બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ, નિફ્ટીએ 22500નું લેવલ પરત મેળવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.74 ટકા મજબૂતી સાથે 24.60ના સ્તરે બંધ
પીએસઈ, એનર્જી, બેંકિંગ, રિઅલ્ટી, મેટલમાં મજબૂતી
આઈટી, ઓટો, એફએમસીજીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નરમ
અદાણી પાવર, જિંદાલ સ્ટેનલેસ, બ્લ્યૂ સ્ટાર, એનસીસી, ઈમામી નવી ટોચે
બર્ગર પેઈન્ટ્સ, અતુલ, રામ્કો સિમેન્ટ્સ નવા તળિયે
અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં 13 ટકા સુધીનો ઉછાળો નોંધાયો
ભારતીય શેરબજારમાં ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ વચ્ચે શુક્રવારે પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. સપ્તાહના આખરી સત્રમાં સેન્સેક્સ 76 પોઈન્ટ્સ મજબૂતી સાથે 73961ની સપાટીએ જ્યારે નિફ્ટી 42 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 22531ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં વેચવાલી જળવાય હતી અને બ્રેડ્થ નેગેટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3915 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2099 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1732 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 131 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 79 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.74 ટકા મજબૂતી સાથે 24.60ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 22654ની ટોચ દર્શાવી નીચામાં 22465 પર ટ્રેડ થયો હતો. જોકે, આખરે તે 22500ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 173 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22704ની સપાટી પર બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સ 22400ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા સૂચવે છે. જોકે, આગામી સપ્તાહે પરિણામો પાછળ માર્કેટમાં ઊંચી વધ-ઘટ સંભવ છે. મોટાભાગની બ્રોકરેજ કંપનીઓ નિફ્ટીમાં 21700નો મજબૂત સપોર્ટ જોઈ રહી છે. જ્યારે ઉપરમાં 23100નો અવરોધ છે. જે પાર થશે તો 23500ની સપાટી જોવા મળી શકે છે.
સપ્તાહના આખરી સત્રમાં નિફ્ટીને સપોર્ટ આપનારા ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઈન્ડસઈન્ડ બેંક, આટીસી, લાર્સન, એસબીઆઈ, એમએન્ડએમ, અલ્ટ્રાટેકસિમેન્ટનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ડિવિઝ લેબ્સ, નેસ્લે, ટીસીએસ, મારુતિ સુઝુકી, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, સિપ્લામાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ, એનર્જી, બેંકિંગ, રિઅલ્ટી, મેટલમાં મજબૂતી જોવા મળઈ હતી. જ્યારે આઈટી, ઓટો, એફએમસીજી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.9 ટકા ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 2.34 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. નિફ્ટી પીએસઈ બેંક 1.3 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જ્યારે નિફ્ટી પીએસઈ પણ પોણો ટકા મજબૂત બંધ દર્શાવતો હતો. બીજી બાજુ, નિફ્ટી આઈટી 1.3 ટકા ગગડ્યો હતો. નિફ્ટી ફાર્મા પણ લગભગ એક ટકા નરમ હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો અદાણી એન્ટરપ્રાઈઝિસ 7 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, એનએમડીસી, જીએમઆર એરપોર્ટ્સ, અદાણી પોર્ટ્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ્સ, કેનેરા બેંક, અંબુજા સિમેન્ટ્સ, વોડાફોન આઈડિયા, વેદાંત, એચડીએફસી એએમસી, અશોક લેલેન્ડ, એસીસ, તાતા પાવર, ગેઈલ, ભેલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, લાર્સન, તાતા સ્ટીલમાં ઊંચી ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઈપ્કા લેબ્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, પિડિલાઈટ ઈન્ડ., આલ્કેમ લેબ, ટીવીએસ મોટર, કમિન્સ, ભારતી એરટેલ, આરઈસી, જ્યુબિલિઅન્ટ ફૂડમાં ઘટાડો નોંધાયો હતો.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં અદાણી પાવર, જિંદાલ સ્ટેનલેસ, તિતાગઢ, બ્લ્યૂ સ્ટાર, એનસીસી, ઈમામી, કોરોમંડલ ઈન્ટર., મધરસનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બર્ગર પેઈન્ટ્સ, અતુલ, અનુપમ રસાયણ, રામ્કો સિમેન્ટ્સે વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં.
માર્ચ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.8 ટકા પર જોવા મળ્યો
નાણા વર્ષ 2023-24 માટે વૃદ્ધિ દર 8.2 ટકા નોંધાયો
માર્ચ મહિનામાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકા પર જોવા મળ્યો હતો એમ નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસ(એનએસઓ)નો ડેટા સૂચવે છે. ગયા નાણા વર્ષના આખરી ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર આરબીઆઈના 6.9 ટકાના ટાર્ગેટ કરતાં ઊંચો જોવા મળ્યો હતો.
એપ્રિલમાં મળેલી મોનેટરી પોલિકી કમિટીની બેઠકમાં આરબીઆઈએ 2024-25 માટે જીડીપી વૃદ્ધિ દર માટે તેનો અંદાજ 7 ટકા પર સ્થિર જાળવ્યો હતો. ત્રિમાસિક ધોરણે વાત કરીએ તો 2024-25ના પ્રથમ ક્વાર્ટર માટે તેણે 7.2 ટકા વૃદ્ધિ દરની વાત કરી હતી. જ્યારે બીજા ક્વાર્ટર માટે તેણે અગાઉના 6.8 ટકા પરથી 6.9 ટકા પર ગ્રોથ નિર્ધારિત કર્યો હતો. ત્રીજા અને ચોથા ક્વાર્ટર માટે તેણે ગ્રોથ 7 ટકા રહેશે એમ આગાહી કરી હતી.
આંઠ કોર ઉદ્યોગોએ એપ્રિલમાં વિક્રમી 6.2 ટકા ગ્રોથ નોંધાવ્યો
આઁઠ કોર ઉદ્યોગોએ એપ્રિલમાં 6.2 ટકાનો વિક્રમી વૃદ્ધિ દર દર્શાવ્યો છે એમ કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો ડેટા સૂચવે છે. ડેટા મુજબ ઈલેક્ટ્રિસિટી, નેચરલ ગેસ, સ્ટીલ, કોલ, રિફાઈનરી પ્રોડક્ટ્સ, ક્રૂડ ઓઈલ અને સિમેન્ટ જેવા કોર સેક્ટર્સમાં ઉત્પાદનમાં વૃદ્ધિ પાછળ આ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
માર્ચમાં કોર સેક્ટરનો ગ્રોથ 6 ટકા પર જોવા મળ્યો હતો. આઁઠ કોર સેક્ટર્સમાં કોલ, ઓઈલ, નેચરલ ગેસ, પાવર, રિફાઈનરી પ્રોડક્ટ્સ, સ્ટીલ, સિમેન્ટ અને ફર્ટિલાઈઝર્સનો સમાવેશ થાય છે. એપ્રિલમાં કોલ ઉત્પાદન 7.5 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જ્યારે ઈલેક્ટ્રિસિટી ઉત્પાદન 9.4 ટકા વધ્યું હતું. માર્ચમાં કોલ ઉત્પાદન 8.7 ટકા અને ઈલેક્ટ્રિસિટી જનરેશન 8.6 ટકા વધ્યું હતું.
એપ્રિલમાં સ્ટીલ ઉત્પાદન 7.1 ટકા વધ્યું હતું. જે માર્ચમાં 6.4 ટકા પર હતું. નેચરલ ગેસ ઉત્પાદન એપ્રિલમાં 8.6 ટકા પર વધ્યું હતું. જે અગાઉના મહિને 6.3 ટકા પર જોવા મળતું હતું. એપ્રિલમાં સિમેન્ટ ઉત્પાદન 0.6 ટકા વધ્યું હતું. જે માર્ચ મહિનામાં 10.6 ટકાની સરખામણીમાં નીચું હતું. ક્રૂડ ઓઈલ ઉત્પાદન પણ 1.6 ટકા વધ્યું હતું. જે અગાઉના મહિનામાં 2 ટકાની સરખામણીમાં નીચું હતું. ફર્ટિલાઈઝર્સ સિવાય તમામ સેક્ટર્સમાં ગ્રોથ જોવા મળ્યો હતો. એપ્રિલમાં ફર્ટિલાઈઝર ક્ષેત્રે 0.8 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો.
2023-24માં અદાણી જૂથનો નફો 55 ટકા ઉછળ્યો
જૂથ આગામી દાયકામાં 90 અબજ ડોલરનું રોકાણ કરશે
અદાણી જૂથ કંપનીઓએ માર્ચ 2024માં પૂરા થયેલા વર્ષ દરમિયાન નેટ પ્રોફિટમાં 55 ટકા વૃદ્ધિ નોંધાવી છે. જૂથ કંપનીઓ સતત વિસ્તરણના માર્ગે આગળ વધતાં આમ બન્યું છે. જૂથ આગામી દાયકામાં 90 અબજ ડોલરના રોકાણનું વિચારી રહ્યું છે.
યુએસ શોર્ટ સેલરના રિપોર્ટની અસરમાંથી બહાર આવી રહેલાં અદાણી જૂથે 2023-24મં કુલ રૂ. 30,767 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે અગાઉના વર્ષે રૂ. 19,833 કરોડ પર જોવા મળતો હતો એમ એક્સચેન્જ ડેટા સૂચવે છે. હિંડેનબર્ગ રિપોર્ટ પાછળ અદાણી જૂથના માર્કેટ-કેપમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષોની સરેરાશ વૃદ્ધિની વાત કરીએ તો પ્રોફિટ 54 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જૂથ કંપનીઓનો એબિટા સરેરાશ 40 ટકા ઉછળી રૂ. 66,244 કરોડ પર રહ્યો છે. જોકે, આવકમાં 6 ટકા ઘટાડો નોંધાયો છે.
કંપનીનું નેટ ડેટ 2023-24માં રૂ. 2.2 લાખ કરોડ પર સ્થિર જળવાયું છે. જે અગાઉના વર્ષે રૂ. 2.3 લાખ કરોડ પર હતું. જ્યારે નેટ ડેટ-ટુ-એબિટા રેશિયો સુધરી 3.3 ટકા રહ્યો છે. જે અગાઉના વર્ષે 5 પર હતો એમ યુએસ બ્રોકરેજ જેફરિઝનો રિપોર્ટ સૂચવે છે. અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરે તેમના નેટ ડેટમાં ઘટાડો દર્શાવ્યો છે. અદાણી એન્ટપ્રાઈઝિસ અને અદાણી ગ્રીન તરફથી નવા મૂડી ખર્ચને કારણે લેવરેજમાં વૃદ્ધિ થઈ છે.
Market Summary 31/05/2024
May 31, 2024