Market Summary 4 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઉઘડતાં સપ્તાહે બુલ્સ ફરી મેદાનમાં
સોમવારે એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજાર પર તેજીવાળાઓની પકડ મજબૂત જોવા મળી હતી. જોકે નિફ્ટીમાં શરૂઆતી સુધારા બાદ તેઓ તેને વધુ ઉપર લઈ જવામાં સફળ નહોતાં રહ્યાં, તેમ છતાં બજાર નોંધપાત્ર સુધારા સાથે બંધ આપવામાં સફળ રહ્યું હતું. નિફ્ટીએ 17751ની ટોચ બનાવી 17691 પર બંધ દર્શાવ્યું હતું. લગભગ તમામ સેક્ટર્સ તેજીમાં જોડાયાં હતાં. ખાસ કરીને ફાર્મા, મેટલ, રિઅલ્ટી, એનર્જી અને પીએસઈએ 1થી 3 ટકા સુધીનો સુધારો દર્શાવ્યો હતો. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 2575ની સર્વોચ્ચ સપાટી દર્શાવી રૂ. 2556 પર બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીમાં પણ 0.95 ટકાનો સુધારો નોઁધાયો હતો. નિફ્ટી માટે 17800નો અવરોધ છે. જે પાર થશે તો તે 18000 તરફ ગતિ દર્શાવી શકે છે. જ્યારે નીચામાં તેને 17400નો પ્રથમ સપોર્ટ છે. જેની નીચે 17250નો મહત્વનો સપોર્ટ છે.
આરબીઆઈએ શ્રેઈ જૂથની કંપનીઓના બોર્ડ સુપરસીડ કર્યાં
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે શ્રેઈ જૂથની કંપનીઓને બોર્ડને સુપરસીડ કરી પોતાના પ્રતિનિધિની નિમણૂંક કરી હતી. સેન્ટ્રલ બેંકે શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ અને શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ, આ બંને કંપનીઓના બોર્ડને દૂર કર્યાં હતાં અને જણાવ્યું હતું કે તેમને ઈન્સોલ્વન્સી પ્રોસિડિંગ્સમાં લઈ જવામાં આવશે. આરબીઆઈએ બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર રજનીશ શર્માની બંને કંપનીઓના વહીવટીદાર તરીકે નિમણૂંક કરી હતી. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે એડમિનિસ્ટ્રેટરની નિમણૂંક એક ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોફેશ્નલ તરીકે કરી છે અને તેથી ટૂંકમાં જ બંને એનબીએફસી માટે આ કામગીરી ચાલુ થશે. એક અંદાજ મુજબ બેંકિંગ કંપનીઓ શ્રેઈ ગ્રૂપમાં રૂ. 35000નું એક્સપોઝર ધરાવે છે. રેઝોલ્યુશનના ભાગરૂપે તેમણે તીવ્ર હેરકટ સ્વીકારવું પડે તેવી અપેક્ષા છે.
ડિવિઝ લેબોરેટરીઝનો શેર 10 ટકા ઉછળ્યો
યુએસ સ્થિત ફાર્મા કંપની મર્કે તેની ઓરલ એન્ટિવાયરલ મેડિસિન મોલ્નુપિરાવીરને કારણે હોસ્પિટલાઈઝેશન અથવા તો ડેથના જોખમમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કરતાં ડિવિઝ લેબોરેટરીઝના શેરમાં સોમવારે 10 ટકાનો ઉછાળ્યો નોંધાયો હતો. કાઉન્ટરે અગાઉના રૂ. 4832.30ના બંધ સામે રૂ. 5315.50ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. કામકાજના આખરે તે 8.04 ટકા સુધારા સાથે રૂ. 5220.70ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈ ખાતે 20 દિવસના સરેરાશ 4.5 લાખ શેર્સના વોલ્યુમ સાથે 28.88 લાખ શેર્સનું ઊંચું કામકાજ જોવા મળ્યું હતું. જ્યારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.39 લાખ કરોડ પર પહોંચ્યું હતું. જે સન ફાર્મા પછી બીજા ક્રમની સૌથી મોટી કંપની છે. ડિવિઝ લેબ્સ વિશ્વમાં ટોચની ત્રણ એપીઆઈ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. જે વૈશ્વિક ફાર્મા કંપનીઓ માટે કસ્ટમ સિન્થેસિસનું ઉત્પાદન ધરાવે છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ડી-માર્ટની રેવન્યૂમાં 47 ટકા વૃદ્ધિ
રિટેલ ચેઈન સ્ટોર ધરાવતી ડી-માર્ટે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 46.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 7649.64 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 5218.15 કરોડ પર હતી. કંપનીએ કોવિડ મહામારી અગાઉ 2019-20માં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5949.01 કરોડની રેવન્યૂ દર્શાવી હતી. આમ તેણે કોવિડ અગાઉના સમયગાળાથી પણ વધુ આવક નોંધાવી છે. કંપની દેશભરમાં કુલ 246 સ્ટોર્સ ધરાવ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં તે વિશેષ હાજરી ધરાવે છે.

મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકોએ સર્વોચ્ચ સપાટી પર બંધ આપ્યું
નિફ્ટી સ્મોલ-કેપ 1.6 ટકા ઉછળી 11 હજારની સપાટી કૂદાવી ગયો
મીડ-કેપ ઈન્ડેક્સ પણ 1.6 ટકા ઉછળી 30897ની ટોચ પર પહોંચ્યો
સોમવારે બીએસઈ ખાતે 3541 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2333 પોઝીટીવ બંધ રહ્યાં
માર્કેટમાં એક સપ્તાહની નરમાઈ બાદ સોમવારે ફરી તેજીવાળાઓએ બજાર પર સંપૂર્ણપણે અંકુશ સ્થાપ્યો હતો. જેમાં બેન્ચમાર્ક નિફ્ટી 0.91 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો પરંતુ મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં 1.6 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને બંને તેમની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યાં હતાં. બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ ખૂબ પોઝીટીવ જળવાય હતી. લગભગ 2.3 શેર્સમા સુધારા સામે 1 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક શેરબજારોમાં મંદીના મૂડ વચ્ચે પણ બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સમાં ભારે તેજી જોવા મળી હતી. કેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, મેટલ્સ ક્ષેત્રની કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી જોવા મળતી હતી. લાર્જ-કેપ્સની સરખામણીમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ટ્રેડર્સ વધુ સક્રિય જણાયાં હતાં. જેને કારણે નિફ્ટી સવારના એક કલાકમાં નવી ટોચ બનાવીને દિવસ દરમિયાન રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. જ્યારે મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો દિવસ દરમિયાન સતત સુધારો દર્શાવતાં રહ્યાં હતાં અને આખરે તેમની સર્વોચ્ચ સપાટી પર જ બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપે 478.50ના સુધારા સાથે 30875.35ના સ્તરે બંધ દર્શાવ્યું હતું. તેણે ઈન્ટ્રા-ડે 30897.55ની ટોચ દર્શાવી હતી. જ્યાર નિફ્ટી સ્મોલ-કેપે 171 પોઈન્ટસના સુધારે 11076.50 પર બંધ આપ્યું હતું અને 11093ની ઈન્ટ્રા-ડે ટોચ નોંધાવી હતી. બંને સૂચકાંકોએ લગભગ એક પખવાડિયા અગાઉ તેમણે દર્શાવેલી સર્વોચ્ચ સપાટીને પાછળ રાખી દીધી હતી. આમ લાર્જ-કેપ સૂચકાંકોની સરખામણીમાં તેમણે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બીએસઈ ખાતે પણ લાંબા સમયબાદ ખૂબ પોઝીટીવ માર્કેટ-બ્રેડ્થ જોવા મળી હતી. વિશ્વમાં સૌથી વધુ લિસ્ટેડ કંપની ધરાવતાં એક્સચેન્જ ખાતે 3541 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2333 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ નોંધાવ્યું હતું. જ્યારે 1016 કાઉન્ટર્સ અગાઉના બંધ કરતાં નીચે બંધ જોવા મળ્યાં હતાં. આમ 2.3 શેર્સમાં સુધારા સામે માત્ર એક શેર્સમાં ઘટાડો જોવા મળતો હતો. 316 શેર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે 24 શેર્સ 52-સપ્તાહના ઘટાડે બંધ જોવા મળ્યાં હતાં. 565 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જેની સામે 173 શેર્સે લોઅર સર્કિટ દર્શાવી હતી. આમ તેજીવાળાઓ બજાર પર પૂરેપૂરા હાવી રહ્યાં હતાં.

અદાણી ગ્રીન એનર્જીએ 3.5 અબજ ડોલરમાં SB એનર્જી હોલ્ડિંગ્સ ખરીદી લીધી
એસબી એનર્જીના 5 ગીગાવોટનો ક્વોલિટી પોર્ટફોલિયોને ખરીદ્યાં બાદ એજીઈએલની કુલ ક્ષમતા 19.9 ગીગીવોટની બનશે
રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સૌથી મોટા સોદા બાદ એસબી એનર્જી એજીઈએલની સંપૂર્ણ સબસિડીયરી બની
દેશમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સૌથી મોટા એક્ઝિવિઝશનમાં અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીએ સોમવારે જણાવ્યું હતું કે તેણે એસબી એનર્જી ઈન્ડિયાનું 3.5 અબજ ડોલર(લગભગ રૂ. 26000 કરોડ)માં ખરીદીનું કામ પૂર્ણ કર્યું છે. એસજી એનર્જીની ખરીદી બાદ એજીઈએલનો કુલ પોર્ટફોલિયો 19.8 ગીગાવોટનો બનશે. જેમાંથી 5.4 ગીગાવોટ હાલમાં કાર્યરત છે.
વિશ્વમાં સૌથી મોટી સોલાર પાવર ડેવલપર એવી અદાણી ગ્રીન એનર્જીએ સોમવારે એક્સચેન્જને ફાઈલીંગમાં જણાવ્યું હતું કે તેણે 18 મે 2021ના રોજ થયેલા ડીલ મુજબ એસબી એનર્જી ઈન્ડિયાની ખરીદીનું કામ પૂર્ણ છે. આ માટે તેણે 3.5 અબજ ડોલરની ચૂકવણી કરી છે. બંને કંપનીઓ વચ્ચે મે મહિનમાં ઓલ-કેશ ડિલ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યું હતું. આ સોદા બાદ એજીઈએલ એસબી એનર્જી ઈન્ડિયાની સંપૂર્ણ માલિકી ધરાવે છે. અગાઉ કંપનીની માલિકી જાપાનના સોફ્ટબેંક ગ્રૂપ તથા ભારતી ગ્રૂપ પાસે હતી. બંને અનુક્રમે 80:20ના રેશિયોમાં હિસ્સો ધરાવતાં હતાં.
ગયા સપ્તાહે જ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે જૂથ આગામી 10 વર્ષોમાં રિન્યૂએબલ એનર્જી જનરેશન પાછળ 20 અબજ ડોલરનું જંગી રોકાણ કરશે. એસબી એનર્જીની ખરીદી બાદ એજીઈએલ વૈશ્વિક સ્તરે સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી ડેવલપર બનવાની નજીક પહોંચી ગઈ છે એમ કંપનીના એમડી અને સીઈઓ વિનીત જૈને જણાવ્યું હતું. કંપની સોલાર એનર્જી ક્ષેત્રે હાલમાં વિશ્વમાં સૌથી મોટો પ્લેયર છે. તેમણે ઉમેર્યું હતું કે ઊંચી ગુણવત્તા ધરાવતી આ વિશાળ યુટિલિટી એસેટ્સનો ઉમેરો કાર્બન ન્યૂટ્રલ ભવિષ્ય તરફ શિફ્ટ થવાના ભારતના પગલાઓને ઝડપી બનાવવામાં સહાયરૂપ બનવાનો અદાણી ગ્રીન એનર્જિનો ઈરાદો દર્શાવે છે. રિન્યૂએબલ એનર્જિ ક્ષેત્રે અમારો મજબૂત પાયો નવા ઉદ્યોગોની સમગ્ર ઈકોસિસ્ટમને માટે મહત્વનો બની રહેશે અને તે વિવિધ ક્ષેત્રોમાં જોબ રચનામાં એક ઉદ્દીપક તરીકેનું કામ કરશે.
એસબી એનર્જી ઈન્ડિયા દેશમાં તેના સ્પેશ્યલ પરપઝ વેહીકલ્સ મારફતે ચાર રાજ્યોમાં 5 ગીગાવોટ રિન્યૂએબલ એસેટ્સ ધરાવે છે. તેના પોર્ટફોલિયોમાં 1700 મેગાવોટ કાર્યરત રિન્યૂએબર એસેટ્સ આવેલી છે. જ્યારે 2554 મેગાવોટ એસેટ્સ હાલમાં બાંધકામ હેઠળ છે. જ્યારે 700 મેગાવોટ એસેટ્સ બાંધકામ પૂરું થવાની તૈયારીમાં છે. કંપનીના કુલ 5000 મેગાવોટના પોર્ટફોલિયોમાં 84 ટકા હિસ્સો સોલાર ક્ષમતાનો છે. તે 4180 મેગાવોટ સોલાર ક્ષમતા ધરાવે છે. જ્યારબાદ 450 મેગાવોટ અથવા 9 ટકા ક્ષમતા હાઈબ્રીડ છે. જે સિવાય 7 ટકા અથવા 324 મેગાવોટ ક્ષમતા વાઈન્ડ એનર્જીની છે. તે સરેરાશ 330 મેગાવોટનું કદ ધરાવતાં 15 પ્રોજેક્ટ્સમાં વહેંચાયેલી છે. જે તેને દેશમાં સૌથી ઊંચી ગુણવત્તા ધરાવતો રિન્યૂએબલ પોર્ટફોલિયો બનાવે છે. જે બેસ્ટ-ઈન-ક્લાસ ગવર્નન્સ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ઓપરેશન્સ તથા મેઈન્ટેનન્સ સ્ટાન્ડર્ડ્ઝ ધરાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage