Market Summary 31 March 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

શેરબજારે પૂરા થયેલાં નાણા વર્ષમાં 11 વર્ષમાં સર્વોચ્ચ 71 ટકા રિટર્ન આપ્યું

બેન્ચમાર્ક નિફ્ટી 2020-21 દરમિયાન 6093 પોઈન્ટ્સ ઉછળી 14691 પર બંધ રહ્યો  

અગાઉ તેણે નાણાકિય વર્ષ 2009-10માં 74 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું હતું

એફઆઈઆઈએ રૂ. 2,74,503 કરોડનું એટલેકે તેમણે લગભગ 38 અબજ ડોલરનું રોકાણ દર્શાવ્યું

 

ભારતીય શેરબજારે 71 ટકા રિટર્ન સાથે નાણાકિય વર્ષ 2020-21ને વિદાય આપી છે. વર્ષની શરૂઆતમાં 8598ના સ્તરે જોવા મળતો નિફ્ટી બુધવારે 14690.70ના સ્તરે બંધ રહ્યો હતો. આમ તેણે ચોખ્ખો 6093 પોઈન્ટ્સનો ઉછાળો દર્શાવ્યો હતો. જે કોઈપણ નાણાકિય વર્ષ દરમિયાન એબ્સોલ્યૂટ નંબર તરીકે સૌથી મોટો સુધારો છે. અગાઉ નિફ્ટીએ એપ્રિલ 2009થી માર્ચ 2010 વચ્ચે 74 ટકા રિટર્ન સાથે સૌથી મોટો ઉછાળો નોંધાવ્યો હતો. જોકે તે વખતે નિફ્ટી 2500ના સ્તરેથી સુધરી 5249 એટલેકે લગભગ 2700 પોઈન્ટ્સ જેટલી વૃદ્ધિ દર્શાવતો હતો.

નોંધપાત્ર બાબત એ છે કે 2020-21 દરમિયાન વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફઆઈઆઈ)એ રૂ. 2,74,503 કરોડનું જંગી રોકાણ નોંધાવ્યું હતું. એટલેકે તેમણે લગભગ 38 અબજ ડોલરનું રોકાણ તેમણે ભારતીય બજારમાં કર્યું હતું. જે અત્યાર સુધીના કોઈપણ નાણાકિય વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ તેમના તરફથી 2012-13માં રૂ. 1.40 લાખ કરોડનું રોકાણ જોવા મળ્યું હતું. જ્યારબાદ તેમના રોકાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે માર્ચ 2020માં રૂ. 62 હજાર કરોડની તીવ્ર વેચવાલી બાદ વૈશ્વિક બજારમાં પ્રવેશેલી જંગી લિક્વિડીટી પાછળ એફઆઈઆઈએ અવિરત જંગી ખરીદી દર્શાવી હતી. જેની પાછળ સ્થાનિક બજારે અગાઉની ટોચને પાર કરવા ઉપરાંત 25 ટકા ઊંચી નવી ટોચ દર્શાવી હતી. ભારતીય શેરબજારના ઈતિહાસમાં ઊંચા બેઝ પર આટલુ ઊંચું રિટર્ન અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી.

છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો 2009-10માં 74 ટકા રિટર્ન બાદ બજાર એકપણ નાણા વર્ષ દરમિયાન 27 ટકાથી વધુ રિટર્ન દર્શાવી શક્યું નહોતું. 10 વર્ષોમાંથી 3માં તેણે નેગેટિવ આપ્યું હતું. જ્યારે સાતમાં પોઝીટીવ રિટર્ન નોંધાવ્યું હતું. અગાઉના વર્ષની વાત કરીએ તો 2019-20માં તેણે 26 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. જેમાં માર્ચ 2020માં કોવિડને કારણે જોવા મળેલા કડાકાનું યોગદાન મુખ્ય હતું. જ્યારે તે અગાઉના ત્રણ નાણા વર્ષોમાં નિફ્ટી અનુક્રમે 15,10 અને 19 ટકા રિટર્ન દર્શાવતો હતો. અગાઉ કેલેન્ડર 2008માં સબપ્રાઈમ કટોકટી બાદ માર્કેટમાં જોવા મળેલા તીવ્ર કડાકા બાદ માર્ચ 2009માં બનેલા તળિયાથી બજારમાં યુ-ટર્ન જોવા મળ્યો હતો. જ્યારે આ વખતની વાત કરીએ તો માર્ચ 2020માં બનેલી 7510ના તળિયાથી નિફ્ટી બાઉન્સ થયો હતો. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન તે ધીમી ગતિએ સુધર્યો હતો. જોકે ઓક્ટોબર મહિનાથી તેણે ગતિ પકડી હતી અને ફેબ્રુઆરી સુધી તેણે માસિક ધોરણે સુધારો નોંધાવ્યો હતો. નાણા વર્ષના અંતિમ મહિના માર્ચ દરમિયાન તેણે ઊંચી વોલેટિલિટી દર્શાવી છે. એફઆઈઆઈનો ફ્લો પણ ધીમો પડ્યો છે. જે સૂચવે છે કે આગામી નાણાકિય વર્ષ ઊંચી વધ-ઘટ સાથેનું હોવા ઉપરાંત રિટર્નની બાબતમાં પૂરા થયેલા વર્ષની બરાબરી તો નહિ જ કરી શકે.

 

અંતિમ 11 વર્ષોમાં ભારતીય બજારનો દેખાવ

નાણા વર્ષ           નિફ્ટી બંધભાવ  રિટર્ન(%)

2020-21            14690.7          71

2019-20            8598           -26

2018-19            11623.9          15

2017-18            10113.7          10

2016-17            9173.75          19

2015-16            7738.4            -9

2014-15            8491           27

2013-14            6704           18

2012-13            5683           7

2011-12            5296           -9

2010-11            5834           11

 

બ્રોડ માર્કેટમાં નરમાઈ વચ્ચે સિમેન્ટ શેર્સ નવી ટોચ પર

બુધવારે શેરબજારમાં લગભગ એક ટકાનો ઘટાડો જોવાયો હતો ત્યારે અગ્રણી સિમેન્ટ કાઉન્ટર્સે તેજી જાળવી રાખી હતી. તેમણે 5 ટકાથી વધુના સુધારા સાથે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જેમકે શ્રી સિમેન્ટનો શેર અગાઉના રૂ. 29106ના બંધ સામે 2.5 ટકા જેટલો સુધરી રૂ. 29671ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. તેણે રૂ. 600થી વધુનો સુધારો દર્શાવ્યો હતો. જ્યારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.1 લાખ કરોડ નજીક પહોંચી ગયું હતું. આ જ રીતે ગ્રાસિમના શેરે રૂ. 1421ના જૂના બંધ સામે 2.5 ટકા ઉછાળે રૂ. 1455ની ટોચ બનાવી હતી. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 95 હજાર કરોડની સપાટી વટાવી ગયું હતું. અંબુજા સિમેન્ટનો શેર પણ 3 ટકા મજબૂતી સાથે રૂ. 311ની ટોચ પર ટ્રેડ થયો હતો અને રૂ. 61000 કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો.જ્યારે બિરલા કોર્પોરેશનનો શેર 6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 955ની સપાટી દર્શાવી રૂ. 7300 કરોડના એમ-કેપ પર ટ્રેડ થયો હતો.

કોવિડ કેસિસમાં વૃદ્ધિ પાછળ ડાયગ્નોસ્ટીક્સ કંપનીઓમાં મજબૂતી

દેશમાં કોવિડના બીજા રાઉન્ડ દરમિયાન વધી રહેલા સંક્રમણોનો લાભ ડાયગ્નોસ્ટીક્સ કંપનીઓને મળશે તે સ્વાભાવિક છે. જેની અસરે ઓર્ગેનાઈઝ્ડ લેબોરેટઝી ક્ષેત્રની કંપનીઓના શેર્સને લાભ થઈ રહ્યો છે. બુધવારે ડો. લાલ પેથલેબ્સનો શેર 5 ટકા ઉછળી રૂ. 2727ની સર્વોચ્ચ સપાટી દર્શાવતો હતો. કંપનીએ રૂ. 22600 કરોડના માર્કેટ-કેપની સપાટી પાર કરી હતી. આ સિવાય મેટ્રોપોલીસ હેલ્થકેરનો શેર પણ રૂ. 2249ના અગાઉના બંધ સામે રૂ. 2345ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. કંપનીએ રૂ. 12 હજાર કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું.

3એમ ઈન્ડિયાનો શેર રૂ. 30 હજારની સપાટી કૂદાવી ગયો

મેડિકલ સહિતના ક્ષેત્રે પ્રોડક્ટ્સ બનાવતી 3એમ ઈન્ડિયાનો શેર પ્રથમવાર રૂ. 30 હજારની સપાટી કૂદાવી ગયો છે. બુધવારે કંપનીનો શેર રૂ. 29864ના અગાઉના બંધ સામે રૂ. 900ના ઉછાળે રૂ. 30750ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. ડાયવર્સિફાઈડ કંપનીનું માર્કેટ-કેપ રૂ. 34000 કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયું હતું. વર્ષના રૂ. 16770ના તળિયાના ભાવથી તે 85 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યો છે. પાંખી લિક્વિડિટી ધરાવતાં કાઉન્ટરમાં ત્રણ ગણુ કામકાજ જોવા મળ્યું હતું.

ટીવીએસે માર્ચમાં એક લાખ વાહનોની નિકાસ કરી

દેશમાં નિર્મિત 123 વર્ષ જૂની ટીવીએસ બ્રાન્ડે માર્ચ મહિનામાં દ્વિ-ચક્રિય તથા ત્રિ-ચક્રિય વાહનો મળી એક લાખ વાહનોની નિકાસનું નવું સમાચિહ્ન હાંસલ કર્યું હતું. લગભગ દરેક બજારોમાં કંપનીની નિકાસમાં વૃદ્ધિ જોવા મળી હતી. તે મુખ્યત્વે 60 દેશોમાં પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. જેમાં આફ્રિકા, સાઉથ ઈસ્ટ એશિયા, ભારતીય ઉપખંડ, સેન્ટ્રલ અને લેટિન અમેરિકી દેશોનો સમાવેશ થાય છે. તે યુરોપ અને નોર્થ અમેરિકાના માર્કેટમાં પ્રવેશવા ઈચ્છી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage