બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
રિલાયન્સની આગેવાનીમાં શેરબજારમાં સુધારો ટક્યો
નિફ્ટી 19100ની સપાટી પાર કરવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 5.32 ટકા વધી 11.49ના સ્તરે
એનર્જી, પીએસઈ, રિઅલ્ટીમાં મજબૂતી
ઓટો, એફએમસીજીમાં નરમાઈ
સ્વાન એનર્જી, બીએસઈ, વેલસ્પન ઈન્ડિયા નવી ટોચે
પેટ્રોનેટ, યૂપીએલ, નવીન ફ્લોરિન નવા તળિયે
રિલાયન્સની આગેવાનીમાં શેરબજારમાં સતત બીજા સત્રમાં મજબૂતી જળવાય રહી હતી. ભારતીય બેન્ચમાર્ક્સ અડધા ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેમાં સેન્સેક્સ 330 પોઈન્ટ્સ ઉછળી 64113ની સપાટીએ જ્યારે નિફ્ટી 50 94 પોઈન્ટ્સ ઉછળી 19141 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં મજબૂતી પાછળ બ્રેડ્થ સાધારણ પોઝીટીવ રહી હતી. બીએસઈ ખાતે 3935 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1922 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1813 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 199 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 47 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.32 ટકા વધી 11.49ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે મોટાભાગના એશિયન બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ વચ્ચે સ્થાનિક બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યાં પછી રેડ ઝોનમાં સરી પડ્યું હતું. જોકે, તે ટૂંકમાં જ પોઝીટીવ બન્યું હતું અને દિવસ દરમિયાન સતત નવી ટોચ દર્શાવતું રહ્યું હતું. નિફ્ટી 19100ની સપાટી પાર કરી ગયો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 17 પોઈન્ટ્સ પ્રિમીયમમાં ટ્રેડ દર્શાવતો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીએ 19100 પાર કરતાં હવે તે 19300 સુધીની મજબૂતી દર્શાવી શકે છે. ટ્રેડર્સ 18900ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં બીપીસીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝ, સિપ્લા, ICICI બેંક, ભારતી એરટેલ, ગ્રાસિમ, એચડીએફસી બેંક, ઈન્ડ્સઈન્ડ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, યૂપીએલ, તાતા મોટર્સ, મારુતિ સુઝુકી, એક્સિસ બેંક, બજાજ ઓટો, બ્રિટાનિયા, આઈશર મોટર્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એમએન્ડએમ, એનટીપીસી, આઈટીસી, તાતા સ્ટીલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એનર્જી, પીએસઈ, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે ઓટો, એફએમસીજીમાં નરમાઈ જળવાઈ હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેસના ઘટકોમાં અદાણી ગ્રીન 5 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. બીજી બાજુ, બીપીસીએલ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, એચપીસીએલ, ગેઈલમાં પણ સુધારો નોંધાયો હતો. નિફ્ટી પીએસઈમાં ભેલ, આઈઓસી, એચપીસીએલ, નાલ્કો, એનએચપીસી, ઓઈલ ઈન્ડિયમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.2 ટકા ઉછળ્યો હતો. જેમાં હેમિસ્ફિઅર ઈન્ડેક્સ 5 ટકા પોઝીટીવ બંધ આવ્યો હતો. બીજી બાજુ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટી, ઓબેરોય રિઅલ્ટી, સનટેક રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.23 ટકા પોઝીટીવ બંધ જળવાયો હતો. નિફ્ટી કોમોડિટીઝ ઈન્ડેક્સ 0.77 ટકા મજબૂતી સાથે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઈન્ફ્રા 1.09 ટકા સુધારો સૂચવતો હતો. નિફ્ટી ફાર્મા 0.25 ટકા મજબૂત જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.14 ટકા પોઝીટીવ જોવા મળતો હતો. જ્યારે નિફ્ટી ઓટો એક ટકા ડાઉન જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો વોડાફોન આઈડિયા 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, બીપીસીએલ, ડીએલએફ, મહાનગર ગેસ, જીએનએફસી, મૂથૂત ફાઈનાન્સ, ભેલ, તાતા કોમ્યુનિકેશન, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિંદ કોપર, ઈન્ડિયન હોટેલ્સ, મેક્સ ફાઈનાન્સિયલ, આરઈસીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, પેટ્રોનેટ એલએનજી, એસબીઆઈ કાર્ડ્સ, ડિક્સોન ટેક્નોલોજી, આઈડીએફસી, ઈન્ડિયામાર્ટ, યૂપીએલ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, એલએન્ડટી ફાઈનાન્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, કોરોમંડલ ઈન્ટરનેશનલેમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સ્વાન એનર્જી, બીએસઈ, વેલસ્પન ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. જ્યારે પેટ્રોનેટ, યૂપીએલ, નવીન ફ્લોરિન નવા તળિયે ટ્રેડ દર્શાવતાં હતાં.
શેર્સમાં તેજી પાછળ સેબીની ફિનફ્લ્યુઅન્સર્સ પર ચાંપતી નજર
માર્કેટ રેગ્યુલેટરે ગયા સપ્તાહે જ મોહમ્મદ નસરુદ્દીન અંસારી અને તેની અન્ય બે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવા સાથે રૂ. 17.2 કરોડના રિફંડનો આદેશ આપ્યો હતો
દેશમાં ફાઈનાન્સિયલ ઈન્ફ્યુઅન્સર્સ પર સેબીની કડકાઈમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ગયા સપ્તાહે જ માર્કેટ રેગ્યુલેટરે સોશ્યલ મિડિયા પર બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા આવા સ્ટોક એડવાઈઝર્સ પર તવાઈમાં મોટી રકમના રિફંડનો આદેશ આપ્યો હતો.
સેબીએ ગયા સપ્તાહે મોહમ્મદ નસરુદ્દીન અંસારી અને તેની સાથે સંકળાયેલી અન્ય બે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવા સાથે રૂ. 17.2 કરોડના રિફંડનો આદેશ આપ્યો હતો. આ રકમ તેણે તેના ફોલોઅર્સ પાસેથી મેળવી હતી. અંસારીની યુટ્યુબ ચેનલ પાંચ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. તેનું વેબ પોર્ટલ એજ્યૂકેશ્નલ ટ્રેનીંગના ઓથા હેઠળ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ પૂરું પાડતું હતું એમ સેબીએ નોંધ્યું હતું. સેબીના ઓર્ડરમાં કેપિટલ માર્કેટમાં ત્રણ હાઈ પ્રોફાઈલ તવાઈ જોવા મળી હતી. કોવિડ સમયગાળા પછી માર્કેટમાં રિટેલ બૂમ પાછળ અનેક યુવાન રોકાણકારો શેર માટે ટિપ્સ માટે સોશ્યલ મિડિયાની લતે ચડી ગયા હતાં. જેની પાછળ અંસારી જેવા ઈન્ફ્લુઅન્સર્સેને મોકળું મેદાન મળી ગયું હતું. તેઓ જરૂરી રજિસ્ટ્રેશન વિના જ ઈન્વેસ્ટર્સને વિવિધ સેવા આપવા લાગ્યાં હતાં. જેને કારણે અનેક રોકાણકારોએ ખોટી ટિપ્સ પાછળ તેમની પરસેવાની કમાણી ગુમાવવાનું પણ બન્યું હતું.
માર્ચ 2020થી અત્યાર સુધીમાં દેશના નિફ્ટી 50 ઈન્ડેક્સમાં ડોલર સંદર્ભમાં 130 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જે MSCI ઓલ કંટ્રી વર્લ્ડ ઈન્ડેક્સની સરખામણીમાં બમણી વૃદ્ધિ દર્શાવતો હતો. શેરબજારમાં સ્મોલ-કેપ અને મીડ-કેપ શેર્સમાં તેનાથી પણ વધુ તેજી જોવા મળી હતી. જેની પાછળ શેરબજારમાં નવા રોકાણકારોના પ્રવેશમાં એક પ્રકારે વિસ્ફોટ જોવા મળ્યો હતો. સેબીએ વારંવાર રોકાણકારોને સોશ્યલ મિડિયા પર ખોટી એડવાઈઝ આપનારાઓથી બચવા માટે ચેતવણી ઉચ્ચારી હતી. જોકે, આમ છતાં રોકાણકારો લેભાગુઓનો ભોગ બનતાં રહ્યાં હતાં. સેબીએ અત્યાર સુધીમાં કુલ 29 અનરજિસ્ટર્ડ કંપનીઓ પર ભલામણો કરવા બદલ પગલાં ભર્યાં છે. જેમાં લોકપ્રિય ઈન્ફ્લુઅન્સર પી આર સુંદરનો સમાવેશ થાય છે. તેની પર સેબીઅ રૂ. 47 લાખનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત સેબીએ પ્રોફિટ ગુરુ પર પ્રતિબંધ મૂકવા સાથે તેના ફાઉન્ડર સતીષ ગુરુ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
સપ્ટેમ્બરમાં ટોચની બેંક્સની માંડવાળીમાં ઊંચી વૃદ્ધિ
14 બેંક્સના ડેટામા સાત ટોચની બેંક્સમાંથી પાંચ બેંક્સે પરિણામોમાં ઊંચી માંડવાળી નોંધાવી છે
બેંક્સની ઊંચી માંડવાળીને કારણે જ ગ્રોસ એનપીએ 10-વર્ષોના તળિયે જોવા મળી રહી છે
દેશની ટોચની પ્રાઈવેટ અને પબ્લિક સેક્ટર બેંક્સે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમની લોનની માંડવાળીમાં વૃદ્ધિ દર્શાવી છે. ટોચની સાતમાંથી પાંચ બેંક્સે વર્ષ અગાઉની સરખામણીમાં તેમના તાજેતરના ક્વાર્ટરલી પરિણામોમાં ઊંચી માંડવાળી દર્શાવી હતી એમ 14-બેંક્સનો અભ્યાસ સૂચવે છે. ટોચની સાત બેંક્સમાં એચડીએફસી બેંક, ICICI બેંક્સ, એક્સિસ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંકનો સમાવેશ થાય છે.
જ્યારે પણ બેંકને એવું લાગે છે કે હવે બોરોઅર્સ પાસેથી નાણા પરત મેળવી શકાય એમ નથી ત્યારે તેઓ લોન્સની માંડવાળી કરતાં હોય છે. સામાન્યરીતે, બેંક્સ તેમની લોન માંડવાળીની 100 ટકા રકમનું પ્રોવિઝન કરવાનું રહેતું હોય છે. જે તેમની નફાકારક્તા પર અસર કરતું હોય છે. દેશમાં સૌથી મોટી પ્રાઈવેટ બેંક એચડીએફસીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગયા વર્ષના રૂ. 3000 કરોડની સરખામણીમાં રૂ. 3250 કરોડની માંડવાળી કરી હતી. જ્યારે ICICI બેંકે ગયા વર્ષે રૂ. 1103 કરોડની માંડવાળીની સરખામણીમાં રૂ. 1922 કરોડની માંડવાળી કરી હતી. એક્સિસ બેંકે રૂ. 2,671 કરોડની માંડવાળી કરી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1700 કરોડ પર જોવા મળતી હતી.
જાહેર ક્ષેત્રની બેંક્સની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3665 કરોડની લોન માંડવાળી કરી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2614 કરોડ પર હતી. કેનેરા બેંકે ગયા વર્ષની રૂ. 2798 કરોડની માંડવાળી સામે ચાલુ વર્ષે રૂ. 2889 કરોડની માંડવાળી કરી હતી. મોટી બેંક્સ જેમની માંડવાળીમાં વૃદ્ધિ નથી જોવા મળી તેમાં ઈન્ડ્સઈન્ડ બેંકનો સમાવેશ થાય છે. બેંક્સની માંડવાળી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 535 કરોડ પર હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1168 કરોડ પર હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં રૂ. 8599 કરોડની સરખામણીમાં રૂ. 6018 કરોડની માંડવાળી દર્શાવી હતી.
કેટલીક મધ્યમ અને નાના કદની બેંક્સમાં માંડવાળીનું ચિત્ર મિશ્ર જોવા મળી રહ્યું છે. જેમાં પીએસયૂ બેંક સેન્ટ્રલ બેંક ઓઉ ઈન્ડિયાની વાત કરીએ તો તેણે રૂ. 2045 કરોડની માંડવાળી દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 9514 કરોડ પર હતી. આઈડીબીઆઈ બેંકની માંડવાળી ગયા વર્ષે રૂ. 5209 કરોડની સામે ચાલુ વર્ષે રૂ. 94 કરોડ રહી હતી. યસ બેંકે ગયા વર્ષે રૂ. 15,995 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 2446 કરોડની માંડવાળી દર્શાવી હતી. RBL બેંકની વાત કરીએ તો ગયા વર્ષે રૂ. 578 કરોડની સામે ચાલુ વર્ષે રૂ. 339 કરોડની માંડવાળી રહી હતી. જ્યારે ફેડરલ બેંકે ગયા વર્ષે રૂ. 185 કરોડની સામે ચાલુ વર્ષે માત્ર રૂ. 13 કરોડ માંડવાળ કર્યાં હતાં. આની સામે કરુર વૈશ્ય બેંકે ગયા વર્ષે રૂ. 199 કરોડની સામે ચાલુ વર્ષે રૂ. 710 કરોડની માંડવાળી નોંધાવી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ 2022-23માં ભારતીય બેંક્સે કુલ રૂ. 2.09 કરોડની બેડ લોન્સ માંડવાળ કરી હતી. જે સાથ પાંચ વર્ષોમાં તેમણે કુલ રૂ. 10.57 લાખ કરોડની બેડ લોન્સ માંડવાળ કરી હતી. માંડવાળીના કારણે જ બેંક્સની ગ્રોસ-એનપીએ માર્ચ 2022-23માં 3.9 ટકાના 10-વર્ષના તળિયા પર જોવા મળી હતી.
PSU બેંક્સની સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માંડવાળી
બેંક માંડવાળી(2022) માંડવાળી(2023)
પીએનબી 2614 3665
કેનેરા બેંક 2798 2889
સેન્ટ્રલ બેંક 9514 2045
યુનિયન બેંક 8599 6018
આઈઓબી 1287 3500
ઝી એન્ટરટેઈનમેન્ટના પુનિત ગોએન્કાને SATની રાહત
સેબીના આદેશ વિરુધ્ધ ટ્રિબ્યુનલના ચૂકાદાથી ગોએન્કા હવે મર્જ્ડ કંપનીમાં એમડી બની શકશે
સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યૂનલ(SAT)એ સોમવારે માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઝી એન્ટરટેઈનમેન્ટના પ્રમોટર પુનિત ગોએન્કાને જૂથની ચાર કંપનીઓ તેમજ સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા સાથેની મર્જ્ડ કંપનીમાં ટોચનું સ્થાન સંભાળવા પર મૂકેલા પ્રતિબંધ વિરુધ્ધમાં ચૂકાદો આપી મોટી રાહત આપી છે. આ ચૂકાદા પછી પૂનિત ગોએન્કા હવે મર્જ્ડ કંપનીમાં હવે મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સંભાળી શકશે.
તેમના આદેશમાં ન્યાયાધીશ તરુણ અગ્રવાલે ગોએન્કાને તપાસમાં સહયોગ આપવા જણાવવા સાથે ઉમેર્યું હતું કે જો તપાસમાં કોઈપણ પ્રકારને ગેરરિતી માલૂમ પડશે તો માર્કેટ રેગ્યુલેટર યોગ્ય પગલાં ભરી શકશે. ઓગસ્ટમાં એક ઓર્ડરમાં સેબીએ જણાવ્યું હતું કે પ્રમોટર્સની નજીકની કંપનીઓ તરફથી નાણાની ઉચાપતના કિસ્સાને લઈ તે આંઠ મહિનામાં તપાસને પૂરી કરશે. આ મામલો ગોએન્કાના પિતા તથા એસ્સેલ જૂથના ભૂતપૂર્વ ચેરમેન સુભાષચંદ્ર તરફથી યસ બેંક સાથે રૂ. 200 કરોડની એફડી સાથે જોડાયેલો છે. સેબીએ અગાઉ જૂનમાં એક વચગાળાના આદેશમાં ચંદ્ર અને ગોએન્કાને તમામ લિસ્ટેડ કંપનીઓમાં મહત્વની પોઝીશન જાળવવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે, સેટે સેબીને ઝી પ્રમોટર્સને હિઅરીંગ માટેની તક માટે આદેશ આપ્યો હતો. તેમજ બે મહિનામાં નવો આદેશ જારી કરવા જણાવ્યું હતું. જેના અનુસંધાનમાં સેબીએ ઓગસ્ટમાં આંઠ મહિનામાં તપાસ પૂરી કરવાની ખાતરી આપતો આદેશ આપ્યો હતો.
ઓડિશામાં ધામરા એલએનજી ટર્મિનલ અદાણીએ સંપૂર્ણપણે પ્રમોટરના પૈસે બનાવ્યું
ટર્મિનલ માટે જાહેર સાહસો આઈઓસી કે ગેઈલ તરફથી કોઈપણ પ્રકારના કમિટમેન્ટ નથી કરાયું
દાણી ગ્રૂપે ઓડિશામાં ધામરા એલએનજી ટર્મિનલ સંપૂર્ણપણે પ્રમોટરના ફાઈનાન્સથી બનાવ્યું હોવાનું વર્તુળો જણાવે છે. તેમના મતે જૂથે જાહેર સાહસો ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કે ગેઈલ પાસેથી કોઈપણ પ્રકારનું ફાઈનાન્સિયલ અન્ડરટેકિંગ અથવા ગેરંટીઝ લીધાં નથી. જૂથની પોઝીશનને લઈ સ્પષ્ટતા કરતાં વર્તુળોએ જણાવ્યું હતું કે જાહેર સાહસો ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કે ગેઈલે નવી બાંધવામાં આવેલી સુવિધા ખાતે ભાડેથી ક્ષમતા લીધી હતી. જે તેમણે ગુજરાતમાં દહેજ સ્થિત જૂની અને ઘસારો ધરાવતી સુવિધા કરતાં નીચા દરે મેળવી હતી. ત્રિણામૂલ કોંગ્રેસના સાંસદ અને હાલમાં સંસદમાં કેશ ફોર કેરી મુદ્દે એથિક્સ કમિટીની તપાસનો સામનો કરી રહેલા મહુઆ મિત્રાની ટિપ્પણીના પ્રતિભાવમાં આ ખૂલાસો કરવામાં આવ્યો હતો. તેણીએ ફિક્સ્ડ પ્રાઈસ પર ગેસ ખરીદવાના કમિટમેન્ટ્સ અને નાણાકિય સમર્થન પાછળ ટર્મિનલ બાંધવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
મોઈત્રાના આઈઓસી તરફથી તમિલનાડુના એન્નોર ખાતે બાંધવામાં આવેલી સમાન કદની સુવિધા માટે થયેલા રૂ. 5000 કરોડના ખર્ચની સરખામણીમાં અદાણીના ધામરા એલએનજી ટર્મિનલનો ખર્ચ ઊંચો હોવાના આક્ષેપના જવાબમાં વર્તુળોએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ખર્ચ રૂ. 6450 કરોડ રહ્યો હતો. ટર્મિનલનો ઉપયોગ એલએનજી સ્વરૂપમાં નેચરલ ગેસને આયાત કરવા માટે બનાવવામાં આવ્યું છે. વર્તુળોના જણાવ્યા મુજબ પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન આઈઓસી કે ગેઈલ તરફથી કોઈ રોકડ કે બેંક ગેરંટી આપવામાં આવી નહોતી. પ્રોજેક્ટને સંપૂર્ણપણે ધામરા એલએનજી ટર્મિનલના શેરધારકો તરફથી ઈક્વિટી અને ડેટ મારફતે ફાઈનાન્સ કરવામાં આવ્યું હતું એમ વર્તુળોએ જણાવ્યું હતું. જેણે આઈઓસી અને ગેઈલે રૂ. 46500 કરોડ ચૂકવ્યાં હોવાના મોઈત્રાના આક્ષેપને તેમણે ફગાવ્યો હતો. આઈઓસીએ 2015માં ટર્મિનલના 50 લાખ ટનની ક્ષમતાનો 60 ટકા ઉપયોગ કરવા માટે કરાર કર્યો હતો. કંપનીએ પશ્ચિમ બંગાળની હલ્દિયા અને ઓડિસાના પારાદિપ સ્થિત તેની રિફાઈનરીઝ માટે ગેસ આયાત કરવા માટે આ કરાર કર્યો હતો. વર્તુળોના મતે તેનું ભાડું અને કોમર્સિયલ ટર્મ્સ સ્પર્ધાત્મક બેન્ચમાર્કિંગ મારફતે હાથ ધરવામાં આવ્યું હતું.
ભાજપ 2024 ચૂંટણી હારશે તો શેરબજારમાં 25 ટકા સુધીનો ઘટાડોઃ ક્રિસ વૂડ
વૂડના મતે મોદી સરકારે રજૂ કરેલા પાયાના સુધારાઓને પરત ખેંચવા કઠિન
જાણીતા માર્કેટ સ્ટ્રેટેજીસ્ટ ક્રિસવૂડના મતે જો 2024 સામાન્યસભાની ચૂંટણીમાં ભાજપની હાર થશે તો ભારતીય શેરબજારમાં 25 ટકા સુધીનો ઘટાડો શક્ય છે. તેમણે રોકાણકારોને ચૂંટણી પૂર્વે લેવરેજ્ડ પોઝીશન નહિ લેવા માટે સૂચન કર્યું હતું.
ગ્લોબલ બ્રોકરેજ જેફરિઝના માર્કેટ સ્ટ્રેટેજીસ્ટ વૂડે નોંધ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર બહુમતી મેળવવામાં નિષ્ફળ જશે તો બજારમાં એકવાર તીવ્ર પેનિક સંભવ છે. તેઓ 2024ની ચૂંટણીને 2004માં બાજપાઈના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર વખતની ચૂંટણી સાથે સરખાવી રહ્યાં છે. 2004માં ફિલ ગુડ ફેક્ટર વચ્ચે એનડીએ સરકારની હાર થઈ હતી અને શેરબજારમાં 20 ટકાથી વધુનો કડાકો બોલાયો હતો. જોકે બજારમાં તીવ્ર તેજીના મોમેન્ટમને કારણે તેણે તીવ્ર બાઉન્સ દર્શાવ્યું હતું. વૂડે દર્શાવ્યું હતું કે મોદી સરકારે રજૂ કરેલા પાયાના સુધારાઓને પરત ખેંચવા કઠિન છે. ચૂંટણીઓને લઈ સાવચેતી વચ્ચે ક્રિસે જણાવ્યું હતું કે ભારત ઈમર્જિંગ બજારોમાં સૌથી મજબૂત ગ્રોથ સ્ટોરી છે. ખાસ કરીને એશિયામાં તે હરિફો કરતાં ખૂબ મજબૂત જણાય છે. તેમણે રોકાણકારોને ભારતમાં લાંબાગાળા માટે સ્ટ્રક્ચરલ હાજરી જાળવી રાખવા માટે જણાવ્યું હતું.
ટેક્સટાઈલ શેર્સમાં 9 ટકા સુધીનો ઉછાળો
સ્થાનિક સ્તરે મજબૂત માગ તથા નિકાસ માગ પણ સારી જોવા મળે તેવી આશા પાછળ ટેક્સટાઈલ શેર્સમાં સોમવારે 9 ટકા સુધીની વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં વેલસ્પન લિવીંગ, ઈન્ડો કાઉન્ટ ઈન્ડસ્ટ્રીઝ અને હિંમતસીંગકા સીડ જેવા કાઉન્ટર્સમાં 6-9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. બીજી બાજુ, બેન્ચમાર્ક્સમાં 0.5 ટકા સુધારો જોવા મળી રહ્યો હતો. વર્તુળોના મતે તાજેતરમાં કોટનના ભાવ વાજબી સ્તરે જોવા મળી રહ્યાં છે, જેને કારણે યાર્ન ઉત્પાદકોને લાભ થઈ રહ્યો છે. બીજી બાજુ, લાંબા સમય પછી માગ મજબૂત જોવા મળે છે. ખાસ કરીને સ્થાનિક કાપડ મિલ્સની પૂછપરછ સારી નીકળી છે.
ગોલ્ડમાં ઊંચા ભાવ પાછળ માગમાં તીવ્ર ઘટાડો
તાજેતરમાં ભાવ ઉછળતાં કેશ અને બિલ વચ્ચેનો ગાળો ફરી 3 ટકા નજીક પહોચ્યો
સોમવારે અમદાવાદ બજારમાં ગોલ્ડના ભાવ રૂ. 63200ની સપાટીએ જોવા મળ્યો
તાજેતરમાં સોનના ભાવમાં જોવા મળેલા તીવ્ર ઉછાળા પાછળ તહેવારોમાં ખરીદી માટે રાહ જોઈ બેઠેલા વર્ગ માટે મૂંઝવણ ઊભી થઈ છે. બુલિયન માર્કેટના વર્તુળોના મતે ગયા સપ્તાહથી માર્કેટમાં ખરીદી ખૂબ પાંખી જોવા મળી રહી છે. તેમના મતે મોટાભાગનો વર્ગ ગોલ્ડમાં ઘટાડાની રાહ જોઈને બેઠો હતો. જોકે, ઈઝરાયેલ-હમાસ વચ્ચે જંગ ફાટી નીકળતાં ગોલ્ડ ઉછળ્યું હતું અને ખરીદારો ફરી બજારમાં ભાવ ઘટાડાની રાહ જોઈ રહ્યાં છે.
સોમવારે અમદાવાદ બુલિયન બજારમાં ગોલ્ડના ભાવ રૂ. 63200 પ્રતિ 10 ગ્રામ પર બોલાતાં હતાં. જે ગયા શનિવારની સરખામણીમાં રૂ. 200નો ઘટાડો સૂચવતાં હતાં. જોકે, ખરીદી નહિવત હતી. જ્યારે કેશમાં ભાવ રૂ. 61800 પર બોલાતાં હતાં. આમ, લગભગ અઢી ટકાથી વધુનો ગાળો ઊભો થયો હતો. જે તાજેતરમાં સૌથી ઊંચો છે. સામાન્યરીતે વર્ષમાં બેથી ત્રણવાર આ પ્રકારની ઘટના ઘટતી હોય છે. જે વખતે કેશ અને બિલ વચ્ચેનો ગાળો લંબાઈ જાય છે.
બુલિયન વર્તુળોના મતે લગભગ મહિના અગાઉ જ્યારે સોનાના ભાવ ઘટી રહ્યાં હતાં ત્યારે ખરીદી સારી હતી. જેઓને ચોક્કસ મૂહૂર્તમાં ખરીદવાનો આગ્રહ નહોતો તેમણે નોંધપાત્ર ખરીદી કરી હતી. જોકે, એક વર્ગ વધુ ઘટાડાની રાહ જોઈને બેઠો હતો. તેના મતે દિવાળી સુધીમાં ભાવ વધુ ઘટશે એમ હતું. જોકે, તેનાથી ઊલટું, જીઓપોલિટીકલ કટોકટી પાછળ ભાવ એકદમ ઉછળ્યાં હતાં અને મોટાભાગનો વર્ગ ઘટાડે ખરીદી કરી શક્યો નહોતો. જે હાલમાં રહી ગયાની લાગણી અનુભવી રહ્યો છે. તહેવારોના શુકનના દિવસોમાં તેઓ ભાવમાં ઘટાડા માટે રાહ જુએ તેવી શક્યતાં છે. હાલમાં, વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવ તેની ટોચની સપાટીએથી 3 ટકા નીચે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે ભારતીય બજારમાં તે ટોચની સપાટી નજીક પહોંચી ચૂક્યાં છે. ડોલર સામે રૂપિયામાં ઘટાડો દિવાળી પહેલાં ભારતીય બજારમાં ભાવોને વધુ મજબૂત બનાવે તેવી શક્યતાં જોવાઈ રહી છે.
અદાણી ગ્રીનનો નેટ પ્રોફિટ 149 ટકા ઉછળી રૂ. 371 કરોડ રહ્યો
અદાણી જૂથની ગ્રીન એનર્જી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 371 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં નફાની સરખામણીમાં 149 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ રૂ. 2589 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 1684 કરોડની સરખામણીમાં 53.7 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
કંપનીએ બીજા ક્વાર્ટરમાં 573.7 કરોડ યુનિટ્સ એનર્જીનું વેચાણ નોંધાવ્યું હતું. જેની પાછળ મજબૂત ક્ષમતા વપરાશ અને સોલાર, વિન્ડ અને હાઈબ્રીડ પોર્ટફોલિયોમાં સુધરેલું સીયૂએફ કારણભૂત હતું. આકર્ષક દેખાવ છતાં કંપનીએ ક્વાર્ટર દરમિયાન રૂ. 16 કરોડની ખોટ દર્શાવી હતી એમ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું. અદાણી ગ્રીનના સીઈઓ અમીત સિંઘના જણાવ્યા મુજબ કંપનીના દેખાવમાં તમામ મોરચે સુધારો જોવા મળ્યો હતો. કંપનીએ ગુજરાતમાં ખાવડા ખાતે 5000થી વધુ વર્કફોર્સને નિયુક્ત કર્યો છે. જ્યાં તે વિશ્વમાં સૌથી મોટી રિન્યૂએબલ ક્ષમતા ઊભી કરી રહી છે. કંપની 1.5 અબજ ડોલર ઊભા કરવા માટેનું આયોજન કરી રહી છે. જેમાંથી મોટો હિસ્સો ફ્રેન્ચ એનર્જી જાયન્ટ ટોટલએનર્જિસ પાસેથી મેળવે તેવી શક્યતાં છે. કંપની આ ફંડમાંથી 75 કરોડ ડોલરનો ઉપયોગ બોન્ડ્સની પુનઃચૂકવણીમાં કરશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
લાર્સન એન્ડ ટુબ્રોઃ ટોચની ઈપીસી કંપનીએ રૂ. 2500 કરોડથી રૂ. 5000 કરોડની કેટેગરીમાં મોટા ઓર્ડર્સ મેળવ્યાં છે. જેમાં કંપનીના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ડિવિઝને મોટા ઓર્ડર્સ મેળવ્યાં છે. કંપનીએ છત્તીસગઢમાં ટ્રાન્સમિશન લાઈન માટે ઓર્ડર મેળવ્યો છે. જ્યારે સાઉદી અરેબિયામાં ટર્નકી કન્સ્ટ્રક્શન ઓર્ડર મેળવ્યો છે. ઉપરાંત, મલેશિયામાં પણ તેણે કોન્સોર્ટિયમ હેઠળ પાવર ટ્રાન્સમિશન કેપેસિટી માટે ઓર્ડર મેળવ્યો છે.
KIMS: પીઈ કંપની બ્લેકસ્ટોન-ટીપીજી સમર્થિત ક્વોલિટી કેર ઈન્ડિયાએ 40 કરોડ ડોલરમાં KIMSની ખરીદી કરી છે. KIMS કેર હોસ્પિટલ્સના નામે હોસ્પિટલ નેટવર્ક ઓપરેટ કરે છે. બંને પીઈ કંપનીઓએ કિમ્સહેલ્થ સાથે 80 ટકા હિસ્સો ખરીદવા માટે કરાર કર્યો છે. બ્લેકસ્ટોનનું કુલ ઈન્વેસ્ટમેન્ટ 1 અબજ ડોલરને પાર કરી જશે. કિમ્સહેલ્થ ભારતની ટોચની હોસ્પિટલ્સ ચેઈનમાંની એક છે. જે 4000થી વધુ બેડ ધરાવે છે.
ઝાયડસ લાઈફસાયન્સિઝઃ ટોચની ફાર્મા કંપનીએ જણાવ્યું છે કે તેણે ક્રોનિક કિડની ડિસિઝ(સીકેડી) સાથે સંકળાયેલા એનિમિયાની ઓરલ સારવારમાં વપરાતી દવાના દેશમાં વેચાણ માટે સન ફાર્મા સાથે સહયોગ સાધ્યો છે. કંપનીઓ ભારતમાં ઈનોવેટીવ ડ્રગ ડેસિડ્યૂસ્ટાટના કો-માર્કેટિંગ માટે લાયસન્સિંગ એગ્રીમેન્ટમાં પ્રવેશી છે એમ ઝાયડસે રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું.
HCL ટેક્નોલોજીઃ ટોની આઈટી કંપનીએ બ્રાઝિલની બાન્કો ડો બ્રાઝિલ સાથે ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને સપોર્ટ માટે કરારની જાહેરાત કરી હતી. સાથે બેંક માટે કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ અને સેલ્સફોર્સના અમલીકરણ માટે પણ સહાયતા કરશે. બાન્કો ડો બ્રાઝિલ એ સાઉથ અમેરિકાની ટોની બેંક્સમાંની એક છે. જોકે, આ કરાર કેટલાં મૂલ્યનું છે તેની માહિતી ટેક્નોલોજી કંપનીએ નહોતી આપી.