Market Summary 5 April 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

નિફ્ટી તળિયાથી 180 પોઈન્ટ્સ સુધરી બંધ આવ્યો

ભારતીય બજારમાં શરૂઆતી દોરમાં જોવા મળેલો ઘટાડો પાછળથી દૂર થયો હતો અને બજાર સ્થિર ટ્રેડ દર્શાવતું જોવા મળ્યું હતું. નિફ્ટી તેના 14460ના તળિયાથી 180 પોઈન્ટ્સ સુધરી 14638ના સ્તરે બંધ આવ્યો હતો. આમ નીચા સ્તરે બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યો હતો. જે સૂચવે છે કે બજારમાં ફરી એકવાર એક દિવસ માટે ગભરાટ જોવાયો હતો. વૈશ્વિક બજારોમાં સ્થિરતાને જોતાં આગામી દિવસોમાં ક્યાંય કોઈ મોટા ઘટાડાના સંકેતો નથી. જોકે નિફ્ટી માટે 14350નો સપોર્ટ મહત્વનો છે. તેના સ્ટોપલોસે લોંગ જાળવી શકાય.

ઈન્ફોસિસે રૂ. 6 લાખ કરોડનું માર્કેટ-કેપ હાંસલ કર્યું

અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસ ટેક્નોલોજીએ લિસ્ટીંગ ઈતિહાસમાં પ્રથમવાર રૂ. 6 લાખ કરોડના માર્કેટ-કેપને હાંસલ કર્યું છે. કંપનીનો શેર સોમવારે 3 ટકાથી વધુ સુધરી રૂ. 1425ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયા બાદ રૂ. 1410ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે તેનું માર્કેટ-કેપ રૂ. 6 લાખ કરોડ ઉપર રહ્યું હતું. આ સીમાચિહ્ન હાંસલ કરનાર તે ભારતીય શેરબજારની ચોથી કંપની બની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ અને એચડીએફસી બેંક અગાઉથી રૂ. 6 લાખ કરોડથી વધુ માર્કેટ-કેપ ધરાવે છે. સોમવારે નરમ બજારમાં આઈટી શેર્સે સારો દેખાવ દર્શાવ્યો હતો અને નિફ્ટી આઈટી 2 ટકાના સુધારે બંધ જોવા મળ્યો હતો. અન્ય આઈટી કંપનીઓમાં ઈન્ફો એજ, એલએન્ડટી ઈન્ફોટેક, કોફોર્જ લિ. અને એચસીએલ ટેક્નોલોજીમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

નિફ્ટી મેટલ ઈન્ડેક્સ સર્વોચ્ચ સપાટીએ બંધ આવ્યો

છેલ્લા બે સપ્તાહ દરમિયાન નોંધપાત્ર સુધારો દર્શાવનાર નિફ્ટી મેટલ ઈન્ડેક્સ સોમવારે 0.9 ટકાના સુધારે 4226.40ના સર્વોચ્ચ સ્તરે બંધ આવ્યો હતો. દિવસ દરમિયાન તેણે ખૂલતામાં જ 421.85ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જોકે બજારમાં તીવ્ર વેચવાલી પાછળ તે ગગડીને 4101.15ના સ્તરે જોવા મળ્યો હતો. જ્યાંથી દિવસ દરમિયાન સુધરતો રહી ટોચ નજીક જ બંધ રહ્યો હતો. મેટલ ઈન્ડેક્સને સૌથી વધુ સપોર્ટ સ્ટીલ શેર્સ તરફથી સાંપડ્યો હતો. જેમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો શેર 7 ટકા ઉછળી રૂ. 89.65ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેની છેલ્લા ઘણા વર્ષોની ટોચ છે. કંપનીના ઉત્તમ દેખાવ તથા ઋણમાં જંગી ઘટાડાના અહેવાલે શેરમાં ખરીદી જોવા મળી હતી. જિંદાલ સ્ટીલ, એનએમડીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલમાં પણ સુધારો નોંધાયો હતો. જ્યારે હિંદુસ્તાન ઝીંક, હિંદુસ્તાન કોપરમાં પણ 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

સિમેન્ટ શેર્સમાં આગેકૂચ જારી

એકબાજુ બેન્ચમાર્ક્સ 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતાં હતાં ત્યારે સિમેન્ટ શેર્સે તેમની સર્વોચ્ચ સપાટી ભણી આગેકૂચ જાળવી રાખી હતી. જેમાં એસીસી, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ, બિરલા કોર્પોરેશન, ગ્રાસિમ જેવા અગ્રણી કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. આ તમામ કાઉન્ટર્સે સોમવારે તેમની ટોચ દર્શાવી હતી. જોકે બ્રોડ માર્કેટમાં ઘટાડાને કારણે તેઓ તેમની ટોચ જાળવી શકયાં નહોતા અને સાધારણ ઘટાડે બંધ રહ્યાં હતાં.

 

અદાણી જૂથ કંપનીઓની માર્કેટ-વેલ્થ 104 અબજ ડોલરને પાર કરી ગઈ

સોમવારે જૂથની  શેરબજાર પર લિસ્ટેડ છ કંપનીઓનું માર્કેટ-કેપ રૂ. 7.7 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું

પ્રમોટર અદાણી પરિવારની કુલ વેલ્થ 75 અબજ ડોલરને વટાવી ગઈ

અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન જેવી કંપનીઓના શેર્સ નવી ઊંચાઈએ ટ્રેડ થયાં

 

અમદાવાદ સ્થિત અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 7.7 લાખ કરોડ અથવા 104 અબજ ડોલરને પાર કરી ગયું છે. સોમવારે જ્યારે બ્રોડ માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારે જૂથ કંપનીઓની માર્કેટ વેલ્થમાં રૂ. 40 હજાર કરોડથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. જૂથની ત્રણ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેર્સે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. તેઓ અગાઉના બંધ સામે 10 ટકા સુધીનો ઉછાળો દર્શાવતાં હતાં.

જૂથ કંપનીઓમાં લગભગ 75 ટકા સુધીના બહુમતી હિસ્સાને કારણે પ્રમોટર તરીકે અદાણી પરિવારની માર્કેટ વેલ્થ રૂ. 5.45 લાખ કરોડની સપાટી વટાવી ગઈ હતી. એટલેકે તેઓ 75 અબજ ડોલરની જંગી માર્કેટ વેલ્થના માલિક બન્યાં હતાં. આમ ભારતીય શેરબજાર પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટર મુકેશ અંબાણી બાદ બીજા ક્રમની સંપત્તિના માલિક છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 50 ટકાથી વધુ હિસ્સો પ્રમોટર પરિવાર પાસે જોતાં સોમવારે કંપનીના 12.84 લાખ કરોડના માર્કેટને આધારે મુકેશ અંબાણી પરિવારની માર્કેટ-વેલ્થ 87.50 અબજ ડોલર થતી હતી. આમ માર્કેટ-વેલ્થની બાબતમાં ગૌતમ અદાણી પરિવાર તેમનાથી માત્ર 12 અબજ ડોલર છેટે જોવા મળે છે.

સોમવારે અદાણી ટોટલ ગેસનો શેર 10 ટકા ઉછળી રૂ. 1197ની નવી ટોચ પર ટ્રેડ થયા બાદ રૂ. 1164ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.28 લાખ કરોડ પર જોવા મળ્યું હતું અને તે માર્કેટ-કેપની રીતે જૂથની ત્રીજી મોટી કંપની બની હતી. તેણે અદાણી એન્ટરપ્રાઈઝને સોમવારે પાછળ રાખી દીધી હતી. આ જ રીતે અદાણી ટ્રાન્સમિશનનો શેર પણ રૂ. 1099ની ટોચ બનાવી 10 ટકા સુધારા સાથે રૂ. 1095ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.20 લાખ કરોડને પાર કરી ગયું હતું. નોંધપાત્ર બાબત એ  છે કે અદાણી જૂથની છમાંથી પાંચ કંપનીઓ રૂ. એક લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવે છે. એકમાત્ર અદાણી પાવરનો શેર રૂ. 36 હજાર કરોડનું નીચું માર્કેટ-કેપ ધરાવે છે. તાજેતરમાં એક તબક્કે શેર તેજી પાછળ રૂ. 50 હજાર એમ-કેપની સપાટી પાર કરી ગયો હતો. જોકે પાછળથી તે ઊંધા માથે પટકાયો હતો અને સેલર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યો હતો. અદાણી પરિવારની માર્કેટ વેલ્થમાં વૃદ્ધિ પાછળ છેલ્લા છ મહિનામાં જૂથે હાથ ધરેલા અસંખ્ય ડિલ છે. અદાણી એન્ટરપ્રાઈઝે એરપોર્ટ મેનેજમેન્ટમાં મોટાપાયે પ્રવેશ મેળવ્યો છે તો અન્ય જૂથ કંપનીઓએ તેમના સંબંધિત બિઝનેસિસમાં કંપનીઓ હસ્તગત કરી છે. સાથે તેમણે વિદેશી રોકાણકારો મેળવ્યાં છે. પ્રમોટર્સે પ્લેજ્ડ શેર્સમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાવ્યો છે. તાજેતરમાં અદાણી જૂથે કોપર અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે બે નવી કંપનીઓની રચના કરી છે. આમ અદાણી જૂથ બિઝનેસ વૃદ્ધિ માટે સતત નવી તકો શોધતું જોવા મળી રહ્યું છે.

 

અદાણી જૂથ કંપનીઓનું માર્કેટ-કેપ

કંપની                 માર્કેટ-કેપ        પ્રમોટર હોલ્ડિંગ

અદાણી એન્ટરપ્રાઈઝ     1.25   74.92%

અદાણી પાવર          0.36   74.97%

અદાણી પોર્ટ              1.51    63.74%

અદાણી ટોટલ ગેસ         1.28    74.80%

અદાણી ટ્રાન્સમિશન     1.20    74.92%

અદાણી ગ્રીન એનર્જિ   1.85     74.92%

7.7     5.45(હિસ્સા મુજબ માર્કેટ-કેપ)

(માર્કેટ-કેપ રૂ. લાખ કરોડમાં)

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage