માર્કેટ સમરી
નિફ્ટીએ 15000 સાથે 14950નો સપોર્ટ પણ તોડ્યો
ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ અંતિમ બે દિવસો દરમિયાન નરમાઈ દર્શાવી હતી અને શુક્રવારે તેણે 15000નું સ્તર તોડવા સાથે 14950નો મહત્વનો સપોર્ટ પણ ગુમાવ્યો હતો. બજારમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી હતી. એનર્જી ક્ષેત્રને બાદ કરતાં તમામ ક્ષેત્ર નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. અલબત્ત, ઘટાડા પાછળનું કારણ વૈશ્વિક બજારોમાં નરમાઈ હતું. લાંબા સમયબાદ ગુરુવારે વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ભારતીય બજારમાં સાધારણ વેચવાલી નોંધાવી હતી.
ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર્સ નવી ટોચ પર
બ્રોડ માર્કેટમાં નરમાઈ વચ્ચે અગ્રણી સિમેન્ટ ઉત્પાદકોના શેર્સમાં સુધારો જોવા મળ્યો હતો. જેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 1372ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 88 હજાર કરોડને પાર કરી ગયું હતું. દેશમા સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર પણ 2 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 6946ના સ્તરે ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 7 હજારથી સહેજ છેટે રહી ગયો હતો. તેણે રૂ. 1.97 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. તે દેશની ટોચની 15 કંપનીઓમાં સ્થાન પામે છે. અંબુજી સિમેન્ટ્સનો શેર પણ રૂ. 298ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે એસીસી રૂ. 1894 પર ટ્રેડ થયો હતો.
લાંબા ગાળા બાદ મીડ અને સ્મોલ-કેપનું અન્ડરપર્ફોર્મન્સ
છેલ્લા મહિનામાં બેન્ચમાર્ક્સમાં નરમાઈ વખતે પણ મીડ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી જોવા મળતી હતી. જોકે શુક્રવારે આ ક્રમ તૂટ્યો હતો અને બ્રોડ બેઝ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એક ટકાથી ઓછા ઘટાડા સાથે બંધ આવ્યો હતો ત્યારે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 2.15 ટકા અને નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.55 ટકાના ઘટાડે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ ખાતે પણ માર્કેટ-બ્રેડ્થ ખૂબ ખરાબ રહી હતી. જેમાં કુલ 3129 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1904 અગાઉના બંધ સામે ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 1083 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં.
પીએસયૂ બેંક શેર્સમાં ભારે વેચવાલી
શુક્રવારે બજારમાં પીએસયૂ બેંક સેગમેન્ટ સૌથી વધુ નરમાઈ દર્શાવતું હતું. નિફ્ટી પીએસયૂ બેંક 4 ટકા ગગડ્યો હતો. જ્યારે વ્યક્તિગત પીએસયૂ બેંક શેરમાં 6 ટકા સુધીનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેમાં બેંક ઓફ બરોડા 6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જ્યારે જેએન્ડકે બેંક 5.5 ટકા, કેનેરા બેંક 5.31 ટકા, પીએનબી 4.36 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 3.51 ટકા અને એસબીઆઈ 3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. અન્ય પીએસયૂ બેંક શેર 1.-3 ટકા સુધીનો ઘટાડો નોંધાવી રહ્યાં હતાં.
વૈશ્વિક બજારમાં ગોલ્ડે 1700 ડોલરની સપાટી તોડી, બેઝ મેટલ્સમાં બાઉન્સ
વૈશ્વિક બજારમાં સોનું 1700 ડોલર નીચે 1690 ડોલર સુધી ગગડ્યું હતું. જે તેનું 9 મહિનાનું તળિયું હતું. સ્થાનિક સોનું પણ રૂ. 44200 સુધીનો ઘટાડો દર્શાવતું હતું. જે 10-મહિનાની નીચી સપાટી હતી. એમસીએક્સ ખાતે સિલ્વર ફ્યુચર પણ 0.55 ટકા અથવા રૂ. 362ના ઘટાડે રૂ. 65559 પર ટ્રેડ થતો હતો. કોપર, નીકલ, ક્રૂડ, લેડ અને ઝીંકમાં મજબૂતી જોવા મળી રહી હતી. ક્રૂડ રૂ. 4785ની તેની 13 મહિનાની ટોચ પર ટ્રેડ થયું હતું. વૈશ્વિક બજારમાં બ્રેન્ડ વાયદો 67 ડોલર પાર કરી જતાં સ્થાનિક બજારમાં પણ સુધારો નોઁધાયો હતો.
માર્કેટ આઉટપર્ફોર્મર્સ
બજારમાં મંદી વચ્ચે કેટલાક ચોક્કસ કાઉન્ટર્સે મજબૂતી જાળવી હતી. જો માર્કેટમાં બાઉન્સ જોવા મળશે તો આ કાઉન્ટર્સ અન્યોની સરખામણીમાં ચઢિયાતો દેખાવ જાળવી શકે છે. આવા કાઉન્ટર્સમાં વેદાંત(2.81 ટકા), ઓએનજીસી(2 ટકા), ગેઈલ(1.9 ટકા), આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ(1.65 ટકા), મારુતિ સુઝુકી(1.65 ટકા), મહાનગર ગેસ(1.5 ટકા), કોટક મહિન્દ્રા બેંક(1.31 ટકા), હીરોમોટોકો(1.22 ટકા) અને કોલગેટ(0.85 ટકા)નો સમાવેશ થાય છે.
માર્કેટ અન્ડરપર્ફોર્મર્સ
બજારમાં મંદી દરમિયાન સતત વેચવાલીનું દબાણ અનુભવનારા કાઉન્ટર્સમાં એપોલો ટાયર્સ(6.29 ટકા), બેંક ઓફ બરોડા(6 ટકા), નાલ્કો(6 ટકા), સેઈલ(5.7 ટકા), એપોલો હોસ્પિટલ્સ(5.35 ટકા), કેનેરાબેંક(5.31 ટકા), ટ્રેન્ટ(5 ટકા), ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ(5 ટકા), જીએમઆર ઈન્ફ્રા.(5 ટકા) અને ઈન્ડસઈન્ડ બેંક(5 ટકા)નો સમાવેશ થાય છે. માર્કેટમાં વધુ ઘટાડા વખતે તેઓ અન્ડરપર્ફોર્મન્સ જાળવી શકે છે.