Market Summary 4 March 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

વેચવાલીના નવા રાઉન્ડ પાછળ બેન્ચમાર્ક્સ છ મહિનાના તળિયે

નિફ્ટી 24 ફેબ્રુઆરીના 16207ના લોને તોડી 16134 પર ટ્રેડ થયો

ઈન્ટ્રા-ડે લોથી સંપૂર્ણ રિકવરી દર્શાવ્યાં બાદ બજાર ફરી પટકાયું

વોલેટિલિટી ઈન્ડેક્સમાં 0.75 ટકાનો સાધારણ ઘટાડો જોવાયો

મેટલમાં સુધારો અટક્યો, ઓટોમાં ઘટાડો જળવાયો

યુરોપ બજારોમાં 3.5 ટકા સુધીનો તીવ્ર ઘટાડો

 

રશિયાએ યુક્રેન પર તીવ્ર બનાવેલા હુમલાને પગલે વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીનો નવો રાઉન્ડ જોવા મળ્યો છે. જેની પાછળ શુક્રવારે એશિયાથી લઈને યુરોપ સુધીના બજારો તેમના તાજેતરના તળિયા પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ભારતીય બેન્ચમાર્ક્સ પણ 24 ફેબ્રુઆરીના તેમના અગાઉના તળિયાને તોડી નીચે ઉતરી ગયા હતા. જોકે તેમણે ઈન્ટ્રા-ડે લોથી સાધારણ સુધારા સાથે બંધ આપ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 769 પોઈન્ટ્સના ઘટાડે 54334ની સપાટીએ જ્યારે નિફ્ટી 255 પોઈન્ટ્સ ગગડી 16243 પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 0.75 ટકાના સાધારણ ઘટાડે 27.95 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક સભ્યોમાંથી 40 નરમાઈ સાથે બંધ આપ્યું હતું. જ્યારે માત્ર 10 કાઉન્ટર્સમાં સુધારો નોંધાયો હતો.

સપ્તાહના આખરી ટ્રેડિંગ સત્ર દરમિયાન એશિયન બજારોમાં નવેસરથી મંદી પાછળ ભારતીય બજારે પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે દિવસના તળિયાના સ્તરેથી બેન્ચમાર્ક્સમાં નોંધપાત્ર શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને એક તબક્કે બજાર લગભગ ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જે સમયે એવું લાગતું હતું કે આજે તે પોઝીટીવ બંધ આપી શકે છે. જોકે આમ બન્યું નહોતું અને બજાર ફરી ગગડ્યું હતું. જોકે તેણે નવું તળિયું નહોતું બનાવ્યું અને અગાઉના ઈન્ટ્રા-ડે લો ઉપર બંધ આપ્યું હતું. આમ છતાં તેણે 24 ઓગસ્ટ પછીની તળિયા પર બંધ દર્શાવ્યું હતું. જેને એનાલિસ્ટ્સ ટેકનિકલી નબળી સ્થિતિ ગણાવી રહ્યાં છે તથા આગામી સપ્તાહે નિફ્ટી 16000ની સપાટી તોડે તેવી શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે. તેમના મતે નિફ્ટી 15500-15800ની રેંજમાં ટ્રેડ દર્શાવી પરત ફરી શકે છે. નિફ્ટીએ 16400ની સપાટી ગુમાવી એક મહત્વનું બ્રેકડાઉન દર્શાવ્યું છે એમ તેમનું માનવું છે. શુક્રવારે એશિયન બજારોમાં હોંગ કોંગ 2.5 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતું હતું. જ્યારે યુરોપ ખાતે જર્મની, ફ્રાન્સ અને યૂકેના બજારો 3 ટકાથી વધુ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. ભારતીય બજાર માટે એક રાહતની બાબત ક્રૂડના સુધારાને લાગેલી બ્રેક હતી. જેની પાછળ તે સુધરવું જોઈતું હતું. બ્રેન્ટ ક્રૂડ વાયદો ગુરુવારે 119 ડોલરની ટોચ બનાવી ગગડી 110 ડોલર પર ટ્રેડ થયો હતો. શુક્રવારે પણ તે 110-112 ડોલરની રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો. યુધ્ધ મોરચે પોઝીટીવ અહેવાલો પાછળ ક્રૂડના ભાવમાં વધુ ઘટાડાની શક્યતાં છે. જે સ્થિતિમાં ભારતીય બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થઈ શકે છે.

શુક્રવારે લાર્જ-કેપ્સ સાથે મીડ-સ્મોલ કેપ્સમાં પણ વેચાણ જળવાયું હતું. બીએસઈ ખાતે બે શેર્સમાં વેચાણ સામે એક એક શેરમાં ખરીદી જોવા મળી હતી. પ્લેટફોર્મ ખાતે 3457 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2201 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1160 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. 88 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 86 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 2.08 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.78 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. સેક્ટરલ દેખાવમાં ઓટો ઈન્ડેક્સ 3.55 ટકા સાથે સૌથી ખરાબ જોવા મળતો હતો. જ્યારે મેટલ અને રિઅલ્ટી પણ 3-3 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. એકમાત્ર આઈટી ઈન્ડેક્સ સાધારણ પોઝીટીવ બંધ રહ્યો હતો. એનર્જી અને પીએસઈ સૂચકાંકો પણ 2-2 ટકા તૂટ્યાં હતાં. નિફ્ટી કાઉન્ટર્સમાં ડો. રેડ્ડીઝ લેબ, આઈટીસી, ટેક મહિન્દ્રા, અલ્ટ્રા-ટેકમાં 1-3 ટકા સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ટાઈટન, એશિયન પેઈન્ટ્સ, મારુતિ, હીરો અને કોલ ઈન્ડિયા 5 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. મીડ-કેપ સેગમેન્ટ્સમાં વોડાફોન આઈડિયા, આઈઆરસીટીસી, જ્યુબિલિઅન્ટ ફૂડ, ઈન્ફો એજ, ઝી એન્ટરટેઈનમેન્ટ અને ઈન્ડિયન હોટેલ્સમાં 7 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો.

 

ફેબ્રુઆરીમાં પેસેન્જર વેહીકલના વેચાણમાં 8 ટકાનો ઘટાડો

સ્થાનિક પેસેન્જર વેહીકલના વેચાણમાં ઘટાડો યથાવત છે. ચીપની તંગીને કારણે ઉત્પાદન પર અસરને કારણે વાહનોનું વેચાણ 8 ટકા જેટલું ઘટ્યું હોવાનું ઓટોમોબાઈલ ડિલર્સ બોડી ફાડાએ જણાવ્યું હતું. ફેબ્રુઆરીમાં કુલ 2,38,096 યુનિટ્સ પેસેન્જર વેહીકલ્સનું વેચાણ નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 2,58,337 યુનિટ્સની સરખામણીમાં 7.84 ટકા નીચું હતું. ફાડાના મતે રશિયા-યૂક્રેન લડાઈને કારણે સેમીકંડક્ટર્સના વેચાણ પર વધુ અસર જોવા મળી શકે છે. કેમકે સેમીકંડક્ટરની બનાવટમાં રેર અર્થ મેટલ્સ એવી પેલેડિયમનો ઉપયોગ અનિવાર્ય છે. રશિયા પેલેડિયમનો અગ્રણી ઉત્પાદક દેશ છે. જેના સપ્લાય પર યુધ્ધને કારણે અસર પડી શકે છે.

વૈશ્વિક ઘઉંના ભાવ 14 વર્ષોની ટોચ પર પહોંચ્યાં

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધને પગલે વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ 14 વર્ષોની ટોચ પર પહોંચ્યાં છે. વિશ્વમાં સૌથી મોટા કોમેક્સ શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ(સીબોટ) ખાતે ઘઉંના ભાવ પ્રતિ બૂશેલ 11.8 ડોલર પર પહોંચ્યાં હતાં. ટનમાં ગણીએ તો તે 417 ટન થવા જાય છે. ઘઉંના ભાવમાં 24 કલાકમાં 11 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે સપ્તાહમાં તે 22.5 ટકા જેટલા ઉછળ્યાં હતાં. વિશ્વમાં ઘઉંના અગ્રણી નિકાસકારો એવા રશિયા અને યૂક્રેન ખાતેથી ઘઉંના શીપમેન્ટ્સ અટવાતાં કોમોડિટીના ભાવ ઉછળ્યાં છે. પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકન દેશો ઘઉંના અગ્રણી આયાતકાર છે અને ઘઉંની શીપમેન્ટ અટકતાં તેમને ત્યાં સપ્લાયની અછત ઊભી થઈ શકે છે. રશિયાની કેટલીક બેંકોને સ્વિફ્ટમાંથી દૂર કરવામાં આવતાં ટ્રેડર્સ તેમના ટ્રાન્ઝેક્શન્સ હાથ ધરી શકતાં નથી. રશિયન સૈન્યે યૂક્રેનના સૌથી મોટા પોર્ટ ઓડિશાને જપ્ત કરતાં યુક્રેનનો સપ્લાય ખોરવાયો છે.

ડોલર સામે રૂપિયો ત્રણ મહિનાના તળિયે

ભારતીય રૂપિયાએ શુક્રવારે કેલેન્ડર 2022માં પ્રથમવાર 76ની સપાટી પર ટ્રેડિંગ દર્શાવ્યું હતું. અગાઉ તે ડિસેમ્બર 2021માં આ સ્તર પર જોવા મળ્યો હતો. સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે રૂપિયો 76.1750ના ઈન્ટ્રા-ડે લો પર ટ્રેડ થયા બાદ 76.16ના સ્તરે બંધ રહ્યો હતો. ગુરુવારે તેણે 75.91ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. રૂપિયો ચાલુ સપ્તાહે સતત ઘસાતો રહ્યો હતો. વિશ્વ બજારમાં છ કરન્સી સામેના બાસ્કેટ સામે ડોલર ઈન્ડેક્સ 0.27 ટકા મજબૂતી સાથે 98.05ની તાજેતરની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો.

 

ગોલ્ડ ઉછળીને 2050 ડોલરે પહોંચવાની શક્યતાં જોતાં એનાલિસ્ટ્સ

ભારતીય બજારમાં સોનું એપ્રિલમાં રૂ. 55 હજારનું સ્તર દર્શાવી શકે છે

જોકે સોના કરતાં પણ ચાંદીમાં વધુ તેજી પાછળ ઉપરમાં રૂ. 80-90 હજારનું સ્તર જોવા મળી શકે

 

રશિયા-યૂક્રેન વચ્ચે લંબાઈ ગયેલા યુધ્ધ અને તેને કારણે વૈશ્વિક સ્તરે ફુગાવામાં તીવ્ર વૃદ્ધિની જોવાઈ રહેલી શક્યતાં પાછળ કિંમતી ધાતુઓમાં વધ-ઘટે તેજી આગળ વધે તેવી શક્યતાં એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. તેમના મતે વૈશ્વિક બજારમાં ગોલ્ડનો ભાવ તાજેતરની 1975 ડોલરની ટોચને પાર કરશે તો 2050 ડોલર સુધીનો ઉછાળો દર્શાવી શકે છે. જ્યારે ચાંદી 25.60 ડોલરની સપાટી પાર કરશે તો 30 ડોલર સુધી ઉછળી શકે છે. સ્થાનિક બજારમાં સોનુ રૂ. 55000 સુધીનો ઉછાળો દર્શાવી શકે છે. જયારે ચાંદી રૂ. 77-80 હજાર સુધી સુધરતી જોવા મળી શકે છે.

શુક્રવારે વિદેશી બજારમાં સોનુ 1950 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જ્યારે ચાંદી 25.3 ડોલર પર ટ્રેડ થઈ રહી હતી. એમસીએક્સ ખાતે એપ્રિલ વાયદો રૂ. 52100ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી 24 ફેબ્રુઆરીના રૂ. 68000ની ટોચના સ્તરને પાર કરી રૂ. 68400 પર ટ્રેડ દર્શાવતી હતી. આમ ચાંદીએ સોનાની સરખામણીમાં છેલ્લાં પાંચ સત્રોમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. સોનુ 24 ફેબ્રુઆરીએ રૂ. 52800ની તેની ટોચથી નીચે ટ્રેડ થઈ રહ્યું છે. એનાલિસ્ટ્સના મતે રશિયા પર પ્રતિબંધો પાછળ ઈન્ડસ્ટ્રીઅલ ધાતુના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જેની પાછળ ચાંદીના ભાવમાં મજબૂતી અનિવાર્ય છે. રૂપેરી ધાતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહી છે. તે સોના ઉપરાંત બેઝ મેટલ્સની સરખામણીમાં ઊણો દેખાવ સૂચવે છે. જેને જોતાં તેમાં ઝડપી તેજી શક્ય છે. વૈશ્વિક બજારમાં ચાંદીએ જુલાઈ 2020માં 29.90 ડોલરની ટોચ દર્શાવી હતી. જે વખતે સ્થાનિક બજારમાં તે રૂ. 76 હજારની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ હતી. હાલમાં તે 25.3 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. જો તે 25.6 ડોલરની સપાટી પાર કરશે તો 30 ડોલર પ્રથમ પડાવ હોય શકે છે. જ્યારબાદ તેના માટે 35 ડોલરની સપાટી નવું ટાર્ગેટ હશે. ચાંદી તેની ઐતિહાસિક 50 ડોલરની ટોચથી હજુ પણ ખૂબ 50 ટકા ભાવ પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે સોનુ તેની જુલાઈ 2020ની 2080 ડોલરની ટોચથી 7 ટકા છેટે ટ્રેડ દર્શાવી રહ્યું છે. રશિયન સેન્ટ્રલ બેંકે તેના મોટાભાગના વિદેશી હૂંડિયામણને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગોલ્ડમાં શિફ્ટ કર્યું હતું. ચીન સહિતના સેન્ટ્રલ બેંકર્સ પણ ગોલ્ડમાં મોટી ખરીદી કરી રહ્યાં છે. જેને કારણે પણ ગોલ્ડમાં ઓર મજબૂતી જોવા મળી શકે છે એમ એનાલિસ્ટસ માની રહ્યાં છે.

સપ્તાહના આખરી દિવસે બેઝ મેટલ્સમાં પણ મજબૂતી જળવાય હતી. જેમાં નીકલ 4 ટકા આસપાસનો ઉછાળો દર્શાવતી હતી. જ્યારે એલ્યુમિનિયમ, કોપર તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ક્રૂડના ભાવ બપોર સુધી ડાઉન રહ્યાં બાદ અડધા ટકા સાથે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. યુક્રેનમાં રશિયાએ યૂરોપના સૌથી મોટા ન્યૂકલિયર પાવર પ્લાન્ટને અંકુશમાં લેતાં ચિંતા વધી હતી. ક્રૂડ જોકે ગુરુવારના 119 ડોલરના સ્તરેથી ગગડી 110 પર ટ્રેડ થઈ કોન્સોલિડેટ થઈ રહ્યાંનું એનાલિસ્ટ જણાવે છે. જો યુધ્ધ મોરચે કોઈ પોઝીટીવ અહેવાલ જોવા મળશે તો ક્રૂડમાં વધુ ઘટાડો સંભવ છે.

 

ડિસેમ્બર ક્વાર્ટરમાં FPI હોલ્ડિંગ 2 ટકા ગગડી 654 અબજ ડોલર પર

વિદેશી સંસ્થાકિય રોકાણકારોનું માર્કેટ-કેપ પણ ઘટીને 18.3 અબજ ડોલર પર રહ્યું

 

ભારતીય ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ)નું હોલ્ડિંગ્સ ડિસેમ્બર 2021ની આખરમાં પૂરા થયેલાં ક્વાર્ટરમાં સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં 2 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. એફપીઆઈનું કુલ હોલ્ડિંગ 654 અબજ ડોલર પર જોવા મળ્યું હતું એમ એક રિપોર્ટ જણાવે છે. ઓક્ટોબર મહિનાથી વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ઈક્વિટી માર્કેટમાં દર્શાવેલા ભારે વેચાણને કારણે ત્રિમાસિક ધોરણે તેમના હોલ્ડિંગ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

હોલ્ડિંગ્સમાં ઘટાડાને પગલે એફપીઆઈનું ભારતીય ઈક્વિટી માર્કેટમાં કેપિટલાઈઝેશન પણ 0.7 ટકાનો ઘટાડો દર્શાવતું હતું. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરને અંતે ભારતીય બજારમાં વિદેશી સંસ્થાઓનું કુલ માર્કેટ-કેપિટલાઈઝેશન 19 ટકા પર જોવા મળતું હતું. જે ડિસેમ્બર ક્વાર્ટરને અંતે 18.3 અબજ ડોલર પર રહ્યું હતું. વિદેશી રોકાણકારોમાં ઓફશોર મ્યુચ્યુલ ફંડ્સનો હિસ્સો નોંધપાત્ર છે. જે ઉપરાંત વિદેશી ઈન્શ્યોરન્સ કંપનીઝ, હેડ ફંડ્સ અને સોવરિન વેલ્થ ફંડ્સનો સમાવેશ થાય છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 5.12 અબજ ડોલરનું વેચાણ દર્શાવ્યું હતું. જે માર્ચ 2020 ક્વાર્ટરમાં તેમના વેચાણ બાદનું સૌથી મોટું હતું. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં તેમણે 56.343 કરોડ ડોલરની સીધી ખરીદી કરી હતી. 2021ના છેલ્લા ક્વાર્ટરમાં નોંધપાત્ર વેચવાલી છતાં સમગ્ર 2021માં તેમણે 3.76 અબજ ડોલરની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. જોકે કેલેન્ડર 2020માં તેમના 8.42 અબજ ડોલરના રોકાણની સરખામણીમાં તે નોંધપાત્ર ઘટાડો દર્શાવતી હતી. 2021માં સેકન્ડરી માર્કેટમાં તો વિદેશી રોકાણકારો વેચવાલ જ રહ્યાં હતાં. પ્રાયમરી માર્કેટમાં તેમણે ખરીદી દર્શાવી હતી.

 

 

ઊંચી વોલેટિલિટીને પાછળ LIC IPO હવે આગામી નાણા વર્ષમાં જોવા મળશે

એન્કર ઈન્વેસ્ટર્સે હાલની પરિસ્થિતિમાં મોટા કમિટમેન્ટ માટે અનિચ્છા દર્શાવી

જો માર્કેટમાં સ્થિરતા પરત ફરશે તો નવા વર્ષના પ્રથમ મહિને એલઆઈસી આઈપીઓ લાવી શકે છે

 

સરકાર માટે અતિ મહત્વાકાંક્ષી એવો એલઆઈસીનો આઈપીઓ ચાલુ માર્ચમાં બજારમાં પ્રવેશવાની શક્યતાં નહિવત છે. જાણકાર અધિકારીઓ અને બેંકર્સ વર્તુળોના મતે યૂક્રેન કટોકટી પાછળ શેરબજારમાં જોવા મળી રહેલી ઊંચી વોલેટિલિટીને જોતાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના આઈપીઓને હાલમાં મુલત્વી રાખવામાં આવ્યો છે. કંપની હવે આગામી નાણાકિય વર્ષમાં આરંભિક ભરણા સાથે બજારમાં પ્રવેશશે.

નામ નહિ આપવાની શરતે બેંકર્સના ઉચ્ચ વર્તુળો જણાવે છે કે આઈપીઓ હાલ પૂરતો મુલત્વી રાખવામાં આવ્યો હોવાની જાહેરાત ચાલુ સપ્તાહની આખરમાં અથવા તો આગામી સપ્તાહની શરૂઆતમાં કરવામાં આવશે. તેઓ ઉમેરે છે કે જો માર્કેટની વોલેટિલિટીમાં ઘટાડો થશે તો નવા વર્ષે એપ્રિલમાં પણ એલઆઈસી આઈપીઓ સાથે બજારમાં પ્રવેશી શકે છે. કેમકે કંપનીએ આઈપીઓ માટે ઘણી ખરી તૈયારી કરી હતી અને તેથી તેને ફરીવાર ના કરવી હોય તો એપ્રિલમાં આઈપીઓ લાવી શકાય તેમ છે. જોકે માર્કેટ તે માટે તૈયાર હોય તે મહત્વનું છે. આઈપીઓને પરત ઠેલવાના કારણોમાં એન્કર ઈન્વેસ્ટર્સ તરફથી મોળો પ્રતિસાદ પણ કારણભૂત હોવાનું વર્તુળો જણાવે છે. તેમના મતે એલઆઈસી આઈપીઓના અન્ડરરાઈટર્સને તેમની શરૂઆતી મિટિંગ્સમાં સંભવિત એન્કર ઈન્વેસ્ટર્સ તરફથી ખાસ પ્રતિભાવ સાંપડ્યો નહોતો. બજારમાં ઊંચી વોલેટિલિટીને જોતાં ઘણા ફંડ મેનેજર્સે તેમને મોટા કમિટમેન્ટ્સ આપવાને લઈને અનિચ્છા દર્શાવી હતી એમ વર્તુળો જણાવે છે.

એલઆઈસીના અધિકારીઓએ જોકે આ અંગે ટિપ્પણીનો ઈન્કાર કર્યો હતો. જ્યારે નાણા મંત્રાલય તરફથી કોઈ ત્વરિત પ્રતિભાવ સાંપડ્યો નહોતો. એલઆઈસી આઈપીઓ યુક્રેન યુધ્ધની સૌથી મોટી પ્રતિકૂળ અસર ગણી શકાશે. યુધ્ધને કારણે વૈશ્વિક સ્તરે અનેક કંપનીઓના માર્કેટ-કેપમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જેમાં બ્રિટીશ પેટ્રોલિયમ જેવી ટોચની ઓઈલ કંપનીનો સમાવેશ થાય છે. સરકાર એલઆઈસીના આઈપીઓ મારફતે રૂ. 65400 કરોડ અથવા 8.7 અબજ ડોલર ઊભા કરવા ઈચ્છતી હતી. કેમકે તેના માટે 31 માર્ચે પૂરા થતાં વર્ષ માટેની અંદાજપત્રીય ખાધને પૂરવા માટે નોંધપાત્ર રકમની જરૂરિયાત હતી. ચાલુ સપ્તાહે નાણાપ્રધાન નિર્મળા સીતારામણે જણાવ્યું હતું કે એલઆઈસીની ઓફરિંગના સમયમાં ફેરફાર કરવા માટે તેમને કોઈ વાંધો નથી. વર્તુળોના મતે સરકાર આગામી કેટલાંક મહિનાઓમાં એલઆઈસીનો આઈપીઓ પૂર્ણ થવાની અપેક્ષા રાખી રહી છે. જોકે માર્કેટ વર્તુળોના મતે એલઆઈસીના આઈપીઓને મુલત્વી રાખવો એ ભારત માટે એક સેટબેક ગણાશે. કેમકે સરકારે અગાઉ પણ તેના એસેટ સેલના ટાર્ગેટને ઘણો નાનો બનાવી દીધો હતો. તે ભારત પેટ્રોલિયમ સહિત અન્ય કેટલીક કંપનીઓના ખાનગીકરણને સમયસર હાથ ધરી શકી નહોતી. એલઆઈસીના આઈપીઓમાંથી તે 3 ટકા જેટલી રકમ મેળવવાની ધારણા રાખી રહી હતી. સરકારે 1 એપ્રિલથી શરૂ થતાં નાણાકિય વર્ષ માટે વિક્રમી માર્કેટ બોરોઇંગની તૈયારી દર્શાવી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage