Market Summary 31 August 2022

બ્લોગ કન્ટેન્ટ

ક્રૂડ અને સોનું વધુ ગગડ્યાં, ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી
યુએસ-ઈરાન વચ્ચે ન્યૂકલિયર ડીલ મુદ્દે પોઝીટીવ ડેવલપમેન્ટ બાદ બ્રેન્ટ 94 ડોલર પર પટકાયું
કોમેક્સ સ્પોટ ગોલ્ડ ગગડી 1720 ડોલરની નીચે ઉતરી ગયું
ડોલર ઈન્ડેક્સ 109ની સપાટી પર પરત ફર્યો

વૈશ્વિક કોમોડિટીઝ માર્કેટમાં નરમાઈ જળવાય છે. જેમાં ક્રૂડમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી છે. યુએસ અને ઈરાન વચ્ચે ન્યૂકલિયર ડીલ મુદ્દે પોઝીટીવ અહેવાલો પાછળ ક્રૂડ ગગડ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવાર રાતે ફરી 100 ડોલર નીચે ઉતરી ગયો હતો અને બુધવારે વધુ ગગડી 94 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. બીજી બાજુ ગોલ્ડમાં પણ વેચવાલી જળવાય હતી અને કોમેક્સ સ્પોટ ગોલ્ડ 1715 ડોલર પર ફરી મહિનાના તળિયા પર જોવા મળ્યુ હતું. જ્યારે ડોલર ઈન્ડેક્સ ઉછળીને 109.16ની ટોચ પર ટ્રેડ થયો હતો.
વર્તુળોના જણાવ્યા મુજબ યુએસ અને ઈરાન વચ્ચે ટૂંકમાં જ નવેસરથી ન્યૂકલિયર ડિલ સાઈન થવાની સંભાવના છે. જેની પાછળ ઈરાન પરના પ્રતિબંધો દૂર થઈ શકે છે. જે સ્થિતિમાં વૈશ્વિક ક્રૂડ સપ્લાયમાં ઉમેરો જોવા મળશે. જેની પાછળ ક્રૂડમાં બે સત્રોમાં લગભગ 10 ડોલરનું ગાબડું પડ્યું હતું. આઈએઈએના જણાવ્યા મુજબ 2015નું ડિલ ફરીથી અસ્તિત્વમાં આવતાં ઈરાનનો વૈશ્વિક વેપાર ફરી ખૂલશે. નવા ડિલ અંગેની શરતો આગામી બેથી ત્રણ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. જોકે બીજી બાજુ ઈરાન તરફથી હજુ પણ આ પ્રકારના ડીલનો ઈન્કાર કરવામાં આવતો હતો. ઈરાની અધિકારીઓના મતે જ્યાં સુધી આઈએઈએ તેની તપાસ બંધ નહિ કરે ત્યાં સુધી કોઈ ડીલ હાથ ધરાય તેવી શક્યતાં નથી. બજારે જોકે આ અહેવાલને પોઝીટીવ પ્રતિક્રિયા આપી હતી અને ક્રૂડ સાથે ગોલ્ડ પણ ગગડ્યું હતું. ગોલ્ડના ભાવ ફરી જુલાઈ મહિનાના તળિયા નજિક પહોંચી ગયા છે અને જો તે 1700 ડોલરનું સ્તર તોડશે તો 1680-1690 ડોલર સુધી ગગડી શકે છે. જ્યાં તેને સપોર્ટ સાંપડી શકે છે. ડોલર ઈન્ડેક્સ 109.44ની તેની સોમવારની ટોચને પાર કરી જશે તો વધુ સુધારો દર્શાવે તેવી સંભાવના છે.
શેરબજારમાં ગેપડાઉન ઓપનીંગ જોવાશે
બુધવારે ભારતીય બજાર બંધ હતું તે દરમિયાન વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે સિંગાપુર નિફ્ટીમા તીવ્ર ઘટાડો જોવા મળતો હતો. મંગળવારે ભારતીય બજાર બંધ થયું ત્યારબાદ એસજીએક્સ નિફ્ટી સતત ગગડતો જોવા મળ્યો હતો. બુધવારે સવારે તે 300થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવી રહ્યો હતો. જેમાં બપોર બાદ સાધારણ બાઉન્સ દર્શાવી રહ્યો હતો. આમ ગુરુવારે સ્થાનિક બજારમાં કામકાજની શરૂઆત નિફ્ટીમાં 150 પોઈન્ટ્સ આસપાસની નરમાઈ સાથે જોવા મળે તેવી શક્યતાં બજાર વર્તુળો જોઈ રહ્યાં છે.


જૂન ક્વાર્ટરમાં 13.5 ટકાનો મજબૂત GDP ગ્રોથ રેટ
અગાઉ જૂન 2021-22 ક્વાર્ટરમાં 20.1 ટકાના વૃદ્ધિ દર પછી સૌથી ઊંચું વિસ્તરણ
જોકે આરબીઆઈ નિર્ધારિત 16.2 ટકાના અંદાજ સામે વૃદ્ધિ દર નીચો

ભારતીય અર્થતંત્રે એપ્રિલ-જૂન દરમિયાન, નાણા વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં 13.5 ટકાનો મજબૂત દ્વિઅંકી જીડીપી વૃદ્ધિ દર દર્શાવ્યો છે. જે છેલ્લાં એક વર્ષમાં સૌથી ઊંચો ત્રિમાસિક વૃદ્ધિ દર છે. અગાઉ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં 20.1 ટકાનો જીડીપી ગ્રોથ રેટ જોવા મળ્યો હતો. કેલેન્ડર 2022માં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે 4.1 ટકા પર જોવા મળ્યો હતો. નીચી બેઝ ઈફેક્ટને કારણે ભારતીય અર્થતંત્ર દ્વિઅંકી ગ્રોથ-રેટ દર્શાવે તેવી અપેક્ષા રાખવામાં આવતી જ હતી.
નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસે બુધવારે રજૂ કરેલો 13.5 ટકાનો ગ્રોથ રેટ વાર્ષિક ધોરણે સૌથી ઊંચો હોવા છતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 16.2 ટકાના અંદાજની સરખામણીમાં નીચો જોવા મળ્યો હતો. જો અંતિમ આંકડાની રીતે જોઈએ તો જૂન ક્વાર્ટરમાં નોમીનલ જીડીપી અથવા કરન્સ પ્રાઈસ પર જીડીપી રૂ. 64.95 લાખ કરોડ રહ્યો હોવાનો અંદાજ છે. જે 2021-22 દરમિયાન સમાનગાળામાં રૂ. 51.27 લાખ કરોડ પર હતો. આમ તે 26.7 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જે 2021-22ના જૂન ક્વાર્ટરમાં 32.4 ટકાની વાર્ષિક વૃદ્ધિ સૂચવી રહ્યો હતો. અગાઉ એપ્રિલ-જૂન 2021 દરમિયાન ભારતીય જીડીપીએ 20.1 ટકાનો ઊંચો વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો. જેની પાછળ અગાઉના વર્ષે મહામારીને કારણે આર્થિક વૃદ્ધિ દરમાં જોવા મળેલો તીવ્ર ઘટાડો હતો. ઈન્ટરેસ્ટ રેટ્સમાં છેલ્લાં કેટલાંક મહિનાઓમાં તીવ્ર વૃદ્ધિને કારણે અર્થશાસ્ત્રીઓ તો ભારતીય અર્થતંત્રના વૃદ્ધિ દરમાં તીવ્ર ઘટાડાની શક્યતાં જોઈ રહ્યાં હતાં. રિઝર્વ બેંકે મે મહિનાથી અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડમાં રેપો રેટમાં 140 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ નોંધાવી છે. તેમજ વૈશ્વિક સ્તરે આર્થિક મંદીને કારણે સ્થાનિક વૃદ્ધિ દર પર પ્રતિકૂળ અસરની ચેતવણી પણ ઉચ્ચારી છે. અર્થશાસ્ત્રીઓ તથા બેંકર્સ આગામી મહિને મળનારી આરબીઆઈ બેઠકમાં 50 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યાં છે. જ્યારે ત્યાર પછી ડિસેમ્બર બેઠકમાં 25 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ જોવા મળશે તેવો મત ધરાવે છે. કુલ આર્થિક પ્રવૃત્તિઓમાં 55 ટકા હિસ્સો ધરાવતાં કન્ઝ્યૂમર સ્પેન્ડિંગને ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. રેટિંગ એજન્સી ઈકરાએ જૂન ક્વાર્ટરમાં 13 ટકા જીડીપી વૃદ્ધિ દરની અપેક્ષા દર્શાવી હતી. જ્યારે એસબીઆઈએ તેના ઈકોનોમિક આઉટલૂકમાં એપ્રિલ-જૂન દરમિયાન 15.7 ટકા રેટનો અંદાજ બાંધ્યો હતો. ભારતના કટ્ટર હરિફ ચીને એપ્રિલ-જૂનમાં 0.4 ટકા જીડીપી ગ્રોથ રેટ નોંધાવ્યો હતો.એપ્રિલ-જુલાઈમાં નાણા ખાધ રૂ. 3.41 લાખ કરોડે જોવા મળી
આરંભિક મહિનાઓમાં ટેક્સની ચોખ્ખી આવક રૂ. 6.66 લાખ કરોડ પર જ્યારે ખર્ચ રૂ. 11.26 લાખ કરોડ પર રહ્યો
પ્રથમ ચાર મહિનામાં સમગ્ર 2022-23 માટે અંદાજિત ખાધનો 20.5 ટકા હિસ્સો

નાણાકિય વર્ષ 2022-23ના શરૂઆતી ચાર મહિના દરમિયાન કેન્દ્ર સરકારની નાણા ખાધ સમગ્ર વર્ષ માટે અંદાજિત આંકડાના 20.5 ટકા પર જોવા મળી છે. એપ્રિલથી જૂનના પ્રથમ ચાર મહિના દરમિયાન તે રૂ. 3.41 લાખ કરોડ પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 21.3 ટકા પર જોવા મળતી હતી. આમ ચાલુ વર્ષે ખાધ પર અંકુશ જોવા મળી રહ્યો છે. નાણાકિય ખાધ મૂળે સરકારની આવક અને ખર્ચનો તફાવત દર્શાવે છે. તે સરકાર તરફથી માર્કેટમાંથી કરવામાં આવતાં બોરોઈંગનું રિફ્લેક્શન છે.
કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ(સીજીએ)એ રજૂ કરેલા આંકડા મુજબ વર્ષના પ્રથમ ચાર મહિનામાં સરકારની ટેક્સ સહિતની કુલ આવક રૂ. 7.85 લાખ કરોડ પર રહી હતી. જે 2022-23ના બજેટમાં અંદાજિત રકમના 34.4 ટકા જેટલી થવા જતી હતી. એક વર્ષ અગાઉ સમાનગાળામાં આ પ્રમાણ 34.6 ટકા પર જોવા મળતું હતું. એપ્રિલથી જૂન દરમિયાન ટેક્સની આવક રૂ. 6.66 લાખ કરોડ પર રહી હતી. જે બજેટમાં અંદાજિત કુલ આવકના 34.4 ટકા જેટલી હતી. ગયા વર્ષે સમાનગાળામાં ટેક્સમાંથી થનારી આવક 34.2 ટકા પર રહી હતી. આમ ચાલુ વર્ષે ટેક્સની આવક સાધારણ ઊંચી જોવા મળી રહી છે. જો ખર્ચની વાત કરીએ તો એપ્રિલ-જૂન દરમિયાન સરકારે કુલ રૂ. 11.26 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. જે બજેટમાં અંદાજિત કુલ વાર્ષિક ખર્ચના 28.6 ટકા જેટલો થવા જાય છે. વર્ષ અગાઉ સમાનગાળામાં પણ સરકારે ટકાવારી સંદર્ભમાં આટલો જ ખર્ચ દર્શાવ્યો હતો. જો કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરીએ તો તે કુલ વર્ષના અંદાજનો 27.8 ટકા થતો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 23.2 ટકા પર હતો. આમ સરકારી ખર્ચમાં શરૂઆતી સમયગાળામાં ઊંચું મોમેન્ટમ જોવા મળ્યું છે. તેમ છતાં ખાધ અંકુશમાં જોવા મળી રહી છે. સમગ્ર 2022-23 માટે ગયા બજેટમાં નાણાપ્રધાને રૂ. 16.61 લાખ કરોડ અથવા તો જીડીપીના 6.4 ટકાની નાણાકિય ખાધનો અંદાજ મૂક્યો હતો.


ચોતરફી માગ વૃદ્ધિએ જુલાઈમાં ક્રેડિટ ગ્રોથ 15.1 ટકા પર જોવા મળ્યો
જૂન મહિનામાં બેંકોનો ક્રેડિટ વૃદ્ધિ દર વધી 14.2 ટકા રહ્યો હતો
માઈક્રો અને સ્મોલ ઉદ્યોગે ક્રેડિટ ગ્રોથમાં 28.3 ટકાની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ
પર્સનલ લોન સેગમેન્ટમાં ક્રેડિટ ગ્રોથ 18.8 ટકા પર જોવા મળ્યો
વાર્ષિક ધોરણે ડિપોઝીટ વૃદ્ધિ દર 9.5-10.2 ટકા રહ્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ડેટા મૂજબ શિડ્યૂલ્ડ કમર્શિયલ બેંક (એસસીબી)ની વાર્ષિક ધોરણે ક્રેડિટ વૃદ્ધિ જુલાઈ મહિનામાં વધીને 15.1 ટકા થઇ છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં માત્ર 5.1 ટકા હતી તથા ત્રિમાસિકગાળા પહેલાં 10.8 ટકા હતી. જોકે, છેલ્લાં પાંચ ત્રિમાસિકગાળામાં કુલ ડિપોઝિટ વાર્ષિક ધોરણે 9.5-10.2 ટકા વચ્ચે રહી છે. જૂન મહિનામાં ક્રેડિટ વૃદ્ધિ દર 14.2 ટકા પર રહ્યો હતો.
મધ્યસ્થ બેંક ડેટા સૂચવે છે કે તમામ સેગમેન્ટ્સમાં ક્રેડિટ ગ્રોથ ઊંચો જોવા મળ્યો છે. જેમાં એગ્રીકલ્ચર અને સંબંધિત કામગીરીઓમાં 13.2 ટકાનો ઊંચો ક્રેડિટ ગ્રોથ નોંધાયો છે. ગયા વર્ષે સમાનગાળામાં તે 11.1 ટકા પર હતો. ઉદ્યોગ ક્ષેત્રે ક્રેડિટ ગ્રોથ જુલાઈમાં 10.5 ટકા રહ્યો હતો. જે જુલાઈ 2021માં 0.4 ટકા પર હતો. કદ મુજબ જોઈએ તો મોટા ઉદ્યોગોની ક્રેડિટ ઓફટેકમાં 5.2 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ગયા વર્ષે સમાનગાળામા તેમાં 3.8 ટકા ઘટાડો જોવા મળતો હતો. મિડિયમ કદના ઉદ્યોગોએ ગયા મહિને 36.8 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે 59 ટકા પર જોવા મળતો હતો. માઈક્રો અને સ્મોલ ઈન્ડસ્ટ્રીઝે 28.3 ટકાનો ક્રેડિટ ગ્રોથ નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 10.5 ટકા પર હતો. સર્વિસ સેક્ટરની વાત કરીએ તો ક્રેડિટ ગ્રોથ સુધરીને 16.5 ટકા પર રહ્યો હતો. જે એક વર્ષ પહેલાં 3.8 ટકા પર હતો. પર્સનલ લોન સેગમેન્ટમાં ક્રેડિટ ગ્રોથ 18.8 ટકા પર રહ્યો હતો. જે ગયા વર્ષે 11.9 ટકા પર હતો. હાઉસિંગ અને વેહીકલ્ લોન્સમાં ઊંચી વૃદ્ધિ પાછળ પર્સનલ લોન્સની માગ વધી હતી.
ડિપોઝિટ વૃદ્ધિ કરતાં ક્રેડિટ વૃદ્ધિ સારી રહેતાં ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો વધ્યો છે. જૂન મહિનામાં આ રેશિયો સમગ્ર ભારતમાં 73.5 ટકા (એક વર્ષ પહેલાં 70.5 ટકા) રહ્યો છે તથા બેંકની મેટ્રોપોલિટન બ્રાન્ચમાં 86.2 ટકા (એક વર્ષ પહેલાં 84.3 ટકા) રહ્યો છે, તેમ આરબીઆઇએ જણાવ્યું છે. ક્રેડિટ વૃદ્ધિ ખૂબ જ વ્યાપક રહી છે, જેમાં ગ્રામિણ, અર્ધશહેરી, શહેરી અને મેટ્રોપોલિટન વગેરે સામેલ છે. આ ઉપરાંત તેમાં તમામ બેંકોના ગ્રૂપ જેમકે ખાનગી, જાહેર ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંક સામેલ છે. એકંદેર જૂન મહિનામાં ક્રેડિટ વૃદ્ધિ બે આંકડામાં રહી છે.
ડિપોઝિટમાં વૃદ્ધિની વાત કરીએ તો આરબીએના મત અનુસાર મેટ્રોપોલિટન બ્રાન્ચનો હિસ્સો બેંક ડિપોઝિટમાં અડધાથી વધી રહ્યો છે અને ગત વર્ષની તુલનામાં તેમની હિસ્સેદારી સાધારણ વધી છે. આરબીઆઇએ કહ્યું હતું કે, કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ્સ (કાસા)નો હિસ્સો કુલ ડિપોઝિટમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વધ્યો છે. ડિપોઝીટ્સની વાત કરીએ તો મેટ્રોપોલીટન શાખાઓએ અડધાથી વધુ હિસ્સો જાળવી રાખ્યો હતો. છેલ્લાં એક વર્ષમાં તેમના હિસ્સામાં સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. સેન્ટ્રલ બેંક જણાવે છે કે કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્ઝ એકાઉન્ટ ડિપોઝીટ્સનો રેશિયો કુલ ડિપોઝીટ્સમાં છેલ્લા ત્રણ વર્ષોમાં સતત વૃદ્ધિ દર્શાવતો રહ્યો છે. 2020માં તે 42 ટકા પર હતો. જે 2021માં 43.8 ટકા પર અને 2022માં વધીને 44.5 ટકા પર રહ્યો હતો.


સરકારે નાફેડને ઓક્શન મારફતે આયાતી અડદ ખરીદવા જણાવ્યું
દેશમાં ચાલુ ખરિફમાં અડદના નીચા વાવેતર પાછળ નવી માર્કેટિંગ સિઝનમાં ઉત્પાદન નીચું રહેવાની શક્યતાને જોતાં સરકારે નાફેડને 25 હજારથી 35 હજાર ટન આયાતી અડદ ખરીદવા માટે જણાવ્યું છે. જોકે આ ખરિદી ગ્લોબલ ટેન્ડર મારફતે નહિ પરંતુ ઓક્શન યોજીને કરવાનું સૂચન કર્યું છે. જેને અનુસરી નાફેડે ટ્રેડર્સને ઓક્શનમાં ભાગ લેવા આમંત્ર્યા છે. નાફેડની વેબસાઈટ પર મૂકવામાં આવેલી નોટિસ મુજબ બીડર્સે તેના સંબંધિત ક્ષેત્રોમાં નક્કી કરવામાં આવેલા કોઈપણ વેરહાઉસિસમાં આયાતી અડદ ડિલિવર કરવાના રહેશે. આમાં ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ અથવા નવા શેવા, ત્રણેયનો સમાવેશ થાય છે. લઘુત્તમ 500 ટન માટે બીડ કરવાના રહેશે અને સરકાર પ્રતિ દિવસ મહત્તમ 2000 ટન અડદની ખરીદી કરશે. નોટિસમાં ઓક્શન્સ માટેના ડેઈલી ટાઈમિંગ પણ દર્શાવવામાં આવ્યાં છે. જોકે ઓક્શન ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરું થશે તેની સમયમર્યાદા આપવામાં નથી આવી. જોકે વર્તુળોના જણાવ્યા મુજબ આ એક રિવર્સ ઓક્શન હોવાના કારણે આવી કોઈ જરૂરિયાત રહેતી નથી અને તે 2 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. અગાઉ પણ નાફેડે ત્રણવાર આ પ્રોસેસ મારફતે ખરીદી કરી છે. જ્યારે સપ્લાયર દેશ એક કે બે જ હોય છે ત્યારે ગ્લોબલ ટેન્ડર કરતાં ઓક્શન વધુ સારો વિકલ્પ બની રહે છે એમ નાફેડના અધિકારી જણાવે છે. હાલમાં વિશ્વમાં એકમાત્ર મ્યાનમાર એક જ એવો દેશ છે જે સરપ્લસ અડદ ધરાવે છે અને મોટાભાગના બિડિંગ ત્યાંથી જ આવે તેવી શક્યતાં છે. મ્યાનમાર ખાતે ફેબ્રુઆરીથી અડદની કાપણી શરૂ થાય છે અને તે જૂન સુધી ચાલે છે. ભારત મ્યાનમારના ઉત્પાદનનો મુખ્ય ખરીદાર છે એમ એક ટ્રેડર જણાવે છે.
સરકારનો ખરિફમાં 5.18 કરોડ ટન ચોખાની ખરીદીનો ટાર્ગેટ
સરકારે આગામી ખરિફ માર્કેટિંગ સિઝનમાં બજારમાં આવનારા ચોખામાંથી 5.18 કરોડ ટન ઉત્પાદન ખરીદીનો ટાર્ગેટ બાંધ્યો છે. પૂરી થવા જઈ રહેલી ચાલુ સિઝનમાં તેણે 5.1 કરોડ ટન ચોખાની ખરીદી કરી હતી. દેશમાં નવી સિઝનમાં ચોખાનું ઉત્પાદન નીચું રહેવાની ધારણા વચ્ચે સરકારે ઊંચો ટાર્ગેટ બાંધ્યો છે. મંગળવારે કેન્દ્રિય ખાદ્યાન્ન સેક્રેટરીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રોક્યોરમેન્ટને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 1 ઓક્ટોબરથી નવી સિઝનની શરૂઆત સાથે જ ખરીદીની શરૂઆત કરવામાં આવશે. રાજ્યો તરફથી કેન્દ્રિય પુલ માટે તેમની એજન્સિઝ તરફથી કેટલી ખરીદી કરવામાં આવશે તેનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે. મોટાભાગની ચોખાની ખરીદી રાજ્યોની ખરીદ સંસ્થાઓ તરફથી જ થતી હોય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ચોખાની ખરીદીમાં સીધી સંડોવણી ખૂબ જ મર્યાદિત જોવા મળે છે.
બાંગ્લાદેશે ચોખા પરની આયાત ડ્યુટી ઘટાડી 5 ટકા કરી
દેશમાં ખાદ્યાન્નનો જથ્થો વધારવા માટે બાંગ્લાદેશે ચોખાની આયાત પર ડ્યુટીને વધુ ઘટાડી માત્ર 5 ટકા કરી છે. હાલમાં દેશમાં ચોખાનો જથ્થો ઘટીને 18 લાખ ટન પર પહોંચી ગયો છે. તેણે દેશમાં ધાન્યોની આયાત વધે તે માટે પણ નીતિ વધુ ઉદાર બનાવી છે. સરકાર દેશમાં અનાજની પર્યાપ્ત ઈન્વેન્ટરી ઊભી કરી ફુગાવા પર અંકુશ રાખવા માગે છે. દેશમાં ચોખાના ભાવમાં 10 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જેને કારણે સરકારે અનાજની આયાતનો ટાર્ગેય લગભગ બમણો કરી 12 લાખ ટન કર્યો છે. ચોખા પરની આયાત ડ્યુટીને 25 ટકા પરથી ઘટાડવામાં આવી છે. અગાઉ 24 જૂને તેને 62.5 ટકા પરથી ઘટાડાઈ હતી. તે વખતે બાંગ્લાદેશ સરકારે સ્થાનિક માગને પહોંચી વળવા માટે દેશમાંથી તમામ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.જુલાઈમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ રૂ. 1.16 લાખ કરોડની વિક્રમી સપાટીએ
અગાઉ મે મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડ મારફતે રૂ. 1.14 લાખ કરોડ ખર્ચાયાં હતાં
સતત પાંચમા મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ રૂ. 1 લાખ કરોડ પર નોંધાયું

ક્રેડિટ કાર્ડ વપરાશકારોએ જુલાઈ મહિનામાં ખર્ચનો નવો વિક્રમ નોંધાવ્યો હતો. માસિક ધોરણે 6.5 ટકા વૃદ્ધિ સાથે જુલાઈમાં ક્રેડિટ કાર્ડ મારફતે થતું સ્પેન્ડિંગ રૂ. 1.16 લાખ કરોડ પર પહોંચ્યું હતું. જે વાર્ષિક ધોરણે 54 ટકા વૃદ્ધિ દર્શાવે છે એમ આરબીઆઈનો ડેટા સૂચવે છે. જુલાઈમાં સતત પાંચમા મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ રૂ. 1 લાખ કરોડથી ઉપર જોવા મળ્યુ હતું.
તહેવારોની સિઝન શરૂ થવાથી ક્રેડિટ કાર્ડથી થતાં ખર્ચમાં આગામી સપ્તાહોમાં ઓર વૃદ્ધિ જોવા મળે એમ ઉદ્યોગ વર્તુળો જણાવે છે. સામાન્યરીતે ફેસ્ટીવ સિઝનમાં ક્રેડિટ કાર્ડનો વપરાશ ઊંચો નોંધાયો હોય છે. અનેક કાર્ડ કંપનીઓએ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી સ્પેશ્યલ ઓફર્સ પણ તૈયાર રાખ્યાં છે. તેઓ આગામી સમયગાળામાં ખૂબ સારી ફેસ્ટીવ સિઝન માટે આત્મવિશ્વાસ ધરાવે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રથમવાર ક્રેડિટ કાર્ડ મારફતે ખર્ચ રૂ. 1 લાખ કરોડને પાર કરી ગયો હતો. જે તહેવારોને કારણે શક્ય બન્યું હતું. જોકે ત્યારબાદ ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ઘટાડો નોઁધાયો હતો અને ચાલુ વર્ષે માર્ચ પછી ફરીવાર ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ રૂ. 1 લાખ કરોડની સપાટી પાર કરી ગયું હતું. જે માસિક ધોરણે સતત આ સ્તર પર જોવા મળી રહ્યું છે. આમ ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ માટે રૂ. 1 લાખ કરોડ એક રૂટિન ઘટના બની રહી છે. એક ટોચના બેંકરના મતે ગ્રાહકો તરફથી ડિસ્ક્રિશ્નરી સ્પેન્ડિંગમાં રિવાઈવલ જોવા મળી રહ્યું છે. તેઓ આવશ્યક ચીજ-વસ્તુઓ ઉપરાંત મોંઘી પ્રોડક્ટ્સ ખરીદતાં થયાં છે અને તેથી પણ વેલ્યૂ સંદર્ભમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ વધ્યું છે. એર ટ્રાવેલ્સ અને હોસ્પિટાલિટી બુકિંગ્સનું આમાં મહત્વનું યોગદાન છે. કોવિડ દરમિયાન આ બે સેગમેન્ટ્સમાં ખર્ચ ખૂબ જ ઘટી ગયો હતો. જે પરત ફર્યો છે. એક બ્રોકરેજે તેના રિપોર્ટમાં નોંધ્યું છે કે ઈન્ફ્લેશન આઉટલૂકમાં વૃદ્ધિને કારણે ક્રેડિટ કાર્ડ ખર્ચ પર પોઝીટીવ અસર જોવા મળી છે. જુલાઈ મહિનામાં બેકિંગ સિસ્ટમે 15.3 લાખ ક્રેડિટ કાર્ડ્સનો ઉમેરો કર્યો હતો. જે સાથે કુલ ક્રેડિટ કાર્ડ સંખ્યા 8 કરોડ પર પહોંચી હતી. નવા ક્રેડિટ કાર્ડમાં એચડીએફસી બેંકે સૌથી વધુ 344364 ક્રેડિટ કાર્ડ્સ ઈસ્યુ કર્યાં હતાં. જે સાથે તેની ક્રેડિટ કાર્ડ ગ્રાહકોની સંખ્યા 1.794 કરોડ પર પહોંચી હતી. એક્સિસ બેંકે 2,27,614 કાર્ડ્સ ઈસ્યુ કરવા સાથે બીજો ક્રમ દર્શાવ્યો હતો. જે સાથે તે હવે 99.3 લાખ ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ ધરાવે છે. એસબીઆઈ કાર્ડ્સે 2,18,993 નવા કાર્ડ્સ ઈસ્યુ કર્યાં હતાં. જ્યારબાદ તેનો બેઝ વધી 1.45 કરોડે પહોંચ્યો હતો. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકે કુલ 1,94,222 કાર્ડ્સ ઈસ્યુ કર્યાં હતાં. જે સાથે તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોની સંખ્યા 1.37 કરોડ પર જોવા મળી હતી. કોટક મહિન્દ્રા બેંક પણ ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવાની બાબતમાં આક્રમક બની છે અને તેણે જુલાઈમાં 1.81 લાખ કાર્ડ્સ ઈસ્યુ કર્યાં હતાં. જ્યારે નવી પેઢીની અનેક ફિનટેક કંપનીઓ સાથે જોડાણ ધરાવતી સ્ટેટ બેંક ઓફ મોરેશ્યસ ઈન્ડિયાએ ગયા મહિને 2,26,659 કાર્ડ્સ ઈસ્યુ કર્યાં હતાં. દેશમાં ક્રેડિટ કાર્ડમાં એચડીએફસી બેંક 28.34 ટકા માર્કેટ હિસ્સા સાથે ટોપ પર છે. જ્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંક 20.1 ટકા, એસબીઆઈ કાર્ડ 16.7 ટકા, એક્સિસ બેંક 8.7 ટકા બજાર હિસ્સો ધરાવે છે. આઉટસ્ટેન્ડિંગ ક્રેડિટ કાર્ડ્સના માર્કેટ હિસ્સાની વાત છે તો એચડીએફસી બેંક 22.4 ટકા, એસબીઆઈ કાર્ડ 18.1 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 17.1 ટકા અને એક્સિસ બેંક 12.4 ટકા હિસ્સો ધરાવે છે.

ચાલુ કેલેન્ડરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ
મહિનો ખર્ચ(રૂ. લાખ કરોડમાં)
જાન્યુઆરી 0.88
ફેબ્રુઆરી 0.86
માર્ચ 1.07
એપ્રિલ 1.05
મે 1.14
જૂન 1.09
જૂલાઈ 1.16


રિલાયન્સ કેપિટલનો સમગ્ર બિઝનેસ ખરીદવા માટે કુલ 14 બીડર્સ લાઈનમાં
છ બીડર્સે રૂ. 4000 કરોડની રેંજમાં તમામ બિઝનેસિસ ખરીદવા દર્શાવેલો રસ
જ્યારે આંઠ બીડર્સે વ્યક્તિગત યુનિટ્સ માટે કરેલું બીડ

ઈન્સોલ્વન્સી પ્રોસેસ હેઠળ ડેટ રેઝોલ્યુશન માટે રિલાયન્સ કેપિટલે કુલ 14 બીડર્સ મેળવ્યાં છે. કંપનીના બીડિંગ માટે સોમવારે ડેડલાઈન પૂરી થઈ હતી. કુલ 14 બીડ્સમાંથી છ બીડ એવા છે જેણે સમગ્ર કંપનીને ખરીદવામાં રસ દાખવ્યો છે. જ્યારે બાકીના આંઠ બિડર્સે રિલાયન્સ કેપિટલની એક અથવા એકથી વધારે કંપની ખરીદવાની તૈયારી દર્શાવી છે એમ વર્તુળો જણાવે છે.
સમગ્ર રિલાયન્સ કેપિટલને ખરીદવામાં રસ દર્શાવનારાઓમાં ઈન્ડ્સઈન્ડ બેંક, ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ અને ઓકટ્રી કેપિટલનો સમાવેશ થાય છે. તેમણે ઓપ્શન-1 હેઠળ બિડીંગ કર્યું છે. બી રાઈટ રિઅલ એસ્ટેટ પણ બીડર્સમાંનો એક છે એમ વર્તુળો જણાવે છે. જોકે તેણે કઈ કેટેગરી હેઠળ બીડિંગ કર્યું છે તેની કોઈ ખાતરીપૂર્વકની માહિતી મળી રહી નથી. આ કંપનીઓ તરફથી તેમના બિડીંગને લઈને પણ હજુ સુધી કોઈ સમર્થન પૂરું પાડવામાં નથી આવ્યું. કંપનીઓને બે ઓપ્શન્સ હેઠળ બિડિંગનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેમાં ઓપ્શન-1 હેઠળ રિલાયન્સ કેપિટલની તમામ પેટાકંપનીઓ સાથે તેના સમગ્ર બિઝનેસ હસ્તગત કરવાના બીડનો સમાવેશ થતો હતો. જ્યારે ઓપ્શન-2માં કંપનીના કોઈપણ વ્યક્તિગત બિઝનેસની ખરીદી માટેના બિડિંગનો સમાવેશ થાય છે. ઓપ્શન-1 હેઠળ આવતાં તમામ બીડ્સ રૂ. 4000 કરોડની રેંજમાં હોવાનું વર્તુળો જણાવે છે. અત્યાર સુધી કમિટિ ઓફ ક્રેડટર્સ(સીઓસી) ઓપ્શન-1 હેઠળના બીડ્સ પર પસંદગી ઉતારી રહી છે. જોકે સુધારેલા ફાઈનાન્સિયલ્સને આધારે તમામ બીડ્સને લઈને ચર્ચા હાથ ધરવામાં આવશે એમ તેઓ ઉમેરે છે. તેમના મતે હજુ આ શરૂઆતી બીડિંગ પ્રક્રિયા છે અને ચર્ચા-વિચારણા બાદ આખરી બીડ્સ નિર્ધારિત કરવામાં આવશે. રિલાયન્સ કેપિટલના સીઓસી માટેની હવેની બેઠકની તારીખ હજુ નક્કી કરવાની બાકી છે.
રિલાયન્સ કેપિટલના સમગ્ર બિઝનેસ ઉપરાંત રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સની ખરીદી માટે ત્રણ એક્સક્લૂઝિવ બીડ્સ મળ્યાં છે. જ્યારે રિલાયન્સ સિક્યૂરિટીઝ માટે એક બીડ અને રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની માટે પણ એક બીડ મળ્યું છે. રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ માટે બીડિંગ કરનારાઓમાં ઝૂરીક ઈન્શ્યોરન્સ ગ્રૂપનો સમાવેશ થાય છે. ઝૂરીકે આ વાતનું સમર્થન પણ કર્યું છે. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર અને યૂવી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીએ રિલાયન્સ કેપિટલના એઆરસી બિઝનેસ માટે બીડિંગ કર્યું છે. જ્યારે ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ, ગ્લોબ ફિનકેપ અને ધ ગ્રાન્ડ ભવને રિલાયન્સ સિક્યૂરિટીઝ અને અન્ય કંપનીઓ માટે બિડીંગ કર્યું હોવાનું ઉદ્યોગ વર્તુળો જણાવે છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

અદાણી ગ્રૂપઃ મિડિયા કંપની એનડીટીવીમાં અધિક 26 ટકા હિસ્સો ખરીદવા માટે અદાણી જૂથ 17 ઓક્ટોબરે ઓપન ઓફર લોંચ કરી શકે છે એમ જૂથ તરફથી કરવામાં આવેલું જાહેર નિવેદન જણાવે છે. હાલમાં એનટીવી પ્રમોટર્સ અને અદાણી જૂથ સેબી તરફથી શેર્સ ટ્રાન્સફર્સને લઈને સ્પષ્ટતાંની રાહ જોઈ રહ્યાં છે. અદાણીએ ગયા સપ્તાહે વિશ્વપ્રધાન કમર્સિયલ પ્રાઈવેટની ખરીદી કરી હતી, તેમ છતાં પ્રમોટર હોલ્ડિંગ કંપની આરઆરપીઆર તરફથી હજુ સુધી વીસીવીએલને ઔપચારિક રીતે શેર્સ ટ્રાન્સફર નથી થયાં.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદકે નાણા વર્ષ 2022-23 માટે તેના કેપેક્સનું કદ વધારી રૂ. 16 હજાર કરોડ કર્યું છે. કંપની 2023-24 માટેના કેપેક્સમાં પણ વૃદ્ધિ કરે તેવી શક્યતાં છે. તે પ્રોડક્શન અને ઈવેક્યૂએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ માટે આ ખર્ચ કરશે. દેશમાં કુલ કોલ ઉત્પાદનમાં 80 ટકા હિસ્સો ધરાવતી જાહેર ક્ષેત્રની કંપની ઈનપુટ કોસ્ટમાં સતત વૃદ્ધિને કારણે પ્રોડક્ટ પ્રાઈસમાં વૃદ્ધિ માટે વિચારી રહી છે.
ઈન્ફોસિસઃ ટોચની આઈટી સર્વિસ કંપનીએ યુએસ સ્થિત ડેટા એન્જિનીયરીંગ સોફ્ટવેર કંપની ટ્રાઈફેક્ટામાં તેના લઘુમતી હિસ્સાનું 1.2 કરોડ ડોલરમાં વેચાણ કર્યું છે. કંપનીએ 29 ઓગસ્ટે આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું હોવાનું જણાવ્યું છે. તેણે 2016-19 દરમિયાન 1 કરોડ ડોલરનું માઈનોરિટી ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ટ્રાઈફેક્ટા અને ઈન્ફોસિસ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ધરાવતાં હતાં. જે હેઠળ ટ્રાઈફેક્ટાના ડેટા રેંગલીંગ સોલ્યુશનને ઈન્ફોસિસના ઈન્ફર્મેશન પ્લેટફોર્મ પર સમાવવાનું હતું.
એક્સિસ બેંકઃ પ્રાઈવેટ બેંક ગો ડિજીટ લાઈફ ઈન્શ્યોરન્સમાં હિસ્સો ખરીદવા માટે વિચારણા ચલાવી રહી છે. ત્રીજા ક્રમની ખાનગી લેન્ડર ઝડપથી વૃદ્ધિ પામી રહેલા ઈન્શ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશવા ઈચ્છે છે. બેંક સ્ટાર્ટ-અપ્સના આવી રહેલા લાઈફ ઈન્શ્યોરન્સ બિઝનેસમાં 90 કરોડ ડોલરમાં 10 ટકા હિસ્સો ખરીદે તેવી શક્યતાં છે.
એસટીએફસીઃ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની ચાલુ નાણાકિય વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 5 હજાર કરોડ ઊભા કરશે. એનબીએફસી પ્રથમ છ મહિના દરમિયાન રૂ. 5 હજાર કરોડ ઊભા કરી ચૂકી છે. નવેસરથી ઊભું કરવામાં આવનાર ફંડ્સ તેના વર્તમાન રિફાઈનાન્સિંગ પ્લાન્સથી અલગ રહેશે.
એનએમડીસીઃ પીએસયૂ આયર્ન-ઓર માઈનીંગ કંપની તેના આવી રહેલા સ્ટીલ યુનિટ એનએમડીસી આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટને એનએમડીસી સ્ટીલ લિ. નામે અલગ કંપનીમાં તબદિલ કરવાના આખરી તબક્કાની મંત્રણામાં પહોંચી ગઈ છે. આ ડિમર્જરની પ્રક્રિયા સપ્ટેમ્બર આખરમાં પૂર્ણ થાય તેવી અપેક્ષા છે.
શ્રેઈ ગ્રૂપઃ નાદાર બનેલા શ્રેઈ જૂથની બે કંપનીઓ માટે બે રેઝોલ્યુશન પ્લાન મળ્યાં હોવાનું જાણવા મળે છે. આ બંને પ્લાન્સને 2 સપ્ટેમ્બર પહેલાં સીઓસી સમક્ષ રજૂ કરવામાં આવશે. શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ અને શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ માટે એરિના ઈન્વેસ્ટર્સ અને વીએફએસઆઈ હોલ્ડિંગ્સે સંયુક્ત રેઝોલ્યુશન પ્લાન રજૂ કર્યો છે. જ્યારે અન્ય રેઝોલ્યુશન અરજદારમાં શોન રાંધવા અને રાજેશ વિરેન શાહનો સમાવેશ થાય છે.
બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંકે રૂ. 2500 કરોડના એડિશ્નલ ટિયર-1 બોન્ડ્સ ઈસ્યૂ કર્યાં છે. બેંકે જાહેર ક્ષેત્રના તેના હરિફ લેન્ડર્સની સરખામણીમાં 7.88 ટકાના ઘણા નીચા રેટ્સ પર આ બોન્ડ્સ ઈસ્યુ કર્યાં છે. જેણે બજારમાં આશ્ચર્ય જન્માવ્યું છે. કેનેરા બેંકે અને પીએનબીએ ગયા મહિને આ પ્રકારના બોન્ડ્સ ઈસ્યુ કર્યાં હતાં. ચાર પીએસયૂ બેંક્સ અત્યાર સુધીમાં બોન્ડ્સ મારફતે રૂ. 7794 કરોડ એકત્ર કરી ચૂકી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage