બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
US બજારોમાં તીવ્ર બાઉન્સ પાછળ વૈશ્વિક બજારો ઉછળ્યાં
એશિયા-યુરોપના બજારોમાં નોંધપાત્ર સમય બાદ પ્રત્યાઘાતી સુધારો જોવાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 8.4 ટકા ગગડી 19.57ની સપાટીએ
મેટલ, બેંકિંગ, આઈટી, ઓટો, એનર્જીમાં ભારે લેવાલી
નિફ્ટીના 50માંથી 49 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યાં
બ્રોડ માર્કેટમાં ઊંચી ખરીદીએ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
લાંબા સમયગાળા બાદ 302 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રૂ. 2400ની સપાટી પાર કરી
આઈડીએફસી ફર્સ્ટ બેંક, સિપ્લામાં નવી ટોચ
વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર બાઉન્સને પગલે ભારતીય શેરબજારમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. એકાંતરે દિવસે બે બાજુની મોટી વધ-ઘટ પાછળ જોકે રિટેલ રોકાણકારોની મૂંઝવણ વધી હતી. મંગળવારે બીએસઈ સેન્સેક્સ 21277 પોઈન્ટ્સ ઉછળી 58065ની સપાટીએ જ્યારે નિફ્ટી 387 પોઈન્ટ્સ ઉછળી 17274ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રોડ બેઝ બાઈંગ પાછળ નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 49 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર એક કાઉન્ટરમાં જ ઘટાડો જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ ભારે લેવાલી નીકળી હતી અને બીએસઈ ખાતે ત્રણથી વધુ શેર્સમાં ખરીદી પાછળ એક શેરમાં વેચવાલી જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકાથી વધુ ગગડી 19.57ની સપાટીએ બંધ રહ્યો હતો.
નવા સપ્તાહે યુએસ બજારોમાં લાંબા સમયગાળા બાદ તીવ્ર બાઉન્સ જોવા મળ્યો હતો. જેની વૈશ્વિક રોકાણકારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. સોમવારે યુએસ બજારોમાં સુધારા પાછળનું મુખ્ય કારણ ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ હતી. ડોલર ઈન્ડેક્સ એક સપ્તાહમાં તેની ટોચ પરથી 4 ટકા જેટલો તૂટતાં બજારોને રાહત મળી હતી અને રોકાણકારો ફરીથી ‘રિસ્ક-ઓન’ મોડમાં આવ્યાં હતાં. જેની પાછળ શોર્ટ કવરિંગને કારણે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ અને નાસ્ડેક 2 ટકાથી વધુ ઉછળ્યાં હતાં. એશિયન બજારોએ પણ તેમની પાછળ 3 ટકાથી વધુ સુધીનો ઘટાડો નોંધાવ્યો હતો. જેમાં કોરિયા, તાઈવાન અને જાપાન મુખ્ય હતાં. ચીન તથા હોંગ કોંગના બજારોમાં નરમાઈ હતી. યુરોપ બજારો પણ 3 ટકાથી વધુ સુધી સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેણે ભારતીય બજારમાં બુલ્સને પૂરેપૂરો મોરલ સપોર્ટ પૂરો પાડ્યો હતો અને તેથી સ્થાનિક બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ ટોચ નજીક જ બંધ રહ્યાં હતાં. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બજારે ઓવરનાઈટ જ બ્રેકઆઉટ દર્શાવ્યું છે અને હવે તેના માટે 17400 આસપાસ એક અવરોધ છે. જે પાર થશે તો 17600ની સપાટી જોવા મળી શકે છે. માર્કેટમાં શોર્ટ સેલર્સ ખરાબ રીતે ફસાઈ ચૂક્યાં છે. તેને કારણે બજાર તરત ઘટાડા તરફી બનવાની શક્યતાં ઓછી છે. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર્સ 32 પોઈન્ટ્સ પ્રિમિયમે બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે નોંધપાત્ર લોંગ પોઝીશન ઊભી થઈ છે અને તેથી શોર્ટ સેલર્સે આગામી સત્રોમાં પણ કવરિંગ માટે દોટ લગાવી પડી શકે છે.
માર્કેટને સપ્તાહના બીજા સત્રમાં બ્રોડ બેઝ સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં મેટલ, બેંકિંગ, ઓટો, એનર્જી સહિતના તમામ સેક્ટર્સ જોડાયાં હતાં. નિફ્ટી મેટલ 3.13 ટકા ઉછળી બંધ રહ્યો હતો. જેમાં સ્ટીલ શેર્સ તરફથી મહત્વનું યોગદાન જોવા મળ્યું હતું. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 5 ટકા ઉછળ્યો હતો. જ્યારે સેઈલ પણ 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત વેદાંત 4 ટકા, કોલ ઈન્ડિયા 4 ટકા, હિંદાલ્કો 3.5 ટકા, નાલ્કો 3 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3 ટકા અને એનએમડીસી 3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક 2.84 ટકા સુધારા સાથે 39 હજારની સપાટી પાર કરી ગયો હતો. બેંક નિફ્ટીને મુખ્ય સપોર્ટમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 8 ટકા સુધર્યો હતો. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક 5.5 ટકા, બેંક ઓફ બરોડા 4.5 ટકા, ફેડરલ બેંક 4 ટકા, બંધન બેંક 3.4 ટકા સુધારો દર્શાવતાં હતાં. અગ્રણી બેંક્સમાં એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક 2-3 ટકા સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી ફિન સર્વિસ ઈન્ડેક્સ 2.8 ટકા ઉછળ્યો હતો. એનબીએફસી કાઉન્ટર્સમાં ભારે લેવાલી નીકળતાં ઈન્ડેક્સમાં નોંધપાત્ર સમય બાદ ઊંચો સુધારો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સના મહત્વના કાઉન્ટર્સમાં ચોલા ઈન્વેસ્ટમેન્ટ 5.5 ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝ 5 ટકા, બજાજ ફાઈનાન્સ 4.5 ટકા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ 3.33 ટકા, બજાજ ફિનસર્વ 3.3 ટકા, એચડીએફસી એએમસી 3 ટકા અને શ્રીરામ ટ્રાન્સપોર્ટ 2.5 ટકા સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3 ટકા જેટલી મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં કોફોર્જ 4.5 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત માઈન્ડટ્રી, ટીસીએસ, એલએન્ડટી ઈન્ફોટેક, એમ્ફેસિસ, વિપ્રો, ઈન્ફોસિસ અને એલએન્ડટી ટેક્નોલોજી 2.5 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી 2 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 3 ટકા, ટાટા પાવર 3 ટકા, ગેઈલ 2.5 ટકા, રિલાયન્સ 2 ટકા અને એનટીપીસી 1.4 ટકા સુધારો દર્શાવતાં હતાં. એકમાત્ર પાવરગ્રીડ કોર્પોરેશન 1 ટકાથી વધુ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ઓટો પણ 2 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર, હિરો મોટોકોર્પ, અમર રાજા બેટરીઝ, એમઆરએફ, આઈશર મોટર્સ અને ટાટા મોટર્સ તરફથી જોવા મળ્યું હતું. આ તમામ કાઉન્ટર્સે 2-4 ટકાની રેંજમાં સુધારો નોંધાવ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.9 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં વરુણ બેવરેજીસે 7 ટકા સાથે સૌથ સારો સુધારો દર્શાવ્યો હતો. આ ઉપરાંત યુનાઈટેડ સ્પિરિટ્સ્, જ્યુબિલિઅન્ટ ફૂડ, આઈટીસી, હિંદુસ્તાન યુનિલીવરમાં પણ 2 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. માત્ર ડાબર ઈન્ડિયા, મેરિકો અને પીએન્ડજી ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી પીએસઈમાં પણ 1.8 ટકાનો સુધારો નોંધાયો હતો. જેમાં એનએચપીસી 8 ટકાથી વધુ ઉછાળો દર્શાવતો હતો. આ ઉપરાંત સેઈલ, કોલ ઈન્ડિયા, ભારત ઈલેક્ટ્રીક, હિંદુસ્તાન એરોનોટીક્સ, નાલ્કો, કોન્કોર, ભેલ, ઓઈલ ઈન્ડિયા વગેરેમાં પણ 2 ટકાથી વધુનો સુધારો જોવા મળતો હતો. નિફ્ટી ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં એમએન્ડએમ ફાઈનાન્સિયલ 11 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ સિવાય એલએન્ડટી ફાઈનાન્સ 6.5 ટકા, આઈડીએફસી 6.4 ટકા, ઝી એન્ટરટેઈનમેન્ટ 6.4 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 6 ટકા, આરબીએલ બેંક 6 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. બીએસઈ ખાતે 3564 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2572 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 874 નેગેટિવ બંધ રહ્યાં હતાં. 126 કાઉન્ટર્સે પોઝીટીવ સર્કિટ્સ દર્શાવી હતી. જ્યારે 35 કાઉન્ટર્સ નેગેટિવ સર્કિટ્સ સૂચવતાં હતાં.
ડોલર ઈન્ડેક્સ ગગડતાં સોનું-ચાંદીમાં ઝડપી ઉછાળો જોવાયો
કોમેક્સ સિલ્વર વાયદો બે સત્રોમાં રૂ. 5000 ઉછળ્યો
28 સપ્ટેમ્બરના તળિયેથી ચાંદીમાં રૂ. 7000નો તીવ્ર સુધારો
સોનું ગયા સપ્તાહના રૂ. 48900ના તળિયેથી ઉછળી રૂ. 51450 પર પહોંચ્યો
ડોલર ઈન્ડેક્સ 114.74ની ટોચ પરથી ગગડી 110.915 પર ટ્રેડ થયો
વૈશ્વિક બજારમાં ડોલર ઊંધે માથે ગબડતાં કિંમતી ધાતુઓમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ મહિનાથી સતત ગગડતાં રહેતાં સોનું-ચાંદીમાં છેલ્લાં ઘણા સમય બાદ આ પ્રકારે બાઉન્સ જોવા મળ્યું હતું. જેમાં ચાંદીએ સોનાની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને એમસીએક્સ વાયદો ફરી રૂ. 60 હજારની સપાટી પાર કરી ગયો હતો.
સોમવારે બપોર બાદ ડોલર ઈન્ડેક્સમાં સતત ધીમો ઘસારો જોવાયો હતો. જેની પાછળ રાતે યુએસ બેન્ચમાર્ક્સમાં તીવ્ર ઉછાળા સાથે બુલિયનમાં પણ મોટી તેજી જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો સોમવારે રાતે જ 1700 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. મંગળવારે પણ ખરીદી જળવાય હતી અને ગોલ્ડ વાયદો ઉપરમાં 1721 ડોલર સુધી ટ્રેડ થયો હતો. જેની પાછળ સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 51450ની ટોચ પર ટ્રેડ થયો હતો. ડોલરમાં ટોચ પરથી ચાર ટકાથી વધુના ઘટાડા બાદ એનાલિસ્ટ્સ માને છે કે ડોલરે મધ્યમ ગાળા માટેની ટોચ બનાવી દીધી છે અને તેથી તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. જ્યારે બીજી બાજુ ગોલ્ડ સહિતની કોમોડિટીઝ અને ઈક્વિટીઝમાં મજબૂતી આગળ વધી શકે છે. ગોલ્ડ છેલ્લાં પાંચ મહિનામાં તેના ટોચના સ્તરેથી 400 ડોલરથી વધુ ઘટાડો દર્શાવી માર્ચ 2020 પછીના તળિયા પર પહોંચી ગયો હતો. ગયા સોમવારે તેણે 1618 ડોલરનું ચાર મહિનાનું તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી તે ટૂંકાગાળામાં 100 ડોલરથી વધુ બાઉન્સ થઈ ચૂક્યું છે. ગોલ્ડને ઉપરમાં 1733નો અવરોધ છે. જ્યારે એમસીએક્સ ખાતે તેને રૂ. 52100 અને 52300નો અવરોધ નડી રહ્યો છે.
સોના કરતાં પણ ચાંદીમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યું હતું. મંગળવારે કોમેક્સ સિલ્વર ફ્યુચર્સ 20.80 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. સોમવારે તે 10 ટકા જેટલો ઉછળ્યો હતો. જેની પાછળ એમસીએક્સ ખાતે ફ્યુચર્સ રૂ. 60 હજારની સપાટીને પાર કરી ગયો હતો. મંગળવારે એમસીએક્સ ખાતે તેણે રૂ. 61865ની ટોચ દર્શાવી હતી. એનાલિસ્ટ્સ રૂ. 62500 સુધીની તેજી જોઈ રહ્યાં છે. તેમના મતે ગોલ્ડ-સિલ્વર રેશિયો પણ વધી ગયો હતો અને તેને કારણે સિલ્વરમાં આઉટપર્ફોર્મન્સ ચાલુ રહેશે. છેલ્લાં દાયકામાં સિલ્વરે ગોલ્ડની સરખામણીમાં તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જે પણ આ માટેનું કારણ બનશે. સિલ્વરે જુલાઈ 2020માં રૂ. 75 હજારની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. જ્યાંથી ગગડી તે ગયા સપ્તાહે રૂ. 54 હજાર પર ટ્રેડ થઈ હતી. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના ડરને જોતાં એનાલિસ્ટ્સ ચાંદીમાં મોટી તેજી નથી જોઈ રહ્યાં. જોકે ગોલ્ડમાં મજબૂતી પાછળ તે સુધારો જાળવી શકે છે. આર્થિક મંદી સાથે ઊંચા ફુગાવાને કારણે ગોલ્ડ આગામી સમયગાળામાં ઈક્વિટીઝની સરખામણીમાં ચઢિયાતો દેખાવ દર્શાવે તેવી શક્યતાં જોવાઈ રહી છે. છેલ્લાં ચાર સત્રોમાં તેણે દર્શાવેલું બાઉન્સ સૂચવે છે કે કેટલાંક સ્માર્ટ મની કિંમતી ધાતુમાં પાર્ક થઈ રહ્યાં છે. સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં પણ સોનાના ભાવને સપોર્ટ મળતો હોય છે અને તેથી આગામી દિવાળી સુધી તે મજબૂતી જાળવી શકે છે.
રશિયા ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર બન્યો
સપ્ટેમ્બરમાં ભારતમાં રશિયાની ક્રૂડ આયાતનો હિસ્સો ઓગસ્ટની સરખામણીમાં 18.5 ટકા ઉછળ્યો હતો. અગાઉ સતત બે મહિના સુધી તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે સપ્ટેમ્બરમાં રશિયા તરફથી આયાત વધ્યાં બાદ તે સાઉદી અરેબિયા બાદ ભારત માટે બીજો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર બન્યો હતો. જ્યારે યુક્રેન સાથે સંઘર્ષ શરૂ થયા બાદ ભારતમાં કુલ આયાતમાં તેનો હિસ્સો માત્ર એક ટકા પરથી ઉછળી 21 ટકા થયો છે. સપ્ટેમ્બરમાં દૈનિક ધોરણે રશિયા ખાતેથી 8.79 લાખ બેરલ્સ ઓઈલની આયાત થઈ હતી. જે જૂનમાં 9.33 લાખ બેરલ્સ પ્રતિ દિવસ પછી બીજા ક્રમે જોવા મળી હતી. જૂનમાં રશિયન ક્રૂડની આયાત ટોચ પર જોવા મળી હતી. કેમકે તે વખતે વૈશ્વિક બજારમાં ભાવની સરખામણીમાં રશિયન ઓઈલમાં ઊંચું ડિસ્કાઉન્ટ જોવા મળ્યું હતું.
બ્રિક્સ સભ્યોની નવી રિઝર્વ કરન્સી ઊભી કરવા વિચારણા
બ્રિક્સ દેશો તેમના આર્થિક હિતોને વધુ સારી રીતે સાચવી શકે તે માટે નવી રિઝર્વ કરન્સિ માટે વિચારણા ચલાવી રહ્યાં છે. હાલમાં યુરો અને ડોલર પરની નિર્ભરતાને ઓછી કરવા માટે તેઓ આમ કરી રહ્યાં છે. રશિયન રાજદૂતના જણાવ્યા અનુસાર નવી રિઝર્વ કરન્સી બ્રિક્સના પાંચ દેશોના બ્લોકની કરન્સિઝ આધારિત હશે. બ્રિક્સમાં બ્રાઝિલ, ભારત, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. નવી રિઝર્વ કરન્સીનો મુખ્ય ઉદ્દેશ યુએસ ડોલર તેમજ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ્સના સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ કરન્સીની સામે વૈકલ્પિક ચલણ ઊભો કરવાનું હોવાનું તેઓ ઉમેરે છે.
સેબીના નવા નિયમો ‘ઓફર ફોર સેલ’મિકેનીઝમને પ્રોત્સાહિત કરશે
નવું મિકેનિઝમ હાલના બલ્ક ઓર્ડર મિકેનીઝમથી ચઢિયાતું સાબિત થવાની શક્યતાં
માર્કેટ રેગ્યુલેટર સેબીએ નિર્ધારિત કરેલા નવા નિયમો ઓફર ફોર સેલ મિકેનીઝમને પ્રોત્સાહન પૂરું પાડશે. જે પ્રમોટર્સ અને અન્ય મોટા શેરધારકોને તેમના ઈક્વિટી હોલ્ડિંગ્સના વેચાણની છૂટ આપશે.
ઉદ્યોગ ખેલાડીઓના જણાવ્યા મુજબ બ્લોક ડિલ મિકેનિઝમની સામે OFS રૂટ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરશે. કેમકે ઓએફએસ પ્રાઈસિંગ બાબતે વધુ સારી ફ્લેક્સિબિલિટી ઓફર કરશે. હાલમાં ઓએફએસ રૂટનો ઉપયોગ મર્યાદિત છે. કેમકે તે માત્ર પ્રમોટર્સ તથા જેઓ 10 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે તેમને જ આ મિકેનિઝમનો લાભ લેવાની છૂટ આપે છે. જોકે ગયા સપ્તાહે સેબીએ જાહેર કરેલી નવી રૂપરેખા મુજબ હવેથી કોઈપણ શેરધારક કે જે રૂ. 25 કરોડથી વધુ મૂલ્યના શેર્સ ઓફર કરવા ઈચ્છે છે તે ઓએફએસ રૂટનો ઉપયોગ કરી શકે છે. વધુમાં બે ઓએફએસ વચ્ચેના કુલીંગ ઓફ પિરિયડને ઘટાડીને બે સપ્તાહ કરવામાં આવ્યો છે. જે અગાઉ 12 સપ્તાહ જેટલો હતો. આમ કરવાથી કંપનીઓને એકથી વધુ તબક્કામાં તેમના શેર્સ વેચવામાં સહાયતા મળશે. એકવાર માર્કેટ રેગ્યુલેટર નવા નિયમો જાહેર કરશે ત્યારબાદ ઘણા પ્રાઈવેટ ઈક્વિટી પ્લેયર્સ અથવા લાર્જ ઈન્વેસ્ટર્સ નવા ઓએફએસ ફ્રેમવર્કનું પરિક્ષણ કરી શકે છે એમ ઉદ્યોગ વર્તુળો જણાવે છે.
હાલમાં વ્યાપક ઉપયોગ ધરાવતાં બ્લોક ડીલ મિકેનિઝમમાં મુખ્ય અવરોધ પ્રાઈસિંગનો છે. આ મિકેનિઝમ હેઠળ સેલર પ્રવર્તમાન બજારભાવની સામે મોટુ ડિસ્કાઉન્ટ ઓફર કરી શકતો નથી. આના પરિણામે બ્લોક ડિલ હેઠળ મોટા હિસ્સા વેચાણ સામે પડકાર ઊભો થાય છે. ખાસ કરીને જ્યારે બજાર વોલેટાઈલ હોય ત્યારે આમ કરવું જોખમી બની રહે છે. સુધારેલું ઓએફએસ ફ્રેમવર્ક ખૂબ પ્રોત્સાહક જણાય છે અને તે લોકોનું મોટા પ્રમાણમાં ધ્યાન આકર્ષે તેવી શક્યતાં વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે.
માર્કેટ હેડલાઈન્સ
મહાનગર ગેસઃ સિટિ ગેસ કંપનીએ સીએનજી અને પીએનજી ગેસની કિંમતોમાં ફરી વૃદ્ધિ કરી છે. સીએનજી ગેસમાં તેણે પ્રતિ કિગ્રા રૂ. 6 વૃદ્ધિ સાથે ભાવ રૂ. 86 કર્યો છે. જ્યારે પીએનજીમાં ભાવ પ્રતિ એસસીએમ રૂ. 4 વધારી રૂ. 52.50 કર્યો છે.
એરટેલઃ બીજા ક્રમની ટેલિકોમ કંપની ટૂંક સમયમાં જ તેની 5જી સર્વિસિસ માટે ટેરિફ નિર્ધારિત કરશે. તેણે શનિવારે આંઠ શહેરોમાં તેની 5જી સેવા શરૂ કરી હતી. તે માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશમાં સર્વિસનો આરંભ કરવા ધારે છે.
એચડીએફસીઃ દેશમાં સૌથી મોટા મોર્ગેજ લેન્ડરે બીજા ક્વાર્ટરમાં સારી કામગીરી દર્શાવતાં રૂ. 9145 કરોડનું લોન્સ અસાઈન્ડ કરી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7132 કરોડની સરખામણીમાં લગભગ 29 ટકા વૃદ્ધિ સૂચવે છે.
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે બીજા ક્વાર્ટરમાં રૂ. 3.15 લાખ કરોડની ડિપોઝીટ્સ મેળવી છે. જે વાર્ષિક ધોરણે 15 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે ત્રિમાસિક ધોરણે 4 ટકા વૃદ્ધિ સૂચવે છે.
બેંક ઓફ મહારાષ્ટ્રઃ પીએસયૂ બેંકે બીજા ક્વાર્ટરમાં પ્રોવિઝ્નલ બેસીસ પર રૂ. 1.48 લાખ કરોડના એડવાન્સિસ દર્શાવ્યાં છે. જે ગયા ક્વાર્ટરમાં રૂ. 1.41 કરોડ પર જોવા મળતાં હતાં.
હિંદુસ્તાન ઝીંકઃ કંપનીએ બીજા ક્વાર્ટરમાં 18 ટકા ઉત્પાદન વૃદ્ધિ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં 2.09 લાખ ટન સામે ચાલુ વર્ષે તેણે 2.46 લાખ ટન ઉત્પાદન નોંધાવ્યું છે.
ડીમાર્ટઃ દેશમાં અગ્રણી રિટેલ ગ્રોસરી સ્ટોરે બીજા ક્વાર્ટરમાં તેની કામગીરીમાંથી રૂ. 10385 કરોડની એવન્યૂ નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7650 કરોડ પર હતી.
એમએન્ડએમ ફાઈનાન્સઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલે બીજા ક્વાર્ટરમાં રૂ. 4080 કરોડનું ડિસ્બર્સમેન્ટ દર્શાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 100 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે.
ડીબીએલઃ દિલીપ બિલ્ડકોન લિમિટેડે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી રૂ. 1061 કરોડના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ મેળવ્યો છે.
મેક્સ ઈન્ડિયાઃ કેસિની પાર્ટનર્સે કંપનીમાં 9.66 લાખ શેર્સની ખરીદી કરી છે. જ્યારે 238 પ્લાન એસોસિએટ્સ એલએલસીએ 2.34 લાખ શેર્સની ખરીદી કરી છે.
એનસીસીઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ સપ્ટેમ્બર 2022માં જીએસટી સહિત રૂ. 393 કરોડના મૂલ્યના નવા ઓર્ડર મેળવ્યાં છે.
સાઉથ ઈન્ડિયન બેંકઃ પ્રાઈવેટ બેંકે બીજા ક્વાર્ટરમાં તેના એડવાન્સિસમાં વાર્ષિક 17 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જોકે તેની ડિપોઝીટ્સમાં વાર્ષિક ધોરણે ફ્લેટ વૃદ્ધિ જોવા મળી છે.
વેદાંતઃ મેટલ કંપનીએ બીજા ક્વાર્ટરમાં 5.84 લાખ ટનનું એલ્યુમિનિયમ ઉત્પાદન દર્શાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 5.7 લાખ ટનની સરખામણીમાં 2 ટકા વૃદ્ધિ સૂચવે છે.
Market Summary 4 October 2022
October 04, 2022
