શોર્ટ કવરિંગ પાછળ માર્કેટમાં કેલેન્ડરનો સૌથી મોટો ઉછાળો
નિફ્ટીએ 17250ના અવરોધને પાર કર્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 5.1 ટકા ગગડી 12.93ના સ્તરે
આઈટી, બેંકિંગ, એનર્જીમાં જોવા મળેલી લેવાલી
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 4 ટકા ઉછળ્યો
કેપીઆઈટી ટેક, બોશ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સાયન્ટ નવી ટોચે
વોડાફોન, લક્સ ઈન્ડ., સનટેક રિઅલ્ટી નવા તળિયે
નાણા વર્ષ 2022-23ના આખરી ટ્રેડિંગ સત્રમાં શેરબજારમાં શોર્ટ કવરિંગ પાછળ મજબૂતી જોવા મળી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 1031 પોઈન્ટ્સ ઉછળી 58992ના સ્તરે જ્યારે નિફ્ટી 279 પોઈન્ટ્સ ઉછળી 17360ની સપાટી પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50માંથી 43 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 7 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. બીએસઈ ખાતે 3678 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2393 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1165 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 243 કાઉન્ટર્સે જોકે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 75 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. 19 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.1 ટકાના ઘટાડે 12.93ની સપાટીએ બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના તેમજ નાણા વર્ષના આખરી સત્રમાં નિફ્ટીએ નોંધપાત્ર ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક 17081ના અગાઉના બંધ સામે 17210 પર ખૂલ્યાં બાદ સુધરતો રહી 17382ની ટોચ બનાવી તેની નજીક બંધ રહ્યો હતો. નવી સિરિઝના પ્રથમ સત્રમાં કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 82 પોઈન્ટ્સ પ્રિમીયમમાં 17442ની સપાટી પર બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 17250નો અવરોધ પાર કરતાં નજીકના સમયગાળામાં તે મજબૂતી જાળવી શકે છે. જોકે બેન્ચમાર્ક 17500ની ઉપર જળવાય તેવી શક્યતાં ઓછી છે. એકાદ-બે સપ્તાહમાં માર્કેટ ફરીથી ઘટાડાતરફી બની શકે એમ તેઓ ઉમેરે છે. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનાર કાઉન્ટર્સમાં હેવીવેઈટ રિલાયન્સ મુખ્ય હતો. કંપનીનો શેર જીઓ ફાઈનાન્સિયલના લિસ્ટીંગના અહેવાલે 4 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, નેસ્લે, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, તાતા મોટર્સ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, હીરો મોટોકોર્પ, વિપ્રો, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ, એપોલો હોસ્પિટલ, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સમાં ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, બેંકિંગ, એનર્જી અને રિઅલ્ટીમાં નોંધપાત્ર લેવાલી નીકળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળ્યો હતો. જેના મુખ્ય કાઉન્ટર્સમાં એમ્ફેસિસ 4.5 ટકા સુધર્યો હતો.આ ઉપરાંત કોફોર્જ, ઈન્ફોસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, ટેક મહિન્દ્રામાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક 1.75 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં બંધન બેંક 3 ટકા સાથે સૌથી વધુ સુધર્યો હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ, એચડીએફસી બેંક અને ઈન્ડસઈન્ડ બેંકમાં પણ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી 2 ટકા ઉછળ્યો હતો. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 4.31 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, તાતા પાવર, પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલ, આઈઓસી અને એચપીસીએલ પણ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો એક ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં તાતા મોટર્સ, એમઆરએફ, બોશ, અશોક લેલેન્ડ, હીરો મોટોકોર્પ, ભારત ફોર્જ અને અમર રાજા બેટરીઝ સુધારો દર્શાવવામાં ટોચ પર હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ભારત ઈલેક્ટ્રીક 6.55 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, બલરામપુર ચીની, ઈન્ટરગ્લોબ એવિએશન, એમ્ફેસિસ, ઈડિયા સિમેન્ટ્સ, ગ્લેનમાર્ક પણ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ, વેદાંત 2.6 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગુજરાત ગેસ, આઈજીએલ, ઝી એન્ટરટેઈનમેન્ટ, વોડાફોન, લૌરસ લેબ્સ, જેકે સિમેન્ટ, એપોલો હોસ્પિટલ અને સન ફાર્મા ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતાં. એનએસઈ ખાતે વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં કેપીઆઈટી ટેક, બોશ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સાયન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગુજરાત પીપાવાવ, ઝાયડસ લાઈફનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ, વોડાફાન આઈડિયા, એસઆઈએસ, ક્લિન સાયન્સ, લક્સ ઈન્ડસ્ટ્રીઝ, મેટ્રોપોલીસ, સનટેક રિઅલ્ટી અને બ્રાઈટકોમ ગ્રૂપના શેર્સે તેમના 52-સપ્તાહના તળિયા દર્શાવ્યાં હતાં.
IT કંપનીઓનો રેવન્યૂ ગ્રોથ વાર્ષિક ધોરણે 7-9 ટકા ઘટવાની શક્યતાં
આઈટી કંપનીઓની આવકમાં 30 ટકા હિસ્સો ધરાવતાં બીએફએસઆઈ સેક્ટરમાં મંદીને કારણે ઘટાડો જોવા મળશે
વૈશ્વિક સ્તરે મેક્રોઈકોનોમિક અને ફાઈનાન્સિયલ સેક્ટરમાં મુશ્કેલીઓ પાછળ ભારતમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી(આઈટી) કંપનીઓની રેવન્યૂ આજથી શરૂ થતાં નવા નાણા વર્ષ 2023-24માં વાર્ષિક ધોરણે 7-9 ટકા ઘટાડો દર્શાવે તેવી શક્યતાં રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યક્ત કરી છે.
કંપનીએ એક રિપોર્ટમાં નોંધ્યું છે કે 2022-23માં આઈટી સર્વિસિઝ કંપનીઓ 18-20 ટકા રેવન્યૂ ગ્રોથ દર્શાવશે. જોકે 2023-24માં તેઓ 10-12 ટકા ઘટાડો નોંધાવશે. 2021-22માં તે 19 ટકા આસપાસ હતો. કંપનીએ ટોચની 17 કંપનીઓના અભ્યાસને આધારે આ નિષ્કર્ષ આપ્યો છે. આ કંપનીઓ ગયા વર્ષે સમગ્ર સેક્ટરની રેવન્યૂનો 71 ટકા હિસ્સો ધરાવતી હતી. આઈટી કંપનીઓની આવકમાં ઘટાડાનું મુખ્ય કારણ બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને ઈન્શ્યોરન્સ(બીએફએસઆઈ) સેગમેન્ટની આવકમાં ઘટાડો હતો. જે સેક્ટરની કુલ આવકમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. બીએફએસઆઈ માટે મુખ્ય માર્કેટ્સ યુએસ અને યુરોપ ખાતે બેંકિંગ કટોકટી જેવા કારણો સૌથી મોટી ચિંતાનો વિષય છે. જે સ્થાનિક આઈટી સર્વિસિઝ કંપનીઓના રેવન્યૂ ગ્રોથ પર અસર કરશે. બીએફએસઆઈ સેગમેન્ટ રેવન્યૂ ગ્રોથ નવા વર્ષે અડધો થઈ એકઅંકી જોવા મળે તેવી શક્યતાં છે. જોકે મેન્યૂફેક્ચરિંગ સેગમેન્ટમાં 9-11 ટકા વૃદ્ધિ દરને કારણે તેમાં ઘટાડો કંઈક અંશે સરભર થઈ જશે. જ્યારે અન્ય સેગમેન્ટમાં 9-11 ટકા વૃદ્ધિને કારણે પણ તેને થોડી રાહત મળશે. ચોખ્ખી અસર જોઈએ તો સમગ્રતયા રેવન્યૂ ગ્રોથમાં ઘટાડો નોંધાશે. ચાલુ વર્ષે આઈટી કંપનીઓ ઓપરેટિંગ પ્રોફેટિબિલિટીમાં 1.5-1.75 ટકાનો ઘટાડો દર્શાવે અને 22-22.5 ટકાના દસકાના તળિયા પર જોવા મળે તેવી અપેક્ષા છે. આમ થવાનું કારણ ઊંચો એમ્પ્લોયી ખર્ચ છે. આઈટી કંપનીઓના કુલ ખર્ચમાં તે 70 ટકા હિસ્સો ધરાવે છે.
જોકે 2023-24માં ખર્ચમાં ઘટાડાની અપેક્ષા પણ છે. કેમકે કંપનીઓ હાયરિંગને લઈ ખૂબ સાવચેત જોવા મળી રહી છે. ઉપરાંત એટ્રીશનમાં પણ આગામી સમયગાળામાં વધુ ઘટાડાની શક્યતાં છે એમ ક્રિસિલે નોંધ્યું છે. 2021-22માં અસાધારણ રીતે હાયરિંગની પૂરેપૂરી અસર 2022-23માં જોવા મળી ચૂકી હતી. જેને કારણે એમ્પ્લોયી કોસ્ટમાં 20 ટકા વૃદ્ધિનો અંદાજ છે. કંપનીઓ હવે નવા હાયરિંગને બદલે આ કર્મચારીઓના ઉપયોગ પર ભાર આપી રહી છે. જેને કારણે 2023-24માં ઓપરેટિંગ પ્રોફેટિબિલિટીમાં સાધારણ સુધારો જોવા મળી શકે છે.
માર્ચમાં પુરવઠાની અછતે ખાંડના ભાવમાં 10 ટકા વૃદ્ધિ
માર્ચ મહિનામાં દેશમાં ખાંડના ભાવમાં 10 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જેનું મુખ્ય કારણ પુરવઠાની તંગી તથા ભારતીય સુગર મિલ્સ તરફથી માર્ચમાં વેચાણ ક્વોટાનું ખવાઈ જવું હતું. ભારત વિશ્વમાં ખાંડનો અગ્રણી નિકાસકાર દેશ છે. જોકે સરકારે ચાલુ સિઝનમાં નિકાસ પર આંશિક પ્રતિબંધ લાગુ પાડ્યો છે.
માર્ચ મહિનામાં રિફાઈન્ડ સુગરના ભાવ 10-વર્ષોની ટોચ પર જોવા મળ્યાં હતાં. જ્યારે કાચી સામગ્રીનો ભાવ છ વર્ષની ટોચે પહોંચ્યો હતો. દેશમાં શેરડીના પાકને વરસાદને કારણે નુકસાન પાછળ ખાંડની નિકાસમાં કાપને કારણે પણ ભાવમાં વૃદ્ધિ નોંધાઈ હતી. બીજી બાજુ, બાયોફ્યુલના ઉત્પાદનમાં ખાંડના વધેલાં ઉપયોગને કારણે પણ આમ બન્યું હતું. હાલમાં, મહારાષ્ટ્રમાં એમ સુગરના સ્પોટ પ્રાઈસિસ પ્રતિ ક્વિન્ટલ રૂ. 3620થી રૂ. 3800 પર જોવા મળી રહ્યાં છે. ક્રૂડના મજબૂત ભાવ અને બ્રાઝિલ ખાતે ઈંધણ અને ઈથેનોલના ઊંચા ભાવો પાછળ પણ સ્થાનિક બજારમાં મજબૂતી જોવા મળી હતી. 2022-23માં સુગર ઉત્પાદનના અંદાજને લઈને મોટા ગેપ જોવા મળી રહ્યાં છે. જેમાં ટ્રોપિકલ રિસર્ચના મતે 16 લાખ ટન સરપ્લસ રહેવાનો અંદાજ છે. જ્યારે એસએન્ડપી ગ્લોબલના અંદાજ મુજબ 6 લાખ ટનની સરપ્લસ રહેશે. જ્યારે ઈન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઈઝેશન 41.5 લાખ ટન સરપ્લસનો અંદાજ ધરાવે છે. ભારતમાં 2022-23માં ખાંડનું ઉત્પાદન 3.4 કરોડ ટન રહેવાની અપેક્ષા છે. જેમાંથી 60 લાખ ટન ખાંડની નિકાસ થાય તેવી અપેક્ષા છે. આમાંથી 45-50 લાખ ટન ખાંડ ઈથેનોલના ઉત્પાદન તરફ વપરાય તેવો અંદાજ છે. દરમિયાનમાં યુરોપ ખાતે ખાંડનું ઉત્પાદન 7 ટકા ઘટી 1.55 કરોડ ટન રહેવાની અપેક્ષા છે. જ્યારે બ્રાઝિલ ખાતે ઉત્પાદન 3.358 કરોડ ટન રહેવાનો અંદાજ છે.
એર ઈન્ડિયાએ SBI, BOB પાસેથી રૂ. 14K કરોડનું ફંડ મેળવ્યું
કંપનીના 2021-22ના ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ મુજબ કંપની રૂ. 15,317 કરોડનું ડેટ ધરાવતી હતી, જે 2020-21માં રૂ. 45037 કરોડ હતું
તાતા જૂથ સંચાલિત એર ઈન્ડિયાએ બે જાહેર ક્ષેત્રની બેંકિંગ કંપનીઓ એસબીઆઈ અને બેંક ઓફ બરોડા પાસેથી રૂ. 14000 કરોડના મૂલ્યનું ફંડ્સ મેળવ્યું છે. જેમાં ફ્રેશ લોન્સ અને વર્તમાન ડેટના રિફાઈનાન્સિંગનો સમાવેશ થાય છે.
એક અહેવાલ મુજબ તાજેતરના ફંડ રેઈઝીંગમાં કંપનીએ રૂ. 12500 કરોડની રિફાઈનાન્સ લોન્સ લીધી છે. જ્યારે રૂ. 1500 કરોડ મહામારી સમયની ઈમર્જન્સ ક્રેડિટ લાઈન ગેરંટી સ્કિમ(ઈએસએલજીએસ) મારફતે મેળવ્યાં છે. એરલાઈને તાજેતરમાં જ સ્થાનિક તેમજ ઈન્ટરનેશનલ માર્કેટ્સમાં તેની વિસ્તરણ યોજના રજૂ કરી હતી. જે માટે તેણે મોટા પ્રમાણમાં વિમાનીની ખરીદી માટે ઓર્ડર્સ પણ આપ્યાં છે. તાજેતરમાં કંપનીએ લીધેલું ફંડ તેને આ માટે સહાયરૂપ બનશે. એર ઈન્ડિયાના કોન્સોલિડેટેડ ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ પ્રમાણે 2021-22માં એરલાઈન્સ રૂ. 15317 કરોડનું કુલ ડેટ જાહેર કર્યું હતું. જે 2020-21માં રૂ. 45037 કરોડની સરખામણીમાં ઘટાડો સૂચવતું હતું. કંપનીએ વિસ્તરણ યોજના હેઠળ 470 વિમાનોની ખરીદી માટે ઓર્ડર આપ્યો છે. જેમાં બોઈંગ અને એરબસ, બંનેનો સમાવેશ થાય છે.
2022-23ના 11-મહિનામાં ફર્ટિલાઈઝર્સના વેચાણમાં 2 ટકા વૃદ્ધિ
પૂરા થયેલા નાણા વર્ષ 2022-23ના શરૂઆતી 11-મહિના દરમિયાન દેશમાં ખાતરના વેચાણમાં 2 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. આ વૃદ્ધિ પાછળ યુરિયાના વેચાણમાં 7 ટકા વૃદ્ધિ જવાબદાર હતી. જ્યારે ડાય-એમોનિયમ ફોસ્ફેટના વેચાણમાં એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 દરમિયાન 15 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે, બે અન્ય કેટેગરીઝના ખાતરો જેવાકે મુરિએટ ઓફ પોટાશ અને કોમ્પ્લેક્સના વેચાણમાં સમાનગાળામાં ઘટાડો જોવા મળ્યો હતો. 2021-22માં ભારતમાં યુરિયાનો વપરાશ પાંચ વર્ષોમાં પ્રથમવાર ઘટ્યો હતો અને 338.64 લાખ ટન પર રહ્યો હતો. જે એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 દરમિયાન 341.18 લાખ ટન પર જોવા મળ્યો હતો.
કાબુલી ચણાની નિકાસમાં તીવ્ર ઉછાળો
વૈશ્વિક સ્તરે પાઈપલાઈન ખાલી હોવાના કારણે ભારતીય કાબુલી ચણાની માગમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. 2022-23 દરમિયાન દેશમાંથી કાબૂલી ચણાની નિકાસ બમણાથી પણ ઊંચો વૃદ્ધિ દર દર્શાવી રહી છે. 2021-22માં દેશમાંથી 4.647 કરોડ ડોલર સામે શુક્રવારે પૂરાં થતાં વર્ષ દરમિયાન કાબૂલી ચણાની નિકાસ 11.2 કરોડ ડોલર પર રહી હતી એમ સરકારી ડેટા સૂચવે છે. યૂએઈ તથા શ્રીલંકાની મજબૂત માગ આ પાછળ મુખ્ય કારણભૂત હતી. વિશ્વમાં ભારત અને મેક્સિકો, આ બે દેશો મોટા કદના કાબૂલી ચણાનું ઉત્પાદન ધરાવે છે. મેક્સિકોમાં પાક ગયા વર્ષ કરતાં નીચો રહેતાં ભારતીય માલની માગ વધી હતી. એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 દરમિયાન યૂએઈ ખાતે કાબૂલી ચણાની નિકાસ બમણાથી વધુ 3.372 કરોડ ડોલર પર જોવા મળી હતી. જે ગયા વર્ષે 1.46 કરોડ ડોલરે હતી. જ્યારે શ્રીલંકા ખાતે નિકાસ 52.1 લાખ ડોલરથી વધી 1.292 કરોડ ડોલર રહી હતી.
જેપી તાપરિયાએ મલાબાર હિલ ખાતે રૂ. 369 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યું
વાલ્કેશ્વર રોડ પર અરબ સાગર અને હેંગિંગ ગાર્ડન્સને સ્પર્શતું એપાર્ટમેન્ટ ભારતમાં સૌથી મોંઘું છે
ચાલુ નાણાકિય વર્ષની સમાપ્તિની પૂર્વસંધ્યાએ એક વધુ બિગ-ટિકીટ રિઅલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શનમાં ઉદ્યોગપતિ જેપી તાપરિયા પરિવારે સી-વ્યૂ ધરાવતાં લક્ઝરી ટ્રીપ્લેક્સ એપાર્ટમેન્ટની ખરીદી કરી છે. કોન્ટ્રેસેપ્ટીવ ઉત્પાદક ફેમી કેરના સ્થાપકે દક્ષિણ મુંબઈના માલાબાર હીલ સ્થિત આ ટ્રિપ્લેક્સ માટે રૂ. 369 કરોડ ચૂકવ્યાં છે.
માયાનગરી મુંબઈના પોશ એવા વાલકેશ્વર રોડ સ્થિત લોધા માલાબાર રેસિડેન્શિયલ ટાવરના 26, 27 અને 28મા માળ પર આ લક્ઝરી એપાર્ટમેન્ટ આવેલાં છે. તે ગવર્નર એસ્ટેટની સામે આવેલા છે અને અરબ સાગર તથા હેંગિંગ ગાર્ડન્સને સ્પર્શે છે. એપાર્ટમેન્ટ કુલ 27,160 ચોરસ ફીટ વિસ્તારમાં પથરાયેલું છે. આ ઘટનાને નજીકથી નિહાળનાર વ્યક્તિઓ જણાવે છે કે આ ડીલ ટ્રિપ્લેક્સને ભારતમાં સૌથી મોંઘા એપાર્ટમેન્ટ્સમાંનું એક બનાવે છે. કેમકે તેમાં પ્રતિ ચોરસ ફૂટ રૂ. 1.36 લાખ ચૂકવવામાં આવ્યાં છે. કુલ મૂલ્યની રીતે જોઈએ તો પણ આ એપાર્ટમેન્ટ સૌથી મોંઘુ જણાય છે. તે અગાઉ આ પ્રકારના બીગ-ટિકિટ સોદાઓને પાર કરી ગયું છે. અગાઉ માધવ ગોએલ અને નિરવ બજાજે આ રીતે મોંઘા એપાર્ટમેન્ટ ખરીદ્યાં હતાં. જેમાં ટૂફ્રોપેસના માધવ ગોયલે માલાબાર હિલ ખાકે લોધા માલાબાર પ્રોજેક્ટમાં 9,546 ચોરસ ફૂટ એપાર્ટમેન્ટની રૂ. 121 કરોડમાં ખરીદી કરી હતી. આ એપાર્ટમેન્ટ પણ વાલકેશ્વર રોડ ખાતે મેક્રોટેક ડેવલપ્સના લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં 19મા માળે આવેલું છે. કેટલાંક દિવસો અગાઉ બજાજ ઓટોના ચેરમેન નિરજ બજાજે માલાબાર હીલ ખાતે સમુદ્ર સામેના એપાર્ટમેન્ટની રૂ. 252.5 કરોડમાં ખરીદી કરી હતી. ગયા ફેબ્રુઆરીમાં વેલસ્પન જૂથ ચેરમેન બીકે ગોએન્કાએ ઓબેરોય રિઅલ્ટીના વર્લી સ્થિત લક્ઝરી પ્રોજેક્ટ શ્રી સિક્સ્ટી વેસ્ટમાં રૂ. 230 કરોડમાં પેન્ટહાઉસ ખરીદ્યું હતું.
હિંડેનબર્ગના હુમલા પછી અદાણી જૂથે તેની મહત્વાકાંક્ષાઓમાં પાછીપાની કરવી પડી
જૂથે એલ્યુમિનિયમ, સ્ટીલ અને રોડ પ્રોજેક્ટ્સમાં પણ તેના મહત્વાકાંક્ષી પ્લાન્સ પરત ખેંચવા પડ્યાં હોવાનું જણાવતાં વર્તુળો
ગૌતમ અદાણીના કોંગ્લોમેરટ પર વિસ્ફોટક રિપોર્ટના બે મહિના પછી યુએસ શોર્ટ સેલસ હિંડેનબર્ગ રિસર્ચે ભારતીય અબજોપતિને તેની મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી પાછીપાની કરવાની ફરજ પાડી છે. જૂથે તેના હયાત બિઝનેસિસમાંથી તેમજ નવા ક્ષેત્રોમાં પ્રવેશની યોજનાઓને લઈ ફરીથી વિચારણા કરવી પડી રહી છે. જ્યારે કેટલાંક પ્રોજેકટ્સ તેણે હાલ પૂરતાં પડતાં મૂકવાના બન્યાં છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે.
હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટ પછી અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ-વેલ્યૂએશનમાં 125 અબજ ડોલરનું ગાબડું પડ્યું હતું. જેણે બિઝનેસ ટાયકૂનને નવા સેક્ટર્સમાં પ્રવેશની યોજનાઓ પર નિયંત્રણ લાદ્યું છે એમ કંપનીના આંતરિક સ્રોતો સાથે નજીકથી સંકળાયેલા વર્તુળો જણાવે છે. નવા ક્ષેત્રોમાં પ્રવેશવા માટે દેશમાં ઊંચો ડેટ લોડ્સ ધરાવનાર જૂથોમાંના એક અદાણીએ પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટમાં પાછીપાની કરી હોવાનું જાણવા મળે છે અને તે મુંદ્રા ખાતે 4 અબજ ડોલરના ખર્ચે ગ્રીનફિલ્ડ કોલ-ટુ-પોલીવિનાઈલ ક્લોરાઈડ પ્રોજેક્ટમાં આગળ વધવાની શક્યતાં નથી એમ વર્તુળો ઉમેરે છે. આ બાબત હજુ આંતરિક ચર્ચા-વિચારણાનો મુદ્દો હોય તેઓ નામ નહિ આપવાની શરતે આમ જણાવે છે. આ ઉપરાંત જૂથ એલ્યુમિનિયમ, સ્ટીલ અને રોડ પ્રોજેક્ટ્સ ક્ષેત્રે વધુ ઊંડા ઉતરવાની તેની મહત્વાકાંક્ષાઓમાંથી બહાર નીકળી રહ્યું છે એમ તેમનું કહેવું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેશન-બિલ્ડીંગ પ્રયાસો સાથે જોડાયેલું અદાણી જૂથ હવે તેના મુખ્ય પ્રોજેટ્સ પર ફરીથી ધ્યાન આપી રહ્યું છે. જેમાં પાવર ઉત્પાદન, પોર્ટ્સ અને નવા ગ્રીન એનર્જી પગલાઓનો સમાવેશ થાય છે એમ વર્તુળોનું કહેવું છે. આ મુખ્ય ક્ષેત્રોમાં પણ અબજોપતિ મૂળભૂતરીતે અલગ શૈલીમાં આગળ વધશે. શેર-સમર્થિત ફંડિંગના ચૂકવણા માટે 2.15 અબજ ડોલરના પરિવારના હિસ્સાનું વેચાણ કર્યાં બાદ અદાણી હવે આ પ્રકારનું ઊંચું જોખમ ધરાવતાં ફાઈનાન્સિંગને ટાળશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. અદાણી હવેથી પ્રાઈવેટ બોન્ડ પ્લેસમેન્ટ્સ અને ઈક્વિટી હિસ્સાના વેચાણ મારફતે ફંડ મેળવવાની પધ્ધતિઓને વળગી રહે તેમ તેઓ જણાવે છે. જેમકે પખવાડિયા અગાઉ જીક્યૂજી પાર્ટનર્સના રાજીવ જૈનને કરેલું શેર વેચાણ. આમ કરવાથી માર્કેટમાં ઊંચી વધ-ઘટથી અદાણી એમ્પાયર બાકાત રહેશે એમ તેઓ ઉમેરે છે. 2022માં અદાણીની સંપત્તિમાં જોવા મળેલા તીવ્ર ઉછાળાથી આ તદ્દન વિપરીત છે. એક સમયે અગાઉના ડાયમંડ ટ્રેડર એશિયાના સૌથી સંપત્તિવાન વ્યક્તિ હતાં અને તેમનું રોકાણ પરંપરાગત હેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેટ્સથી પણ આગળ વધી મિડિયા, મહિના ક્રિકેટ અને ડેટા સેન્ટર્સમાં વિસ્તર્યું હતું. ડેટ લઈને ડાયવર્સિફિકેશન હાથ ધરવાનું વલણ જોકે હવે તેમણે ત્યજ્યું છે. આમ કરી તેઓ રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવવા માગે છે. ન્યૂ દિલ્હી ટેલિવિઝન લિ.માં બહુમતી હિસ્સો ખરીદતી વખતે તેને ભારતના ‘ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સ અથવા અલ-ઝઝીરા’ બનાવવાની વાત કરનાર ટાયકૂન હવે મિડિયા ક્ષેત્રે વધુ ખરીદી કરે તેવી શક્યતાં નથી એમ અદાણીના પ્લાનીંગ સાથે નજીકથી જોડાયેલા વર્તુળો જણાવે છે.
પ્રાઈવેટ બોન્ડ પ્લેસમેન્ટ માટે અદાણી જૂથની પિમ્કો, બ્લેકરોક સાથે મુલાકાત
અદાણી જૂથના એક્ઝિક્યૂટીવ્સે બ્લેકરોક ઈન્ક, બ્લેકસ્ટોન ઈન્ક અને પેસિફિક ઈન્વેસ્ટમેનેજમેન્ટ સહિતના યુએસ ઈન્વેસ્ટર્સ સાથે મુલાકાત યોજી હતી. તેમણે કેટલીક જૂથ કંપનીઓ તરફથી પ્રાઈવેટ બોન્ડ પ્લેસમેન્ટની વિચારણા હેતુથી આ બેઠક યોજી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે.
ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું કોંગ્લોમેરટ ચાલુ વર્ષે બે તબક્કામાં પ્રાઈવેટ બોન્ડ પ્લેસમેન્ટ મારફતે 1 અબજ ડોલર એકત્ર કરવાનો ઈરાદો ધરાવે છે એમ નામ નહિ આપવાની શરતે વર્તુળો ઉમેરે છે. અદાણી જૂથના પ્રવક્તાએ જોકકે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે પિમ્કોના પ્રતિનિધિએ પણ કશું કહેવાનું ટાળ્યું હતું. બ્લેકરોક અને બ્લેકસ્ટોનના પ્રતિનિધિઓએ પણ આમ જ કર્યું હતું. આ બેઠકો અદાણી જૂથ તરફથી હાથ ધરવામાં આવેલા ગ્લોબલ રોડશોના ભાગરૂપ હતાં. તેઓ ન્યૂ યોર્ક, બોસ્ટન, લોસ એન્જલ્સ અને સેન ફ્રાન્સિસ્કો સહિતના શહેરોમાં પહોંચ્યાં હતાં. પોર્ટ-ટૂ-પાવર એમ્પાયર વૈશ્વિક રોકાણકારોને તેની નાણાકિય બાબતો તેના નિયંત્રણમાં હોવાની ખાતરી માટે આમ કરી રહી છે. જાન્યુઆરીમાં યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગના રિપોર્ટ પછી જૂથના માર્કેટ-કેપમાં 153 અબજ ડોલરનું મોટું ધોવાણ જોવા મળ્યું હતું. અગાઉ ફેબ્રુઆરીમાં સૌપ્રથમવાર નોંધવામાં આવ્યું હતું કે અદાણી જૂથ ઓછામાં ઓછી ત્રણ કંપનીઓ સાથે પ્રાઈવેટ બોન્ડ પ્લેસમેન્ટ માટે વિચારી રહ્યું છે. આ માટે એપ્રિલ મહિનાથી ડોક્યૂમેન્ટેશનની કામગીરી શરુ થવાની શક્યાં છે. ગ્રૂપ સપ્ટેમ્બરમાં પ્રથમ તબક્કાના લોન્ચિંગ માટેનું લક્ષ્ય ધરાવે છે. પ્રથમ તબક્કાનું કદ 45 કરોડ ડોલર હોવાનું વર્તુળો જણાવે છે. પ્રાઈવેટ રીતે પ્લેસ કરવામાં આવતાં ડેટ પેપર્સ 10-20 વર્ષોનો લાંબો સમયગાળો ધરાવતાં હોય છે. તેમજ 8 ટકા આસપાસનો કૂપન રેટ ધરાવતાં હોય છે. અદાણી જૂથની બે કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી આ પ્રસ્તાવિત બોન્ડ્સનું વેચાણ કરે તેવી શક્યતાં છે એમ વર્તુળો જણાવે છે.
2022-23માં IPO ફંડ રેઈઝીંગમાં 50 ટકા ઘટાડો નોંધાયો
જોકે, તેમ છતાં આઈપીઓ મારફતે ત્રીજું સૌથી વધુ ફંડ એકત્ર કરવામાં આવ્યું
પૂરાં થયેલા વર્ષમાં LICએ દેશમાં સૌથી મોટો IPO કર્યો હતો
2022-23માં આઈપીઓ મારફતે એકત્ર કરવામાં આવેલા ફંડની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં પૂરાં થવા જઈ રહેલા વર્ષમાં 50 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. 2022-23માં 37 ભારતીય કંપનીઓએ રૂ. 52,116 કરોડનું ફંડ ઊઘરાવ્યું હતું. જે 2021-22માં 53 કંપનીઓ તરફથી એકત્ર કરવામાં આવેલા રૂ. 1,11,547 કરોડની સરખામણીમાં મોટો ઘટાડો સૂચવે છે.
જો સમગ્રતયા ફંડ રેઈઝીંગની વાત કરીએ તો નાણા વર્ષ 2022-23માં પબ્લિક ફંડ રેઈઝીંગમાં 56 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 76076 કરોડ પર નોંધાયું હતું. ગયા વર્ષે 2021-22માં ઊભા કરવામાં આવેલા રૂ. 1,73,728 કરોડની સરખામણીમાં તે 60 ટકાથી વધુ ઘટાડો દર્શાવે છે. એક અગ્રણી રિસર્ચ કંપનીના જણાવ્યા મુજબ 2022-23માં એક LICના આઈપીઓમાં જ રૂ. 20557 કરોડ મેળવવામાં આવ્યાં હતાં. જે સમગ્ર નાણા વર્ષના કુલ ભરણાના 39 ટકા જેટલાં થતાં હતાં. એલઆઈસીના આઈપીઓને ગણનામાં ના લઈએ તો આઈપીઓ મારફતે માત્ર રૂ. 31559 કરોડની રકમ જ ઊભી થઈ હોત. જોકે આમ છતાં પૂરું થવા જઈ રહેલા વર્ષમાં અત્યાર સુધીમાં કોઈપણ વર્ષમાં ત્રીજા ક્રમની સૌથી વધુ રકમ ઊભી કરવામાં આવી હતી એમ રિસર્ચ જણાવે છે.
2022-23ના ટોચના IPO
નાણા વર્ષ દરમિયાન જોવા મળેલા ટોચના આઈપીઓમાં એલઆઈસીનો સમાવેશ થતો હતો. તે ઉપરાંત ડેલ્હીવેરી(રૂ. 5235 કરોડ) અને ગ્લોબલ હેલ્થ(રૂ. 2206 કરોડ)નો સમાવેશ થાય છે. સરેરાશ આઈપીઓ ડીલ સાઈઝ રૂ. 1409 કરોડની જોવા મળી હતી. કુલ 37માંથી 25 આઈપીઓ વર્ષના ત્રણ મહિનાઓ મે, નવેમ્બર અને ડિસેમ્બરમાં લોંચ કરવામાં આવ્યાં હતાં. જેનું મુખ્ય કારણ સમગ્ર વર્ષ દરમિયાન માર્કેટમાં જોવા મળેલી ઊંચી વધ-ઘટ સાથે વિપરીત સેન્ટિમેન્ટ હતું. રિપોર્ટ મુજબ 2022-23ના આખરી ક્વાર્ટરમાં આઈપીઓ મારફતે નાણા એકત્ર કરવાનું પ્રમાણ છેલ્લાં નવ વર્ષોમાં સૌથી નીચા સ્તરે જોવા મળ્યું હતું. કુલ 37 કંપનીઓમાંથી માત્ર બે કંપનીઓ જ ન્યૂ એજ ટેક્નોલોજી કંપનીઓ હતી. જેની સરખામણીમાં 2021-22માં પાંચ કંપનીઓએ રૂ. 41,733 કરોડની રકમ ઊભી કરી હતી. જે આ સેક્ટર તરફથી આઈપીઓની કામગીરીમાં ઘટાડો સૂચવે છે.
રિટેલ પાર્ટિસિપેશનમાં ઘટાડો
રિપોર્ટ મુજબ ગયા નાણાકિય વર્ષની સરખામણીમાં 2022-23માં રિટેલ પાર્ટિસિપેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેકન્ડરી માર્કેટમાં મંદી તેમજ અગાઉના વર્ષે નબળા આઈપીઓ લિસ્ટીંગને કારણે રિટેલમાં સાવચેતી જોવા મળતી હતી. 2021-22માં રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી સરેરાશ 13.32 લાખ અરજીઓનું પ્રમાણ 2022-23માં માત્ર 5.64 લાખ અરજીઓ પર જોવા મળ્યું હતું. 2022-21માં તે 12.73 લાખ અરજીઓ પર નોંધાયું હતું.
મધ્યમસરના લિસ્ટીંગ લાભ
રિસર્ચના જણાવ્યા મુજબ આઈપીઓના લિસ્ટીંગ પણ અપેક્ષિત નહોતાં રહ્યાં અને તેમણે સામાન્ય લિસ્ટીંગ લાભ આપ્યો હતો. 2020-21માં 35.68 ટકા અને 2021-22માં 32.59 ટકા સામે 2022-23માં માત્ર 9.74 ટકાનો સરેરાશ લિસ્ટીંગ લાભ જોવા મળ્યો હતો. જેણે પણ રિટેલના સેન્ટિમેન્ટ પર મોટી અસર ઉપજાવી હતી. અત્યાર સુધીમાં લિસ્ટ થયેલા 36 આઈપીઓમાંથી માત્ર 16 આઈપીઓએ 10 ટકાથી વધુ લિસ્ટીંગ લાભ દર્શાવ્યો છે. જેમાં ડીસીએક્સ સિસ્ટમ્સે 49 ટકા, હર્ષા એન્જિનીયરીંગે 47 ટકા અને ઈલેક્ટ્રોનિક માર્ટે 43 ટકા રિટર્ન આપ્યું હતું. 36માંથી 21 આઈપીઓ તેમના ઓફર ભાવથી ઉપર ટ્રેડિંગ દર્શાવી રહ્યાં છે.
નાણા વર્ષમાં 37 કંપનીઓએ આઈપીઓ મંજૂરીને રદ થવા દીધી
પૂરાં થયેલા નાણા વર્ષમાં 37 કંપનીઓએ તેમને આઈપીઓ માટે મળેલી મંજૂરીને રદબાતલ થવા દીધી હતી. સાનૂકૂળ માહોલના અભાવે કંપનીઓએ આમ કર્યું હતું. જોકે નવા નાણા વર્ષ 2023-24 માટે ઘણી કંપનીઓ પ્રાઈમરી બજારમાં પ્રવેશવા માટે પાઈપલાઈનમાં છે. નવા વર્ષમાં લગભગ 54 કંપનીઓ રૂ. 76 હજાર કરોડથી વધુનું ભરણું ઉઘરાવવા માટે બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે. તેઓએ સેબીની મંજૂરી મેળવી લીધી છે. અન્ય 19 કંપનીઓ રૂ. 32,940 કરોડનું ભરણું એકત્ર કરવા માટે સેબીની મંજૂરીની રાહ જોઈ રહી છે.
એપ્રિલથી અમલી બનનારા ફાઈનાન્સિયલ સેક્ટરના પાંચ જાણવા જેવા ફેરફારો
બજેટ 2023 પછી અસરમાં આવનારા ઈન્કમ-ટેસ નિયમોથી સિનિયર સિટિઝન્સ માટે બિગ બોનાન્ઝાથી લઈ એનપીએસ ઉપાડના નવા નિયમો 1 એપ્રિલથી લાગુ પડશે
શનિવારથી નવુ નાણાકિય વર્ષ શરૂ થશે. નવા વર્ષનો આરંભ તમારા ઈન્વેસ્ટમેન્ટ્સ અને ફાઈનાન્સિયલ ઉદ્દેશોને લઈ મૂલ્યાંકન માટે મહત્વનો હોય છે. તમારી કોઈ લોન ચાલુ હોય કે તમે લેવા માટે વિચારી રહ્યાં હોવ તો તમારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પોલિસી જાહેરાતો પર ધ્યાન આપવું રહેશે. ઉપરાંત, ટેક્સના નિયમોમાં પણ મહત્વના ફેરફારો જોવા મળ્યાં છે. નેશનલ પેન્શન સિસ્ટમ(એનપીએસ)માં ઉપાડની નીતિ પણ બદલાઈ છે. સાથે પોસ્ટ-ઓફિસ સ્કિમ્સ અને અન્ય ઈન્વેસ્ટમેન્ટ્સ સંબંધી નિયમોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યાં છે. આ એપ્રિલ 2023માં કયા ફેરફારો તમારી ખિસ્સા પર ભાર વધારશે?
2023-24 માટે ઈન્કમટેક્સ નિયમોમાં ફેરફાર
1 એપ્રિલથી ભારતમાં કરદાતાઓ માટે કેટલાક નિયમો અમલી બની રહ્યાં છે. બજેટમાં થયેલી જાહેરાતો અનુસાર તે નીચે મુજબ છે. એક, જો કરદાતા તેના રિટર્ન્સને કઈ ફોર્મ્યુલા હેઠળ સબમિટ કરવામાં આવી રહ્યું છે તે અંગે સ્પષ્ટતા નહિ કરે તો નવી ફોર્મ્યુલા આપોઆપ લાગુ પડશે. નવી ફોર્મ્યુલામાં રિબેટ મર્યાદા રૂ. 5 લાથી વધી રૂ. 7 લાખની રહેશે. લઘુત્તમ એક્ઝમ્પ્શન્સ ફોર્મ્યુલા હેઠળ નવા ઈન્કમ-ટેક્સ સ્લેબ્સ પણ 1 એપ્રિલથી અમલમાં આવશે.
લીવ ટ્રાવેલ એલાઉન્ટ એન્કેશમેન્ટ લિમીટ બજેટ 2023માં રૂ. 3 લાખ વધારી રૂ. 25 લાખ કરવામાં આવી છે. જે 2023-24 નાણા વર્ષથી અમલી બનશે. બજેટની જાહેરાત મુજબ જો વાર્ષિક પ્રિમીયમ રકમ રૂ. 5 લાખથી વધુ હશે તો પરંપરાગત એન્ડોવમેન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીઝ હેઠળ રળવામાં આવેલી આવક પર મેચ્યોરિટી પર ટેક્સ લાગુ પડશે. માર્કેટ-લિંક્ડ ડિબેન્ચર્સમાં રોકાણને શોર્ટ-ટર્મ કેપિટલ એસેટ્સ તરીકે ગણનામાં લેવાશે અને જો ફિઝિકલ ગોલ્ડને ઈલેક્ટ્રોનિક ગોલ્ડમાં રૂપાંતરિત કરવામાં આવશે તે તેનાથી ઊલટું કરવામાં આવશે તો તેના પર કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ નહિ પડે.
2. ડેટ મ્યુચ્યુલ ફંડ પર LTCGનો લાભ નહિ
સરકારે નાણા બિલમાં કરેલા તાજાં સુધારાઓ પછી ડેટ મ્યુચ્યુલ ફંડ્સને ફિક્સ્ડ ડિપોઝીટ્સ સામે મળતો ટેક્સ એડવાન્ટેજ દૂર થયો છે. 1 એપ્રિલથી ડેટ મ્યુચ્યુલ ફંડ્સ(એવી એમએફ સ્કિમ્સ જે ઈક્વિટીઝમાં 35 ટકાથી નીચું રોકાણ ધરાવે છે) પર થયેલો કેપિટલ ગેઈન્સ તમારી આવકમાં ઉમેરાશે અને તમને લાગુ પડતાં ટેક્સ સ્લેબ મુજબ તેના પર આવકવેરો લાગુ પડશે. હાલમાં 31 માર્ચ સુધી ડેટ ફંડ્સમાં ત્રણ વર્ષથી વધુ સમય સુધી રોકાણ જાળવવામાં આવ્યું હશે તો કેપિટલ ગેઈન્સ પર એલટીસીજી લાગુ પડતો હતો. જે ઈન્ડેક્સેશન પછી 20 ટકા એલટીસીજી આકર્ષતો હતો.
3. SCSS અને POMISમાં ઈન્વેસ્ટમેન્ટની લિમિટ્ડને લંબાવાઈ
બજેટ 2023માં સિનિયર સિટિઝન્સમાં લોકપ્રિય એવા બે મહત્વના ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટમેન્ટ્સની આકર્ષક્તામાં વૃદ્ધિ કરવામાં આવી હતી. 1 એપ્રિલથી સિનિયર સિટિઝન સેવિંગ્ઝ સ્કિમ(એસસીએસએસ) હેઠળ મહત્તમ રોકાણ મર્યાદાને રૂ. 15 લાખથી વધારી રૂ. 30 લાખ એટલેકે બમણી કરવામાં આવી છએ. સ્કિમ જાન્યુઆરીથી માર્ચ 2023ના ક્વાર્ટર માટે 8 ટકાના ઈન્ટરેસ્ટની ખાતરી આપે છે. જે ત્રિમાસિક ધોરણે ઈન્ટરેસ્ટ ચૂકવે છે.
વધુમાં પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ(પીઓએમઆઈએસ) હેઠળ રોકાણની મર્યાદાને રૂ. 4.5 લાખથી વધારી રૂ. 9 લાખ કરવામાં આવી છે. જેઓ સંયુક્ત એકાઉન્ટ ધરાવતાં હશે તેમની રોકાણ મર્યાદાને રૂ. 9 લાખથી વધારી રૂ. 15 લાખ કરવામાં આવી છે. સ્કિમ જાન્યુઆરીથી માર્ચ 2023ના ક્વાર્ટર માટે માસિક ધોરણે 7.1 ટકાનું ઈન્ટરેસ્ટ ચૂકવે છે.
4. NPS ઉપાડ માટે નવા નિયમો
પેન્શન રેગ્યુલેટર પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(પીએઆરડીએ)એ 1 એપ્રિલ 2023થી કેટલાંક ડોક્યૂમેન્ટ્સના અપલોડિંગને ફરજિયાત બનાવ્યું છે. જેથી ગ્રાહકોને એન્યૂઈટી પેમેન્ટ્સ ઝડપી અને સરળ બની શકે. સીઆરએ(સેન્ટ્લ રેકર્ડ-કિપીંગ એજન્સી) પર અપલોડિંગ માટે જરૂરી ડોક્યૂમેન્ટ્સમાં એનપીએસ એક્ઝિટ/વિથ્ડ્રોઅલ ફોર્મ્સ, વિથ્ડ્રોઅલ ફોર્મમાં આપેલી ઓળખ અને સરનામાનું પ્રૂફ, બેંક એકાઉન્ટ પ્રૂફ અને પર્મેનન્ટ રિટાર્મેન્ટ એકાઉન્ટ નંબર(PRAN) કાર્ડની નકલનો સમાવેશ થાય છે. CRA સિસ્ટમ એ એનપીએસ-સંબંધિત કામગીરીઓ માટે વેબ-બેઝ્ડ એપ્લિકેશન છે.
5. HUID નંબર સાથે ગોલ્ડ જ્વેલરીની ખરીદી
1 એપ્રિલ 2023થી સમગ્ર દેશમાં જ્વેલરી સ્ટોર્સ પર માત્ર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન(HUID) નંબર ધરાવતી ગોલ્ડ જ્વેલરીના વેચાણની જ મંજૂરી રહેશે. એચયૂઆઈડી નંબર એ છ-આંકડાનો આલ્ફાન્યૂમેરિક કોડ હશે. દરેક જ્વેલરીની બનાવટ વખતે તેને એચયૂઆઈડી નંબર આપવામાં આવશે. જે ટ્રાન્સપરન્સી ઓફર કરશે. તેમજ ખરીદારને ગોલ્ડની ખરીદીનું સાચું વેલ્યૂએશન પ્રાપ્ય બનશે.
નવા SIP એકાઉન્ટ્સમાં 2022-23માં તીવ્ર ઘટાડો નોંધાયો
એમએફ એકાઉન્ટ ક્લોઝર્સમાં ઊંચી વૃદ્ધિ જોવાઈ
2021-22માં 1 કરોડ એકાઉન્ટના ઉમેરા સામે 2022-23માં 11 મહિનામાં 37 લાખ એકાઉન્ટ્સનો ઉમેરો થયો
માસિક ધોરણે શેરબજારમાં મ્યુચ્યુલ ફંડ્સ મારફતે નિયમિત રોકાણ કરનારાઓની વૃદ્ધિમાં પૂરાં થયેલાં વર્ષ 2022-23માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. 2021-22માં મ્યુચ્યુલ ફંડ્સ મારફતે બજારમાં રોકાણ કરનારાઓની સંખ્યમાં એક કરોડના ઉમેરા સામે 2022-23ના પ્રથમ 11-મહિનામાં માત્ર 37 લાખ રોકાણકારોનો ઉમેરો થયો હતો. જે માર્કેટમાં નવપ્રવેશકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો સૂચવે છે. જોકે સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(સિપ) મારફતે માસિક ધોરણે જોવા મળતો ઈનફ્લો છેલ્લાં છ મહિનાથી રૂ. 13000 કરોડ કરતાં ઊંચો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં પ્રથમવાર તેમાં માસિક ધોરણે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. જેનું એક કારણ ફેબ્રુઆરી મહિનામાં દિવસો ઓછા હોવાનું આપવામાં આવ્યું હતું.
વર્ષના પ્રથમ 11-મહિના દરમિયાન એસઆઈપી સ્ટોપેજ રેશિયો 56 ટકા પર જોવા મળ્યો હતો. એસઆઈપી સ્ટોપેજ રેશિયો એટલે નવા ઓપન થતાં એસઆઈપી એકાઉન્ટ્સ સામે બંધ થતાં એસઆઈપી એકાઉન્ટનો રેશિયો. જેને એસઆઈપી ક્લોઝર રેશિયો પણ ગણવામાં આવે છે. 2021-22માં તે 41 ટકા પર જોવા મળતો હતો. એસઆઈપી સ્ટોપેજ રેશિયોમાં વૃદ્ધિનું કારણ નવા એસઆઈપી રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો હોવાનું વર્તુળો જણાવે છે. ઉદ્યોગ વર્તુળો તથા એમએફ ડિસ્ટ્રીબ્યુટર્સ એસઆઈપી રજિસ્ટ્રેશનમાં ઘટાડા માટે ત્રણ બાબતોને જવાબદાર ઠેરવે છે. એક તો વ્યાજ દરમાં વૃદ્ધિ પાછળ ભારતીય પરિવારની રોકાણયોગ્ય સરપ્લસમાં ઘટાડો અને બીજો ઊંચો ફુગાવો જવાબદાર છે. ઉપરાંત, શેરબજારમાં ઊંચી વોલેટિલિટીને કારણે પણ સેન્ટીમેન્ટ પર અસર પડી હતી. છેલ્લાં 18 મહિનાથી મોટાભાગની એમએફ સ્કિમ્સે નબળું વળતર આપ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઓક્ટોબર 2021માં તેની ટોચ બનાવ્યાં બાદ છેલ્લાં દોઢ વર્ષોમાં 16000-18000ની રેંજમાં અથડાતો જોવા મળ્યો છે. છેલ્લાં 18-મહિનામાં નિફ્ટી 4.5 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. ભારતીય બજારમાં ઊંચા વેલ્યૂએશન્સને કારણે વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી પણ વેચવાલી જોવા મળી હતી. ઉપરાંત, વૈશ્વિક સ્તરે રેટમાં વૃદ્ધિને કારણે પણ આઉટફ્લો જોવા મળ્યો હતો. અદાણી જૂથને લઈ હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ તથા યુએસ અને યુરોપ ખાતે બેંકિંગ કટોકટીને જોતાં રોકાણકારો બજારમાં નવા રોકાણમાં સાવચેતી દાખવી રહ્યાં હોવાનું તેઓ જણાવે છે.
નાણા વર્ષના છેલ્લાં કેટલાંક મહિનાઓમાં એસઆઈપી ક્લોઝર રેશિયોમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. એમ્ફીના ડેટા મુજબ છેલ્લાં ત્રણ મહિનાઓમાં તે 68 ટકા પર રહ્યો હતો. જે 27-મહિનાઓમાં સૌથી ઊંચો હતો. ગયા મહિને એસઆઈપી એકાઉન્ટ્સમાં રૂ. 5700 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. રોકાણકારોએ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં જોકે એસઆઈપી મારફતે ઊંચી રકમ ઠાલવવાનું જાળવ્યું છે. છેલ્લાં 12-મહિનાઓમાં એસઆઈપી મારફતે માસિક ધોરણે રૂ. 10 હજાર કરોડથી વધુ રકમ જોવા મળી છે.
સેબીએ MFને એકથી વધુ ESG-બેઝ્ડ સ્કિમ્સ લોંચ માટે છૂટ આપી
વૈશ્વિક સ્તરે ઈએસજી પરિબળો આધારિત રોકાણ વેગ પકડી રહ્યું છે ત્યારે ભારતમાં તેને ઈન્સેન્ટીવાઈઝ કરવામાં આવી રહ્યું છે
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ભારતમાં મ્યુચ્યુલ ફંડ્સ મારફતે ઈએસજી પરિબળો આધારિત રોકાણને વેગ આપવા માટે કેટલાંક ઉપાયો જાહેર કર્યાં છે. જેને કારણે મ્યુચ્યુલ ફંડ ગૃહો ઈએસજી આધારિત એકથી વધુ સ્કિમ લોંચ કરી શકે છે.
ઈએસજી-એન્વાર્ન્મેન્ટલ, સોશ્યલ અને ગવર્નન્સ- પરિબળો આધારિત રોકાણ હાલમાં વિશ્વભરમાં વેગ પકડી રહ્યું છે, ત્યારે ભારતીય નીતિઘડવૈયાઓ પણ સસ્ટેનેબલ ઈન્વેસ્ટીંગને ઈન્સેન્ટીવાઈઝ કરી રહ્યાં છે. મિસ-સેલીંગ અને ગ્રીનવોશિંગના જોખમને અટકાવવા તથા રિપોર્ટિંગની જરૂરિયાતને વ્યાપક બનાવવા અને ઈએસજી ઈન્વેસ્ટીંગને પ્રોત્સાહન આપવા સેબીએ ગુરુવારે કેટલીક ચાવીરૂપ જાહેરાતો રી હતી. જે મ્યુચ્યુલ ફંડ્સ પર અસર કરે તેવી અપેક્ષા છે. મ્યુચ્યુલ ફંડ સ્કિમ્સમાં કેટેગરાઈઝેશનના નિયમો મુજબ ઈએસજી સ્કિમ્સને થિમેટીક ફંડ્સ તરીકે ગણનામાં લેવાય છે. હાલમાં ફંડ હાઉસિસને માત્ર એક ઈએસજી સ્કિમ લોંચ કરવાની છૂટ છે. હવે રેગ્યુલેટરે ઈએસજી-સંબંધિત પરિબળો આધારિત બહુવિધ સ્કિમ્સ લોંચ કરવાની છૂટ આપતાં રોકાણકારો પાસે આ સ્પેસમાં તેમની જરૂરિયાતોમાં બંધ બેસે તે રીતે રોકાણના વધુ વિકલ્પો પ્રાપ્ય બનશે.
હાલમાં દેશમાં કુલ 10 ઈએસજી સ્કિમ્સ ચાલુ છે. જે રૂ. 10,216 કરોડની એસેટ મેનેજ કરે છે. 28 માર્ચ, 2023ના રોજ પૂરા થતાં ત્રણ વર્ષમાં ઈએસજી સ્કીમ્સે 21.47 ટકાનું વળતર આપ્યું હતું. ઈએસજી ફંડ્સ એન્વાર્ન્મેન્ટલ, સોશ્યલ અને ગવર્નન્સ પરિબળોમાં ઊંચો સ્કોર ધરાવતી કંપનીઓમાં રોકાણ કરતાં હોય છે. ટોબેકો, લિકર અને ગેમ્બલિંગ સાથે જોડાયેલી કંપનીઓને ઈએસજી ફ્રેમવર્કમાં સ્પષ્ટપણે રોકાણ પર મનાઈ હોય છે. ભારતમાં ઈએસજી સ્કિમ્સ મર્યાદિત ટ્રેક રેકર્ડ ધરાવે છે. જોકે, ઈએસબી-બેઝ્ડ પોર્ટફોલિયોઝમાં તમામ સેક્ટર્સ અને તમામ સાઈઝની કંપનીઓનો સમાવેશ થતો હોય છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
લ્યુપિનઃ યુએસ ડ્રગ રેગ્યુલેટર એફડીએએ ભારતીય ફાર્મા કંપનીના પિથમપુર યુનિટ-2ને લઈને ફૂડ એક્ટ વાયોલેશન બદલ ફોર્મ 483 ઈસ્યુ કર્યું છે. જેમાં તેણે 10 ઓબ્ઝર્વેશન્સ નોંધ્યાં છે. જેની પાછળ લ્યુપિનના શેરમાં શુક્રવારે વેચવાલી જોવા મળી હતી અને તે 4 ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો.
શ્રીરામ ફાઈનાન્સઃ અગાઉ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ તરીકે જાણીતી કંપનીએ જાપાનની MUFG બેંક પાસેથી 15 કરોડ ડોલર ઊભા કર્યાં છે. તેણે સિનિયર સિક્યોર્ડ ફ્લોટિંગ રેટ્સ નોટના પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે આ ફંડ ઊભું કર્યું છે. 2026માં પાકતી નોટ્સ સિક્યોર્ડ ઓવરનાઈટ ફાઈનાન્સિંગ રેટ કરતાં 225 બેસીસ પોઈન્ટ પ્રિમીયમ ધરાવે છે.
ઝાયડસ વેલનેસઃ કંપનીના પ્રમોટર્સે ઓપન માર્કેટમાંથી કંપનીના શેર્સ ખરીદી તેમનો હિસ્સો 66.5 ટકા કર્યો છે. જે એક ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. 27 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં પ્રમોટર્સે રૂ. 103 કરોડના મૂલ્યના 6.9 લાખ શેર્સની ખરીદી કરી છે. તેણે સરેરાશ રૂ. 1495 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરી છે.
એચયૂએલઃ એફએમસીજી જાયન્ટે તેની વિવિધ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવા સાથે તેના વજનમાં વધારો કર્યો છે. તેણે ભાવમાં 10-25 ટકાની રેંજમાં ઘટાડો કર્યો છે. જ્યારે ગ્રામેજમાં 17-25 ટકાની રેંજમાં વધારો કર્યો છે. રો-મટિરિયલ્સના ભાવમાં ઘટાડાને કારણે કંપનીએ આમ કર્યું છે.
સિન્ટેક્સઃ પાણીની ટાંકી બનાવતી કંપનીને વેલસ્પન જૂથે રૂ. 1251 કરોડમાં ખરીદી લીધી છે. વેલસ્પને તેના બિલ્ડીંગ મટિરિયલ પોર્ટફોલિયોના વિસ્તરણને ધ્યાનમાં લઈ આ ખરીદી કરી છે. સિન્ટેક્સની બ્રાન્ડ વેલ્યૂને જોતાં આ ખરીદ સ્ટ્રેટેજિક હોવાનું જૂથ માને છે.
અનએકેડેમીઃ એડટેક કંપનીએ છેલ્લાં એક વર્ષમાં ચોથા જોબ કટ રાઉન્ડમાં વધુ 380 કર્મચારીઓની છટણી કરી છે. જે કંપનીના વર્તમાન કર્મચારીનો 12 ટકા હિસ્સો સૂચવે છે. નવી છટણી સાથે કંપનીની કર્મચારી સંખ્યા 2022ની શરૂમાં 6000 પરથી ગગડી 3000ની નીચે આવી ગઈ છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ કોલ મંત્રાલયે છત્તીસગઢ અને ઝારખંડમાં બે કોલ માઈન્સના ઓક્શન માટે જેસડબલ્યુ સ્ટીલને પસંદગીના બીડર તરીકે જાહેર કરી છે.
બીઈએલઃ પીએસયૂ સાહસ સાથે ડિફેન્સ મંત્રાલયે કુલ 10 કોન્ટ્રેક્ટ્સ સાઈન કર્યાં છે. જેનું કુલ મૂલ્ય રૂ. 5498 કરોડ થવા જાય છે. આ તમામ કોન્ટ્રેક્ટ્સ ભારતીય સશસ્ત્ર દળોને સપ્લાય સાથે જોડાયેલા છે.
કિર્લોસ્કર ફેરસઃ કંપનીએ કર્ણાટક સ્થિત કોક ઓવેન પ્લાન્ટના બીજા તબક્કા સાથે જોડાયેલા 20 મેગાવોટના પાવર પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો છે.
તાતા પાવરઃ તાતા જૂથની કંપની તમિલનાડુમાં તિરુનેલવેલી ખાતે 4 ગીગાવોટની ક્ષમતા સાથેના સોલાર સેલ તથા મોડ્યૂલ્સ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના કરી રહી છે.
કોચીન શીપયાર્ડઃ પીએસયૂ શીપબિલ્ડિંગ કંપનીએ નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસેલ્સના બાંધકામ માટે ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે. આ કોન્ટ્રેક્ટનું કુલ મૂલ્ય રૂ. 9804.98 કરોડ થવા જાય છે.
ભારત ડાયનેમિક્સઃ ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી પીએસયૂ કંપનીએ આર્મીની ત્રીજી અને ચોથી રેમિમેન્ટ્સ માટે આકાશ વેપન સિસ્ટમ્સ માટેનો ઓર્ડર મેળવ્યો છે. જેનું કુલ મૂલ્ય રૂ. 8161 કરોડ જેટલું થાય છે.