદ્ધિ બાદ બેંકર્સે ડિપોઝીટ માટે આક્રમક બનવું પડશે
જો ડિપોઝીટ રેટ નહિ વધે તો ભવિષ્યમાં બિઝનેસ ગુમાવવો પડી શકે છે





કોટનના ભાવ રૂ. 70 હજારની નીચે ઉતરી ગયા
શુક્રવારે ખાંડીએ ભાવમાં વધુ રૂ. 1000નો ઘટાડો નોઁધાયો

દેશમાં કોટનની નોંધપાત્ર આવકો શરૂ થવા સામે માગમાં ધીમી વૃદ્ધિ પાછળ ભાવ પર દબાણ ચાલુ છે. ગુજરાતના બજારોમાં હાજર માલના ભાવ શુક્રવારે રૂ. 1000ના વધુ ઘટાડે રૂ. 68000-69000 પર બોલાતાં હતાં. અગાઉના દિવસે તે રૂ. 70 હજાર પર ક્વોટ થતાં હતાં. લગભગ આઁઠ મહિના બાદ ભાવ આ સપાટી પર જોવા મળ્યાં છે. મે મહિના બાદ કોટનના ભાવ રૂ. 80 હજારથી રૂ. 1 લાખની રેંજમાં જળવાયાં હતાં. તેણે રૂ. 1.05 લાખની ઐતિહાસિક ટોચ દર્શાવી હતી.
વર્તુળોના મતે વિશ્વમાં એકમાત્ર ભારતમાં કોટનના પાકનું ચિત્ર ઉજળું જોવા મળી રહ્યું છે. ઓક્ટોબરથી શરૂ થનારી નવી સિઝનમાં દેશમાં 3.8 કરોડ ગાંસડી કોટન ઉત્પાદનનો અંદાજ છે. જેને કારણે ભાવમાં દૈનિક ધોરણે ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે રૂ. 70 હજારની નીચે મિલર્સ માલ લેવા આવશે અને તેથી ભાવને સપોર્ટ મળશે. ભાવ રૂ. 65 હજારની નીચે જવાની શક્યતાં નથી. કેમકે વૈશ્વિક સ્તરે સપ્લાયની તંગી જોતાં ભારતીય માલમાં પોસાણ હશે તો નિકાસ પણ ઊંચી જોવા મળી શકે છે. બીજી બાજુ મિલર્સને પણ રૂપિયામાં નરમાઈને કારણે યાર્નમાં લાભ મળશે અને તેથી તેઓ ફરીથી રાબેતા મુજબ કામ કરતાં જોવા મળી શકે છે.




કોર્પોરેટ હેડલાઈન્સ

ઈન્શ્યોરન્સ કંપનીઝઃ જીએસટી ઈન્ટેલિજન્સ ઓથોરિટીએ 15 ઈન્શ્યોરન્સ કંપનીઓ તરફથી રૂ. 824 કરોડની કરચોરી પકડી પાડી છે. આ કંપનીઓમાં આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલનો સમાવેશ થાય છે. કંપનીઓએ ગુડ્ઝ અને સર્વિસિઝના સપ્લાય વિના જ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લીધો હોવાનું બહાર આવ્યું છે.
શ્રેઈ ગ્રૂપ કંપનીઝઃ એક સરપ્રાઈઝ પગલામાં આર્સેલરમિત્તલે શ્રેઈ જૂથની બે કંપનીઓની ખરીદીમાં રસ દર્શાવ્યો છે. આ બે કંપનીઓમાં શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ અને શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. જેઓ રૂ. 4 હજાર કરોડનો બોજ ધરાવે છે.
ટીસીએસઃ અગ્રણી આઈટી કંપની સરકારી કંપની ભારત સંચાર નિગમ પાસેથી તેના 4-જી નેટવર્ક લોંચ સંદર્ભે 2 અબજ ડોલરના ડીલને મેળવવાના આખરી તબક્કામાં હોવાનું જાણવા મળે છે. બંને કંપનીઓ વચ્ચે પ્રાઈસિંગ સંબંધી ગેપ લગભગ પૂરાઈ ચૂક્યો હોવાનું વર્તુળો ઉમેરે છે.
અદાણી પોર્ટ્સઃ અદાણી જૂથની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી અદાણી એવિએશન ફ્યુઅલ્સની સ્થાપના કરી હોવાનું જણાવ્યું છે.
આઈઓસીઃ પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપની વિદેશી બજારમાંથી ફંડ એકત્ર કરવા માટે ગાંધીનગમાં ગિફ્ટ સિટી ખાતે સંપૂર્ણ માલિકીના યુનિટની સ્થાપના કરશે. આરંભમાં આ યુનિટ કંપનીની વિદેશી પેટાકંપનીઓ અને તેના સહયોગીઓ પાસેથી ફંડ મેળવવાનું શરૂ કરશે.
અદાણી પાવરઃ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ અદાણી પાવર તરફથી ડિલીજેન પાવર અને ડીબી પાવરની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ભગેરિયા ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ એક્સચેન્જને જણાવ્યું છે કે તેણે પેટાકંપની ભગેરિયા એક્ઝિમમાંના 100 ટકા ઈક્વિટી હિસ્સા વેચાણ માટે શેર પર્ચેઝ એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
બજાજ ઈલેક્ટ્રીકલ્સઃ કન્ઝ્યૂમર ઈલેક્ટ્રીક કંપનીએ પાવર ગ્રીડ તરફથી રૂ. 332.6 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
રેલ વિકાસ નિગમઃ રેલ્વેની પેટાકંપનીએ સમરલાકોટાથી અચમપેટા જંક્શન સુધી 4 લેન હાઈવેના બાંધકામ માટે કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.
તાતા કોમ્યુનિકેશનઃ તાતા જૂથ કંપનીએ ભારતમાં 5જી ગ્લોબલ સેન્ટર ઓફ એક્સલેન્સ લોંચ કર્યું છે. તેણે પૂણે ખાતે આ પ્રાઈવેટ સેન્ટર લોંચ કર્યું છે.
અદાણી એન્ટરપ્રાઈઝિસઃ કંપનીએ મેરઠથી પ્રયાગરાજ વચ્ચેના ગંગા એક્સપ્રેસવેના બાંધકામ માટે ફાઈનાન્સ મેળવ્યું છે. કંપનીએ રૂ. 10238 કરોડનું ડેટ મેળવ્યું છે. જ્યારે તે રૂ. 6826 કરોડનું કેપિટલ ઈન્ફ્યૂઝન કરશે. કંપની 464 કિમી હાઈવે પટ્ટી માટે સૌથી નીચો બીડર હતી.
એસઆરએફઃ કંપનીએ દહેજ ખાતે વાર્ષિક 30 કરોડ ટન પી38 ઉત્પાદિત કરી શકતી સુવિધાને કાર્યાન્વિત કરી છે.
ઈરકોન ઈન્ટરનેશનલઃ રેલ્વેની કંપનીએ હાજીપુર-બચવારા વચ્ચેના 72 કિલોમીટરના ઈલેક્ટ્રીફિકેશન સહિત ડબલીંગની કામગીરીને પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage