માર્કેટ સમરી
યુએસ પ્રમુખ પદ માટે ટ્રમ્પ-બિડેન વચ્ચે રસાકસી વચ્ચે શેરબજારોમાં સુધારો જળવાયો હતો. મધ્યાંતરે એક સમયે બિડેનનું પલ્લું ભારે બનતાં બજારો રેડિશ બન્યાં હતાં. જોકે બંને ઉમેદવારો વિજયના દાવેદાર જણાતાં બજાર ઝડપથી પરત ફર્યું હતું અને પોઝીટીવ બંધ રહ્યું હતું. સેન્સેક્સ બીજા દિવસે 40 હજાર પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 11900નું સ્તર પાર કરીને બંધ આપવામાં સફળ રહ્યો હતો.
ફાર્મા-આઈટીનો મુખ્ય સપોર્ટ
બજારને ફાર્મા અને આઈટી કાઉન્ટર્સે સપોર્ટ પૂરો પાડ્યો હતો. નિફ્ટી ફાર્મા 2.18 ટકા વધીને બંધ રહ્યો હતો. વાસ્તવમાં બિડેનના વિજય પાછળ ફાર્મામાં ઘટાડો સંભય હતો. જોકે ફાર્મા શેર્સ 4 ટકા સુધી સુધર્યાં હતાં. આમ બજાર હાલમાં ટ્રમ્પને વિજયી જોઈ રહ્યો તેમ જણાય છે.
ટ્રમ્પ-બિડેન વચ્ચે રસાકસીમાં ફાર્મા શેર્સમાં 4 ટકા સુધીનો સુધારો
- ડેમોક્રેટ ઉમેદવાર બિડેનનો વિજય ફાર્મા કંપનીઓ માટે નેગેટિવ માનવામાં આવી રહ્યો હોવા છતાં ફાર્મા શેર્સ ચાલ્યાં
- સન ફાર્મા, ડિવીઝ લેબ, સિપ્લા, ઓરોફાર્મા, આલ્કેમ, ડો.રેડ્ડીઝ લેબ વગેરેમાં વૃદ્ધિ જોવા મળી
- નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.18 ટકાના સુધારે 11609 પર બંધ રહ્યો
યુએસ પ્રમુખ પદ માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન વચ્ચે તીવ્ર રસાકસી વચ્ચે ફાર્મા શેર્સે બુધવારે સારો દેખાવ દર્શાવ્યો હતો. સવારે મજબૂતી સાથે ખૂલેલું બજાર એક તબક્કે ટ્રમ્પ હારી રહ્યાં છે તેવું ચિત્ર બનતાં નેગેટિવ ઝોનમાં સરકી ગયું હતું તેમ છતાં ફાર્મા શેર્સ મક્કમ ટકી રહ્યાં હતાં. વાસ્તવમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વિરોધી માનવામાં આવે છે અને જો તેમનો વિજય નિશ્ચિત બને તો ફાર્મા કંપનીઓના શેર્સમાં તીવ્ર ઘટાડો સ્વાભાવિક હતો. જોકે બિડેનની પ્રમુખ બનવાની મજબૂત શક્યતા છતાં ફાર્મા શેર્સ 4 ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં. જેનો સૂચિતાર્થ એવો પણ નીકળે છે કે માર્કેટ ટ્રમ્પના વિજયને લઈને વધુ આશાવાદી છે.
બુધવારે નિફ્ટી 95 પોઈન્ટ્સ અથવા 0.8 ટકા સુધરી 11909ના સ્તરે બંધ આવ્યો હતો. ત્યારે નિફ્ટી ફાર્મા 2.18 ટકાના સુધારે અગાઉના બંધ સામે 248 પોઈન્ટ્સ સુધરી 11609 પર બંધ આવ્યો હતો. સેક્ટરલ સૂચકાંકોમાં તેણે સૌથી સારો દેખાવ દર્શાવ્યો હતો. ફાર્મા શેર્સમાં તેજીની આગેવાની સન ફાર્માએ લીધી હતી. કંપનીએ મંગળવારે સારા પરિણામ જાહેર કર્યાં હતા. વન ટાઈમ ટેક્સ ક્રેડિટને કારણે કંપનીનો ચોખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 70 ટકા ઉછળ્યો હતો. જેની અસરે કંપનીનો શેર એક તબક્કે 6 ટકાના સુધારે રૂ. 518 પર ટ્રેડ થયો હતો. જોકે કામકાજના અંતે 3.7 ટકાના સુધારે રૂ. 504 પર બંધ રહ્યો હતો. અન્ય ફાર્મા કંપનીઓ પણ તેને અનુસરી હતી અને દિવસ દરમિયાન મજબૂત રહી હતી. જેમાં ડિવિઝ લેબ(3.6 ટકા), સિપ્લા(3.1 ટકા), ઓરો ફાર્મા(1.7 ટકા), આલ્કેમ(1.6 ટકા) અને ડો.રેડ્ડીઝ(1.3 ટકા)નો સમાવેશ થાય છે. 2016માં ટ્રમ્પ વિજય બાદથી ફાર્મા કંપનીઓએ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવવાનું ચાલુ કર્યું હતું. જ્યારબાદ 2020માં કોવિડ-19 તેમને માટે તેજીનું કારણ બન્યું હતું અને બ્રોડ માર્કેટની સરખામણીમાં ફાર્મા ક્ષેત્રે ઊચ્ચ દેખાવ દર્શાવ્યો હતો.
ફાર્મા શેર્સનો બુધવારે દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ( %)
સન ફાર્મા 3.7
ડિવિઝ લેબ 3.6
સિપ્લા 3.1
ઓરો ફાર્મા 1.7
આલ્કેમ 1.6
ડો.રેડ્ડીઝ 1.3
ટોરેન્ટ ફાર્મા 1.0
એશિયન બજારોમાં 1.5 ટકાની મજબૂતી જ્યારે યુરોપ બજારોમાં સાધારણ સુધારો
ભારત, તાઈવાન, જાપાન જેવા એશિયન બજારો નોંધપાત્ર સુધારા સાથે બંધ રહ્યાં હોવા છતાં યુરોપ બજારોમાં સાધારણ સુધારો જોવા મળતો હતો. ડેક્સ, કેક અને ફ્ટ્સી 0.5 ટકા સુધીની મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે ડાઉ ફ્યચર્સ 33 પોઈન્ટ્સ ડાઉન જોવા મળતો હતો.