Market Summary 4 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


તેજીની હેટ્રીક વચ્ચે માર્કેટ મહિનાની ટોચ પર બંધ

પીએસયૂ, આઈટી, એનર્જી અને બેંકિંગનો સપોર્ટ સાંપડ્યો

વૈશ્વિક બજારમાં પોઝીટીવ મોમેન્ટમનો પણ લાભ થયો

જોકે બ્રોડ માર્કેટમાં ખરીદી ધીમી પડી, બીએસઈ ખાતે 1848 કાઉન્ટર્સમા સુધારા સામે 1538માં નરમાઈ

વોલેટિલિટી ઈન્ડેક્સ વધુ 2 ટકા ઘટી 16.12ની સપાટી પર


ભારતીય શેરબજારે સતત ત્રીજા દિવસે તેજી જાળવી રાખી હેટ્રીક તો દર્શાવી જ હતી પરંતુ બેન્ચમાર્ક્સ પણ તેમની મહિનાની ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 673 પોઈન્ટ્સ સુધરી 59856ના સ્તરે જ્યારે નિફ્ટી 181 પોઈન્ટ્સના ઉછાળે 17807 પર બંધ રહ્યો હતો. અગાઉ તે 22 નવેમ્બરે આ સ્તરે જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકાથી વધુ નરમાઈ સાથે 16.12 ટકાના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 36 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે 14 કાઉન્ટર્સ નરમાઈ સૂચવી રહ્યાં હતાં.

સોમવારે 1.6 ટકાના મજબૂત સુધારા સાથે બ્રેકઆઉટ દર્શાવ્યાં બાદ ભારતીય બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળે તેવી શક્યતાં હતી. જે સાચી ઠરી હતી. નિફ્ટી 17625.70ના અગાઉના બંધ સામે 17681.40ના સ્તરે ખૂલી લાંબો સમય સુધી ફ્લેટ ટ્રેડ દર્શાવ્યાં બાદ ફરી તેજીતરફી બન્યો હતો અને જોતજોતામાં તેણે 17827.60ની દિવસની ટોચ દર્શાવી તેની નજીક જ બંધ પણ આપ્યું હતું. બેન્ચમાર્ક છેલ્લાં પખવાડિયામાં તેના 16410ના તળિયાથી 1400 પોઈન્ટસની તીવ્ર રિકવરી દર્શાવી ચૂક્યો છે. ટૂંકાગાળામાં તે ઓવરબોટ છે, જોકે હજુ પણ તેજીવાળાઓ ધીમા પડ્યાં નથી. એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 17700-17900ની રેંજમાં કોન્સોલિડેશન દર્શાવી શકે છે અને ત્યારબાદ વધુ સુધારાતરફી ગતિ જાળવી શકે છે. તેમના મતે બેન્ચમાર્ક બજેટ અગાઉ 18200ની સપાટી દર્શાવે તેવી શક્યતાં છે. માર્કેટને લગભગ તમામ સેક્ટર્સ તરફથી સપોર્ટ સાંપડી રહ્યો છે. જેમાં બેંકિંગ મુખ્ય છે. બે ટ્રેડિંગ સત્રોથી બેંકિંગ શેર્સમાં ખરીદી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ખાનગી બેંકિંગ કંપનીઓના શેર્સમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. એક અગ્રણી બ્રોકરેજના રિસર્ચ અહેવાલ મુજબ 2022 દરમિયાન અગ્રણી ખાનગી બેંકિંગ કંપનીઓ ઊંચો ક્રેડિટ ગ્રોથ દર્શાવશે. તેના મતે રેટમાં વૃદ્ધિ છતાં ક્રેડિટ માગ મજબૂત જળવાશે. મંગળવારે એનર્જી અને પીએસઈ સેક્ટર્સે પણ સારો દેખાવ જાળવ્યો હતો. નિફ્ટી એનર્જી 2.3 ટકા જ્યારે પીએસઈ 1.63 ટકા સુધારો નોંધાવી રહ્યાં હતાં. આઈટીમાં પણ 0.63 ટકાની મજબૂતી જોવા મળી હતી. જોકે ફાર્મા 0.82 ટકા ઘટાડો દર્શાવતું હતું. જ્યારે એફએમસીજી પણ 0.52 ટકા નરમાઈ સૂચવતું હતું.

નિફ્ટી કાઉન્ટર્સમાં એનટીપીસી(5.5 ટકા), ઓએનજીસી(3.32 ટકા), પાવર ગ્રીડ કોર્પોરેશન(2.73 ટકા) અને એસબીઆઈ(2.7 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં. હેવીવેઈટ રિલાયન્સ પણ 2.26 ટકા સુધારો દર્શાવતો હતો. જોકે બ્રોડ માર્કેટમાં લેવાલી ધીમી પડી હતી. બીએસઈ ખાતે 3489 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1848 કાઉન્ટર્સ પોઝીટીવ જ્યારે 1538 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. 537 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં જ્યારે 214 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. 551 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 9 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.

વૈશ્વિક સ્તરે સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. એશિયન શેરબજારોમાં મોમેન્ટમ પોઝીટીવ જોવા મળ્યું હતું. જાપાન, યૂકે સહિતના બજારોમાં મંગળવારે 2022નો પ્રથમ ટ્રેડિંગ દિવસ હતો. એશિયન બજારોમાં જાપાન બજાર 1.77 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યું હતું. જ્યારે તે સિવાય તાઈવાન બજાર 1.4 ટકા, સિંગાપુર 1.5 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જોકે ચીનના બજારે નરમાઈ દર્શાવી હતી.



સુગર શેર્સમાં ભારે લેવાલી, મોટાભાગના કાઉન્ટર્સ સર્કિટ ફિલ્ટર્સમાં બંધ
દેશમાં ખાંડના ઉત્પાદન અને ભાવમાં વૃદ્ધિ પાછળ સેન્ટીમેન્ટ બુલીશ
કંપનીઓને ઈથેનોલના વધતાં મિશ્રણને કારણે બાય પ્રોડક્ટ્સમાં ઊંચો લાભ

સુગર કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સતત સુધારો દર્શાવી રહેલા સેક્ટરલ શેર્સે મંગળવારે તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો અને શેરબજાર પર લિસ્ટેડ મોટાભાગની સુગર કંપનીઓના શેર્સ ઉપલી સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022ના સુગર વર્ષ દરમિયાન દેશમાં સુગરના ઊંચા ભાવ સાથે ઉત્પાદન વૃદ્ધિને કારણે કંપનીઓના માર્જિનમાં નોંધપાત્ર વૃદ્ધિની શક્યતાં જોવાઈ રહી છે.
શેરબજાર પર લિસ્ટેડ 22 સુગર કંપનીઓમાંથી 16 કંપનીઓના શેર્સે 10 ટકાથી 20 ટકા સુધીનો સુધારો દર્શાવ્યો હતો. આમાં કેટલીક કંપનીઓ 20 ટકાની જ્યારે કેટલીક 10 ટકાની સર્કિટ ફિલ્ટર્સમાં બંધ જોવા મળી હતી. જ્યારે છ કંપનીઓના શેર્સ 5 ટકા સર્કિટ ફિલ્ટર્સ સાથે બંધ રહ્યાં હતાં. એનાલિસ્ટ્સના મતે સુગર શેર્સમાં નવેસરથી તેજી જોવા મળી રહી છે અને સેક્ટર લોંગ ટર્મ માટે બુલીશ જોવા મળે છે. દેશમાં સુગર કંપનીઓના ઈતિહાસમાં પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે તેઓ એક નાના વિરામ બાદ તરત તેજીની બીજી સાઈકલમાં પ્રવેશી છે. અગાઉ સુગર કંપનીઓ માટે લગભગ દસ વર્ષે તેજીની સાઈકલ આવતી હતી અને ત્યારબાદ ફરી તેઓ મંદીમાં સરી પડતાં હતાં. જ્યારે આ વખતે કેલેન્ડર 2017 અને 2018માં તેજી દર્શાવ્યાં બાદ 2020માં તેઓ ફરીથી તેજી તરફી બન્યાં હતાં અને અગાઉની ટોચને પાર કરી કોન્સોલિડેશનમાં જોવા મળ્યાં હતાં. જ્યારે છેલ્લાં પખવાડિયાથી અનેક કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
અગ્રણી રેટિંગ સંસ્થા ક્રિસિલે તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે 2021-22 સુગર સિઝનમાં ભાવમાં 16-17 ટકા વૃદ્ધિની સંભાવના છે. ગઈ સિઝનમાં ખાંડના ભાવમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. ભાવમાં વૃદ્ધિના બે મુખ્ય કારણોમાં ઔદ્યોગિક માગમાં વૃદ્ધિ અને ઊંચી નિકાસ છે. સાથે સ્થાનિક ઘરેલુ વપરાશ વધવાને કારણે ઈન્વેન્ટરીઝ લગભગ નહિવત જોવા મળશે. જે ભાવમાં મજબૂતી લાવશે. 2020-21 સુગર સિઝનમાં દેશમાંથી 70 લાખ ટન સુગરની વિક્રમી નિકાસ જોવા મળી હતી. જો આ ઊંચા સ્તરે નિકાસ જળવાશે તો સ્થાનિક સ્તરે કેરીઓવર સ્ટોક જોવા નહિ મળે. જોકે ઉદ્યોગના અંદાજ મુજબ ચાલુ વર્ષે નિકાસ 50 લાખ ટન આસપાસ જળવાશે. નિકાસ માટે સરકારી સબસિડીના અભાવ વચ્ચે પણ વૈશ્વિક બજારમાં ખાંડના ભાવમાં 15-16 ટકા વૃદ્ધિને કારણે ભારતીય બજારમાંથી નિકાસ શક્ય બનશે. ઊંચા વેચાણ વોલ્યુમ અને ઊંચા મળતરને કારણે ખાંડ કંપનીઓ 18-19 ટકાનો રેવન્યૂ ગ્રોથ દર્શાવી શકશે. જ્યારે ઈન્ટિગ્રેટેડ સુગર મિલ્સને તો ડિસ્ટીલરી સેગમેન્ટમાં ઊંચી રેવન્યૂનો લાભ મળશે. કેમકે ઈથેનોલના ભાવમાં 4-6 ટકા વૃદ્ધિ સાથે ઓઈલ માર્કેટિંગ કંપનીઓનું ઓફટેક પણ વધે તેવી અપેક્ષા છે. બીજી બાજુ મુખ્ય કાચી સામગ્રી એવી શેરડીના ભાવ ઉત્તર ભારતમાં 8 ટકા જ્યારે દક્ષિણ ભારતમાં 3 ટકાની ધીમી ગતિએ વધે તેવી અપેક્ષા છે. જેને કારણે અર્નિંગ્સમાં નોંધપાત્ર વૃદ્ધિની શક્યતા જોવા મળી રહી છે.

સુગર શેર્સનો મંગળવારે દેખાવ
સ્ક્રિપ્સ ભાવમાં વૃદ્ઘિ(ટકામાં)
KM સુગર 20
ઉત્તમ સુગર 19.99
દ્વારકેશ સુગર 19.96
KCP સુગર 18.37
કોઠારી સુગર 16.02
બલરામપુર ચીની 13.88
અવધ સુગર 13.06
ધામપુર સુગર 11.78
દાલમિયા સુગર 11.09
ત્રિવેણી એન્જિ. 10.37
પોન્ની ઈરોડ 9.99
મવાણા સુગર 9.99
ઉગર સુગર 9.95




