Market summary 31/01/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં આંતરે દિવસે ચઢાવ-ઉતાર, સેન્સેક્સમાં 612 પોઈન્ટ્સનો સુધારો
નિફ્ટી ફરી 21700 પર બંધ આપવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.4 ટકા ઘટી 16.04ના સ્તરે બંધ
ફાર્માં, ઓટો, બેંકિંગ, મેટલ, એનર્જીમાં ખરીદી
બ્રોડ માર્કેટમાં તેજી જળવાઈ
વોલ્ટાસ, પીબી ફિનટેક, ગોડફ્રે ફિલિપ્સ, યૂકો બેંક, ઉષા માર્ટિન નવી ટોચે
વેદાંત ફેશન્સ, નવીન ફ્લોરિન, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ નવા તળિયે

ભારતીય શેરબજારમાં આંતરે દિવસે તેજી-મંદીના ખેલા જોવા મળી રહ્યાં છે. સોમવારે સેન્સેક્સમાં 1200 પોઈન્ટ્સની વૃદ્ધિ પછી મંગળવારે 800 પોઈન્ટ્સનો કડાકો નોંધાયો હતો. જ્યારે બુધવારે માર્કેટ 600 પોઈન્ટ્સ ઉછળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 204 પોઈન્ટ્સ વધી 21726ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય હતી અને સતત ત્રીજા દિવસે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3914 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2411 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1411 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. 440 કાઉન્ટર્સે વાર્ષિક નવી ટોચ બનાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.4 ટકા ઘટી 16.04ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે એશિયન બજારોમાં ભારે વેચવાલી વચ્ચે ભારતીય બજારે નરમાઈ સાથે કામકાજની શરૂઆત કરી હતી. જોકે, ત્યારપછી તે દિવસ દરમિયાન સતત સુધરતો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 21487 પર ખૂલી 21449નું તળિયું દર્શાવી ઉપરમાં 21741ની ટોચ પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 160 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21786 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 103 પોઈન્ટ્સના પ્રિમીયમમાં 57 પોઈન્ટ્સની વૃદ્ધિ સૂચવે છે. જે સૂચવે છે કે લોંગ પોઝીશનમાં નોંધપાત્ર ઉમેરો થયો છે. જે આગામી સમયગાળામાં મજબૂતીનો સંકેત આપે છે. લોંગ ટ્રેડર્સ 20450ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખે છે. જ્યારે શોર્ટ ટ્રેડર્સે 21800ના સ્ટોપલોસનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, આઈશર મોટર્સ, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, તાતા મોટર્સ, સિપ્લા, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, ગ્રાસિમ, એસબીઆઈ, બ્રિટાનિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એમએન્ડએમ, એલટીઆઈમાઈન્ડટ્રી, હિંદાલ્કો, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બજાજ ઓટોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન કંપની, તાતા કન્ઝ્યૂમર, બીપીસીએલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો ફાર્માં, ઓટો, બેંકિંગ, મેટલ, એનર્જીમાં ખરીદી જળવાય હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.7 ટકા વૃદ્ધિ સાથે 17,940ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 18 હજારની સપાટી કૂદાવી હતી. તેના ઘટકોમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, બાયોકોન, સિપ્લા, લ્યુપિન, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ અને ઝાયડસ લાઈફમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી બેંક 1.4 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પીએનબી, બીઓબી, બંધન બેંક, એસબીઆઈ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ, ફેડરલ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ઈન્ડસઈન્ડ બેંકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 1.9 ટકા ઉછાળા સાથે સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈશર મોટર્સ, સોના બીએલડબલ્યુ, તાતા મોટર્સ, મારુતિ સુઝુકી, ટીવીએસ મોટર, ભારત ફોર્જ, એમએન્ડએમ, અશોક લેલેન્ડ, એમઆરએફ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ 1.4 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં રત્નમણિ મેટલ, વેદાંત, નાલ્કો, હિંદાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, જિંદાલ સ્ટીલ, વેલસ્પન કોર્પ, સેઈલ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 2.3 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં હેમિસ્ફિઅર, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, સોભા, ફિનિક્સ મિલ્સ, ડીએલએફ અને ઓબેરોય રિઅલ્ટીમાં ખરીદી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ પ્લેટફોર્મ પર નજર નાખીએ તો વોલ્ટાસ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાત ગેસ, ડો. રેડ્ડીઝ લેબ્સ, પીએનબી, સિન્જિન, એસઆરએફ, બેંક ઓફ બરોડા, અતુલ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, દિપક નાઈટ્રેટ, આઈશર મોટર્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ્સ, સન ફાર્મા, રામ્કો સિમેન્ટ્સ, ડિવિઝ લેબ્સ, નવીન ફ્લોરિન, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, બાયોકોન, એલએન્ડટી ફાઈનાન્સ, કોલગેટ, લૌરસ લેબ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, લાર્સન, ઈન્ડસ ટાવર્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એસ્ટ્રાલ, અંબુજા સિમેન્ટ્સ, એચપીસીએલ, પિડિલાઈડ ઈન્ડસ્ટ્રીઝ, બોશ, એબીબી ઈન્ડિયા, એસ્કોર્ટ્સ કુબોટા, ભારત ઈલે., ટાઈટન કંપનીમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં વોલ્ટાસ, પીબી ફિનટેક, ગોડફ્રે ફિલિપ્સ, યૂકો બેંક, ઉષા માર્ટિન, યૂકો બેંક, આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ, વેલસ્પન લિવીંગ, અમરા રાજા, એનએમડીસી સ્ટીલ, એઆઈએ એન્જીનીયરીંગ, નારાયણ હ્દ્યાલય, ગુજરાત ગેસ, ડો. રેડ્ડીઝ લેબ્સ, પીએનબી, એપ્ટસ વેલ્યૂનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, વેદાંત ફેશન્સ, નવીન ફ્લોરિન, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ નવા તળિયે ટ્રેડ થયાં હતાં.
એપ્રિલથી ડિસેમ્બરમાં નાણાકિય ખાધ રૂ. 9.82 લાખ કરોડ નોંધાઈ
પ્રથમ નવ મહિનામાં 2023-24ના બજેટ અંદાજની 55 ટકા ખાધ જોવા મળી

કેન્દ્ર સરકારે એપ્રિલથી ડિસેમ્બર માટે રૂ. 9.82 લાખ કરોડની નાણાકિય ખાધ જાહેર કરી હતી. જે એપ્રિલથી નવેમ્બર દરમિયાન રૂ. 9.07 લાખ કરોડ પર જોવા મળતી હતી. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સે 31 જાન્યુઆરીએ આ ડેટા જાહેર કર્યો હતો. રૂ. 9.82 લાખ કરોડ પર નાણાકિય ખાધ ચાલુ નાણાકિય વર્ષ માટેની રૂ. 17.87 લાખ કરોડની ખાધના 55 ટકા જેટલી થતી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે અંદાજિત ખાધ સામે 59.8 ટકા પર જોવા મળી હતી.
કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મળા સીતારામણ ગુરુવારે તેમનું વચગાળાનું બજેટ રજૂ કરે તેના અગાઉના દિવસે આ ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. બજેટની રજૂઆત દરમિયાન તેઓ આગામી વર્ષ માટે 5.3 ટકાની નાણાકિય ખાધનો અંદાજ મૂકે તેવી શક્યતાં છે. સરકાર 2025-26 સુધીમાં 4.5 ટકાની નાણાકિય ખાધનો ટાર્ગેટ ધરાવે છે. અર્થશાસ્ત્રીઓના મતે સરકાર રૂ. 17.87 લાખ કરોડના નાણાકિય ખાધના ટાર્ગેટને હાંસલ કરવાની અપેક્ષા ધરાવે છે. જોકે, જીડીપીની ટકાવારીના સંદર્ભમાં તેઓ અંદાજ સાધારણ પ્રમાણમાં ચૂકી જવાય તેવી શક્યતાં પણ જોઈ રહ્યાં છે. ડિસેમ્બર 2023માં રૂ. 75,694 કરોડની ખાધ ડિસેમ્બર, 2022ની સરખામણીમાં પાંચ ગણી જોવા મળી હતી. જોકે, એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળામાં તે વાર્ષિક ધોરણે એક ટકા નીચી હતી.બેંક ઓફ બરોડાનો નેટ પ્રોફિટ 19 ટકા ઉછળી રૂ. 4579 કરોડ નોંધાયો

જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક ઓફ બરોડાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4579 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 19 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 3853 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની કુલ આવક વધીને રૂ. 31,416 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 27,092 કરોડ પર હતી. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 28,605 કરોડ પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23,540 કરોડ પર હતી. બેંકની ગ્રોસ એનપીએ 4.53 ટકા પરથી ઘટી 3.08 ટકા પર રહી હતી. આ જ રીતે તેની નેટ એનપીએ પણ 0.99 ટકા પરથી ઘટી 0.70 ટકા પર જોવા મળી હતી. ડિસેમ્બર, 2022ની આખરમાં બેંકનો કેપિટલ એડિક્વસી રેશિયો જોકે 14.93 ટકા પરથી ઘટી 14.72 ટકા પર નોંધાયો હતો. બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 50.49 કરોડના કન્ટિજન્ટ પ્રોવિઝન દર્શાવ્યું હતું.


સન ફાર્માનો નેટ પ્રોફિટ 16.5 ટકા ઉછળી રૂ. 2524 કરોડ જોવા મળ્યો
અગ્રણી ફાર્મા કંપની સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 2523.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 16.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનું વેચાણ 9.5 ટકા વધી રૂ. 12,156.9 કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે યુએસ અને ભારતીય કામગીરીમાંથી આવકમાં દ્વિઅંકી વૃદ્ધિ નોંધાઈ હતી. કંપનીનો એડજસ્ટેડ નેટ પ્રોફિટ રૂ. 2593.6 કરોડ રહ્યો હતો. જે 19.7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો કોન્સોલિડેટેડ એબિટા રૂ. 3476.8 કરોડ પર રહ્યો હતો. જ્યારે તેનો એબિટા 28.1 ટકા જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે 26.7 ટકા પર હતો. ત્રિમાસિક ધોરણે કંપનીની આવક 1.2 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જ્યારે નફામાં 6.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

પેટ્રોનેટે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1190 કરોડનો વિક્રમી નફો નોંધાવ્યો
ગેસ સેક્ટરની કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1190.30 કરોડનો વિક્રમી નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1175.94 કરોડ પર હતો. તેણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 814.91 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીના નફામાં વૃદ્ધિનું મુખ્ય કારણ ઊંચો ક્ષમતા વપરાશ હતો. તેણે દહેજ ટર્મિનલ ખાતે ડિસેમ્બર ક્વાર્ટરમાં 218 ટ્રિલિયન બ્રિટીશ થર્મલ યુનિટ(ટીબીટીયુ) એલએનજી પ્રોસેસ કર્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 154 ટીબીટીયૂ પર જોવા મળતો હતો. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 210 ટીબીટીયૂ પર હતો. કંપનીએ 99 ટકા ક્ષમતા વપરાશ નોંધાવ્યો હતો. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 95 ટકા પર હતો. જ્યારે વર્ષ અગાઉ 70 ટકા પર હતો. વૈશ્વિક સ્તરે એલએનજીના ભાવમાં ઘટાડાને કારણે ઊંચા વોલ્યુમ જોવા મળ્યાં હતાં. કોચી ટર્મિનલ સાથે મળી કંપનીએ કુલ 232 ટીબીટીયુ એલએનજી પ્રોસેસ કર્યો હતો. 50 લાખ ટનની ક્ષમતા ધરાવતું કોચી ટર્મિનલ 15 ટકાથી નીચો ક્ષમતા વપરાશ દર્શાવે છે. જેનું કારણ કસ્ટમર્સ સુધી પાઈપલાઈનનો અભાવ છે. કંપનીના જણાવ્યા મુજબ આગામી વર્ષે માર્ચ સુધીમાં દહેજ ટર્મિનલની ક્ષમતાને વધારી 2.25 કરોડ ટન કરવામાં આવશે. ઉપરાંત, કંપની બે વધારાના ગેસ સ્ટોરેજ ટેંક્સ સ્થાપી રહી છે. જે તેની કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરશે.


ડાબરે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 506 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
એફએમસીજી કંપની ડાબર ઈન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 506 કરોડનો ચોખ્ખો નફો નોઁધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 6.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 476.65 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક 7 ટકા વધી રૂ. 3255.06 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3043.17 કરોડ પર હતી. કંપનીના જણાવ્યા મુજબ તેનાં હોમ કેર પ્રોડક્ટ્સ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ તથા ફૂડ એન્ડ બેવરેજિસ બિઝનેસ, તમામમાં વૃદ્ધિ જોવા મળી હતી. કંપની ડાબર આમલા, ડાબલ વાટિકા અને રિઅલ જેવી જ્યુસ બ્રાન્ડ્સ ધરાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage