માર્કેટ સમરી
નિફ્ટીમાં શ્રેષ્ઠ સપ્તાહનો અંત
નિફ્ટીએ શુક્રવારે 15014ની સર્વોચ્ચ ટોચ દર્શાવ્યાં સાથે જ શેરબજારનો શ્રેષ્ઠ સપ્તાહનો અંત આવ્યો હતો. બેન્ચમાર્ક 29 પોઈન્ટ્સ ઉછળી 14924ના સ્તરે પોઝીટીવ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ સતત ત્રીજા દિવસે 50 હજાર પર બંધ રહ્યો હતો
અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર નવી ટોચ પર
દેશમાં અગ્રણી સિમેન્ટ ઉત્પાદક અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર શુક્રવારે વધુ 4 ટકા જેટલો ઉછળ્યો હતો. ઈન્ટ્રા-ડે તેણે રૂ. 6400ની ટોચ દર્શાવી હતી. તે અગાઉના રૂ. 6183ના બંધ ભાવ સામે રૂ. 217ની વૃદ્ધિ દર્શાવી રહ્યો હતો. કામકાજના અંતે 2.75 ટકા અથવા રૂ. 170ના ઉછાળે રૂ. 6352ના સ્તરે બંધ આવ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.83 લાખ કરોડને પાર કરી ગયું હતું.
હીરોમોટોકોર્પ નવી ટોચ બનાવી પાછો પડ્યો
વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હીરોમોટોકોર્પનો શેર ડિસેમ્બર ક્વાર્ટરમાં સારા પરિણામો પાછળ નવી ટોચ દર્શાવી કરેક્ટ થયો હતો. કંપનીનો શેર ગેપ-અપ ઓપનીંગ સાથે રૂ. 3575ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે બજારમાં રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે તે ટોચ પરથી રૂ. 3365 જેટલો ગગડ્યો હતો. જ્યારબાદ તે વધઘટ વચ્ચે 0.38 ટકાના સાધારણ ઘટાડે રૂ. 3428 પર બંધ રહ્યો હતો.
ઈન્ડિયામાર્ટના શેરમાં ઉકળતો ચરુ
ઈન્ડિયામાર્ટના શેરમાં છેલ્લા કેટલાક સત્રોથી ઝડપી તેજી જોવા મળી રહી છે. શુક્રવારે કંપનીનો શેર વધુ 6 ટકા ઉછળ્યો હતો. કંપનીના શેરે રૂ. 9218ના અગાઉના બંધ ભાવ સામે રૂ. 723ના ઉછાળે રૂ. 9952નું સર્વોચ્ચ સ્તર દર્શાવ્યું હતું. કામકાજના અંતે તે 6.17 ટકા અથવા રૂ. 568ના ઉછાળે રૂ. 9786 પર બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 28000 કરોડને પાર કરી ગયું હતું. માર્ચ મહિનામાં રૂ. 1641ના સ્તરેથી કંપનીનો શેર 5 ગણાથી વધુ ઉછળી ચૂક્યો છે.
નિફ્ટીની 218 સત્રોમાં 7503 પોઈન્ટસ ઉછાળા સાથે ઐતિહાસિક તેજી
નિફ્ટીએ પ્રતિ ટ્રેડિંગ દિવસ 34.40 પોઈન્ટ્સનો સુધારો દર્શાવ્યો
અગાઉ નિફ્ટી 2008-2009માં 2252ના સ્તરેથી 130 ટ્રેડિંગ સત્રોમાં 4509 પર પહોંય્યો હતો, જે વખતે સરેરાશ 17 પોઈન્ટ્સનો સુધારો નોંધાવ્યો હતો
ચાલુ સપ્તાહે બેન્ચમાર્ક 1289 પોઈન્ટ્સ ઉછળ્યો
શુક્રવારે નિફ્ટીએ 15014ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી ત્યારે માર્ચ 2020માં તેણે દર્શાવેલા 7510ના તળિયાથી 100 ટકાનું વળતર નોંધાવ્યું હતું. વિશ્વમાં સૌથી વધુ ટ્રેડેડ બેન્ચમાર્કે માત્ર 218 ટ્રેડિંગ સત્રોમાં પાંચ વર્ષના તળિયા પરથી નવી ટોચ સુધીની સફર દર્શાવી હતી. જે ભારતીય બજારના ઈતિહાસમાં અસાધારણ તેજીઓમાંની એક છે. અગાઉ બેન્ચમાર્ક ઓછા સમયમાં બમણો બન્યો છે. જોકે તેણે આટલી મોટી તેજી ક્યારેય નથી દર્શાવી.
ફેબ્રુઆરી-માર્ચ 2020માં કોવિડ મહામારી પાછળ વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલા તીવ્ર ઘટાડા દરમિયાન ભારતીય બજાર 38 ટકા જેટલું ઘસાયું હતું. અગાઉ કેલેન્ડર 2008માં સબપ્રાઈમ કટોકટી વખતે ભારતીય બજાર તેની તે વખતની ટોચના સ્તરેથી 60 ટકા કરતાં વધુ ગગડ્યું હતું. બજારે આ ઘટાડા દર્શાવવા માટે નવ મહિનાનો સમય લીધો હતો. જ્યારે કોવિડ બાદ માત્ર દોઢ મહિનામાં બજાર ટોચથી 38 ટકા જેટલું તૂટ્યું હતું અને સાડા ચાર વર્ષના તળિયા પર પટકાયું હતું. જોકે એપ્રિલ મહિનાથી બજારમાં ધીમો સુધારો શરૂ થયો હતો. જેણે ઓગસ્ટ બાદ વેગ પકડ્યો હતો અને ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન તે સતત સુધરતો રહ્યો હતો. આમ 24 માર્ચ(2020)થી 5 ફેબ્રુઆરી(2021) સુધીના કુલ 218 ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટી 7503 પોઈન્ટ્સ ઉછળી ડબલ થયો હતો. તેણે દૈનિક ધોરણે સરેરાશ 34.40 પોઈન્ટ્સનો ઉછાળો દર્શાવ્યો હતો. જે અગાઉ આ પ્રકારે જ તેણે દર્શાવેલી ઝડપી તેજી કરતાં બમણી ઝડપ હતી. અગાઉ જાન્યુઆરી 2008માં 6300ની ટોચ બનાવીને નિફ્ટી ઓક્ટોબર 2008 સુધીમાં 60 ટકા જેટલો તૂટી 2252ના તળિયા પર ટ્રેડ થયો હતો. જ્યાંથી તેણે 4509 સુધીની તેજી 130 ટ્રેડિંગ સત્રોમાં નોંધાવી હતી. મજાની વાત એ છે કે 19 મે 2009ના રોજ નિફ્ટીએ 4509નું સ્તર દર્શાવ્યું હતું. જેમાં અંતિમ 23 ટકાનો સુધારો બેન્ચમાર્કે માત્ર બે સત્રોમાં નોંધાવ્યો હતો. 18 મે 2009ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોમાં યૂપીએ-2ને સ્પષ્ટ બહુમતી બાદ નિફ્ટી 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ રહ્યો હતો. બીજા દિવસે પણ તે વધુ 3 ટકા સુધર્યો હતો. જેને કારણે ઓક્ટોબર 2008થી મે 2009 સુધીમાં 130 ટ્રેડિંગ સત્રોમાં તે બમણો બની શક્યો હતો. જે દરમિયાન તેણે પ્રતિ ટ્રેડિંગ સત્ર 17 પોઈન્ટ્સનો સુધારો નોંધાવ્યો હતો. આમ વર્તમાન તેજી કરતાં તેનું સુધારાનું કદ અડધું હતું.
એનાલિસ્ટ્સ જણાવે છે કે શેરબજારના ઈતિહાસમાં સેક્યુલર બુલ રન વખતે પણ બજારે આટલી તીવ્ર તેજી નથી દર્શાવી. જેમાં 2003થી 2008 અને 1996-199ના બે પિરિયડ્સનો સમાવેશ થાય છે. તે વખતે પણ તેજીના દરેક તબક્કા બાદ બજાર 15-20 ટકા સુધીનું કરેક્શન દર્શાવતું હતું. જ્યારે અંતિમ 11 મહિના દરમિયાન બજારે એક વખત પણ 10 ટકાનો ઘટાડો નથી દર્શાવ્યો. નવેમ્બરમાં જ્યારે નિફ્ટીએ જાન્યુઆરી 2020ના 12400માં દર્શાવેલી ટોચને પાર કરી ત્યારબાદનો 2800 પોઈન્ટ્સનો સુધારો માત્ર 48 ટ્રેડિંગ સત્રોમાં જોવા મળ્યો છે. એટલેકે ઊંચા બેઝ પર બેન્ચમાર્ક 58 પોઈન્ટ્સ પ્રતિ દિવસની ઝડપે આગળ વધતો રહ્યો હતો. ચાલુ સપ્તાહની વાત કરીએ તો નિફ્ટીએ 1289 પોઈન્ટ્સનો ઉછાળો દર્શાવ્યો છે. જે અંતિમ 11 મહિનાઓમાં સાપ્તાહિક ધોરણે 9.5 ટકાના ઉછાળા સાથે સૌથી ઊંચો છે. માત્ર પાંચ જ વસમાં 1289 પોઈન્ટ્સ એટલે પ્રતિ દિવસ તેણે 258 પોઈન્ટ્સની તેજી દર્શાવી છે.