ઈન્શ્યોરન્સ કંપનીઓના એમડી-સીઈઓની મુદત પર મર્યાદાનો પ્રસ્તાવ

દેશમાં ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈએ ઈન્શ્યોરન્સ કંપનીઓના ટોચના મેનેજમેન્ટની મુદત તથા તેમના વળતર સંબંધી એક રૂપરેખા જાહેર કરી છે. જેને વર્તમાન નિયમોને સ્થાને લાગુ પાડવાનો તેનો ઈરાદો છે. આમ કરવા પાછળ વીમા રેગ્યુલેટર વાજબી કોમ્પન્સેશન પ્રેકટિસિસની ખાતરી સાથે વધુ પડતાં રિસ્ક-ટેકિંગ વર્તનને ટાળવા માગે છે. અયોગ્ય કોમ્પન્સેશન માળખા તથા ઈન્સેન્ટીવ પ્લાન્સને કારણે વીમા કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ બિનજરૂરી જોખમ લેતાં હોય છે અને સરવાળે કંપનીઓને નુકસાન ભોગવવાનું બનતું હોય છે. ઈરડાઈએ વીમા કંપનીઓના એમડી અને સીઈઓ તથા હોલ-ટાઈમ ડિરેક્ટર્સ માટેનો સમયગળો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિર્ધારિત કરેલા નિયમો સાથે સાંકળવા માગે છે. તેણે ડ્રાફ્ટમાં વીમા કંપનીના એમડી અને સીઈઓ અથવા હોલ-ટાઈમ ડિરેક્ટર્સ માટે 15 વર્ષની સમય મર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો છે. 15 વર્ષ પૂરા થયાં બાદ ત્રણ વર્ષના ગેપ સીઈઓ તરીકે નિયુક્ત થઈ શકે છે. જોકે આ ત્રણ વર્ષો દરમિયાન વ્યક્તિ કંપની કે જૂથ કંપનીઓ સાથે કોઈપણ રીતે સંકળાયેલો રહી શકે નહિ.


ડોલર સામે રૂપિયામાં 29 પૈસાનો ઘટાડો નોંધાયો
છેલ્લાં બે સપ્તાહોથી તીવ્ર સુધારા બાદ રૂપિયામાં ઊંચા સ્તરે વેચવાલી જોવા મળી હતી અને ડોલર સામે તે નરમ પડ્યો હતો. મંગળવારે રૂપિયો ગેપ-ડાઉન ઓપનીંગ સાથે ખૂલ્યાં બાદ સમગ્ર દિવસ દરમિયાન નરમાઈ સાથે ટ્રેડ દર્શાવતો જોવા મળ્યો હતો. સોમવારે 74.26ના સ્તરે બંધ રહેલો રૂપિયો મંગળવારે 74.50ના સ્તરે 24 પૈસા નીચે ખૂલી વધુ ગગડી 74.60ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યાંથી સુધરી 74.46નું સ્તર દર્શાવી આખરે 74.55ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ તે 29 પૈસા જેટલો ગગડ્યો હતો. વૈશ્વિક બજારમાં છ કરન્સિઝના બાસ્કેટ સામે યુએસ ડોલરમાં મજબૂતી જોવા મળી હતી. યુએસ ડોલર ઈન્ડેક્સ સોમવારના 95.80ના સ્તર સામે 96.24ના સ્તરે નોંધપાત્ર મજબૂતી દર્શાવતો હતો. ફોરેક્સ ડિલર્સના મતે રૂપિયામાં 74.60નો સપોર્ટ છે. જે જળવાશે ત્યાં સુધી સ્થાનિક ચલણ 74.20-74.60ની રેંજમાં કોન્સોલિડેશન દર્શાવતો રહેશે.


કોટનમાં આગ ભભૂકતી તેજી, ખાંડીએ રૂ. 74 હજારનો નવો વિક્રમ
એમસીએક્સ કોટન વાયદો ખાંડીના ભાવે રૂ. 75000ને પાર કરી ગયો
ખેડૂતમાં મણે રૂ. 2000ની નોટ મળવા છતાં જોવા મળતી માલ પકડી રાખવાની વૃત્તિ

કોટનના ભાવ છેલ્લાં બે સપ્તાહથી ઝડપી વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. હાજર બજારમાં ભાવ રૂ. 74000 પ્રતિ ખાંડીને પાર કરી ગયાં છે. જ્યારે વાયદા બજારમાં તે રૂ. 75 હજારની સપાટી પર જોવા મળ્યો છે. ખેડૂતોને પીઠામાં તેમની ઉપજના મણે રૂ. 2000 ઉપજી રહ્યાં છે. જોકે તેમ છતાં તેઓ માલ પકડીને બેઠાં છે અને બજારમાં આવકો જોઈએ તે સ્તર પર જોવા મળી રહી નથી એમ વર્તુળો જણાવે છે.
વૈશ્વિક બજારની સરખામણીમાં ભારતીય બજારમાં તેજીની ઝડપ ઊંચી જોવા મળી રહી છે. લગભગ એક પખવાડિયામાં ભાવમાં ખાંડીએ રૂ. 7 હજારની વૃદ્ધિ નોંધાઈ છે. ચાલુ સિઝનમાં સ્થાનિક પાકનું કદ નીચું રહેવાની ગણતરી પણ બજારમાં સટોડિયાઓએ તેજી કરી દીધી હોવાનું વર્તુળો જણાવે છે. તેમના મતે અગાઉ 3.5-3.6 કરોડ ગાંસડી સામે એક વર્ગ પાકનું કદ 3 કરોડ ગાંસડી નીચે જોઈ રહ્યો છે. જોકે આ અતિશયોક્તિ છે. પાકમાં બગાડ થયો છે અને ખેડૂતોએ ઘણે ઠેકાણે વાવેતર દૂર કરી ચણા જેવા પાકોનું વાવેતર કરી દીધું છે. જોકે એક વર્ગ માને છે કે પ્રતિકૂળ સ્થિતિમાં પણ પાકનું કદ 3.2-3.3 કરોડ ગાંસડી રહેશે. કેમકે જેમણે કપાસ જાળવ્યો છે તેઓ હવે છેલ્લે સુધી વીણી કરશે. અત્યાર સુધીમાં લગભગ 1.4 કરોડ ગાંસડીનું માર્કેટિંગ થઈ ચૂક્યું છે અને હજુ 50 ટકાથી વધુ માલ આવવાનો બાકી છે. આમ ભાવ વર્તમાન સ્તર આસપાસ કોન્સોલિડેટ થઈ શકે છે. વર્તુળો ઉત્તરાયણ બાદ માર્કેટમાં કરેક્શનની શક્યતાં વ્યક્ત કરે છે.
ઊંચા ભાવને કારણે ખેડૂતોમાં હોર્ડિંગની માનસિક્તા પણ વધી છે. સિઝનની શરૂઆતથી જ ભાવ ઊંચા રહેવાના કારણે મજબૂત ખેડૂતો પોતાનો માલ પકડીને બેઠાં છે. સામાન્યરીતે ફ્લશ સિઝન ગણાતી ડિસેમ્બરમાં દૈનિક આવક 1.7 લાખ ગાંસડીથી ઉપર નથી ગઈ. જે સામાન્યરીતે 2.5 લાખ ગાંસડી સુધી જોવા મળતી હોય છે. જ્યારે આટલા સારા ભાવ મળી રહ્યાં હોય ત્યારે બજારમાં આવકના ઢગલાં થઈ જવા જોઈએ. જોકે આમ થયું નથી. કેમકે અગાઉ રૂ. 10 હજાર ક્વિન્ટલની અપેક્ષા રાખતો ખેડૂત જ્યારે આ ભાવ ઉપજી રહ્યાં છે ત્યારે રૂ. 11 હજારની અપેક્ષા રાખતો થયો છે. માર્કેટમાં ફોરવર્ડમાં વેચીને બેઠેલો વર્ગ પણ હવે ડિલીવરી ટાણે ભાવ વધુ વધતાં ખરીદવા માટે બેબાકળો બન્યો છે અને તેથી સટોડિયાઓને મજા પડી છે. જોકે ઊંચા ભાવોને કારણે દેશમાંથી નિકાસ નહિવત જોવા મળે છે. વર્તુળોના મતે અગાઉ મૂકવામાં આવતી 48 લાખ ગાંસડી સામે 30-32 લાખ ગાંસડીથી વધુ નિકાસ ચાલુ વર્ષે નહિ જોવા મળે. કેમકે ભારતીય માલો હાલમાં પ્રિમીયમમાં જોવા મળી રહ્યાં છે. સ્થાનિક બજારમાં ઊંચા ભાવોને જોતાં સરકારે કોટનની આયાત પરની ડ્યૂટીને પણ દૂર કરવી પડી શકે છે. ગઈ સિઝનમાં બજેટમાં નાણાપ્રધાને દેશમાં કોટનની આયાત પર 10 ટકા ડ્યુટી લાગુ પાડી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage