Market Summary 31/05/2023

શેરબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગના સંકેત
વૈશ્વિક બજારોમાં પણ નરમ અન્ડરટોન
ઈન્ડિયા વિક્સ 12ના સ્તર નીચે ઉતરી ગયો
ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટીમાં મજબૂતી
એનર્જી, બેંકિંગ, મેટલમાં વેચવાલી
બ્રોડ માર્કેટમાં પણ ખરીદીનો અભાવ
ટોરેન્ટ ફાર્મા 7 ટકા ઉછળી નવી ટોચે

ભારતીય શેરબજારમાં લગભગ બે મહિનાની તેજી પછી બુધવારે પ્રોફિટ બુકિંગના સંકેતો સાંપડ્યા હતાં. ઈન્ટ્રા-ડે ઝડપી વધ-ઘટ વચ્ચે બેન્ચમાર્ક્સ અડધાં ટકાથી વધુ ઘટાડે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 347 પોઈન્ટ્સ ઘટી 62622ની સપાટીએ જ્યારે નિફ્ટી 99 પોઈન્ટ્સ ગગડી 18534ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ કુલ 3653 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1871 કાઉન્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે 1652 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 172 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. જ્યારે 38 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ સાધારણ નરમાઈ સાથે 12ના સ્તરની નીચે ઉતરી ગયો હતો.
બુધવારે ભારતીય બજારની શરૂઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. એશિયાઈ બજારોમાં સાર્વત્રિક નરમાઈ પાછળ બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18634ના બંધ સામે 18594ની સપાટીએ ખૂલી ઉપરમાં 18604 પર ટ્રેડ થઈ 18484ના તળિયા પર જોવા મળ્યો હતો. જોકે, બંધની રીતે તેણે 18500ની સપાટી જાળવી હતી. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 89 પોઈન્ટ્સ પ્રિમિયમ સાથે 18623ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 86 પોઈન્ટ્સના પ્રિમિયમ સામે સહેજ સુધારો દર્શાવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનનું લિક્વિડેશન થયું હોય તેમ જણાતું નથી. જેને જોતાં બજાર આગામી સત્રોમાં કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. 18500ની સપાટી પર તે પોઝીટીવ ટ્રેન્ડ જાળવી શકે છે અને નજીકમાં જ નવી ટોચ દર્શાવે તેવી શક્યતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. જોકે, વૈશ્વિક બજારોની સ્થિતિ મહત્વની બની રહેશે. બુધવારે નિફ્ટીને સપોર્ટ આપવામાં ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેંક, બ્રિટાનિયા, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, તાતા મોટર્સ, એચડીએફસી લાઈફ, તાતા કન્ઝ્યૂમર્સ વગેરેનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઓએનજીસી, એક્સિસ બેંક, એસબીઆઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, હિંદાલ્કો, એનટીપીસી, એચડીએફસી બેંક, કોલ ઈન્ડિયા અને જેએસડબલ્યુ સ્ટીલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ફાર્મા, એફએમસીજી, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એનર્જી, બેંકિંગ, મેટલમાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.6 ટકા સુધારો દર્શાવતો હતો. જેને સપોર્ટ આપવામાં ટોરેન્ટ ફાર્મા અગ્રણી હતો. સારા પરિણામો પાછળ શેર 7 ટકા ઉછળી નવી ટોચે ટ્રેડ થયો હતો. આ ઉપરાંત સન ફાર્મા, બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, લ્યુપિનમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ નવી ટોચ બનાવવા સાથે 51 હજારની સપાટી કૂદાવી ગયો હતો. ઈન્ડેક્સના ઘટકોમાં વરુણ બેવરેજીસ 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત યુનાઈટેડ સ્પિરિટ્સ, બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયા, નેસ્લેમાં પણ સુધારો જોવા મળતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ટોરેન્ટ ફાર્મા સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ડિક્સોન ટેક્નોલોજી, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, કોફોર્જ, એસ્કોર્ટ્સ કુબોટા, કેન ફિન હોમ્સ, એબીબી ઈન્ડિયા, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝમાં નોઁધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, વેદાંત, ઓએનજીસી, એક્સિસ બેંક, એસબીઆઈ, એલઆઈસી હાઉસિંગ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, અતુલ, ઈન્ડસ ટાવર્સ, હિંદાલ્કો, પોલીકેબ, અંબુજા સિમેન્ટ્સ અને એનટીપીસીમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી.

યુએસ ડેટ સિલીંગ ડિલને લઈ ચિંતા વચ્ચે ક્રૂડમાં કડાકો

યુએસ ખાતે કેટલાંક રિપબ્લિકન સાંસદો તરફથી ડેટ સિલિંગ ડિલનો વિરોધ કરવાના કારણે ફરીથી ઊભી થયેલી ચિંતા વચ્ચે ક્રૂડના ભાવમાં બે ટ્રેડિંગ સત્રોમાં તીવ્ર ઘટાડો બોલાઈ ગયો છે. બુધવારે બ્રેન્ટ ઓઈલ વાયદો લગભગ ત્રણ ટકા ઘટાડે 72 ડોલરની નીચે ઉતરી ગયો હતો. જ્યારે ડબલ્યૂટીઆઈ લાઈટ ક્રૂડ વાયદો પણ 3 ટકા ઘટાડે 67 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. મંગળવારે ક્રૂડના ભાવમાં લગભગ 4 ટકા નરમાઈ જોવા મળી હતી. આમ બે સત્રોમાં મળીને ક્રૂડના ભાવ 7-8 ટકા જેટલાં તૂટી ચૂક્યાં છે. ડીલને લઈને જોકે હાઉસમાં રિપબ્લિકન પાર્ટીના પ્રતિનિધિ કેવિન મેક્કાર્થી આશાવાદી છે. બિડેન અને મેક્કાર્થી વચ્ચે ગયા સપ્તાહાંતે એગ્રીમેન્ટ થયો હતો. જ્યાર પછી બજારોમાં મજબૂતી જોવા મળી હતી. જોકે, આશાવાદ અલ્પજિવી નીવડ્યો હતો અને મંગળવારથી માર્કેટ્સ ફરી નરમાઈ તરફી બન્યાં હતાં.
ડેટ સિલીંગને લઈને ફરીથી ચિંતા પાછળ ડોલરમાં નરમાઈ વચ્ચે બુધવારે ગોલ્ડ-સિલ્વરમાં બપોર પછી સુધારો જોવા મળ્યો હતો. કોમેક્સ ગોલ્ડ 5 ડોલરના સુધારે 1882 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું. જ્યારે સિલ્વર પોણા ટકા સુધારા સાથે 23.39 ડોલર પર ટ્રેડ થઈ રહી હતી. જોકે બેઝ મેટલ્સમાં નરમાઈ જોવા મળતી હતી. જેમાં લંડન કોપર એક ટકો ડાઉન હતું. એગ્રી પ્રોડક્ટ્સમાં ઘઉં, મકાઈ, સોયાબિન, સુગરના ભાવમાં પણ નોંધપાત્ર નરમાઈ જોવા મળી રહી હતી.
ક્રૂડમાં ઘટાડાનું એક કારણ ઓપેક તથા અન્ય ક્રૂડ ઉત્પાદક દેશો વચ્ચે વધી રહેલાં મતભેદો પણ જવાબદાર હતાં. સાઉદી અરેબિયાના એનર્જી પ્રધાને ગયા સપ્તાહે શોર્ટ સેલર્સને ચેતવતાં જણાવ્યું હતું કે ઓપેક તથા અન્યો તરફથી ક્રૂડ ઉત્પાદન ઘટાડવાની શક્યતાં પાછળ ભાવ ‘વોચ આઉટ’માં જોવા મળી શકે છે. જોકે, વિશ્વમાં ક્રૂડના ત્રીજા સૌથી મોટા ઉત્પાદક રશિયા તરફથી ક્રૂડ ઉત્પાદનને જાળવી રાખવાના સંકેતો પાઠવવામાં આવ્યાં હતાં. જેની પાછળ ક્રૂડમાં નરમાઈ જોવા મળી હતી.

પ્રાઈવેટ વોલેટ્સને ક્રિપ્ટો ટ્રાન્સફર્સ માટે ઓળખ આપવી પડશે
ગેરકાયદે થતાં ક્રિપ્ટો કરન્સિઝના ટ્રાન્સફરને અટકાવવા માટે લેવામાં આવી રહેલું પગલું

મની લોન્ડરર્સ તરફથી ક્રિપ્ટો કરન્સિઝની વિશ્વભરમાં બેરોકટોક થતી ટ્રાન્સફર હવે પૂરી થવામાં છે. ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જિસ એક એવો કાયદો બનાવી રહ્યાં છે જેમાં કરન્સિ મોકલનાર પ્રાઈવેટ વોલેટ માલિકની માહિતી આપ્યાં પછી જ તેને ક્રિપ્ટોની ટ્રાન્સફર કરી શકશે. ક્રિપ્ટો ટ્રેડમાં જ્યાં સુધી ખરીદાર અને વેચાણકાર સ્થાનિક એક્સચેન્જિસના ક્લાયન્ટ્સ છે ત્યાં સુધી તેમની ઓળખ જાહેર હોય છે. કેમકે એક્સચેન્જિસ તરફથી નો-યોર-કસ્ટમર પ્રોસેસ કરવામાં આવેલી હોય છે. જોકે, પ્રાઈવેટ વોલેટની માલિકી કોની છે તે જાણવા માટે કોઈ પ્રક્રિયા અસ્તિત્વમાં નથી. કે પછી ભારતીય પ્લેટફોર્મના વોલેટમાં રહેલાં ક્રિપ્ટોને વિશ્વમાં અન્યત્ર રહેલા પ્રાઈવેટ વોલેટ કે જેનો માલિક કોઈ વિદેશી હશે તેની ઓળખ માટેનું કોઈ રેગ્યુલેશન પણ અસ્તિત્વમાં નથી. જોકે, નવો નિયમ અમલી બન્યાં પછી પ્રાઈવેટ વોલેટમાં ક્રિપ્ટો મેળવનાર રિસિપિઅન્ટ્સની વિગતો જાણવા મળશે. જે મની લોન્ડરિંગ પર અંકુશ લાવશે.
એક ટોચના ક્રિપ્ટો પ્લેટફોર્મના અધિકારીએ જણાવ્યા મુજબ હાલમાં કયા પ્રકારનું આઈડી લેવું. કેવી રીતે તેને પૂરું પાડવું તેમજ આઈડીની ખરાઈ માટે એક્સચેન્જિસે શું કરવું તેને લઈને ચર્ચા-વિચારણા ચાલી રહી છે. તેમના મતે ક્રિપ્ટોને મોકલનાર માણસ સ્વાભાવિકપણે જ જાણતો હશે કે તે કોને મોકલી રહ્યો છે તેમજ જો નહિ જાણતો હોય તો તેને લઈને જાણી શકવાની સ્થિતિમાં હોય છે જ આમ પ્રસ્તાવિત નિયમ પ્લેટફોર્મ્સને નિયમના પાલનમાંથી છટકવાની કોઈ તક આપશે નહિ. એક અગ્રણી કાનૂનીવિદના જણાવ્યા મુજબ હાલમાં ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ સરકારી એજન્સીઓની તપાસનું કેન્દ્ર બન્યાં છે. જ્યાં યુઝર્સ બહારના અજાણ્યાં વોલેટ સરનામા પર શંકાસ્પદ વિથ્ડ્રોઅલ્સ હાથ ધરતો હોય છે. તપાસને પરિણામે તેમના બેંક એકાઉન્ટ્સ પણ ફ્રિઝ થઈ શકે છે. જેનું નુકસાન પ્લેટફોર્મ અને તેના અન્ય યુઝર્સને પણ થઈ શકે છે.

સેબીની મ્યુચ્યુલ ફંડ સેક્ટરને એથિક્સ કમિટી રચવા માટે ટકોર
સેબી ચેરમેને એમએફ સેક્ટરની બોડી એમ્ફીને વ્યક્તિગત વ્યવહાર પર અંકુશ માટે કરેલો અનુરોધ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ભારતીય મ્યુચ્યુલ ફંડ સેક્ટરને એથિક્સ કમિટીની રચના કરવા માટે સૂચન કર્યું છે. સેબી ચેરમેન માધવી પૂરી બૂચે જણાવ્યું હતું કે આ પગલું હાલમાં રૂ. 40 લાખ કરોડના એસેટ અન્ડર મેનેજમેન્ટથી રૂ. 100 લાખ કરોડના એયૂએમ સુધી પહોંચવા માટેની સફર માટે જરૂરી પગલાઓમાંનું એક હશે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઓફ ઈન્ડિયાની નવી ઓફિસના ઉદઘાટન પ્રસંગે માધવી પુરી બૂચે મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગની ખૂબ પ્રસંશા કરી હતી. જોકે, સાથે એથિક્સ કમિટીની રચના માટેની ટકોર પણ કરી હતી. બૂચે જણાવ્યું હતું કે ભારતીયોએ શેરબજારમાં રોકાણ માટે મોટા પ્રમાણમાં મ્યુચ્યુલ ફંડ્સ માધ્યમનો એક વેહીકલ તરીકે ઉપયોગ કર્યો છે. તેઓ ફંડ્સમાં રોકાણ મારફતે અર્થતંત્રમાં ઈન્વેસ્ટ કરી દેશની વૃદ્ધિમાં ભાગીદાર બની રહ્યાં છે. જોકે, વર્ષોના પ્રયત્નો પછી બનેલા મજબૂત પાયા પર એક સુપરસ્ટ્રક્ચર બનાવવા માટે વ્યક્તિગત વ્યવહાર પર નિયંત્રણ મૂકાવું જરૂરી છે. જ્યાં એમ્ફી માટે એથિક્સ કમિટી મહત્વની બની જાય છે. તેમણે ઉમેર્યું હતું કે એમએફ ઉદ્યોગને એકમાત્ર જોખમ વ્યક્તિગત વ્યવહારથી રહેલું છે. તે જ્યારે ઊંચા સ્તરે પહોંચી જાય છે ત્યારે કમનસીબે રેગ્યુલેટર પાસે હથોડા ઘા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો હોતો નથી. સેલ્ફ-રેગ્યુલેશનના મહત્વ વિશે જણાવતાં બૂચે ઉમેર્યું હતું કે સેબીએ આ દિશામાં કેટલાંક પગલાં ભર્યાં છે અને સેક્ટરને વધુ મોકળાશ પૂરી પાડવા માટે આગળ પણ તેમ કરી રહેશે. અન્ય શબ્દોમાં તેણીએ જણાવ્યું હતું કે એમએફ સેક્ટર મોટાભાગના રેગ્યુલેશનનું પાલન આપમેળે જ કરે તે શ્રેષ્ઠ છે. આમ કરવાથી સેબીએ નવા નિયમો ઘડવાની જરુર રહે નહિ જે માત્ર ગુનેગારને જ નહિ પરંતુ સમગ્ર ઉદ્યોગ પર અસરકર્તા હોય. તેણીએ ઉપસ્થિત એમએફ ફંડ હાઉસિસના વડાઓને યાદ અપાવતાં જણાવ્યું હતું કે અનેક રાઉન્ડ્સની મંત્રણા પછી માર્ચ 2023માં સ્પોન્સર રહિત ફંડ હાઉસિસ અને નવા પ્રકારના સ્પોન્સર્સને છૂટ આપવાનો નિર્ણય એમએફ ઉદ્યોગ માટે ઉદારીકરણની દિશાનો હતો. એમ્ફી એક સ્વૈચ્છિક નિયમન ધરાવતી સંસ્થા નથી એવી સ્પષ્ટતા સાથે બૂચે ઉમેર્યું હતું કે એમ્ફી મારફતે મ્યુચ્યુલ ફંડ્સે માર્કેટમાં ગેરરિતી આચરતાં વ્યક્તિઓ સામે પગલાં માટેના ઉપાયો શોધવા જોઈએ. સેબીએ સપ્તાહ અગાઉ જ ફંડ હાઉસિસમાં ગેરરિતીને અટકાવવા માટે આંતરિક યંત્રણા ઊભી કરવા માટે કન્સલ્ટેશન પેપર રજૂ કર્યાંના સપ્તાહમાં જ બૂચ તરફથી ટિપ્પણી કરવામાં આવી છે.

સેબીએ ‘હાઈ રિસ્ક’ FPIs સંબંધી અધિક ઓઉનરશીપ ડિસ્ક્લોઝર્સ માટે કન્સલ્ટેશન પેપર રજૂ કર્યું
એક જ કોર્પોરેટ જૂથ અથવા એક જ કંપનીમાં ઈક્વિટી એયૂએમનો 50 ટકા કે તેથી વધુ હિસ્સો ધરાવતી એફપીઆઈને હાઈ-રિસ્ક એફપીઆઈ ગણવામાં આવે છે

માર્કેટ રેગ્યુલેટર સેબીએ કેટલાંક વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPIs) માટે અધિક ડિસ્ક્લોઝર્સને ફરજિયાત બનાવતાં કન્સલ્ટેશન પેપરને રજૂ કર્યું છે. આ પેપરનો હેતુ મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોના ભંગને અટકાવવાનો તથા ભારતીય કંપનીઓના તકવાદી ટેકઓવર માટે એફપીઆઈ રૂટના સંભવિત દૂરૂપયોગને અટકાવવાનો છે.
સેબીનું કન્સલ્ટેશન પેપર જણાવે છે કે માત્ર હેતુપૂર્વક ઓળખી કાઢવામાં આવેલી હાઈ-રિસ્ક એફપીઆઈ, કે જે એક જ ગ્રૂપની ઇક્વિટીમાં ઊંચું એક્સપોઝર અથવા નોંધપાત્ર ઈક્વિટી હોલ્ડિંગ્સ ધરાવે છે, તેને આવા ફંડ્સના અંકુશ, આર્થિક હિતો અને માલિકી સંબંધી વધારાના ડિસ્ક્લોઝર્સ આપવાના રહેશે. પ્રસ્તાવ મુજબ હવેથી ઈક્વિટી એસેટ અન્ડર મેનેજમેન્ટનો 50 ટકાથી વધુ હિસ્સો એક જ કોર્પોરેશન ગ્રૂપમાં હોય તેવી હાઈ-રિસ્ક એફપીઆઈએ અધિક ડિસ્ક્લોઝર્સ માટેની જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે. જેમાં તમામ નેચરલ પર્સન્સ અને/અથવા પબ્લિક રિટેલ ફંડ્સ અથવા લાર્જ પબ્લિક લિસ્ટેડ કંપનીઓ સુધીનો સમાવેશ થશે. સેબીના પેપર મુજબ કેટલીક એફપીઆઈ તેમના ઈક્વિટી પોર્ટફોલિયોનો નોંધપાત્ર હિસ્સો એક જ કંપની અથવા ગ્રૂપમાં ધરાવતી હોય તેમ માલૂમ પડ્યું છે. કેટલાંક કિસ્સામાં તો આવું કોન્સ્ટ્રેટેડ હોલ્ડિંગ્સ લાંબા સમયગાળાથી સ્થિર સ્તરે જોવા મળ્યું છે. આ પ્રકારનું કોન્સ્ટ્રેટેડ હોલ્ડિંગ્સ આવા કોર્પોરેટ જૂથના પ્રમોટર્સ અથવા તેમની સાથે મળીને કામ કરતાં રોકાણકારો એફપીઆઈ રૂટનો ઉપયોગ કરી મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ(MPS) જેવી નિયમનકારી જરૂરિયાતોને બાયપાસ કરી રહ્યાં છે. જો આમ હોય તો, લિસ્ટેડ કંપનીમાં જોવા મળતો ફ્રી ફ્લોટ એ વાસ્તવિક ફ્રિ ફ્લોટ નથી. જે આવી સ્ક્રિપ્સના ભાવમાં ગેરરિતીનું જોખમ વધારે છે એમ પેપર ઉમેરે છે.
આ ઉપરાંત સેબીએ ભારતીય ઈક્વિટી બજારમાં રૂ. 25 હજાર કરોડથી વધુનું સમગ્રતયા હોલ્ડિંગ ધરાવતાં વર્તમાન હાઈ-રિસ્ક એફપીઆઈ માટે છ મહિનામાં વધારાની ગ્રેન્યૂલર ડિસ્ક્લોઝર જરૂરિયાતોના પાલનનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમ કરવામાં નિષ્ફળ જવાથી એફપીઆઈએ ચોક્કસ સમય મર્યાદામાં તેના એયૂએમને રૂ. 25000 કરોડથી નીચે લાવવાનું રહેશે. સેબીએ સરકાર અને સરકાર-સંબંધી કંપનીઓ જેવીકે સેન્ટ્રલ બેંક્સ, સોવરિન વેલ્થ ફંડ્સ વગેરેને લો-રિસ્ક એફપીઆઈ તરીકે વર્ગીકૃત કરી છે. કેમકે તેમની માલિકી જે-તે દેશની સરકારની હોય છે. પેન્શન ફંડ્સ અથવા પબ્લિક રિટેલફંડ્સને મોડરેટ-રિસ્ક ફંડ્સ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. જ્યારે જે એફપીઆઈ ઉપરોક્ત માપદંડમાં બંધ નથી બેસતી તેને હાઈ-રિસ્ક એફપીઆઈ ગણાવવામાં આવી છે.

FII, PMLA નિયમોમાં રહેલા છીંડા ભરવા FPI માટે માલિકી સંબંધી ડિસ્ક્લોઝરનો પ્રસ્તાવ

સેબી તરફથી હાઈ-રિસ્ક ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPIs) તરફથી માલિકી(ઓઉનરશીપ) માટેની વિગતો અંગેના અધિક ડિસ્ક્લોઝર્સની માગણી કરતાં તાજા કન્સલ્ટેશન પેપરનો હેતુ પ્રિવેન્શન ઓફ મની લોંડરિંગ એક્ટ(PMLA) તેમજ અલ્ટીમેટ બેનિફિશ્યરી ઓઉનરશીપ અંગેના વર્તમાન FII રેગ્યુલેશન્સમાં રહેલા છીંડાને ભરવાનો છે. રેગ્યુલેટરે તેના પ્રસ્તાવમાં એક જ કંપનીમાં 50 ટકા કરતાં વધુ ઈક્વિટી એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવતી હાઈ-રિસ્ક એફપીઆઈને તેની માલિકી અંગે કેટલીક વધુ વિગતો રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં ફંડની માલિકી ઉપરાંત તેમના આર્થિક હિતો અને આવા ફંડ પરનો અંકુશ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

વેદાંત-ફોક્સકોનના સંયુક્ત ચીપ સાહસ માટે સરકાર તરફથી ફંડીંગના ઈન્કારની શક્યતાં
અગ્રવાલે નવ મહિના અગાઉ કરેલી ચીપ પ્લાન્ટને લઈને ટેક્નોલોજી પાર્ટનર અથવા 28-મીમી ચીપ બનાવવા લાયન્સ મેન્યૂફેક્ચરિંગ-ગ્રેડ ટેક્નોલોજી મેળવવાની બાકી

વેદાંતના અનિલ અગ્રવાલ તરફથી દેશમાં સેમીકંડક્ટર્સ બનાવવા માટે 19 અબજ ડોલરના મહત્વાકાંક્ષી ચીપ સાહસ માટે એક ફટકારૂપ ઘટનામાં પ્લાન્ટ માટે મહત્વનું ફંડીંગ આપવા માટે ભારત સરકાર ઈન્કાર કરે તેવી શક્યતાં છે.
અગ્રવાલની વેદાંત રિસોર્સિઝ લિમિટેડ અને તાઈવાનની હોન હાઈ પ્રિસિઝન ઈન્ડસ્ટ્રી વચ્ચેના સંયુક્ત સાહસને 28-નેનોમીટર ચિપ્સ બનાવવા માટે ઈન્સેન્ટીવ્સ નહિ મળે તેમ સરકાર તરફથી જણાવવામાં આવે તેવી શક્યતાં હોવાનું વર્તુળોનું કહેવું છે. સંયુક્ત સાહસે સરકાર પાસેથી અબજો ડોલરની સહાય માટે અરજી કરી હતી. જોકે, સરકાર તરફથી નિર્ધારિત કરવામાં આવેલા માપદંડનું તે પાલન કરી રહ્યું નથી. વેદાંત અને હોન હોઈ ફરીવાર અરજી કરી શકે છે. જોકે ઈન્કારનો અર્થ ભારતમાં પ્રથમ મોટા ચીપ ઉત્પાદક એકમની સ્થાપનાના અગ્રવાલની મહત્વાકાંક્ષામાં વિલંબ એવો થાય છે. ખાસ કરીને જ્યારે તેમનું મેટલ્સ અને માઈનીંગ બિઝનેસિસ ભારે ડેટ બોજને ઘટાડવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. અગ્રવાલે લગભગ નવ મહિના અગાઉ દેશમાં સિલિકોન વેલી ઊભી કરવાના ઈરાદે ચીપ પ્લાન્ટ માટે ભાગીદારીની જાહેરાત કરી હતી. જોકે, હજુ ચીપ પ્રોજેક્ટને લઈને ટેક્નોલોજી પાર્ટનર અથવા 28-મીમી ચિપ્સ માટે લાયન્સ મેન્યૂફેક્ચરિંગ-ગ્રેડ ટેક્નોલોજી મેળવવાની બાકી છે એમ વર્તુળો જણાવે છે. સરકારની સહાયતા મેળવવા માટે આ બેમાંથી ઓછામાં ઓછી એક બાબત જરૂરી છે એમ વર્તુળો ઉમેરે છે. વેદાંતા કે પછી વિશ્વમાં ઓઈફોન્સની સૌથી મોટી ઉત્પાદક હોન હાઈ ચીપ ઉત્પાદનનો કોઈ નોંધપાત્ર અનુભવ ધરાવતાં નથી. પ્રોડક્શન-રેડી ટેક્નોલોજી મેળવવામાં તેમને નડી રહેલી મુશ્કેલી સૂચવે છે કે નવો સેમીકંડક્ટર પ્લાન્ટ્સ સ્થાપવો કેટલી કઠિન બાબત છે. વેદાંતના પ્રતિનિધિએ જણાવ્યા મુજબ કંપની સરકારને કરેલી અરજીના પ્રતિભાવની પ્રતિક્ષા કરી રહી છે. જ્યારે ફોક્સકોન તરીકે જાણીતી હોન હાઈએ ઈમેઈલનો કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. ભારત સરકારે દેશમાં ચીપ ઉત્પાદકોને આકર્ષવા માટે 10 અબજ ડોલરની રાહતોની જાહેરાતો કરી છે. તેણે તમામ સેમીકંડક્ટર્સ સાઈટ્સની સ્થાપના માટે થનારા તમામ ખર્ચનો 50 ટકા ખર્ચ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વેદાંતાએ અગાઉ જણાવ્યું હતું કે તેના પાર્ટનર હોન હાઈએ “પ્રોડક્શન-ગ્રેડ, હાઈ-વોલ્યુમ” 40 નેનોમીટર અને પ્રમાણમાં વધુ સોફેસ્ટીકેટેડ 28 નેનોમીટર ચિપ્સ માટે “ડેવલપમેન્ટ-ગ્રેડ” ટેક્નોલોજી મેળવી લીધી છે. જોકે, સરકાર તરફથી ફંડીંગ મેળવવા માટે તે પર્યાપ્ત નથી. કેમકે સાહસે વાસ્તવમાં 28 એનએમ ચીપ્સ બનાવવા માટે અરજી કરી હતી એમ વર્તુળો જણાવે છે.

સરકારે સેમીકંડક્ટર ઉત્પાદક યુનિટ માટે નવી અરજીઓ મંગાવી
ભારત સરકારે દેશમાં સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના માટે ઈન્સેન્ટિવ્સ ઈચ્છતી નવી અરજીઓ મંગાવી છે. વેદાંત રિસોર્સિઝ અને ફોક્સકોન વચ્ચેના સંયુક્ત સાહસને મહત્વાકાંક્ષી સરકારી મિશન હેઠળ લાભો આપવાના ઈન્કાર પછી આમ કરાયું છે. ISM(ઈન્ડિયા સેમીકંટક્ટર મિશન)એ બુધવારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે તે નવા અને વર્તમાન અરજદારો પાસેથી ફેબ્સ માટે નવી અરજી સ્વીકારવાનું શરૂ કરશે એમ કેન્દ્રિય પ્રધાન રાજીવ ચંદ્રશેખરને જણાવ્યું હતું. મોડીફાઈડ સેમીકોન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ 1 જૂનથી નવી અરજી કરી શકાશે. એપ્લિકેશન વિન્ડો ડિસેમ્બર 2024 સુધી ખૂલ્લી રહેશે. વેદાંત અને ફોક્સકોનનું જેવી પણ સરકારના માપદંડોને આધારે નવી અરજી ફાઈલ કરી શકે છે.

એપ્રિલમાં પી-નોટ ઈન્વેસ્ટમેન્ટ્સ રૂ. 95111 કરોડ સાથે 4-મહિનાની ટોચે
પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે ભારતીય મૂડી બજારમાં થતાં રોકાણમાં ફરીથી વૃદ્ધિ જોવા મળી રહી છે. નાણા વર્ષ 2023-24ના પ્રથમ મહિના એપ્રિલમાં પી-નોટ્સ મારફતે રૂ. 95,911 કરોડનું રોકાણ જોવા મળ્યું હતું. જે છેલ્લાં ચાર-મહિનાની ટોચ હતી એમ સેબી ડેટા સૂચવે છે. પી-નોટ્સ મારફતે દેશના શેરબજાર, ડેટ અને હાઈબ્રીડ સિક્યૂરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે. માર્ચમાં પી-નોટ્સ મારફતે રૂ. 88,600 કરોડનું રોકાણ જોવા મળ્યું હતું. આમ સતત બીજા મહિને પી-નોટ્સ મારફતે રોકાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. એપ્રિલમાં રૂ. 95,911 કરોડમાંથી રૂ. 86,226 કરોડનું રોકાણ ઈક્વિટીઝમાં કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ. 9586 કરોડનું રોકાણ ડેટમાં અને રૂ. 100 કરોડનું રોકાણ હાઈબ્રીડ સિક્યૂરિટીઝમાં કરાયું હતું.

Nvidiaએ 1 ટ્રિલીયન ડોલરનું માર્કેટ-કેપ પાર કર્યું
વિશ્વમાં સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી ચીપ ઉત્પાદક એનવિડિયાના શેરમાં સતત તીવ્ર ખરીદી પાછળ મંગળવારે કંપની 1 ટ્રિલીયન ડોલરનું માર્કેટ-કેપ પાર કરી ગઈ હતી. મંગળવારે કંપનીના માર્કેટ-કેપમાં 99 અબજ ડોલરની વૃદ્ધિ જોવા મળી હતી. ગયા ગુરુવારે કંપનીનો શેર 24 ટકાનો ઉછાળો નોંધાયો હતો. 2023માં કંપનીનો શેર 180 ટકાનો તીવ્ર ઉછાળો સૂચવી રહ્યો છે. જેની પાછળ નાસ્ડેક લિસ્ટેડ કંપનીનો શેર 1 ટ્રિલીયન ડોલર ક્લબમાં પ્રવેશ્યો છે. જે લાંબા સમયથી વિશ્વમાં સૌથી મોટી ચીપ ઉત્પાદક ઈન્ટેલના 114 અબજ ડોલરના વેલ્યૂએશન કરતાં નવ ગણુ વેલ્યૂએશન સૂચવે છે. એનવિડિયાએ જણાવ્યું હતું કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ એપ્લિકેશન્સની પાછળ ચીપની માગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જેની પાછળ શેરમાં લેવાલી નીકળી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

હેડલબર્ગ સિમેન્ટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 34.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 94 કરોડના પ્રોફિટ સામે 63 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 620 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 3 ટકા ગગડી રૂ. 602 કરોડ જોવા મળી હતી.
આરવીએનએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 359.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 378 કરોડના પ્રોફિટ સામે 5 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6437.5 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 11 ટકા ગગડી રૂ. 5720 કરોડ જોવા મળી હતી.
એચએલઈ ગ્લાસકોટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 22.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 23.3 કરોડના પ્રોફિટ સામે સાધારણ ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 249 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 298 કરોડ જોવા મળી હતી.
જમના ઓટોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 52 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 57 કરોડના પ્રોફિટ સામે 8 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 626 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 1.3 ટકા ગગડી રૂ. 634 કરોડ જોવા મળી હતી.
જ્યુબિલઅન્ટ ફાર્મોવાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 97.8 કરોડનો નેટ લોસ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 59.5 કરોડના નફા સામે તીવ્ર ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1514.4 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1660.9 કરોડ જોવા મળી હતી.
વિજયા ડાયગ્નોસ્ટીક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 27.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 23.9 કરોડના પ્રોફિટ સામે 10 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 116 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 121 કરોડ જોવા મળી હતી.
ઝી મિડિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 45.8 કરોડનો નેટ લોસ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 51.4 કરોડના લોસ સામે 10 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 248 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 147 કરોડ જોવા મળી હતી.
કોસ્મો ફર્સ્ટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 31.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 108.2 કરોડના પ્રોફિટ સામે 71 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક રૂ. 715 કરોડ રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage