Market Summary 4 May 2021

માર્કેટ સમરી

માર્કેટમાં કોન્સોલિડેશનના ગાળો લાંબો ચાલે તેવી શક્યતા

મંગળવારે બજાર બંધ થવાના લગભગ બે કલાક સુધી મજબૂતી દર્શાવતું બજાર ઓચિંતુ નરમાઈમાં સરી પડ્યું હતું અને ટોચના સ્તરેથી જાતે-જાતમાં વેચવાલી જોવા મળી હતી. આખરે નિફ્ટી એક ટકા ઘટાડા સાથે 14497ના સ્તરે બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે બજાર હજુ વધુ કોન્સોલિડેશન ઈચ્છી રહ્યું છે. તે 14200થી 14800ની રેંજમાંથી બ્રેકઆઉટ આપવામાં નિષ્ફળ જઈ રહ્યું છે.

એકમાત્ર પીએસયૂ બેંક ઈન્ડેક્સ સિવાય અન્યોમાં નરમાઈ

મંગળવારે બ્રોડ માર્કેટમાં ઊંચી વધ-ઘટ જોવા મળી હતી અને આખરે તે નરમાઈ સાથે બંધ જોવા મળ્યું હતું. જોકે પીએસયૂ બેંક શેર્સમાં મજબૂત લેવાલી જોવા મળી હતી અને તેઓ કામકાજના અંતે 9 ટકા સુધારા સાથે બંધ દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક્સમાં પીએનબીનો શેર 8.55 ટકા સુધારે રૂ. 37.45ના સ્તરે બંધ આવ્યો હતો. એક તબક્કે બેંકનો શેર 12 ટકાનો સુધારો દર્શાવતો હતો. ઊંચો સુધારો દર્શાવતાં કેટલાક અન્ય પીએસયૂ બેંક શેર્સમાં બેંક ઓફ બરોડા 5.6 ટકા, ઈન્ડિયન બેંક 5 ટકા, યુનિયન બેંક 5 ટકા, બેંક ઓફ બરોડા 5 ટકા, સેન્ટ્રલ બેંક 3.4 ટકા અને કેનેરા બેંક 2 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટી પીએસયૂ બેંક 3.44 ટકા સાથે સુધારો દર્શાવવામાં અગ્રણી હતો. મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં.
છ મહિના બાદ FPI એ ચોખ્ખી વેચવાલી દર્શાવી
ભારતીય બજારમાં સતત છ મહિના સુધી પોઝીટીવ ઈનફ્લો દર્શાવ્યાં બાદ વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે એપ્રિલ મહિનામાં ચોખ્ખું વેચાણ નોંધાવ્યું હતું. એફપીઆઈએ એપ્રિલમાં કુલ રૂ. 9659 કરોડ એટલેકે લગભગ સવા અબજ ડોલરના શેર્સ વેચ્યાં હતાં. દેશમાં કોવિડના બીજા વેવને કારણે તેમણે સાવચેતીના ભાગરૂપે આઉટફ્લો દર્શાવ્યો હોય તેવું બની શકે છે. તેમણે ઓક્ટોબર 2020થી માર્ચ 2021 સુધી છ મહિના સુધી સતત પોઝીટીવ ફ્લો જાળવ્યો હતો અને નવેમ્બર અને ડિસેમ્બરમાં તો તેમણે માસિક ધોરણે રૂ. 60 હજાર કરોડથી વધુનું વિક્રમી રોકાણ કર્યું હતું. જેની સામે એપ્રિલમાં તેમની વેચવાલી ઘણી સામાન્ય રહી છે. જોકે કેલેન્ડર 2021ના પ્રથમ ચાર મહિનાની વાત કરીએ તો તેમણે પોઝીટીવ રોકાણ નોંધાવ્યું છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં તેમણે કુલ રૂ. 40 હજાર કરોડથી વધુનો ઈનફ્લો દર્શાવ્યો હતો.
સાયન્ટ લિ.નો શેર નવી ટોચ પર પહોંચ્યો
માર્ચ ક્વાર્ટર માટે અપેક્ષાથી સારા પરિણામો જાહેર કરવા પાછળ આઈટી કંપની સાયન્ટ લિ.ના શેરમાં સતત લેવાલી જોવા મળી રહી છે. મંગળવારે કંપનીનો શેર 6 ટકાથી વધુ ઉછળી તેની સર્વોવ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 749ના બંધ સામે રૂ. 795ની ટોચ પર ટ્રેડ જોવા મળ્યો હતો. જ્યાં તેણે રૂ. 8700 કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું હતું. કંપનીનો શેર રૂ. 184ના વાર્ષિક તળિયાના ભાવથી સતત સુધારો દર્શાવી રહ્યો છે. જે લગભગ ચાર ગણુ રિટર્ન સૂચવે છે.
બ્રેન્ટ ક્રૂડ વાયદો 2 ટકા ઉછળી 2 મહિનાની ટોચ પર
ક્રૂડના વૈશ્વિક ભાવો મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેની પાછળ બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે 2 ટકા સુધરી માર્ચ મહિનાની શરૂઆતની ટોચ પર જોવા મળ્યો હતો. બ્રેન્ટ વાયદાએ 68.91 ડોલરની ટોચ દર્શાવી હતી. જે તેની 71.38 ડોલરની વાર્ષિક ટોચથી 1.4 ડોલર નીચે જોવા મળતો હતો. યુરોપિયન યુનિયને યુરોપના ભિન્ન દેશો વચ્ચેની સરહદોને ખોલવાની શક્યતા વ્યક્ત કરતાં ક્રૂડના ભાવોમાં મજબૂતી જોવા મળી હતી અને બ્રેન્ટ બે દિવસમાં બે ડોલર જેટલો સુધર્યો છે. તે 70 ડોલરનું સ્તર પાર કરશે તો નવી ટોચ દર્શાવી શકે છે. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ક્રૂડ મે વાયદો 1.7 ટકા અથવા રૂ. 81ની મજબૂતી સાથે રૂ. 4864 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-ચાંદી દિવસ દરમિયાન સાંકડી રેંજમાં અથડાયેલાં રહ્યાં હતાં. જ્યારે બેઝ મેટલ્સમાં નીકલ, ઝીંક, લેડ અને એલ્યુમિનિયમમાં મજબૂતી જોવા મળી હતી.


માર્ચમાં ભારતીય કંપનીઓના વિદેશી બોરાઈંગમાં 24 ટકાનો ઉછાળો
સ્થાનિક કંપનીઓએ માર્ચ 2020માં 7.44 અબજ ડોલર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં વિદેશમાંથી 9.23 અબજ ડોલર ઊભા કર્યાં
ભારતીય કોર્પોરેટ જગતના એક્સટર્નલ કમર્સિયલ બોરોઈંગ(ઈસીબી)માં માર્ચ 2021માં 24 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ સ્થાનિક કંપનીઓએ વિદેશમાંથી 9.23 અબજ ડોલર એકત્ર કર્યાં હતાં. ગયા વર્ષે સમાનગાળામાં તેમણે 7.44 અબજ ડોલરની રકમ ઊભી કરી હતી.
ચાલુ વર્ષે માર્ચ મહિનામાં આવેલા કુલ બોરોઈંગમાં 5.35 અબજ ડોલર રકમ એક્સટર્નલ કમર્સિયલ બોરોઈંગના એપ્રૂવલ રૂટથી આવી હતી. જ્યારે 3.88 અબજ ડોલર ઈન્ટરનેશનલ માર્કેટસ્સમાંથી ફંડ ઊભું કરી ઓટોમોટિક રૂટથી આવ્યાં હતાં. એક પણ રૂપિયો રૂપિ ડિનોમિનેટેડ બોન્ડ્સ(આરડીબી) અથવા મસાલા બોન્ડ્સથી ઊભો કરવામાં આવ્યો નહોતો. એક વર્ષ અગાઉ પણ આવુ જ જોવા મળતું હતું. વૈશ્વિક બજારમાંથી નાણા ઊભા કરવામાં ત્રણ જાહેર સાહસો અગ્રણી હતાં. જેમાં ઈન્ડિયન રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશન(આઈઆરએફસી), ઓએનજીસી વિદેશ રોવુમા અને આરઈસી લિ.નો સમાવેશ થતો હતો. તેમણે એપ્રૂવલ રૂટ કેટેગરી હેઠળ નાણા ઊભા કર્યાં હતાં. આઈઆરએફસીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ત્રણ તબક્કામાં કુલ 3.33 અબજ ડોલર ઊભા કર્યાં હતાં. જ્યારે ઓએનજીસી વિદેશ રોવુમા લિ.એ વિદેશમાં ખરીદી માટે 1.6 અબજ ડોલર ઊભા કર્યાં હતાં. પાવર ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપનીએ 42.5 કરોડ ડોલર ઊભા કર્યાં હતાં. તેણે ઓન-લેન્ડિંગ માટે આ રકમ ઊભી કરી હતી.
ઓટોમેટીક રૂટ હેઠળ ટોચના બોરોઅર્સમાં અદાણી હાઈબ્રીડ એનર્જિ જેસલમેરે તેના નવા પ્રોજેક્ટ માટે પાંચ તબક્કામાં 1.25 અબજ ડોલર ઊભા કર્યાં હતાં. જ્યારે ભારતી એરટેલે વર્કિંગ કેપિટલ લોન તરીકે 75 કરોડ ડોલર એકત્ર કર્યાં હતાં. જ્યારે પીજીપી ગ્લાસે રૂપી એક્સપેન્ડિચરના હેતુથી 36 કરોડ ડોલર મેળવ્યાં હતાં. પીએસયૂ વીજ કંપની એનટીપીસીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 26 કરોડ ડોલર મેળવ્યાં હતાં. ઈન્ફર્મેશન સર્વસિસ પ્રોવાઈડર મોહલ્લા ટેકે વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે ત્રણ તબક્કામાં 22.5 કરોડ ડોલર મેળવ્યાં હતાં. જ્યારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 10 કરોડ ડોલર જ્યારે એમએમઆર સહા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પણ 10 કરોડ ડોલર મેળવ્યાં હતાં. બંને કંપનીઓએ વર્કિંગ કેપિટલ હેતુથી આ રકમ મેળવી હતી. ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીઝે રૂપી એક્સપેન્ડિચર માટે 7 કરોડ ડોલર મેળવ્યાં હતાં. જ્યારે ઓઈલ ઈડિયાએ વિદેશમાં ખરીદી માટે 5 કરોડ ડોલર ઊભાં કર્યાં હતાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage