Market Summary 4 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

સુસ્ત ટ્રેડિંગ વચ્ચે બજેટ સપ્તાહ પોઝીટીવ નોટ સાથે બંધ
નિફ્ટી શુક્રવારે 17500ના સપોર્ટને જાળવવામાં સફળ રહ્યો
યુએસ-યુરોપમાં નરમાઈ, એશિયા મજબૂત
બ્રોડ માર્કેટમાં લેવાલીનો અભાવ
મેટલ, આઈટી તરફથી બજારને સપોર્ટ
સન ફાર્મા પાંચ વર્ષોની ટોચ પર

શુક્રવારે શેરબજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે ભારતીય બેન્ચમાર્ક્સ સાધારણ ઘટાડા સાથે બંધ દર્શાવ્યું હતું. બજેટ સપ્તાહે સરવાળે પોઝીટીવ નોંધ સાથે બંધ આપ્યું હતું. નિફ્ટી 43.90 પોઈન્ટ્સ ઘટી 17560.20ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સે 143.20 પોઈન્ટ્સના ઘટાડે 58644.82ની સપાટી પર બંધ દર્શાવ્યું હતું. વોલેટાઈલ ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સમાં દોઢ ટકાનો સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 34 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 16માં સુધારો જોવા મળતો હતો.
ગુરુવારે યુએસ શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ખાસ કરીને ટેક્નોલોજી હેવીવેઈટ નાસ્ડેક 3.74 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. અગાઉની ફેસબુક અને હવે મેટાએ નબળા પરિણામો રજૂ કરતાં શેરમાં 26 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળ કંપનીએ 230 અબજ ડોલરનું માર્કેટ-કેપ ગુમાવ્યું હતું. જેની પાછળ નાસ્ડેક ગગડ્યો હતો. એશિયન બજારોમાં જોકે લાંબા વેકેશન બાદ કામ દર્શાવનાર હોંગ કોંગ બજારમાં 3.24 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે કોરિયન માર્કેટે 1.57 ટકા સુધારો નોંધાવ્યો હતો. જાપાન બજાર પણ શરૂઆતી નરમાઈમાંથી પરત ફર્યું હતું અને 0.73 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યું હતું. જોકે યુરોપ બજારોમાં નરમાઈ જોવા મળી હતી અને તેઓ દોઢ ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
ભારતીય બજારમાં સપ્તાહના શરૂઆતી ત્રણ દિવસો દરમિયાન મજબૂતી બાદ છેલ્લાં બે સત્રો નેગેટિવ બની રહ્યાં હતાં. જોકે સમગ્રતયા માર્કેટ પોઝીટીવ જળવાય રહ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 17500નો મહત્વનો સપોર્ટ છે. જેની નીચે તે 17200 સુધીનો ઘટાડો દર્શાવી શકે છે. જ્યારે ઉપરમાં 17800નો અવરોધ છે. જે પાર થશે તો બેન્ચમાર્ક નવી તેજી દર્શાવશે. વૈશ્વિ સ્તરે ક્રૂડના ભાવ સાત વર્ષોની ટોચ પર જોતાં ભારતીય બજારમાં ચિંતા જોવા મળી શકે છે. ક્રૂડમાં મજબૂતી સાથે રૂપિયો સ્થિર જણાય રહ્યો છે અને તેથી કોઈ મોટું વેચાણ જોવા મળ્યું નથી. ક્રૂડના ભાવ 60 ડોલર આસપાસ જળવાયેલા રહે તે ભારતીય અર્થતંત્ર માટે સૌથી મહત્વની બાબત છે.
શુક્રવારે બજારમાં મેટલ કંપનીઓ સૌથી સારો સુધારો દર્શાવી રહી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.18 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય એકમાત્ર નિફ્ટી આઈટી સાધારણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી રિઅલ્ટી 2.7 ટકા, મિડિયા 1.9 ટકા, પીએસયૂ બેંક 1.92 ટકા, ઓટો 1 ટકાનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપમાં 0.76 ટકા અને સ્મોલ-કેપમાં 0.92 ટકાનો ઘટાડો જોવા મળતો હતો. બીએસઈ ખાતે 3432 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1591માં સુધારો નોંધાયો હતો. જ્યારે 1748માં ઘટાડો જોવા મળતો હતો. 436 કાઉન્ટર્સે અપર સર્કિટ્સમાં જ્યારે 173 કાઉન્ટર્સે લોઅર સર્કિટ્સમાં બંધ નોંધાવ્યું હતું. 175 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ પણ દર્શાવી હતી. નિફ્ટી કાઉન્ટર્સમાં હિંદાલ્કો, ઓએનજીસી, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, ડિવિઝ લેબ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા સ્ટીલ સુધરવામાં મોખરે હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ટોરેન્ટ પાવર 7.5 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત હિંદ કોપર 6.46 ટકા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, વેદાંતા, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ પણ નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં.

વૈશ્વિક ક્રૂડના ભાવ નવી તેજી પાછળ 7 વર્ષોની ટોચ પર પહોંચ્યાં
બ્રેન્ટ ક્રૂડ વાયદો 93 ડોલર નજીક પહોંચ્યો જ્યારે યુએસ ક્રૂડે 91 ડોલરનું સ્તર પાર કર્યું

ક્રૂડના ભાવમાં મજબૂતી જળવાય છે. શુક્રવારે સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે ક્રોમોડિટીના ભાવ 7 વર્ષોની ટોચ પર પહોંચ્યાં હતાં. જેમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 2 ટકા સુધારા સાથે 92.84 ડોલર પર ટ્રેડ થયો હતો. જ્યારે યુએસ ખાતે લાઈટ સ્વીટ ક્રૂડના ભાવ 91 ડોલરની સપાટી પાર કરી ગયા હતાં. વૈશ્વિક સ્તરે રશિયા-યૂક્રેન વચ્ચે તંગદિલી વચ્ચે યુએસ ખાતે ક્રૂડ ઉત્પાદનને લઈને ચિંતા ઊભી થતાં ક્રૂડના ભાવમાં ખરીદી જળવાય હતી. બુધવારે ઓપેક અને અન્ય ઉત્પાદકોએ માર્ચ મહિનાથી પ્રતિ માસ 4 લાખ બેરલ ઉત્પાદન વૃદ્ધિ માટે સહમતિ દર્શાવવા છતાં ક્રૂડના ભાવમાં મજબૂતી જળવાય રહી છે.
અગ્રણી રિફાઈનીંગ કંપનીના જણાવ્યા અનુસાર યુએસ ખાતે ટેક્સાસમાં કોલ્ડ વેવને કારણે પર્મિઅન બેસીન ખાતે ઉત્પાદન બંધ થવાને લઈને ચિંતા ઊભી છે. એક વર્ષ અગાઉ પણ આબોહવાની પ્રતિકૂળતાને કારણે ઉત્પાદન ખોરવાયું હતું એમ તેઓ ઉમેરે છે. બરફ અને વરસાદને કારણે યુએસ ખાતે ટેનેસી, આર્કાન્સાસ અને ટેક્સાસમાં શુક્રવારે 3.5 લાખ ઘરો વીજળી વિના હોવાનું જાણવા મળ્યું હતું. જો આ સ્થિતિ લાંબો સમય ચાલુ રહેશે તો ટેક્સાસ ખાતે ક્રૂડના ઉત્પાદન પર લાંબો સમય અસર પડશે. જે ભાવને વધુ ઉંચી સપાટી પર લઈ જશે. બીજી બાજુ પૂર્વ યુરોપમાં યુએસ અને યુરોપના સાથે દેશોએ તેમના સૈન્યની હાજરી વધારવાનું નક્કી કરતાં પણ ક્રૂડના ભાવમાં મજબૂતી વધી છે.
છેલ્લાં એક વર્ષની વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડ વાયદો 60 ટકાનો સુધારો દર્શાવે છે. ગયા ફેબ્રુઆરીમાં 54 ડોલરના સ્તરેથી તે સુધરતો રહ્યો છે અને શુક્રવારે 2014 પછીની નવી ટોચ પર ટ્રેડ થયો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ માને છે કે તે 95 ડોલરના સ્તર સુધી સુધારો દર્શાવી શકે છે. જ્યારબાદ તે કોન્સોલિડેશનમાં જોવા મળશે. જો રશિયા-યૂક્રેન વચ્ચે કોઈ તંગદિલી ઊભી થશે તો તે 100 ડોલરનું સ્તર પાર કરી જશે. એમસીએક્સ ખાતે શુક્રવારે ફેબ્રુઆરી ક્રૂડ વાયદો 3.37 ટકા અથવા રૂ. 224ના સુધારે રૂ. 6865 પર છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ તે રૂ. 7 હજારની સપાટીને પાર કરી સર્વોચ્ચ સપાટી દર્શાવે તેવી પણ શક્યતાં છે.

ગેઈલે રૂ. 3781 કરોડનો વિક્રમી નફો નોંધાવ્યો
સરકારી જાહેર સાહસ ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3781 કરોડનો સૌથી ઊંચો નફો દર્શાવ્યો હતો. કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ પણ વાર્ષિક ધોરણે 67 ટકા ઉછળી રૂ. 26597 કરોડ પર રહી હતી. ગયા વર્ષે તે સમાનગાળામાં રૂ. 21515 કરોડ પર જોવા મળી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. 15900 કરોડ પર રહી હતી. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 3288 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2863 કરોડ પર હતો. એપ્રિલથી ડિસેમ્બર સુધીના નવ મહિનાની વાત કરીએ તો કંપનીએ રૂ. 65546 કરોડની આવક પર રૂ. 8802 કરોડનો નફો નોંધાવ્યો હતો.
ડોલર સામે રૂપિયો 18 પૈસા સુધર્યો
સપ્તાહના આખરી ટ્રેડિંગ સત્ર દરમિયાન યુએસ ડોલર સામે રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી. ગુરુવારે 74.88ના સ્તરે બંધ રહેલો રૂપિયો 74.71ના સ્તરે મજબૂત ઓપનીંગ બાદ વધુ સુધારા સાથે 74.68 પર ટ્રેડ થઈ નીચામાં 74.77નું સ્તર દર્શાવી 74.70 પર બંધ રહ્યો હતો. જે સાથે ચાલુ સપ્તાહના પાંચ સત્રોમાં તેણે ગ્રીનબેક સામે કુલ 37 પૈસાનો સુધારો નોંધાવ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈએ થોડી મજબૂત કરી હતી. જ્યારે શેરબજારમાં સ્થિરતાને કારણે ચલણને સપોર્ટ મળ્યો હતો. જોકે ક્રૂડના ઊંચા ભાવોને કારણે તે વધુ સુધારો દર્શાવી શક્યો નહોતો.
એસ્ટ્રલ લિમિટેડે પ્રથમવાર ત્રિમાસિક ધોરણે રૂ. 1099 કરોડની આવક નોંધાવી
અગ્રણી સીપીવીસી પાઇપ્સ અને ફિટિંગ્સ ઉત્પાદન કંપની એસ્ટ્રલ લિમિટેડે ડિસેમ્બર ક્વાર્ટરમાં 22.44 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1098.9 કરોડની કોન્સોલિડેટેડ રેવન્યૂ દર્શાવી છે. જ્યારે એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિના માટે આવકો કંપનીની આવકો 44.16 ટકા વધીને રૂ. 2,953.1 કરોડ થઇ છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 127.9 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જ્યારે નવ મહિના માટે તેણે રૂ. 346.3 કરોડનો નફો દર્શાવ્યો છે.

સેન્સેક્સ પાંચ વર્ષોમાં 1 લાખ થઈ શકેઃ ક્રિસ્ટોફર વૂડ
ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની જેફરિઝના ક્રિસ્ટોફર વૂડે જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષોમાં બીએસઈ સેન્સેક્સ એક લાખની સપાટી દર્શાવી શકે છે. તેમણે પાંચ વર્ષોમાં 15 ટકાના ઈપીએસ વૃદ્ધિ દરને તથા સરેરાશ 19.4ના પીઈ મલ્ટીપલને ધ્યાનમાં રાખી આ ટાર્ગેટ બાંધી રહ્યાં છે. ગ્રીડ એન્ડ ફિઅર નામના પોતાના અહેવાલમાં વૂડે નોંધ્યું છે કે સેન્સેક્સ 2026-27ના નાણાકિય વર્ષ દરમિયાન આ સ્તર દર્શાવી શકે છે. તેમનો અંદાજ વર્તમાન 58700ના સ્તરેથી સેન્સેક્સમાં 70 ટકાના સુધારાનો સંકેત આપે છે. કેલેન્ડર 2021માં સેન્સેક્સે વાર્ષિક 24 ટકા રિટર્ન દર્શાવ્યું હતું. ચાલુ વર્ષે પણ તે પોઝીટીવ ટ્રેડિંગ દર્શાવી રહ્યો છે.

લિસ્ટેડ હરિફોના વેલ્યૂએશને LIC રૂ. 20 લાખ કરોડનું એમ-કેપ દર્શાવી શકે
એચડીએફસી લાઈફથી લઈ આઈસીઆઈસીઆઈ પ્રૂડે. લાઈફના વેલ્યૂએશનને ગણનામાં લઈએ તો એલઆઈસીનું મૂલ્ય 173 અબજ ડોલરથી 272 અબજ ડોલરની રેંજમાં બેસે છે
તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પણ સૌથી મોટી એમ-કેપ ધરાવતી કંપની તરીકે પાછળ રાખી દેશે
જ્યારે વૈશ્વિક સ્તરે સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ પ્રોવાઈડર કંપની બની જશે

જો શેરબજારમાં લિસ્ટેડ વર્તમાન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓના વેલ્યૂએશન મલ્ટિપલ્સને એક આધાર તરીકે ગણનામાં લઈએ તો એલઆઈસીનું લિસ્ટીંગ લગભગ રૂ. 20 લાખ કરોડ(272 અબજ ડોલર) ઉપર થાય તેવી શક્યતાં શેરબજાર વર્તુળો જોઈ રહ્યાં છે. જો આમ થાય તો એલઆઈસી લિસ્ટીંગ સાથે જ હાલમાં બજારમાં સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પાછળ રાખી દેશે. શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ-કેપ રૂ. 15.77 લાખ કરોડ જોવા મળતું હતું. ડોલર સંદર્ભમાં તે 210 અબજ ડોલર જેટલું બેસે છે.
આ અંદાજિત વેલ્યૂએશન પર એલઆઈસી વિશ્વમાં બીજા ક્રમની લિસ્ટેડ ઈન્શ્યોરન્સ પ્રોવાઈડર કંપની બનશે. જ્યારે સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરર કંપની તરીકે ઊભરશે. દેશમાં શેરબજારના કુલ માર્કેટ-કેપનો તે 13 જેટલો હિસ્સો પણ ધરાવતી હશે. સરકાર નિયુક્ત વેલ્યૂઅરે એલઆઈસી માટે રૂ. 5 લાખ કરોડની એમ્બેડેડ વેલ્યૂ નિર્ધારિત કરી છે. જે સત્તાવાર રીતે વીમા રેગ્યુલેટર ઈરડાઈને પણ જણાવવામાં આવી છે. જ્યારે આગામી સપ્તાહે કંપની સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કરશે તેમાં તેનો ઉલ્લેખ કરવામાં આવશે. અગાઉ જાન્યુઆરીમાં એક અહેવાલ મુજબ સરકાર એલઆઈસીનું વેલ્યૂએશન 203 અબજ ડોલર આસપાસ રાખવાનો પ્રયાસ કરશે. જે ભાવે એલઆઈસી અપ્રત્યક્ષ રીતે રાજ્યની માલિકીની એવી એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની સાથે સરખામણી થઈ શકે તેમ છે. જો ખાનગી લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ સાથે વેલ્યૂએશનની સરખામણી કરીએ તો એલઆઈસીના વેલ્યૂએશન્સમાં બંને બાજુની વધ-ઘટ જોવા મળી શકે છે. જેમકે એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સનો શેર ચાલુ નાણાકીય વર્ષ માટે તેની એમ્બેડેડ વેલ્યૂના અંદાજની સામે 4.1 ગણા પ્રાઈસ/ઈવી પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ 3ના પી/ઈવી પર તથા આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ 2.6ના પી/ઈવી પર ટ્રેડ થઈ રહ્યો છે.
જો ઉપરોક્ત હરિફોના વેલ્યૂએશન મલ્ટિપલ્સને ધ્યાનમાં રાખી ગણતરી કરીએ તો એલઆઈસીનું માર્કેટ-કેપિટલાઈઝેશન 172.9 અબજ ડોલરથી લઈ 272 અબજ ડોલરની રેંજમાં માર્કેટ-કેપ ધરાવી શકે છે. જે તેને ચીનની પીંગ એન ઈન્શ્યોરન્સ અને ચાઈના લાઈફ ઈન્શ્યોરન્સ, હોંગ કોંગ લિસ્ટેડ એઆઈએ ગ્રૂપ અને યુએસ લિસ્ટેડ મેટલાઈફ કરતાં પણ ઊંચું વેલ્યૂએશન આપી શકે છે. હાલમાં ઉપરોક્ત વૈશ્વિક કંપનીઓ 57 અબજ ડોલરથી લઈ 149 અબજ ડોલરની રેંજમાં વેલ્યૂએશન્સ ધરાવે છે. એક અગ્રણી નાણાકિય સર્વિસિસ કંપનીના પોર્ટફોલિયો એડવાઈઝરના મતે એલઆઈસીને ભારતીય બજારમાં વર્તમાન લિસ્ટેડ પ્લેયર્સની સરખામણીમાં પ્રિમીયમ મળવું જોઈએ. જેનું મુખ્ય કારણ સ્થાનિક બજારમાં તેનું પ્રભુત્વ છે. હાલમાં એલઆઈસી ભારતના લાઈફ ઈન્શ્યોરન્સ માર્કેટનો 65 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. તાજેતરમાં લાઈફ ઈન્શ્યોરન્સે પોલિસી બઝાર સાથે મળીને તેની ઓનલાઈન ફૂટપ્રિન્ટ વધારવા માટેનું પગલું ભર્યું છે. જે તેને હરિફો સામે માર્કેટ શેર ગુમાવતાં અટકાવવામાં સહાયરૂપ થશે. 203 અબજ ડોલરના ભાવે એલઆઈસીમાં આઈપીઓ મારફતે 10 ટકાનો મહત્તમ હિસ્સો વેચી સરકાર રૂ. 1.5 લાખ કરોડ સુધીના નાણા ઊભા કરી શકે છે. સરકારે 2021-22 માટેના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને તાજેતરમાં જ સુધારીને રૂ. 78 હજાર કરોડ કર્યો હતો. જે અગાઉ રૂ. 2 લાખ કરોડ આસપાસ અંદાજવામાં આવ્યો હતો.
LIC આગામી સપ્તાહે DRHP ફાઈલ કરશે
લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન આગામી સપ્તાહે સેબી સાથે ડીઆરએચપી ફાઈલ કરશે એમ દિપમ સેક્રેટરી તુહિન કાંત પાંડેએ જણાવ્યું છે. વીમા કંપનીમાં એફડીઆઈની મર્યાદા 20 ટકાની રહેશે. જે હાલમાં જાહેર ક્ષેત્રના બેંક શેર્સમાં લાગુ પડે છે. તેમણે આ મર્યાદાને પૂરતી ગણાવી હતી. સરકાર શરૂઆતમાં એલઆઈસીમાં પાંચ ટકા હિસ્સાનું વેચાણ કરે તેવી શક્યતા છે.

એગ્રી નિકાસમાં આંઠ મહિનામાં 25 ટકા વૃદ્ધિ નોંધાઈ
એપ્રિલ-નવેમ્બર દરમિયાન અગ્રણી કૃષિ પેદાશોની નિકાસ 15.16 અબજ ડોલર પર જોવા મળી
ગયા વર્ષે નિકાસમાં 23.8 ટકાનો ઊંચો વૃદ્ધિ દર જોવા મળ્યો હતો
એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફુડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી(એપેડા) હેઠળ આવતી 27 જેટલી કેટેગરીએ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન સારો દેખાવ દર્શાવ્યો છે અને એપ્રિલથી નવેમ્બર સુધીના પ્રથમ આંઠ મહિના દરમિયાન નિકાસ 24.86 ટકા વૃદ્ધિ સાથે 15.16 અબજ ડોલર પર જોવા મળી છે. વર્ષના બાકીના મહિનાઓમાં પણ તે ઊંચી વૃદ્ધિ જાળવી રાખે તેવી શક્યતાં છે. એપેડા-પ્રમોટેડ પ્રોડક્ટ્સ દેશની કુલ 41.25 અબજ ડોલરની કૃષિ નિકાસમાં લગભગ 50 ટકા હિસ્સો ધરાવે છે.
ગયા નાણાકિય વર્ષમાં એપેડા હેઠળની કૃષિ પેદાશોમાં 23.8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જેનું મુખ્ય કારણ અગાઉના વર્ષની લો-બેઝ ઈફેક્ટ હોવાનું પણ એપેડા વર્તુળો જણાવે છે. જોકે ગયા વર્ષના ઊંચા બેઝ પર પણ ચાલુ વર્ષે નિકાસ દેખાવ સારો રહ્યો છે. જેમાં મરીન પ્રોડક્ટ્સ 14 ટકા હિસ્સા સાથે સૌથી મોટું યોગદાન આપી રહ્યું છે. જ્યારે 10 ટકા હિસ્સા સાથે મસાલા પાકો બીજા ક્રમે જોવા મળે છે. મરીન પ્રોડક્ટ્સની નિકાસ એપ્રિલ-નવેમ્બરના સમયગાળામાં 35 ટકા વૃદ્ધિ સાથે 6.1 અબજ ડોલર પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 4.5 અબજ ડોલર પર હતી. સરકારે 2018માં ફાર્મ સેક્ટર માટે પ્રથમ એક્સપોર્ટ પોલિસીની જાહેરાત કરી હતી. જેનો ટાર્ગેટ કૃષિ નિકાસને 2022-23 સુધીમાં બમણી કરીને 60 અબજ ડોલર પર લઈ જવાનો હતો. એક નોંધપાત્ર ઘટનામાં એપેડા ચેરમેને જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પ્રથમ આઁઠ મહિનામાં નિકાસ દરમિયાન ટોચની 10 પ્રોડક્ટ્સના હિસ્સામાં ઘટાડો નોંધાયો છે. એટલેકે અન્ય પ્રોડક્ટ્સની નિકાસમાં સુધારો જોવા મળ્યો છે. આ એક સારો સંકેત છે. સાથે તે સૂચવે છે કે દેશ વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. જે આગામી વર્ષોમાં નિકાસ ક્ષેત્રે ઘણો સારો દેખાવ કરી શકે છે.
ચાલુ વર્ષે ટોચની 10 પ્રોડક્ટ્સમાં બાસમતી, નોન-બાસમતી, મીટ, મગફળી, પ્રોસેસ્ટ ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ્સ, મકાઈ, ડુંગળી, જ્યુસિસ અને નટ્સનો સમાવેશ થાય છે. જેમની નિકાસ 13.3 ટકા વધી 11.16 અબજ ડોલર પર રહેવા પામી હતી. તેમનો હિસ્સો કુલ નિકાસમાં 74 ટકા પર રહ્યો હતો. જે એક વર્ષ અગાઉ સમાનગાળામાં 81 ટકા પર હતો. ગયા વર્ષે ટોચની 10 પ્રોડક્ટ્સની નિકાસ 2019-20ની સરખામણીમાં 31.4 ટકા વૃદ્ધિ સાથે 16.26 અબજ ડોલર પર જોવા મળી હતી.

નોન-બાસમતી ચોખાની નિકાસ તેના લક્ષ્યાંકને પાર કરી જશે
ચીન-બાંગ્લાદેશની મોટી ખરીદી પાછળ નોન-બાસમતી ચોખાની નિકાસ ચાલુ વર્ષ માટે નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યાંકને પાર કરી જશે એમ જણાય છે. એપ્રિલથી ડિસેમ્બર સુધીના નવ મહિના દરમિયાન તે 52 ટકા ઉછળી 1.253 કરોડ ટન પર જોવા મળી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 82.5 લાખ ટન પર હતાં. જો મૂલ્યની રીતે જોઈએ તો શીપમેન્ટ્સમાં 46 ટકા વૃદ્ધિ જોવા મળી છે અને તે 4.48 અબજ ડોલર પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 3.07 અબજ ડોલર પર હતી. 2020-21માં નોન-બાસમતી ચોખાની નાસ 1.30 કરોડ ટન પર રહી હતી. જેનું મૂલ્ય 4.796 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. 2019-20માં નોન-બાસમતી ચોખાની નિકાસ 50.3 લાખ ટન પર 2.034 અબજ ડોલર પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage