Market Summary 5 July 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

સપ્તાહની સારી શરૂઆત, વૈશ્વિક બજારો સામે આઉટપર્ફોર્મન્સ
ભારતીય બજાર માટે સપ્તાહની શરૂઆત સારી રહી હતી. નિફ્ટી 0.71 ટકા સુધારા સાથે 15834ના સ્તરે બંધ રહ્યો હતો. બજારને બેંક સહિત લગભગ તમામ સેક્ટર્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી બેંક 1.16 ટકા સાથે 35212ના સ્તરે બંધ રહેવામાં સફળ રહ્યો હતો. ડિફેન્સિવ સેક્ટર્સ જેવાકે આઈટી અને ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી.
ઈન્ડિયા વિક્સમાં વધુ ઘટાડો
વોલેટિલિટીના માપદંડ એવા ઈન્ડિયા વીક્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો અને તે 12.06ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે 11.98નું છેલ્લા ત્રણ વર્ષનું તળિયું દર્શાવ્યું હતું.

નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સે પ્રથમવાર 10000ની સપાટી દર્શાવી
નિફ્ટીમાં 13 ટકા સામે કેલેન્ડર 2021માં ઈન્ડેક્સનું 41 ટકા રિટર્ન
માર્ચ 2020માં 3200ના તળિયાના સ્તરેથી 212 ટકાનો જંગી સુધારો નોંધાવ્યો
એનાલિસ્ટ્સના મતે આગામી નવ મહિના સુધીમાં વધુ 20-22 ટકા રિટર્ન સાથે 12300નું સ્તર દર્શાવી શકે
નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સનું માર્કેટ-કેપ રૂ. 3.74 લાખ કરોડ પર પહોંચ્યું


બેન્ચમાર્ક નિફ્ટી છેલ્લાં કેટલાંક સપ્તાહોથી 16 હજારની સપાટીને સ્પર્શ કરવામાં સંઘર્ષનો સામનો કરી રહ્યો છે ત્યારે તેના લઘુ બંધુ એવા નિફ્ટી સ્મોલ-કેપ્સ ઈન્ડેક્સે સોમવારે પ્રથમવાર 10000ના સીમાચિહ્નનને પાર કર્યું હતું. જોકે ત્યારબાદ ઈન્ડેક્સ 0.8 ટકા સુધારા સાથે 9981ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. સમગ્ર કોવિડકાળમાં સ્મોલ-કેપ ઈન્ડેક્સે લાર્જ-કેપ્સ તથા મીડ-કેપ્સની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. ઈન્ડેક્સ બન્યાં બાદ પ્રથમવાર તેણે આટલા લાંબા સમય સુધી ચડિયાતો દેખાવ જાળવી રાખ્યો છે. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સનું માર્કેટ-કેપ આ સાથે જ રૂ. 3.74 લાખ કરોડ પર પહોંચ્યું છે.
કેલન્ડર 2021ની વાત કરીએ તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્મોલ-કેપ ઈન્ડેક્સે 41 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. 31 ડિસેમ્બર 2020ના રોજ તે 7088ના સ્તરે ટ્રેડ થતો હતો. જ્યાંથી સોમવાર સુધીમાં લગભગ છ મહિનામાં તેણે 10008ની ટોચ દર્શાવી હતી. સમાનગાળામાં લાર્જ-કેપ પ્રતિનિધિ નિફ્ટીએ 13 ટકા રિટર્ન નોંધાવ્યું છે. 31 ડિસેમ્બરે બેન્ચમાર્ક 13982ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યાંથી સુધરતાં રહી તેણે 15915ની ટોચ દર્શાવી છે. આમ નિફ્ટીની સરખામણીમાં સ્મોલ-કેપ્સે ત્રણ ગણાથી વધુ વળતર રળી આપ્યું છે. આ જ સમયગાળા દરમિયાન નિફ્ટી મીડ-કેપ્સે 30 ટકાનું આકર્ષક રિટર્ન આપ્યું છે. જોકે તે સ્મોલ-કેપ ઈન્ડેક્સની બરોબરી નથી કરી શક્યો. માર્ચ 2020માં વૈશ્વિક બજારોમાં કડાકા વખતે દર્શાવેલાં તળિયાથી સ્મોલ-કેપ ઈન્ડેક્સ ત્રણ ગણાથી ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. એટલેકે 3202ના તળિયાના સ્તરેથી તેણે 212 ટકાનું રિટર્ન નોંધાવ્યું છે. જેની સરખામણીમાં નિફ્ટી 7500ના તળિયાથી હાલના સ્તરે 111 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે.
સ્મોલ-કેપ ઈન્ડેક્સે તેણે જાન્યુઆરી 2018માં દર્શાવેલી 9656ની સર્વોચ્ચ સપાટીને ગયા મહિને પાર કરી મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતુ. જેને ધ્યાનમા રાખીને ટેકનિકલ એનાલિસ્ટ્સ માને છે કે ઈન્ડેક્સ હજુ પણ લાર્જ-કેપ્સ અને મીડ-કેપ્સની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ જાળવી રાખશે. નિફ્ટીમાં આગામી 6-9 મહિનામાં 17300ના ટાર્ગેટની સમકક્ષ તેઓ નિફ્ટી સ્મોલ-કેપમાં 12300નો ટાર્ગેટ જોઈ રહ્યાં છે. આમ સ્મોલ-કેપ ઈન્ડેક્સ વધુ 22 ટકા રિટર્ન દર્શાવે એમ તેઓ માને છે. સ્મોલ-કેપ કંપનીઝે ચોથા ક્વાર્ટરમાં ખૂબ સારા અર્નિંગ્સ દર્શાવ્યાં છે અને જૂન ક્વાર્ટરમાં પણ તેમનો દેખાવ ટકી રહે તેવી પ્રબળ અપેક્ષા છે. જે કારણે પંટર્સ મોટી માત્રામાં નાના કાઉન્ટર્સમાં પોઝીશન લઈ રહ્યાં હોવાનું તેઓ ઉમેરે છે.

ડોલર સામે રૂપિયામાં 44 પૈસાનો તીવ્ર સુધારો
સપ્તાહના પ્રથમ દિવસે યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. શુક્રવારે બે મહિનાના તળિયા પર 74.75ની સપાટી પર બંધ રહેલો રૂપિયો સોમવારે 44 પેસા સુધરી 74.31ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ તેણે અડધા ટકાથી વધુનો સુધારો નોંધાવ્યો હતો. ભારતીય ચલણમાં ત્રણ સપ્તાહના સતત ઘટાડા બાદ ગણનાપાત્ર સુધારો જોવા મળ્યો હતો. ફોરેક્સ માર્કેટના વર્તુળોના મતે ઈક્વિટી માર્કેટમાં પોઝીટીવ અન્ડરટોન તથા વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સની ઓવરબોટ સ્થિતિ પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં મજબૂતી આવી છે. જોકે મધ્યમગાળા માટે રૂપિયો નરમ જ જણાય છે. જો તે 74.30ના સ્તર પર ટકવામાં સફળ રહે તો વધુ સુધારો દર્શાવી શકે છે. જ્યારે 74.80 નીચે તે વધુ નરમાઈ નોંધાવશે.
વૈશ્વિક મજબૂતી પાછળ ચાંદી રૂ. 70 હજાર કૂદાવી ગઈ
વૈશ્વિક બજારમાં 2 ટકાથી વધુના સુધારા પાછળ સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ રૂ. 70 હજારની સપાટી પાર કરી ગયા હતાં. એમસીએક્સ સપ્ટેમ્બર વાયદો રૂ. 70500ની સપાટી પર ટ્રેડ થયો હતો. વૈશ્વિક કોમેક્સ ખાતે તે 2 ટકા મજબૂતી સાથે 26 ડોલરની સપાટી ફરી કૂદાવી ગયો હતો. ડોલરમાં નરમાઈને કારણે સોનુ-ચાંદી બંને કિંમતી ધાતુઓ મજબૂતી દર્શાવી રહી હતી. સીએફટીસી ખાતે 29 જૂને પૂરા થયેલાં સપ્તાહ દરમિયાન લોંગ પોઝીશનમાં 3260 કોન્ટ્રેક્ટ્સનો ઉમેરો જોવા મળ્યો હતો અને તે 33142 કોન્ટ્રેક્ટ્સ પર પહોંચી હતી. એમસીએક્સ ખાતે ગોલ્ડ સાધારણ સુધારા સાથે રૂ. 47313ના સ્તરે મજબૂતી દર્શાવતું હતું. બેઝ મેટલ્સમાં પણ સાર્વત્રિક મજબૂતી જોવા મળી રહી હતી.
જીઆર ઈન્ફ્રા બજારમાંથી રૂ. 963 કરોડ ઊભા કરશે
ઈપીસી કંપની જીઆર ઈન્ફ્રા મૂડીબજારમાંથી આઈપીઓ મારફતે લગભગ રૂ. 963 કરોડ ઊભા કરશે. કંપની રૂ. 828-837ના પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. આઈપીઓ 7 જુલાઈએ ખૂલશે અને 9 જુલાઈએ બંધ થશે. ગ્રે-માર્કેટમાં કંપનીના ઓફરભાવ સામે શેર 30 ટકાનું પ્રિમીયમ દર્શાવી રહ્યો છે.ઊંચા વેલ્યૂએશન્સ જોતાં ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ પૂરો ના પણ થાયઃ નોમુરા
ભારતીય બજાર 2021-22ના અર્નિંગ્સના 22.5ના ઊંચા પીઈ પર ટ્રેડ થઈ રહ્યું છે

ભારતીય શેરબજારના વર્તમાન વેલ્યૂએશન્સને જોતાં કેન્દ્ર સરકારે નાણાકિય વર્ષ 2021-22 માટે નિર્ધારિત કરેલો ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક પૂરો ના થાય તેવું બને એમ નોમુરા જણાવે છે. જાપાની ઈન્વેસ્ટમેન્ટ બેંકરે સોમવારે 2021 એશિયા ઈકોનોમિક, કરન્સિઝ એન્ડ ઈક્વિટીઝ મીડ-યર આઉટલૂકની સમીક્ષામાં આમ નોંધ્યું હતું.
નોમુરાના મતે 2021-22ના અર્નિંગ્સને ધ્યાનમાં રાખતાં ભારતીય બજારના વેલ્યૂએશન 22.5ના પીઈ પર જોવા મળી રહ્યાં છે અને તે ખૂબ ઊંચા છે. આ સ્થિતિમાં સરકારે બજેટમાં નક્કી કરેલો રૂ. 1.75 લાખ કરોડનો ટાર્ગેટ હાંસલ થવો કઠિન છે. સમીક્ષા દરમિયાન એપીએસી ઈક્વિટી રિસર્ચના જોઈન્ટ હેડે જણાવ્યું હતું વૈશ્વિક રોકાણકારો રેશનલ નથી તેઓ ઈમોશ્નલ છે. વેલ્યૂએશન્સના પરંપરાગત માપદંડો જેવાકે પ્રાઈસ-ટુ-અર્નિંગ્સ રેશિયો(પીઈ) સૂચવે છે કે ભારતીય ઈક્વિટીઝ હાલમાં 2021-22ના અર્નિંગ્સ પર 22.5 ગણા વેલ્યૂએશ્સ પર ટ્રેડ થઈ રહી છે. જેની સરખામણીમાં જાપાન 16.5ના પીઈ પર જ્યારે ચીનનું બજાર 15ના પીઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. ઊંચા ઈન્ફ્લેશન જોખમ છતાં ભારતીય બજાર માટે આગામી સમયગાળામાં મુખ્ય ચાલકબળ કોર્પોરેટ અર્નિંગ્સ જ બની રહેશે એમ નોમુરા જણાવે છે.
તેમના તાજેતરના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતીય બજાર નાણાકિય વર્ષ 2020-21થી 2022-23 દરમિયાન અર્નિંગ્સમાં સરેરાશ 26 ટકા વૃદ્ધિને હાલના વેલ્યૂએશન પર ગણનામાં લઈ ચૂક્યું છે. આ અર્નિંગ્સ ગ્રોથમાં મુખ્યત્વે બેંક્સ ઓટો, મેટલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને આઈટી ક્ષેત્રોનું યોગદાન મુખ્ય હશે. જ્યારે બીજી બાજુ કન્ઝયૂમર, ટેલિકોમ અને ફાઈનાન્સિયલ સેક્ટર્સ સંભવિત જોખમોનો સામનો કરી રહ્યાં છે અને સમગ્રતયા અર્નિંગ્સ અંદાજોમાં તેઓ 5-10 ટકાના ઘટાડાનું કારણ બની શકે છે. જો 10 ટકા ઘટાડાને પણ ગણનામાં લઈએ તો 2021-23 દરમિયાન સરેરાશ 19 ટકા અર્નિંગ્સ વૃદ્ધિ જોવા મળી શકે છે. જે ભૂતકાળમાં જોવામાં આવેલા એક અંકી અર્નિંગ્સ વૃદ્ધિ દરની સરખામણીમાં ઘણી ઊંચી છે. નોમુરા ઉપરાંત એચએસબીસી, જેફરિઝ અને મોતીલાલ ઓસ્વાલ પણ ભારતીય બજારના વેલ્યૂએશન્સને લઈને ચેતવણી ઉચ્ચારી ચૂક્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage