Market Summary 31/10/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વિકસિત અને ઈમર્જિંગ માર્કેટ્સમાં સામ-સામા રાહ
એશિયન બજારોમાં 2 ટકા સુધીનો તીવ્ર ઘટાડો
સેન્સેક્સ 64 હજારની નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા વધી 11.82ના સ્તરે
રિઅલ્ટી, મિડિયા, પીએસઈ, એફએમસીજીમાં મજબૂતી
ઓટો, બેંકિંગ, ફાર્મામાં નરમાઈ
સીડીએસએલ, કેપીઆઈટી, બ્લ્યૂ સ્ટાર નવી ટોચે
સુમિટોમો, પેટ્રોનેટ નવા તળિયે

ભારતીય શેરબજારમાં છેલ્લાં બે સત્રમાં જોવા મળેલું બાઉન્સ મંગળવારે ટક્યું નહોતું અને બેન્ચમાર્ક્સ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. મંગળવારે એશિયન બજારોમાં વેચવાલી વચ્ચે યુરોપિયન બજારોમાં મજબૂતી જોવા મળી હતી. ભારતમાં સેન્સેક્સ 238 પોઈન્ટ્સ ગગડી 63875ની સપાટી પર જ્યારે નિફ્ટી 61 પોઈન્ટ્સ ઘટાડે 19080ની સપાટી પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી જળવાય રહેતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3760 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1836 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1798 નેગેટીવ જોવા મળ્યાં હતાં. 157 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 32 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3 ટકા વધી 11.82ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે ભારતીય બજારે મજબૂત ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, સુધારો ટકી શક્યો નહોતો અને બજાર નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું. નિફ્ટીનો ઓપનીંગ હાઈ એ જ તેનો ઈન્ટ્રા-ડે હાઈ બની રહ્યો હતો. જ્યારે નીચામાં 19056ની સપાટી પર ટ્રેડ થયો હતો. બેન્ચમાર્ક જોકે, 19 હજારની સપાટી જાળવી રાખી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 85 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19165 પર બંધ દર્શાવતો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં ઊંચું હતું. આમ, ઘટાડે લોંગ પોઝીશનમાં વૃદ્ધિ જોતાં બજાર સુધારો જાળવી શકે છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે 18800ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય છે. ઉપરમાં 19100 પર 19300 સુધીની તેજી સંભવ છે. વૈશ્વિક બજારોમાં સ્થિરતા પરત ફરી રહી છે. ક્રૂડના ભાવમાંથી રિસ્ક પ્રિમીયમ દૂર થઈ રહ્યું છે. જેને જોતાં બજારમાં ગભરાટભરી વેચવાલીની શક્યતાં ઓછી છે. જોકે, મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં હાલમાં કોઈ બાઉન્સની સંભાવના નથી અને તેઓ ધીમો ઘસારો જાળવી રાખે તેમ જણાય છે. આમ, નવી ખરીદી માટે લાર્જ-કેપ્સ ઓછા જોખમી જણાય છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં એસબીઆઈ લાઈફ, ટાઈટન કંપની, એચડીએફસી લાઈફ, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, તાતા કન્ઝ્યૂમર, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, હિંદાલ્કો, સિપ્લાનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ, એમએન્ડએમ, સન ફાર્મા, આઈશર મોટર્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, ઓએનજીસી, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, બ્રિટાનિયા, એક્સિસ બેંક, હીરો મોટોકોર્પ, ઈન્ફોસિસ અને એચડીએફસી બેંકમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો રિઅલ્ટી, મિડિયા, પીએસઈ, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ઓટો, બેંકિંગ, ફાર્મામાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.3 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટી, સોભામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે હેમિસ્ફિયર, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મિડિયા એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઝી એન્ટરટેઈનમેન્ટ, પીવીઆર આઈનોક્સ, સન ટીવી નેટવર્ક અને ટીવી ટુડે નેટવર્કમાં ખરીદી નીકળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 0.42 ટકા પોઝીટીવ જોવા મળતો હતો. જેના ઘટકોમાં આરઈસી, પાવર ફાઈનાન્સ, આઈઓસી, ભારત ઈલેક્ટ્રીક, એચપીસીએલ, બીપીસીએલ, ગેઈલ, પાવર ગ્રીડ કોર્પો, એનટીપીસી, આઈઆરસીટીસી, નાલ્કો પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બીજી બાજુ નિફ્ટી ઓટો 0.7 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં એમએન્ડએમ, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર, સોના બીએલડબલ્યુ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ, હીરો મોટોકોર્પ, એમઆરએફ, મધરસન સુમી, અશોક લેલેન્ડ, બોશમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી ફાર્મામાં પણ 0.6 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં સન ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, લ્યુપિન, બાયોકોન, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા નરમ જોવા મળતાં હતાં. નિફ્ટી બેંક 0.45 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બંધન બેંક, પીએનબી, ફેડરલ બેંક, એસબીઆઈમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ 6.3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઝી એન્ટરટેઈનમેન્ટ, સિટી યુનિયન બેંક, આરઈસી, પાવર ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ, દાલમિયા ભારત, કોલગેટ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, ડો. લાલ પેથલેબ્સ, બર્ગર પેઈન્ટ્સ, ટાઈટન કંપની, જેકે સિમેન્ટ, એમસીએક્સ ઈન્ડિયામાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, સિમેન્સ, એમએન્ડએમ, સન ફાર્મા, મૂથૂત ફાઈનાન્સ, આઈશર મોટર્સ, હેવેલ્સ ઈન્ડિયા, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ટરગ્લોબ એવિએશન, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, જિંદાલ સ્ટીલમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સીડીએસએલ, સોલાર ઈન્ડ, કેપીઆઈટી ટેક, મોતીલાલ ઓસ્વાલ, વિજયા ડાઈગ્નોસિસ, પર્સિસ્ટન્ટ, બ્લ્યૂ સ્ટાર, કેનેરા બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, નવું તળિયું દર્શાવનાર કાઉન્ટર્સમાં સુમિટોમો, પેટ્રોનેટ એલએનજી, મહિન્દ્રા લોજિસ્ટીક્સ અને યૂપીએલનો સમાવેશ થતો હતો.

સતત છ મહિના વૃદ્ધિ પછી કેશ વોલ્યુમમાં તીવ્ર ઘટાડો
ઓક્ટોબરમાં માસિક ધોરણે એનએસઈ-બીએસઈ કેશ સેગમેન્ટ વોલ્યુમમાં 20 ટકાનું ગાબડુ
સપ્ટેમ્બરમાં દૈનિક સરેરાશ રૂ. 89898 કરોડ સામે ઓક્ટોબરમાં દૈનિક સરેરાશ રૂ. 72289 કરોડનું ટર્નઓવર
ઓક્ટોબર 2022માં પણ કેશ સેગમેન્ટ વોલ્યુમમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો હતો

છેલ્લાં લગભગ સવા મહિનાથી શેરબજારમાં જોવા મળેલા બ્રોડ બેડ્ઝ ઘટાડા પાછળ રિટેલ રોકાણકારોની સક્રિયતામાં ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનામાં બીએસઈ અને એનએસઈના કેશ સેગમેન્ટના સરેરાશ દૈનિક કામકાજનો અભ્યાસ કરતાં આમ માલૂમ પડે છે. સપ્ટેમ્બર મહિનામાં બંને પ્લેટફોર્મ પર સંયુક્ત દૈનિક સરેરાશ રૂ. 89898 કરોડના ટર્નઓવર સામે સામે ઓક્ટોબરમાં દૈનિક સરેરાશ રૂ. 72289 કરોડનું ટર્નઓવર જોવા મળ્યું હતું. જે માસિક ધોરણે કામકાજમાં 20 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવે છે.
માર્ચ 2023ની આખરમાં કરેક્શન પૂરું થયા પછી બજારમાં બ્રોડ બેઝ તેજીની શરૂઆત થઈ હતી. જેમાં મીડ-કેપ અને સ્મોલ-કેપનું ઊંચું પાર્ટિસિપેશન જોવા મળ્યું હતું. સમગ્ર 2022નું વર્ષ ડલ રહ્યાં પછી રોકાણકારો ફરી શેરબજારમાં પ્રવેશ્યાં હતાં. જેમાં જૂન-જૂલાઈ અને ઓગસ્ટમાં બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં ઊંચા સટ્ટાકિય કામકાજ પાછળ રિટેલનો રસ ખૂબ વધ્યો હતો અને સપ્ટેમ્બરમાં કેશ સેગમેન્ટ વોલ્યુમ વિક્રમી સપાટી પર જોવા મળ્યાં હતાં. માર્ચ મહિનામાં કેશ સેગમેન્ટમાં રૂ. 52778 કરોડના સરેરાશ દૈનિક કામકાજ પરથી વધી તે સપ્ટેમ્બરમાં રૂ. 89898 કરોડ પર પહોંચ્યાં હતાં. બ્રોકરેજિસની કામગીરીમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, ત્યારપછી મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી જળવાય છે અને તેથી ઓક્ટોબરમાં કામકાજ છેલ્લાં છ મહિનામાં પ્રથમવાર નેગેટિવ ગ્રોથ દર્શાવી રહ્યો છે.
માર્કેટ એનાલિસ્ટ્સના મતે જૂનથી ઓગસ્ટ દરમિયાન શોર્ટ-ટર્મ ટ્રેડિંગ અથવા ઈન્ટ્રા-ડે ટ્રેડિંગમાં પુષ્કળ તકો જોવા મળી હતી. જેને કારણે રિટેલર્સના નાણાનું ઝડપી ચર્નિંગ થયું હતું. જોકે, હાલમાં તે અટકી પડ્યું છે. મર્યાદિત મૂડી સાથે બજારમાં રોકાણ કરતાં રિટેલ રોકાણકારોના નાણા હાલમાં બજારમાં ભરાઈ પડ્યાં છે અને તેથી તેઓ નવા ટ્રેડિંગ બેટ લઈ રહ્યાં નથી. તેમને જ્યાં સુધી પ્રોફિટ સાથે એક્ઝિટ નહિ મળે ત્યાં સુધી તેઓ બજારમાંથી બહાર નહિ નીકળી શકે. સામાન્યરીતે ખૂબ ઓછા રિટેલ રોકાણકારો સ્ટોપલોસ જાળવી ટ્રેડિંગ કરતાં હોય છે. તેઓ નાના નફામાંથી એક્ઝિટ લઈ લેતાં હોય છે પરંતુ નુકસાનીમાં લાંબો સમય સુધી પોઝીશન જાળવી રાખતાં હોય છે. જેને કારણે તેમનો ટર્નઓવર રેશિયો ઘટતો હોય છે. હાલમાં, વૈશ્વિક શેરબજારો પર જોવા મળી રહેલા દબાણને જોતાં નજીકના સમયમાં ભારતીય બજાર પણ મોટો સુધારો દર્શાવે તેવી શક્યતાં ઓછી છે. જ્યારે, જીઓ-પોલિટિકલ સ્થિતિ વધુ વણસે તો બજારોમાં વધુ વેચવાલીની પૂરી શકયતાં હોવાનું એનાલિસ્ટ્સનું કહેવું છે. ઓક્ટોબરમાં માર્કેટ-બ્રેડ્થ પણ છેલ્લાં સાત મહિનાઓમાં સૌથી ખરાબ જોવા મળી હતી. તે માર્ચ મહિનાની સરખામણીમાં સહેજ સારી રહી હતી.
છેલ્લાં મહિનાઓમાં કેશ સેગમેન્ટ ટર્નઓવર(રૂ. કરોડમાં)
મહિનો ટર્નઓવર
ઓક્ટોબર 72289
સપ્ટેમ્બર 89898
ઓગસ્ટ 83368
જુલાઈ 77359
જૂન 76644
મે 63890
એપ્રિલ 54895
માર્ચ 52778

મીડ-કેપ્સની સરખામણીમાં લાર્જ-કેપ્સમાં બેલેન્સ્ડ રિસ્ક-રિવોર્ડ
કોટક ઈન્સ્ટીટ્યૂશ્નલ ઈક્વિટીઝના મતે મીડ-કેપ્સમાં હજુ કરેક્શનની શરૂઆત છે

પાછલા છ મહિનાઓમાં મ્યુચ્યુલ ફંડ્સનો 40 ટકાથી વધુ ઈક્વિટી ઈનફ્લો મીડ અને સ્મોલ-કેપ શેર્સમાં જોવા મળ્યો છે. જોકે, તાજેતરમાં શેર્સના ભાવમાં જોવા મળેલો ઘટાડો મીડ-કેપ અને સ્મોલ-કેપ શેર્સમાં ઘટાડાનો આખરી પડાવ નહી હોવાનું કોટક ઈન્સ્ટીટ્યૂશ્નલ ઈક્વિટીઝનો રિપોર્ટ જણાવે છે.
રિપોર્ટ સૂચવે છે કે છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન હજુ સુધી બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં જોવા મળેલી તેજીની સરખામણીમાં તાજેતરમાં જોવા મળેલો ઘટાડો કોઈ ખાસ નથી. નિફ્ટી-50 ઈન્ડેક્સ છેલ્લાં મહિનામાં ચાર ટકા ઘટાડો દર્શાવે છે. જ્યારે નિફ્ટી મીડકેપ 100 ઈન્ડેક્સ ચાર ટકા અને એનએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ એક ટકા ઘટાડો સૂચવે છે. જોકે, છેલ્લાં છ મહિનામાં નિફ્ટીમાં 6 ટકા, મીડ-કેપ ઈન્ડેક્સમાં 23 ટકા અને સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં 31 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. રિપોર્ટ નોંધે છે કે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ઘટાડાનું પ્રમાણ ભિન્ન માર્કેટ કેપ્સ અને સેક્ટર્સમાં ભિન્ન છે. ખાસ કરીને મીડ અને સ્મોલ-કેપ્સમાં ઘટાડો તીવ્ર છે પરંતુ તે છેલ્લાં છ મહિનામાં તેમણે દર્શાવેલી તેજીન સરખામણીમાં ખાસ નથી. કોટકના એનાલિસિસ મુજબ તેના કવરેજમાં આવરી લેવામાં આવેલાં મોટાભાગના મીડ-કેપ અને સ્મોલ-કેપ શેર્સ ખાસ વેલ્યૂ ઓફર કરી રહ્યાં નથી. ખાસ કરીને તેમના છેલ્લાં વર્ષના મલ્ટિપલ રિરેટીંગને જોતાં તેનું આમ કહેવું છે. જેની સરખામણીમાં લાર્જ-કેપ્સ સારી વેલ્યૂ ઓફર કરે છે. રિપોર્ટના મતે લાર્જ-કેપ કાઉન્ટર્સમાં રિસ્ક-રિવોર્ડ બેલેન્સ જોવા મળે છે. કેમકે તેઓ વધુ વાજબી વેલ્યૂએશન્સ ધરાવે છે. કોટકના મતે નાણા વર્ષ 2024-25ની અપેક્ષિત ઈપીએસને ગણનામાં લેતાં નિફ્ટી 17.5ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે કંપનીના મતે 2023-24માં નિફ્ટી કંપનીઓનો નેટ પ્રોફિટ 16 ટકા વધશે. જ્યારે 2024-25માં તે 12 ટકા વૃદ્ધિ દર્શાવશે.

ઝાયડસ લાઈફ રૂ. 689 કરોડમાં લિકમેડ્સ ગ્રૂપ ખરીદશે
યુકે સ્થિત લિકમેડ્સ ઓરલ લિક્વિડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે

ટોચની ફાર્માસ્યુટીકલ કંપની ઝાયડસ લાઈફસાઈન્સિઝે જણાવ્યું છે તે તેના બોર્ડે રૂ. 689 કરોડમાં ઓરલ લિક્વિડ પ્રોડક્ટ્સ કંપની લિકમેડ્સની ખરીદી માટે મંજૂરી આપી છે. કંપનીએ મંગળવારે સ્ટોક એક્સચેન્જિસને આ માહિતી આપી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ઝાયડસ યૂકે કંપનીમાં 100 ટકા હિસ્સો ખરીદશે. આ સોદો તેના એક્ઝિક્યૂશનના 10 કામકાજી દિવસોમાં પૂરો થશે એમ તેણે ઉમેર્યું હતું.
લિકમેડ્સ જૂથની સબસિડિયરી એલએમ મેન્યૂફેક્ચરિંગ લિમિટેડ યૂકેના નોર્ધમ્પ્ટન સ્થિત વિડોનમાં ઓરલ લિક્વિડ્સ ઉત્પાદન સુવિધા ધરાવે છે. જે યુએસ અને યૂકે માર્કેટ્સમાં પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે. ઝાયડસ આ ખરીદી માટે અપફ્રન્ટ 6.8 કરોડ બ્રિટીશ પાઉન્ડ ચૂકવશે તેમજ 2026 સુધીમાં કેટલાંક નિર્ધારિત સીમાચિહ્નોને આધારે વાર્ષિક અર્ન-આઉટ્સ ચૂકવશે. લિક્વિડ ઓરલ્સ ઝડપથી વૃદ્ધિ પામ રહેલું બજાર છે અને તે ઝાયડસ માટે નોંધપાત્ર બજાર વિસ્તરણની તકો પૂરી પાડે છે એમ કંપનીએ જણાવ્યું છે. ઝાયડસ લાઈફના એમડી શર્વિલ પટેલે જણાવ્યું છે કે અમારા પેશન્ટ-સેન્ટ્રીક અભિગમને જોતાં અમે માનીએ છીએ કે ઓરલ લિક્વિડ ફોર્મ્યુલેશન્સ વૃદ્ધ અને બાળક દર્દી માટે ઘણી અનૂકૂળતા પૂરી પાડશે.

પાંચ વર્ષોમાં સેન્સેક્સ એક લાખ થશેઃ માર્ક મોબિયસ
સ્થાનિક શેરબજારમાં વધુ ઘટાડે રોકાણમાં વૃદ્ધિ કરવાનો ઈન્વેસ્ટમેન્ટ ગુરુનો મત

ભારતીય બેન્ચમાર્ક સેન્સેક્સ આગામી પાંચ વર્ષોમાં એક લાખની સપાટી દર્શાવે તેવી શક્યતાં વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ ગુરુ માર્ક મોબિયસે વ્યક્ત કરી છે. મોબિયસ કેપિટલ પાર્ટનર્સના મોબિયસ ઈમર્જિંગ માર્કેટ્સમાં ભારતીય બજારને ટોચનું ગ્રોથ માર્કેટ ગણાવી રહ્યાં છે.
મોબિયસના મતે યુએસ 10-વર્ષ માટેના ટ્રેઝરી યિલ્ડ 5 ટકાનું રિસ્ક-ફ્રી રિટર્ન આપી રહ્યાં છે અને તેની પાછળ ઈક્વિટીઝમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. જોકે, લાંબાગાળા માટે ભારતની ગ્રોથ સ્ટોરી અકબંધ છે. તેમના મતે જો બજારમાં વધુ ઘટાડો જોવા મળશે તો તેઓ ભારતમાં રોકાણ વધારશે. છેલ્લાં બે સપ્તાહોમાં બેન્ચમાર્ક નિફ્ટીમાં 4 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જેની પાછળ ઈઝરાયેલ-હમાસ વચ્ચે જંગ તથા યુએસ બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિ છે. મોબિયસના મતે હાલમાં ત્રણ વૈશ્વિક ઘટનાઓ બજાર માટે મહત્વની બની રહેશે. જેમાં યુક્રેન, સાઉથ ચાઈના સી અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે. તેમના મતે બજાર ત્રણેયને ગણનામાં લેશે. જોકે, આ ઘટનાઓ કરતાં પણ ઈન્ટરેસ્ટ રેટ મહત્વના બની રહેશે. યુએસ ખાતે ઈન્ફ્લેશન 2 ટકા પર પહોંચવામાં કેટલોક સમય લાગશે. જ્યાં સુધી ઈન્ટરેસ્ટ લાંબા સમય સુધી ઊંચા સ્તરે જળવાયેલા રહેશે એમ મોબિયસ માને છે.
સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વે રેટને 5.25-5.50ની રેંજમાં સ્થિર જાળવ્યાં હતાં. જે 22-વર્ષોમાં સૌથી ઊંચો વ્યાજ દર છે. આજે બુધવારે ફેડ તેના નિર્ણયમાં રેટને સ્થિર જાળવી રાખે તેવી શક્યતા ઊંચી છે. મોબિયસના મતે અન્ય ઈમર્જિંગ બજારોની સરખામણીમાં ભારતીય બજાર પ્રાઈસ-ટુ-અર્નિંગ્સ રેશિયોની રીતે મોંઘું જણાય છે. જોકે, ભારતમાં સારી કંપનીઓ સરળતાથી વાર્ષિક દરે 12-13 ટકા વૃદ્ધિ દરની શક્યતાં ધરાવે છે એમ તેઓ ઉમેરે છે. તેમના મતે સોફ્ટવેર, કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં આવી કંપનીઓ મેળવી શકાય છે. આવી કંપનીઓ નીચું ડેટ અને ઊંચું રિટર્ન અથવા મૂડી રેશિયો ધરાવે છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગોલ્ડની માગમાં 10 ટકા વૃદ્ધિ નોંધાઈ
ગયા વર્ષે 192 ટન સામે ત્રીજા ક્વાર્ટરમાં ચાલુ વર્ષે 210 ટન સોનું ખરીદાયું
જોકે, 2023માં કુલ માગ ગયા વર્ષના 774 ટનની સરખામણીમાં નીચી રહેવાની અપેક્ષા
સેન્ટ્રલ બેંકર્સે ચાલુ વર્ષે ત્રણ ક્વાર્ટર્સમાં 800 ટન સોનું ખરીદ્યું
સપ્ટેમ્બરમાં પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ 74 ટન જ્યારે આરબીઆઈએ 19 ટન ગોલ્ડ બાય કર્યું

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશમાં સોનાની માગ 10 ટકા વધી 210 ટન પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 192 ટન પર હતી. ગોલ્ડની માગમાં વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ ઈન્વેસ્ટમેન્ટરૂપી માગમાં મજબૂતી હતું. જ્વેલરીની માગ 7 ટકા વધી 156 ટન પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 146 ટન પર હતી. જ્યારે બાર્સ અને કોઈન્સની માગ 20 ટકા વધી 54 ટકા પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 45 ટન પર હતી.
દેશમાં ગોલ્ડની આયાત 20 ટકા વધી 220 ટન પર રહી હતી. જે ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 184 ટન પર હતી. જ્યારે ગોલ્ડ જ્વેલરીનું રિસાઈક્લીંગ ગયા વર્ષના 16 ટન પરથી વધી 19 ટન પર રહ્યું હતું. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતતા વચ્ચે સેન્ટ્રલ બેંક્સ તરફથી ગોલ્ડની ખરીદી વધી હતી. ચાલુ વર્ષે મધ્યસ્થ બેંક્સની ગોલ્ડ ખરીદી 800 ટન પર પહોંચી હતી. જોકે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમાં 37 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 337 ટન પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 459 ટન પર હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 19 ટન ગોલ્ડ ખરીદ્યું હતું. જ્યારે પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ 78 ટન ગોલ્ડની ખરીદી કરી સેન્ટ્રલ બેંકર્સમાં સૌથી વધુ સોનુ ખરીદ્યું હતું. વર્ષની શરૂઆતથી ચીની સેન્ટ્રલ બેંકે 181 ટન સોનુ ખરીદ્યું છે. જે સાથે તેનું ગોલ્ડ રિઝર્વ્સ 2192 ટન પર પહોંચ્યું છે. જે તેના કુલ રિઝર્વ્સના 4 ટકા જેટલું થવા જાય છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિજિયોનલ સીઈઓ સોમસુંદરમ પીઆરના જણાવ્યા મુજબ ચોથા ક્વાર્ટરમાં ગોલ્ડની માગનો આધાર ભાવ પર રહેશે. જોકે, તાજેતરમાં જીઓપોલિટીકલ કટોકટી પાછળ ભાવમાં મજબૂતીને જોતાં સોનાની માગ ગયા વર્ષની સરખામણીમાં નીચી જોવા મળે તેવી શક્યતાં છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ મુજબ ચાલુ વર્ષે સોનાની માગ 700-750 ટન પર રહેશે. જે ગયા વર્ષની 774 ટનની માગ કરતાં સહેજ નીચી હશે. કેલેન્ડરના છેલ્લાં ત્રણ ક્વાર્ટર્સમાં સોનાની માગ 481 ટન પર રહી હતી. જેને જોતાં માગ નીચી જ જળવાય તેવી શક્યતાં છે. કેમકે ગોલ્ડના ભાવમાં ઘટાડાની ક્યાંય કોઈ અપેક્ષા નથી. ગોલ્ડ છેલ્લાં ત્રણ સત્રોથી વૈશ્વિક બજારમાં 2000 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે એનાલિસ્ટ્સ ટૂંક સમયમાં જ ગોલ્ડ નવી ટોચ દર્શાવે તેવી શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે.

સિમેન્સ એનર્જી ભારતીય કંપનીમાંનો હિસ્સો સિમેન્સ એજીને વેચી શકે
હાલમાં ભારત સ્થિત સિમેન્સ લિમિટેડમાંના હિસ્સાનું મૂલ્ય 3.5 અબજ ડોલર જેટલું છે

સિમેન્ટ એનર્જી ભારત સ્થિત લિસ્ટેડ કંપની સિમેન્સ લિમિટેડમાંના તેના 24 ટકા હિસ્સાનું વેચાણ કંપનીની ભૂતપૂર્વ પેરન્ટ સિમેન્સ એજીને વેચવા માટે વિચારી રહી છે. કંપની તેની બેલેન્સ શીટને મજબૂત કરવા માટે આમ ઈચ્છી રહી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે.
હાલમાં ભારત સ્થિત લિસ્ટેડ સિમેન્ટમાં કંપનીના હિસ્સાનું મૂલ્ય 3.5 અબજ ડોલર જેટલું બેસે છે. જેમાંથી આંશિક વેચાણ પણ જર્મન સ્થિત વિન્ડ અને ગેસ ટર્બાઈન્સ ઉત્પાદક માટે તેના કેપિટલ બેઝને મજબૂત બનાવવા માટે ઝડપી અને આસાન માર્ગ બની શકે છે. હાલમાં બર્લિન અને સિમેન્સ વચ્ચે પર્ફોર્મન્સ બોન્ડ્સને લઈ ગેરંટી અંગે મંત્રણા ચાલુ છે. સિમેન્સ એનર્જી અને સિમેન્સ એજી, બંનેએ જોકે આ મુદ્દે કોઈ ટિપ્પણી નહોતી કરી. સિમેન્સ એજી હાલમાં સિમેન્સ લિમિટેડમાં 51 ટકા હિસ્સો ધરાવે છે. તેમાં હિસ્સો વધારવાનું કંપની માટે સ્ટ્રેટેજિક પગલું બની શકે છે. જે જૂથ શેરધારકો સમક્ષ સરળતાથી યોગ્ય ઠેરવી શકશે એમ વર્તુળોનું કહેવું છે. તેમના મતે હાલમાં ચાલી રહેલી ચર્ચા-વિચારણામાં આ એક વિચાર છે પરંતુ ટ્રાન્ઝેક્શન થશે જ તેવી ખાતરી નથી. અગાઉ બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે સિમેન્સ એનર્જી ચાલુ વર્ષની શરૂઆતમાં સિમેન્સ લિમિટેડમા હિસ્સા વેચાણની જાહેરાત કરી શકે છે. સિમેન્સ એનર્જી મોટા ઈન્ડસ્ટ્રીઅલ પ્રોજેક્ટ્સના બચાવ માટે જર્મન સરકાર, બેંક્સ અને સિમેન્સ સાથે 15 અબજ યૂરોની ગેરંટીની માગણી કરી રહી છે. જેના કારણે તે આ હિસ્સો વેચવાની વિચારણા કરી રહી છે. ગયા સપ્તાહે સિમેન્સ એનર્જીનો શેર વિક્રમી તળિયા પર ટ્રેડ થયો હતો. સોમવારે જોકે તેમાં 13 ટકા ઉછાળો નોંધાયો હતો.

મુંદ્રા પોર્ટના વિસ્તરણમાં અદાણી જૂથ રૂ. 4 લાખ કરોડ રોકશે
જૂથ આગામી છ વર્ષોમાં કોપર ઓર માટે નવી બર્થ, કોપર સ્મેલ્ટર પ્લાન્ટ અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ કરશે

અદાણી જૂથ મુંદ્રા ખાતે વિસ્તરણમાં આગામી છ વર્ષોમાં રૂ. 4 લાખ કરોડનું રોકાણ કરશે. આ ઈન્વેસ્ટમેન્ટમાં કોપર ઓર માટે નવી બર્થ, કોપર સ્મેલ્ટર પ્લાન્ટ અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ અને રિન્યૂએબલ પ્રોજેક્ટનો સમાવેશ થશે. એક માત્ર પાવર ક્ષેત્રે મોટું વિસ્તરણ નહિ કરવામાં આવે તેમ કંપનીના સિનિયર અધિકારી જણાવે છે.
મુંદ્રા ખાતે અત્યાર સુધીમાં અદાણી જૂથ તરફથી 25-વર્ષોમાં કુલ રૂ. 70 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. મુંદ્રા પોર્ટ તરફથી રાજ્ય અને કેન્દ્ર સરકારની તિજોરીમાં કુલ રૂ. 2.25 લાખ કરોડનું યોગદાન રહ્યું છે. હાલમાં પોર્ટ દેશમાં સૌથી મોટું કમર્સિયલ પોર્ટ છે. તેની કુલ ક્ષમતા 15.5 કરોડ ટનની છે. જે ભારતના મેરિટાઈમ કાર્ગોના 11 ટકા જેટલી થવા જાય છે. તે ભારત માટે એક્ઝિમ ગેટવે છે અને દેશના કુલ કન્ટેનર ટ્રાફિકનો 33 ટકા હિસ્સો ધરાવે છે. કન્ટેનર ટર્મિનલ્સને વધુ ત્રણ બર્થ ઉમેરવા માટે એક કિલોમીટર જેટલું લંબાવવામાં આવી રહ્યું છે. અદાણી હાલમાં વીએલસીસી(વેરી લાર્જ ક્રૂડ કેરિયર) બર્થ પણ બાંધી રહ્યું છે. જેને વર્ષની આખરમાં અથવા માર્ચ ક્વાર્ટર સુધીમાં શરૂ કરવાની યોજના છે. ઉપરાંત, કંપની કોપર ઓરને હેન્ડલ કરવા માટે નવું બર્થ બનાવી રહી છે. અદાણી એન્ટરપ્રાઈઝિસની સબસિડિયરી કચ્છ કોપર નવી ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરી સ્થાપી રહી છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 8700 કરોડનો અંદાજવામાં આવી રહ્યો છે.

કપાસમાં આવકો સામે માગના અભાવે ભાવમાં સુસ્તી
દેશમાં દૈનિક સરેરાશ 80-90 હજાર ગાંસડીની આવકો
કપાસિયા અને ખોળમાં નરમાઈથી ભાવ પર દબાણ

દેશમાં કપાસની નોંધપાત્ર આવકો વચ્ચે ખરીદી પાંખી જોવા મળી રહી છે. નવી ખરિફ માર્કેટિંગના પ્રથમ મહિનાની આખરમાં છેલ્લાં ઘણા દિવસોથી દૈનિક 80-90 હજાર ગાંસડીની આવકો જોવા મળી છે. જોકે, સામે ખરીદી તેટલા પ્રમાણમાં નથી જળવાય. ચાલુ સિઝનમાં ક્વોલિટીના ઈસ્યુથી લઈ જીનર્સ અને સ્પીનર્સ ડિસ્પેરિટીનો સામનો કરી રહ્યાં છે. તેથી ટ્રેડમાં જોઈએ તેટલી મજા નથી જોવા મળી રહી એમ વર્તુળોનું કહેવું છે.
મંગળવારે સ્થાનિક બજારમાં રૂ. 57400થી રૂ. 57900ની રેંજમાં ભાવ જોવા મળી રહ્યાં હતાં. ગુજરાતમાં દૈનિક 30-32 હજાર ગાંસડી આવકો થઈ રહી છે. જોકે, ચાલુ વર્ષે 20 ટકા જેટલા જિનર્સે કામકાજ બંધ રાખ્યાં છે. વર્તુળોના મતે તેઓ કાયમી ધોરણે ધંધામાંથી દૂર થયાં છે. આમ, છેલ્લાં વર્ષોમાં જીનીંગમાંથી મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યાં છે. ચાલુ સિઝનમાં મહારાષ્ટ્રમાં આવકો વિલંબમાં છે. જોકે, ત્યાંથી ગઈ સિઝનની માફક 80 લાખ ગાંસડી ઉપર આવકો જળવાશે એમ વર્તુળો માને છે. તેલંગાણાની આવકો પણ નવેમ્બરથી સારા પ્રમાણમાં જોવા મળશે. એક અંદાજ મુજબ નવી સિઝનમાં નીચામાં 3 કરોડ ગાંસડી અને ઉપરમાં 3.3 કરોડ ગાંસડીનો પાક જોવા મળી શકે છે. બીજી બાજુ, વપરાશ પણ નીચો જોવા મળશે તેવો અંદાજ છે. કેમકે દેશમાં ગાર્મેન્ટ અને હોઝીયરીની 30 ટકા મિલો બંધ છે. જેની વપરાશ પર ગંભીર અસર જોવા મળશે. ખેડૂતોને હાલમાં રૂ. 1500-1700 પ્રતિ મણના સારા ભાવ મળી રહ્યાં છે અને તેથી તેઓ બજારમાં ધીમે-ધીમે માલ લાવે તેવી અપેક્ષા છે. જોકે, ગઈ સિઝનની જેમ તેઓ મોટાપાયે માલ પકડીને બેસી રહે તેવું નથી જણાતું. કેમકે ગઈ સિઝનમાં શરૂઆતી ઊંચા ભાવોમાં વેચાણ નહિ કરીને તેમણે પસ્તાવાનું બન્યું હતું. છેલ્લાં છ મહિનાથી ભાવ લગભગ રેંજ બાઉન્ડ જોવા મળી રહ્યાં છે. જે આગામી સિઝનમાં પણ રેંજમાં જળવાયેલા રહે તેમ મનાય છે. વર્તુળોના મતે કોટનમાં નીચામાં રૂ. 55 હજારની મંદી નથી જણાતી જ્યારે ઉપરમાં રૂ. 60 હજારની શક્યતાં પણ ઓછી છે. આ સ્થિતિમાં માર્કેટમાં સ્થિરતા જળવાય રહેશે. જોકે, મિલ્સ પાસે ઊંચી નાણાભીડને જોતાં તેમની ખરીદી સમગ્ર સિઝન દરમિયાન પાંખી જળવાય રહેવાની શક્યતાં છે.

અદાણી ટોટલે રૂ. 173 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો

અદાણી જૂથની કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 173 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 8 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 0.92 ટકા ગગડી રૂ. 1179 કરોડ પર રહી હતી. કંપનીનો એબિટા 22 ટકા વધી રૂ. 289 કરોડ પર જોવા મળ્યો હતો. બીજા ક્વાર્ટરમાં સીએનજી વોલ્યુમ 20 ટકા ઉછળ્યું હતું. જેનું કારણ સીએનજીના ભાવમાં ઘટાડો હતો. તેમજ સીએનજી સ્ટેશન્સ નેટવર્કમાં વૃદ્ધિ હતું. પીએનજી વોલ્યુમમાં જોકે વાર્ષિક 3 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જેનું કારણ ગ્રાહકો તરફથી નીચો ઉપાડ હતું. જે માટે વૈકલ્પિક ફ્યુઅલ્સના નીચા ભાવ જવાબદાર હતાં. અદાણી ટોટલે ક્વાર્ટર દરમિયાન નવા 37 સીએનજી સ્ટેશન્સ ઉમેર્યાં હતાં. કંપનીનું કુલ દેવું રૂ. 1372 કરોડ પર જોવા મળતું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ
IOC: પીએસયૂ રિફાઈનરી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ર. 12967 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 272 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની કામકાજી આવક જોકે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2.31 લાખ કરોડની સરખામણીમાં 11 ટકા ગગડી રૂ. 2.03 લાખ કરોડ પર રહી હતી. કંપનીના ગ્રોસ રિફાઈનીંગ માર્જિન 13.12 ડોલર પ્રતિ બેરલ પર રહ્યાં હતાં.
ગેઈલઃ પીએસયૂ ગેસ ઈન્ફ્રા કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2442 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1305 કરોડના નફા સામે 87 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કામકાજી આવક ગયા વર્ષનારૂ. 38729 કરોડ પરથી ગગડી રૂ. 33050 કરોડ પર રહી હતી. ત્રિમાસિક ધોરણે કંપનીનો નેટ પ્રોફિટ 36 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો.
લાર્સન એન્ડ ટુબ્રોઃ ટોચની ઈપીસી કંપનીએ મધ્ય-પૂર્વમાંથી રૂ. 15000 કરોડના મૂલ્યના અલ્ટ્રા મેગા ઓફશોર પ્રોજેક્ટ મેળવ્યાં છે. કંપનીના હાઈડ્રોકાર્બન બિઝનેસે તાજેતરમાં મેળવેલા ગેસ કોમ્પ્રેશન પ્લાન્ટ ઉપરાંત એક વધુ અલ્ટ્રા-મેગા પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેટ મેળવ્યો છે. કંપનીની કામગીરીમાં ગેસની ખરીદી અને પ્રોસેસિંગનો સમાવેશ થાય છે.
ભારતી એરટેલઃ બીજા ક્રમની ટેલિકોમ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1341 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2145.2 કરોડની સરખામણીમાં 38 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની ટેલિકોમ સર્વિસિઝની આવક રૂ. 37034.8 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 34,526.8 કરોડ પર હતી. જે 7.28 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો એબિટા 11 ટકા વધી રૂ. 19,665 કરોડ પર રહ્યો હતો.
સ્ટર્લિંગ ટૂલ્સ લિમિટેડઃ ટોચની ઓટોમોટિવ ફાસ્નર મેનુફેક્ચરરે 2023-24ના પ્રથમ છ મહિનામાં રૂ. 434.4 કરોડન આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 353.8 કરોડની સરખામણીમાં 22.8 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે 12.6 ટકા વધી રૂ. 54.4 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીનું સ્વતંત્ર ધોરણે વેચાણ 3.7 ટકા વધી રૂ. 304 કરોડ પર નોંધાયું હતું.
અજંતા ફાર્માઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 195 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 156.6 કરોડની સરખામણીમાં 25 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 938.10 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે રૂ. 1028.44 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage