Market Summary 31 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

સાર્વત્રિક ખરિદીના પોઝીટીવ ટોન સાથે બજારની 2021ને વિદાય
નિફ્ટી 17200-17300ની અવરોધ રેંજને પાર કરવામાં સફળ
ડિસેમ્બરમાં 2.1 ટકાનો જ્યારે સમગ્ર કેલેન્ડરમાં 24.1 ટકા સુધારા સાથે નિફ્ટી બંધ
સેન્સેક્સે કેલેન્ડરમાં 22 ટકા અથવા 10502 પોઈન્ટ્સના રિટર્ન સાથે બંધ દર્શાવ્યું
મેટલ, બેંક, એફએમસીજી, ઓટો સહિતના ક્ષેત્રોનો વ્યાપક સપોર્ટ
બીએસઈ ખાતે 2475 કાઉન્ટર્સમાં સુધારા સામે માત્ર 975માં નરમાઈ
અગ્રણી વૈશ્વિક બજારોમાં રજા વચ્ચે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
જાન્યુઆરી ડેરિવેટિવ્સ સિરિઝનો 79 ટકા રોલઓવર સાથે આરંભ
શેરબજારે સુધારો દર્શાવીને કેલેન્ડર 2021ને વિદાય આપી હતી. બેન્ચમાર્ક નિફ્ટીએ 150 પોઈન્ટ્સના સુધારા સાથે 17354ની સપાટી પર બંધ આપ્યું હતું. તેણે 17200-17300ના અવરોધ ઝોનને બ્રોડ બેઝ બાઈંગ સાથે પાર કર્યો હતો. જે આગામી સમયગાળામાં મજબૂતી જળવાય રહેવાનો સંકેત છે. બીએસઈ સેન્સેક્સ 459.50 પોઈન્ટ્સના સુધારે 58253.82ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઇન્ડિયા વિક્સ 2.11 ટકા નરમાઈ સાથે 16.22ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 44 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં.
વૈશ્વિક સ્તરે અગ્રણી બજારોમાં વર્ષાંતની રજા વચ્ચે ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. એશિયન બજારોમાં ચીન અને હોંગ કોંગના બજારોએ ટ્રેડિંગ ચાલુ રાખ્યું હતું અને તેઓ પણ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જોકે ભારતીય બજારે તેમની લગભગ ત્રણેક સપ્તાહની ટોચ દર્શાવી હતી. શુક્રવારના બંધ ભાવે ડિસેમ્બર મહિનામાં નિફ્ટી 2.18 ટકા અથવા 370.85 પોઈન્ટ્સના સુધારા સાથે બંધ રહ્યો હતો. આમ જાન્યુઆરીમાં શરૂઆતી સપ્તાહમાં સુધારો દર્શાવનાર બેન્ચમાર્ક ડિસેમ્બરમાં આખરી સપ્તાહ દરમિયાન પણ પોઝીટીવ જોવા મળ્યો હતો. સમગ્ર વર્ષની વાત કરીએ તો નિફ્ટી 24.1 ટકા રિટર્ન સાથે બંધ રહ્યો હતો. જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સ 22 ટકા અથવા 10503 પોઈન્ટ્સના રિટર્ન સાથે બંધ જોવા મળ્યો હતો.
માર્કેટને મોટાભાગના ક્ષેત્રો તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં ઓટો, મેટલ, એફએમસીજી અને બેંકિંગ મુખ્ય હતાં. નિફ્ટી મેટલ 1.94 ટકા ઉછળીને બંધ આવ્યો હતો. લાંબા સમયથી અન્ડરપર્ફોર્મન્સ બાદ તેણે સુધારો દર્શાવ્યો હતો. જેમાં હિંદાલ્કો, નાલ્કો, વેદાંત જેવા એલ્યુમિનિયમ શેર્સની આગેવાનીમાં મેટલ્સમાં મજબૂતી જોવા મળી હતી. ઓટો શેર્સમાં કોમ્પોનેન્ટ ઉત્પાદક કંપનીઓમાં મજબૂતી જોવા મળી હતી. સાથે ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી પણ 2 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. એફએમસીજીની વાત કરીએ તો વરુણ બેવરેજિસ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, ઈમામી, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ્સમાં 2 ટકાથી વધુનો સુધારો જોવા મળતો હતો. જ્યારે બેકિંગ ક્ષેત્રે કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બંધન બેંક મજબૂતી દર્શાવતાં હતાં. ફાર્મા કાઉન્ટર્સમાં ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા અને લ્યુપિન એકથી ત્રણ ટકાનો સુધારો સૂચવતાં હતાં.
શુક્રવારનો દિવસ સપ્તાહના શરૂઆતી બે દિવસની માફક જ બ્રોડ બેઝ બાઈંગનો બની રહ્યો હતો. બીએસઈ ખાતે 3480 કાઉન્ટર્સમાંથી 2475 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 975 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જે સૂચવે છે કે બે શેર્સમાં સુધારા સામે એક શેરમાં નરમાઈ જોવા મળી હતી. 679 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 95 કાઉન્ટર્સ નેગેટિવ સર્કિટમાં બંધ રહ્યાં હતાં. 430 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ જ્યારે 16 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.4 ટકા અને નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.41 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં સમાવિષ્ટ કાઉન્ટર્સમાં વોડાફોન આઈડિયા 9.64 ટકા, આદિત્ય બિરલા ફેશન 4.17 ટકા, મધરસન સુમી 3.81 ટકા, ટાઈટન કંપની 3.5 ટકા, ઈન્ડુસ ટાવર 3.26 ટકા, ભેલ 3.24 ટકા અને ડેલ્ટા કોર્પ 3.12 ટકાનો સુધારો સૂચવતાં હતાં. જ્યારે બીજી બાજુ આરબીએલ બેંક વધુ 2.72 ટકા ગગડીને વાર્ષિક તળિયા પર જોવા મળ્યો હતો. આ સિવાય એનટીપીસી, જીએમઆર ઈન્ફ્રા, સિટિ યુનિયન બેંકમાં પણ નરમાઈ જોવા મળી હતી.
વૈશ્વિક M&A સોદાઓ પ્રથમવાર 5 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયાં
કેલેન્ડર 2021માં એક વધુ વિક્રમમાં વૈશ્વિક મર્જર એન્ડ એક્વિઝિશન્સ ડીલ 5 ટ્રિલિયન ડોલરનો આંક પાર કરી હયાં છે. વૈશ્વિક સ્તરે સસ્તાં નાણાની પ્રાપ્તિ અને શેરબજારોમાં તેજી આ માટેના મુખ્ય કારણો માનવામાં આવે છે. અગાઉ કેલેન્ડર 2007માં 4.55 ટ્રિલિયન ડોલરના વિક્રમી એમએન્ડએ ડીલ્સ થયાં હતાં. જ્યારબાદ 2021માં 5.8 ટ્રિલિયન ડોલરના સૌથી ઊંચા ડિલ્સ થયાં છે. જે 2020ની સરખામણીમાં 64 ટકા વૃદ્ધિ સૂચવે છે એમ રેફિનિટીવ સૂચવે છે. રોકડથી છલકાતાં વિશાળ બાયઆઉટ ફંડ્સે 2021માં કુલ 62193 સોદાઓ કર્યાં હતાં. જે વાર્ષિક ધોરણે ડિલ સંખ્યાની રીતે 24 ટકાની વૃદ્ધિ સૂચવે છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ માની રહ્યાં છે કે ફેડ દ્વારા 2022માં વ્યાજ વૃદ્ધિની શક્યતાં વચ્ચે પણ એમએન્ડએ ડીલ્સમાં ઉન્માદ જળવાશે. એમએન્ડએમાં યુએસ ટોચ પર રહ્યું હતું. બાઈડન એડમિનિસ્ટ્રેશનમાં એન્ટીટ્રસ્ટના માહોલ વચ્ચે દેશમાં 2.5 ટ્રિલિયન ડોલરના એમએન્ડએ ડિલ થયાં હતાં. જેમાં એટીએન્ડટીના 43 અબજ ડોલરમાં તેના મિડિયા બિઝનેસિસને ડિસ્કવરી ઈન્ક સાથે મેળવવાના સૌથી મોટા ડિલનો સમાવેશ થાય છે.

2021ના આખરી સત્રમાં રૂપિયો ડોલર સામે 13 પૈસા સુધર્યો
ભારતીય ચલણે ચાલુ સપ્તાહે તેજીનો દોર જાળવી રાખતાં શુક્રવારે કેલેન્ડરના આખરી સત્રમાં ડોલર સામે વધુ 13 પૈસાનો સુધારો દર્શાવ્યો હતો અને લગભગ બે મહિનાની ટોચ પર બંધ દર્શાવ્યું હતું. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ 0.04 ટકા ઘટીને 95.92ના સ્તરે જોવા મળ્યો હતો. આમ ડોલરમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી હતી. ગુરુવારના 74.42ના બંધ સામે રૂપિયો 74.35ના સ્તરે મજબૂતી સાથે ખૂલી ઈન્ટ્રા-ડે ધોરણે વધુ સુધરી 74.10 પર ટ્રેડ થયા બાદ પ્રોફિટ બુકિંગ પાછળ 74.29ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ સરવાળે 13 પૈસા મજબૂત રહ્યો હતો. વિદેશી સંસ્થાઓની વેચવાલી વચ્ચે પણ રૂપિયામાં સુધારો ટક્યો હતો.

ઓક્ટોબરમાં વિક્રમ બાદ ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 11 ટકાનો ઘટાડો
બે મહિના અગાઉ ક્રેડિટ કાર્ડ મારફતે ખર્ચમાં ઓક્ટોબર દરમિયાન રૂ. 1.01 લાખ કરોડનો વિક્રમ દર્શાવ્યાં બાદ નવેમ્બરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 89,492 કરોડ પર જોવા મળ્યું હતું. જોકે વાર્ષિક ધોરણે નવેમ્બરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં 43 ટકાની ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. નિષ્ણાતોના મતે ઓક્ટોબરમાં દિવાળી પૂર્વે ઊંચી ખરીદી બાદ નવેમ્બરમાં બેક-ટુ-બેક રૂ. એક લાખ કરોડથી વધુની ખરીદીની અપેક્ષા નહોતી જ. નવેમ્બરમાં જોવા મળેલી ખરીદી સપ્ટેમ્બર, ઓગસ્ટ અને જુલાઈ મહિનાઓમાં નોંધાયેલા ક્રેડિટ કાર્ડ ખર્ચ કરતાં ઊંચી જ રહી હતી.
સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સના વિદેશી કંપનીઓના રોકાણમાં 229 ટકાની વૃદ્ધિ
2020ના અંતે રૂ. 10042 કરોડનો એયૂએમ સામે નવેમ્બર 2021ની આખરમાં રૂ. 33078 કરોડ પર પહોંચ્યું
ફંડ્સના ટોચના 10 કંપનીઓના હોલ્ડિંગ્સનો 50 ટકાથી વધુ એસેટ હિસ્સો
વિદેશી શેરબજારોમાં લિસ્ટેડ કંપનીઓમાં શેર્સમાં સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સના રોકાણમાં 2021માં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. કેલેન્ડર 2020ના અંતે સ્થાનિક ફંડ્સ પાસ રૂ. 10042 કરોડના સ્તર પર જોવા મળતું રોકાણ નવેમ્બર 2021ની આખર સુધીમાં રૂ. 33078 કરોડ પર પહોંચ્યું હતું. જે વાર્ષિક ધોરણે 229 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવતું હતું.
આશ્ચર્યની બાબત એ છે કે વિદેશી કંપનીઓમાં રોકાણની મ્યુચ્યુલ ફંડ માટેની મર્યાદા 2008થી 7 અબજ ડોલરના સ્તરે જ જળવાય રહી હોવા છતાં વિદેશી કંપનીઓમાં સ્થાનિક ફંડ્સના રોકાણમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. અનેક સ્થાનિક ફંડ મેનેજર્સ વિદેશના બજારોમાં રોકાણ કરતી સ્કિમ્સ લોંચ કરી રહ્યાં છે. સ્થાનિક રિસર્ચ કંપનીના ડેટા મુજબ ભારતીય ફંડ હાઉસિસના પોર્ટફોલિયોમાં ટોચની ત્રણ વિદેશી કંપનીઓમાં ટેસ્લા, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ અને કોમ્પ્યુટીંગ કંપની એનવિડિયાનો સમાવેશ થાય છે. સ્થાનિક એમએફના ટોચના 10 રોકાણ અડધાંથી વધુ રકમ ધરાવે છે.
માર્કેટ એનાલિસ્ટ્સ જણાવે છે કે ભારતીય રોકાણકારો તેમના પોર્ટફોલિયોનું વૈશ્વિકીકરણ કરી રહ્યાં છે. તેઓ કોઈ એક જિઓગ્રાફીમાં રોકાણને રિસ્કને ઓછું કરવા પોર્ટફોલિયોનું ડાયવર્સિફિકેશન કરી રહ્યાં છે. જેમકે તેઓ રૂપિયા સિવાયની કરન્સીમાં રોકાણ કરી રહ્યાં છે. જો રૂપિયામાં ઘટાડો જોવા મળશે તો વિદેશી કંપનીઓમાં કરેલા રોકાણમાં આપોઆપ વળતર મળશે. જેમકે વિદેશ બજારમાં 1000 ડોલરનું રોકાણ રૂ. 73ના ડોલર ભાવે રૂ. 73000નું રહેશે. રૂપિયામાં ઘટાડા પાછળ એક્સચેન્જ રેટ રૂ. 76નો થશે ત્યારે તે રૂ. 76000નું મૂલ્ય ધરાવતું હશે. આનાથી વિરુધ્ધ ઘટના પણ સંભવ છે.
મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ હાલમાં સેબી સાથે 7 અબજ ડોલરની મર્યાદામાં વૃદ્ધિ કરવા માટે ચર્ચા-વિચારણા કરી રહ્યો હોવાનું જાણકાર વર્તુળો જણાવે છે. સેબી અને આરબીઆઈ વિદેશમાં વધી રહેલાં રોકાણ પર નજર રાખી રહ્યાં છે. તેઓ વિદેશમાં રોકાણ મર્યાદામાં વૃદ્ધિ કરે તેવી શક્યતાં પણ છે. રૂ. 33078 કરોડનું નવેમ્બર આખરમાં જોવા મળતું રોકાણ રૂ. 75ના ડોલરના ભાવે 4.4 અબજ ડોલર પર બેસે છે. આ રકમ જોકે પોર્ટફોલિયોનું કદ સૂચવે છે અને નહિ કે રોકાણકારોએ કરેલા રોકાણનું મૂલ્ય. કુલ એસેટ્સ વેલ્યૂમાં વૃદ્ધિનું કારણ શેરના ભાવમાં સુધારાનું પણ હોય શકે છે. આમ રોકાણ માટેની 7 અબજ ડોલરની મર્યાદા પર પહોંચવામાં હજુ ઘણી જગ્યા છે. જોકે નવા ઓવરસિઝ ફંડ્સમાં આવી રહેલા રોકાણને જોતાં આ મર્યાદા સુધી પહોંચવામાં વાર નહિ લાગે એમ પણ ફંડ વર્તુળો માને છે. કેટલાંક નવા ફંડ્સે સેબીમાં ફાઈલીંગ પણ કરી દીધું છે અને તેઓ ટૂંક સમયમાં બજારમાં પ્રવેશી શકે છે. જેમાં મોતીલાલ ઓસ્વાલ એન્ડએન્ડપી યુએસ આઈપીઓ એન્ડ સ્પીનઓફ ફંડ ઓફ ફંડ્સ, એચએસબીસી ગ્લોબલ ઈક્વિટી સસ્ટેનેબલ હેલ્થકેર ફંડ ઓફ ફંડ, ટાટા ગ્લોબલ સેમિકંડક્ટર ફંડ ઓફ ફંડ અને નવી વર્લ્ડ ઈન્ડેક્સ ફંડ ઓફ ફંડનો સમાવેશ થાય છે. એનાલિસ્ટ્સના મતે ઓવરસિઝ ફંડ્સમાં રોકાણ સ્થાનિક રોકાણકારોને કેટલાંક એવા ક્ષેત્રોમાં રોકાણની તકો પૂરી પાડે છે. જે ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી. જેમાં પ્રિમિયમ ઈલેક્ટ્રીક વેહીકલ્સ, ગ્લોબલ ઈન્ટરનેટ, હાર્ડવેર કંપનીઝ અને સોશ્યલ મિડિયા કંપનીઝનો સમાવેશ થાય છે.

ક્રિપ્ટો બિલમાં વિલંબથી એક્સચેન્જિસ પર ડિસેમ્બરમાં નવા સાઈન-અપ્સ ઘટાડો
ઓક્ટોબર-નવેમ્બર સુધી માસિક ધોરણે 10 ટકા યુઝર્સ વૃદ્ધિ સામે ડિસેમ્બરમાં 20-25 ટકાનો ઘટાડો
ક્રિપ્ટો એનાલિસ્ટ્સના મતે ડિસેમ્બરમાં ક્રિપ્ટો કરન્સિઝના ભાવમાં ઘટાડાને કારણે પણ નવા પ્રવેશકો અટક્યાં

છેલ્લાં કેટલાંક મહિનાઓમાં નવા સાઈન-અપમાં દ્વિઅંકી વૃદ્ધિ દર્શાવી રહેલા ક્રિપ્ટો એક્સચેન્જિસે ડિસેમ્બરમાં ઘટાડો નોંધાવ્યો છે. સરકારે શિયાળુ સત્રમાં રજૂ થનારા ક્રિપ્ટોકરન્સિ બિલને બજેટ સત્ર પર પરત ઠેલતાં આમ થયું હોવાનું માનવામાં આવે છે. ઓક્ટોબર-નવેમ્બર સુધી દેશમાં ઉપલબ્ધ તમામ ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ નવા સાઈન-અપ્સમાં માસિક ધોરણે 10 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યાં હતાં. જોકે ડિસેમ્બરમાં તેમાં 15-25 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળે છે.
વર્તુળોના મતે સરકાર તરફથી ક્રિપ્ટોને લઈને શિયાળુ સત્રમાં લીગલ ફ્રેમવર્ક રજૂ કરવામાં આવશે તેવી અપેક્ષા પાછળ ડિસેમ્બર અગાઉના મહિનાઓમાં સાઈન-અપ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. જોકે આમ નહિ થતાં ક્રિપ્ટો ક્ષેત્રે પ્રવેશવા ઈચ્છતાં રોકાણકારોએ હાલમાં એસેટ ક્લાસથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. જેને કારણે જ કેટલાંક મોટા પ્લેટફોર્મ્સ સહિત તમામે ડિસેમ્બર દરમિયાન સાઈન-અપ્સમાં 15-25 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. કેટલાંક મોટા પ્લેટફોર્મ્સ જે દૈનિક ધોરણે 40-50 હજાર નવા યુઝર્સનો ઉમેરો કરી રહ્યાં હતાં. તેમણે ડિસેમ્બરમાં માંડ અડધા દરે નવા ટ્રેડર્સ મેળવ્યાં છે. ક્રિપ્ટોકરન્સિ કંપનીઓએ એડવર્ટાઈઝીંગ અને માર્કેટિંગ કેમ્પેઈન્સ ધીમાં કર્યાં છે તેવા સમયે આમ બની રહ્યું છે. ભારતીય ક્રિપ્ટોકરન્સિ એક્સચેન્જિસખાતે કુલ રોકાણકારો અને ટ્રેડર્સની સંખ્યા લગભગ 1.5 કરોડની મૂકાઈરહી છે. ક્રિપ્ટો એસેટ્સમાં ભારતીયોનું કુલ રોકાણ હાલમાં 6 અબજ ડોલર અથવા રૂ. 45 હજાર કરોડ જેટલું હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
સરકારે અગાઉ જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સિઝને લઈને દેશમાં રેગ્યુલેશન સંબંધી નિયમો માટે તે શિયાળુ સત્રમાં એક બિલ રજૂ કરશે. જેણે નવા રોકાણકારોમાં સરકાર ક્રિપ્ટો બાબતે પોઝીટીવ હોવાનો સંકેત આપ્યો હતો અને ક્રિપ્ટોથી દૂર રહેતો આવેલો વર્ગ પણ એક્સચેન્જિસ પર સાઈન-અપ કરાવતો હતો. જોકે સરકારે આખરી તબક્કે તેનો નિર્ણય બદલ્યો હતો અને ક્રિપ્ટો બિલને બજેટ સત્ર પર પરત ઠેલ્યું હતું. જેને કારણે નવા રોકાણકારોએ દૂર રહેવાનું પસંદ કર્યું હતું. ડિસેમ્બરમાં સાઈન-અપનું પ્રમાણ નવેમ્બર કરતાં નીચું જોવા મળ્યું હતું. જોકે છ મહિના અગાઉ જોવા મળતાં નવા સાઈન-અપ કરતાં તે પ્રમાણ ઊંચું હતું એમ અગ્રણી ક્રિપ્ટોએક્સચેન્જના પ્રવક્તા જણાવે છે. એક અન્ય અગ્રણી ક્રિપ્ટો એક્સચેન્જે પણ ડિસેમ્બરમાં નવા સાઈન-અપમાં ઊંચો ઘટાડો દર્શાવ્યો છે. જોકે હાલમા તે 75 લાખ યુઝર્સ ધરાવતું હોવાનું જણાવે છે. દૈનિક ધોરણે 8-10 હજાર નવા સાઈન-અપ જોનાર એક અન્ય પ્લેટફોર્મે ડિસેમ્બરમાં માત્ર 4 હજાર નવા સાઈન-અપ નોંધાવ્યાં હતાં.
ક્રિપ્ટો એક્સપર્ટના મતે ડિસેમ્બરમાં ઘટાડાની ટોચની સાથે સરખામણી કરી શકાય નહિ પરંતુ અગાઉની બેરિશ સાઈકલ સાથે સરખામણી કરી શકાય. ડિસેમ્બરમાં કુલ 1,15,170 સાઈન-અપ્સ જોવા મળ્યા હતાં. જે ક્રિપ્ટોકરન્સિના ભાવમાં અગાઉની મંદીની સાઈકલ દરમિયાન જોવા મળેલા સાઈન-અપ્સ કરતાં હજુ પણ 28.7 ટકા ઊંચા છે. હાલમાં સરકાર વિવિધ ભાગીદારો સાથે મંત્રણા કરી રહી છે અને તેથી બિલને રજૂ કરવામાં વિલંબ થયો છે. સરકાર ક્રિપ્ટો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો કે આરબીઆઈના રેગ્યુલેશનમાં તેને નિયંત્રિત સ્વરૂપમાં ટ્રેડની છૂટ આપવી તેને લઈને હજુ અવઢવમાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage