Market Summary 4 August 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી


RBI રેટ સમીક્ષા પૂર્વે માર્કેટમાં સાવચેતીનો સૂર
ઈન્ટ્રા-ડે તીવ્ર વોલેટિલિટી વચ્ચે તેજીમાં વિરામ
સેન્સેક્સ દિવસના તળિયેથી 1100થી વધુ પોઈન્ટ્સ ઉછળ્યો
વૈશ્વિક સ્તરે તાઈવાન સિવાયના બજારોમાં સુધારો નોંધાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.34 ટકા ઉછળી 19.25ના સ્તરે
ફાર્મા, આઈટી, મેટલ અને એફએમસીજીમાં મજબૂતી
બેંકિંગ, રિઅલ્ટી, એનર્જીમાં નરમાઈ
હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓમાં તીવ્ર ઘટાડો નોંધાયો
અદાણી એન્ટરપ્રાઈઝમાં નવી ટોચ સાથે આગેકૂચ જારી
બ્રોડ માર્કેટમાં નરમ અન્ડરટોન પાછળ બ્રેડ્થ નેગેટિવ

ભારતીય શેરબજારમાં છ ટ્રેડિંગ સત્રોથી જોવા મળી રહેલા સુધારા પર બ્રેક લાગી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની શુક્રવારે મળનારી રેટ સમીક્ષા બેઠક અગાઉ માર્કેટમાં બે બાજુની ઊંચી વધ-ઘટ વચ્ચે સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 52 પોઈન્ટ્સની સાધારણ નરમાઈએ 58299ની સપાટીએ જ્યારે નિફ્ટી 6 પોઈન્ટ્સ ઘટી 17382ની સપાટી પર બંધ જોવા મળ્યાં હતાં. ઈન્ટ્રા-ડે ધોરણે સેન્સેક્સ તેના તળિયાથી 1136 પોઈન્ટ્સ જેટલો સુધર્યો હતો. લાર્જ-કેપ્સમાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 31 તેજી દર્શાવતાં હતાં. જ્યારે 19 નેગેટિવ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં જોકે અન્ડરટોન નરમાઈ તરફી જળવાયો હતો અને તેને કારણે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.34 ટકા ઉછળી 19.25ની છેલ્લાં બે સપ્તાહની ટોચ પર જોવા મળ્યો હતો.
ગુરુવારે સ્થાનિક બજારે લાંબા સમયગાળા બાદ વૈશ્વિક હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. મંગળવારે અને ગુરુવારે ઈન્ટ્રા-ડે કરેક્શન્સ પચાવી બજાર પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યું હતું. ગુરુવારે પણ તેજીવાળાઓએ ઘટાડા સ્તરેથી તીવ્ર ખરીદી કરતાં શોર્ટ સેલર્સ ફરી એકવાર ફસાયા હતા અને આખરી તબક્કામાં માર્કેટ પોઝીટીવ ઝોનમાં પરત ફર્યું હતું. જોકે સરવાળે તેણે બંધ નેગેટિવ દર્શાવ્યો હતો. એકમાત્ર તાઈવાન બજારે ગુરુવારે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. બાકીના તમામ એશિયન બજારો સુધારો સૂચવી રહ્યાં હતાં. યુરોપ બજારોમાં 1 ટકાથી વધુની મજબૂતી જોવા મળી રહી હતી. જેણે ભારતીય બજારને ઈન્ટ્રા-ડે બાઉન્સમાં સપોર્ટ કર્યો હતો. શુક્રવારે આરબીઆઈ તરફથી રેપો રેટ સમીક્ષા છે અને સવારે માર્કેટ ખૂલ્યાંના 45 મિનિટ્સ બાદ બેંક ગવર્નર રેટ વૃદ્ધિનો નિર્ણય જાહેર કરશે. દલાલ સ્ટ્રીટની વ્યાપક અપેક્ષા મુજબ સેન્ટ્રલ બેંક 35-50 બેસીસ પોઈન્ટ્સની રેપો રેટ વૃદ્ધિ દર્શાવશે. જે હાલમાં ડિસ્કાઉન્ટેડ છે. આમ તેની બજાર પર કોઈ નેગેટિવ અસર પડવાની શક્યતાં નથી. ઊલટાનું રેટ વૃદ્ધિ બાદ માર્કેટ તેજીને આગળ લંબાવે તેવી શક્યતા વધુ છે. ટેકનિકલ એનાલિસ્ટ ગુરુવારના ઈન્ટ્રા-ડે તળિયા આસપાસના 17150ના લેવલને સ્ટોપલોસ બનાવી લોંગ પોઝીશન જાળવી રાખવા જણાવે છે. છેલ્લાં ત્રણ સત્રોમાં માર્કેટ ઈન્ટ્રા-ડે કરેક્શન અને કોન્સોલિડેશન બાદ વધુ તેજી દર્શાવવા માટે તૈયાર હોવાનું તેઓનું કહેવું છે. નિફ્ટી 17400ની ઉપર 17700 સુધીનો ઉછાળો દર્શાવી શકે છે.
ગુરુવારે ડિફેન્સિવ સેક્ટર્સ તરફથી બજારોને સાંપડેલો સપોર્ટ સૂચવે છે કે માર્કેટમાં તેજીની લીડરશીપ બદલાશે પરંતુ સુધારાની ચાલ અકબંધ રહેશે. આરબીઆઈ બેઠક અગાઉ રેટ સેન્સિટિવ ક્ષેત્રોમાં સાવચેતી જોવા મળી હતી ત્યારે ફાર્મા, આઈટી અને એફએમસીજીમાં ખરીદી નીકળી હતી. નિફ્ટી ફાર્મા 2.4 ટકાનો મજબૂત સુધારો દર્શાવતો હતો. નોંધપાત્ર ખરીદી સૂચવનાર ફાર્મા કાઉન્ટર્સમાં ઝાયડસ લાઈફ 5.24 ટકા, લ્યુપિન 5.15 ટકા, સિપ્લા 3.23 ટકા, ટોરેન્ટ ફાર્મા 3.2 ટકા, ઓરોબિંદો ફાર્મા 2.5 ટકા અને સન ફાર્મા 2.4 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટી આઈટી પણ 1.3 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક, એમ્ફેસિસ જેવા મીડ-કેપ કાઉન્ટર્સ સાથે ઈન્ફોસિસ, વિપ્રો અને ટીસીએસ પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 1.2 ટકાની મજબૂતી સાથે બંધ રહ્યો હતો. એલ્યુમિનિયમ કાઉન્ટર્સ હિંદાલ્કો અને નાલ્કો ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, સેઈલ અને હિંદુસ્તાન ઝીંકમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. નિફ્ટી એફએમસીજી 0.5 ટકા સુધારા સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં વરુણ બેવરેજીસ 6.5 ટકા સાથે તીવ્ર સુધારો દર્શાવી રહ્યો હતો. આ સિવાય નેસ્લે 2.5 ટકા, મેરિકો 2.13 ટકા, ઈમામી 1 ટકો, ડાબર 1 ટકાનો સુધારો સૂચવી રહ્યાં હતાં. આઈટીસી અને એચયૂએલ પણ પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી ઓટો 0.2 ટકાનું સાધારણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 5 ટકા, બોશ 1.51 ટકાનો નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. જ્યારે ટીવીએસ મોટર, એમએન્ડએમ, આઈશર મોટર્સ અને બજાજ ઓટો પણ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈપ્કા લેબ્સ, ઈન્ડિયામાર્ટ ઈન્ટર, એયૂ સ્મોલ ફાઈનાન્સ, એસ્ટ્રાલ, લૌરસ લેબ્સ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈલે., હનીવેલ ઓટોમેશન, એમએન્ડએમ ફાઈનાન્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. જ્યારે બલરામપુર ચીની, ગુજરાત ગેસ, વોડાફોન, કેન ફિન હોમ્સ, એલઆઈસી હાઉસિંગ, બાટા ઈન્ડિયા, કેનેરા બેંક, એનટીપીસી, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, કોન્કોર, પેટ્રોનેટ એલએનજી અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં નોંધપાત્ર વેચવાલી નીકળી હતી. સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, કરુર વૈશ્ય, અદાણી ટોટલ ગેસ, ફિનિક્સ મિલ્સ, જેકે પેપરનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ઝેનસાર ટેક અને ગ્લેક્સોસ્મિથક્લાઈને વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં અન્ડરટોન નરમ હતો અને તેથી માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3476 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1553માં સુધારો જોવા મળ્યો હતો જ્યારે 1792 ઘટાડો સૂચવતાં હતાં. બીજી બાજુ 102 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 23 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. 11 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 2 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.



કોમેક્સ ગોલ્ડ વાયદો 1800 ડોલરની સપાટી કૂદાવી ગયો
ચીનના લાઈવ ફાયર પાછળ સ્પોટ ગોલ્ડ 1788 ડોલરની સપાટીએ
MCX ગોલ્ડ વાયદો રૂ. 500 ઉછળી રૂ. 52000ને પાર કરી ગયો
ડોલર સામે રૂપિયો 30 પૈસા ગગડી 79.46ની સપાટીએ બંધ

સાઉથ ચાઈના સી ખાતે જોવા મળી રહેલી તંગદિલી પાછળ રોકાણકારો સેફ હેવન ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ ગોલ્ડ તરફ વળ્યાં છે. ગુરુવારે બપોર બાદ કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ 1800 ડોલરની સપાટી પાર કરી 1804 ડોલરની સવા મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. તે 25 ડોલરનો ઉછાળો દર્શાવી રહ્યો હતો. સ્પોટ ગોલ્ડના ભાવ પણ 22 ડોલરની મજબૂતી સાથે 1788 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 500ની વૃદ્ધિ સાથે રૂ. 52100ની સપાટી પાર કરી ગયો હતો. સિલ્વર ફ્યુચર્સમાં પણ રૂ. 1000થી વધુની મજબૂતી જોવા મળતી હતી.
યુએસના નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતની પ્રતિક્રિયામાં ચીને ચાર દિવસ માટે અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કવાયત જાહેર કરતાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ વચ્ચે ગોલ્ડમાં ખરીદી નીકળી હતી. ડોલર ઈન્ડેક્સ 106.025થી 106.405ની રેંજમાં અથડાયો હતો. જ્યારે ગોલ્ડ વાયદો નીચેમાં 1775થી ઉછળી 1800 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગોલ્ડના ભાવમાં હજુ પણ 20-30 ડોલરની વૃદ્ધિ જોવા મળી શકે છે. કેમકે તેણે મહત્વના ટેકનિકલ અવરોધો પાર કર્યાં છે. જેની પાછળ શોર્ટ કવરિંગ નીકળી શકે છે. સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયામાં ફરી નરમાઈ પાછળ એમસીએક્સ ખાતે સોનુ રૂ. 52500થી 52800 સુધીનો સુધારો દર્શાવી શકે છે. ગુરુવારે ભારતીય ચલણ ડોલર સામે વધુ 30 પૈસા ગગડી 79.46ની સપાટીએ બંધ રહ્યું હતું. રૂપિયો 79.21ના સ્તરે ખૂલ્યાં બાદ શેરબજારમાં ઘટાડા પાછળ ગગડ્યો હતો.



નિફ્ટી-50ના પુનર્ગઠનમાં બેન્ચમાર્કમાં અદાણી એન્ટરપ્રાઈઝનો પ્રવેશ સંભવ
નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી-50 ઈન્ડેક્સના પુનર્ગઠનમાં ચારથી છ નવા શેર્સનો ઉમેરો થવાની શક્યતાં છે. જ્યારે આટલા અન્ય શેર્સ બેન્ચમાર્ક્સમાંથી બહાર નીકળશે. વર્તુળોના જણાવ્યા મુજબ નિફ્ટીમાં છેલ્લાં ઘણા સમયગાળા બાદ મોટો ફેરફાર થશે. જેની જાહેરાત ઓગસ્ટના મધ્ય સુધીમાં થાય તેવી શક્યતા છે કેમકે બેન્ચમાર્ક માટે 30 સપ્ટેમ્બર રિબેલેન્સિંગ ડેટ છે. નિફ્ટીમાં ઉમેરો થાય તેવા કાઉન્ટરમાં અદાણી એન્ટરપ્રાઈઝ એક હોય શકે છે. તે બેન્ચમાર્કમાં શ્રી સિમેન્ટનું સ્થાન લઈ શકે છે. અદાણી પોર્ટ્સ બાદ અદાણી એન્ટરપ્રાઈઝ નિફ્ટીમાં પ્રવેશનાર જૂથની બીજી કંપની બની રહેશે. નિફ્ટીમાંથી બહાર થનાર કાઉન્ટર્સમાં હીરો મોટોકોર્પ પણ હશે. નિફ્ટીમાં સ્થાન મેળવવા માટે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં હોવું અનિવાર્ય છે. જો એવન્યૂ સુપરમાર્ટ્સ, અદાણી ગ્રીન્સ અને અદાણી ટ્રાન્સમિશન એફએન્ડઓ સેગમેન્ટમાં હોત તો માર્કેટ-કેપ બેસીસ પર તેઓ નિફ્ટીમાં સમાવેશ પામી શક્યાં હોત. નિફ્ટી બાદના નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીમાં પ્રવેશ મેળવવાની સંભાવના ધરાવતાં અન્ય કાઉન્ટર્સમાં એલઆઈસી, ટાટા પાવર, અદાણી વિલ્મેર, આઈઆરસીટીસી અને એમ્ફેસિસ છે.

LICનો ફોર્ચ્યુન 500 કંપનીઓની યાદીમાં સમાવેશ
તાજેતરમાં લિસ્ટ થનારી લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને તાજેતરના ફોર્ચ્યુન ગ્લોબલ 500 લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે દેશમાં સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 51 સ્થાન કૂદાવીને 104મી સૌથી ઊંચી આવક ધરાવતી કંપની બની છે. ફોર્ચ્યુન 500 યાદી લિસ્ટેડ કંપનીઓની આવકને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવે છે. 2021-22માં 93.98 અબજ ડોલરની આવક અને 8.15 અબજ ડોલરના નફા સાથે રિલાયન્સ 104મા ક્રમે હતી. કંપની 19 વર્ષોથી આ યાદીમાં સ્થાન પામે છે. તાજેતરમાં શેરબજાર પર લિસ્ટ થયેલી એલઆઈસી 97.26 અબજ ડોલરની આવક સાથે સીધી 98માં ક્રમે પ્રવેશી હતી. યાદીમાં કુલ નવ ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે. જેમાં પાંચ જાહેર ક્ષેત્રની જ્યારે ચાર પ્રાઈવેટ સેક્ટરની છે. વિશ્વમાં સૌથી ઊંચી આવક ધરાવતી કંપનીઓમાં યુએસ રિટેલર વોલમાર્ટ આવે છે.
જૂન ક્વાર્ટરમાં રિટેલ વેલ્થમાં રૂ. 1.67 લાખ કરોડનો ઘટાડો નોંધાયો
માર્ચ આખરમાં રૂ. 19.25 લાખ કરોડની રિટેલ વેલ્થ જૂનના અંતે રૂ. 17.58 લાખ કરોડ પર જોવા મળી
જોકે રિટેલ હોલ્ડિંગ ત્રિમાસિક ધોરણે 0.02 ટકાના સાધારણ ઘટાડે 7.4 ટકા પર રહ્યું
HNIsનું શેર હોલ્ડિંગ પણ 2.21 ટકા પરથી 0.13 બેસીસ પોઈન્ટ્સ ગગડી 2.08 ટકા જોવા મળ્યું
રિટેલ હિસ્સો વધ્યો હોય તેવા શેર્સના ભાવ 10.4 ટકા તૂટ્યાં જ્યારે હિસ્સો વધ્યો હોય તેવા શેર્સમાં એક ટકાનો ઘટાડો
HNIsનું હોલ્ડિંગ વધ્યું હોય તેવા શેર્સમાં 7 ટકાનો ઘટાડો જ્યારે હિસ્સો ઘટ્યો હોય તેવા શેર્સમાં 6.2 ટકા ઘટાડો નોંધાયો હતો

રિટેલ ઈન્વેસ્ટર્સની ઈક્વિટી વેલ્થમાં જૂન ક્વાર્ટરમાં 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. માર્ચ ક્વાર્ટરની આખરમાં નાના રોકાણકારોના શેર્સનું મૂલ્ય રૂ. 19.25 લાખ કરોડ પર બેસતું હતું. જે જૂન ક્વાર્ટર સમાપ્ત થયો ત્યારે રૂ. 17.58 લાખ કરોડ પર જોવા મળ્યું હતું એમ માર્કેટ રિસર્ચ કંપની પ્રાઈમ ડેટાબેઝનો રિપોર્ટ જણાવે છે.
શેરબજારમાં કોઈ કંપનીમાં રૂ. 2 લાખના મૂલ્યથી ઓછી કિંમતના શેર્સ ધરાવતાં રોકાણકારને રિટેલ શેરહોલ્ડર્સ તરીકે ગણવામાં આવે છે. તેમણે બજારમાં લિસ્ટેડ 975 કંપનીઓમાં તેમના શેર હિસ્સામાં વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે બીજી બાજુ 730 કંપનીઓમાં તેમના હિસ્સામાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બજારમાં તેમનું સરેરાશ ઈક્વિટી હોલ્ડિંગ માર્ચ આખરના 7.42 ટકા હિસ્સા પરથી 0.02 ટકાના સાધારણ ઘટાડે 7.4 ટકા પર જોવા મળ્યું હતું. આમ રિટેલ વેલ્થમાં ઘટાડાનું મુખ્ય કારણ શેરમાર્કેટમાં સિક્યૂરિટીઝના ભાવમાં જોવા મળેલો ઘટાડો છે. દરમિયાનમાં હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યૂઅલ્સ(HNIs)ના શેરહોલ્ડિંગમાં પણ જૂન ક્વાર્ટરમાં 2.08 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ ક્વાર્ટરની આખરમાં 2.21 ટકા પરથી તેમનું હોલ્ડિંગ 0.13 બેસીસ પોઈન્ટ્સ ગગડી 2.08 ટકા પર રહ્યું હતું. માર્કેટમાં વ્યક્તિગત રોકાણકારની સંપત્તિમાં ઘટાડાનું મુખ્ય કારણ જૂન ક્વાર્ટરમાં બેન્ચમાર્ક નિફ્ટીમાં નોંધાયેલો 10 ટકા ઘટાડો હતો. જે કોવિડની શરૂઆત વખતના માર્ચ 2020 ક્વાર્ટરના દેખાવ પછીનો સૌથી ખરાબ ત્રિમાસિક દેખાવ હતો.
વ્યક્તિગત રોકાણકારોના હોલ્ડિંગમાં ઘટાડાને કારણે તેમની કામગીરી પર પણ અસર પડી હતી. બજારમાં કેશ સેગમેન્ટમાં વોલ્યુમ માર્ચ 2020 ક્વાર્ટર પછીના સૌથી નીચા સ્તર પર નોંધાયા હતા. સાથે નવા ડિમેટ એકાઉન્ટ્સ ઓપનીંગની પ્રક્રિયા પણ જૂન ક્વાર્ટરમાં ધીમી પડી હતી. ઈક્વિટી માર્કેટમાં જૂન ક્વાર્ટરમાં વ્યક્તિગત રોકાણકાર તરફથી સીધા રોકાણનો પ્રવાહ ભલે અટક્યો હતો પરંતુ મ્યુચ્યુલ ફંડ્સ મારફતે મજબૂત રોકાણ પ્રવાહ જળવાયો હતો. સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સનો હિસ્સો સતત ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર્શાવતો હતો. 30 જૂનના રોજ તે 7.95 ટકાની બે વર્ષોની ટોચ પર જોવા મળતો હતો. જે 31 માર્ચના રોજ 7.75 ટકા પર હતો. જે કંપનીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સના હિસ્સામાં વૃદ્ધિ જોવા મળી હતી તેમના ભાવમાં જૂન ક્વાર્ટરમાં સરેરાશ 10.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે રિટેલ ઈન્વેસ્ટર્સના હિસ્સો ઘટ્યો હોય તેવી કંપનીઓના ભાવમાં માત્ર એક ટકા ઘટાડો જોવા મળ્યો હતો. એચએનઆઈના હિસ્સામાં વૃદ્ધિ નોંધાઈ હોય તેવી કંપનીઓના શેર્સમાં જૂન ક્વાર્ટરમાં સરેરાશ 7 ટકા ઘટાડો જણાયો હતો. જ્યારે જે કંપનીઓમાં એચએનઆઈએ શેર્સનું વેચાણ કર્યું હતું ત્યાં ઘટાડો 6.2 ટકાનો જળવાયો હતો.



જુલાઈમાં વાહનોના રિટેલ વેચાણમાં 8 ટકા ઘટાડો
પેસેન્જર વેહીકલ્સ, ટુ-વ્હીલર્સ અને ટ્રેકટર્સમાં નબળું રજિસ્ટ્રેશન જોવા મળ્યું

ઓટોમોબાઈલ સેક્ટરે જુલાઈ મહિનામાં રિટેલ વેચાણમાં ઘટાડો નોંધાવ્યો છે. પેસેન્જર વેહીકલ્સ, ટુ-વ્હીલર્સ અને ટ્રેકટર્સના રજિસ્ટ્રેશન્સમાં ઘટાડા પાછળ વાર્ષિક ધોરણે વાહનોનું વેચાણ 8 ટકા જેટલું રહ્યું હોવાનું ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન ફાડા જણાવે છે.
ફાડાના ડેટા મુજબ જુલાઈ દરમિયાન દેશમાં વાહનોનું રિટેલ વેચાણ 14,36,927 યુનિટ્સ પર રહ્યું હતું. જે એક વર્ષ અગાઉ જુલાઈ 2021માં 15,59,106 યુનિટ્સ પર હતું. જેમાં પેસેન્જર વેહીકલ રિટેલ સેલ્સ 5 ટકા ગગડી 2,50,972 યુનિટ્સ પર નોંધાયું હતું. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 2,63,238 યુનિટ્સ પર હતું. ફાડાના પ્રમુખના જણાવ્યા મુજબ જુલાઈમાં રિટેલ વેચાણમાં ઘટાડો નોંધાવા છતાં નવા મોડેલ્સનું લોંચિંગ જળવાયું હતું. ખાસ કરીને કોમ્પેક્ટ એસયૂવી સેક્ટરમાં લોંચ જોવા મળ્યાં હતાં. સપ્લાયમાં સુધારા પાછળ આગામી મહિનાઓમાં ગ્રાહકોની આતુરતામાં ઘટાડો જોવા મળે તેમ તેઓ માને છે. ટુ-વ્હીલર્સ ક્ષેત્રે જુલાઈમાં રિટેલ વેચાણ 10,09,574 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે જુલાઈ 2021માં 11,33,344 યુનિટ્સની સરખામણીમાં 11 ટકા ઘટાડો દર્શાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં નબળી માગને કારણે ટુ-વ્હીલર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેકટર્સનું વેચાણ પણ ધીમું જળવાયું હતું. જુલાઈ 2021માં 82,419 યુનિટ્સની સરખામણીમાં ગયા મહિને તે 28 ટકા ઘટાડા સાથે 59,573 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જોકે થ્રી-વ્હીલર્સ અને કમર્સિયલ વ્હીકલના વેચાણમાં પોઝીટીવ મોમેન્ટમ જોવા મળ્યું હતું. થ્રી-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે 80 ટકા વધી 50349 યુનિટ્સ પર રહ્યું હતું. ગયા વર્ષે જુલાઈમાં તે માત્ર 27908 યુનિટ્સ પર નોંધાયું હતું. આ જ રીતે કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ પણ 27 ટકા ઉછળી 66459(ગયા વર્ષે 52197 યુનિટ્સ) યુનિટ્સ પર જોવા મળ્યું હતું. ફાડાએ દેશમાં 1409 આરટીઓ ઓફિસમાંથી 1334 પાસેથી ડેટા મેળવ્યો હતો.


કોર્પોરેટ હેડલાઈન્સ

રેડિંગ્ટનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 315.78 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 236.67 કરોડની સરખામણીમાં 33.43 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 13454.1 કરોડ પરથી 24.9 ટકા ઉછળી રૂ. 16803.1 કરોડ રહી હતી.
કોલ ઈન્ડિયાઃ દેશમાં ટોચની કોલ ઉત્પાદકે એપ્રિલથી જુલાઈ સુધીના ચાર મહિનામાં 26.565 કરોડ ટન કોલસાનું ઉત્પાદન દર્શાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 26.4 ટકા વૃદ્ધિ સૂચવે છે.
એડબલ્યુએલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 193.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 175.7 કરોડની સરખામણીમાં 10.2 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 11312 કરોડ પરથી 30.2 ટકા ઉછળી રૂ. 14731.6 કરોડ રહી હતી.
ઈન્ડિગોઃ ટોચની પ્રાઈવેટ ઉડ્ડયન કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1064.2 કરોડની ખોટ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3174.2 કરોડની સરખામણીમાં ઘણી નીચે છે. જે કંપનીની કામગીરીમાં સુધારો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3006.9 કરોડ પરથી ત્રણ ગણી ઉછળી રૂ. 12855.3 કરોડ રહી હતી.
કેઈસીઃ એન્જીનીયરીંગ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 31 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 46 કરોડની સરખામણીમાં 30 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 2540 કરોડ પરથી 30 ટકા ઉછળી રૂ. 3318 કરોડ રહી હતી.
એસએસબીએ ઇનોવેશન્સઃ ટેક્નોલોજી-સંચાલિત ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ અને સર્વિસિઝ પ્લેટફોર્મે પ્રાઈમરી માર્કેટમાંથી લગભગ રૂ. 105 કરોડ એકત્ર કરવા માટે ડીઆરએચપી ફાઈલ કર્યું છે. ટેક્સબડી નામે ટેક્સ પોર્ટલ ચલાવતી કંપની ઈન્ડિવિડ્યૂઅલ્સ, એચયૂએફ, પ્રોફેશ્નલ્સ, કંપનીઓને ટેક્સ પ્લાનીંગ, ફાઈલીંગ સહિતની કામગીરી પૂરી પાડે છે. કંપની રૂ. 65.45 કરોડનો ઉપયોગ કસ્ટમર્સ એક્વિઝીશન્સમાં તથા રૂ. 15.22 કરોડનો ઉપયોગ કોર્પોરેટ કામગીરીમાં કરશે.
ઈન્ફિબીમ એવન્યુઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 93 ટકા વૃદ્ધિ સાથે રૂ. 418 કરોડની આવક નોંધાવી છે. કંપનીનો એબિટા 51 ટકા વધી રૂ. 43 કરોડ જ્યારે ચોખ્ખો નફો 69 ટકા ઉછળી રૂ. 23 કરોડ રહ્યો હતો. કંપનીની ટ્રાન્ઝેકશન પ્રોસેસ્ડ વેલ્યુ 72 ટકા વધી રૂ. 87218 કરોડ રહી હતી.
બિરલાસોફ્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 121 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 6.1 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરની સરખામણીમાં 22 ટકા ઉછળી રૂ. 1150 કરોડ રહી હતી.
બીઈએલઃ પીએસયૂ કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સના બોર્ડે બોનસ શેર્સના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની વર્તમાન એક શેર સામે બે બોનસ શેર્સ ઈસ્યુ કરશે.
ગલ્ફ ઓઈલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 55 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 63 કરોડની સરખામણીમાં 12.7 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 639 કરોડ પરથી 10.5 ટકા ઉછળી રૂ. 706 કરોડ રહી હતી

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage