Market Summary 5 April 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પાછળ તેજીમાં વિરામ
નિફ્ટી 18 હજારની નીચે ઉતર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.2 ટકા વધી 18.48ના સ્તરે
બેંકિંગ, એનબીએફસી કંપનીઓમાં ઊંચા સ્તરે વેચવાલી
ઓટો, એફએમસીજી અને જાહેર સાહસોમાં મજબૂતી
વૈશ્વિક બજારોમાં પણ સુસ્તી વચ્ચે મિશ્ર માહોલ

છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં નોંધપાત્ર સુધારા બાદ માર્કેટમાં તેજીએ વિરામ લીધો હતો. બેન્ચમાર્ક્સ બે બાજુની વધ-ધટ દર્શાવ્યાં બાદ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જોકે વેચવાલીનું મોટું દબાણ નહોતું જ જોવા મળ્યું. નિફ્ટી 96 પોઈન્ટ્સ ગગડી 17957.40ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ બેન્ચમાર્ક ફરી 18 હજાર નીચે ઉતરી ગયો હતો. સેન્સેક્સ 435.24 પોઈન્ટ્સના ઘટાડે 60176.50ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 3.2 ટકા સુધરી 18.48ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 28 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 22માં નરમાઈ જોવા મળી હતી.
મંગળવારે માર્કેટની શરૂઆત પોઝીટીવ રહી હતી. જોકે માર્કેટ તરત રેડ ઝોનમાં ફસકી પડ્યું હતું. બપોર બાદ ફરી લેવાલીને કારણે નિફ્ટીએ 18095ની ટોચ દર્શાવી હતી. જોકે તે સોમવારની ટોચ દર્શાવી શક્યો નહોતો. આમ બજારને 18000-18100ની રેંજમાં એક અવરોધ નડી રહ્યો છે. એનાલિસ્ટ્સના મતે એકવાર બેન્ચમાર્ક 18100નું સ્તર પાર કરશે તો 18500 સુધીનો સુધારો દર્શાવી શકે છે. લાર્જ-કેપ્સમાં મોમેન્ટમ તેજીનું છે. આમ માર્કેટ ઝડપથી નીચે ગગડવાની શક્યતાં ઓછી છે. ઓટો, પીએસઈ અને એફએમસીજી તરફથી બજારને મજબૂત સપોર્ટ સાંપડી રહ્યો છે. આઈટીસી તેની રેંજ બહાર આવ્યો છે અને વર્ષની નવી સપાટી દર્શાવવા તૈયાર છે. આ જ રીતે જાહેર સાહસો બે મહિનાના કોન્સોલિડેશન બાદ તેજી તરફી બન્યાં છે. મંગળવારે એચડીએફસી બેંકમાં નરમાઈ પાછળ બેંક નિફ્ટી 1.5 ટકા ઘટાડો દર્શાવી રહ્યો હતો. જોકે બીજી બાજુ ઓટો, એફએમસીજી અને પીએસઈ સૂચકાંકોએ એક ટકાથી વધુ સુધારો દર્શાવ્યો હતો. મેટલ ઈન્ડેક્સ પણ અડધો ટકા સુધર્યો હતો. જ્યારે આઈટી અને ફાર્મામાં સ્થિરતા જોવા મળી હતી.
રિટેલ ઈન્વેસ્ટર્સ માટે મહત્વની વાત એ હતી કે સોમવાર બાદ મંગળવારે પણ બ્રોડ માર્કેટમાં મજબૂતી જળવાય રહી હતી. બીએસઈ ખાતે 3507 કાઉન્ટર્સની સરખામણીમાં 2347 કાઉન્ટર્સ સુધારો સૂચવી રહ્યાં હતાં. જ્યારે 1054 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 173 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. આમ મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં સારી લેવાલી જોવા મળી હતી. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં જોવા મળતાં હતાં. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 1.4 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.85 ટકા મજબૂતી દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટાટા પાવર 9 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે મેટ્રોપોલીસ 8 ટકા, પોલિકેબ 7.5 ટકા, હેવેલ્સ 6.7 ટકા, જેકે સિમેન્ટ 6 ટકા અને એસ્કોર્ટ્સ 6 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ એસબીઆઈ કાર્ડ્સ 4 ટકા, ફેડરલ બેંક 4 ટકા અને ડેલ્ટા કોર્પ 3 ટકાનો ઘટાડો નોંધાવી રહ્યાં હતાં. વૈશ્વિક બજારોમાં એશિયન બજારોમાં અડધા બજારોમાં રજા હતી. જ્યારે કોરિયા જેવા બજારો ફ્લેટ ટ્રેડ સૂચવતાં હતાં. યુરોપ બજારોમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી હતી

અદાણી જૂથ કંપનીઓનું M-CAP 14 લાખ કરોડને વટાવી ગયું
પ્રમોટર્સ અદાણી પરિવારની માર્કેટ-વેલ્થ 10 લાખ કરોડ પાર
અમદાવાદ સ્થિત અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપ મંગળવારે રૂ. 14.59 લાખના વિક્રમી સ્તરે જોવા મળ્યું હતું. જૂથની મોટાભાગની કંપનીઓએ તેમની વિક્રમી સપાટી દર્શાવી હતી. જેની પાછળ જૂથનું કુલ માર્કેટ-કેપ બીજા ક્રમે આવતાં ટીસીએસને પાર કરી ગયું હતું. જોકે હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સરખામણીમાં તે રૂ. 3 લાખ કરોડથી વધુ છેટે જોવા મળતું હતું.
મંગળવારે જૂથની સાત લિસ્ટેડ કંપનીઓમાંથી પાંચ કંપનીઓના શેર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે બે કંપનીઓના શેર્સ બાયર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જેમાં અદાણી પાવરનો શેર 10 ટકા અપર સર્કિટ સાથે રૂ. 233.10ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. બીજી બાજુ દોઢ મહિના અગાઉ લિસ્ટ થયેલો અદાણી વિલ્મેરનો શેર પણ 5 ટકાની અપર સર્કિટમાં રૂ. 579.95ની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત અદાણી ટોટલ ગેસ 4.15 ટકા સુધારા સાથે રૂ. 2468.15ની સપાટીએ, અદાણી ગ્રીન એનર્જી 3.76 ટકા સુધરી રૂ. 2189.80ના સ્તરે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ 3.58 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2139.85ના સ્તરે બંધ જોવા મળ્યાં હતાં. અદાણી પોર્ટ્સનો શેર 3.6 ટકા ઉછળી રૂ. 848.05 પર બંધ રહ્યો હતો. એકમાત્ર અદાણી ટ્રાન્સપોર્ટેશનનો શેર 0.4 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં ભારે ઉછાળાને કારણે પ્રમોટર અદાણી પરિવારની માર્કેટ-વેલ્થ રૂ. 10.38 લાખ કરોડ પર પહોંચી હતી. જે ભારતીય કોર્પોરેટ જગતમાં સૌથી ઊંચી પ્રમોટર વેલ્થ સૂચવે છે. ડોલર સંદર્ભમાં તે 138 અબજ ડોલર હતી. જે અદાણીને એશિયાના સૌથી સંપત્તિવાન બનાવે છે.
અદાણી જૂથની એક કંપની રૂ. 3 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવે છે. જ્યારે ત્રણ કંપનીઓ રૂ. 2 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ ધરાવી રહી છે. જ્યારે પાંચ કંપનીઓ રૂ. એક લાખ કરોડથી વધુ માર્કેટ-કેપ સૂચવે છે. બે કંપનીઓ અદાણી પાવર અને અદાણી વિલ્મેર રૂ. એક લાખ કરોડથી નીચેનું માર્કેટ-કેપ ધરાવે છે. જોકે અદાણી પાવરના શેર્સમાં છેલ્લાં કેટલાંક સત્રોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે અને મંગળવારે શેર રૂ. 90 હજાર માર્કેટ-કેપ સાથે પ્રાઈવેટ પાવર કંપનીઓમાં સૌથી ઊંચું માર્કેટ-કેપ દર્શાવી રહ્યો હતો. એકમાત્ર એનટીપીસી તેના કરતાં ઊંચું એમ-કેપ ધરાવે છે. અદાણી ગ્રીન એનર્જી રૂ. 3.41 લાખ કરોડ સાથે જૂથની સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી કંપની છે. જેમાં પ્રમોટર અદાણીના હિસ્સાનું મૂલ્ય રૂ. 2.09 લાખ કરોડ થવા જાય છે. આ ઉપરાંત અદાણી ટોટલ અને અદાણી ટ્રાન્સમિશનમાં પણ પ્રમોટર અદાણી પરિવારના હિસ્સાનું મૂલ્ય અનુક્રમે રૂ. 2.04 લાખ કરોડ અને રૂ. 2 લાખ કરોડ જેટલું જોવા મળે છે.

અદાણી જૂથ કંપનીઓનું માર્કેટ-કેપ

સ્ક્રિપ્સ બજારભાવ(રૂ.) M-CAP(રૂ. કરોડમાં) પ્રમોટર હોલ્ડિંગ પ્રમોટર M-CAP(રૂ. કરોડમાં)
અદાણી એન્ટર. 2129.7 234227 74.92% 175483
અદાણી પાવર 232.9 89828 74.97% 67344
અદાણી પોર્ટ 845 178496 65.04% 116094
ATGL 2480 272753 74.80% 204019
અદાણી ટ્રાન્સ. 2428 267000 74.92% 200036
અદાણી ગ્રીન 2184 341581 61.27% 209287
અદાણી વિલ્મેર 580.2 75407 87.94% 66313
1459292 1038576


ભારતમાંથી ચાલુ વર્ષે 85 લાખ ટન સુગર નિકાસની અપેક્ષા
આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ હાઉસિસની અપેક્ષા મુજબ ભારતમાંથી ચાલુ સિઝનમાં 85 લાખ ટન સુગર નિકાસ જોવા મળશે. વેપાર વર્તુળોના મતે અત્યાર સુધીમાં દેશમાંથી 72 લાખ ટન સુગર નિકાસના કોન્ટ્રેક્ટ થઈ ચૂક્યાં છે. જેમાંથી માર્ચ 2022 સુધીમાં 56-57 લાખ ટન ખાંડની રવાનગી પણ થઈ ચૂકી હોવાની શક્યતાં છે. સપ્ટેમ્બર સુધીના બાકીના સમયગાળામાં હજુ 13 લાખ ટન સુગર નિકાસના કોન્ટ્રેક્ટ્સની શક્યતાં છે. સુગર વર્ષ ઓક્ટોબર-સપ્ટેમ્બર ગણવામાં આવે છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ચાલુ સિઝનમાં 518 મિલ્સે કામગીરી દર્શાવી હતી. જે અગાઉના વર્ષે 505 મિલ્સની સરખામણીમાં 13 મિલ્સનો ઉમેરો સૂચવે છે. 31 માર્ચ સુધીમાં તેમણે 309.87 લાખ ટન સુગરનું ઉત્પાદન કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 278.71 લાખ ટન પર હતું. આમ 31.16 લાખ ટનની ઉત્પાદન વૃદ્ધિ જોવા મળી હતી.
સેબીએ શેર પ્લેજિંગ માટે ઈન્સ્ટ્રક્શન સ્લિપ્સની રજૂઆત કરી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ માર્જિન હેતુસર શેર્સના પ્લેજિંગ અને રિપ્લેજિંગ માટે અત્યાર સુધી અસ્તિત્વમાં એવા પાવર ઓફ એટર્નીને સ્થાને નવા ડોક્યૂમેન્ટની રજૂઆત કરી છે. જેને ડિમેટ ડેબિટ અને પ્લેજ ઈન્સ્ટ્રક્શન(ડીડીપીઆઈ) તરીકે ઓળખવામાં આવે છે. ડીડીપીઆઈ 1 જુલાઈથી અમલી બનશે. ક્લાયન્ટ્સ તેમના ટ્રેડ્સના સેટલમેન્ટ પેટે પે-ઈન ઓબ્લિગેશન્સને પૂરા કરવા માટે સ્ટોક બ્રોકર અને ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સને ડીડીપાઆઈનો ઉપયોગ કરવા માટે ઓથોરિટી આપી શકશે. ડીડીપીઆઈનો ઉપયોગ માત્ર બે હેતુઓ પૂરતો જ મર્યાદિત રહેશે. એક તો ક્લાયન્ટ્સના બેનિફિશ્યરિ એકાઉન્ટમાં રહેલા શેર્સને ડિલીવરી હેતુસર સ્ટોક એક્સચેન્જિસને ટ્રાન્સફર કરવા અથવા ટ્રેડ પેટે સેટલમેન્ટ ઓબ્લિગેશન્સને પૂરું કરવા માટે થશે. જ્યારે બીજો ઉપયોગ માર્જિન કોલ્સને પૂરો કરવા માટે બ્રોકરની તરફેણમાં પ્લેજિંગ અને રિ-પ્લેજિંગ માટે થશે.
માર્ચ 2023 સુધીમાં બેડ લોન્સનું પ્રમાણ ઘટી 5.7 ટકા રહેશે
ભારતીય બેંકિંગ સિસ્ટમની એસેટ ક્વોલિટીમાં નવા નાણાકિય વર્ષ દરમિયાન વધુ સુધારાની શક્યતાં જોવાઈ રહી છે. ઈકરાના જણાવ્યા મુજબ માર્ચ 2023 સુધીમાં બેંક્સની બેડ લોન્સ અથવા તો ગ્રોસ નોન-પર્ફોર્મિંહ એસેટ્સનું પ્રમાણ ઘટી 5.6-5.7 ટકા રહેવાનો અંદાજ છે. માર્ચ 2022 સુધીમાં 2 ટકા ઘટાડા અંદાજ સામે ચાલુ નાણાકીય વર્ષની આખર સુધીમાં એનપીએ લેવલ ઘટીને 1.7-1.8 ટકા પર જોવા મળે તેવી શક્યતાં છે. જોકે રેટિંગ એજન્સીએ એમ પણ જણાવ્યું છે કે રિસ્ટ્રક્ચર્ડ લોન બુક એસેટ ક્વોલિટી સામે અનિશ્ચિતતા ઊભી કરે છે. રશિયા-યૂક્રેન સંઘર્ષે પણ ફુગાવા, ઊંચા વ્યાજ દરો અને એક્સચેન્જ રેટમાં વોલેટિલિટી જેવા મેક્રો-ઈકોનોમિક પડકારો ઊભા કર્યાં છે.

સરકાર મે મહિનામાં LIC IPO લોંચ કરવા તૈયાર
સેબીની મંજૂરી મુજબ સરકાર પાસે 12 મે સુધી આઈપીઓ માટેની વિન્ડો ઓપન છે
કેન્દ્ર સરકાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આઈપીઓને મે મહિનાની શરૂઆતમાં લોંચ કરે તેવી શક્યતા હોવાનું વર્તુળો જણાવે છે. આ માટે સરકાર બેંકર્સ અને ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ અને બેંકર્સ સાથે સંપર્કમાં હોવાનું પણ તેઓ ઉમેરે છે. શેરબજારની સ્થિતિ ફરી સારી બની હોવાના કારણે સરકાર આઈપીઓ માટે આતુર છે.
વર્તુળોના મતે સરકાર પાસે સેબીની મંજૂરી મુજબ 12 મે સુધીની વિન્ડો ઓપન છે. કંપની ત્યાં સુધીમાં આઈપીઓ સાથે બજારમાં પ્રવેશી શકી છે. વર્તુળોના મતે સેબીએ સુધારેલા ડીઆરએચપીને પણ માન્યતા આપી દીધી છે. સરકાર હવે સેબીની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને 5 ટકા કરતાં વધુ હિસ્સાનું વેચાણ કરે તેવી શક્યતાં છે. અગાઉ માર્કેટ રેગ્યુલેટર સેબીએ 8 માર્ચે એલઆઈસીને આઈપીઓ માટે લીલી ઝંડી આપી હતી. જોકે તે વખતે રશિયા-યૂક્રેન તણાવને કારણે માર્કેટની સ્થિતિ સારી નહોતી અને નાણાકિય વર્ષ પૂરું થવામાં હોવાથી સરકારે આઈપીઓ મોકૂફ રાખ્યો હતો જોકે છેલ્લાં પખવાડિયામાં શેરબજારમાં નોંધપાત્ર બાઈંગ જોવા મળ્યું છે અને સેન્ટીમેન્ટમાં સુધારો નોંધાયો છે. જેને જોતાં સરકાર આઈપીઓ લાવવા વિચારી રહી છે. એલઆઈસીના આઈપીઓમાંથી સરકાર રૂ. 63 હજાર કરોડ મેળવવા ધારે છે. કંપની આઈપીઓમાંથી 10 ટકા હિસ્સો પોલિસીધારકો માટે રિઝર્વ્ડ રાખશે. સરકાર હાલમાં એલઆઈસીમાં 100 ટકા હિસ્સો ધરાવે છે અને તેથી આઈપીઓ સરકાર તરફથી સંપૂર્ણપણે ઓફર ફોર સેલ બની રહેશે. એલઆઈસી દેશનો સૌથી મોટો આઈપીઓ બની રહેશે અને લિસ્ટીંગ બાદ તે માર્કેટ-કેપિટલાઈઝેશનની બાબતમાં આરઆઈએલ અને ટીસીએસ સાથે સરખામણી કરતો હશે.

કેલેન્ડર 2022ના પ્રથમ ક્વાર્ટરમાં M&A કામગીરી ચાર વર્ષની ટોચે
જાન્યુઆરી-માર્ચ મહિના દરમિયાન કુલ 30.3 અબજ ડોલરના મર્જર અને એક્વિઝિશન્સ થયાં

દેશમાં મર્જર એન્ડ એક્વિઝિશન્સ(એમએન્ડએ)ની કામગીરીમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. કેલેન્ડર 2022ની શરૂઆતથી 31 માર્ચ સુધીમાં કુલ 30.3 અબજ ડોલરની એમએન્ડએ એક્વિવિટી નોંધાઈ છે. જે ચાર વર્ષની ટોચ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં 28.7 અબજ ડોલરની એમએન્ડએ કામગીરી સરખામણીમાં ચાલુ વર્ષે 5.6 ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું એક રિપોર્ટ સૂચવે છે.
અગાઉ 2018માં પ્રથમ ક્વાર્ટરમાં 31.1 અબજ ડોલરની એમએન્ડએ કામગીરી નોંધાઈ હતી. આમ ચાલુ વર્ષે હજુ પણ તેની સરખામણીમાં 0.8 અબજ ડોલરની નીચી કામગીરી જોવા મળી છે. ચાલુ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં જાહેર થયેલા કુલ એમએન્ડએ ડીલ્સની સંખ્યામાં 29.6 ટકા વૃદ્ધિ નોઁધાઈ છે. ભારતમાં ઈનબાઉન્ડ એમએન્ડએ કામગીરી 17.9 ટકા ઉછી 11.6 અબજ ડોલર જોવા મળી હતી. જે કેલેન્ડર 2017ના પ્રથમ ક્વાર્ટર બાદ સૌથી ઊંચા ક્રમે નોંધાઈ છે. જોકે સૌથી ઊંચી વૃદ્ધિ આઉટબાઉન્ડ એમએન્ડએ ડીલ્સમાં જોવા મળી છે. તેણે વાર્ષિક ધોરણે 152.5 ટકાની તીવ્ર વૃદ્ધિ દર્શાવી છે અને 5 અબજ ડોલર પર રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.98 અબજ ડોલર પર હતી. કેલેન્ડર 2010 બાદ પ્રથમ ક્વાર્ટરમાં તે સૌથી ઊંચી કામગીરી સૂચવે છે. સ્થાનિક બજારમાં એમએન્ડએ કામગીરી જોકે 24.5 ટકા ઘટાડા સાથે 12.1 અબજ ડોલર પર રહી છે. ભારતમાં યુએસ સૌથી મોટો ખરીદાર દેશ હતો. તેણે કુ 8.2 અબજ ડોલરના ડીલ્સ હાથ ધર્યાં હતાં. જે વાર્ષિક ધોરણે 39 ટકા વૃદ્ધિ સાથે ઈન્ડિયાના ઈનબાઉન્ડ એમએન્ડએ ડીલ્સમાં 70.1 ટકા હિસ્સો ધરાવતાં હતાં. મોટાભાગના ડીલ્સ હાઈ ટેક્નોલોજી સેક્ટરને ટાર્ગેટ કરતાં જોવા મળ્યાં હતાં. તેમનું કુલ મૂલ્ય 6.6 અબજ ડોલર પર હતું. જે ગયા વર્ષની સરખામણીમાં બમણી રકમ સૂચવે છે. તેણે 21.8 ટકા માર્કેટ હિસ્સો મેળવ્યો હતો. જ્યારે હેલ્થકેર ક્ષેત્રે 15.5 ટકા માર્કેટ હિસ્સો મેળવ્યો હતો અને ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં ચાર ગણી મૂલ્ય વૃદ્ધિ સાથે 4.7 અબજ ડોલરનું મૂલ્ય દર્શાવ્યું હતું.
કોર્પોરેટ ન્યૂઝ

ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ બેંકે માર્ચ 2022ના રોજ પૂરા થતાં નાણાકિય વર્ષ દરમિયાન એડવાન્સિસમાં વાર્ષિક 13 ટકા વૃદ્ધિ દર્શાવી છે. બેંકે કુલ રૂ. 2.39 કરોડ ડોલરનું વિતરણ કર્યું છે.
ફેડરલ બેંકઃ પ્રાઈવેટ બેંકે માર્ચ 2022ની આખરમાં ડિપોઝિટ્સમાં 5.3 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે તેના ગ્રોસ એડવાન્સિસમાં વાર્ષિક 9.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. બેંકનો કાસા રેશ્યો 36.94 ટકા પર જોવા મળ્યો હતો.
એસબીઆઈ કાર્ડઃ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ કાર્લાઈલ ગ્રૂપ એસબીઆઈ જૂથ કંપનીમાંના તેના સમગ્ર હિસ્સાનું વધુમાં વધુ રૂ. 2558 કરોડના મૂલ્યમાં વેચાણ કરશે.
બજાજ ફાઈનાન્સઃ દેશમાં સૌથી મોટી એનબીએફસીનો ગ્રાહક વર્ગ 5.76 કરોડ પર પહોંચ્યો છે. જે ગયા વર્ષાંતે 4.86 કરોડ પર હતો. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 63 લાખ નવી લોન્સ આપી હતી.
આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ કંપનીએ ગુજરાતમાં વડોદરા-કીમ આંઠ લાઈનના એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે પ્રોવિઝ્નલ સર્ટિફિકેટ મેળવ્યું છે.
મેક્સ હેલ્થકેરઃ એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટે કંપનીમાં એક કરોડથી વધુ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
ટીસીએસઃ તાતા જૂથની અગ્રણી આઈટી કંપનીએ પેમેન્ટ્સ કેનેડા સાથે તેના પેમેન્ટ સિસ્ટમ ઓપરેશન્સને ટ્રાન્સફોર્મ કરવા માટે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપમાં પ્રવેશ કર્યો છે.
3i ઈન્ફોટેકઃ આઈટી કંપનીએ તેના ન્યૂરે પ્લેટફોર્મ માટે ક્લાઉડ ટ્રાન્સફોર્મેશન ડીલને સિક્યોર કર્યું છે.
બીઈએમએલઃ જાહેર ક્ષેત્રની કંપની ભારત અર્થ મૂવર્સે નાણાકિય વર્ષ 2021-22માં તેની કામગીરીમાંથી રૂ. 4000 કરોડની વિક્રમી આવક હાંસલ કરી છે.
સ્પિકઃ કેમિકલ કંપનીએ જણાવ્યું છે કે તમિલનાડુમાં તુતિકોરીન સ્થિત યુરિયા પ્લાન્ટે ફરીથી કામગીરી શરૂ કરી દીધી છે.
એમએન્ડએમઃ યુટિલિટી વેહીકલ ઉત્પાદકે આલ્ફા સીએનજી પેસેન્જર કાર્ગો વેરિઅન્ટ્સની રજૂઆત કરી છે.
ઝોમેટોઃ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ ઝોમેટો અને સ્વિગી સામે ઈન્વેસ્ટીગેશનના આદેશ આપ્યાં છે. આ તપાસ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કરેલી ફરિયાદને આધારે હાથ ધરવામાં આવી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage